૩૪

પ્રકટ થનારા દિવસનો ભાર અત્યારથી જ વાતાવરણમાં તોળાઈ રહ્યો છે. વૃક્ષોનાં મૂળ ઊંડે ઊંડે એથી કંપે છે. ફૂલની કળીની અણી પણ એ ભાર ઝીલી રહી છે. મારામાં બેઠેલા મરણના ખભા પણ એના ભારથી ઝૂકી ગયા છે. ઝરૂખા પર ઝૂકીને એ ભાર ઊભો છે. ઝરૂખાને બીજે છેડે નમિતા પણ કદાચ મારી જેમ આ ભારને ઝીલતી ઊભી છે. એ ભાર નીચે ચંપાઈને અન્ધકાર પાતળો પડતો જાય છે. પંખીના ચહચહાટની ટશરો અત્યારથી હવામાં ફૂટતી લાગે છે. દૂરના સમુદ્રની સપાટી આ ભારથી વળી જતી લાગે છે.

પ્રભાત વેળાએ જ ઈશ્વરનો ઘા ખુલ્લો પડી જાય છે. એની રતાશને એ ઢાંકી શકતો નથી. સૂર્ય એનાં કિરણોની અણી એના પર ઘસતો હોય છે. પ્રભાતની વાયુલહરીમાં ઈશ્વરના નિ:શ્વાસની ભીનાશ હોય છે. એના ભારથી તૃણદલ ઝૂકી જાય છે. પણ ઈશ્વર પાસે ઝાઝાં આંસુ નથી, આથી સવારનો સૂર્ય નીચો નમીને બધું ઝાકળ એકઠું કરીને ઈશ્વરને પાછું સોંપી દે છે. કોઈ વાર કોઈ ફૂલની પાંખડીઓ વચ્ચે ઈશ્વરનું એકાદ આંસુ સંતાઈ ગયું હોય છે. મન્દિરના ઘણ્ટના પોલાણમાં ઈશ્વરની વેદના રણકી ઊઠવા ઇચ્છે છે. પવન આ ઘાની વેદનાની ચાડી ખાતો ન ફરે માટે ઈશ્વર એને પટાવે ફોસલાવે છે. એનો અવાજ પણ આ ક્ષણોમાં સંભળાતો હોય છે.

દુ:સ્વપ્નોની ભૂતાવળ આ વેળાએ ચોરપગલે લપાતીછૂપાતી ચાલી જતી હોય છે. બંધ બારણાંની તિરાડમાંથી હળવે પગલે લોકોની નિદ્રા સરી જવા માંડે છે. આ પ્રહરે મારામાં બેઠેલો સ્મરણોનો અજગર સહેજ હાલે છે. એની નિષ્પલક આંખો સહેજ ખૂલે છે. કદાચ એ પોતાનો ભાર હળવો કરવા ઇચ્છે છે, પણ લુચ્ચું મરણ એની ઝીણી આંખે એના પર ચોકી ભરે છે.

અન્ધકાર આછો થતાં બધા રંગનાં મુખ ખીલવા માંડે છે, છતાં કેટલાક રંગના પર નિ:શ્વાસની ઝાંખપ છે, કેટલાક રંગ આંસુથી ભુંસાયેલા છે. એ તો સૂર્યસ્પર્શ થયા પછી જ નેપથ્યમાંથી બહાર આવશે. ફૂલોની બંધ પાંખડીઓ વચ્ચે સૂર્યનું ઇજન ફોરી રહ્યું છે. પવન કાન માંડીને એને સાંભળી રહ્યો છે.

પણ નમિતા, તું જે બેત્રણ શબ્દો બોલી શકી હોત તે શા માટે ન બોલી? હવે તો શાન્તિ પોતાની સળ સંકેલી લઈને પગલાં ઉપાડવાની તૈયારીમાં છે. માનવીઓના કોલાહલ વચ્ચે તારા એ નાજુક શબ્દો બહાર નીકળશે નહીં. હવે તારા હોઠ એ વણઉચ્ચારાયેલા શબ્દોના ભારથી બીડાઈ જશે. એથી જ તો રાત્રિના શેષ પ્રહરે હું પણ હિંમત કરીને હોઠ ખોલીને બોલી દઉં છું: ‘મૃણાલ.’

License

મરણોત્તર Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.