રઘનાથ અને સોમનાથ જીવરામ ભટ્ટને ખોળે છે

અંક ૩જો
રઘનાથ અને સોમનાથ જીવરામ ભટ્ટને ખોળે છે

अंक ३ जो

પાત્રઃ ૧ રઘનાથભટ્ટ, ૨ સોમનાથ, ૩ રંગલો , ૪ જીવરામભટ્ટ.
પ્રવેશ ૧ લો
સ્થળ — ગામનું પાદર.
પડદો ઉઘડ્યો—
(ત્યાં ત્રણ જણ ઉભા છે, અને જીવરામભટ્ટ એક કોરાણે ખાડમાં સૂતેલો છે.)
સોમના૰—બાપા, અજવાળી રાત કેવી સારી શોભે છે? અને આ ગામનું પાદર પણ કેવું રળિયામણું દેખાય છે.
રધના૰—અજવાળી રાતે રોજ અહીં આવતા હઈએ તો સારૂં.
સોમના૰—જીવરામભટ્ટને ગામથી આવવાનો રસ્તો તો આ છે; પણ જીવરામભટ્ટ ક્યાંઈ જણાતા નથી.
રઘના૰—જો, આટલામાં ક્યાંઈ હશે.
સોમના૰—અરે,આટલામાં તો ક્યાંઈએ નથી. એ તો રતાંધળો ક્યાંઈ ચઢી ગયો હશે.
રઘના૰—એક બે ઘાંટા કાઢીને બોલાવ જોઈએ. આટલામાં હશે તો બોલશે.
સોમના૰— એ!!! જીવરામભટ્ટ, જીવરામભટ્ટ — બાપા, અહીં તો કોઈ બોલતું નથી.
રંગલો—ઘાંટો ક્યાં કાઢી શકે છે? એમ બોલાવાય કે આમ બોલાવાય? હે!!! જીવરામભટ્ટ, જીવરામભટ્ટ, હે!! ઉ, એમ બોલાવય.
રઘના૰—રસ્તાની આજુબાજુએ જો, ક્યાંઈ ઉંઘી ગયો હશે.
સોમના૰—ખાડને કાંઠે કાંઈક લૂગડાં જેવું જણાય છે. વળી સુવાવડીના ગાભા જેવું કાંઈક છે.
રઘના૰—જા, જઈને જો. રતાંધળો છે, માટે ખાડમાં પડી ગયો ન હોય.
જીવરા૰—(સુતો સુતો બબડે છે) જો રાંડનો, મારો સસરો થઈને મને રતાંધળો કહે છે, તો પછી બીજા લોકો કહેજ તો!
સોમના૰—આ પાઘડી તો જીવરામભટ્ટની છે ખરી. આવું નવઘરૂં બીજા કેનું હોય? અને ખાડામાં કોઈ માણસ સૂતું હોય એવું જણાય છે.
રઘના૰—બુમ પાડીને બોલાવી જો, તે હશે તો બોલશે.
સોમના૰—(ઘાંટો કહાડીને) જીવરામભટ્ટ, જીવરામભટ્ટ! બાપા, આ તો કોઈ બોલતું નથી.
मालिनी वृत.
अणसमजु जनोना संशयो सद्य छूटे,
पण समजु जनोना संशयो तो न खूटे;
सरळ—मन जनोनी भांगतां उंघ भागे,
कुटील जन कदापि जागता ते न जागे.२९
રઘના૰—ઉંઘી ગયો હશે,તું જઈને જગાડ.
રંગલો—ટાંટિયો ઝાલીને ખેંચ, એટલે જાગશે.
સોમના૰—બાપા, કદાપિ ભૂત હોય તો મને બીક લાગે.
રંગલો—મારને એક પથરો.
સોમના૰—બાપા, કહો તો એક પથરો મારૂં એટલે જાગશે.
રઘના૰—વળી તેનું માથું ફુટે તો પાટો આપણે બાંધવો પડે.
दोहरो
कदि तेने हळिये नहि, जो रिस बहु चडी जाय;
मारीने रोवुं पडे, पस्तावो पछि थाय. ३०
માટે આ ખાડને કાંઠે હું ઉભો છું, અને તું ખાડમાં જઈને એને જગાડ, એટલે તને બીક નહિ લાગે.
રંગલો—તને નહિ આવડે. જો હું જગાડું.(તેનો ટાંટીઓ ઝાલીને ખુબ ઘસડે છે અને બોલે છે કે) ઓ જીવરામભટ્ટ, ઓ જીવરામભટ્ટ!!
જીવ૰—અરે કોણ છે? કોણ છે?
સોમના૰—અલ્યા! અલ્યા! એમ શું કરે છે? (મારવા જાય છે.)
રંગલો—જો જો ગણના ભાઈ દોષ. જાગતો નહોતો તેને મેં જગાડી આપ્યો, ત્યારે ઉલટો મને મારવા આવે છે. તારો વાંક નથી ભાઈ. આ વખતજ એવો છે કે જેનું ભલું કરીએ, તે બુરૂં માને.
शार्दूलविक्रीडित वृत्त.
वाणी नम्रपणे घणेज वदिये, तो तुच्छ ते तो गणे,
शांति राखि कुवाक्य खूब खमिये, तो लात हाथे हणे;
केवो छे विपरीत काळ कळिनो? शुं हुं वखाणुं वधु?
सारुं कोइ तणुं कदापि करिये, बूरुं गणे ते बधुं. ३१
સોમના૰—ઉઠો, ઉઠો,અહીં ખાડામાં કેમ સૂઈ રહ્યા છો?
જીવ૰—સાસરિયામાં જવું, તે કોઈ તેડવા બોલાવવા આવે અને માનપાન દેખીએ તો જઈએ, નહિ તો ગામને પાદર સુઈ રહીએ.
સોમના૰—ચાલો! હવે અમે બે જણા તેડવા આવ્યા છીએ. પેલો ગોવાળ કહેતો હતો કે પાડીનું પૂછડું પકડીને જીવરામભટ્ટ આવે છે.
જીવ૰—અમારે તમારે ઘેર આવવું નથી. જો આવવું હોય તો પાડી સાથે આવીએ નહિ?.
સોમના૰—શા વાસ્તે અમારે ઘેર આવવું નથી? તમને કોઈએ કાળું ગોરૂં કહ્યું છે?
જીવ૰—તમારી માએ એક દહાડો મને રતાંધળો કહ્યો હતો, માટે તમારે ઘેર અમારે આવવું નથી. એટલા સારૂ અહીં સુતા છીએ.
સોમના૰—વારૂ, અમારે ઘેર ન આવવું હોય તો ગામમાં આવીને કોઈને ઘેર રાત રહેવું હતું.
જીવ૰—અમે સમ ખાધા છે કે અમારે તમારા ગામનું પાણી પીવું નહિ. આ તો તેડવા આવ્યા વિના છૂટકો નહિ, માટે આવ્યા છીએ. તે અહીં ગામને પાદર રાત રહીને સવારે તમારે ઘેર આવીને અમારા માણસને લઈને ચાલ્યા જઈશું.
સોમના૰—તો ગામને પાદર ક્યાંઈ સારી જગા જોઈને સૂવું હતું; પણ આ ખરાબ ખાડામાં આવીને કેમ સુતા છો?
રંગલો—ખાડામાં લોકો દિશાએ જાય છે, એવી સારી જગા બીજે ક્યાં મળે?
જીવ૰—બીજે ક્યાંઈ સુતા હઈએ અને વળી કોઈ દેખે, તો તાણ કરીને તેને ઘેર તેડી જાય; માટે આ ખાડામાં કોઈ દેખે નહિ એમ સુતા છીએ.
રઘના૰—ચાલો, ચાલો. હવે તમને કોઈ રતાંધળા કહેશે નહિ.
જીવ૰—અમારે તો તમારે ઘેર આવવું નથી.તમે બોલો તો તમને તમારી જનોઈના સમ.
રંગલો—આ બ્રાહ્મણની કોટમાં જનોઈ ન હોત તો બિચારો સેના સમ ખાત?
સોમના૰—ઉઠો ઉઠો, બોલો તો તમને બ્રાહ્મણના સમ.
જીવ૰—અમને આ ગામમાં રહેતા હોય એટલા બધા બ્રાહ્મણોના સમ, જો અમે કદિ તમારે ઘેર આવીએ તો; અને તમે દીકરાના સમ ખાશો નહિ.
રંગલો—એવો તે કોણ ગાંડો હોય કે છતે બ્રાહ્મણે દીકરાના સમ ખાય.
રઘના૰—(હાથ ઝાલીને) ઉઠો ઉઠો! મારા સમ.
જીવ૰—તમારા સમ અમે આવીએ તો;અમારે તમારા ઘરનું પાણી અગ્રાહ્ય [૧] છે.
રઘના૰—પણ તમારી સાસુએ તમને ક્યારે રતાંધળા કહ્યા?
જીવ૰—તમારી પાડોશણની આગળ એક દહાડો છાનાંમાનાં કહેતાં હતાં, તે અમે કાન ધરીને સાંભળ્યું હતું. રતાંધળા જ હઈએ ને કહે તો દુઃખ લાગે નહિ; પણ અમે કંઈ રતાંધળા નથી.
રંગલો—અરે! મેં પણ એક દહાડો સાંભળ્યું હતું.
રઘના૰—તમે જેવા છો, તેવા બધું જગત જાણે છે. કંઈ છાનું રહે નહિ. તમને રતાંધળા કહે, તે ઝખ મારે છે. ચાલો; હું તમારી સાસુને ઠપકો દઈશ. હવે પછી તમને કોઈ દહાડો એવું કહેશે નહિ.
જીવ૰—આ ભવમાં તો હવે તમારે ઘેર અમારે પાણી પીવું નથી; કેમકે અમે આકરા સમ ખાધા છે.
રઘના૰—એમ તે થાય! કાંઈ આપણે એક બીજાથી છૂટવાના નથી; સાંકડી સગાઈ ઠરી. કણકમાં પાણી ભળ્યું તે ભળ્યું. તે કરતાં ચાલો, તમને પાંચ રૂપિયાની પાઘડી બંધાવીશું.
સોમના૰—તમને પગે લાગીને કહું છું કે ઘેર ચાલો.
જીવ૰—ઘેર આવ્યાનું તો તમારે અમને કહેવું જ નહિ.
સોમના૰—મારી પાધડી તમારે ખોળે છે. હું પાધડી ઉતારીને તમને પગે લાગું છું. તમે અમારા પુજનિક છો.
જીવ૰—નહિ નહિ, પાઘડી ઉતારશો નહિ,આ આભ ને જમીન એક થાય, તો પણ અમારે તમારે ઘેર નથી આવવું.
રંગલો—અત્યારે તો આભ ને જમીન એકજ છે તો. જુદાં કોણ દેખે છે?
રઘના૰—આ જનોઈ કાઢીને તમારી આગળ મૂકું છું. તમે પહેરાવો તો પહેરીશ, નહિ તો અહિંથી પરભાર્યો સન્યાસીના મઠમાં જઈને સન્યાસી થઈ જઈશ. પણ હું તમને તેડ્યા વિના ઘેર જનાર નથી.
સોમના૰—હવે તો પૃથ્વીનો છેડો આવી રહ્યો. જીવરામભટ્ટ, હવે તો માનવું જોઈએ.
જીવ૰—ફક્ત પાંચ રૂપૈયાની પાઘડી સારૂ અમે મનાઈ એ કે?
રંગલો—પાંચ રૂપૈયા સારૂ બ્રાહ્મણના સમ ભાગે કે? વધારે આપે તો અત્યારે ભાગે.
સોમના૰—અરે! બે રૂપૈયા વધારે આપીશું, ચલો તો ખરા.
જીવ૰—વીશ રૂપૈયામાં એક બદામ ઓછી લેવાનો નથી.
રંગલો—જાઓ જાઓ, એક બાંડુ ગધાડું દોરીને આપશે.
રઘના૰—વીશ રૂપૈયાની અમારી ત્રેવડ નથી. (કાનમાં) પણ સોમનાથને કહે એકાંતે આવ આપણે વિચાર કરીએ. (એકાંતે જઈને) પાઘડીનું તો એને બહાનું છે, પણ રાત વેળાએ તે દેખતો નથી, માટે તું એનાં લૂગડાં એકઠાં કરી આપ. પાઘડી, લાકડી ક્યાં પડી હશે તે દેખતો નથી, માટે તેની પાઘડી લઈને તું એને માથે મૂક, અને પછી હાથ ઝાલીને ઉભો કર; એટલે મોઢે તો ના ના કહેશે, પણ આવશે ખરો.
સોમના૰—ઠીક છે, એમ કરીશ. (પાસે જાય છે.)
રઘના૰—સોમનાથ, તું જીવરામભટ્ટનાં લૂગડાં, દોરી, તુંબડી, બધું તપાસી લે.
સોમના૰—તપાસી લીધાં. જીવરામભટ્ટ, ચાલો ચાલો, જેમ તમે રાજી થશો તેમ કરીશું. લો, આ તમારી પાઘડી પહેરો.
જીવ૰—(પાઘડી ફેંકી દે છે.) ના, ના, અમારે આવવું નથી.
સોમના૰—(ફરી ફરીને પાઘડી પહેરાવે છે.) બોલો તો મારા સમ, બ્રાહ્મણના સમ, બ્રહ્મહત્યા, ગૌહત્યા.
જીવ૰—(સોમનાથનો હાથ ઝાલીને ઠેબાં ખાતો ખાતો ચાલે છે.)
રંગલો—વાહ! વાહ! છેલબટુકની ચાલ જો જો. આ ગામની બાઈડીઓ જોશે તો મોહિત થઈ જશે.
(જીવરામભટ્ટને ખભેથી ધોતિયું પડી જાય છે ને સોમનાથનો હાથ તેના હાથમાંથી છૂટી જાય છે. સોમનાથ આગળ જઈને ઉભો રહે છે. જીવરામભટ્ટ હેઠો બેશીને ફાંફા મારે છે, પણ ધોતિયું જડતું નથી, એટલે ત્યાં હેઠે બેસે છે.)
સોમના૰—વળી કેમ હેઠે બેઠા? ચાલોને.
જીવ૰—તમારે ઘેર આવતાં અમારૂં માન વધતું નથી. અમે તો આજની રાત અહીંજ બેસી રહીશું. કહ્યું છે કે,—
शार्दूलविक्रीडित वृत्त
जेना नेत्र विशे सनेह न मळे, हैडुं न हर्खे मळी,
मोढे मिष्ट वदी वखाण करीने, पूंठे वखोडे वळी;
दुःखे दाझ दिसे नहिज दिलमां, देखी वडाइ बळे,
तेने घेर जवुं जरुर न घटे, जो मिष्ट मेवा मळे. ३२
સોમના૰—ચાલો ચાલો, તમારૂં ધોતિયું ભોંયથી લ્યો.
જીવ૰—રસ્તા વચ્ચે અપવિત્ર જગામાં પડ્યું, માટે અમે તે લેતા નથી. (એમ કહીને, બીજી તરફ હાથે અનાદર કરે છે.)
રંગલો—હવે તે ધોતિયું કામમાં આવશે નહિ.
उपजाति वृत्त
अशक्यताथी नहि हाथ आवे,
तो दोष तेमां ठग ते ठरावे;
थाके कदी जो करि कूदकारो,
कहे, नथी ते फळ स्वाद सारो. ३३
રઘના૰—(ધોતિયું લઈને જીવરામભટ્ટને ખભે મૂકે છે.) લો, લો. આ તમારૂં ધોતિયું.
જીવ૰—(વારે વારે ફીંકી દે છે) નહિ, નહિ! હવે એ ધોતિયું અમે કદી પહેરવાના નહિ.
સોમના૰—લાવો બાપા મારે ખભે નાખું. (લે છે) જીવરામભટ્ટ ચાલો. (હાથ ઝાલે છે.)
જીવ૰—તમારી મા અહીં સુધી સામાં તેડવા આવશે, તોજ અમે તમારે ઘેર આવીશું.
રંગલો—ખરી વાત છે કે:
उपजाति वृत्त
नही स्वपत्नी प्रिय सासरामां,
के सर्व जेने न गणे कशामां;
सासूथि सन्मान नही थवानुं,
धिकार! ते सासरिये जवानुं. ३४
રઘના૰—રાતવેળાની એ તે અહીં ક્યાં આવે? (હાથ ઝાલીને) ચાલો ચાલો.
જીવ૰—(ચાલે છે.)
સોમ૰—જીવરામભટ્ટ, હમણાં તમે તમારે ઘેર શો ધંધો કરો છો?
રંગલો—ગધાડાં ચરાવવાનો.
જીવ૰—હાલ અમે લખણું લખીએ છીએ. તે દહાડાના બસો શ્લોક અને રાતના ત્રણસેં શ્લોક લખી કહાઢીએ છીએ. અમારા જેવા અક્ષર આખા શહેરમાં બીજા કોઈના નથી. પાંચ રૂપિયાના એક હજાર શ્લોક લખી આપીએ છીએ.
રંગલો—રતાંધળો!!! (કહીને નાશે જાય છે.)
જીવ૰—(છાતી કૂટે છે) હાય! હાય! (હેઠો બેસે છે.) જાઓ! હું તો તમારે ઘેર નહિ આવું.
રંગલો—

दोहरो
मानीने अपमानथी, चडे कारमो काळ;
जो नव चाले जोर तो, कूटे आप कपाळ, ३५
રઘના૰—ગામના લોકો કહે તેમાં અમે શું કરીએ? અમારાથી કાંઈ ગામના મોઢે ગળણું બંધાય? લોકો તો દેખે તેવું કહે. અમારા ઘરનાંએ કોઈએ કહ્યું હોય, તો અમારો વાંક.
સોમના૰—ચાલો માબાપ, ચાલો. અમે તો તમારી ખુશામત કરીને થાક્યા હવે.
જીવ૰—તમારા ગામના દરબારને કહીને એવો બંદોબસ્ત કરાવો કે ગામમાં અમને કોઈ રતાંધળા કહે નહિ, તોજ અમે તમારે ઘેર આવીશું; નહિ તો નહિ આવીએ.
રઘના૰—સોમનાથ, તું જઈને ઠાકોરને[૨] કહે કે ગામમાં બંદોબસ્ત કરે કે જીવરામભટ્ટને આપણા ગામમાં કોઈ રતાંધળો કહે નહિ.
સોમના૰—હું જાઉં છું. (જાય છે)
રંગલો—આવો દરિદ્રી, ભીખારી અને મિજાજી છે, તેની આટલી બધી ખુશામત શી કરવી? અમે પણ અમારે સાસરે તો જઈએ છીએ, ત્યાં આટલી બધી અમારી ખુશામત કોઈ કરતું નથી.
રઘના૰—તું શું સમજે! તે આવા દરિદ્રી મિજાજી છે; પણ કુળવાન છે. માટે કાલ અમારી દીકરી ઉપર સોક્ય લાવે, એટલા સારૂ આટલી ખુશામત કરવી પડે છે. નહિ તો તેનું મોઢુએ જોઈએ નહિ, એટલી મનમાં તો રીસ ચડે છે. દીકરીને ખાવા ધાન, અને પહેરવા લુગડું એના ઘરનું મલતું નથી, માથે ઘાલવા ધુપેલ સુદ્ધાં અમારે પૂરૂં કરવું પડે છે. દીકરીના દુઃખનો પાર નથી.
રંગલો—ત્યારે એવાને દીકરી દેવાથી શો ફાયદો?
રઘના૰—નાતજાતમાં આબરૂ મેળવવા ગયા, ભોગ લાગ્યા ભાઈ. જ્યારે માથે વીતે ત્યારે માણસની આંખો ઉઘડે. હવે ગમે તે થાય તોપણ કદી એવા કુળમાં દીકરી દઈએ નહિ. એવી આબરૂમાં ભડકો ઉઠ્યો!!
સોમના૰—(આવીને) બાપા, હું દરબારને કહી આવ્યો. તે હાલ બંદોબસ્ત કરશે.
રઘના૰—જીવરામભટ્ટ, ચાલો. હવે તમને કોઈ કહી શકનાર નથી.
જીવ૰—તમારા ગામનું કોઈ કહે, તો હવે તમે જમાન ખરા.
રઘના૰—અમે તો લોકોને શું કરી શકીએ? પણ અમારો ઠાકોર બંદોબસ્ત કરશે; એટલે પછી તમને કોણ કહી શકનાર છે? (એવામાં થાળી પીટાય છે.)
રંગલો—એ! રઘનાથભટ્ટનો જમાઈ, જીવરામભટ્ટ આપણા ગામમાં આવે છે, તેને કોઈ રતાંધળો કહેશો નહિ, જે કેશે તે દરબારનો ગુન્હેગાર છે. સાદ સાંભળજો!!!
જીવ૰—આ શેનો સાદ છે?
સોમના૰—તમને કોઈ રતાંધળો કહે નહિ, એવો દરબારની તરફથી સાદ પાડે છે. હવે કોઈ કહે તો અમારો ઠાકોર તેનાં નાક ને કાન કાપે; અને ગામમાં નહિ જાણતા હોય, તે પણ જાણશે કે રતાંધળા કહેવાથી જીવરામભટ્ટ ચીડે છે. માટે હવે કોઈ કહેશે નહિ.
રંગલો—
दोहरो
खीजी खामी ढांकतां, लाखो जाणे लोक;
अभिमानी अभिमानथी, फजेत थाये फोक. ३६
(પડદો પડ્યો.)
ગાનારા ગાય છે—“મેલ મિથ્યાભિમાન,” (ઈત્યાદી.)
નોંધઃ અગ્રાહ્ય = ન લેવા જોગ.
જે ગામમાં આ નાટક થતું હોય, ત્યાંના ઠાકોરનું કે દિવાનનું નામ લેવું

License

મિથ્યાભિમાન Copyright © by દલપતરામ. All Rights Reserved.

Share This Book