જીવરામભટ્ટ ને રઘનાથનું કુટુંબ

અંક ૪થો/પ્રવેશ ૧
જીવરામભટ્ટ ને રઘનાથનું કુટુંબ

अंक ४ थो

पात्र ૧. જીવરામભટ્ટ, ૨. રઘનાથભટ્ટ, ૩. સોમનાથ, ૪. દેવબાઈ, ૫. રંગલો, ૬. ગંગાબાઈ, પાડી અને પાથરેલી શેતરંજી.
સ્થળ – રઘનાથ ભટ્ટનું ઘર
પ્રવેશ ૧લો
(પડદો ઉઘડ્યો ત્યાં ઉપર લખેલાં પાત્રો છે, ગંગા સિવાય.)
સોમના૰—જીવરામભટ્ટ, આ શેતરંજી ઉપર તમારું આસન રાખો. અને આ તમારાં લૂગડાં સંભાળીને મૂકો. (તે મૂકે છે)
દેવબા૰—જીવરામભટ્ટ, તમે અત્યારે રાત વેળાના ક્યાંથી આવ્યા?
જીવ૰—દહાડે તડકો બહુ પડે છે, માટે પાછલે પહોર ઘેરથી નીકળ્યા હતા. અમે જાણ્યું કે અજવાળી દૂધ, ધોળા દહાડા જેવી રાત છે, માટે ચંદ્રમાને અજવાળે ચાલ્યા જઈશું.
રંગલો૰—જુઓ, હજી પોતાનું અભિમાન મૂકતો નથી.
દેવબા૰— તાપ કેવો પડે છે?
જીવ૰— (ગ્રીષ્મવર્ણન)
शार्दूलविक्रीडित वृत्त
ताता तापथकी तमाम तरुथी, पक्षी बिचारां पडे,
वृदो वांनरनां विशेष विखरी, ज्यां त्यां पछी जै चडे;
अंबू[૧] उष्ण नदी तळाव तटमां, मच्छो तर्ष्यां तर्फडे,
भारे भीषण ग्रीष्मकाळ कहिये, नाना प्रकारे नडे. ३७
દેવબા૰— ગોવાળ તો કહેતો હતો કે એક ઘડી રાત જતાં પાડીનું પૂછડું પકડીને તમારો જમાઈ ગામના પાદરમાં આવતા હતા, અને આટલી બધી રાત સુધી તમે ક્યાં રોકાયા?
જીવ૰— તમારા ગામને પાદર મોટું તળાવ છે, તેમાં અત્યારે સુંદર પોયણીઓ ખીલી છે, તેની શોભા જોવા સારૂ ઘણી વાર સુધી તો અમારૂં મન ત્યાંજ વળગી રહ્યું હતું. જાણે કે રાત્રીરૂપી સ્ત્રીનું મુખ જોવાનું દર્પણ હોય એવું સરોવર શોભતું હતું. તે વિષે અમે એક શ્લોક કહ્યો.
દેવબા૰— શી રીતે કહ્યો?
જીવ૰— (શીખી રાખેલો)
वसंततिलका वृत्त
चंद्रभाव मुख शर्वरि[૨] बालिकानो,
तारातणो समूह मौक्तिक[૩] मालिकानो;
आ लोक मध्य अतिलायक लेखवानुं,
शोभीत श्रेष्ठ सर[૪] दर्पण देखवानुं। ३८
રંગલો—આંખો મીચીને તે શ્લોક કહ્યો હશે?
જીવ૰— તે પછી તો પહોર રાત ગઈ, એટલે જાણ્યું કે હવે તો સૂઈ રહ્યાં હશે, માટે આપણે પણ અહીં ગામને પાદર સૂઈ રહેવું. સવારે ઊઠીને તમારે ઘેર આવવાનો વિચાર હતો.
દેવબા૰—આગળ તમે અહીં આવ્યા હતા, ત્યારે તો કહેતા હતા કે હું સંધ્યાકાળથી અનુષ્ટાન કરૂં છું, માટે દહાડો આથમે એટલે તરત એક ઓરડીમાં પેસતા હતા ને સવારે બહાર નીકળતા હતા. તે અનુષ્ટાન પુરૂં થયું કે શું?
રંગલો—તે અનુષ્ટાન ને જીવરામભટ્ટની આવરદા, બંને સાથે પૂરાં થશે.
उपजाति वृत्त
स्वभावनी साधित साधनानुं,
पुरूं अनुष्ठान नथी थवानुं;
समाप्ति तेनी मरवा समामां,
पूर्णाहुती तो पछिथी चितामां ३९
જીવ૰— અનુષ્ઠાન તો હજુ પુરૂં થયું નથી; પછી આખા વર્ષમાં ફક્ત એક રાતે બહાર નીકળવાની અમે છૂટા રાખી છે.
દેવબા૰—રોજ રાતે તમે શેનું અનુષ્ઠા કરો છો?
રંગલો—ઉંઘદેવીનું અનુષ્ઠાન કરે છે.
જીવ૰— અમે અજપા ગાયત્રીનું અનુષ્ઠાન કરીએ છૈએ.
દેવબા૰—અજપા ગાયત્રી કેવી હશે?
સોમના૰—બ્રહ્મા ગાયત્રી, વિષ્ણુ ગાયત્રી, રૂદ્ર ગાયત્રી, ગણ્શે ગાયત્રી, ઈત્યાદિ ઘણા પ્રકારની ગાયત્રીઓ છે, તેમાં જપ કર્યાં વગર એની મેળે જપાય તે અજપા ગાયત્રી કહેવાય છે.
દેવબા૰— જપ કર્યા વગર શી રીતે જપાય?
જીવ૰— આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, અને પાછો મૂકીએ છીએ, ત્યારે તે શ્વાસના ધ્વનિનો આભાસ થાય છે તે.
દેવબા૰—શ્વાસ ધ્વનિનો આભાસ કેવો હોતો હશે?
જીવ૰—શ્વાસ લેતા हं, અને મૂકતાં स:,વળી લેતાં सो, અને મૂકતાં हं, ધ્વનિ થાય છે તેથી “ हंस:सोहं”એવો મંત્ર નિરંતર એની મેળે જપાયા કરે છે. તે દરેક પળમાં ૬ વાર, ને એક ઘડીમાં ૩૬૰ વાર, અને એક દહાડો ને રાત મળીને એકવીસ હજાર ને છસેં શ્વાસોચ્છવાસ લેવાય છે, તેનું નામ અજપા ગાયત્રી કહેવાય છે; ને તે રાત આખી મળીને ૧૦૮૦૦, એટલે સો માળા જપાય છે. આ ઉપરથી માળાના મણકા ૧૦૮ કર્યાં હશે. માટે સવારમાં નહાયા પછી હાથમાં જળ લઈને સંકલ્પ કરવો કે આજ હું દશ હજારને આઠસેં અજપા ગાયત્રી જપું તે બ્રહ્માર્પણમસ્તુ. તો પછી બીજી ગાયત્રીનો, કે કોઈ મંત્રનો જાપ કરવાની જરૂર નથી.
રંગલો૰—થયું, સંધ્યામાળાનું માંડી વાળ્યું.
દેવબા૰— કેવું આસન વાળીને એ મંત્રનો જાપ થતો હશે?
જીવ૰— આસન ચોરાશી પ્રકારનાં કહ્યાં છે. આમ કાચબાની પેઠે બેશીને જપ કરે તો कूर्मासन કહેવાય. આમ મચ્છની પેઠે લાંબો પડીને જપ કરે તે मत्स्यासन, આમ પારસનાથની પેઠે બેસે તે पद्मासन, एकपादासन, उर्ध्वभुजासन, हंसासन, वृषभासन, गरूडासन વગેરે. (કેટલાંએક આસન ભોંય વાળી દેખાડે છે.)
દેવબા૰—ત્યારે તમે રાતે કયું આસન વાળીને અજપા ગાયત્રી જપો છો?
જીવ૰— અમે રાતે આમ શબાસને કરીને ચારે પહોર અજપા ગાયત્રી જપીએ છૈએ. (મડદાની પેઠે સૂઈ દેખાડે છે.)
રંગલો૰—આ તો માણસની બળતી ચહેમાં વાળવું પડે છે તે સાસન થયું.
જીવ૰— (ઉઠીને) શાસ્ત્રમાં તો રાતના ચારે પહોરનાં જુદાં જુદાં ચાર આસન કહેલાં છે.
દેવબા૰—તે કેવાં હશે?
श्लोक
सर्वांगाच्छादन पूर्वं, सैकवस्त्रासनं तत:।
दिगंबरासनं पश्चाच्छान कुंडलिकासनम् ४०
અર્થ— રાતના પહેલા પહોરમાં આવી રીતે આખા શરીર ઉપર ઓઢીને લાંબા થઈને પડવું, તે “ સર્વાંગાચ્છાદનાસન” કહેવાય. પછી બીજે પહોરે ઓઢેલી ચાદર ખશી જાય, અને પહેરેલુંજ એક પોતિયું રહે તે “સૈકવસ્ત્રાસન” કહેવાય. ત્રીજે પહોરે તે એક લૂગડું પણ ખશી જાય તે દિગંબરાસન કહેવાય.
રંગલો૰—દિગંબરાસન કરી દેખાડોને.
જીવ૰— દિગંબરાસન જોવું હોય તો જઈને કાશીના પરમહંસોને જો.
દેવબા૰— પછી ચોથે પહોરે કેવું આસન વાળો છો?
જીવ૰— પાછલે પહોરે ટાઢ પડે તે વખતેઆવી રીતે”શ્વાન કુંડલિકાસન” વાળવુંજ જોઈએ. એવા આસન વાળો તો અજપા ગાયત્રીની સિદ્ધિ થાય છે.
દેવબા૰—ત્યારે અનુષ્ઠાનની વખતે ધૂપ, દીવા કરવા જોઈએ તે?
જીવ૰—માનસિક ધૂપ દીવા કરીએ છૈએ.
દેવબા૰—માનસિક કેવી રીતે?
જીવ૰—મનમાં ધારીએ કે દેવજી સરૈયાની દૂકાનમાં આગ લાગી, અને અગરબત્તીની કોઠી સળગી ઉઠી; એટલે દેવને ધૂપ સારી પેઠે થયો. મ્યુનિસિપાલ ખાતાવાળાએ દીવા કર્યાં એટલે દેવને दीपं समर्पयामि” એમ કહીને જલ મૂકીએ; એટલે થયું. દેવને કાંઈ જોઈતું નથી. દેવ તો ભાવના ભૂખ્યા છે.
દેવબા૰—ત્યરે કાલે હું પણ મનમાં ધારીશ કે જીવરામભટ્ટાને લાડવા, જલેબી, બરફી વગેરે ભાતભાતનાં ભોજન समर्पयामि એમ કહીને જળ મુકીશ એટલે થયું પછી તમારે વાસ્તે મારે રસોઈ કરવી પડશે નહિ.
જીવ૰— માણાસને તો એમ ન ચાલે, અને દેવને તો ચાલે.
નોંધ
પાણી
રાત
મોતી
તળાવ
(પૂર્ણ)

License

મિથ્યાભિમાન Copyright © by દલપતરામ. All Rights Reserved.

Share This Book