મનોજ મોટો કરોળિયો છે. એના બધા પગ લઈને એ ભાગ્યા કરે છે. એની સ્થિર લાગતી આંખોમાં ઠાવકાઈ નથી, કદાચ ભય છે, કદાચ લુચ્ચાઈ છે. એ બોલે છે તે હું સાંભળતો નથી, પણ લગભગ અદૃશ્ય ચીકણા તન્તુઓને લંબાતા જોઉં છું. એ શેનાથી ભાગે છે? અથવા એ કોની તરફ દોડે છે? ક્યાંક અંધારી બખોલ મળી રહેશે તો એ સ્થિર થઈ જશે, પછી એનું જાળું એ વિસ્તાર્યા કરશે, પછી એમાં ફસાયેલા શિકારની સંખ્યા પણ એ ગણવા નહીં રહે. પછી આ સ્થિરતા પથ્થર જેવી થઈ જશે. હું એના પગ ભાંગી નાખવા ઇચ્છું છું. એની આંખો ફોડી નાખવા ઇચ્છું છું. પણ એ ચીકણા સ્પર્શથી મને જુગુપ્સા થાય છે. એના લંબાતા તન્તુઓથી દૂર રહું છું. સાવધ રહું છું. છતાં એક લોભ થાય છે. એના આ તન્તુઓ વચ્ચે મારામાં રહેલું મરણ જો ગૂંચવાઈ જાય, પછી એ એના જાળામાં ઝૂલ્યા કરે. નહીં એ મુક્ત થાય, નહીં મનોજ મુક્ત થાય – આ સાંભળીને મરણ એનું ખંધું હાસ્ય હસે છે. એ હાસ્યથી સમયનું પડ હાલી ઊઠે છે. બધું અસ્થિર થઈ જાય છે. અરીસો હલાવતાં જેમ બધું ઊંચુંનીચું થઈ જાય, ઊંધુંચત્તું થઈ જાય તેમ મારી ચારે બાજુ બધું હાલવા માગે છે. પરિચિત વસ્તુની દૃઢતાને હું બાઝવા જાઉં છું ને બીજી જ પળે સરી પડું છું. ઘડીભર મારી આંખ સામેથી બધું ભૂંસાઈ જાય છે. કેવળ મારી શિરાઓમાં જાણે ચાબુકથી ફટકારીને દોડાવ્યું હોય તેમ લોહી દોડે છે. ચારે બાજુ લાલ લાલ મોજાંઓ ઊછળે છે. હું એ સમુદ્રના આભાસને શોધું છું. વૃક્ષો વચ્ચે ફેલાયેલી ચાંદનીને શોધું છું. અરે, કાંઈ નહીં તો મનોજે ફેલાવેલા એ ચીકણા તન્તુનો આધાર શોધું છું. એક ક્ષણ જાણે બધું લુપ્ત થઈ જાય છે. આ લુપ્ત થયાના ભાનનો પરપોટો જાણે હમણાં ફૂટશે એવું લાગે છે. ત્યાં હળવો સરખો ઉચ્છ્વાસ ક્યાંકથી મને સ્પર્શે છે. કોઈ પાસેથી ચાલી જતાં હવા આઘીપાછી થાય છે અને હું અધીરો થઈને પૂછી ઊઠું છું: ‘કોણ, મૃણાલ?’

License

મરણોત્તર Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.