કાદવ અને કમળ

જગ્ગુ પોતાના લોહીથી ખરડાયેલા હાથ ધોતો હતો ત્યાં કોઈએ બારણું ખોલ્યું. એ એકદમ ચોંકી ઊઠ્યો ને હાથને પીઠ પાછળ સંતાડીને એણે મોઢું ફેરવીને બારણા તરફ જોયું. એ દરમિયાન ગંગા ઉંબર વટાવીને થોડે સુધી અંદર ચાલી આવી હતી, દીવાના પ્રકાશમાં એનું મોઢું ઝગમગી ઊઠ્યું હતું. થોડી વાર સુધી જગ્ગુ અવાક્ બનીને એને જોઈ જ રહ્યો. એ ગંગાને કાંઈ પહેલી વાર જોતો નહોતો. છેલ્લાં પાંચ વરસથી ગંગા એની સામેની ઓરડીમાં રહેતી આવી છે. ત્યારે એનાં માબાપ હતાં. આ વર્ષે એ મરી પરવાર્યાં છે. નાચતીકૂદતી ગંગા ગમ્ભીર બની છે. ઘરનો ભાર ઉપાડે છે. નાના ભાઈને ભણાવીગણાવીને મોટો કરે છે. શેરીમાં ક્યાંય કોઈને કશું કામ પડ્યું તો ગંગા હાજર જ હોય. જગ્ગુ પોતે ગુંડાઓ સાથેની ઝપાઝપીમાં ઘવાઈને હોસ્પિટલમાં પડ્યો હતો ત્યારે ગંગાના પ્રસન્ન હાસ્યથી ઘા જાણે કે જલદી રુઝાઈ ગયા હતા. ગંગા… ગંગા… જગ્ગુ ગંગાની અનેક છબિ જોતો હતો ત્યાં ગંગા બોલી: ‘જગ્ગુભાઈ, હું જરા બજાર જઈને આવું છું. મધુ ઘરમાં સૂતો છે. જો જાગે કરે તો જરા જોજો હં.’ ને એ સમ્મતિસૂચક જવાબની રાહ જોતી ઘડીભર જગ્ગુ સામે જોઈ રહી. એ ક્ષણે એકાએક જગ્ગુને લાગ્યું કે ગંગા જાણે ગંગા નથી, પણ આરસી છે. એ આરસીમાં એ પોતાનો વરવો ચહેરો જોઈ રહ્યો છે. મોઢા પર પરુ દૂઝતાં ઘારાં છે. એ ઘારાંમાંથી કીડાનાં ગૂંછળાં એકસરખાં બહાર આવી રહ્યાં છે. એ ઘડીએ જો ગંગા ત્યાં સહેજ વધારે વાર ઊભી હોત તો કદાચ એનાથી એ ન સહેવાત. સદ્ભાગ્યે ગંગાને ઉતાવળ હતી એટલે એ તરત જ ચાલી ગઈ.

જગ્ગુ હાથ ધોવા પાછો વળ્યો. એણે હાથ તરફ જોયું. ફરી એને પેલાં ઘારાં દેખાયાં. એણે નળ પૂરેપૂરો ખોલી નાખ્યો. આંખ બંધ કરીને એ ઘસીઘસીને હાથ ધોવા લાગ્યો. પણ આંખ બંધ કરતાંની સાથે જ ઘણાં દૃશ્યો એની નજર આગળ ખડાં થઈ ગયાં: એ શેરીનો વળાંક, એ વળાંકમાંનો અંધારો ખૂણો, દિલમાં વેરની આગ, લોહીમાં જલદ ઝેર, કાનમાં દબાયેલા અવાજે બોલાતા શબ્દો, ભીંત પર પડતા ભૂતાવળ જેવા પોતાના સાગરીતોના ઓળા – એ જાણે ચારે બાજુથી તરસ્યો બનીને ઝેર ચૂસે છે, ખુન્નસનો શ્વાસ લે છે. ને ત્યાં પગલાં સંભળાય છે. એ જ… ધનુષ્યની તંગ પણછની જેમ એની શિરાએ શિરા તંગ બને છે. એની મૂઠીમાંનું ખંજર અંધારામાં એની ધારને ચમકાવે છે. એ ચમકારો એને ગાંડો કરી મૂકે છે… ને ઘડી પછી એ લોહીથી ખરડાયેલા હાથે પાછો ફરે છે…

એણે આંખ ખોલવાની હિંમત કરી. એના હાથ તરફ નજર કરી. જમણા હાથની હથેળી પર એક ડાઘ રહી ગયો હતો. એ ડાઘ જાણે જ્વાળામુખીના મુખ જેવો હતો. એમાંથી ધગધગતો લાવા ચારે બાજુ પ્રસરી રહ્યો હતો, એ પોતે એ લાવાના રેલાતા પૂરમાં પરપોટા જેવો વહ્યે જતો હતો ને દૂર નિસ્પન્દ સરોવરને ખોળે પોયણીની જેમ ગંગા ઝૂલી રહી હતી.

ગંગા… એ હસે છે ને ચારે બાજુથી પ્રસન્નતાના સાતે સાગર ધસી આવે છે પણ એ સાગરની છોળ એને અડતાંની સાથે જ જાણે એકાએક ઓસરી જાય છે એવું જગ્ગુને લાગે છે. ગંગા બોલે છે. એના શબ્દો જગ્ગુ ભણી આવે છે – પવનમાં નાચતાં ફૂલ જેવા, મન્દિરની આરતીના મંજુલ ઘણ્ટારવ જેવા… ને એ શબ્દો એને કાને પડતાંની સાથે જ બધું બદલાઈ જાય છે. એ શબ્દો એની અંદર પ્રકાશના કિરણની જેમ ઘૂમી વળે છે. કાદવના અતાગ અમેય વિસ્તાર દેખાય છે… કાદવ જ કાદવ… એમાં પોતે ઊંડે ને ઊંડે ખૂંપતો જાય છે એવું જગ્ગુને લાગે છે; ને એ કાદવને ચૂસીને જાણે એ મત્ત બને છે. એની આંખમાં ફોસ્ફરસનો ભડકો છે, એના શ્વાસમાં ગન્ધકની સ્ફોટકતા છે. ને એ જ કાદવમાંની બધી સારપ, કોમળતા શોષીશોષીને એક પોયણી નાનકડી નાજુક દાંડી પર ડોક ઢાળીને ઝૂલે છે. ઝૂલતી ઝૂલતી મધનો સંચય કરે છે: ચન્દ્રનાં કિરણમાંથી, હવાના વિસ્તારમાંથી – ચારે બાજુથી આવીઆવીને મધ એના અન્તરમાં ટપક્યા કરે છે. પોયણી સામે એ નજર માંડે છે ને એને દેખાય છે એ જ પરિચિત મુખ… ગંગા!

ગંગા ગીત ગાય છે. હવાની લહર દૂરદૂરના દેશથી ગીતના સૂર લાવીને એને હોઠે મૂકી જાય છે. ગંગા નાચે છે. પવનમાં ઝૂલતી વૃક્ષની શાખાઓ, અવકાશમાં ઘૂમતાં નક્ષત્રો એને નૃત્યની નવી ભંગી શીખવી જાય છે. ગંગાનું આખું અસ્તિત્વ છલકાઈ છલકાઈને એ ગીત ને નૃત્યમાં બહાર વહી જાય છે. એની છોળ જગ્ગુને વાગે છે ને એ ચોંકે છે. એનું આખું શરીર અક્કડ છે. કશાક પક્ષાઘાતથી જડ થઈ ગયું છે. એમાં ગતિનો સંચાર નથી, લય નથી, કદીક આંચકી આવે છે. હાથની ખંજર પરની પકડ સખત બને છે ને પછી એ જ લોહી… વળી બધું અક્કડ થઈ જાય છે!

એની પાસે શબ્દો નથી. ઉદ્ગાર, નિ:શ્વાસ અને ચિત્કાર સિવાયની બીજી કોઈ ભાષા એ જાણતો નથી. બધા શબ્દો પેલા લાવાના પૂરમાં ઘસડાઈ ગયા છે. એ સ્પર્શને ઓળખે છે, લોહીની ઓછીવત્તી ગરમીને એ પારખે છે. અન્ધકારને એ રજેરજ ઓળખે છે પણ પ્રકાશથી એ ગભરાય છે ને ગંગાની આંખનો પ્રકાશ – પેલા નીતર્યા ઝરણાનાં જળ જેવો. નીચેનો એકેએક કાંકરો તમે ગણી શકો. હા, એ ગંગાની દૃષ્ટિ એની ઉપર થઈને એવાં નીતર્યાં જળની જેમ જ વહી જાય છે – તમે એની નીચેના એકેએક કીડાને ગણી લઈ શકો!

એને કડવો ઊબકો આવ્યો. એની શિરાએ શિરામાંથી ધીમે ધીમે ઝેર ઝમવા લાગ્યું. બધું એકઠું થવા લાગ્યું, એ ઝેરનો ભાર એની આંખ પર તોળાયો, એના શ્વાસ પર લદાયો, એ સહેજ ખૂંધો થઈ ગયો, એની આંખ સામે પોયણી ઝૂલી રહી: હસતી, ડોલતી, મધથી ભરી… ગંગા જેવી! ગંગા… ને એકાએક એને લાગ્યું કે ગંગા જ બધું શોષી લે છે… બધું જ – એની સારપ, સુવાસ, મધુરતા… હં, એ જ બધું પ્રત્યેક ક્ષણે પોતાનામાંથી શોષીને ખીલી રહી છે, પ્રસન્નતાથી ઝૂમી રહી છે! હા, આ પળે પણ એ દૂર રહી રહી પોતાનામાંથી બધું શોષી રહી છે!

ને એને લાગ્યું કે જાણે બધી ગૂંચ ઊકલી ગઈ છે. એણે ધીમે ધીમે એકઠા થતા જતા ઝેરને પોતાનામાં છલોછલ ભરાવા દીધું. ખૂણે ખૂણેથી ઊંડે ઊંડેથી એણે ઝેરને ઉલેચવા માંડ્યું… એની સ્મૃતિમાંથી, એનાં મધરાતનાં દુ:સ્વપ્નોમાંથી … એ ઉલેચ્યે જ ગયો ને એના ભાર નીચે એ બેવડ વળી જઈને બેસી પડ્યો.

ક્યાં સુધી એ એમનો એમ બેસી રહ્યો તેની એને ખબર ન રહી. ત્યાં એણે પગલાં સાંભળ્યાં – એ જ પગલાં… એની મુક્તિના લયને ચારે બાજુ પ્રસારતાં એ જ પગલાં! એ ઊભો થયો, ઘસડાયો ને બારણું ખોલ્યું.

ગંગાએ એને જોયો. એણે ભયથી ચીસ પાડી નહીં, એ ચોંકી નહીં, એ હસી. એણે પૂછ્યું: ‘કેમ જગ્ગુભાઈ, તમને ઠીક નથી?’

એ કશું બોલ્યો નહીં, નિષ્પલક દૃષ્ટિએ એ ગંગા તરફ જોઈ રહ્યો. ગંગાએ એનો હાથ પકડ્યો ને એ બોલી: ‘અરે, તમારું શરીર તો ધગે છે. આવો, પથારી કરી દઉં.’ ને મા બાળકને તેડી લે તેમ એને લઈને ગંગા પથારી પાસે આવી, પથારી સરખી કરી ને એને સુવાડ્યો; એના તપેલા કપાળ પર ગંગાનો હાથ ફરવા લાગ્યો.

ને એને બરાબર સમજાયું. એ હાથ ધીમે ધીમે બધું શોષ્યે જતો હતો, ચૂસ્યે જતો હતો. એણે ગંગાની સામે દૃષ્ટિ માંડી. ગંગામાં સહેજ સરખો પણ ભયનો સંચાર ન થયો. એને જોતાંની સાથે ભલભલાનાં હાંજા ગગડી જાય છે. પણ ગંગા તો એને સાવ અસહાય બાળકની જેમ પંપાળે છે, થાબડે છે ને ગંગાથી એ ભય પામે છે. એકાએક પોતાની અંદર ઝમીઝમીને એકઠા થયેલા ઝેરનો જાણે કે એક ભારે ગઠ્ઠો બાઝી જાય છે, એ એની રગેરગને રૂંધી નાંખે છે. એ ગઠ્ઠાને ઝાલીને હમણાં ને હમણાં ક્યાંક બહાર ફેંકી દેવો પડશે… નહીં તો…

એનું આખું શરીર ખેંચાયું. કશીક વેદનાના જંતરડામાં એ અમળાયું… ને પેલો હાથ એના કપાળ પર ફરતો જ રહ્યો. એ હાંફવા લાગ્યો. પેલો ઝેરનો ગઠ્ઠો ભારે ને ભારે થતો જ ગયો. ઊંડે ઊંડે ખાણમાં કામ કરતા માણસ પર જમીન ધસી પડે તેમ એ ભાર એના પર ધસ્યે આવતો હતો ને પેલો નાનો નાજુકડો હાથ પળે પળે એ ભારને જાણે પોતાની તરફ ધકેલ્યે જતો હતો, ધકેલ્યે જ જતો હતો…

એણે મરણતોલ બનીને પોતાના કપાળ પર ફરતા હાથને પકડી લીધો. એને જાણે પોતાનું સમસ્ત અસ્તિત્વ બાઝી પડ્યું. ગંગાના શરીરમાં સહેજ પણ ભયનો રોમાંચ નહોતો. એનો હાથ જગ્ગુના હાથની પકડમાં શિથિલ બનીને પડી રહ્યો, પછીથી જાણે પ્રવાહી બનીને દ્રવી જવા લાગ્યો, એની આંગળીનાં છિદ્રોમાંથી વહી જવા લાગ્યો ને આખરે એની ખુલ્લી થઈ ગયેલી હથેળી વૈશાખની શુષ્ક નદીના રેતાળ પટ જેવી પડી રહી!

એણે ફરી આંખ ખોલીને જોયું: એ હાથ એનાથી ઝાઝો દૂર નહોતો, એ ધારે તો એને હમણાં જ પકડી લઈ શકે એમ હતું. ને એણે પોતાના હાથને ઊંચકવાનો ફરી પ્રયત્ન કર્યો. પેલો ભાર એને વધતો જ જતો લાગ્યો. ત્યાં ગંગાના હાથે સામેથી આવીને એને આધાર આપ્યો. એ આધાર પામીને એને સહેજ સ્થિરતા પ્રાપ્ત કરી. ચારે બાજુથી ઘેરી વળેલા પેલા ઝેરના પ્રસાર વચ્ચે જાણે એક નાના સરખા દ્વીપને સરજીને એણે આશ્રય લીધો. ગંગાના હાથના દ્વીપ પર એ ટકી રહ્યો.

એને એકાએક વિચાર આવ્યો: ધીમે ધીમે પેલા ઝેરના પ્રસારને આ દ્વીપ પર ઠાલવી દઉં તો? આ પોયણીના ગર્ભમાં એ ગઠ્ઠાને મૂકી દઉં તો પોયણીનું સત્ત્વ ચૂસીને એ પોષાય, પોષાતો જ જાય… એની આંખ સામે જાણે એકાએક પ્રકાશ થઈ ગયો. એ એકદમ ઊભો થઈ ગયો. એનામાં આંધળું બળ ઊભરાયું. એણે એક આંચકા સાથે ગંગાને પથારી પર ખેંચી લીધી, અચરજથી ખુલ્લા થઈ ગયેલા મોઢે ને પહોળી થઈ ગયેલી ગંગા એને જોઈ રહી. ગંગાના શરીર પર એની કાયા ઝઝૂમી રહી. ગંગાની રગેરગમાં પેલું ઝેર પ્રસરે, પોષણ પામે, વધે… બસ, એને માટે એ તલસી રહ્યો.

ગંગાએ કહ્યું: ‘પાણી!’

ને એ બારણાં વાસીને, દીવો બુઝાવીને પાણી લેવા ઊઠ્યો. અથડાતો ઠોકરાતો એ પાણી લાવ્યો. એ ક્રિયામાં જાણે યુગના યુગ પસાર થઈ ગયા. પથારી પરના હાથમાં એણે પાણીનો પ્યાલો મૂક્યો. પ્યાલો ઢળી ગયો ને એ શરીરના સ્પર્શથી જગ્ગુ ચોંક્યો. એ દીવો કરવા ઊઠ્યો, દીવો થતાં એણે જોયું તો હાથની કાચની બંગડીથી ગંગાએ પોતાની ધોરી નસ કાપી નાંખી હતી, લોહી વહ્યે જતું હતું ને અર્ધું ખુલ્લું રહી ગયેલું મોઢું ને પહોળી થઈ ગયેલી આંખો એની સામે તાકી રહ્યાં હતાં.

એકાએક એને લાગ્યું કે એનું શરીર પરાળથી ભરેલું છે, એની અંદર સૂકાં પાંદડાં ખખડે છે ને એમાં થઈને એક સાપ સરી રહ્યો છે.

License

ગૃહપ્રવેશ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.