૨૨

કોઈ વાત શૂન્યતાનો ઇન્દ્રિયઘન સ્પર્શ થાય છે. કોઈ પુષ્ટ સ્તનની કે નિતમ્બની સુડોળ ગોળાકાર એવી એની આકૃતિ મારા બે હાથ વચ્ચે ગોઠવાઈ જાય છે. એના સુખદ દાબથી મારી હથેળી રવરવી ઊઠે છે. મારી આંગળીઓ એની માંસલતામાં ઊંડે ને ઊંડે લપાઈ જવા ઇચ્છે છે. પણ પછીથી કોઈ કાચા ફળને બચકું ભરીને એની તૂરી ખટાશને ચાખવાનું મન થાય તેમ એ શૂન્યતાના પર મારા દાંત બેસાડવાનું મન થાય છે. મારી એ ઇચ્છા સામે મરણ ઘૂરકિયાં કરે છે. મેધા શૂન્યતાનો જુવાળ બનીને મારા પર છલકાય છે. ઘડીભર એના ઉછાળા સાથે હું ઊછળું છું. ઊછળીને નર્યો પરપોટો બની જાઉં છું. પણ એ પરપોટાની અંદર મરણનો ચળકાટ દેખાય છે. વળી એ જુવાળની સાથે હું નીચે પડું છું. એની હજાર હજાર આંગળીઓ પ્રસારીને રેતીને બાઝી પડતાં ફીણવાળાં જળ જોડે હું પણ પ્રસરી જાઉં છું. હાથ નીચેથી ભીની રેતી સરી જાય છે, મોજું ત્વરિત ગતિએ ભાગી જાય છે, કેવળ ફીણની ધોળાશ જેવો હું રહી જાઉં છું.

પણ શૂન્યતાને નક્કર અપારદર્શી વિસ્તાર રૂપે પણ જોઈ છે. એ વિસ્તારનો કોઈ છેડો દેખાતો નથી. એ શૂન્યતાના ખડક પર એના નકારને કોતરવાનું સાહસ પણ કર્યું છે, પણ લોહિયાળ આંગળાં લઈને પાછો ફર્યો છું. શૂન્યતામાં તદાકાર થવા જતાં જ ફરી ફરી એના ઉદ્ધતાઈભર્યા હડસેલાથી દૂર ફેંકાતો ગયો છું. મારા વિચારોને શૂન્યતાનો પાસ બેઠો છે, તેથી જ તો કોઈક વાર આ શૂન્યતાથી બચવા ગાઢ વનની સ્નિગ્ધ નિબિડ છાયા જેવી કોઈ આંખની માયાનું આશ્વાસન લેવા પણ લોભાયો છું. રિઝવવા સિવાય મેં કશી સ્પૃહા રાખી નથી.

પણ આજ સુધી એ શૂન્યતાના મર્મને હું પામ્યો નથી. આથી કેવળ ઓગળી જવું, અદૃશ્ય થઈ જવું, નિશ્ચિહ્ન થઈ જવું એવી વાસના મેં સેવી છે. એ વાસનાને મેં અનેક રીતે બહેકાવી છે, એને આજ સુધી કજળી જવા દીધી નથી. છતાં હું શૂન્યતાને મારાથી અળગી કરીને જોઉં છું તે જ એની ને મારી વચ્ચેના અન્તરને પ્રકટ કરે છે. શૂન્યતાની અને મારી વચ્ચે કદાચ હજી મારે અનેક જન્મો મૂકવાના રહેશે. કદાચ તેથી જ હું કોઈક વાર શબ્દો ઉચ્ચારવા મથું છું, પણ શબ્દ ઉચ્ચારવા જતાં હોઠે આવી ચઢે છે: ‘મૃણાલ.’

License

મરણોત્તર Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.