જીવરામભટ્ટનો મંદવાડ

અંક ૮ મો/પ્રવેશ ૧
જીવરામભટ્ટનો મંદવાડ

अंक ८ मो

પાત્ર—૧ રંગલો. ૨ રઘનાથભટ્ટ. ૩ સોમનાથ. ૪ દેવબાઈ. ૫ જીવરામભટ્ટ. ૬ વૈદ્ય.
સ્થળ—રઘનાથભટ્ટનું ઘર

પ્રવેશ ૧ લો.

(પડદો ઉપડ્યો, ત્યાં ખાટાલામાં જીવરામભટ્ટ સૂતા છે, અને પાસે રઘનાથભટ્ટ, દેવબાઈ, સોમનાથ બેઠા છે, અને રંગલો ઉભો છે.)
દેવબા૰—(રઘનાથને) હળદર અને ભોંયરસો ઉનો કરીને બધે શરીરે ચોપડ્યો હોય તો ઠીક.
રંગલો—બેક મરીને મસાલો ચોપડ્યો હોય તો ઠીક.
રઘના૰—હળદરને ભોંયરસાથી શું થાય? આવળ મંગાવીને બાફીને બધે શરીરે બાંધવી પડશે.
રંગલો—મારૂં કહ્યું માનો તો ડાક્ટરને બોલાવીને તેની સલાહ લો.
દેવબા૰—ના અમારે દાક્તરને નથી બોલાવવો. તેના ઓષડથી ન મટે તો એ તો ઝેર દઈને મારી નાખે.
સોમના૰—આપણા શહેરમાં ત્રીકમલાલ [૧] વૈદ્ય વખણાય છે, તેને બોલાવી લાવું?
રંગલો૰—ત્રીકમલાલ વૈદ્યને ભક્ષ પાક્યો. જો આ ઉગરનારો હશે ને ઉગરશે, તો ત્રીકમલાલ વૈદ્યને ઓછામાં ઓછા પચાસ રૂપૈયા મળશે; અને કદાપિ આ મરી જશે, તો ત્રિકમલાલના બાપનું કાંઈ જવાનું નથી. છેલ્લી વારે જમવાનું તો મળશે જ.
રઘના૰— તે કરતાં પેલા જામનગરના વૈદ્ય અંબાશંકર થોડાં વર્ષ થયાં અહીં આવીને રહેલા છે, તે વધારે હુંશિયાર ગણાય છે. ઘણે ઠેકાણેથી તેમને આબરૂ મળી છે, તેમને બોલાવ.
રંગલો૰—અરે! જામનગરના વૈદ્યનું શું કામ છે? જામનગરના વદનેઆવવાને હવે વાર નથી.
સોમના૰—તેનું ઘર તો અહીંથી વેગળું છે, માટે ત્રિકમલાલને જ તેડી લાવું?
રઘના૰—ઠીક છે જા, ઝટ ઉતાવળો આવજે. (તે જાય છે.)
દેવબા૰—જીવરામભટ્ટ, તમે શી રીતે પકડાયા?
જીવ૰—(છેક હળવે બોલે છે, માટે તે સઉને રઘનાથ કહી સંભળાવે છે.) હું રાતમાં લઘુશંકા કરવા ઉઠ્યો હતો, તે ખાટલાના પાયા સાથે પાઘડીનો એક છેડો બાંધીને બીજો છેડો હાથમાં રાખ્યો હતો, પણ વચમાંથી પાઘડી પાડીએ ચાવી ખાધી, તેથી તૂટી ગઈ તેથી હું તમારા ઉપર આવીને પડ્યો, એટલે તમે બૂમ પાડીને નાઠાં, કે ચોર છે! ચોર છે!
દેવબા૰—તમે બોલ્યા નહિ કે, એ તો હું છું?
જીવ૰— મેં ઘણુંએ કહ્યું કે હું છું; પણ તે સોરબકોરમાં મારો બોલ કોઈએ સાંભળ્યો નહિ; અને ઘણું તો હું શરમમાં પડ્યો, તે બોલી શક્યો નહિ.
દેવબા૰—મેં એવું સાંભળ્યું હતું ખરૂં, કે હું માફી માગવા આવ્યો છું. તે શું તમે કહેતા હતા?
જીવ૰— હા, હુંજ કહેતો હતો.
રંગલો૰—આઅગળ તો “ અમે કહેતા હતા, અને અમે ચાલતા હતા” એમ મિજાજમાં બોલતો હતો. હવે કહે છે કે “હા, હું કહેતો હતો.”
શેની માફી માંગતા હતા?
જીવ૰—મેં જમતી વખતે તમને લાત મારી હતી, તેથી પછી જ્યારે હું તમારા ઉપર પડ્યો, ત્યારે, મારા મિથ્યાભિમાનને ખોડ ઢાંકવા સારૂં હું કહેતો હતો કે મેં તમને લાત મારી છે, તેની માફી માગવા આવ્યો છું.
રઘના૰—મેં જાણ્યું કે ચોરે ચોરી કરી છે, તેની માફી માગે છે.
સોમના૰—તમે રાતે દેખતા નથી, ત્યારે મને જગાડીને કહીએ નહિ કે મારે ખાળે જવું છે? ઓ હું તમને ખાળે લઈ જાત.
જીવ૰—હવે મને ઘણોય પસ્તાવો થાય છે, કે એમ કર્યું હોત તો ઠીક.
રંગલો૰—
दोहरो
जे मति पीछे उपजे, ते मति आगे होय;
काज न विनसे आपनो, दुर्जन हसे न कोय। ७०
રઘના૰—દીવો નહોતો, તેથી અંધારામાં મેં આને સોમનાથે પણ તમારા ઉપર લાકડીઓના ઝપાટા માર્યા.
રંગલો૰—અને વળી બંદાએ કચાશ રાખી છે?
જીવ૰—અરે કાચી કેદમાં આખી રાત જે મેં જે પીડા ભોગવી છે, તેવી તો જમપુરીના કુંડમાં પણ નહિ હોય.
દેવબા૰—ત્યાં શું તમને સિપાઈઓએ માર્યા હતા.
રંગલો૰—માર્યા નહોતા. પાટલે બેસારીને પૂજા કરવા લઈ ગયા હતા.
જીવ૰—અરે! ત્યાં એક લીમડાની ડાળે દોરડું બાંધી મૂકેલું છે, ત્યાં મને નવસ્ત્રો કરી ઊંધે માથે લટકાવ્યો.
રંગલો૰— ત્યારે દિગંબરાસન થયું
જીવ૰—અને ચારે તરફથી સિપાઈઓએ ધોકાના માર મારીને મારી પાંસળીઓ ભાંગી નાખી.
જીવ૰— ઠીક કર્યું.
જીવ૰—મને કહે કે બીજા ચોરોનાં નામ બતાવ, અને ચોરીનો માલ બતાવ. હું કેનું નામ દઉં? ને શો માલ બતાવું?
રંગલો— આ રઘનાથભટ્ટનું નામ દેવું હતું, અને મલમાં દેવબાઈ બતાવવાં હતં, કેમકે તેમણે પોતાની આબરૂ વાસ્તે ઊંચા કુળનો નઠારો વર જોયો માટે તે પરમેશ્વરના ઘરનાં ચોર છે.
જીવ૰—હું નામુકર જાઉં, તેમ તેમ સિપાઈઓને વધારે ગુસ્સો ચડાતો હતો, અને કહેતા હતા કે ખૂબ માર ખાશે ત્યારે માનશે.
રંગલો૰—ખરી વાત. ખૂબ માર ખાધો ત્યરે હવે માન્યું કે મિથ્યાભિમાન છે તે ખોટું છે. તે પહેલાં ક્યાં મનાતું હતું.
દેવબા૰—પછી તમને ક્યારે છોડ્યા?
જીવ૰—પરોઢિયે હું છેક બેહોશ થઈ ગયો ત્યારે મને છોડીને ભોંય પર નાંખ્યો.
રંગલો૰—તે વખતે તો ખરેખરૂં ‘ शवासन ‘ થયું હશે
જીવ૰—પણ વળી સવારના દસ વાગતાં મારામાં લગાર ચેતન આવ્યું, એટલે વળી મને મારવા માંડ્યો.
રંગલો૰—એ તો ચડતા પહોરની ષોડશોપચાર પૂજા કરી.
જીવ૰—મોઢા ઉપર લાતો મારી.
રંગલો૰—એ મોઢું એજ લાગનું હતું
જીવ૰—મને મા બહેન સામી ગાળો દીધાનો તો પારજ રાખ્યો નહિ.
રંગલો૰—એ તો દેવબાઈએ વીવામાં ફટાણાં થોડાં ગાયાં હશે, તે સિપાઈઓએ પૂરા કર્યા.
દેવબા૰—અરર! મારા પીટ્યા સિપાઈઓ મહા જૂલમી.
રંગલો૰—સિપાઈઓ કાંઈ જૂલમી નથી. મિથ્યાભિમાન મહાજૂલમી છે, એમ જાણવું.
જીવ૰—મને પ્રત્યક્ષ કાળ—જમના દૂત જેવા લાગ્યા. તોપણ હું તેઓનો વાંક કાઢતો નથી, કેવળ મારા મિથ્યાભિમાનનોજ વાંક કાઢું છું.
રંગલો૰—હવે સમજ્યો.
જીવ૰—જે કોઈ મિથ્યાભિમાન ધરશે, તેને પરમેશ્વર, છતે દેહે અથવા નરકમાં, આવી પીડા ભોગવાવશે.
રંગલો૰—અલબત્ત.
જીવ૰—એવો મેં નિશ્ચય કર્યો.
નોંધ: જે ગામમાં આ નાટક થતું હોય તે ગામના વૈદ્યનું નામ લેવું પણ વેષમાં તેનું નામ ધરાવવું નહિ.

License

મિથ્યાભિમાન Copyright © by દલપતરામ. All Rights Reserved.

Share This Book