૨૧

સામેની દીવાલ પર એક સાથે ઘણા પડછાયા ઊપસી આવે છે. કદાચ બધાં પાછાં આવ્યાં છે. ફરી બધાંના અવાજ રણકી ઊઠે છે. ચીલ્ડ બિયરના શીશા ઠલવાય છે. એ ગ્લાસના ડહોળાયેલા રતૂમડા રંગમાં હાંડીઝુમ્મરનો પ્રકાશ તરે છે. અસ્થિર હાથોમાં એ ગ્લાસ હાલે છે, છલકાય છે. ગ્લાસ ટિપોય પરથી ઉઠાવતાં નીચે નાનું શું વર્તુળ છપાઈ જાય છે. ધુમાડાની રેખા ઊંચે જાય છે. પછી રેખા નથી રહેતી, એનું જાણે એક વાદળ બંધાઈ જાય છે. મેધાની આંખોમાં અસ્થિરતા છે. એ બિયરનો ગ્લાસ હોઠે માંડે છે. એમાંથી થોડો બિયર પીતાં પીતાં હોઠની બહાર રેલાઈને દાઢીની અણી પર થઈને બે સ્તનની વચ્ચેના ખાડામાં ઊતરે છે. મનોજ એની જીભથી એ બિયર ચાટી લે છે. બધાં ખડખડ હસે છે. મેધાની મંદ જ્યોતની જેવી આંખ ટમટમ્યા કરે છે. કોઈ મેધાને પૂછે છે: ‘સુધીર નથી?’ મેધા ખભા સંકોરીને કહે છે: ‘હું શું જાણું?’ પછી ઘોઘરા અવાજે કહે છે: ‘હશે કોઈ મેરી, ડોલી, રોશન કે રીટા સાથે.’ મનોજ પૂછે છે: ‘કાલે અમને સવારે ચાર વાગ્યે અહીં લઈ આવ્યા ત્યારે તું બારણું ખોલવા પણ ઊભી નહીં થઈ?’ મેધા વિચિત્ર ડચકારો બોલાવીને જવાબ આપે છે. પછી એ ઊભી થઈને લથડતે પગલે ઝરૂખામાં આવે છે. એની પાછળ પાછળ આવે છે અમિતા. અમિતા એનો હાથ પકડીને આધાર આપે છે. હું એકાએક ખૂબ ખિન્ન થઈ જાઉં છું. મને થાય છે: અંદર જઈને, હાંડીઝુમ્મર ફોડી નાખું, ગ્લાસના ચૂરેચૂરા કરું, આ બધાની સડેલી ખોપરીને તોડી નાખું, એના પર દારૂ છાંટું ને પછી દીવાસળી ચાંપીને ચાલ્યો જાઉં –

આકાશમાં ચન્દ્ર દેખાય છે, ના દેખાતો નથી પણ સંભળાય છે કોઈના હીબકાં જેવો. હું ચાંદનીમાં મેધા અને નમિતાને ઊભેલાં જોઉં છું. મેધા આંસુ સારી શકતી નથી. એનાં આંસુ શીશાના ગઠ્ઠા બનીને એના ભારથી એને જાણે આ ઘરમાં જ જડી દે છે. કેટલીય રાતે અમે એકબીજાથી અજાણતાં અહીં ઊભાં ઊભાં દૂરના સમુદ્રના આભાસને જોઈને અમારી આંખો ભીની કરી છે. મારામાં બેઠેલું મરણ કચવાય છે. એની લપલપતી જીભ કાઢીને એ જાણે કોઈ કૂતરાની જેમ લાંબું દોડવાની તૈયારી કરે છે. પણ એની વૃક્ષના ઠૂંઠા જેવી કાયા સહેજેય ચસતી નથી. ઘડીભર મારી આંખ સામેથી બધું ઝાંખું ઝાંખું થઈને ભૂંસાઈ જાય છે. એક નરી નિરાકારતા ચારે બાજુ વિસ્તરી રહે છે. ત્યાં કોઈ મારે ખભે હાથ મૂકે છે. હું પાછળ જોયા વિના જ પૂછું છું: ‘કોણ, મૃણાલ? ‘ જવાબ મળે છે: ‘ના, મેધા.’

License

મરણોત્તર Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.