ચુમ્બન

એણે એની સદ્ગત પત્નીની છબિ આગળ ઘીનો દીવો કર્યો, વીજળીનો દીવો બુઝાવ્યો ને બીજું કશું કરવાનું ન સૂઝતાં એ પથારીમાં પડ્યો. ઘીના દીવાની ઝાંખી પણ સ્થિર જ્યોત તરફ એ ઘડીભર જોઈ રહ્યો. એના ઝાંખા અજવાળામાં ઓરડો આખો જાણે તન્દ્રાવશ થયેલો લાગતો હતો. ઓરડાની બધી વસ્તુ, જાણે અધબીડી આંખે, પરાણે જાગતા રહેવાનો પ્રયત્ન કરતી, બેસી રહી હતી. એણે આંખ બંધ કરી. પત્નીના ચહેરાને મનશ્ચક્ષુ આગળ ઉપસાવવાનો પ્રયત્ન કર્યો. પણ એની બધી રેખા એના હાથમાં આવી નહીં. પાંચ વરસમાં આટલી હદે સ્મૃતિ ઝાંખી થઈ શકે ખરી? એ એના મનને સમજાવવા લાગ્યો: ના, કાંઈક આડે આવે છે. એ શું છે તે ખબર પડે તો એને ખસેડી નાખું ને તો એ છબિ પૂરેપૂરી પ્રકટ થશે. પણ આ પ્રયત્ન એને તરત જ પોકળ લાગ્યો. આખી પરિસ્થિતિની વિચિત્રતાથી એ મૂંઝાયો. ઘડીભર એમ ને એમ પડ્યો રહ્યો. થોડો વખત એણે જાગૃતિની સ્થિતિમાં ટકી રહેવાને કશુંક આલમ્બન શોધ્યું. એ શોધવાનો પ્રયત્ન ચાલુ હતો જ ને એ કશાક બળથી દૂર ઠેલાઈ ગયો…

માળિયામાં રહેલા ઉંદરે વીજળીનો દીવો હોલવાતાં સહેજ બહાર આવીને ડોકિયું કર્યું. થોડો શો પ્રકાશ જોતાં એને આશ્ચર્ય થયું. એ આશ્ચર્ય એણે નાકનાં નસકોરાંને બેચાર વાર સંકોચીને પ્રકટ કર્યું. કદાચ એને ઘીની વાસ આવી હોય ને તેથી એમ કર્યું હોય એમ પણ બને. એ વાસની દિશા તરફ એ થોડોક આગળ વધ્યો. પણ પછી એ વાસની દિશા ને પ્રકાશની દિશા એક જ છે એનું ભાન થયાથી કે પછી બીજા કશાક કારણે એ એકદમ થંભી ગયો. દિશા બદલી, ને પાછો માળિયામાં ભરાઈ ગયો…

… એને લાગ્યું કે એની ચારે બાજુ અંધારું હતું. એ અંધારું કાળું નહોતું. એનો રંગ ઊજળો હતો. એ બીજા કોઈ પદાર્થને પ્રકટ નહોતું કરતું માટે એ અંધારું હતું. અંધારાનો ઊજળો વિસ્તાર હતો. એ જોઈ રહ્યો. ઘડીભર એને થયું કે એ એની પથારીનો જ વિસ્તાર. તો પછી પોતે ક્યાં હતો? પથારીની ચાદરમાં એક જગ્યાએ કરચલી પડી હતી. એ કરચલીની પાછળ એણે પોતાને લપાઈ ગયેલો જોયો. ને એને તરત ભાન થયું કે કશાક ભયને કારણે જ એ આમ લપાઈ ગયો હશે. એ ભયનું કારણ આજુબાજુ જોવા લાગ્યો. પણ ક્યાંય કશું દેખાયું નહીં. આથી એ વધુ ગભરાયો ને એણે નાસવા માડ્યું…

ઉંદરે માળિયામાંથી બીજી વાર ડોકિયું કર્યું ત્યારે પરિસ્થિતિ બદલાઈ નહોતી. આથી ઘડીભર શું કરવું તેના વિચારમાં જાણે એ થોડી વાર એમ ને એમ ઊભો રહી ગયો. પછી એક પગે એણે નાકને સાફ કર્યું. એમ કરવાથી એનામાં સ્ફૂતિર્ આવી. વળી નસકોરાં સંકોર્યાં. પેલી ઘીની વાસ તો આવતી જ હતી. એણે કાન બરાબર માંડીને કોઈ પણ બાજુ ભયનું કારણ રહ્યું છે કે કેમ તેની તપાસ કરી ને આખરે આગળ વધવાનો નિશ્ચય કર્યો. તેમ છતાં એની ચાલમાં અનિશ્ચિતતા વર્તાતી હતી. એ થોડુંક ચાલીને એકાએક અટકી જતો હતો. એમ કરતાં કરતાં એ ટેબલ પર ખડકેલાં પુસ્તકોના ઢગ તરફ વળ્યો. નાક વડે એણે બરાબર સંૂઘી જોયું. ઉપર પડેલા ભગવદ્ગીતાના જૂના ગુટકાનું એક પાનું સહેજ કાતર્યું. પણ પછી તરત જ અણગમો સૂચવવા નસકોરાં સંકોર્યાં. આજુબાજુ દૃષ્ટિ નાખી ને ખંચકાતે પગલે એ આગળ વધ્યો. દાંતના ચોકઠાવાળી દાબડીમાંથી આવતી વાસનું મનમાં પૃથક્કરણ કરતો હતો. એટલામાં જ પતંગિયાના ઝંપલાવવાથી દીવો બુઝાઈ ગયો. એ ચોંક્યો ને વળી માળિયામાં લપાઈ ગયો…

…નાસતાં નાસતાં જ એણે ધીમેથી આંખ ખોલીને જોયું તો અન્ધકારના વિસ્તારને વટાવી ગયો હતો. એ સહેજ થંભ્યો. ત્યાં એનાથી થોડે દૂર, એના તરફ જ મીટ માંડીને કોઈ એની પ્રતીક્ષા કરતું ઊભું હોય એમ એને લાગ્યું. એણે આંખ સ્થિર કરીને એ કોણ છે તે જોવાનો પ્રયત્ન કર્યો. પણ એ પ્રયત્ન કરતાંની સાથે જ જાણે કે પેલી દૂરતા એકાએક વધી ગઈ હોય એવું એને લાગ્યું. મનમાંથી એ પેલી વ્યક્તિ – ઘણું કરીને એ સ્ત્રી હતી એવું એને લાગ્યું – ને જોવાના પ્રયત્નને દૂર કરવા લાગ્યો. પણ એથી તો પેલી વ્યકિત વધુ ઝાંખી દૂરતામાં સરી જતી લાગી. આથી શું કરવું તેની વિમાસણમાં એ પડ્યો. આખરે કશું ન સૂઝતાં એણે આંખ બંધ કરીને એ વ્યકિતનો આભાસ જે દિશામાં દેખાતો હતો તે તરફ દોડવા માંડ્યું. થોડી વાર સુધી એ એમ ને એમ દોડ્યે જ ગયો. પણ વળી એને કુતૂહલ થયું: લાવ ને, જોઉં તો ખરો, કદાચ હવે એ બહુ દૂર નહીં હોય! ને એણે આંખ ખોલી…

બુઝાયેલા ઘીના દીવાની ધૂમ્રસેર પણ જ્યારે અન્ધકારમાં પૂરેપૂરી અભિન્ન થઈને સમાઈ ગઈ ત્યારે બધે એકસરખા પથરાયેલા અન્ધકારથી કાંઈક વધુ વિશ્વસ્ત બનીને ઉંદર ફરી માળિયાની બહાર આવ્યો. હવે એ નિ:સંકોચ ઘીની વાસની દિશામાં આગળ વધવા લાગ્યો. બળી ગયેલા પૂમડાના અવશેષને એ ચાખવા ગયો. પણ એ તરતના હોલવાયેલા ગરમ પૂમડાથી એનું નાકનું ટેરવું દાઝ્યું. એણે વેદનાદર્શક ચૂંકાર કર્યો. થોડી વાર એ કચવાતો આમતેમ નજર ફેરવતો બેસી રહ્યો. પછી વળી પૂમડા તરફ વળ્યો. પણ બળેલા રૂની વાસવાળા ઘીમાં એને લિજ્જત આવી નહીં. નાકનું ટેરવું સંકોરીને એ ફરી આગળ વધ્યો. પથારીને એક છેડે ઓઢવાનું ખસી જતાં બહાર નીકળેલા પગના અંગૂઠાને એ જોઈ રહ્યો. નાકથી એને સૂંઘી જોયો. તેમ છતાં એ કશા નિર્ણય પર આવી શક્યો નહીં. આખરે હિંમત કરીને એણે એક દાંત માર્યો. ત્યાં તો એ અંગૂઠો એકદમ હાલ્યો ને ઉંદર વળી ભડકીને ભાગ્યો…

…આંખ ખોલતાં જ એને લાગ્યું કે જાણે પેલી વ્યક્તિ એને પગે બાઝીને એને વિનવી રહી છે. એ કાંઈક અસ્પષ્ટ બોલે છે પણ એનો કશો અર્થ એ સમજી શકતો નથી. એ એને કાંઈક કહેવા ગયો પણ એને શા નામે સમ્બોધવી તે એને સમજાયું નહીં. એ વાંકો વળ્યો. એના પોતાના પગ પેલી સ્ત્રીના વાળથી ઢંકાઈ ગયા હતા. એ સ્ત્રીના ખભાને પકડીને એને ઊભી કરવાનો એણે પ્રયત્ન કર્યો; પણ એમ કરવા જતાં એના હાથ એ વાળના અડાબીડ જંગલમાં જાણે કે ભૂલા પડી ગયા. ખભા જેવું કશુંક એના હાથમાં આવે એ માટે એણે ફંફોસ્યા કર્યું. પણ એના રેશમના તન્તુ જેવા વાળે રચેલી અટપટી જાળમાં એ એના હાથને વધુ ને વધુ ફસાતા જોઈ રહ્યો. એકાએક એનામાં ભયનો સંચાર થયો. એને પોતાના હાથ પોતાનાથી દૂર ને દૂર જતા લાગ્યા. એણે હાથને પાછા વાળી લેવા પ્રયત્ન કર્યાે ને તેની સાથે જ એના પગ પરની પકડ મજબૂત થતાં એ ચમક્યો…

ઉંદર ફરી ખાટલા નીચેથી ઉપર આવ્યો. અંગૂઠાથી એ દૂર રહીને આગળ વધ્યો. શરીરને ઢાંકતી ચાદર ઉપર થઈને એ દાઢી સુધી પહોંચ્યો. ત્યાં નાકમાંથી ચાલતા ઉષ્ણ શ્વાસોચ્છ્વાસનો એને સ્પર્શ થયો. આથી એ ખંચકાઈને ઊભો રહી ગયો. એની મૂછના વાળ ગાલને લાગતાં શરીર સહેજ હાલ્યું પણ આથી હવે ઉંદર ગભરાયો નહીં. થોડી વાર સ્થિર બેસી રહ્યો. ઓઢવાની ચાદરના ઊંચામાં ઊંચા ભાગ આગળ જઈને એને નસકોરાં સંકોરી સૂંઘવા માંડ્યું. ત્યાં એની નજર હોઠ પર પડી, એ તરફ આકર્ષાઈને એ સહીસલામત લાગતી જગ્યાએ સ્થિર થવાની પેરવીમાં પડ્યો, એકાદ વાર પગથી નાક સાફ કર્યું, આજુબાજુ નજર ફેરવી અને…

ત્યાં એકાએક એના હાથને પેલી સ્ત્રીના ખભાનો સ્પર્શ થયો. બધું બળ વાપરીને એણે સ્ત્રીને ઊભી કરી. એ ઊભી થયેલી સ્ત્રીનો ભાર એને પાડી નાખશે કે શું એવી એને ભીતિ લાગી. મહામુશ્કેલીએ એ સ્ત્રીના ઝૂકી પડેલા શરીરને આધાર આપીને પોતાની સ્થિરતા રાખી જાળવી શક્યો. ત્યાં વાળ ખસી જતાં સ્ત્રીનું મુખ ખુલ્લું થયું. એ ખુલ્લું થયેલું મુખ અમુક એક સ્ત્રીનું છે એવું એ નક્કી કરી શકતો નહોતો. એમ કરવામાં ક્યાંક કશુંક ખૂટતું હતું. એણે ફરીથી ધારીધારીને મુખ જોયું ને એકાએક લાલસાથી ઉત્તેજાઈને એણે મુખને વધારે નજીક આણ્યું. એક હાથને અર્ધવર્તુળાકારે રાખીને એના ઘેરાવામાં એણે મુખને સ્થિર કર્યું ને એના પર ઝૂકીને ચૂમવા વળ્યો; પણ એ ચૂમે તે પહેલાં અણધાર્યું જ એ મુખ એના તરફ વળ્યું ને એના હોઠને ચસચસાવીને ચૂમી લીધા. એના હોઠમાંથી નીકળતા લોહીના સ્વાદથી એ ચોંક્યો…

એણે લાઇટ કરીને જોયું તો એક ઉંદર ગભરાઈને માળિયામાં પેસી જતો દેખાયો.

License

ગૃહપ્રવેશ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.