૩૦

નમિતાને ઊભેલી જોઉં છું. એની પવનમાં ફરફરતી લટનો એક છેડો કોઈ ગાઢ વનમાં જઈને ભળી જાય છે. સમુદ્રના આભાસ સાથે એની દૃષ્ટિનો ચળકાટ ભળી જાય છે. એનો ઉચ્છ્વાસ કોઈ ઊંચા પર્વતના શિખરની નિર્જનતાની પ્રદક્ષિણા કરતા પવન સાથે ભળી જાય છે. એની કાયાની રેખાઓ કોઈ વાર એક વિશાળ આકાશ બનીને વિસ્તરી જાય છે. પણ આ બધું છતાં નમિતા નમિતા છે. સમુદ્ર, આકાશ અને પર્વતની ગરિમા, વિશાળતા અને નિર્જનતાથી ઘુંટાઈને એ બની છે. પણ એને ખભે હાથ મૂકીને ઊભા રહી શકાય છે. મને એવી ઇચ્છા થાય છે. મરણ મોઢું બગાડે છે. અત્યારે બધું સ્વચ્છ છે. હું કશું ડહોળી નાખવા માગતો નથી. નમિતાની રેખાઓ સ્પષ્ટ છે.

છતાં કોઈ વાર થાય છે કે આ સમુદ્ર ફોરાં જેવો આછો ઝીણો બની જાય તો? આ પર્વત પારિજાતનાં પુષ્પોના ઢગલા જેવો થઈ જાય તો? આ આકાશની વિશાળતા સંકોચાઈને એક સ્નિગ્ધ દૃષ્ટિપાતમાં સમેટાઈ જાય તો? મારું ચાલે તો નમિતાની આજુબાજુ નાની નાની ઢીંગલીઓનું ટોળું ઊભું કરી દઉં. કોઈ હસે, કોઈ નાચે, કોઈ નાની નાની આંખે જોયા કરે. કોઈ નરબંકો, કોઈ શમશેર બહાદુર – એની દૃષ્ટિ આ કુંવરોને શોધે. દડબડ ઘોડા દોડે, સાત સમુદ્ર અને સાત નદી ઓળંગીને જાય. સાત સાત અરણ્યો પણ વટાવી જાય. રાજકુંવરો આવી પહોંચે. ઘોડાને મોઢે ધોળાં ધોળાં ફીણ. રાજકુંવર મૂછે તાવ દેતા ઊતરે. પછી તો મદ ઝરતા હાથીઓ ડોલે, અપ્સરાઓ નૃત્ય કરે, કિન્નરો ગાય, વિદ્યાધરો વાદ્ય વગાડે. નમિતાની આંખો હરખથી નાચી ઊઠે.

પણ નમિતાની દૃષ્ટિ સ્થિર છે. એના પર મારા પડછાયાની છાયા પણ હું પડવા દેતો નથી. પણ નમિતા જો બોલે, નમિતાના હાથ જો ચંચળ બને, લંબાય, નમિતા જો હસે – હું અનેક આશાઓથી ચંચળ બની ઊઠું છું. મારા હાથ સળવળે છે. મારી આંખો ઊડું ઊડું રહી છે અને ઘણું વારું છું તોય હોઠ તો બોલી જ દે છે: ‘મૃણાલ!’

License

મરણોત્તર Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.