રઘનાથભટ્ટ સહુકુટુંબ

અંક ૨જો/પ્રવેશ ૧
રઘનાથભટ્ટ સહુકુટુંબ

अंक २ जो

પાત્ર
૧. રંગલો.
૨. રઘનાથભટ્ટ— જીવરામભટ્ટનો સસરો.
૩. દેવબાઈ— જીવરામભટ્ટની સાસુ.
૪. સોમનાથ— જીવરામભટ્ટનો સાળો, ઉમ્મર વર્ષ ૧૭ નો.
૫. જમના— જીવરામભટ્ટની વહુ ઉમ્મર ૨૰ ની.
૬. ગંગા— જમનાની બહેનપણી.
૭. પાંચો— ભરવાડ.
સ્થળ— રઘનાથભટ્ટનું ઘર. (પડદો ઉઘડ્યો)
(ત્યાં રઘનાથ ભટ્ટ સહુકુટુંબ બેઠા છે, વળગણીએ ટુંકા પનાનાં પોતિયાં, અને ધોતિયું સૂકવેલું છે. તુળસી ક્યારો ને દર્ભની જૂડી છે. એકેકું ધોતિયું બાપ દીકરે પહેરેલું, એકેકું અંગવસ્ત્ર ઓઢેલું, ઉઘાડે માથે સોમનાથને વેદ ભણાવે છે. યજુર્વેદના હાથે સ્વર લઈને.)
રઘનાથ— धीरान्दुग्ध्यध्युपद्ध्युषद्
સોમના૰—धीरान् ઉઉ, ઉંઉંઉંઉં, અ.
(ત્રણ ચાર વાર કહેવરાવે છે પણ આવડતું નથી.)
રઘના૰— સરત રાખીને ભણ. કોઈ મુસલમાન રસ્તે જતો હશે, તેને કાને વેદનો શબ્દ પડશે તો તે મંત્ર નિષ્ફળ થશે. (મશાલચીને) અલ્યા કાનમાં આંગળીઓ ઘાલજે. આ વેદનો મંત્ર સાંભળીશ તો તું કાને બહેરો થઈશ.
સોમના૰—બાપા, વાણિયાને કણબીને કે રજપુતને વેદ સંભળાવાય કે નહિ?
રઘના૰—નહિ. એ લોકોને પુરાણોક્ત શ્લોકથી કર્મ કરાવવું. એમના આગળ વેદનો મંત્ર ભણાય નહિ.
દેવબા૰— અમસ્તા મિથ્યાભિમાન કરે છે. મનમાની દક્ષણા મળે તો નવાબ સાહેબની આગળ પણ વેદ ભણે, અને હાઉક સાહેબની સોમયાગ[૧] કરાવે એવા છે.
સોમના૰— બાપા, આ મંત્રનો શો અર્થ હશે?
રઘના૰—જા જા રાંડના, વળી વેદના અર્થ તે થાય કે? વેદનો અર્થ પરમેશ્વર જાણે, કે બ્રહ્મા જાણતા હતા, બીજું કોઈ જગતમાં જાણતું જ નથી.
બોલ — सन्ध्या सढं हाहनाहनम्
સોમના૰—सध्या ઉંઉંઉંઉં. બાપા, આ તો બહુ કઠણ છે. માટે આ પડતું મૂકીને શાસ્ત્રી પાસે સંસ્કૃત વ્યાકરણ ભણવા જાઉં?
રઘના૰— સંસ્કૃત વ્યાકરણ ભણીને આપણે શું કરવું છે?
સોમના૰—પુરાણ શસ્ત્ર ભણીને કથા વાંચવા શીખીશ.
રઘના૰— શાસ્ત્રીઓને અને પુરાણીઓને ખરા બ્રાહ્મણોની હારમાં કોણ ગણે છે? એ તો શૂદ્ર જેવા કહેવાય.
સોમના૰— શાસ્ત્રી પુરાણી શૂદ્ર જેવા ગણાય?
રઘના૰— હા. વ્યાકરણશાસ્ત્ર ને પુરાણ તો વેરાગીએ ભણે; પણ અન્ય વરણથી વેદ ભણાશે? બ્રાહ્મણને તો વેદનો જ અધિકાર છે. પેશ્વાની સભામાં દક્ષણા વહેંચાતી તે વેદિયાને ઉત્તમ, શાસ્ત્રીને મધ્યમ અને પુરાણીને કનિષ્ટ દક્ષણા અપાતી.
સોમના— ત્યારે પુરાણની કથા આપણે સાંભળવી કે નહિ?
રઘના૰— અમારા ઘરડા હતા, તે પુરાણની કહાણીઓ વંચાતી હોય, ત્યાં થઈને જવું પડે, તો કાનમાં આંગળીઓ ઘાલીને ચાલ્યા જતા હતા, પુરાણના ગપ્પાંનો શબ્દ કાનમાં પડે તો બ્રાહ્મણનો કાન અપવિત્ર થાય. એ તો શૂદ્રોએ વાંચવા ને સાંભળવા જોઈએ. સુતપુરાણી પણ શૂદ્ર હતો.
હં બોલ —सन्ध्या सढं हाहनाहनम्
સોમના૰— सन्ध्या ઉંઉંઉં.
રઘના૰— (સોમનાથને મારવા માંડે છે, સોમનાથ રોવા માંડે છે.)
દેવબા૰— (હાથનું લટકું કરીને) મારા છોકરાને મારશો નહિ. ભણતાં નહિ આવડે તો ચાલ્યું. બ્રાહ્મણનો દીકરો છે તે ભીખ માંગી ખાશે. ભૂખે તો નહિ મરે?
રઘના૰— હું જાણું છું કે તું છોકરાને ભીખ માગતો કરવાની છે.
દેવબા૰— ત્યારે તમે ભણી ભણીને ક્યાંના કારભાર કર્યા? સો સો જણાની આગળ કાલાવાલા કરીને દાન દક્ષણા માગી લાવો છો, તો પણ કાંઈ ઉંચું તો આવ્યું નહિ. પેલો શાસ્ત્રીનો છોકરો ને પુરાણીનો છોકરો અંગ્રેજી ભણીને સરકારની નોકરી કરે છે, તે મહીને મહીને પચાશ રોપૈયાનો પગાર લાવે છે. મારે તો છોકરાને તમારૂં ભણતર ભણાવવું નથી, કાલથી ઈસ્કોલમાં મૂકવો છે.
રઘના૰— મ્લેચ્છની વિદ્યા ભણાવીને મારી સાત પેઢીનું નામ તું બોળવા બેઠી છે?
દેવબા૰— આ ભણવું તે રળી ખાવા સારૂ કે બીજું કાંઈ? ત્યારે જેમાંથી બે રૂપૈયા સુખેથી મળે તે ભણતર ખરું બીજું ભણતર શા કામનું!
નોંધઃ પુનામા દક્ષણીઓએ કરાવ્યો હતો.

License

મિથ્યાભિમાન Copyright © by દલપતરામ. All Rights Reserved.

Share This Book