ભોજન પ્રસંગ

અંક ૪થો/ભોજન પ્રસંગ

भोजन प्रसंग

દેવબા૰ – ઊઠો, હવે નહાઈ લો. કંસાર, દાળ, ભાત તૈયાર છે, અને રસોઈ ઠરી જાય છે.
જીવ૰ – અમે સોમનાથભટ્ટને કહેલું છે, કે અમારે તમારા ઘરનું અન્ન ખાવું નથી.
સોમના૰ – લો, એ તો જાણ્યું જાણ્યું! હવે છાનામાના નહાઈ લો. લો, આ નહાવાનું પંચિયું.
જીવ૰ – ના અમારે નથી જમવું. (એમ કહેતો કહેતો પંચિયું પહેરીને ઉભો રહે છે)
સોમના૰ – ચાલો ખાળે. (હાથ ઝાલીને ખાળે લઈ જઈ બેસાડીને) આ હાંલ્લામાં ઊંનું પાણી છે તેથી નહાઓ. (આઘો જાય છે.)
જીવ૰ – (બીજું હાંલ્લું પડખે હતું તે પોતાના ઉપર રેડે છે.)
गंगे च यमुने चैव, गोदावरि सरस्वति,
नर्मदे सिंधो कावेरि, जलेऽस्मिन् संनिधिं कूरु. ४१
હર હર ગંગે, હર હર ગંગે! થુ! થુ! થુ!!!
સોમના૰ – અરે! હાય! હાય! આ શું કર્યું?
જીવ૰ – કેમ શું છે? થુ! થુ! થુ!!!
સોમના૰ – અરે! એ મેલાં હાંલ્લામાં તો ભેંસનું મૂતર હતું. ઊના પાણીનું તો પેલું ઉજળું હાંલ્લું છે.
જીવ૰ – તમને પારકા દુઃખની ખબર પડે નહિ, એટલે હસો છો.
સોમના૰ – કેમ વારૂ?
જીવ૰ – અમે જાણ્યા વગર એમ કર્યું નથી. થુ! થુ! થુ!!!
રંગલો – જીવરામભટ્ટ દેખતા નથી, એમ તમે જાણશો નહિ.
જીવ૰ – અમારે શરીરે લુખસ થઈ છે, માટે વૈદે કહ્યું છે કે પ્રથમ ભેંશના મૂતરે નહાઈને પછી ઊન્હે પાણીએ નાહવું. એટલે લૂખસ મટી જશે. તેથી અમે પ્રથમ ભેંશના મૂતરે નહાયા. હવે આ ઊન્હે પાણીએ નહાઈશું.
સોમના૰ – ઠીક છે, નહાઓ.
જીવ૰ – (નહાઈને ઉભા થઈને ફાંફાં મારે છે; અબોટિયું જડતું નથી, તેથી નાક ઝાલીને ઊભો રહે છે.)
દેવબા૰ – હવે ઝટ અબોટિયું પહેરો, વાળુ ઠરી જાય છે.
રંગલો – નાક સાંભળે છે, જે નાક છે કે ગયું?
જીવ૰ – તમે ગામડિયા લોકો શું સમજો? અમે રોજ નહાઈને ત્રણ ઘડી સુઘી પ્રાણાયામ કરીએ છૈએ. ત્યારે આજ એક બે ઘડી સુઘી તો કરીએ.
રઘના૰ – (સોમનાથને) તે અબોટિયું દેખી શકતો નથી માટે ઢોંગ કરે છે. તું જઈને એના હાથમાં અબોટિયું ઝોંસ.
સોમના૰ – લો, આ અબોટિયું પહેરો.
જીવ૰ – (અબોટિયું પહેરીને ઊભો રહે છે.)
દેવબા૰ – વળી કેમ ઊભા થઈ રહ્યા! ચાલો ઝટ, આવીને આ પાટલે બેસો.
જીવ૰ – અમે અમારા વિચારમાં ઉભા છૈએ. કાંઈ અમસ્તા ઉભા નથી.
દેવબા૰ – વળી શો વિચાર થયો?
રંગલો૰ – વિચાર પેલા ભવના નશીબનો!
જીવ૰ – શો તે શો? અમારા સસરાને પૂછોને.
દેવબા૰ – તમારા સસરાને શું પૂંછું? તમેજ કહોને.
જીવ૰ – અમને દશ રૂપૈયાની પાઘડી આપવાની કહી છે, તે આપો તો જમવા બેશીશું; નહિ તો અમારે જમવું નથી.
દેવબા૰ – અત્યારે પાઘડી ક્યાં લેવા જાય? સવારે આપીશું.
રંગલો૦-ત્યારે તમારો સાલ્લો, કે ઘાઘરો કહાડીને આપો.
જીવ૰ – અમારે અત્યારે જોઈએ. પછી તમે સવારે કાંઈ આપો નહિ, માટે કાં તો કોઈને કબુલાવો.
દેવબા૰ – એટલી દશ રૂપૈયાની પણ અમારી સાહુકારી નથી કે?
જીવ૰ – એ તો બઘા સંસારની રીત છે, કે જેને નાણાવટીઓ હજાર રૂપૈયા ધીરતા હોય, પણ જમાઈ પાંચ રૂપૈયા વાસ્તે જમાન (જબાન) માગે.
उपजाति वृत्त
नामे लखीने धन लख धीरे,
अने गणाता उमदा अमीरे;
ते अल्प माटेज लबाड लागे
जरूर जामत जमान मागे. ४१
दोहरो
अवर कोइ कदि ए रिते, जो मागेज जमान;
तो ते तेने अंतरे, अति माने अपमान. ४२
રઘના૰ – (હળવે, સ્ત્રીને) તે આંધળાને દોરી લાવીને બેસાર.
દેવબા૰ – (હાથ ઝાલીને) ચાલો ચાલો, પાઘડી સવારે આપીશું.
જીવ૰ – ના, ના, ઊંહું! ઊંહું! અમારે નથી જમવું, નથી જમવું. (એમ કરતો આવે છે.)
રંગલો –
दोहरो
कथने तो ना ना कहे, हैयामां हा होय;
धूताराना धोंग ते, कली शके सहु कोय. ४३
દેવબા૰ – આ પાટલા ઉપર બેસો, હું રસોડામાંથી કંસાર લઈ આવું. (એમ કહીને ઝટ જાય છે.)
જીવ૰ – (બેસે છે, પણ મોઢું ભીંત સામું થયું ને થાળી પૂંઠે રહી.)
રંગલો – વાહ વાહ! કહો છોને કે જીવરામભટ્ટ દેખતા નથી?
દેવબા૰ – (આવીને) અરે! એમ અવળે મોઢે કેમ બેઠા? આમ ફરીને બેસો. થાળી તો પછવાડે રહી.
જીવ૰ – અમે કાંઈ વગર જાણે અવળે મોઢે બેઠા નથી; પણ અમારે જમવું નથી, માટે આમ બેઠા છીએ.
દેવબા૰ – હવે આ તરફ મોઢું ફેરવો.
જીવ૰ – પાઘડી આપો તો મોઢું ફેરવીશું; નહીં તો અમારે જમવું નથી.
દેવબા૰ – (ઝાલીને ઊભા કરી બેસારે છે.) જુઓ આ કંસાર એટલો કે વધારે જોશે?
જીવ૰ – (હાથ ફેરવીને) આટલો બસ છે.
દેવબા. – (ઘીની વાઢી લેવા જાય છે. ત્યાં પાડી આવેને થાળીમાંથી કંસાર ખાઈ જાય છે.)
જીવ૰ – શું કરવા હલાવ હલાવ કરો છો? એ તો હમણાં ઠરી જશે.
દેવબા૰ – (આવીને) અરે, હાય! હાય! કંસાર તો પાડી ખાઈ જાય છે. તમે થાળીની ખબર કેમ નથી રાખતા નથી?
જીવ૰ – છોને ખાઈ જતી. અમારે જમવું હોય તો ખબર રાખીએને?
રંગલો – સસરાના ઘરનું છોકરું કે વાછડું આવીને થાળીમાંથી ખાવા માંડે તો તેને કાઢી મૂકાય કે?
દેવબા૰ – (પાડીને હાંકીને બીજો કંસાર પીરસે છે.) જુઓ, એટલો કે વધારે જોશે?
જીવ૰ – એટલો બસ છે.
દેવબા૰ – (રસોડામાંથી વાઢી લાવીને ઘી પીરસે છે.)
દેવબા૰ – વળી રાંડ કંસાર ખાવા આવી કે? લે, ખા! ખા! (જોરથી લાત મારે છે.)
દેવબા૰ – અરર! મુઈ આ દીકરી, ને મુઓ આ જમાઈ! મારો દાંત પડી ગયો! લોહી નીકળ્યું… થુ, થુ, થુ!
રંગલો – ઠીક કર્યું. ભલી લાબશી(લાપશી) ખવરાવી. એ જ લાગની છે.
જીવ૰ – ઘરડાં થયાં પણ હજી તમને પીરસતાં આવડતું નથી. આટલું બધું ઘી રેડાય? આવી લાપશી તમે ખાઓ, અમને તો ભાવે નહીં.
રઘના૰ – લાત શા વાસ્તે મારી?
જીવ૰ – અમારો સ્વભાવ આકરો છે. આમ ઘીનો બગાડ કરે તે અમારાથી ખમાય નહિ તેથી લાત મરાઈ ગઈ.
દેવબા૰ – લો આ દાળ, ભાત અને શાક, હવે જમવા બેસો.
જીવ૰ – (ભાત, દાળ વગેરે થોડાંક એકઠાં કરીને ભોંય ઉપર ત્રણ બલિદાન મૂકે છે.)
દેવબા૰ – તમે એ શું કર્યું?
રંગલો૰ – એના બાપની હોળી કરી.
જીવ૰ – તમે જાણતા નથી કે?
દેવબા૰ – તમારો સસરો રોજ આમ કરે છે ખરા; પણ પણ મેં કદી પૂછ્યું નથી કે આ શા વાસ્તે કરો છો?
જીવ૰ – એ બ્રાહ્મણના કુળનો ધર્મ છે કે એમ કરવું; કેમ કે બ્રાહ્મણ જ્યારે જમવા બેસે છે, ત્યારે તેમનાં દર્શન કરવાને ભૂપતિ એટલે બ્રહ્મા, ભૂવનપતિ એટલે વિષ્ણુ અને ભૂતપતિ એટલે મહેશ્વર, એ ત્રણે દેવો આવે છે.
રંગલો – આવા મિથ્યાભિમાનીનાં દર્શન કરવા કેમ ના આવે? દરબારે ઢંઢેરો પીટાવ્યો છે માટે સવારે બધા ગામના લોકો દર્શન કરવા આવશે.
જીવ૰ – માટે તે દેવોને બળિદાન આપીને જમવા માંડવું, નહિ તો તે ત્રણે દેવો નિરાશ થઈને શાપ દેછે.
રંગલો – ખરી વાત! તમે બલિદાન ન આપો તો તેઓ બિચારા ભૂખે મરે, માટે શાપ દેજ!!
દેવબા૰ – ત્યારે કદાપિ તમે તમારા ગામનો રાજા અને પ્રધાન, કોઈને ઘેર મળવા જાઓ, તે વખતે તે જમવા બેસતો હોય, ને તેના સામા જઈને બેસો. પછી તે ભાત, દાળ વગેરે થોડુંક એકઠું ગંદા જેવું કરીને, જેમ કૂતરા કે બિલાડીને વાસ્તે ભોંય ઉપર ખાવા નાખે, તેમ તમારા સામું નાખીને કહે કે – આ લો, જીવરામભટ્ટ તમે; આ લો દીવાનજી તમે, તો બેઅદબી લાગશે કે નહિ? અને તેથી તમને રીસ ચડશે કે નહિ?
જીવ૰ – માણસને રીસ ચડે, પણ દેવને ચડે નહિ, મોટાનાં પેટ મોટાં હોય, કહ્યું છે કે—
दोहरो मोटा तणां पेट सदैव मोटां,
छोटा तणां पेट सदैव छोटां;
वर्षादने गाळ जनो भणे छे,
तथापि ते क्यां कदिये गणे छे? ४४
(પછી કાંઈ બબડીને પાંચ કોળીયા મોંમાં મૂકે છે.)
દેવબા૰ – એ શું કર્યું?
જીવ૰ – એ તો પ્રાણાગ્નિહોમ.
દેવબા૰ – પ્રાણાગ્નિહોમ એટલે શું?
જીવ૰ – શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણનો દીકરો રોજ અગ્નિહોમના કુંડમાં હોમ કર્યા વિના જમવા બેસે તો તેને મહાપાપ લાગે છે, માટે તેને બદલે પ્રાણરૂપી અગ્નિમાં પ્રથમ પાંચ આહુતિઓ હોમીને જમે તો તેને અગ્નિહોત્ર કર્યા જેટલું પુણ્ય થાય છે.
દેવબા૰ – કોળિયા વાળીને મોંમાં મૂક્યા, તે હોમ કર્યો કહેવાય કે?
જીવ૰ – હા, પ્રાણાગ્નિહોમ કહેવાય. પછી અગ્નિમાં હોમ કરવાની ઝાઝી જરૂર નથી.
દેવબા૰ – ત્યારે પ્રાણાગ્નિહોમ તો બધા પ્રાણીઓ કરે છે, તેમાં તમે શી નવાઈ કરી?
જીવ૰ – આહુતિનો મંત્ર ભણ્યા વિના કોળિયા ભરે તે પ્રાણાગ્નિહોમ કહેવાય નહીં.
દેવબા૰ – ઠીક છે, જમી લો.
જીવ૰ – (રઘનાથને) ગયા વરસમાં અમે ગોદાવરીની જાત્રાએ ગયા હતા, તે રસ્તામાં જે જે ગામ આવ્યાં, તે તે ગામના પંડિતોને બોલાવી ચરચા કરીને અમે જીત્યા હતા.
રઘના૰ – કૈ વિદ્યામાં જીત્યા હતા?
જીવ૰ – વાચાળ વિદ્યામાં જીત્યા હતા.
રઘના૰ – વાચાળ વિદ્યા કૈ કહેવાય? જીવ૰ –
श्लोक
यत्र शाब्दिकास्त्र तार्किका
यत्र तार्किकास्तत्र शाब्दिका;
यत्र नोभयं तत्र चोभयम्
यत्र चोभयं तत्र नोभयम्. ४५
અર્થઃ જ્યાં વૈયાકરણી મળ્યા, ત્યાં અમે તર્કશાસ્ત્રી થયા, અને જ્યાં તર્કશાસ્ત્રી મળ્યા, ત્યાં અમે વ્યાકરણી થયાલ્ અને જ્યાં વ્યાકરણ કે તર્કશાસ્ત્ર કશું જાણે નહિ, ત્યાં અમે બંને શાસ્ત્રના જાણનાર થયા; અને જ્યાં અમને બમ્ને શાસ્ત્રના જાણનાર મળ્યા, ત્યાં અમે બંને શાસ્ત્રની વાત પડી મૂકીને જુદો જ રસ્તો પકડ્યો. વલી શાસ્ત્રીઓએ જે કહ્યું એ અમે કબુલ કર્યું જ નહિ, એ રીતે જીત્યા.
રઘના૰ – કચ્છના માંડવી બંદરવાળા વિશ્વનાથ શાસ્ત્રી[૧] બહુ વખણાય છે, તે તમને મુંબઈમાં કે ક્યાંહિં મળ્યા હતા કે?
જીવ૰ – અરે! એને લોકો વખાણે છે, તેથી અમને બહુ રીસ ચડે છે, એનામાં શો માલ છે?
રંગલો૰ –
उपजाति वृत्त
जो पारकी कीर्ति पडे ज काने
मीठाश तेमां मनथी न माने
स्वकीर्तिनां गायन गाय गाही,
मिथ्याभिमानी मुरखा मिजाजी.४६
જીવ૰ – પણ કેટલા લોકો અમારીજ પંડિતાઈનાં વખાણ કરતા હતા!
સોમના૰ – બાપા આ વાત સાચી હશે?
રઘના૰ –
वसंततिलका वृत्त
जेने न जाण कदि कोकिल काग केरुं,
ते कागनुं कदि वखाण करे घणेरुं;
जेणे सुण्या श्रवण कोकिल शब्द सारा,
ते कागना स्वर सुणी नहि माननरा. ४७
સોમના૰ – પણ પંડિતો મૂર્ખનાથી કેમ હારે?
રઘના૰ –
दोहरो
अभिमानी मत आपनो, मुके नहि तलमात्र;
ते माटे तेथी हठे, शाणा लोक सुपात्र. ४८
સોમના૰ – જીવરામભટ્ટ, તમે કાંઈ સંસ્કૃત અભ્યાસ કરેલો કે?
જીવ૰ – સંસ્કૃત, ફારસી, અરબી, લાટિન અને ઈંગ્રજી, એકે વિદ્યા અમારી અજાણી નથી, બધી વિદ્યાઓ અમે જોઈ લીધી છે.
રંગલો – મિથ્યાભિમાનીનું અજાણ્યું કાંઈ ન હોય. એ તો માના પેટમાંથી ભણી ગણીને જ અવતરેલા હોય.
રઘના૰ – તમે કોની પાસે વિદ્યા ભણ્યા હતા?
જીવ૰ – અમારી મેળે અમે બધી વિદ્યાઓ શીખી લીધી છે, કોઈને ગુરુ કર્યો નથી.
રંગલો – કપટી માણસ વિદ્યા ચોરી લે, અથવા ચોરાવી લે પણ શિષ્ય થઈને ન લે. કહ્યું છે કે —
उपजाति वृत्त
चोरावि ले, के चित्त चोरी राखे,
विद्यागुरुने गुरुजी न भाखे;
जुओ कळा ए कपटी जनोनी,
करे वडाई स्व-पराक्रमोनी. ४९
સોમના૰ – તમે એકે પુસ્તક રચ્યું કે?
જીવ૰ – હા, ‘જીવરામવિનોદ’ નામનો મોટો ગ્રંથ અમે રચ્યો છે.
રંગલો – કોઈક પાસે રચાવીને પોતાનું નામ ઘાલ્યું હશે
ईंद्रवज्रा व्रत्त
बीजा कने काम कशुं करावे,
तेनुं बधुं मान स्वयं धरावे;
गाडी तळे श्वान गति करीने,
फूलाय छे फूल वृथा धरीने. ५०
સોમના૰ – ત્યારે સંસ્કૃત શ્લોકનો અર્થ કરો ખરા કે?
જીવ૰ – હોવે! શા વાસ્તે ન કરીએ? શું એ અમે નથી જાણતા?
સોમના૰ – ‘रामो लक्ष्मणमब्रवित्’ એટલાનોજ અર્થ કરો જોઈએ.
જીવ૰ – रामो लक्ष्मळमब्रवि ત…(છેલ્લો ત લંબાવીને બોલે છે.)
સોમના૰ – ‘त्’ ટૂંકો બોલવો કેમ કે તે ખોડો છે.
જીવ૰ – એમાં કાંઈ કઠણ અર્થ નથી, ‘રામો’ એટલે રામ, ‘લક્ષ્મણ’ એટલે લક્ષ્મણ અને ‘મબ્રવી’ તે સીતા.
સોમના૰ – શાથી જાણીએ કે મબ્રવી એટલે સીતા?
જીવ૰ – રામ અને લક્ષમણની જોડે સીતા વિના બીજી કઈ મબ્રવી હોય? એટલું અક્કલથી જાણીએ કે નહિ?
સોમના૰ – પછી त् રહ્યો તેનો શો અર્થ?
જીવ૰ – त् એટલે હનુમાન
સોમના૰ – શાથી જાણીએ કે त् એટલે હનુમાન?
જીવ૰ – જોને, त् નો પગ લંગડો છે કે નહીં?
રંગલો – શાબાશ! શાસ્ત્રી બાવા શાબાશ! આવા શાસ્ત્રી તો કાશીમાં પણ નહીં હોય!
સોમના૰ – તમે અંગ્રેજીનો અર્થ કરશો કે?
જીવ૰ – અંગરેજી શું? તમારે ગમે તે પૂછો ને!
સોમના૰ – ‘Twinkle Twinkle Little Star’ (“ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર”) એટલાનોજ અર્થ કરો જોઈએ?
જીવ૰ – એમાં શું છે? ટ્વિંકલ ટ્વિંકલ એટલે ટપકાં ટપકાં, અને લિટલ લિટલ એટલે લીટા લીટા, સાહેબ કરે છે તે, (હાથનો ચાળો કરી બતાવે છે.)
સોમના૰ – એમાં તો આકાશના ચળકતા નાના તારા વિશે છે.
જીવ૰ – ત્યારે અમે એજ કહ્યું કે નહિ? દુનિયાનો સાહેબ આકાશમાં ટપકાં ટપકાં અને લીટા લીટા કરે છે તે.
સોમના૰ – ત્યારે અમારા દરબાર સ્કૂલ સ્થાપનાર છે, તેના માસ્તર તમે થશો?
જીવ૰ – ઉપરીની મહેરબાની હોય તો સ્કૂલ તો શું પણ કોલેજનું કામે ચલાવી શકીએ.
દેવબા૰ – હવે કંસાર કે કાંઈ લેશો કે?
જીવ૰ – ના હવે ભાત લાવો.
દેવબા૰ – (ભાત પીરસે છે.)
જીવ૰ – (જમીને ચળું[૨] લઈને વાતો કરવા મંડે છે.) ગયા ચોમાસામાં અહિં વર્ષાદ કેવો હતો?
દેવબા૰ – હવે જઈને પેલી શેતરંજી ઉપર બેસો અને લુગડાં પહેરો.
જીવ૰ – અરે! ઘણે દહાડે ભેગાં થયાં છીએ, માટે પેટ ભરીને વાતો તો કરીએ?
દેવબા૰ – જાઓ, વળી કાલ આખો દહાડો વાતો કરીશું.
જીવ૰ – મને તો તમારી આગળથી ઉઠીને જવાનું ગમતું નથી.
રંગલો – સાસુના મોઢાની વાતોમાં બહુ મીઠાશ હોય છે, કહ્યું છે કે,
शार्दूलविक्रीडित वृत्त
पूरी ने दूधपाक शाळ सरवे, लाडु सवाशेरियो,
द्राक्षा दाडम शेलडी सरस के, केळां तथा केरियो;
ए सौ स्वाद सृझ्या घणांय, पण ते, शुं श्रेष्ठ स्वादिष्ट छे?
वातो सासु तणा रुडा वदननी, मिष्टान्नथी मिष्ट छे. ५१
જીવ૰ – પણ તમે સોમનાથભટ્ટની વહુના સીમંત ઉપર અમને કંકોતરીજ મોકલી નહિ તે કાંઈ ઠીક કર્યું નહીં. એ બાબતનો અમારા મનમાં બહુ ધોખો લાગ્યો છે.
રંગલો – હવે ફરીથી અઘરણી આવશે ત્યારે કંકોતરી મોકલશે!
રઘના૰ – (સોમનાથને હળવે) એ મિથ્યાભિમાનીનો હાથ ઝાલીને પેલી શેતરંજી ઉપર લઈ જઈને બેસાડ. એ તો આખી રાત લવારો કરશે.
સોમના૰ – (જીવરામભટ્ટને) ચાલો હવે, પાન સોપારી આપું (દોરીને શેતરંજી ઉપર લઈ જઈને બેસાડે છે.)
નોંધઃ જ્યાં નાટક થતું હોય ત્યાંના નામીચા શાસ્ત્રીનું નામ લેવું.
?-હાથ ધોઈને.
(પૂર્ણ)

License

મિથ્યાભિમાન Copyright © by દલપતરામ. All Rights Reserved.

Share This Book