મરણ કશુંક ગણગણે છે. એ ગણગણાટનો થર બાઝતો જાય છે, વૃક્ષ પરના કોઈ ફળની અંદરના કીડા જોડે મરણનો સંવાદ ચાલે છે. આ ગણગણાટ ધીમે ધીમે ભારે થતો જાય છે. એ ભારને કારણે હું ભાન ખોઈ બેસીશ એવું મને લાગે છે. એવી પરિસ્થિતિથી હું બહુ સાવચેત રહું છું. જો એવું બને તો જે ઝેરી ડંખ મરણ સંતાડીને બેઠું છે તે બહાર કાઢે. પછી એ ડંખથી મારી ચેતના લીલી લીલી થઈ જાય. પછી હું મારી સંજ્ઞા ખોઈ બેસું. મરણથીય એ તો અદકું મરણ. એથી જ તો વેદનાથી મારી સંજ્ઞા જાળવી રાખવા મથું છું. કોઈ રેતીમાં ધીમે ધીમે દટાતો જાય, પછી નીકળવાનો પ્રયત્ન કરે, કશું વળે નહીં અને આખરે બધે રેતી ફરી વળે તેવું હું અનુભવું છું. ઉપર નીચે બધે આ ગણગણાટ છે. કદાચ મરણ મને કશુંક કાનમાં કહી રહ્યું છે. મારા શબ્દો ઇયળે કોતરી ખાધેલાં પાંદડાં જેવા થઈ ગયા છે. આ ગણગણાટથી મારું લોહી ઘટ્ટ બનીને સીસા જેવું થતું જાય છે. આંખ પર એનો ભાર વરતાય છે. હું પાંપણ બંધ કરતો નથી. કોઈ મારે ખભે સહેજ હાથ મૂકે તો એટલા સરખા આધારથી હું આ ગણગણાટના થરને ખંખેરી નાખું. મારો હાથ આવી કશી ઇચ્છાથી ગભરાતો ગભરાતો બહાર નીકળે છે. આંગળીઓ અનિશ્ચિતતાની મુદ્રામાં સહેજ વાર સ્થિર થઈ જાય છે. પછી હાલવા લાગે છે. એ હાથ કોઈ કચડાઈ ગયેલા જન્તુની જેમ સળવળે છે. હું એને પાછો ખેંચી લઈ શકતો નથી. એ અધ્ધર જ રહી જાય છે. ઘડીભર એ ડૂબીને બહાર કાંઠા પર ફેંકાઈ ગયેલા શબના હાથ જેવો લાગે છે. આમ ને આમ જો એ અધ્ધર રહેશે તો એ ભારે ને ભારે થતો જશે એવો ભય મને લાગે છે. પણ આંગળીઓ છૂટી પડી ગઈ છે. જો કોઈ એ હાથને ઝાલે તોય આ આંગળીઓ એ બીજા હાથની આંગળીઓમાં પરોવાઈ જઈ શકે કે નહીં તે હું જાણતો નથી. એ હાથમાં અડગતા નથી, માટે જ એ ડગી જાય, સ્વાભાવિક બને એમ હું ઇચ્છું છું. વર્ષોથી હું હાથ સંતાડીને ઠૂંઠા માણસની જેમ ચાલતો રહ્યો છું. આથી જ તો મારા હાથનું આ કરતૂત જોઈને ભય લાગે છે. આંગળીઓ હવે સળવળતી નથી. હું મૂઠી વાળવાનો પ્રયત્ન કરું છું. હાથને હાથમાં સંતાડી દેવાથી આ સ્થિતિમાંથી ઊગરી જવાશે એવું મને લાગે છે. આ મથામણમાં જ હતો ત્યાં પાસેનું બારણું ખૂલે છે. મારાથી થોડેક છેક પ્રકાશનો પટ્ટો પથરાઈ જાય છે. મૂઠી વળતા એ હાથને અર્ધેથી રોકીને કોઈ પકડી લે છે. હું પૂછું છું: ‘કોણ મૃણાલ?’