કાલીયમર્દન

એણે ઘડીભર એકીટસે આયનામાં જોયા જ કર્યું. આખીય મુખાકૃતિને આવરી લેતી સુકુમારતા, પ્રસન્નતા ને નિષ્પાપ મુદ્રા… એ હસ્યો. પણ બીજો કયો શબ્દ વાપરવો? ને એને યાદ આવ્યું: ‘દુષ્ટતા એટલી હદે મોહક બને કે આપણે એને નિર્દોષતા ગણીને હૃદયનું સમર્પણ કરવા લલચાઈએ…’ લીના જેવી કોઈક જ આવું બોલે. મોટા ભાગનીને તો એ અસાધારણ અનુભવની આકસ્મિકતાથી આવેલી પરવશ મૂચ્છિર્ત અવસ્થામાં જ એણે વદાય કરી છે. આ ઉંબર ઓળંગીને એ રીતે એણે અત્યાર સુધીમાં કેટલીય સ્ત્રીઓને વદાય થતી જોઈ છે… વીખરાયેલા વાળ, આવેશની ઉત્તેજનાથી આંખમાં વરતાતો કેફ, કોઈક વાર આંખમાં દેખાતી અસહાયતા તો કોઈક વાર લુંટાઈ ગયાનો ભાવ… એણે તરત આંખ આડેથી આ ચિત્રો ભૂંસી નાખ્યાં. ફરી આયનામાં એ મુગ્ધ બનીને પોતાનું પ્રતિબિમ્બ જોઈ રહ્યો.

એણે ઓરડા તરફ નજર કરી. ‘સેન્ટરપીસ’ પર મૂકેલો કાંટાળો થોર ને તેની વચ્ચે મૂકેલી અધખૂલી ચણોઠીની શીંગમાંથી દેખાતા ચણોઠીના લાલચટ્ટક દાણા … એની ઓરડાની દરરોજની બદલાતી સજાવટ ઘણાને મુગ્ધ કરી દેતી. ઓરડાની આબોહવામાં સાહસ કરવાને માટેનું આહ્વાન હતું. અહીં મન્દ વૃત્તિઓ જાણે આળસ મરડીને જાગી ઊઠતી. ઓરડાના અસબાબની એકેએક સામગ્રી ઇન્દ્રિયસન્તર્પક હતી.

ઘડીભર એ બારી પાસે જઈને ઊભો રહ્યો. એને પાઇપમાં તમાકુ ઠાંસ્યો ને દીવાસળી સળગાવી. ધુમાડાની પહેલી સેર અવકાશમાં વહેતી થઈ. એની સાથે એણે એના મનને સ્વૈરવિહાર માટે છૂટું મૂક્યું. પણ આજે એને ક્યાંક કશોક અન્તરાય નડતો લાગ્યો. ક્યાંક થોડો સરખો ભાર – પોતે છે એનું ભાન કરાવવા પૂરતો એથી જરાય વધારે નહીં – એને વરતાયો. થાક હશે? ના ના … ફરી એણે ઓરડામાં નજર કરી. ઓરડાની કલરસ્કીમ, પ્રકાશછાયાની અજબ મિલાવટ –ક્યાંક કશું સંતાઈને દગો દેવા બેઠું તો નથી ને? સાંજની ધૂસરતાથી વસ્તુઓ લીંપાઈ હતી પણ એ ધૂસરતામાં વૈરાગ્યની છાંટ નહોતી… સ્રસ્તવસ્ત્રા આલુલાયિતા નાયિકાનાં ગાત્રોમાં રતિક્રીડાને અન્તે આવતી શિથિલતાનો જ એમાં ભાસ થતો હતો.

ને છતાં.. એ ‘છતાં’નો કાંટો શી રીતે કાઢવો તેનો અનિચ્છાએ એ વિચાર કરવા લાગ્યો. એ કચવાયો. એને થયું. સોનલને નકામી જ અહીં આણી. એનું ગજું નહીં. લોહી જ ઠંડું. મારા બાપ… આંસુમાં ઘોળાયેલો એનો ગુસ્સો જોઈને હું તો ફરી ભાન ભૂલતો હતો. એ ગઈ ત્યારે શ્વાસ હેઠો બેઠો…

ને એણે પોતાના નિશ્ચયને ફરી વળ ચઢાવ્યો. ના, સોનલ જેવીનું અહીં કામ જ નહીં.

પણ … આ આજે એને શું થવા બેઠું છે? પાઇપમાંનો તમાકુ હોલવાઈ ગયો હતો ને એ અન્યમનસ્ક બનીને દમ ખેંચ્યે જતો હતો. એકાએક એને ભાન થયું કે ધુમાડો તો નીકળતો નથી. ને એ કચવાયો: ‘આ તે મને શું થવા બેઠું છે?’

એણે બહાર નીકળવાનો વિચાર કર્યો. જરા લટાર મારી આવવાથી કે બ્રિજનાં બેચાર રબર રમવાથી જરૂર ફેર પડશે એમ એને લાગ્યું. એણે ચન્દ્રકાન્તને ઘેરે જઈને જોયું તો ભાઈ ગેરહાજર હતા. સુધાએ એને આગ્રહ કરીને બેસાડ્યો ને એ ચા લાવી, ચા એને ભાવી નહીં. એણે સુધાને કહ્યું: ‘ચન્દ્રકાન્ત આવી ગાયના મૂતર જેવી ચા પીએ છે ખરો?’ સુધાએ કહ્યું: ‘ના, હવે એમણે ચા છોડી છે. મારી યુક્તિ સફળ થઈ. દાક્તરે કેટલી ના પાડી છતાં ચા છોડે નહીં એટલે મેં હલકામાં હલકી ચા વાપરવા માંડી; ને તમે તો જાણો છો ને કે એ પહેલાં સ્પેન્સરની ચા સિવાય બીજી પીતા જ નહીં. આખરે કંટાળીને એમણે ચા છોડી.’

એને હોઠે શબ્દો આવ્યા: ‘અરે, મારે ત્યાં તો ખાસ્સો કપના કપ ચા ગટગટાવી જાય છે.’ પણ એ શબ્દો બોલવાની ક્રૂરતા એણે આચરી નહીં. એ ઊઠ્યો. એણે રાજમાર્ગ પરના ટોળામાં ભળીને ચાલવા માંડ્યું. એ પ્રવાહમાં પરપોટાની જેમ ખોવાઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ તરત જ એ બહાર ફેંકાઈ ગયો. હવામાં સુસ્તી હતી, મનને નાહક ભારે કરી નાંખે એવી ગતિહીન નિશ્ચલતા હતી. હવાનો થર ખભે ઉપાડીને જાણે ચાલવું પડતું હતું. ક્યાંક કશુંક ગતિને રૂંધીને પડ્યું હતું. પ્રવાહ અટકી ગયો હતો – કે પછી આ બધી એના મનની જ કલ્પના હતી? એણે બારણું ખોલ્યું. પુરાઈ રહેલી હવા જાણે છુટકારાનો દમ ખેંચીને બહાર નીકળી ગઈ. ઘડીભર જાણે કોઈ અંધારામાં એને ઘસાઈને ચાલી ગયું હોય એવી એને ભ્રાન્તિ થઈ. થોડી વાર સુધી દીવો કર્યા વગર એ બેસી રહ્યો. પછી એણે દીવો કર્યો. એ ઓરડાની સૃષ્ટિ જીવતી થઈ. એ બધાની સાથે એણે પણ જીવતા થવાનો પ્રયત્ન કર્યો પણ ઓરડાના અસબાબની વચ્ચે થોડી વાર સુધી એ જડ વસ્તુની જેમ પડ્યો રહ્યો.

એણે આંખો બંધ કરી. લોહીનો ધબકાર સાંભળ્યો. એનો લય બદલાયેલો લાગ્યો. જેમ જેમ એને નહીં સાંભળવાનો એ પ્રયત્ન કરતો હતો તેમ તેમ એ એને વધુ ને વધુ સ્પષ્ટ સંભળાતો ગયો. એ ધબકારની સાથે જ કોઈનો બારણું ઠોકવાનો અવાજ પણ ભળી ગયો. પછી એને ભાન આવ્યું. એ સફાળો ઊભો થઈ ગયો, એણે બારણું ખોલ્યું.

‘આવો આવો; અત્યારે ક્યાંથી ભૂલાં પડ્યાં?’

‘તમને તકલીફમાં તો નથી મૂકતી ને?’

‘ના ના, બેસો.’

એણે એને ટેબલલૅમ્પ આગળના સોફા પર બેસાડી. એકાએક એને સોનલ યાદ આવી. ત્યાં જ એ પણ તે દિવસે બેઠી હતી. ને એને થયું હતું કે આને ઊઠીને બીજી ખુરશી પર બેસવાનું કહે; પણ એ કેવું વિચિત્ર લાગશે તેના ખ્યાલે એણે એ વિચાર માંડી વાળ્યો!

એની આંખો જાગી, એણે જોયું: ચશ્માંના જાડા કાચ પાછળની ઝીણી આંખ, વધારે પડતો લાંબો લાગતો ચહેરો, નીચલા હોઠને દાબતા દાંત, પાતળો દેહ…

ને કોણ જાણે શાથી એને સુધાના શબ્દો યાદ આવી ગયા: ‘મેં હલકામાં હલકી ચા વાપરવા માંડી…. ને આખરે એમણે કંટાળીને ચા છોડી.’

‘હલકામાં હલકી’– શબ્દ એના મનમાં ખૂંતી ગયા. એ સામે બેઠેલી સ્ત્રીને જોઈ રહ્યો.

એ ઊભી થઈ. દીવાલ પરનાં ચિત્ર જોવા લાગી. એક તરફ એનું એમ.એ.નું સટિર્ફિકેટ હતું.

‘ઓહો, તમે એમ.એ.માંય ફર્સ્ટ ક્લાસ લીધેલો?’

‘હા.’ એ સન્તોષથી પોતાને માટેના આદરને માણી રહ્યો.

‘આ ચિત્ર તમે ક્યાંથી લાવ્યા?’

‘એ તો હું પૅરિસ ગયો હતો ત્યાં એક ફ્રેન્ચ બાઈએ ભેટ આપેલું.’ પેલીનો આદર વધ્યો.

‘ને આ તમારો ચારકોલ સ્કેચ?’

‘અલ્પના ઘોષ નામની મારી એક શાન્તિનિકેતનની મિત્રે કરેલો.’ પેલી વિસ્ફારિત નેત્રે જોઈ જ રહી. બધું જ એની ગણતરી મુજબ થતું લાગ્યું – એ જ વ્યૂહરચના, એ જ પ્રશ્નો – ને એક પછી એક ઉત્તરનો તન્તુ વીંટાતો ગયો તેમ તેમ શિકાર નજીક આવતો ગયો.

એણે ફરી એક વાર એના પર નજર કરી. એ હવે પાસે આવી હતી. ખૂણામાંના ટેબલ પરથી એક ફોટાનું આલ્બમ ઊંચકીને એ એની પાસે બેસીને ફોટાઓ જોતી હતી. એકએક ફોટો નવા સમ્મોહનાસ્ત્રનું કામ કરતો હતો. હાથ હાથને ક્યારનો સ્પર્શી ચૂક્યો હતો. એનાથી આખા શરીરમાં દોડી ગયેલા વિદ્યુત્પ્રવાહને કારણે એ ઘડીભર ચોંકી હતી પણ વળી સ્વસ્થ થઈ ગઈ હતી.

ફરી સુધાનું વાક્ય એના મનમાં ઘોળાવા લાગ્યું… આને પહેલાં જોઈ છે. પણ ચિત્ત પર સંસ્કાર પાડે એવું એનામાં કશું ન હોવાના કારણે એને કશું યાદ નથી. ચામડીનો રંગ કાળો ચળકતો અબનૂસ જેવો, ક્યાંય મોહકતાનો એક્કેય અંશ નહીં, અવાજમાં તીક્ષ્ણતા, બોલતી વખતે કોઈ વાર જાડા કાચની બહાર આંખો ધસી આવશે કે શું એવું લાગે!

આલ્બમનાં પાનાં ફર્યે જતાં હતાં. એ પણ એના શરીરની વીગતને આલ્બમની જેમ જ તપાસીને જોઈ રહ્યો હતો ને! પ્રથમ સ્પર્શે પાડેલી નાની કેડીએ વહેતો રાજમાર્ગ ખુલ્લો કરી દીધો હતો ને હવે વાતચીતના શબ્દો ધીમે ધીમે ઓછા થતા જતા હતા.

બારીનો પડદો હવાની એક લહેરખી આવતાં ફરફર્યો. બંધિયાર હવામાં ગતિ આવી. એ ગતિ સંકોચાતે પગલે ઓરડામાં દાખલ થઈ. વસ્તુઓના પડછાયા થરક્યા, સામી ભીંત પર પડતી સેન્ટરપીસ પરના થોરની છાયા એ જોઈ રહ્યો.

… સોનલ આવી જ રીતે પવનમાં અથડાતી બારીને આંકડી મારવા ઊઠી હતી. એની લટોએ મોઢું ઢાંકી દીધું હતું. ખભા પરથી રેશમી સાડીનો છેડો સરી પડ્યો હતો. ગભરાયેલી સંકોચાતી એ જ્યારે એની તરફ વળી ત્યારે એના લોહીમાં હજારો ધનુષોનો ટંકાર સંભળાતો હતો. એક શબ્દ બોલ્યા વિના એણે સોનલના બંને હાથ પડકી લીધા હતા. ખભા પરથી ખસેલો સાડીનો છેડો મુક્ત ગતિમાં અન્તરાય ન આવતાં છેક સરી પડ્યો હતો. સોનલની આંખમાં દૃષ્ટિ પરોવીને એણે પોતાના લોહીમાંના બધા ઉન્માદને જાણે એનામાં વહાવી દોધો હતો …

પણ સોનલ જતી વખતે જે દૃષ્ટિથી એની સામે જોતી ગઈ એમાં એવું કશું હતું જે આજે પણ એનામાં ક્યાંક રહ્યું રહ્યું એ જ દૃષ્ટિએ તાકીને જોયા કરતું હતું. લોહીના ઉન્માદને નાથવો પડશે. એ રમતમાં દડો એવે સ્થળે પડ્યો છે કે હવે કાલીયમર્દન કરવું પડશે. નહીં તો આ ઉન્માદ બધી સીમા તોડશે. કોઈક વાર એ ચહેરાની સુરખીને પણ ભરખી જશે. એણે અનિષ્ટના ઓળા પડતા જોયા; એ કમકમી ઊઠ્યો ને મનમાં જ બબડ્યો: કાલીયમર્દન!

એણે પાસેની નારી તરફ જોયું: એ પરવશ બની ચૂકી હતી; ને છતાં એના સ્પર્શમાં ભયનો કમ્પ વરતાતો હતો. પણ એ હજુ ઉદાસીન હતો. અત્યાર સુધી એ વર્તમાન પરિસ્થિતિને નહીં પણ એની સાથે અધ્યાસને કારણે સંકળાયેલી ભૂતકાળની સ્મૃતિઓને વાગોળી રહ્યો હતો. પેલી સ્ત્રી તરફ જોતાં એને જુગુપ્સાનો ઊબકો આવ્યો. રાણીબાગમાં એક દિવસ જોયેલું દૃશ્ય યાદ આવ્યું. સિંહને માંસ ધર્યું હતું પણ માંસ વાસી ને બગડેલું હતું. સિંહ એ તરફ નજર સરખી કરતો નહોતો. એ પિંજરાને એક ખૂણે ઉદાસીન બનીને ઊભો રહ્યો હતો.

પેલા ઉન્માદના મારણ તરીકે આ જુગુપ્સાનો ઉપયોગ કરવાનું એણે નક્કી કર્યું. જ્યારે જ્યારે ઉન્માદ લોહીમાં ફૂટી નીકળે ત્યારે આ ઓગાળેલી જુગુપ્સા મારણ તરીકે કામ કરે… કે પછી આ તર્ક પણ એ ઉન્માદની જ ધૂર્તતાનું પરિણામ હતો?

એ ઊઠ્યો; એની સાથે પેલી સ્ત્રી પણ ઘસડાઈ, એના સ્પર્શમાં કાકલૂદી હતી; કદીક એના પર આવો અનુગ્રહ કર્યો તે બદલની ધન્યતા એની આંખમાં વરતાતી હતી એનું આખું શરીર એને વળગી પડ્યું, બાઝી પડ્યું ને ફરી બબડ્યો: કાલીયમર્દન!

ઊંડાં ઘેરાં કાળાં જળ… પ્રસરીને પડેલો કાલીનાગ… લોહીના કણેકણમાં એણે ફણા માંડી છે… શ્વાસોચ્છ્વાસમાં એના વિષનો ફુત્કાર છે… સમસ્ત બળથી એણે એને કચડી નાંખવાને ઝંપલાવ્યું છે…

લોહીને ખૂણેખાંચરે બેઠેલી જુગુપ્સા એણે મરણિયા બનીને એકઠી કરવા માંડી. હવે ઊગરવાનો આરો નહોતો. પેલો નારીદેહ ધીમે ધીમે એની વિશિષ્ટતા ખોતો જતો હતો… ઉન્માદની એક છોળ સાથે જ બધા બન્ધ તૂટી ગયા, સોનલ…લીના…ને આ… એ બધું એકાકાર થઈ ગયું. નીચેના શરીરમાં ભયનો કમ્પ વધતો ગયો, એ સંકોચાઈને દૂર સરી જવા મથવા લાગ્યું. પેંતરા ભરીને એણે પણ આગળ વધવા માંડ્યું. પેલા સિંહે જાણે ત્રાડ નાખીને ખૂણો છોડ્યો, યાળ ખંખેરવાની સાથે ઉદાસીનતાને ખંખેરી, જે માંસના પર નજર સરખી નહોતી કરી તેના તરફ લાળ ટપકતી જીભે એ ધસ્યો.

અંધારાં ઊંડાં જળ… ચારે તરફ ભીંસમાં ભીડતી નાગચૂડ… છંછેડાયેલો નાગ ફંૂફાડા મારીને ધસતો હતો… ને પેલી સ્ત્રી ચીસ પાડી ઊઠી. અંધારાં જળમાં એ ચીસનો પડઘો પડ્યો, એ જાણે કાલીનાગના વિજયનો હુંકાર હતો. પેલી સ્ત્રીએ ભયવિહ્વળ ફાટેલી આંખે એની સામે જોયું ને પછી બંને આંખો ધ્રૂજતા હાથે દાબી દીધી. એની નજર સામેના આયના તરફ પડી. કપાળ પરની ફૂલી આવેલી નસ, આંખમાં ભયાનક ભૂખ, પરસેવાથી ભીંજાયેલા વાળ – એને પોતાને જ એ જોઈને ભય ઉત્પન્ન થયો, ફરી સ્ત્રીએ આંખ ખોલી, ચીસ પાડીને મૂર્છામાં ઢળી પડી, એનું શરીર શિથિલ થઈ ગયું. એ ઊભો થયો. એ ઢળેલા શરીરને એણે જોયું. એને ક્યાંક ઉષ્ણ લોહીનો સ્પર્શ થયો. ચાદરનો થોડો ભાગ એણે લોહીથી રાતો થયેલો જોયો, એના દાંત પીસીને બીડેલા હોઠમાંથી પણ લોહી નીકળતું હતું.

એણે કાંટાળો થોર ને એની વચ્ચે લોહીના બિન્દુની જેમ ચમકતા ચણોઠીના દાણા જોયા… ચણોઠીના લાલચટ્ટક દાણા – ને એ હસ્યો.

License

ગૃહપ્રવેશ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.