વિચ્છેદ

રોજ સાંજે તો એ વહેલા આવે છે. આજે કોણ જાણે કેમ હજુ સુધી આવ્યા નહીં. મારું આખું અસ્તિત્વ જાણે આંખમાં સમાઈને રાહ જોઈ રહ્યું છે. આવતી જતી ગાડીઓના અવાજ સંભળાય છે. એમાંની જ એક ગાડીમાંથી જાણે એ હમણાં જ સ્ટેશને ઊતર્યા હશે, આવતા હશે એમ કલ્પું છું. એમનાં પગલાંનો અવાજ સાંભળવા કાન માંડું છું. પણ એ હજુય આવ્યા નહીં. સામેની ભીંત પરની સન્ધ્યાકાળની કેસરવર્ણી પ્રકાશની રેખા ધીમે ધીમે અન્ધકારને સ્થાન આપતી લુપ્ત થતી જાય છે. હવે પાસેનું સોનચંપાનું ઝાડ પણ સ્થિર થઈ ગયું છે. પવન એના ફૂલની સૌરભ લઈને વદાય થતી સન્ધ્યાની સાથે જાણે અસ્તાચળ તરફ વહી ગયો છે. સામેના આયનામાં પડતું મારું પ્રતિબિમ્બ પણ હવે તો ઝાંખું થતું જાય છે. મન અધીર બની ઊઠ્યું છે. ફરી ફરી પૂછ્યા કરે છે: એ કેમ આવ્યા નહીં? એ કેમ આવ્યા નહીં? એમ થાય છે કે આવે ટાણે એમની સાથે ખૂબ લડી પડું! પણ એ આવે ત્યારે ને?

ટેબલ પર પડેલું પરબીડિયું – નજરને એ તરફથી કેટલીય વાર વાળી લીધી છે ને તોય હઠ કરીને એ તો ફરી ત્યાં જ દોડી જાય છે. કેટલીક વાર તુચ્છ જેવી વસ્તુઓ પણ એવી સાંકેતિક ને રહસ્યભરી બની ઊઠે છે કે એની તુચ્છતા તો જાણે આપણા જીવનમાં આપણને જરાય ચોંકાવ્યા વિના, સભાન કર્યા વિના પ્રવેશવાને માટે એણે સજેલો છદ્મવેશ જ ન હોય એવું લાગે છે. આવું મને જ થતું હશે કે બધાને જ કદીક એવું લાગતું હશે? કોણ જાણે! પણ એ પરબીડિયું એક દૃઢ બીબામાં ઢાળી દીધેલા મારા વ્યક્તિત્વની સીમાઓને છિન્નભિન્ન કરી નાંખનાર વર્ષાના ગાંડા પૂરના જેવું મને લાગે છે. એટલે એનાથી હું ભયભીત થઈ ઊઠી છું. મનને બીજે કેટલેય રસ્તે વાળીને દૂર રાખું છું ને તોય આંખ અણજાણપણે ફરી ફરી એ તરફ દોડી જાય છે! પડોશના પંજાબી ગૃહસ્થ અને એમની પત્ની દરિયે ફરવા જવાને નીકળ્યાં છે…. બહાર નીકળ્યા પછી પત્નીને એકાએક કશું યાદ આવ્યું, એ પાછી વળી, આ દાદર ચઢવાનો અવાજ સંભળાય છે, ઓરડીનું બારણું ઉઘાડવાનોય અવાજ સંભળાય છે, ફરી દાદર ઊતરતાં એનાં પગલાંનો અવાજ ને એ નીચે દેખાય છે. પણ આ એના હાથમાં શું? – પરબીડિયું! ને મારી આંખ પાછી ટેબલ પરના પરબીડિયા તરફ દોડી જાય છે… હજુ એ કેમ નહીં આવ્યા હોય! કેમ નહીં આવ્યા?

આ વખતે પાછી વળેલી દૃષ્ટિ સાથે ત્રણ અક્ષરો છુપાતા છુપાતા આવીને મનનું બારણું ખોલી અંદર પેસી ગયા છે. એ ત્રણ અક્ષરોનું એક નામ બને છે: શ્રીકાન્ત!… બહાર આકાશ તરફ નજર કરું છું તો ધીમે ધીમે એક પછી એક તારાઓ પ્રગટતા દેખાય છે. અહીં હૃદયમાંય વર્તમાન દિવસના ઓસરતા પ્રકાશની જેમ જાણે સરી જતો લાગે છે. અસ્પષ્ટ અન્ધકારથી છવાયેલા ભૂતકાળના વિસ્તૃત પટ પર ધીમે ધીમે એક પછી એક સ્મૃતિઓ ઝબકતી દેખાય છે – સરી જતા વર્તમાનની પાછળ દોડીને મન બોલી ઊઠે છે: એ કેમ આવ્યા નહીં? એ કેમ આવ્યા નહીં? પણ એમ લાગે છે કે એ શબ્દો યન્ત્રવત્ જ બોલાઈ ગયા છે. એની પાછળ રહેલો અર્થ તો જાણે સરી જતા વર્તમાનની સાથે ચાલ્યો ગયો છે. હોઠ પર એ શબ્દો ફરકી ગયા છે ખરા પણ હૃદય બેધ્યાન છે. એની એને જાણે કશી જાણ જ નથી થઈ. હૃદયની સામે તો પેલા ત્રણ અક્ષરોનું રચેલું નામ – શ્રીકાન્ત ઊભું છે. બધી ઇન્દ્રિયો એ તરફ વળી ગઈ છે. આંખ એને રંગનું રૂપ આપીને રાચે છે. કાન એને હૃદયના પ્રત્યેક સ્પન્દનમાં સાંભળે છે, વાયુની લહરીનો પ્રત્યેક સ્પર્શ પણ જાણે ભૂતકાળના એના ભુલાઈ ગયેલા સ્પર્શના રોમાંચની સ્મૃતિ મૂકી જાય છે; સોનચંપાનાં ફૂલની સુવાસ પણ જાણે મને એની તરફ વિવશ બનાવીને ખેંચી લઈ જાય છે. આજે જાણે મારું સમસ્ત વ્યક્તિત્વ એની તરફ અભિસારે ચાલી નીકળ્યું છે. મારા એ અભિસારના માંડેલા પ્રથમ સોપાને ધરણી આખી કોઈક સૂરસ્વામી ગન્ધર્વના અંગુલિસ્પર્શે ઝંકૃત થઈ ઊઠતી વીણાની જેમ રણઝણી ઊઠી છે. જાણે હૃદયમાં સંયમની ઓથે ઢાંકેલી મારી આરજૂ એ સૂરોમાં સંગીતના ઇંગિત રૂપે પ્રગટી ઊઠે છે!

સ્વપ્નિલ માદકતાના ઘેનને ભેદીને આવતા ઘડિયાળમાં પડેલા આઠના ટકોરા સાંભળું છું. હૃદયમાં સરી ગયેલી દૃષ્ટિને બળપૂર્વક બહાર ખેંચીને વાસ્તવિકતાના વિસ્તાર તરફ લાવવા મથું છું. પણ જે ‘છે’ તેની પાછળ રહેલા ‘નથી’ સિવાય આંખ જાણે કશું જોઈ શકતી જ નથી! બળજબરીથી ઘડિયાળ પર જ આંખને ઠેરવી રાખું છું પણ આંખ આગળથી ધીમે ધીમે ઘડિયાળનો આકાર ભુંસાઈ જાય છે ને ત્યાં દેખાય છે પેલી ક્ષીણ તેજવાળી ફિક્કી પીળી આંખો! આંખમાં રહેલી એ ફિક્કી પીળાશ મૃત્યુના સ્વાક્ષર જેવી લાગે છે. પણ એ પીળાશને વટાવીને આગળ જાઓ તો ત્યાં પરમસુન્દરની અસંખ્ય છબિઓ દેખાય છે. પણ એ પીળાશને વટાવીને આગળ જાઓ તો!

એ આંખોએ સૌન્દર્યનો સોમરસ ધરાઈધરાઈને પીધો છે. પણ સોમરસથી પ્રફુલ્લિત થઈ ઊઠેલા આત્માનું હાસ્ય પેલી પીળાશને ભેદીને કદી ચમકી ગયું દેખાયું નથી. એકાન્તમાં અનેક વાર સજળ બની ઊઠતી એ આંખોમાં સ્નિગ્ધતાનો તો આભાસ સરખોય દેખાતો નથી, એને બદલે કદીક કદીક હોલવાઈ જવા આવેલી ચિતાની શિખાના જેવું કશુંક એમાં એકાએક ઝળકી જાય છે. ને દૃષ્ટિ ચમકીને પાછી ફરે છે, ભયભીત થઈ ઊઠે છે. એ આંખ સામે દૃષ્ટિને સ્થિર કરી શકાતી નથી. પણ આજે એ બે આંખો જીવન્ત બનીને સામી ઊભી છે – સર્વ વાસ્તવિકતાને મિથ્યા બનાવી દઈને, વાસ્તવિકથીય અધિક સાચી બનીને એ આંખો મારી સામે ઊભી છે!

એ આંખોની નીચે રહેલું નાક, એનાં બે નસકોરાં જાણે વિરૂપતાની સીમા સુધી પહોંચાડવાની હઠ કરીને પહોળાં થઈ ગયાં છે. એની નીચે રહેલા અધરોષ્ઠમાંય કશુંક જુગુપ્સાકારક રહેલું છે ને તેમાંય જાડો, સહેજ લબડી પડતો હોઠ તો ખરે જ અસહ્ય એવી જુગુપ્સાની લાગણી જગાડે છે. એ હોઠ પર કદીય મંજુલ મધુર મૃદુલ રાગિણીની પગલી પડી નથી. ત્યાં તો ખોખરા, કમ્પતા શબ્દો જ સ્ખલિત ગતિએ ચાલે છે. અંદર અને બહારની વિસંગતિના સાકાર અભિશાપના જેવું એ માનવરૂપ આજે આંખો સામે ખડું થાય છે.

વિરૂપતાના ઉપહાસની શરૂઆત તો એની ફોઈએ જ એનું ‘શ્રીકાન્ત’ નામ પાડીને કરી દીધી હતી. ઉપહાસની છોળોથી ઘેરાઈને જ એ જીવવાનું શીખ્યો હતો. પણ ભગવાન શું નથી કરતો? વિરૂપતાના નેપથ્યમાં એણે પરમ સુન્દરની લીલા રચી હતી. સ્થૂળ આવરણની પાછળ કવિતા સાજ સજતી હતી, રંગ અને રેખાનું અપૂર્વ મિલન પરમ રહસ્યને અનોખી વાચા આપતું હતું. પણ વિરૂપતાનો ચોકીપહેરો વટાવીને કોઈનીય સહાનુભૂતિ એ સમૃદ્ધિની એંધાણી પામવા જેટલા ઊંડાણમાં પ્રવેશી શકી નહોતી. એ વિરૂપતાના સ્પર્શે સમભાવ ઉપેક્ષા, દયા કે ઉપહાસના રૂપમાં પરિવતિર્ત થઈ જતો; અન્તરંગના સૂના એકાન્તમાં પરમ સુન્દરની લીલા રચાયા કરતી. બહાર એનો સહેજ સરખોય આભાસ ન દેખાતો. મેઘાચ્છન્ન આકાશની પાછળ જેમ શ્રાવણની પૂણિર્માનું સુધાહાસ્ય ઢંકાઈ જાય, ક્યાંય હાસ્યની એક આછી લહરી સરખીય ન દેખાય તેમ એ લીલા ઇંગિત રૂપે બહાર પ્રગટતી નહોતી.

પણ આજે વિરૂપતાનો એ અંચળો મારી આંખ સામેથી સરી પડ્યો છે. વિરૂપતાના માધ્યમ દ્વારા પ્રગટ થતા પરમ સુન્દરને હું પામી શકી છું પણ…

સાડીનો પાલવ ખેંચીને ચાર વર્ષનો મારો લાડીલો પુલિન કહે છે: ‘બા, બાપુ હજુ કેમ નહીં આવ્યા? આજે શુક્રવાર છે તે મારે માટે ચણા લાવશે ને?’ હું કહું છું: ‘હા, લાવશે, જરૂર લાવશે. જરા બહાર રમી આવ; તારા બાપુ હમણાં આવશે.’

વાસ્તવિકતા જાણે સહેજ ડોકિયું કરીને પાછી ગઈ. પુલિનમાં મારામાં વસેલા માતૃત્વે કરેલું નિજત્વનું આરોપણ પણ જાણે સરી પડ્યું. જોઉં છું તો જાણે શરદ્ની સવારે ખીલી ઊઠવા મથતી, હસી ઊઠવા મથતી સુરભિથી અકળાયેલી કોઈ કુન્દ ફૂલની કળીના જેવું એ મુખ દેખાય છે. કુસુમમાં મુખ ને મુખમાં કુસુમ – આ નૈર્વ્યક્તિકતાની સૃષ્ટિમાં આવી આવજા બહુ સહજ છે. ‘આમ નહીં બની શકે’નો અન્તરાય જાણે ત્યાં નડતો જ નથી. શિશુની મુગ્ધ આંખોમાં કલ્પનાને હિલ્લોળતી જોઉં છું, વિના કારણે ફરકી જતા હાસ્યની લહરીમાં ભગવાને લખેલી આનન્દની ઋચાને વાંચું છું. શ્રીકાન્તમાં રહેલું પરમ સુન્દર મને વાસ્તવિકતાની ચરમ સીમાએ ખેંચી લાવ્યું છે. અહીં વાસ્તવિકતા જાણે પોતાનો વાસ્તવિક હોવાનો દાવો કરવાનું સાવ ભૂલી ગઈ છે. આજે હૃદય વ્રજની કૃષ્ણવિરહિણી રાધા બની ગયું છે. ‘શ્રીકાન્ત’ અને ‘કૃષ્ણ’ના સૂરમાં કશો ભેદ નથી – એ બધું જાણે એક થઈ ગયું છે.

પાંચ વર્ષ પરની વાત યાદ આવે છે. હું ને શુચિ કોલેજની સાહિત્યસભાના કાર્યક્રમમાં ગયાં હતાં. અમે સૌ આગળની પાટલી પર બેઠાં હતાં. શ્રીકાન્ત ત્યારે મારે મન અસંખ્ય ‘કોઈક’માંનો એક હતો. કવિતાવાચનનો કાર્યક્રમ હતો. હરીશ બંગાળી ગીતના ઢાળમાં લખાયેલું ગીત મીઠી હલકે ગાઈને રીઝવી ગયો. પછી આવ્યો શ્રીકાન્તનો વારો. એ વિરૂપ ચહેરો જોઈને શુચિએ મોં મચકોડી સુન્દરમ્ની ‘કાવ્યમંગલા’ ઉઘાડી ‘દશા ભાગ્યની’ કાવ્ય વાંચવા માંડયું. મેં પણ સાવ સ્વાભાવિકતાથી મોઢું ફેરવી લીધું. પણ શ્રીકાન્તે તો કોઈ સામે જોયું જ નહોતું. મન્દાક્રાન્તા છન્દમાં વિરહની વેદનાનું કાવ્ય આગળ વધતું હતું. આષાઢની સજલ વાદળી જાણે આર્દ્રતા છંટકારતી ચાલી જતી હતી, જાણે કોઈક કુસુમ સુરભિનો નિ:શ્વાસ નાંખતું હતું. પણ આ બધું પ્રગટ કરતા શબ્દોનો ધ્વનિ કાન સાથે અથડાઈને એની કર્કશતાથી જાણે એ બધી ઋજુકરુણ લાગણીને કચડી નાખતો હતો. પાછળથી હરીશની ટોળીએ બૂમ પાડી: ‘બેસી જા, બેસી જા.’ છોકરીઓના ટોળામાંથી પણ ઉપહાસનું તીખું હાસ્ય રણકી ઊઠ્યું; ને શ્રીકાન્તનું કાવ્ય અધૂરું જ રહ્યું. તે રાત્રે આંખ સામેથી વિરૂપ ચહેરો ખસ્યો નહીં. એના હૃદયમાંથી વહી આવતો કવિતાનો સ્રોત મારા હૃદયને સ્પર્શ્યો નહીં. એના વિરૂપ ચહેરાની યાદ જાણે ખડકની જેમ એને રૂંધીને ઊભી રહી. શ્રાવણની એ રાતે બહાર સુસવાટા સાથે વાતો સજલ પવન મારી ઊંઘને ચોંકાવી જતો હતો. જાણે શ્રીકાન્તની પેલી ઉવેખાયેલી કવિતા કરુણતાથી ભરી ભરી છતાં અસ્વીકૃતિના પ્રહારથી ઉશ્કેરાઈને મારા હૃદય સાથે પછડાયા કરતી હતી. એ રાત પણ જાણે આજે સાકાર થઈને પ્રિય સખીની જેમ મીઠો ઉપાલમ્ભ દેતી મારી પાસે આવીને બેઠી છે. આ તે કેવી વિચિત્રતા! નિરાકાર સાકાર થાય છે, સાકાર નિરાકારની રેખાશૂન્યતામાં ઓગળી જાય છે! દ્ધથ્જજ્ઞ્ અને પ્ટ્ઠથ્જજ્ઞ્ જાણે એકબીજાંને ભેટવા દોડ્યાં છે.

અમે ‘દુશ્મન’ જોઈને આવતાં હતાં. શુચિ, હરીશ, પરિહાસ, શ્રીકાન્ત અને હું. કોઈએ કહ્યું: ‘નજમલ કેવો સોહામણો લાગે છે!’ બીજા કોઈકે કહ્યું: ‘લીલા દેસાઈની આંખો કેવી સુન્દર, ભાવવાહી!’ શુચિએ કહ્યું: ‘ને એનું નૃત્ય!’ હરીશે કહ્યું: ‘સાયગલના દર્દનાક સૂર પણ હૃદયને કેવા હલાવી ગયા!’ આવી આવી અમે વાતો કરતાં હતાં. શ્રીકાન્ત જાણે છે જ નહીં એમ અમને લાગતું હતું. વિરૂપની આગળ સુન્દરનાં યશોગાન શાં! સુન્દરનું ગુણકીર્તન કરતી વેળાએ વિરૂપને અમે વિસાર્યું હતું. પણ હવે એ યાદ કરું છું ત્યારે તે દિવસે જે નહોતું જોયું તે આજે જોઈ શકું છું. એનામાં રહેલું પરમ સુન્દર અનેક રીતે પ્રગટ થવાને મથતું હતું. ઊમિર્લાનું હાસ્ય અંગભંગી દ્વારા પ્રગટ થવા ઝંખતું હતું; ભાવનાઓ ગીતની મધુરી સૂરાવલિમાં ગૂંજી ઊઠવા ઝંખતી હતી; અપૂર્વ દર્શન રંગ અને રેખા દ્વારા અંકિત થવા તલસતું હતું. અન્ધકારમાં ન દેખાતા એ વિરૂપ ચહેરાની પાછળ આવિષ્કાર પામવાને ઝંખતા પરમ સુન્દરની આ વ્યથા તે દિવસે નહોતી જોઈ. વિરૂપની સીમામાં રૂંધાઈ રહેલા પરમ સુન્દરનો એ તલસાટ તે દિવસે અનુભવવા જેટલો સમભાવ નહોતો. તે દિવસે અન્ધકારમાં એની આંખમાં ચમકતું એક અશ્રુ માત્ર જોયું હતું – જોઈને મજાકમાં મેં પૂછ્યું હતું: ‘કેમ, કોના વિયોગમાં આ આંસુ?’ હરીશે મજાકને આગળ લંબાવી: ‘ચિત્રપટની કથાની નાયિકાને પ્રેયસી બનાવવા તો નથી બેઠો ને, શ્રીકાન્ત?’ જવાબમાં એણે કહ્યું: ‘અન્ધકારમાં તમે મને સાવ ભૂલી ગયાં. એટલે આ એક આંસુનો મેં મારી ઉપસ્થિતિને સ્થાપિત કરવા ઉપયોગ કર્યો. બસ, એટલું જ.’ એ જવાબ આજે મર્મવેધી લાગે છે. સમભાવ વિનાના વાતાવરણમાં હૃદયની સાચી વેદના પણ હાસ્યાસ્પદ બની જવાનો પૂરો સમ્ભવ લાગે ત્યારે બીજાને હાથે એ હાસ્યાસ્પદ બને તેના કરતાં પોતે જ એને એવે રૂપે પ્રગટ કરે એ જ શું ઠીક નથી? શ્રીકાન્તે એવું જ કર્યું. એનામાં રહેલા કવિએ પોતાની મહામૂલી વેદનાને સમભાવની ભીખ માગવા મોકલી નહીં. એનું ગૌરવ એ રીતે ખણ્ડિત થવા દીધું નહીં. આજે એ કવિને ચરણે મારું માથું નમી પડે છે.

ધીમે ધીમે શ્રીકાન્ત જાણે દૂર ને દૂર સરતો ગયો. કોલેજની સભાઓમાં એ દેખાતો નહીં. કોલેજ મૅગેઝીનમાં એની કવિતાઓ પણ દેખાતી નહીં. કોઈક કહેતું કે ‘મહેશ’ને નામે એની કવિતાઓ એ પ્રસિદ્ધ કરે છે. પણ એના તરફ અમે લક્ષ આપ્યું નહોતું. પણ કોઈક વાર ‘મહેશ’નાં કાવ્યો વાંચતી ત્યારે એમાં રહેલો ઊંડો વિષાદ મારા હૃદયને ઉદાસ કરી જતો. જાણે અનિચ્છા છતાં એ કવિતાની સાથે મારી ઊમિર્ઓ સખીપણાં બાંધી બેસતી. હું બુદ્ધિ દ્વારા આદેશ દેતી કે ભ્રાન્તિને તમે નહીં વળગો, હાથમાં કશું નહીં આવે! મારે તો હાથમાં આવે એવું કશુંક જોઈતું હતું. તોય વૈશાખની સૂની સાંજે પશ્ચિમનું આકાશ સાન્ધ્યવર્ણથી રંગાઈ જતું ત્યારે મારી સહાનુભૂતિ અજાણતાં જ શ્રીકાન્તની કવિતાનો આશ્રય લઈને પોતાને પ્રગટ કર્યાનો સન્તોષ માણતી; પણ શ્રીકાન્ત એ જ મહેશ છે એ વાત હું ત્યારે માનતી નહોતી. એમ માનતાં દિલ કચવાતું. એમ થતું કે મહેશ તો હશે કોઈ નમણો લાજુક જુવાન: આંખમાં સ્નિગ્ધ કારુણ્ય, હોઠ પર આછું સ્મિત, કણ્ઠમાં મધુર સૂર – એવો હશે મહેશ. મહેશ સાથે શ્રીકાન્તની કલ્પનાય કરવી ઠીક નહોતી લાગતી. દ્વિદલની જેમ રહેતાં સુન્દર અસુન્દરને અમે એકબીજાંથી અસ્પૃશ્ય ગણીને જુદાં જ રાખતાં હતાં. એ રીતે ભગવાનનીય હાંસી ઉડાવતાં હતાં. પણ ત્યારે આ બધું સમજાતું નહોતું.

પરીક્ષાની તૈયારીના દિવસો હતા. ‘કાવ્યપ્રકાશ’ મને નહોતું સમજાતું. શ્રીકાન્તને એ સારું આવડતું હતું. મારે થોડું સમજવું હતું એટલે શ્રીકાન્તને મેં મારે ઘેર બોલાવ્યો હતો. હજુય બધું યાદ છે. સંકોચપૂર્વક એ આવ્યો. કોલબેલનો એણે ઉપયોગ નહીં કર્યો ને બારણું ઠોક્યું. બા જમતાં હતાં. તે ચિઢાઈને બોલ્યાં: ‘જો ને, કોણ ગમાર બારણાં ઠોકે છે?’ કદાચ શ્રીકાન્તે એ શબ્દો સાંભળ્યા પણ હશે. મારી ઇન્ટરમાં ભણતી નાની બહેન ચન્દ્રલેખા એને જોઈને હસવું ન ખાળી શકી – બાજુની ઓરડીમાંથી એનું હાસ્ય અમે બંનેએ સાંભળ્યું. ઉપેક્ષાની રેખાથી અંકાયેલા બધાંના ચહેરાને શું એણે નહીં જોયા હોય? મારી છેક નાની બહેન મૃણાલ અમે વાંચતાં હતાં ત્યાં આવીને હસતી હસતી પૂછી ગઈ: ‘ઉર્વશીબહેન, આ કોણ તમારા માસ્તર આવ્યા છે?’ એ સાંભળીને શ્રીકાન્ત હસી પડ્યો. સાંજે એના ગયા પછી મારા મોટા ભાઈએ કહ્યું. ‘આ સુન્દરતાના મહાઅવતારને ક્યાંથી પકડી લાવી? એ બોચિયાને શું આવડતું હશે?’ પછી શ્રીકાન્ત બી.એ.માં પ્રથમ વર્ગમાં આવ્યો એમ જ્યારે એમણે જાણ્યું ત્યારે એમને ખૂબ નવાઈ લાગી: ‘એવા વેદિયા ફર્સ્ટ ક્લાસમાં આવે તોય શું!’ આ બધું સંભારું છું ત્યારે મારું મન આઘાતથી વ્યથિત થઈ ઊઠે છે. જેણે કોઈનું કશું જ બગાડ્યું નથી તેની આવી હાંસી ને ઉપેક્ષા કરવામાં શાનો આનન્દ એમને મળતો હશે?

પછી આવ્યાં મારાં લગ્ન. બાએ કહ્યું: ‘હવે તું બી.એ. તો થઈ ગઈ. હવે લગ્ન કરવાનો તને શો વાંધો છે?’ કોણ જાણે કેમ લગ્નને માટે મારું મન ઉત્સુક નહોતું બન્યું તોય મેં કહી દીધું: ‘ના, મારે કશો વાંધો નથી.’ ને મારી નજર હરીશ, પરિહાસ, મહેન્દ્ર, સતીશ – એ બધા પર ફરી વળી ને પાછી આવી. એ બધા સાથે બહુ બહુ તો સિનેમા જોઈ શકાય, સહેલગાહે જઈ શકાય, બિનજવાબદાર ચર્ચાઓ કરી શકાય – જીવનની પ્રત્યેક ક્ષણના સહચારની અપેક્ષા ન રાખી શકાય, આખાય વ્યક્તિત્વને એમને સામે ન ધરી શકાય. એ સમ્બન્ધ શરદની વાદળી અને સન્ધ્યાની આશુવિલીયમાન વર્ણચ્છટાના જેવો. શરદ્ની વાદળીને વર્ણચ્છટાના પર મોહી જઈને સ્થિર થવાનું ફાવે નહીં; વર્ણચ્છટા પણ એ વાદળીને કારણે અદૃશ્ય થઈ જવામાં વિલમ્બ કરે નહીં. એ સુયોગ (?) પણ આકસ્મિક ને અલ્પજીવી ને એમાં જ એની મજા.

આજ સુધી આમથી તેમ સ્વચ્છન્દે રખડવાનું ગમ્યું હતું. કૂણી ઊર્મિઓ, કવિતાઓ – એ બધું ગમતું હતું. ઘડીક એમ પણ થતું કે એ બધું ચાહવામાં, માણવામાં અને બને તો સર્જવામાં જ જીવનની સાર્થકતા જોવાનું શું નહીં બને?

પણ મારી વ્યાવહારિકતા ખંધું હસીને બોલી ઊઠતી: હવામાં બાચકાં ભરવાથી હાથમાં શું આવશે? એ તો બધી ભ્રમણા છે, ભ્રમણા! લગ્નના સંસ્કાર દ્વારા, સર્વસ્વીકૃત શિષ્ટ સામાન્ય દામ્પત્યજીવનને ધોરી રસ્તે થઈને, સારથિની જરૂરિયાત સ્વીકારી, એની સાથે રહી જીવનનો રથ હંકારી જાઉં એ જ ઠીક એમ લાગ્યું. એથી મારા સ્ત્રીત્વને ઉચિત ગૌરવ પ્રાપ્ત થશે, માતા બનીશ ત્યારે સન્તાનના આદરનું ભાજન થઈશ… આવા ખ્યાલે લગ્નને મેં આવકાર્યું.

બાએ ફોટો બતાવીને કહ્યું: ‘આ સુહાસ, ત્રણસો રૂપિયા કમાય છે, બી.કોમ. છે; શરીર સુડોળ, બાંધો સારો, સ્વભાવે શાન્ત ને સાલસ, તારી જો ઇચ્છા હોય તો હા પાડી દઈએ. એમના તરફથી જ માગું આવ્યું છે.’ હોઠ પર તો હા આવી ચઢી. ચહેરો નમણો હતો. સમાજમાં સાથે ફરીએ તો સમવયસ્કા સખીને ઈર્ષા થાય એવો એ ચહેરો હતો. મારા ઘરમાં જે સુખસગવડથી ટેવાઈ ગઈ છું તે બધું જ ત્યાં મળી શકશે. બપોરને વખતે કોલેજનું જીવન યાદ આવે ત્યારે રેડિયો સાંભળીશ, ટેલિફોનથી શુચિ, લતા અને બધાં સાથે વાતો કરીશ… આ બધું વિચારી જોયું ને હોઠ પર તો હા આવીય ખરી; પણ ઠગારું હૃદય કેમ કંઈ જ કહેતું નથી? એને આનન્દનો એક રોમાંચ પણ કેમ થતો નથી? એ કેમ સાવ ઉદાસીન છે? એના તરફ નજર કરીને જોયું. એના સ્પન્દનમાં પેલા ‘મહેશ’ની કવિતાની પંક્તિઓનો ગુંજારવ સાંભળ્યો:

અયિ જ્યોત્સ્ના, જોને,

બિડાયેલાં મારા ઉરશતદલે સૌરભ રડે;

વીણાપાણિની હે!

રૂંધાઈને કણ્ઠે મધુગીત ઢળે મૌનશયને!

ને મેં કલ્પેલો મહેશનો પેલો નમણો ચહેરો યાદ આવ્યો: કોઈ નમણો લાજુક જુવાન: આંખમાં સ્નિગ્ધ કારુણ્ય, હોઠ પર આછું સ્મિત, કણ્ઠમાં મધુર સૂર! પણ એ કલ્પનાને આવરી દેતો શ્રીકાન્તનો ચહેરોય સાથે દેખાયો… ફરી મહેશની પેલી પંક્તિ સંભળાઈ પણ પ્રયત્નપૂર્વક એ બધું ભૂલી ગઈ, કોલેજમાં થયેલી એક વક્તૃત્વસ્પર્ધા યાદ આવી: જીવનને ખાતર કવિતા કે કવિતાને ખાતર જીવન? મેં કહ્યું: ‘જીવન પહેલું, કવિતા પછી.’ શ્રીકાન્તે કહ્યું: ‘જીવન વગર કવિતા નહીં એ સાચું પણ જીવનની સાર્થકતા એ કવિતામય બની જાય એમાં…’ પણ અત્યારે એ કેમ યાદ આવ્યું? હું એ અણગમતી સ્મૃતિને હડસેલીને આવેશથી બોલી ઊઠી: ‘જીવનને માટે કવિતા. મારે જોઈએ છે જીવન. કવિતાની પાછળ હું નહીં દોડું, નહીં દોડું.’

શરણાઈ બજી ઊઠી. સપ્તપદીના મન્ત્રો ઉચ્ચારાઈ ગયા. પેલા ફોટામાંના ચહેરાને મેં મારું ઉદાસીન હૃદય સોંપીને કહ્યું: ‘આની ઉચિત પ્રતિષ્ઠા કર.’

આજે બહાર સાઇનબોર્ડ છે: ‘સુહાસ એમ.મુનશી.’ એ નામના અક્ષરો સાથે મારા નામના અક્ષરોય ગૂંચવાઈ ગયા છે, હું એની સાથે વાંચી શકું છું: ‘શ્રીમતી ઉર્વશી મુનશી.’ કોલબેલ દાબો પછી પાંચેક મિનિટ રહીને બારણું ઉઘાડીને હાથમાં મંગળસૂત્રને રમાડતી જે સૌભાગ્યવતી સ્ત્રી તમને કહે કે ‘શું કામ હતું? એ તો બહાર ગયા છે. મોડા આવશે…’ તે છે શ્રીમતી ઉર્વશી મુનશી!

લગ્નને દિવસે અભિનન્દનના ઘણા પત્રો આવ્યા હતા. બધી જ સખીઓ એક્કે અવાજે કહેતી હતી: ‘ઉરુ, તું તો ફાવી ગઈ.’ મારું મન એ વાંચીને મલકાઈ ઊઠતું. ને હૃદય? આનન્દના કોલાહલનું એ કેવળ સાક્ષી બની રહ્યું હતું. એણે એમાં સૂર નહીં પુરાવ્યો. એ તો સાવ ઉદાસીન જ રહ્યું. આજે એ જાગ્યું છે, જાગીને મને મુશ્કેલીમાં મૂકી દીધી છે. જીવનમાં આવું કેમ બનતું હશે? હૃદયને જો માનીને ચાલવા જઈએ તો વ્યવસ્થા સ્થાપવાને રચેલા નિયમો સાથે અથડાવું પડે છે. નિયમોને વશ વર્તીને ચાલીએ છીએ તો હૃદય જાણે ભારરૂપ થઈ પડે છે. આ વિચ્છેદનો શાપ શા માટે? આજે ફરી ફરી પ્રશ્ન થાય છે: શા માટે?

એ અભિનન્દનના પત્રોમાં મહેશનોય પત્ર હતો. કવિતાની બે પંક્તિઓ. કવિતા ‘મહેશ’ની એમ તો મેં માન્યું પણ અક્ષરોને હું ઓળખી શકી. એ અક્ષરો તો શ્રીકાન્તના હતા. તો શું શ્રીકાન્ત એ જ મહેશ? મન ધૂણીને બોલી ઊઠ્યું: ના, ના, ના! ફરી કવિતાની બે પંક્તિઓ તરફ નજર ઠેરવી. શ્રીકાન્તના અક્ષરોને બાદ કરીને મહેશની કવિતાને વાંચવા મથી. પણ શ્રીકાન્તના અક્ષરો આંખ સામે જાણે એનો પેલો વિરૂપ ચહેરો આંકી ગયા. શ્રીકાન્તના મુખમાં એ પંક્તિઓ કેવી લાગે એની કલ્પના કરીને મન ચિઢાઈ ગયું. મેં તરત જ એના પત્રને ટુકડેટુકડા કરી નાંખ્યા. તોય પગ પાસે પડેલા એ ટુકડાઓમાંના શ્રીકાન્તના અક્ષરો એ બે પંક્તિઓ ફરીથી જાણે બોલી ઊઠ્યા:

તું આવીને ઉરઘટ ભરી ચાલી ગૈ દૂર દૂરે,

આ નેત્રોનો પનઘટ સૂનો એ સ્મરીને ઝૂરે છે!

એ પંક્તિઓ જે અર્થને વ્યક્ત કરતી હતી તે અર્થને મેં પ્રયત્નપૂર્વક દૂર દૂર હડસેલી દીધો. મેં શ્રીકાન્ત પાસેથી શું લઈને મારો હૈયાનો ઘડો ભર્યો છે? ને એની પેલી ફિક્કી પીળી આંખો એનું સ્મરણ કરીને શા માટે ઝૂરે? એ નર્યું જુઠ્ઠાણું છે, જુઠ્ઠાણું! અભદ્ર અશિષ્ટ ઉદ્ગાર છે. કવિતાનો વેશ સજાવીને એણે એની અમંગળ આસક્તિને મારા તરફ શા માટે મોકલી હશે? આટલી બધી ધૃષ્ટતા છે? છિ! છિ!

લગ્નજીવનનું એક વર્ષ વીતી ગયું ને પુલિને આવીને મારો ખોળો ખૂંદવા માંડ્યો, પણ હૃદયનો ભાર કેમ વધતો જ જાય છે? સુહાસના એ ચહેરા પરનું સૌન્દર્ય એના વ્યક્તિત્વના નેપથ્યમાં કેમ દેખાતું નથી? ત્યાં તો જાણે ભુખાળવી વાસના બેઠેલી દેખાય છે. હૃદય તો કશુંક અસામાન્ય, અપૂર્વ, પરમસુન્દર એવું ઝંખે છે. એ અહીં નથી મળતું. બહાર જે સુન્દર બનીને બેઠું છે તેને ભેદીને અંદર દૃષ્ટિ કરું છું તો ત્યાં નથી દેખાતી કોઈ ઉદાત્ત ભાવના, નમણી લાગણી કે આત્માને પ્રફુલ્લ કરી દે એવી કવિતા! ત્યાં તો નરી સામાન્યતા છે. લોલુપ બનેલી વિષયવાસના જાણે મારો કોળિયો કરી જવાને તરાપ મારીને બેઠી છે ને તોય બહારનો પેલો ચહેરો આ કશાથીય સહેજ સરખોય વિરૂપ થતો નથી? આ વિસંગતિ વધારે અસહ્ય છે; કારણ કે એથી આત્માને ક્લેશ થાય છે.

ગાલ પર ચોઢાતા ચુમ્બનમાં એક પ્રકારના દઝાડતા અગ્નિને અનુભવું છું. ગળાની આજુબાજુ વીંટાતા હાથો જાણે લોલુપ વાસનાની જિહ્વા જેવા દેખાય છે… ને હું કમ્પી ઊઠું છું. શ્રીકાન્તના અન્તરંગમાં રહેલા સમૃદ્ધ સૌન્દર્યને યાદ કરું છું, એ રીતે મનને સહેજ સ્વસ્થ કરું છું પણ જેની મને અત્યન્ત સૂગ છે, જે મારે મન જુગુપ્સાજનક છે તે એમને મન લિજ્જતદાર ભોજ્ય બની ગયું છે. આ વિચ્છેદ એટલો તો ઊંડો છે કે એને સાંધવાનું કદી બને એમ નથી. પાકેલી કેરીને નાનું બાળક ચૂસે એ રીતે એ મારા સૌન્દર્યને ચૂસીને લિજ્જત માણે છે. મારી ભાવના, લાગણી, ઊમિર્ – એ બધાં સાવ અતૃપ્ત રહ્યાં છે. પેલી વાસનાનું દાસત્વ એ સૌ કરી શકતાં નથી. આથી હું ખૂબ મુંઝાઉં છું પણ હવે શું કરું? મેં મારા હાથે જ મારા વ્યક્તિત્વને સમાજની સાક્ષી ને સમ્મતિ સાથે એમને સોંપી દીધું છે. પણ આજે જોઉં છું તો એમ લાગે છે કે તે દિવસે મારું સાચું સ્વરૂપ જાણે જોયું જ નહોતું. આજે આભાસી છાયાને દૂર કરીને સત્ય પ્રકાશ્યું છે. પણ એમણે તો મારી આભાસી છાયાને જ પત્ની તરીકે સ્વીકારી છે. એમની આગળ આજનું સાચું સ્વરૂપ પ્રગટ કરું તો એ એને ઓળખી શકવાના જ નથી. આ રીતે વ્યક્તિતાનો આભાસી વેશ એમને મન સાચો બની ગયો હોવાથી સમાજમાં રહીને એને ફગાવી દેવાનું મારાથીય શી રીતે બને? આ વિચ્છેદ ખરે જ અસહ્ય બની ઊઠ્યો છે. જીવનનો સ્રોત જાણે બધી સીમાઓને ઉલ્લંઘીને મુક્તપણે વહી જવા ઇચ્છે છે. પેલી પરિણીતા ઉર્વશીને ખસેડીને આ ઉર્વશી આગળ આવી છે – સૂર્યના પ્રકાશમાં ધુમ્મસ ઓગળી જાય તેમ પેલી આભાસી ઉર્વશી આ સાચી ઉર્વશી પ્રગટતાં જ અદૃશ્ય થઈ ગઈ છે. ઘડીક મનમાં એમ પણ થાય છે કે ઊંડે ઊતરીને જોવાની ટેવ જ ન હોત તો કશાય અન્તરાય વિના સામાન્યતાના ધોરી રસ્તે થઈને મૃત્યુને સિંહદ્વારે પહોંચી જવાયું હોત. પછી પાછળ સ્મૃતિની નાની શી રેખાય ન રહી હોત. પણ એ યદિતાની વાતને આગળ લંબાવવાનો કશો અર્થ નથી.

દિવસે દિવસે હૃદય શ્રીકાન્તના અન્તસ્થ સૌન્દર્યને શોધવાને પામવાને તલસી રહ્યું છે. એનાં સૌ સાથે મળીને કરેલાં ઉપેક્ષા ને ઉપહાસ તો આજે મારા અન્તસ્થ સૌન્દર્યને જ કલંકિત કરી ગયાં છે. આ ઊર્મિ કવિતા બનવા એની તરફ દોડી રહે છે, ભાવના રહસ્યઘન બનવાને એની તરફ જ ચાલી નીકળી છે, સ્વપ્નો સિદ્ધિની કેડીને પામવાને એ તરફ જ વળી ગયાં છે. આ સાચી ઝંખનાએ જીવનમાં પહેલી જ વાર પ્રેમની સાચી સહાનુભૂતિને જાણે જાગ્રત કરી છે. આજે એમ થાય છે કે શું શ્રીકાન્તનેય કદી આવી ઝંખના નહીં થઈ હોય! એ ઝંખનાને એણે શી રીતે રૂંધી હશે? ને મને પેલી પંક્તિઓ યાદ આવે છે:

અયિ જ્યોત્સ્ના, જોને,

બિડાયેલાં મારાં ઉરશતદલે સૌરભ રડે;

વીણાપાણિની હે,

રૂંધાઈને કણ્ઠે મધુગીત ઢળે મૌનશયને!

હૃદય લવી ઊઠે છે: ‘શ્રીકાન્ત, જ્યોત્સ્ના હવે પ્રસન્ન બનીને હસી ઊઠશે; તારું ઉરશતદલ ખીલી ઊઠશે; અકળાયેલી સુરભિ દિશાએ દિશાએ એની સમૃદ્ધિનો મહિમા સ્થાપિત કરી દેશે; તારા મૌનને શયને પોઢી ગયેલાં મધુગીતો મારા સૂરની આંગળી ઝાલીને સ્વચ્છન્દે બહાર વિહરશે, હવાને આનન્દથી કમ્પાવી દેશે.’ એમ જ થાય છે કે જાણે ફરી ફરી આ બોલ્યા જ કરું, બોલ્યા જ કરું. હૃદયને એથી ખૂબ સન્તોષ થાય છે.

મન વિચારના વમળમાં ઘેરાઈને ઘૂમરી ખાય છે. સાચું મિલન શુભ, સુન્દર અને સત્યના પર પ્રતિષ્ઠિત થઈને રહે છે. અશુભ, અસુન્દર અને અસત્યની હાંસી ઉડાવવાની જરૂર નથી. આત્યન્તિક દૃષ્ટિએ જોતાં કશું જ અશુભ, અસુન્દર કે અસત્ય નથી જ નથી. આપણી દૃષ્ટિની મર્યાદા જ એને એવા ખોટા રૂપમાં રજૂ કરે છે. આ દીક્ષા દેનાર શ્રીકાન્ત આજે ક્યાં છે? કૃતજ્ઞતાનો સાચો ઉદ્ગાર પણ શું એની આગળ પ્રગટ કરવાનું નહીં બની શકે? એની વિરૂપતાનું આવરણ હવે મારી દૃષ્ટિને ખૂંચતું નથી. આજે મારા સમસ્ત સ્વત્વને એનામાં વસેલા પરમ સુન્દરને ચરણે અર્ઘ્ય રૂપે ધરી દઈને કૃતાર્થતાનો રોમાંચ અનુભવવા ઇચ્છું છું. ભગવાને વિરૂપતાનો છદ્મવેશ સજીને જાણે ત્યાં પોતાનો આવિષ્કાર કર્યો છે. અહીં એમનામાં જે વિરૂપ છે તેને જ સુન્દર બનાવી દેવાની શક્તિ શ્રીકાન્તના અન્તસ્થ સૌન્દર્યમાં રહી છે. એ સૌન્દર્યની સમૃદ્ધિ હવે મારે મન ભ્રાન્તિ માત્ર નથી. મારા જીવનને સૌન્દર્યથી રસી દેવાને હું ઉત્સુક બની બેઠી છું. પણ આજે એ શ્રીકાન્ત ક્યાં છે? અજ્ઞાતના અંધારા અંચળામાં એ છુપાઈ ગયો છે. એનામાં વસતા પરમસુન્દરની હાંસીને એ શી રીતે જીરવી શકે?

મારી દૃષ્ટિ પરબીડિયા તરફ વળે છે. શુક્લપક્ષની દશમીની આછી જ્યોત્સ્ના એના પર પથરાય છે. શ્રીકાન્તને લખેલો પત્ર ડી.એલ.ઓ.માં થઈને અહીં પાછો આવ્યો છે. શ્રીકાન્ત જાણે દૂર દૂર સરી ગયો છે. એ સરી ગયો છે એમ શા માટે કહું? મારી ઉપેક્ષા અને હાંસીએ જ એને દૂર દૂર હાંકી કાઢ્યો છે. હૃદય યાચના કરે છે: એણે અનુભવી એનાથી ચાર ગણી યાતના સહેવાનું સૌભાગ્ય મને આપ, હે ભગવાન! પ્રાયશ્ચિત્તની તક ન આપે તો તું નિષ્ઠુર નથી ને?

મહેશની કવિતાઓ યાદ આવે છે. એની એક પછી એક પંક્તિ કલ્પનાના નવા પ્રદેશનું સોપાન બની રહે છે. હું આગળ ને આગળ વધ્યે જ જાઉં છું. અહીં ગુલાબી હાસ્ય છે, ત્યાં અશ્રુધૌત શુચિતા છે, એ બધાંને આવરી દેતી એક મહાવિષાદની ઘેરી છાયા દેખાય છે. પણ એથી ગ્લાનિ થતી નથી. મનને આજે આ અનોખા વિશ્વમાં હરણફાળે કૂદવાનું ગમે છે, મોરની જેમ નાચવાનું ગમે છે, કોકિલની જેમ ટહુકવાનું ગમે છે.

‘ઉરુ, ઉરુ… ‘ દૂરદૂરથી શબ્દો આવીને અથડાય છે. મનમાં થાય છે – હં, આ તો પેલી આભાસી ઉર્વશીને કોઈક શોધે છે. અરે, એ તો હવે નથી, નથી. ફરી સંભળાય છે: ‘ઉરુ, ઉરુ!’ પણ એ શબ્દો ધ્યાનમાંથી તરત જ સરી પડે છે. આંખમાં આનન્દનાં આંસુ છે. સામેના આયનામાં એને ચમકી ઊઠતાં જોઉં છું. એમાંનું એક આંસુ પરબીડિયા પર પડે છે. હું મનમાં બોલું છું: ‘શ્રીકાન્ત, મારામાં વસતું સુન્દર તારે ચરણે આ આંસુ રૂપે વહી આવ્યું છે. એને સમૃદ્ધ કરી દે – ‘ ને ખભા પર સુહાસના હાથનો સ્પર્શ થાય છે, એ સ્પર્શને પણ ભાષા છે. એ ભાષા જાણે સંવાદી સંગીતમાં એકાએક આવી ચઢેલા બસૂરા સૂરના જેવી કણકટુ ને અપ્રિય લાગે છે. એની બે આંખો મારી સામે મંડાય છે. એમાં કરાલ તૃષા છે. જાણે વૈશાખનો નિષ્ઠુર સૂર્ય નાનકડા નિર્ઝરને શોષી લેવા ઊકળી રહ્યો છે!

‘ઉરુ, આંખમાં આંસુ શાનાં? મને આવતાં મોડું થયું એથી દુ:ખ થયું?’ એમ કહીને સુહાસ મારા નીચા નમી પડેલા મુખને એના હાથથી ઊંચું કરે છે, ગાલ પર એક ચુમ્બન કરે છે, વાળની લટમાં એનો હાથ ફરે છે… ને મારી નજર પેલા પરબીડિયા તરફ વળે છે. એ મારે મન શ્રીકાન્તનું પ્રતિનિધિ છે. એ શા માટે આ બધાનું સાક્ષી બને? હું એને સાડીના પાલવમાં સંતાડી દઉં છું.

સુહાસ પૂછે છે: ‘ઉરુ, શું થયું છે તને? કેમ કશું બોલતી નથી?’ હું મારામાં અદૃશ્ય થઈ ગયેલી પેલી આભાસી ઉર્વશીને કહું છું: ‘ધૂર્ત સંતાઈ ગઈ! બહાર આવ, જવાબ આપ.’ પણ એનો ક્યાંય પત્તો નથી. ફરી પેલા શબ્દો મારા તરફ એ આભાસી ઉર્વશીને શોધતા ધસી આવે છે: ‘ઉરુ, ઉરુ!’

મારા હૃદયમાં જાણે એના પ્રતિધ્વનિ રૂપે સાંભળું છું: ‘નથી, નથી!’

ફાલ્ગુની 6/1944

License

ગૃહપ્રવેશ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.