નામુરથી ટ્રેન પકડી લક્ઝમબર્ગ ભણી. ‘બેનેલક’ વિસામાં બેલ્જિયમ, નેધરલૅન્ડ અને લક્ઝમબર્ગ ત્રણે આવી જાય. એટલે બ્રસેલ્સથી નીકળી, ભલે એ બીજો દેશ ગણાય, પણ લક્ઝમબર્ગ તો જવાય. લક્ઝમબર્ગ બેલ્જિયમ-બ્રસેલ્સની દક્ષિણે ફ્રાન્સની ઉત્તરે અને પશ્ચિમ જર્મનીની પશ્ચિમે એક નાનકડો સાર્વભૌમ દેશ છે. એની સરહદો આમ આ મોટા દેશોની હાજરી સતત અનુભવાય એ રીતે ઘેરાયેલી છે. તેમ છતાં નાનકડું લક્ઝમબર્ગ એના પડોશીઓની જેમ રાજકીય કે આર્થિક કટોકટીનો કદી શિકાર બન્યું નથી. પોતાની અસ્મિતા જાળવી એ ખાધેપીધે સુખી થતું ગયું છે.
લક્ઝમબર્ગમાં ગરીબાઈ નથી. એટલું જ નહિ, યુરોપિયન કમ્યુનિટીના બાર(૧૨) દેશોમાં સૌથી વધારે વ્યક્તિગત આવકવાળો એ દેશ છે. એટલે અહીં ઘણા પરદેશવાસીઓ પણ વસી ગયા છે, એક અહેવાલ પ્રમાણે એની ૩,૭૦,૦૦૦ની વસ્તીના લગભગ ૨૯ ટકા વસ્તી વિદેશીઓની છે. લક્ઝમબર્ગ દેશની રાજધાની લક્ઝમબર્ગ શહેર છે, જ્યાં આખી દુનિયાના બૅન્કરોએ પોતાની ઑફિસો ખોલેલી છે.
આ નાનકડા રાષ્ટ્રના એક છેડેથી બીજે છેડે જવામાં વધારેમાં વધારે એક કલાક થાય. ૨૬૦૦ ચોરસ કિલોમીટરના આ દેશમાં ઊંચી પહાડીઓ, હરિયાળાં મેદાનો અને જૂનાં ગાઢ જંગલો હજી સચવાયેલી સ્થિતિમાં છે.
લક્ઝમબર્ગનો, – બલ્કે યુરોપના ઘણા દેશો માટે – પ્રવાસન-ટૂરિઝમ એક મુખ્ય ઉદ્યોગ છે. એક આંકડા પ્રમાણે ૧૦ લાખ પ્રવાસીઓ આ નાનકડા રાષ્ટ્રની મુલાકાતે આવે છે. એના આ પાટનગરમાં અમે પણ પ્રવાસીઓ તરીકે દાખલ થયાં. નગર વચ્ચે ખીણ છે, પહાડીઓ છે અને તે બે નદીઓથી વીંટળાયેલું છે.
લક્ઝમબર્ગનું સેન્ટ માઇકલ ચર્ચ એની બારીઓના કાચના ચિતરામણ માટે (સ્ટેઇન્ડ ગ્લાસ) વિખ્યાત છે. બહારથી રાજમહેલનું સાદૃશ્ય ધરાવે છે. સ્ટેઇન્ડ ગ્લાસ એટલે ઈશુના જીવનપ્રસંગોનાં ચિત્રો. ચર્ચની સામે મોટો વિશાળ ચૉક છે.
લક્ઝમબર્ગમાં અમે પગપાળા જ ફર્યાં. વિચાર્યું : અહીંથી મિત્રોને પત્ર લખીએ. એક કાર્યાલયમાંથી ટિકિટો પણ ખરીદી, પણ પત્રો લખવાનો સમય મળ્યો નહિ. અમે એ પણ ભૂલી ગયાં કે આ ટિકિટો આ નાનકડા દેશની બહાર નીકળતાં પછી ટપાલમાં ચાલશે નહિ.
લક્ઝમબર્ગે મધ્યયુગીન ઇમારતો સાચવી રાખી છે. ટેકરીઓ વચ્ચેની હરિયાળી ખીણ ઉપરથી જોઈ શકાતી હતી. ઔદ્યોગિક દેશે જાણે પોતાની પ્રાકૃતિક સુષમા પણ જાળવી રાખી છે. ચૉકમાં જૂનો ટાઉનહૉલ છે. તેનો એક ભાગ ખીણને સામે ભાગે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીએ પોતાના આ પડોશી દેશ પર ચઢાઈ કરી હતી અને લક્ઝમબર્ગ જીતી લેવા આવેલા હિટલરના સૈન્યની સામે આ દેશના નાગરિકોએ સારી એવી ઝીક ઝીલી હતી. તેમાં ઘણા લોકો ખપી ગયા હતા. એ વખતે ટેકરીના છેડેના પેલા જૂના ટાઉનહૉલમાં ૩૫,૦૦૦ જેટલા લોકોએ આશ્રય લીધો હતો.
લક્ઝમબર્ગમાં વૉર મ્યુઝિયમ પણ છે. અમે ત્યાં બીજા વિશ્વયુદ્ધમાં ખપી ગયેલા શહીદોના સ્મારક આગળ ઊભાં રહ્યાં. બહારથી પથ્થર જડેલા, અંદરથી ચિત્રિત કાચ અને શહીદોની યાદમાં સતત પ્રજ્વલિત જ્યોત. (આપણી ભાષામાં કહીએ તો અખંડ દીવો બળતો હતો.)
લક્ઝમબર્ગવાસીનો ધ્યાનમંત્ર છે : ‘We want to remain what we are.’ પણ દેશની આંતરરાષ્ટ્રીય જીવનરીતિને કારણે આગળ કહ્યું તેમ અનેક દેશના લોકો આવીને વસી ગયા છે. લક્ઝમબર્ગની અસલિયત બદલાતી જાય છે. તેમાં વળી લક્ઝમબર્ગનો જન્મદર દુનિયામાં સૌથી નીચો છે. રાષ્ટ્રના એક વડાપ્રધાને તો લક્ઝમબર્ગવાસીઓની આ જીવનરીતિને ‘સામૂહિક આત્મહત્યા’ (Collective Suicide) તરીકે ઓળખાવી ચિંતા વ્યક્ત કરી હતી. પોતાના જ દેશમાં લક્ઝમબર્ગના મૂળ નાગરિકો લઘુમતીમાં આવી જાય એવી સ્થિતિ છે.
આપણે ત્યાં વસ્તીવધારાનો પ્રશ્ન છે, લક્ઝમબર્ગમાં વસ્તીઘટાડાનો.
સાંજ પડવામાં હતી. હવે અમારે બ્રસેલ્સ તરફ જવું પડશે. રવિવાર તો આમ વીતી ગયો પણ, રહી રહીને પણ, આવતી કાલે યુરોપના બીજા દેશોના વિસા મેળવવાની ચિંતા તો સળવળ્યે જતી.