વૈશાખ સુદ અગિયારસ

‘મોટી બહેન, ઓ મોટી બહેન, જરા ટિન્નિને રાખો ને, મને તો જરાય ગાંઠતી નથી.’ એક ઓરડામાંથી અમૂલખરાયની વચલી દીકરી પ્રભાએ બૂમ પાડી. ગોળમટોળ ઢીંગલી જેવી ટિન્નિ લુચ્ચું મીઠું હસતી પ્રભાની સાડીનો પાલવ ખેંચીને સંતાઈ ગઈ. કેતકીએ એને ઊંચકી લીધી ને પટાવીફોસલાવીને બીજા ઓરડામાં લઈ ગઈ.

ત્યાં નીચેથી અમૂલખરાયે બૂમ પાડી: ‘કેટી, ક્યાં ગઈ! મહારાજને ભંડારિયામાંથી ઘી કાઢી આપ તો.’ ટિન્નિને કેડે બેસાડીને કેતકી નીચે ગઈ. હજુ તો દાદર ઊતરતી જ હતી ત્યાં સૌથી નાની આભાએ કહ્યું: ‘મોટી, તને તો વખત જ નથી જાણે! મને જરા સરખી વેણી તો ગૂંથી આપ.’ સૌથી નાની આભાનાં આજે લગ્ન હતાં. આભાને ટિન્નિની જેમ જ કેડે લઈને એ ફરી છે. વિધવા થઈને કેતકી આજથી પાંચ વરસ પર ઘરે પાછી ફરી ત્યારથી આભાના ભણતરની કાળજી પણ એણે જ સ્વેચ્છાએ માથે લીધી હતી. ને આભાને માટે લાયક મૂરતિયો શોધવામાં પણ એણે જ ખાસ ભાગ ભજવ્યો હતો.

આભા જોડે કોઈની લગ્નની વાત કાઢવાની હિંમત ચાલતી નહીં, ખુદ અમૂલખરાયની પણ નહીં. કોઈ એને છેડતું નહીં. આભા બી.એ. થઈ પછી અમૂલખરાયની ધીરજ રહી નહીં. સારા મૂરતિયાઓ એક પછી એક ઝડપાઈ જતા હતા. આખરે કેતકીને માથે જ એ કામ આવી પડ્યું. એક દિવસ ધીમે રહીને એણે વાત કાઢી: ‘આભા, પેલા કેશવપ્રસાદ કાકાનો શ્રીયશ અમેરિકાથી પાછો આવી ગયો તે તેં જાણ્યું?’

ચાલાક આભા વાત કળી ગઈ. એ છણકો કરીને બોલી: ‘મોટી, આપણા સગરામપુરાનો પેલો મોચી ડર્બનથી પાછો આવી ગયો તે તેં જાણ્યું?’

કેતકી હસી પડી. આભાને એક ટપલી મારીને કહ્યું: ‘હત્ ગાંડી!’ એટલે આભા રોષથી ગાલ ફુલાવીને લડતી લડતી કહેવા લાગી: ‘તો મોટી, તનેય શું હું એટલી બધી ખૂંચું છું કે મને અહીંથી રવાના કરી દેવાને તુંય ખાઈપીને મંડી છે?’

કેતકીએ કહ્યું: ‘આભા, તું નાની હતી ને હું તને પેલી પરી અને રાજકુમારની વાત કહેતી હતી ત્યારે તું મને હંમેશાં પૂછતી કે બે પાંખવાળા ઘોડા પર અસવાર થઈને, સાત સાગર કુદાવીને રાજકુમાર આપણી પાસેય આવે ખરો કે? ત્યારે હું જવાબમાં કહેતી કે હા, કેમ નહીં આવે? તારો એક વાળ તાપીમાં તરતો મૂકી દે ને, એ વાળ તરતો તરતો રાજકુમાર પાસે જશે કે ખલાસ! પછી એને ચેન નહીં પડે. રાતે ઊંઘ નહીં ને દિવસે કરાર નહીં.’

આભાએ જાણે પોતે કંઈ સમજી જ નથી એવો ઢોંગ કરીને પૂછ્યું: ‘તે એનું અત્યારે શું છે? હું શું નાની કીકલી છું?’ કેતકીએ હસીને કહ્યું: ‘ના, એમ નહીં. તેં અમારાં બધાંની ચોરીથી તારો વાળ જરૂર તાપીમાં તરતો મૂક્યો હોવો જોઈએ. નહીં તો સાત સાગર પાર કરીને રાજકુમાર આજે તારે આંગણે આવી ઊભો ન રહે.’

આભા રોષે ભરાઈને બોલી: ‘ઓહો, મહેરબાન આજે આપણે ઘેરે પધારવાના છે, એમ ને? જોજો ને, હું એની એવી વલે કરીશ, એવી વલે કરીશ…’

કેતકીએ એને અટકાવીને કહ્યું: ‘ગાંડી, એવું થાય કે?’

તે દિવસે શ્રીયશ ઘરે આવ્યો ને આભા એને લઈને દીવાનખાનામાં ગઈ ત્યારે ઊંચે જીવે બારણાની તરાડ આગળ કેતકી ઊભી રહી ને આભા શ્રીયશને કશું અણઘટતું કહી ન નાંખે માટે એણે બને તેટલું સાંભળવાનો પણ પ્રયત્ન કર્યો. પણ એક જ મિનિટની અંદર એણે જે જોયું તેનાથી એને સમજાઈ ગયું કે હવે વરમાળા આરોપાઈ ચૂકી હતી.

આ બધું એક એક પગથિયું ઊતરતાં એ જાણે નજર સામે જોતી હતી. તો આભા આજે જશે, મેના ઊડી જશે.

આજે ઘર ગાજી ઊઠ્યું છે. પંદર દિવસ પછી આવડું મોટું ઘર ખાવા ધાશે. ટિન્નિની ટચૂકડી આંગળીઓ એના ગાલ પર ફરતી હતી. ટિન્નિએ પૂછ્યું: ‘માસી, તારી માળા ક્યાં?’

કેતકીએ ઝટ જવાબ દઈ દીધો: ‘નાની માસીને આપી દીધી. તું તારી માળા મને આપીશ?’

ટિન્નિએ કહ્યું: ‘ના, હું તને નહીં આપું’ ને એના બે નાનકડા હાથ ગળામાંની સોનાની સેરને બાઝી પડ્યા.

ઘીનું કામ હજી માંડ પત્યું ત્યાં એનાથી નાની બહેન સુકેશી એના વર સાથે એને સાસરેથી આવી. એનાં ચાર બાળકોથી ઘર ગાજી ઊઠ્યું. એની દસેક મહિનાની બેબીને સુકેશીએ કેતકીના હાથમાં આપી. કોણ જાણે શાથી કેતકીનો રુક્ષ ચહેરો જોઈને કે પછી અજાણ્યું લાગ્યું તેથી એ કેતકીની પાસે જતાં જ ચીસ પાડીને રડવા લાગી. કેતકી છોભીલી પડી ગઈ. બધાં ધમાલમાં હતાં. એ બધાં વચ્ચેથી સરીને ગુપચુપ રસોડામાં ચાલી ગઈ. હજુ માંડ પગ વાળીને બેઠી હશે, ત્યાં વળી આભાની બૂમ સંભળાઈ: ‘મોટી, ઓ મોટી, ક્યાં ગઈ?’ ને એ ઊઠી, જઈને જોયું તો બે ઘૂંટણ વચ્ચે માથું સંતાડીને આભા બેઠી હતી. કેતકીએ બે હાથે એનું મોઢું ઊંચું કર્યું, જાણે તળાવડીમાંથી સુવર્ણપદ્મ પ્રગટ થયું. કેતકી બોલી: ‘આજે આવું મોઢું કરીને બેસાય કે? હસી પડ જોઉં.’ આભાના ગાલ વધારે ફૂલ્યા.

કેતકીએ કૃત્રિમ રોષ આણીને કહ્યું: ‘મારું કહ્યું નથી માનવું? હું શ્રીયશને બધું કહી દેવાની છું. કહીશ કે એને બાપુએ બહુ લાડે ચઢાવી છે. જરા બરાબર ખોખરી કરજો. એટલા માટે હું શ્રીયશને એક નેતરની સોટી ભેટમાં આપવાની છું.’

આ સાંભળીને આભા હસી પડી ને બોલી: ‘પણ એ સોટીનો ઉપયોગ કોણ કોની સામે કરે છે તે કોઈ વાર જોવા આવજે.’ કેતકી પણ હસી પડી ને બોલી: ‘ગાંડી, પતિદેવને માટે સ્વપ્નમાંય એવો વિચાર ન લાવીએ, હોં કે.’

નમતો પહોર થવા આવ્યો. અબ્દુલ મિયાંએ શરણાઈ પર પૂરિયા ધનાશ્રીના સૂર છેડ્યા. એ સૂર ઘરને ખૂણે ખૂણે ભમવા લાગ્યા. છેક રસોડામાં પરસેવાથી રેબઝેબ થતી કેતકી બાળકોની મંડળીને સન્તોષવાનો વૃથા પ્રયત્ન કરતી બેઠી હતી ત્યાં એ સૂર જઈ પહોંચ્યા ને કેતકીના હાથમાંથી દૂધની વાટકી સરી ગઈ. એ સાવધ થઈ, એણે કામમાં ચિત્ત પરોવ્યું. સુકેશીના વચલા દીકરાને રેશમી પહેરણ નહોતું પહેરવું. એ જીદ માંડીને બેઠો હતો. ટિન્નિને ચણિયાચોળી ને ઓઢણી પહેરવાં હતાં. પ્રભાની બે વરસની બેબી ખાવાનો કજિયો માંડીને બેઠી હતી. એ ઘોંઘાટને ભેદીને પૂરિયા ધનાશ્રીના સૂર એને ઢંઢોળવા લાગ્યા. છેલ્લાં પાંચ વરસની કોઈ ઢબૂરી દીધેલી યાદને ચારે તરફ ફરી વળીને એ સૂર ઢંઢોળવા લાગ્યા.

ત્યાં આભા દોડતી દોડતી બેબાકળી બનીને આવી. એણે કહ્યું: ‘મોટી, એમણે આપેલી વીંટી મારાથી ક્યાંક મુકાઈ ગઈ છે. હવે?’ એની આંખ રડું રડું થઈ રહી.

કેતકીનું હૃદય અજાણી આશંકાથી ફફડી ઊઠ્યું. એણે આભાને ધીરજ દેતાં કહ્યું: ‘ઓહો, એમાં શું છે? હમણાં જ શોધી કાઢું છું. તું તારું કામ કર.’ ને એ ઉપર ચઢી, ચાલી જતી આભાને એણે ઘડીભર ઊભી રાખી. ચિબુક પકડીને એણે એનું મોઢું ઊંચું કર્યું ને એના ગાલમાં એક ચૂંટી ખણી, વહાલની એક ટપલી મારી ને આભા ઝાંઝર ઝણકાવતી દાદર ચઢી ગઈ. ઝાંઝરનો એ રણકાર ને પેલા પૂરિયા ધનાશ્રીના સૂરની છાલક હવે જાણે બધી પાળ તોડીને જ રહેશે એવું એને લાગ્યું. એ રસોડું છોડીને સહેજ બહાર આવી.

વરઘોડો આવવાની તૈયારી થઈ ગઈ હતી. બધાં ધમાલમાં હતાં. ઘરના નોકરો સુધ્ધાં બહાર જઈને બેઠા હતા. પેલા શરણાઈના સૂર એની વધુ ને વધુ નિકટ આવતા જતા હતા. એ ગભરાઈને અંદર દોડી ગઈ. ઘર આખું સૂનું હતું. એ દાદર ચઢવા લાગી. એણે બીજા કોઈનાં પગલાંનો ભણકાર સાંભળ્યો. એ સાવધ થઈ. થોડી વાર કાન માંડીને ઊભી રહી, પછી બબડી: ‘ના ના, એ તો ભ્રમણા! એ અહીં ક્યાંથી હોય, એ હવે અહીં ક્યાંથી હોય!’ ને એ ઉપર ગઈ. આભાના ઓરડામાં જઈને વીંટી શોધવા લાગી. વીંટી તો તરત જડી ગઈ. કપડાંના ઢગલા નીચે જરા ઢંકાઈ ગઈ હતી. એ વીંટી આપવાને પાછી નીચે ઊતરતી હતી ત્યાં એણે આયનામાં પોતાનું પ્રતિબિમ્બ જોયું. ને એની પાછળ એણે બીજું પ્રતિબિમ્બ જોયું. હવા ધ્રૂજી ઊઠી. ક્યાંકથી જાણે કોઈક અવાજ ઓરડામાં ઘૂમી વળ્યો. એણે કાન માંડ્યા.

‘કેટી, કેટી, કેટી…’

એનાથી બોલાઈ ગયું: ‘નીરદ!’

ફરી જાણે એને કાને ભણકારા અથડાયા: ‘કેટી, પાનેતર, ચૂડલો – અરે, ક્યાં છે બધું? પહેરી લે, મૂરત ચાલ્યું જશે નહીં તો! ભૂલી ગઈ? આજે વૈશાખ સુદ અગિયારસ છે. ભૂલી ગઈ?’

ને એ બોલી ઊઠી: ‘ના.’

પેલો અવાજ જાણે એનો અનુનય કરતો ચારે બાજુથી એને ઘેરી વળ્યો: ‘પહેરી લે પહેરી લે.’

ને એણે પોતાની પેટી ખોલી. હાથે કંકણ પહેર્યાં, પાનેતર પહેર્યું, પગમાં ઝાંઝર પહેર્યાં, વાળ સરખા કર્યા, આભાએ બાજુએ રાખેલી વેણી પહેરી; ને એ ઊભી થઈ. ફરી પેલો અવાજ એને ચારે બાજુથી ઘેરી વળ્યો: ‘કેટી, ચાલ, હવે હું આવું છું. હું આવું છું.’ એના કાનમાં એ અવાજ રહીરહીને ગુંજવા લાગ્યો: ‘હું આવું છું, હું આવું છું.’ ફાટેલી આંખે એ દૂર ને દૂર જતા અવાજને શોધી રહી, શોધતી જ રહી. બધું ભાન ભૂલીને શોધતી જ રહી.

નીચે માંયરામાં આભા અકળાવા લાગી. એણે એની માને કહ્યું: ‘જા ને, મારી વીંટી મોટી પાસે રહી ગઈ છે. જલદી લાવી આપ ને?’

મા ઉપર દોડી. એણે બૂમ પાડી: ‘કેટી, કેટી.’ કાંઈ જવાબ આવ્યો નહીં. એ આભાના બારણા આગળ પહોંચી. અંદર નજર કરતાં જ ચોંકીને ઊભી રહી ગઈ. આ કોણ? કેતકી કે કેતકીનું ભૂત? એ ઝટઝટ દાદર ઊતરી ગઈ. ત્યાં હસ્તમેળાપ થયો. ઝાલર વાગી. બૅન્ડ ગાજ્યું, શરણાઈએ દરબારી કાનડાના સૂર છેડ્યા.

કેતકી સફાળી ઊભી થઈ ગઈ. ઝાંખા અંધારામાં એણે પોતાનું પ્રતિબિમ્બ જોયું. એ ભાનમાં આવી. દોડતી દોડતી બારણાં બંધ કરીને એ શણગાર ઉતારવા લાગી. ત્યાં ટિન્નિએ બારણું ઠોકીને કહ્યું: ‘મોટી, નાની માસી વીંટી માગે છે, બારણાં ખોલો ને, મોટી, મોટી, મોટી, બારણાં ખોલો ને!’

બધું સરખું કરીને કેતકીએ બારણાં ખોલ્યાં, ટિન્નિએ એની આંખમાં આંસુ જોયાં. એ કેતકીના ખોળામાં બેસી પડી ને પૂછવા લાગી: ‘મોટી, તું કેમ રડે છે? તને મારી માળા આપું? લે.’ એના નાના નાના હાથે સોનાની સેર ઉતારીને કેતકીના હાથમાં મૂકી. કેતકીએ એને ચૂમી લીધી ને કહ્યું: ‘જા તો ટિન્નિ, આ વીંટી આભામાસીને આપી આવ તો!’

કેતકી હાથમાંની સોનાની સેરને આંસુથી ભીંજવતી બેસી રહી.

License

ગૃહપ્રવેશ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.