પરિચય

લેખક-પરિચય

દલપતરામ (ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈ, જન્મ 21, જાન્યુ. 1820 — અવ. 25, માર્ચ 1898)ની અટક ‘કવિ’ થઈ એ,  વિદ્યાપ્રેમી અંગ્રેજ અમલદાર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સે એમને ‘કવેશર’(કવીશ્વર) કહ્યા એ કારણે. કવિતા પર, પદ્યની ઘણી ખાસિયતો પર એમની હથોટી હતી — એમણે જ કહ્યું છે એમ, ‘રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે’. ‘વેનચરિત્ર’ નામનું લાંબું કથાકાવ્ય એમણે પ્રવચનરૂપે રજૂ કરેલું. ‘એક શરણાઈવાળો..’,  ‘ઊંટ કહે આ સભામાં..’, જેવાં જાણીતાં થયેલાં એમનાં પ્રસંગકાવ્યોએ કાવ્યશિક્ષણનું તેમજ બાળશિક્ષણનું કામ પણ કરેલું. આખાય લોકવ્યવહારને બલકે બહોળા સમાજને વિષય કરતી છંદોબદ્ધ અને પદ-ગરબીસ્વરૂપની અનેક કાવ્યરચનાઓ એમણે કરી છે. દલપતરામે ‘ભૂતનિબંધ’, ‘દૈવજ્ઞદર્પણ’, વગેરે જેવા સમાજ-સુધારાલક્ષી ગદ્યગ્રંથો પણ લખેલા છે. એમનું ‘લક્ષ્મી નાટક’ એ,  એમણે કોઈ પાસેથી સાંભળેલા અંગ્રેજી નાટકનું મુક્ત રૂપાંતર છે, ‘મિથ્યાભિમાન’ સમાજસુધારાને લક્ષ્ય કરતું, વિનોદ-કટાક્ષની શક્તિઓવાળું એમનું — અને ગુજરાતી નાટ્યસાહિત્યનું પણ એક ઉત્તમ નાટક છે. છેક આજસુધી એ ભજવાતું અને શીખવાતું આવ્યું છે. દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ સામયિક દ્વારા પણ સમાજની, વિદ્યાજગતની અને સાહિત્યજગતની ઘણી મોટી સેવા કરેલી છે. એમના સમયના એ એક અગ્રણી સંસ્કારપુરુષ હતા એથી એમના સમગ્ર કાર્યને ‘સાહિત્ય દ્વારા કરેલી  સંસ્કૃતિસેવા’ તરીકે પણ ઓળખાવી શકાય.

— રમણ સોની

 

કૃતિ-પરિચય

‘મિથ્યાભિમાન’(1870) કવિ દલપતરામનું, વાચન અને ભજવણી બંનેમાં આનંદદાયક બને એવું દીર્ઘ નાટક છે. ખોટું અભિમાન કરનાર દંભી માણસના દૃષ્ટાંત તરીકે, એક ઈનામી સ્પર્ધા માટે લખાયેલું આ નાટક લોકનાટ્ય ભવાઈની તેમજ સંસ્કૃત નાટકની ઘણી ખાસિયતો ધરાવતું દલપતરામનું રસપ્રદ અને સફળ સાહિત્યકાર્ય છે.

જીવરામ ભટ્ટ રતાંધળા છતાં દેખતા હોવાનો દંભ કરતા, સાસરીમાં આવતાં અંધારે ઠેબાં ખાતા, સૌની મશ્કરીનો ભોગ બનતા, નાની વયની કન્યાના આધેડ પતિ તરીકે વગોવાતા ને છેવટે હાસ્યમિશ્રિત કરુણનો ભોગ બનતા, આ નાટકના નાયક છે. ગુજરાતી સાહિત્યનાં ઠઠ્ઠા-ચરિત્રોમાં એ પહેલા છે ને એ રીતે, રમણભાઈ નીલકંઠે લખેલી ‘ભદ્રંભદ્ર’ નવલકથાના એવા જ હાસ્યપાત્ર ભદ્રંભદ્રના સમર્થ(!) પૂર્વજ છે. તે સમયને અનુરૂપ સુધારાનો પ્રગટ બોધ પણ આપતું હોવા છતાં રંગલો વગેરે વિવિધ લાક્ષણિકતાવાળાં પાત્રોને રજૂ કરતું અને ખૂબ વિનોદી સંવાદોથી પ્રસન્ન કરતું આ નાટક સુવાચ્ય અને ભજવણીયોગ્ય છે. ગુજરાતી રંગભૂમિ પર એના સમયેસમયે ઘણા સફળ પ્રયોગો થયેલા છે, ને વર્ષોથી યુનિવસિર્ટીઓના અભ્યાસક્રમોમાં એ સ્થાન પામતું રહ્યું છે, એથી આ નાટક સતત આસ્વાદ-ચર્ચાથી ધ્યાનપાત્ર બનેલું છે.

એવા રસમય નાટકમાં હવે પ્રવેશીએ —

— રમણ સોની

License

મિથ્યાભિમાન Copyright © by દલપતરામ. All Rights Reserved.

Share This Book