પૂર્વરંગ

(એટલે પાત્ર આવ્યા પહેલાં ગાનારા ગાય છે તે.)

રાગ બિહાગ. “બાનાની પત રાખ, પ્રભુ તારા બાનાની પત રાખ” એ રાગનું પદ છે.

મેલ મિથ્યા અભિમાન, મનવા મેલ મિથ્યા અભિમાન;
મન મિથ્યા અભિમાન ધરે તે, નર કહીએ નાદાન, મનવા૰ — ટેક.

મિથ્યાભિમાને માન મળે નહિ, ગને ન કોઈ ગુણવાન;
ઉલટું અધિક અપમાન મળે ને, જરૂર ઉપજે જાન — મ૰ ૧

મિથ્યાભિમાન તે દુઃખનુંજ મંદિર, સુખનું નથી રે સંસ્થાન;
નથિ નથિ તેમાં સ્વાદ કે શુભ ફળ, નથિરે ધનનું નિધાન — મ૰ ૨

માટે તું મિથ્યા માન મૂકીને, કર ગોવિંદગુણ ગાન;
તત્ત્વ વિચારી તારા હિતનું કહું તે, કથન ધરી લે કાન — મ૰ ૩

નમ્રપણા રૂપી નિર્મળ જળમાં, સ્નેહ સહિત કર સ્નાન;
તેના પ્રતાપથી તારા અંતરમાં, પ્રભુની પડશે પિછાન — મ૰ ૪

મિથ્યાભિમાનનું મૂરખ થઈને, તું નવ રાખીશ તાન;
મિથ્યાભિમાનથી મહા પ્રભુ તને, દેશે નહિ સુખદાન — મ૰ ૫

માન મૂકીને માન કહ્યું તો, ઘર હરિપદનું ધ્યાન;
સારમાં સાર તો તેથી નથી બીજું, સંસારમાં તે સમાન — મ૰ ૬

માન રૂપી વિષપાન તજીને, કર પ્રભુગુણ પયપાન;
મિથ્યાભિમાનમાં મોહિત થઈને, તું ન કરીશ તોફાન — મ૰ ૭

નમ્રપણા પર નિશદિન તારૂં, કર તન ધન કુરબાન;
ભોળપણાથકી ભ્રમિત થઈને, ભૂલીશ નહિ કદિ ભાન — મ૰ ૮

નમ્રપણા થકી નાથ રિઝે એમ, કહે છે પુરાણ કુરાન;
મિથ્યાભિમાન તો મહાભયંકર, સળાગતું છે સમશાન — મ૰ ૯

મિથ્યાભિમાનિના મનમાં ભલે કદી, ગમે તેવું હોય જ્ઞાન;
તોપણ તેને તૃણની જ તુલ્યે, જાણે છે સકળ જહાન — મ૰ ૧૦

મિથ્યાભિમાનનું મૂળમાંથી કદી, થાય ખેદાન મેદાન;
દશમુખ, દુરજોધન, આદિકનું, સૃષ્ટિમાં ન રહ્યું સંતાન — મ૰ ૧૧

નમ્રપણામાં નિત્ય રહે નર, મનાય એજ મહાન;
નમ્રપણા થકી નિર્ભય પદનો, જગપતિ થાય જમાન — મ૰ ૧૨

મિથ્યાભિમાનથી મુઆ કમોતે, ખાનખાનાં સુલતાન;
મિથ્યાભિમાની માણસ મનમાં, હઠ ધરી થાય હેરાન — મ૰ ૧૩

મિથ્યાભિમાન તો મુઆ પછી પણ, નરકનું જાણ નિશાન;
જુના ગ્રથોમાં જુઓ તપાસીને, અનેક છે આખ્યાન — મ૰ ૧૪

આ નાટકમાં જ્યારે ફૂરસદ મળે ત્યારે ઉપલા પદમાંની બે ચાર લીટીઓ ગાવી. અંક પૂરો થતાં ગાવાનું સાત વાર આવશે, માટે દરએક પ્રસંગે બબ્બે ચરણ ગાઈને ૧૪ ચરણ પૂરાં કરવાં.)

License

મિથ્યાભિમાન Copyright © by દલપતરામ. All Rights Reserved.

Share This Book