ભરવાડ અને રઘનાથભટ્ટ

અંક ૨જો પ્રવેશ ૩
ભરવાડ અને રઘનાથભટ્ટ

પ્રવેશ ૩જો

(પડદા પાછળથી) એ કમાડ ઉધેડો.
(ઉભો રાખેલો પડદો, તેના લાકડાને પાછળથી કોઈ ઠોકે છે.)
દેવબા૰—એ ખડકીનાં બારણાં કોણ ઠોકે છે?
રઘના૰—ગોવાળ વાળુ લેવા આવ્યો હશે.
દેવબા૰—(બારણાં ઉઘડવા જતી હોય તેમ પડદા પાસે જઈ જુએ છે, ત્યાં પડદામાંથી પાંચો રાયકો નીકળી આવે છે.)
પાંચો૰—વાળુ લાવો, વાળુ?
દેવબા૰—હમણાં ઉભો રહે, આપું છું.
પાંચો૰—(કાખમાં લાકડાનું ટેકણ દઈને પગની આંટી ભરાવીને ઉભો રહીને) રઘુનાથભટ્ટ?
રઘના૰—કેમ છે રાયકા?
પાંચો૰—ઓલ્યા બાવાને તમે કાલે દાટી આવ્યાતા, તેને આજ વગડાનો જરખ ખોદીને લઈ જાતોતો.
રઘના૰—બોલ માં, બોલ માં, મૂર્ખા. જરખ શું લઈ જાય? એમને તો પ્રભુના પાર્ષદ લઈ ગયા.
પાંચો૰—અરે શું પારહદ લઈ જાય? મેં નજરો નજર દીઠો. જરખ વગડામાં લઈ જાતોતો.
રઘના૰— હોય નહિ, હોય નહિ. જરખ શું લઈ જાય? એ તો પરમેશ્વરના પાર્ષદ લઈ ગયા.
પાંચો૰—મારા દીચરાના હમ મેં બીજલને દેખાડ્યો, અને કીધું કે ઓલ્યા આપણા ગામના ભરામણોના ગરૂને ઓલ્યો જરખ લઈ જાય સે.
રઘના૰—અરે જૂઠી વાત. એવા મહાજોગીને જરખ શું લઈ જાય? એ તો પાર્ષદ લઈ ગયા.
પાંચો૰—તારે તમારા લોકો એને પારહદ કેતા હશે,પણ અમે તો એને જરખ કઈએ સૈએ.
રઘના૰—(પોતાની સ્ત્રીને) હવે એને આપવું હોય તે આપીને અહીંથી ઝટ કાઢ.
દેવબાઈ—લે અલ્યા, લે આ રોટલો.
પાંચો૰—તે રોટલો શા વાસ્તે આપો સો?
દેવબાઈ—ત્યારે શું આપે? વરસુંદ લેવી અને રોજ વાળુ લેવા આવવું.
પાંચો૰—બે વરહાં થ્યાં વરહુંદ તમે ચાણે દીધી સે? આજ જમાઈ આવ્યા સે, તે તમે લાબશી કરી હશે, તે તમારાં સોકરાં લાબશી ખાય, અને મારાં સોકરાં ટાઢો રોટલો ખાય કે? “એવો ચ્યાં ગોકળીઓ ગાંડો સે, જે દિવાળીને દહાડે ઘેંહ હીરાવે.” હું ચાણે રોજ રોજ લાબશી માગું છું?
દેવબા૰—જમાઈ ક્યાં છે? જમાઈ આવે તે દહાડે લાબશી લેવા આવજે, જા.
પાંચો૰—વળી નથી આવ્યા સે? જમાઈ આવ્યાજ સે તો.
દેવબા૰—તારા સમ, નથી આવ્યા.આવ્યા હોય તો હું ના કહું?
પાંચો૰—ગામના પાધર હુધી અમે ભેગા ભેગા આવ્યા સૈએ.પાડીનું પુસડું ઝાલી જમાઈ આવતાતાને વળી!
દેવબા૰—એ તો રાતે માઠું દેખે છે, માટે તું એમને આપણા ઘર સુધી પહોંચાડીએ નહિ?
પાંચો૰—એને અમે પુગાડવાનું કીધું; પણ એ તો બહુ મિજાજી સે. ઉલટી રીહ સડાવા માંડી. પસે પાડીનું પુસડું ઝાલીને આવતાતા.
દેવબા૰—પાડી તો ક્યારની ઘેર આવી છે; પણ જમાઈ તો આવ્યા નથી.
પાંચો૰—તાણે રોટલો તો રોટલો દ્યો? લાવો હું મારે જાઉં.
દેવબા૰—લે આ રોટલો.
(કાંબળીના છેડામાં લઈને જાય છે.)
દેવબા૰—અરે, સોમનાથ, તું અને તારો બાપ જાઓ અને જુઓ. તે મિથ્યાભિમાની રાત વેળાનો ક્યાંઈ ફાંફાં મારતો હશે, તેને ઘરે લઈ આવો.
સોમના૰—ચાલો બાપા,આપણે જઈએ. રાત અજવાળી છે.
રઘના૰—હું તો કાંઈ આવતો નથી, તેને ગરજ હશે તો ઘણોય ફાંફાં મારતાં આવશે.
દેવબા૰—અરે, જાઓ જાઓ, ક્યાંઈ વગડામાં પડ્યો રહે ને જનાવર મારી નાંખે, તો ન્હાનપણમાંથી આપણી જમનાનો ભવ બગડે.
રંગલો—જમનાનો ભવ બગડી ચૂક્યો છે; હવે શો બાકી છે?
રઘના૰—ચાલ, ત્યારે પાદર સુધી જોઈ આવીએ. (તે બંને જણા જાય છે.)

License

મિથ્યાભિમાન Copyright © by દલપતરામ. All Rights Reserved.

Share This Book