૩૩

લુપ્ત થઈ ગયેલા કોઈ પ્રાચીન નગરના ખણ્ડિત પ્રવેશદ્વારની જેમ હું ઊભો છું. વર્તમાનના વ્યવહારથી હું છેટે છું. મારી કમાનો નીચેથી કોઈ પસાર થતું નથી. પાયદળ, હયદળ, હસ્તિદળના પડઘાઓ શમી ગયા છે. મારી બાજુમાં થઈને જ સંસાર ચાલ્યો જાય છે. ઇતિહાસ પોતે જૂની પોથીનાં પાનાંની જેમ ઊડી ગયો છે. હું બધું જોઉં છું. પવન મારી શૂન્યતાની બખોલમાં ભરાઈને ટિખ્ખળ કરે છે. સૂર્યે મારી રતાશને ભોંઠી પાડી દીધી છે. વરસાદનાં ટીપાં મારી ખરતી કાંકરીઓને ગણતા જાય છે. મારો પડછાયો પણ કોઈ લેતું નથી. મારી ભંગુરતા બધાંને ગભરાવે છે. અસ્ત વૈભવનો આ ઉદ્ગાર કોઈને કાને પડતો નથી.

હોવા છતાં ન હોવાની આ સ્થિતિ જ મને અહીં દાટી રાખે છે. કાળનાં આંગળાંની છાપ ઉકેલવા વળી ક્યારેક કોઈ આવી ચઢે છે. થોડાં રાજારાણીનાં નામ ઉચ્ચારાય છે. સરકસનો હાથી કોઈ વાર પાસેથી પસાર થાય છે તો હું ભ્રમણામાં સરી જાઉં છું. રાતે બધું સૂમસામ થઈ ગયું હોય છે ત્યારે દૂરનાં બીજાં ખંડિયેરમાં વસતાં પ્રેતનો હૂહૂકાર મારામાં વસતા થોડાક પડઘાઓને ઢંઢોળે છે. ઉનાળાની બપોરે મૃગજળની છોળ છલકાવા માંડે છે ત્યારે હું મૃગજળ પર ઝૂલવા લાગું છું. પણ મૃગજળ મને ડુબાડી દઈ શકતું નથી. અન્ધકારમાં પણ મારી રેખાઓ ભૂંસાતી નથી. નમિતાની અન્યમનસ્ક દૃષ્ટિ ઘડીભર પારેવાંની જેમ મારો આધાર શોધે છે. હું નિમિત્ત છું. લક્ષ્ય નથી; સાક્ષી છું, સહભાગી નથી.

કોઈ વાર કાળ હાંફતો હાંફતો અહીં ઘૂંટણ વાળીને બેસી જાય છે. એની સ્વગતોક્તિના મારા પોલાણમાં પડઘા પડે છે. એને મરણ કાન માંડીને સાંભળે છે. મધરાતે એ વીતી ગયેલો સમય જીવતો થઈ ઊઠે છે. હાથીની અંબાડી પર બેસીને રાજા જાય છે, પાછળ હોય છે એની રૂપમતી રાણી, નર્તકીઓનાં ઝાંઝર રણકી ઊઠે છે, તબલાની થાપ સંભળાય છે. અનેક પદરવ હું સાંભળું છું. એમાંથી એક પદરવને હું નોખો પાડવા મથી રહું છું. એકાએક હૃદય ધડકવા માંડે છે. એ સાવ નિકટ આવે છે. હું બોલી ઊઠું છું: ‘થોભી જાને, મૃણાલ?’

License

મરણોત્તર Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.