રંગલાનો પ્રવેશ

અંક ૧લો/પ્રવેશ ૧
રંગલાનો પ્રવેશ

પાત્ર—એટલે ખેલાડી.

૧. સૂત્રધાર—નાયક.

૩. જીવરામભટ્ટ—રતાંધળો.

૫. પાંચો—ભરવાડ, તેની સાથે પાડી.

૨. વિદૂષક—રંગલો.

૪. બીજલ—ભરવાડ.

स्थळ—वगडो

નાન્દી—મંગળાચરણ

સૂત્રધાર (આવીને)—ગૃહસ્થો, આ ઠેકાણે આજ મિથ્યાભિમાન વિષે હાસ્યરસમાં સુંદર નાટક થવાનું છે. તેમાં કશું વિઘ્ન નડે નહિ એટલા સારૂ વિઘ્નહર્તા દેવના સ્મરણ રૂપી મંગળાચરણ હું કરૂં છું, તે સહુ સાવધાન થઈને સાંભળો.

स्त्रग्धरा वृत्त

संभारु स्नेहभावे, सकळ पगरणे, सर्वदा सिद्धिदाता,

विद्यावाणीविलासी, विरदधर वळी, विघ्नहर्त्ताविधाता,

सर्वेना एक स्वामी, सुखद मुज शिरे, हेतथी हाथ धारो,

नाट्यारंभे नवीन, त्रिगुणपति[૧] तमे, विघ्न सर्वे निवारो.

(એ સાંભળી સભામાં મમ’જ્ઞ’ હતા તેઓને લગાર હસવું આવ્યું.)

उपजाति वृत्त

विचित्र देखाव विचित्र वाणी;

विचित्र पोषाक विचित्र प्राणी;

विचित्र आ नाटक विश्व नाम,

पेदा कर्युं ते प्रभुने प्रणाम.

सूचिपत्र–सूचना[૨]

આ અષ્ટાંકી મિથ્યાભિમાન નાટકના પહેલા અંકમાં રતાંધળો જીવરામભટ્ટ તથા બે ભરવાડો આવશે. બીજા અંકમાં જીવરામભટ્ટનો સસરો રઘનાથભટ્ટ, સાળો સોમનાથ, સાસુ દેવબાઈ, અને જીવરામભટ્ટની વહુ જમનાં તથા તેની બહેનપણી ગંગા આવશે. ત્રીજા અંકમાં જીવરામભટ્ટને ખોળવા સારૂ તેનો સસરો ને સાળો જશે. ચોથામાં જીવરામભટ્ટ ને તેનાં સાસરિયાંનો મેળાપ થશે. પાંચમામાં એક ફારસ કરી બતાવવા વાઘજી રજપૂત ને કુતુબમિયા કુસ્તી કરશે. છઠ્ઠા માં રઘનાથભટ્ટના ઘરમાંથી ચોર પકડાશે. સાતમામાં ફોજદારી કોર્ટ આવશે. ને આઠમામાં જીવરામભટ્ટનું વૈદું કરવા એક વૈદ આવશે. પાંચ કલાક સુધી આ નાટક ચાલશે. અમુક વખતે આરંભ થશે, અને અમુક અમુક વખતે પૂરૂં થશે. (ઘણું કરીને રાતના ૮ વાગતાં આરંભ અને બાર ઉપર એક વાગતાં પૂરુ કરવું.)

विष्कंभक
પ્રવેશ ૧લો

સ્થળ—વગડો.

રંગલો અને સૂત્રધાર.

રંગલો’ (નાચતો નાચતો આવે છે.)

ગાનારા—(ગાય છે) તતથેઈ, તતથેઈ, તતથેઈયા (૪ વાર)

રંગલો—તાથેઈ, તાથેઈ, તાતાથેઈ ભલા. (ઉભો રહે છે.)

સૂત્રધાર—અરે તું કોણ છે? પગે ઘુઘરા, માથે મોરનાં પીછાં અને લીમડાનાં પુંખડાં ખોસ્યાં છે. તું તે આ જંગલનું જનાવર છે કે માણસ છે?

રંગલો—માણસમાં માણસ થાય, અને જનાવરમાં જનાવર થાય?

સૂત્ર૰—માણસમાં માણસ ને જનાવરમાં જનાવર શી રીતે થાય?

રંગલો—કહ્યું છે કે: —

इंद्रवज्रा वृत्त

सारे प्रसंगे जन थाय सारा, नीचा प्रसंगे निपजे नठारा;

जो जै वसे वास जनावरोमां, तो थाय तेवा गुण ते नरोमां.

હવે હું તમારી સોબતમાં આવ્યો છું, માટે જેવા તમે હશો તેવો હું થવાનો.

સૂત્ર૰—તારૂં નામ શું? ભાભો,[૩] રાજનગર[૪] કે રળિયો ગઢવી?

રંગલો—અરે સૂત્રધાર, નાયક, મારૂં નામ તો વિદૂષક છે, પણ ગુજરાતમાં મને સઉ રંગલો કહે છે.

સૂત્ર૰—તું કોઈ પ્રકારની વિદ્યા જાણે છે કે?

રંગલો—હા, હું હાસ્યરસને પુષ્ટિ કરવાની વિદ્યા જાણું છું.

સૂત્ર૰—વાહવાહ! ત્યારે તો બહુ સારૂં થયું. આજ આ ઠેકાણે હાસ્યરસમાં નાટક થવાનું છે, માટે તું તેમાં હાસ્યરસની પુષ્ટિ કરીશ?

રંગલો – હાજી, એ તો કામ બંદાનું જ છે. હાસ્યરસના નાટકમાં તો બંદા વિના ચાલેજ નહિ.

સૂત્ર૰—અરે તું એટલી બધી મગરૂરી શા વાસ્તે રાખે છે? વડોદરામાં એવા મશ્કરા છે કે તને તો પગે બાંધીને ઉડે! તું પણ મિથ્યાભિમાની દેખાય છે.

રંગલો—તમને હજી આજજ ખબર પડી કે?

સૂત્ર૰—ભાઈ જ્યાં સુધી જેનો સહવાસ થયો ન હોય, ત્યાં સુધી શી ખબર પડે? કહ્યું છે કે —

उपजांति वृत्त

पड्युं नहीं काम वस्या न पासे,

त्यां सुधी सारा सरवे जणाशे,

तारी पठे ज्यां सहवास थाय,

त्यारेज तेना गुण तो जणाय.

રંગલો—ઠીક છે, તમારા ગુણ અમે જાણી લઈશું.

સૂત્ર૰—હવે સાંભળ. પ્રથમ હું આ સુંદર વનનું[૫] વર્ણન કરૂં.

રંગલો—ઠીક છે, કરો.

સૂત્ર૰—

शार्दूलविक्रिडित वृत्त

आंबा, आमलि, लीमडां, वड वडा, झुंडे झुक्यां झाड छे,

छत्रोनी छवि छाइ होय छतमां, तेवा उंचा ताड छे,

गायो वृंद हरे फरे, तृण चरे, गोवाळिया गाय छे,

जोतां आ वनने जरुर उरमां, आनंद संधाय छे. ५

રંગલો—એ તો ખરૂં, પણ આ કયા દેશનું જંગલ છે? તેની મને ખબર પડતી નથી.

સૂત્ર૰—સોરઠ દેશનું આ જંગલ છે.

રંગલો—સોરઠ દેશની શી શી વસ્તુ વખણાય છે?

સૂત્ર૰—સોરઠનાં પાંચ તો રત્ન કહેવાય છે?

રંગલો—તે કયાં કયાં પાંચ? કહો.

સૂત્ર૰—સાંભળ —

श्लोक

सौराष्ट्रे पंच रत्नानि, नदी, नारी, तुरंगमम् ।

चतुर्थं सोमनाथश्च, पंचमं हरिदर्शनम् ॥ ६

અર્થ—ગોમતી વગેરે નદીઓ, સોરઠી સ્ત્રીઓ, કાઠિયાવાડી ઘોડી. સોમનાથ અને દ્વારિકા, એટલાં પાંચવડે સોરઠ દેશ વખણાય છે.

રંગલો—ઈડર જીલ્લામાં પણ પાંચ વાનાં વખણાય છે, તેનો અશ્લોક છે.

સૂત્ર૰—તે કયાં કયાં?

રંગલો—

श्लोक

ईडरे पचरत्नानि, पाणी, पाषाण, पानडां;

चतुर्थं गाळिदानं च, पंचमं वस्त्रलोचनं. ७

સૂત્ર૰—સાબાશ! હવે મારી ખાતરી થઈ કે તું હાસ્યરસની[૬] પુષ્ટિ કરી શકશે.

રંગલો—હવે આ જંગલમાં પ્રથમ કોણ આવનાર છે તે તો કહો?

સૂત્ર૰—પ્રથમ રતાંધળો જીવરામભટ્ટ આવનાર છે, તેની સાથે તું વાતચીત કરજે. કેમકે તે પણ તારા જેવો મિજાજી છે.

રંગલો—ઠીક છે, આવવા દો.

નોંધઃ મંગળાચરણમાં ગણપતિનું સ્મરણ કરવાનો ચાલ છતાં सकळ पगरणे सिद्धिदाता विघ्नहर्ता ઈત્યાદિ વિશેષણોથી ગણપતિને બદલે त्रिगुणपति પરમેશ્વરનું સ્મરણ કર્યું તે એવી રીતે કે કોઈ અજાણ્યો જાણે કે ગણપતિનું સ્મરણ કરે છે. તે વિશેષણોમાં એવો છળ છે માટે छलजनित हसित નામે હાસ્યરસ થયો. હાસ્યરસના નાટકમાં ઘણું કરીને હરેક વાક્યથી ને હરેક ક્રિયાથી સભાસદોને હસવું આવે, માટે તે વારે વારે લખી જણાવવાની જરૂર નથી.

નાયકે સૂચના સંભળાવવી; તથા કાગળોમાં છપાવેલી સભામાં વહેંચવાનો ચાલ પણ છે, તેથી સૌ જાણે કે આટલું થયું, ને આટલું થવાનું બાકી છે.

અમદાવાદ જીલ્લાના રાણીસરનો ચારણ હતો. તે પ્રખ્યાત મશ્કરો હતો. તેની કહાણીઓ વિલાયતના મશ્કરા બર્થોલ્ડના જેટલી લોકોમાં ચાલે છે.

કચ્છમાં એક રાજનગર બ્રાહ્મણ હતો, તેનો પોશાક હસવા જેવો હતો તેથી તેનું નામ પ્રખ્યાત છે.

આ ઠેકાણે વનનું વર્ણન કર્યા વિના, પુસ્તકમાં લખ્યું કે સ્થળ વગડો, તેથી કાંઈ ખેલ જોનારા સભાસદોને ખબર પડે નહિ કે આ બનાવ વનનો છે, માટે કલ્પિત વનનું વર્ણન કર્યું.

આ વિકૃતવાણીજન્ય ઉપહસિત ભેદ થયો.

License

મિથ્યાભિમાન Copyright © by દલપતરામ. All Rights Reserved.

Share This Book