પૅરિસ

હોટલ કુજામાં તૈયાર થઈ નાસ્તાપાણી કરી અમે આ સ્વપ્નનગરીના માર્ગો પર ચાલવા આતુર હતાં. પણ તે પહેલાં અમારા ચોરાયેલા ટ્રાવેલર્સ ચેક માટે લંડનમાં, જ્યાંથી ઇશ્યૂ થયેલા તે બાર્કલે બૅન્કનો સંપર્ક કરવા નજીકના પબ્લિક બુથ પરથી ફોન જોડ્યો. અનિલાબહેને નીસથી બાર્સિલોનાની ટ્રેનમાં એ ચોરાયાની વાત કરી. ત્યાં તો સામેથી પ્રત્યુત્તર આવ્યો કે તમે ફોન મૂકી દો અને અમને તમારો ફોનનંબર આપો. અમે તમને ફોન કરીએ છીએ. તમે ફોનના પૈસાનું ખર્ચ ન કરો. અનિલાબહેને કહ્યું કે, અમે તો પબ્લિક ફોન પરથી વાત કરીએ છીએ. તેમણે અમે જે હોટલમાં ઊતર્યા છીએ તેનો ફોન નંબર લીધો અને કહ્યું : તમને સાંજે ફોન કરીશું. તમે ચિંતા ન કરશો. ખોવાયેલા/ ચોરાયેલા ચેક તમને અહીં લંડનથી રિઇશ્યૂ કરીશું. પહેલાં પૅરિસ જોઈ લો. લંડનમાંથી તમને ચેક મળી જશે. એમણે એક રેફરન્સ નંબર પણ આપ્યો.

એમનો પ્રત્યુત્તર, જે અનિલાબહેને કહી સંભળાવ્યો, એથી અમે સૌ આ દેશોની કાર્યરીતિ અને સુજનતાથી પ્રભાવિત થયાં. ‘તમે ફોન મૂકી દો – અમે ફોન કરીએ છીએ’ એ વાત તો ‘હાઇટ’ હતી! ભલે તેમના વ્યવસાયના ભાગ રૂપે હોય, પણ સહેજે આપણે ત્યાં આવી પરિસ્થિતિમાં પ્રવાસીની શી દશા થઈ હોત તેની મનોમન તુલના તો થઈ જ જાય ને?

અમારા સૌમાં, પૅરિસની ભૂમિનો પ્રતાપ તો ખરો, પણ તે સાથે બાર્કલે બૅન્કનો આ અભિગમ પ્રસન્નતાની લહર જગાવી ગયો. બાર્સિલોના અને માડ્રિડમાં અમે બહુ ‘ડાઉન’ થઈ ગયાં હતાં. હવે સૌ પ્રસન્નમન બની ગયાં.

હોટલ કુજા એ પૅરિસ યુનિવર્સિટી – સોરબોનના વિસ્તારમાં કહી શકાય. ચાલતાં ચાલતાં સૌપ્રથમ અમે પેન્થિઓન ભણી ગયાં. પૅન્થિઓન એક રીતે સોરબોનનું ચર્ચ છે. અઢારમી સદીના અંત ભાગે તે બંધાઈને તૈયાર થયું હતું, ખાસ તો લુઈ ૧૪માની બીમારી વખતે એણે લીધેલી બાધાના ભાગ રૂપે. પેન્થિઓનનું ડોમ ભવ્ય છે. અને ગ્રીક શૈલીના કોરિન્થિયન સ્તંભ પર આગળનો પોર્ટિકોનો ભાગ શોભે છે. ડોમ સુધી પહોંચવામાં ૪૨૫ પગથિયાં ચઢવાં પડે. આ પેન્થિઓનમાં ફ્રાન્સના અનેક મહાપુરુષોના અવશેષો સાચવવામાં આવ્યા છે, જેમાં છે : રુસો, વિક્ટર હ્યુગો, એમિલ ઝોલા, વાલ્તેર આદિ – કહો કે આખાયે ફ્રાન્સની ઓળખ. અહીં એક તખતી પર અભિલેખ છે, જેમાં એવા અર્થનું લખવામાં આવ્યું છે –

‘મહાપુરુષોને અર્પણ, તેમની કૃતજ્ઞી પિતૃભૂમિ તરફથી.’

પૅન્થિઓનના પરિસરમાં ફરતાં ઉત્તર તરફ દૂર નજર જતાં જ દેખાઈ ઊંચી આકૃતિ – પ્રસિદ્ધ એફિલ ટાવરની. મેં અનિલાબહેનનું ધ્યાન એ તરફ દોર્યું. અને ‘આહ!’ એવો ઉદ્ગાર મુખમાંથી સરી પડ્યો. પછી તો સૌ દૂર દેખાતી એ ઊંચી ઇમારત જેનું જીવનમાં નામ અસંખ્યવાર સાંભળ્યું હતું અને જેની છબીઓ અસંખ્ય વાર જોઈ હતી તે એફિલને સાક્ષાત્ જોઈ રહ્યાં.

પૅન્થિઓનના પરિસરમાં નિરંજન ભગત યાદ આવ્યા. આ વિસ્તારમાં તેમણે તેમના પૅરિસનિવાસ દરમ્યાન દિવસો સુધી રઝળપાટ કર્યો હતો. અમે યુનિવર્સિટી દી પારિની જુદી જુદી ઇમારતો જોઈ. તેમાં ફૅકલ્ટી દે દ્રોઇત (Faculty de Droit)નું મકાન નજરે પડ્યું. એના પ્રવેશદ્વારે લખ્યું હતું :

Liberte
Egolite
Fraternite
સ્વતંત્રતા, સમાનતા, બંધુતા.

યુનિવર્સિટી ચાલુ લાગતી હતી, છાત્રછાત્રાઓ જુદા જુદા વિભાગોમાંથી બહાર નીકળી રહ્યાં હતાં. સોરબોનમાં ભણનારના ભાગ્યની તો સરાહના જ કરવાની ને?

અમારી પદયાત્રા હવે સેનનદીને કિનારે થઈ પ્રસિદ્ધ નોત્રદામની દૂરથી આમંત્રણ આપતી ઇમારત ભણી. સેનનદીને કાંઠે ચાલવાની આકાંક્ષા કેટલાં વર્ષોથી હતી તે આજે જાણે પૂરી થતી હતી. બાજુની ફૂટપાથ પર પુસ્તકોની દુકાનો છે – નાની નાની. સેનમાં પ્રવાસીઓ ભરેલી એક બોટ પસાર થતી હતી. અમે શું જોઈએ ને શું ન જોઈએ? ત્વરિત ચિત્રો કરતા ચિત્રકારો પણ હતા અને તસવીરો પણ હતી. ખરીદવી હોય તો ખરીદી શકાય. અનિલાબહેન, રૂપા, દીપ્તિ, નિરુપમા એ તસવીરો સ્મૃતિચિહ્નો તરીકે ખરીદવા ઇચ્છતાં હતાં. મારું મન તો ચોપડીઓમાં હતું, અલબત્ત મોટા ભાગની ફ્રેન્ચ. ત્યાં કવિતાની ચોપડીઓમાં બૉદલેર, વૈરલેન, રાંબોનાં પુસ્તકો જોયાં. આ કવિઓ હજી અહીં વંચાય છે? એક પીળા પૂંઠાનું પુસ્તક ઊંચું કર્યું.

અહો – Des Flairs Du Mal– બૉદલેરનું – એક કાળે જેનું અંગ્રેજીમાં બહુ પરિશીલન કરેલું તે પુસ્તક (The Flowers of Evil) – ફ્રેન્ચમાં જોયું. મેં એ ખરીદવાની ઇચ્છા કરી. પૅરિસમાં, અને તે પણ સેનને કિનારે, અને તેમાં પણ બોદલેરની કિતાબ! આવો અવસર ક્યારે મળે? ત્યાં સાથી કહે :

‘ફ્રેન્ચ ભાષામાં લઈને શું કરશો?’

કચવાતે મને પુસ્તક પાછું મૂકી દીધું. પણ એ સેનનદીને કાંઠેથી મારા એક સમયના પ્રિય કવિની ચોપડી ન ખરીદવાનો વસવસો રહ્યો. મિત્રોએ ચિત્રો લીધાં. ભૂંગળાં વાળીને પેકિંગમાં.

હવે નોત્રદામ (Our Lady) ચર્ચ. હ્યુગોની પેલી નવલકથા યાદ આવી : ‘The Hunchback of Notredam.’

નોત્રદામ સેનનદીના પ્રવાહ વચ્ચે બનેલા ટાપુને ઉત્તર છેડે રચાયેલું કેથિડ્રલ છે. રોમન શાસકોના જમાનામાં ત્યાં કોઈ દેવળ હતું. બારમી સદીના મધ્યમાં તે બંધાવાનું શરૂ થયું હતું. સમગ્ર ઇમારત સો વર્ષે પૂરી થયેલી. થોડું થોડું ઉમેરાતું જાય.

કહે છે કે, આ પ્રસિદ્ધ ચર્ચ પ્રસિદ્ધ ફ્રેન્ચ ક્રાન્તિનાં વર્ષોમાં ધ્વંસ થાય એવું વાતાવરણ હતું, પણ એ બચી ગયું – તે Goddess of Reasonની દેવીને સમર્પિત કરવાથી. ઈ.સ. ૧૮૦૨માં નેપોલિયન પહેલાનો અહીં રાજ્યાભિષેક થયેલો.

અમે નોત્રદામના પ્રાંગણમાં જઈ પહોંચ્યાં. ત્રણ ભવ્ય દરવાજા, અલબત્ત છેક ઉપરના ભાગે તો બે ઊંચી ગેલેરી છે, જે દૂરથી દેખાતી હોય છે. આ કેથિડ્રલની અંદર પ્રવેશતાં જ એની વિશાળતાએ ચિત્ત પર ઑ પાડી દીધો. ૯૦૦૦ માણસો એકસાથે સમાઈ શકે એવો એનો મધ્યસ્થ ખંડ, ઊંચે જોઈએ તો નજર જાણે પહોંચે નહિ.

દેશવિદેશના પ્રવાસીઓનું પણ એક દૃશ્ય રચાઈ જાય. લાગે કે દુનિયા બહુ યુવાન છે, બહુ સુંદર છે, બહુ પ્રસન્ન છે.

License

યુરોપ-અનુભવ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book