૨૫

હું જોઉં છું એ ચહેરાઓ – બુદ્ધની કરુણાથી નહીં, શિવના ક્રોધથી નહીં, વિષ્ણુની ‘હું બધું સમજું છું’ એવી ખંધાઈથી નહીં. એ બધાં માનવશરીર – ઇન વેરિયસ સ્ટેઇજીસ ઓવ ડિકમ્પોઝીશન. વર્ષોથી મેદ એકઠો કરે છે. આંખો નીચે કાળાશ, વાસનાને લપલપ ચાટવા માટે અધીરા હોઠ; મન્દતેજ આંખોમાં આણેલો કૃત્રિમ ચમકારો. ગોપી હસે છે – એક સાથે અનેક ટીસ્યુ પેપર પવનમાં ખખડતા હોય તેવું. વળી પોતાનું હાસ્ય પોતામાં જ સંકેલીને મૂકી દે છે – ફરી કોઈ વાર કામમાં આવશે એવી ગણતરીથી. મેધા હસતી નથી, એ આંખોથી જોતી નથી. એનું શરીર અન્યના સ્પર્શથી જ શ્વાસ લે છે, નહીં તો જડ થઈ જાય છે. મનોજ એની સ્થૂળતામાં જ દટાતો જાય છે. એની આંખો અર્ધી દટાઈ ગઈ છે. એનો અવાજ માંસના ઢગલાને ખસેડતો હાંફતો હાંફતો બહાર આવે છે. વધારે પડતાં પાકેલા ફળની પોચટતા એનામાં છે. અશોક બધું જ સરજી શકે છતાં જાણીકરીને કશું ન કરવાના આભિજાત્યની ખુમારીને પંપાળ્યા કરે છે, એ ખુમારી કોઈ વાર એને જ ડંખે છે ત્યારે એ વાચાળ બને છે. ફાડી નાખેલા કાગળના ટુકડાઓ ઊડે તેમ એના શબ્દો ઊડી જાય છે. નમિતા પોતાને જ પોતાના ગર્ભમાં ઉછેરી રહી હોય એવી ગમ્ભીરતાથી ફરે છે. મનોજ પોતાની ધૂર્ત આંખોને ગોગલ્સથી હંમેશાં ઢાંકેલી રાખે છે, એના હોઠ હંમેશાં એ કશુંક ચાવતો હોય એમ હાલ્યા કરે છે. અશોક દૂર દૂર નજર નાખતો હોય તેમ જોયા કરે છે પણ એની આંખો છીછરી છે. ગોપી હાસ્યના છેડાથી બધું સાંધવા જાય છે, બધું એની પકડમાંથી પડી જાય છે. વળી હસીને એ બધું સાંધવા મથે છે. મેધા એની ગાઢ વન જેવી નિબિડતાવાળી કાયામાં ક્યાંક ઊંડે લપાઈ જવા મથે છે.

હું આ ચહેરાઓ જોયા કરું છું. મરણ એ જોઈને હસે છે. આ બધા વચ્ચે જ એક બીજો ચહેરો હતો, નમણું મુખ હતું – હું આ બધાં વચ્ચે બેસતો. એ દૃષ્ટિ, એ શબ્દ રોજ રોજ સંઘરતો. પછી એક દિવસ જોયું તો એ બધું ક્યાંક સરી ગયું. હું સાવ વજન વગરનો થઈને ફેંકાઈ જવા લાગ્યો. ત્યાં મરણે એનો ભાર ચાંપ્યો. આ બધું તું જાણે છે ને મૃણાલ?

License

મરણોત્તર Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.