૧૬

હવે સમુદ્ર આંસુથી તરબોળ રૂમાલના જેવો પડ્યો છે. આદિ કાળના કોઈ વિરાટ સરિસૃપની જેમ પેટે ચાલતું ધુમ્મસ ધીમે ધીમે આગળ વધે છે. એનાથી નહીં ઢંકાયેલો એવો થોડો ભાગ રાત્રિના અંગ પર દિવસના ડાઘ જેવો લાગે છે. રમતા બાળકના હાથમાંથી લસરી પડીને લખોટી ક્યાંક જઈને અદૃશ્ય થઈ જાય તેમ ચન્દ્ર ક્યાંક દડી ગયો છે. વૃક્ષોના પડછાયા સંકેલાઈને વૃક્ષોની જ બખોલમાં સંતાઈ ગયાં છે. વૃક્ષોનો નીચેનો ભાગ જ માત્ર દેખાય છે. ધુમ્મસના ચાલવાના અવાજ સિવાય ક્યાંય કશું સંભળાતું નથી. તેથી જ મરણ જાણે હાંફતું બેઠું હોય એવી એના શ્વાસોચ્છ્વાસની અતિશયોક્તિ થઈ જાય છે. ધુમ્મસની જીભ લંબાઈને બધું ગ્રસતી જાય છે. આ ધુમ્મસમાં આદિ કાળના જળ પરના સૂર્યના અત્યાચારની સ્મૃતિ છે. એ જળનો જ સૂર્ય સામેનો વિદ્રોહ છે.

એકાએક ધુમ્મસ ઝરૂખામાં આવીને અટકી જતું લાગે છે. બારીઓ આંધળી થઈ ગઈ છે. હીંચકો ધુમ્મસથી ખવાઈ ગયો છે. ઘરની બંધિયાર હવાને ધુમ્મસ એના બોદા ટકોરાથી જગાડે છે. ક્યાંકથી એ હવાનો હડસેલો મને વાગે છે. આ ધુમ્મસમાં હું પણ જાણે અપાણિપાદ બની જાઉં છું. મને આશા બંધાય છે: આ ધુમ્મસ જ કદાચ મારામાં વસતા મરણને ગૂંગળાવશે. હું મરણની પ્રવૃત્તિ જોયા કરું છું. એ એના ખભા હલાવે છે. ઘડીક એના પીળા દાંત દેખાડે છે. એની આંખો હવે તગતગતી નથી. પશુના જેવો એનો ઘૂરકાટ પણ આછો થઈ ગયો છે. એ પોતાના વજનને વીંટળાઈ વળ્યું છે. એનો આ પરિશ્રમ મારા પર જુલમ ગુજારે છે.

આછી ભીનાશની ઝીણી ચાદરમાં હું લપેટાઈ જાઉં છું. બાળપણમાં તાવ આવતો ત્યારે તાવના ભાર છતાં નહીં બીડાતી આંખ પર માની આંગળીનાં ટેરવાં જે નિદ્રાને ટપકાવતાં તેના જેવો આ સ્પર્શ લાગે છે. અનિદ્રાનો તીક્ષ્ણ તેજાબ ધુમાડો થઈને ઊડી જાય છે. ચારે બાજુથી ઘેરાઈ જવાનો આ અનુભવ વળી જંપી ગયેલી કોઈ વાસનાને જગાડે છે. ધુમ્મસ એની શતલક્ષ જિહ્વાથી ચાટીચાટીને એ વાસનાને માંજે છે. એ ઇચ્છા માથું ઊંચકે છે ને પૂછે છે: ‘ક્યાં છે મૃણાલ?’

License

મરણોત્તર Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.