દૂર સમુદ્ર તરફ થોડી શી પારદર્શક સ્વચ્છતાનો ખણ્ડ દેખાય છે. કદાચ ત્યાં જીવન નથી, મરણ નથી. કશાના આભાસ સરખાથી પણ અકલુષિત એવી એ સ્વચ્છતા છે. ઈશ્વરની આંખ પહેલી વાર ખૂલી હશે ત્યારે કદાચ એમાં આવી સ્વચ્છતા દેખાઈ હશે.
એ સ્વચ્છતા સુધી હું મારા મરણને લઈ જવા માગું છું. એમાં જો અમે બંને નિ:શેષ ભળી જઈએ તો કેવો સરસ મોક્ષ અમને મળે! આથી હું એ દૂર દેખાતી સ્વચ્છતામાં તદાકાર થવા ઇચ્છું છું. એની સાથે તદાકાર થવું એટલે મારા આકારની રેખાઓને ભૂંસી નાખવી. હું ભૂંસું છું અને મરણ હઠીલા બાળકની જેમ ભૂંસેલી રેખા ફરી દોરે છે. આમ છતાં પેલા સ્વચ્છતાના ખણ્ડને હું દૃષ્ટિ સામેથી સરી જવા દેતો નથી. કોઈ એવું વરદાન આપે ને જો હું ઊડીને ત્યાં જઈ પડું તો!
એ સ્વચ્છતાનું જ હું ધ્યાન ધરું છું. સૂર્યચન્દ્રનાં કલંક ત્યાં ઓગળી ગયાં છે. ભોંઠા પડેલા મરણને આપઘાત કરવાનું એ સ્થાન છે. સમુદ્રે એનો બધો અજંપો ત્યાં શમાવી દીધો છે. એને તળિયે મેરુ અને હિમાલય એમનું અભિમાન ડુબાડી આવ્યા છે. તારાઓની નિષ્પલક દૃષ્ટિ એમાં જઈને ઠરી છે. પવન એની ચંચળતામાંથી ત્યાં જઈને છૂટ્યો છે.
પણ ખંધું મરણ મોં ફેરવીને બેઠું છે. હું જોઉં છું, એના પંજા થરથર ધ્રૂજે છે. એની ભૂરી શિરાઓ કંપે છે. એની તગતગતી અંગારા જેવી આંખ પર જાણે ધોળી ફિકાશની રાખ વળી છે. આથી જ પેલી નિરાકાર સ્વચ્છતાને હું નિનિર્મેષ જોયા કરું છું.
પણ તરત જ એ સ્વચ્છતા નિસ્પન્દિત થઈ ઊઠે છે. એનો વિસ્તાર સંકોચાય છે. એ મારી સામે જાણે એની દૃષ્ટિ માંડે છે. એ દૃષ્ટિના ઇંગિતને હું સમજવા મથું છું. એ આંખનો આકાર ધારણ કરે છે. પણ એની સ્વચ્છતા કલુષિત થતી નથી. બહુ પાસે આવી ગયા પછી મને એકાએક ભાન થાય છે ને હું પૂછું છું: ‘કોણ મૃણાલ?’