થુન-લુઝેર્ન-ઝુરિક-જિનીવા

અમે ભાગ્યશાળી હતાં કે દિવસ એકદમ ખુલ્લો હતો. તેથી અમે યુંગફ્રાઉનાં દર્શન કરી શક્યાં. પ્રો. બાખે વિનોદ કરતાં કહેલું કે, અમારે ત્યાં કહેવત છે : ‘જ્યારે દેવદૂતો સફર કરે છે, ત્યારે હવામાન સ્વચ્છ હોય છે! (When angels travel, sky is clear.)’ આજે દિવસ ખુલ્લો છે કેમ કે… અમને જોતાં એમના મોઢા પર સ્મિત હતું.

યુંગફ્રાઉથી પાછા વળતાં ગ્રિન્ડલવાલ્ડ અમે ઊતરી ગયાં. અહીંથી આલ્પ્સનાં શિખરોનું દર્શન મોહક છે. જોકે આ સ્થળ પોતે પણ એની ખીણો અને લીલા પહાડોથી ઓછું મોહક નથી. વસંત આવતાં આ ગિન્ડ વાલ્ડમાં ઘાસની પત્તીઓ કરતાં પુષ્પોની સંખ્યા વધી જાય છે. અહીં લાકડાની રમણીય ‘શાલે’ (Chalet) હોટલોમાં રહેવાનું પ્રવાસીઓ પસંદ કરે છે. ગ્રિન્ડલવાલ્ડના બજારમાં સ્મૃતિચિહ્ન તરીકે ખરીદવાનાં લાકડાનાં નાનકડાં સંગીતાત્મક ‘ઘર’ મળે છે.

ગ્રિન્ડલવાલ્ડથી અમે ઇન્ટરલાકન આવ્યાં. બે સરોવરો વચ્ચેનું નગર તે ઇન્ટરલાકન. એ બે સરોવરો તે થુનર અને બ્રિએન્ઝ. અમે નગરને એક છેડેથી બીજે છેડે સુધી ચાલીને આ હોટલપ્રધાન નગરની અતિખ્યાત સુંદરતા પ્રમાણી. અહીંથી યુંગફ્રાઉનું દર્શન થયા કરે. લાંબા લાંબા દિવસની પણ હવે સાંજ પડતી ગઈ. બહુ ગમી ગયું.

રાત પડતાં તો અમે સ્પિએઝ પાછાં આવી ગયાં. વળતાં અમે બોટને બદલે ગાડી લીધી હતી. એ રાત્રે પ્રો. બાખ સાથે બેસી સ્વિસપ્રજા અને સંસ્કૃતિની, સ્વિટ્ઝર્લૅન્ડની રાજવ્યવસ્થાની, શિક્ષણની કેટલી બધી વાતો થઈ! એમણે કહ્યું કે, બીજા વિશ્વયુદ્ધ પછી સ્વિત્ઝર્લૅન્ડમાં શિક્ષકોનાં વેતનો ઘણાં ઊંચાં ગયાં છે અને સમાજમાં તેઓ માનભર્યું સ્થાન ધરાવે છે. શ્રીમતી એલિઝાબેથે તો કહ્યું કે, શિક્ષક હોવાનું મને ગૌરવ છે એવું અહીંના શિક્ષકો કહી શકે એમ છે.

સૂતાં પછી રાત્રે બે વાગ્યે જાગી જતાં પ્રો. બાખના આ અભ્યાસખંડની બારીમાંથી જોઉં છું તો સરોવરના કિનારેના ઢોળાવો પર વસેલાં ઘરની શેરીઓના દીવા, અને એનાં પાણીમાં પડતાં પ્રતિબિંબોથી એક સ્વપ્નલોક રચાયો છે.

બીજે દિવસે સવારમાં અમે થુન જવાનાં હતાં. પ્રો. બાખને સવારનો ક્લાસ હતો એટલે એ સાઇકલ પર નીકળી પડ્યા અને શ્રીમતી બાખ એમની ગાડીમાં અમને સ્ટેશને મૂકી ગયાં. આ બે દિવસમાં તો અમે જાણે એમનાં અંતરંગ મિત્રો ન હોઈએ!

સ્પિએઝથી થુન બહુ દૂર નથી. અમે ગાડીને બદલે બોટમાં પણ જઈ શક્યાં હોત. હમ્બોલ્ટ નામના એક પ્રકૃતિવિદે લખ્યું છે કે, ખીણ, ડુંગરાના ઢોળાવો, સરોવર અને પહાડોનો આવો સુંદર સર્વગ્રાહી અને શક્તિશાળી લૅન્ડસ્કેપ સ્વિટ્ઝર્લૅન્ડમાં પણ બીજે નથી. આ તો સાહિત્યમાં નાટક રમણીય અને નાટકમાં પણ શાકુન્તલ રમણીય, અને એમાં પણ ચોથો અંક, એના જેવો ઘાટ.

અમે થુન આવી ગયાં. થુનમાં પણ અમે એક હાબેગર કુટુંબમાં ઊતરવાનાં હતાં. અમે સ્ટેશનેથી ફોન કર્યો, પણ ઘરમાં કોઈ હોય એવું લાગ્યું નહિ. સામાન અમે લૉકર્સમાં મૂકી દીધો અને સાંજે આવીશું એમ વિચારી અમે લુઝેર્ન જવાની ગાડી પકડી. મધ્યકાલીન આબોહવા ધરાવતા આ આધુનિક નગરમાં સંસ્કૃતિ અને સૌન્દર્યની યુગપત્ સહસ્થિતિ છે એ તો ખરું, પણ આ રેલમાર્ગ પણ કેટલું બધું દર્શન કરાવી રહે છે? ખેતરમાં ઘાસ કાપવાની ઋતુ ચાલે છે. યંત્રોથી ક્યાંક ઘાસ કપાય છે, ક્યાંક ભેગું કરાય છે, પણ મુખ્યત્વે તો સર્વત્ર લીલા રંગની બિછાત છે. લીલા રંગના એક હજાર શેડ્જ મળી જાય. પાછાં જંગલ આવે, નાનાં રમણીય ઘરવાળાં ગામ આવે, પંદરેક ઘરનું પણ ગામ હોય. રેલની બારીમાંથી જુઓ : સુંદર કન્યાઓ ગોરી લાલ! સ્માર્ટ તરુણો અને સ્થૂળ પ્રૌઢો. ખેતીનાં ગામ છે, છેક ખેતર સુધી પાતળા, પાકા મોટર-રસ્તા. મોટરો ખેતરને શેઢે હોય. જંગલો પણ ખેતીનો ભાગ હોય એમ ઉછેરાતાં લાગ્યાં. પહાડના ઢોળાવ પર ઉપર ચઢતું જંગલ હોય અને જંગલમાં પ્રવેશવાની કેડી દેખાતી હોય. વેગથી જતી ગાડીમાં પણ મન ઝાલ્યું રહે? એ અરણ્યના ગહનમાં અદૃશ્ય થતી કેડીએ ચઢી જાય.

લુઝેર્ન આવી ગયું. સરોવર અને નગર. આ નગરની સ્કાયલાઇન ઊંચાં ઊંચાં ટાવરથી ધ્યાન ખેંચે. ‘ટાવરોનું નગર’ પણ કહેવાય છે. નગરના મુખ્ય માર્ગ પર એક આંટો મારી અમે સરોવરને કાંઠે આવી ગયાં. અહીંથી આલ્પ્સનાં યુંગફ્રાઉ વગેરે બરફ-આચ્છાદિત શિખરો તો દેખાય છે, પણ અહીંથી માઉન્ટ પિલાટસ જવાની સુવિધા છે.

પાણી જોઈને અમે તો ઘેલાં. લ્યુઝેર્ન લેક પર અમારી બોટ સરવા લાગી ત્યારે એક વાગવા આવ્યો હતો. પણ અહીં તડકો કદી લાગે? બોટમાં બેસતાં નગરને જોવાની નજર બદલાઈ ગઈ. ઊંચાં ટાવર અને ચર્ચના મિનારા, પહાડીના ઢોળાવ પરનાં કાવ્યાત્મક ઘર અને આલ્પ્સની પર્વતમાળા અને સરોવરનાં આછાં લીલાશ પડતાં સ્વચ્છ પાણી! બોટમાં બીજું પણ પ્રવાસીઓનું એક વૃન્દ છે. બોટ એક પછી એક ઘાટે જઈ નાંગરે. કેટલાક ચઢે, કેટલાક ઊતરે.

બોટ તો બહુ દૂર, જવાની હતી. પણ વચ્ચે અમે એક ઘાટે ઊતરી ગયાં. ત્યાં પાછી જતી એક બોટ અમને મળે એમ હતું. અમે પાછાં લુઝેર્નના મુખ્ય ઘાટ ઉપર આવી ગયાં. ત્યાંથી સ્ટેશનેથી ગાડી પકડી, પાછાં થુન. થુન સ્ટેશનેથી અમે ફરી ફોન કર્યો, તો શ્રીમતી હાબેગરે કહ્યું કે, તમે રાહ જુઓ. પંદર મિનિટમાં આવી પહોંચું છું.

અમે સ્ટેશન બહાર ઊભાં હતાં. ત્યાં એક મોટરગાડી આવી. એમાંથી બે સ્ત્રીઓ ઊતરી. એક હતાં શ્રીમતી હાબેગર. બીજી એમની સુંદર યુવાન દીકરી. શ્રીમતી હાબેગર ઢળતી વયનાં હતાં, પણ યૌવન જાળવ્યું લાગે. પરસ્પર અભિવાદન કર્યાં. એમની દીકરી તો યુનિવર્સિટીના સાંજના વર્ગમાં જતી હતી. રાત્રે ઘેર મળશે. અમે ગાડીમાં ગોઠવાઈ ગયાં.

થુન શહેરને વીંધી મોટરગાડી જાણે ખેતરો વચ્ચેની સડક પરથી દોડવા લાગી. ઝાઉબર વેગ પર શ્રીમતી હાબેગરનું ઘર દૂર લાગ્યું. એટલામાં તો જાણે બે-ત્રણ નાની વસ્તીઓવાળાં ગામ આવી ગયાં હશે. એમને ઘેર પહોંચી ગયાં. આલ્પ્સના એક પર્વતની તળેટીમાં ગામ. એમના ઘર આગળ ઘોડદોડ માટેનું મેદાન, કદાચ પોલોનું મેદાન હોય. ઘોડા દોડતા હતા. ઘેર પહોંચ્યા પછી એમના પતિ અને પરિવારનાં સભ્યો મળ્યાં. એમના પતિ સલાટનું કામ કરે છે. અભિલેખો કોતરવામાં નિપુણ છે : મુખ્યત્વે તો સમાધિલેખો. અંગ્રેજી બોલતાં ન આવડે. ઠેઠ સલાટ છતાં સ્નેહાળ. મને જર્મન થોડું આવડે, પણ એમનું સ્વિસજર્મન મને ઓછું સમજાય, તેમ છતાં મને સામેના આલ્પ્સનાં શિખર બતાવી કહેતા હતા કે, મૂળ તેઓ એ પહાડના વાસી છે. પહાડ છોડીને બીજે રહેવાનું ન ગમે, પણ પહાડ ઊતરીને આ ગામમાં વસ્યાં છે. કંઈ નહિ તો પહાડ નજર સામે રહે છે, એટલે રંજ નથી. પહાડમાં વ્યવસાય તો ચીઝ બનાવવાનો. એમને શિકારનો પણ શોખ.

એ સાંજે શ્રીમતી હાબેગરે પોતાને ઘેર પોતાનાં સગાંવહાલાં પણ નોતરેલાં. એમનાં વેવાઈવેવાણ પણ હતાં. પુત્રો, પુત્રવધૂઓ, દીકરાઓ, જમાઈઓ. એમનાં વૃદ્ધ વેવાઈનો એક દીકરો ભારતમાં હોવાથી, અમને મળીને એમને એટલો આનંદ થતો હતો, જાણે એમનો દીકરો ઘણે દિવસે આવ્યો છે. અમે જોયું કે, હાબેગરની દીકરી એમના પરિવારમાં હતી, એટલે શ્રી હાબેગર એમના વેવાઈનું ઘણું સમ્માન કરતા હતા. એ પોતે જ એમને કૉફી આપતા હતા. અમને થયું : લગભગ આપણા જેવું સ્વિટ્ઝર્લૅન્ડના આ ઊંડાણમાં છે. કુટુંબગૂંથણી આપણાથી બહુ જુદી ન લાગી!

અમને રહેવા માટે આખો નીચેનો માળ આપી દીધો. એમની એક દીકરી અહીં રહે છે, પણ તે આ દિવસોમાં અહીં નહોતી. અમને સવારે, ઉપર ચા માટે નિમંત્રણ પણ આપ્યું. સવારમાં એમને ત્યાં ચા પીવા ગયાં. બ્રેડ અને જાતજાતનાં ચીઝ. પેલી એમની રૂપાળી દીકરી પણ મળી.

પછી તો તરત અમે નીકળી ગયાં. થોડે દૂર બસસ્ટૉપ છે, ત્યાંથી બસ મળવાની હતી. બસમાં બેસી થુન સ્ટેશને આવ્યાં અને ત્યાંથી ઝુરિક જવાની ગાડી લીધી. વચ્ચે બર્ન શહેર આવ્યું. સ્વિટ્ઝર્લૅન્ડની રાજધાની. ખીણ, નદી, વૃક્ષો અને ઇમારતો એટલે બર્ન – એમ લાગ્યું. આ નગરમાં ઊંચાં ઊંચાં છાપરાંવાળાં મકાનો છે. જેવું બર્ન ગયું કે માઈલો સુધી હરિયાળાં ખેતર. વચ્ચે ઘર, ગામ આવે. મોટરગાડીનો રસ્તો રેલપાટાની સમાંતર. ખેતરમાં જવ અને ઘઉં લહેરાતા હતા. વચ્ચે વચ્ચે ફૅક્ટરીઓ પણ આવી જાય. ગાડીમાં જર્મન ભાષા સાંભળવા મળે. ગાડીમાં ટેલિફોનની વ્યવસ્થા છે એવી જાહેરાત જર્મન અને ફ્રેન્ચમાં થઈ. ફ્રેન્ચ જાહેરાતને અંતે મેર્સી – આભાર શબ્દો કાનમાં બજતા રહે.

આજે પણ દિવસ સ્વચ્છ છે. ‘દેવદૂતો મુસાફરી કરી રહ્યા છે..’ હસતાં હસતાં દીપ્તિ બોલે છે. બર્નથી ઝુરિકને આખે માર્ગે ખેતરો અને ઘીચ જંગલપટ્ટીઓ આવતાં ગયાં. બધું રમ્ય, કામ્ય લાગે. ખેતરને શેઢે ચીલા હોય, કાર ઊભી હોય, નહેરનાં પાણી જતાં હોય, નહેરને કાંઠે ઝાડવાં હોય. અહીં ગાડીના ડબ્બામાં પરમ શાંતિ છે. ભીડ નથી. લોકો છાપાં વાંચી રહ્યા છે. ગાડી-ખેતર જાણે અભિન્ન છે!

પાકવા આવેલા ઘઉંનો સોનેરી રંગ આંખમાં પ્રતિબિંબિત થાય છે. ગામ-ઘરની આજુબાજુ જ ખેતર શરૂ થઈ જાય. પછી નગર જેવું આવે એટલે નગર. ફોર્ડ કંપનીની મોટરનું એક કારખાનું પણ આવ્યું. અહોહો! કેટલી બધી મોટરગાડીઓ તૈયાર થઈને પડી છે. મોટરગાડીઓનું જંગલ!

એક ટનલમાંથી પસાર થઈ ગાડી બહાર નીકળી, તો એક નદી વહી જાય છે. પહાડ તો દેખાયા કરે. ચર્ચના મિનારા, ગામ. સ્ટેશને ગાડી ઊભી રહે છે. આખા વિશાળ પ્લૅટફૉર્મ પર દશેક ઉતારુઓ ઊભા હશે! ગાડી ઊપડે છે. હવે ઝુરિક આવવામાં છે.

ઝુરિક એટલે યુરોપનું એક મહાનગર – મેટ્રોપોલીસ. પણ અહીં લંડન, રોમની ભીડ નથી. ઝુરિક સાહિત્યનાં અને કલાનાં અનેક આંદોલનો સાથે પૅરિસની જેમ સંકળાયેલું છે. સર્‌રિયાલિઝમનું ઘોષણાપત્ર અહીંના એક કાફેમાં હરિ મિશો, હાંસ આર્પ અને ત્રિસ્તાન ત્ઝારાએ બહાર પાડેલું. આ ઝુરિકમાં ‘યુલિસીસ’ નવલકથાના લેખક જેમ્સ જોઇસ રહેલા, ગેટે અને લેનિનનાં નામ પણ ઝુરિક સાથે જોડાયાં છે.

સ્ટેશનથી બહાર નીકળી ઝુરિકની લિમ્મત નદીના પુલ ઉપર આવી ઊભાં ત્યારે, અહીંના એક ઊંચા ટાવરમાં બપોરના ૧૧.૩૦ થયા હતા. નદીનાં સ્વચ્છ લીલાં પાણી છે. અમે વિપુલજલા લિમ્મત નદીને કિનારે કિનારે ચાલીએ છીએ. નદી પર અનેક નાની પગથીવાળા લાકડાના પુલ છે. કેટલા બધા! તરસ લાગી હતી. એક સ્થળે પીવાના પાણીનો ફુવારો હતો, ત્યાંથી ધરાઇને પાણી પીધું. નદીને સામે કિનારે ઊંચી ઊંચી ઇમારતો છે. ઘરની બારીઓના પારાપીટ પર પીળાં ફૂલો શોભે છે.

અમે ફ્રાઉમ્યુન્સ્ટર ચર્ચમાં પ્રવેશી, ખાસ તો આધુનિક ચિત્રકાર માર્ક છગ્યાલે બારીઓના કાચ પર દોરેલાં વિખ્યાત ચિત્રો જોઈએ છીએ. ચિત્રો મેડોનાનાં અને ખ્રિસ્તના ક્રૂસારોહણનાં છે. ત્યાંથી આવી પહોંચીએ છીએ ઝુરિક સરોવરને કિનારે. સરોવરની જમણી બાજુએ લીલા પર્વતોના ઢોળાવો છે. ડાબી બાજુએ વૃક્ષછાયાથી ઢંકાયેલી સરોવરનાં જળ સુધી લઈ જતી સોપાનમાલા છે. સરોવરમાં કેટલી સેઇલબોટ તરે છે અને કેટલા લોકો કિનારે સૂર્યસ્નાન કરતા પડ્યા છે! એક વૃક્ષ નીચે લીલોતરી પર બેઠાં. ત્યાં અમારા આશ્ચર્ય વચ્ચે એક પોસ્ટર જોયું:

I GOVIND BHAGVAT MUSIC
17 Juni
Barbara Dejung
Mit
H. H. Satchidanand Swami

આ ભાગવત-સંગીતમાં સંમિલિત થઈ શકાય જો, એવો વિચાર આવી ગયો. ઝુરિકમાં ભાગવત-સંગીત!

પાછા વળતાં અમે નગરની શેરીઓમાં થઈ ચાલ્યાં.

સાંજે એ જ સુંદર લૅન્ડસ્કેપ જોતાં બર્ન થઈને થુન આવી પહોંચ્યાં. થુનમાં ઘણું બધું જોવાનું હતું. પણ બર્ન ના ઊતર્યાં એનો મને વસવસો રહી ગયો. એ નગર વચ્ચે વહેતી નદીની જ ઝાંકી માત્ર મનમાં વસી છે. હું સહપ્રવાસીઓ પર નારાજ પણ થયો, મારું ચઢી ગયેલું મોઢું જોઈને એમને રમૂજ પણ થતી હતી. પણ બર્ન પસાર થઈ જ ગયું. આ મહિલાઓને શું કહેવું? થુન આવી ગયું.

થુનમાં પણ બહુ પ્રસિદ્ધ, પુરાણો દુર્ગ છે. દુર્ગને માર્ગે ચાલ્યાં, પણ અહીં સ્મૃતિચિહ્નો માટે ઘણી આકર્ષક ચીજવસ્તુઓ મળતી હતી એનું આકર્ષણ સહપ્રવાસીઓને વધારે હતું. તેમાં વળી શ્રીમતી હાબેગર માર્ગદર્શન આપવા આવી પહોંચ્યાં.

થુનમાં સાંજ પડી ગઈ. ઘણું રઝળ્યાં. આરે નદીને કાંઠે ઊભાં રહ્યાં. જૂના થુનમાં ગયાં. બજારમાં ભાવોની રકઝક કરી. અહીં અનેક સેક્સ શૉપ્સ આમંત્રણ આપતી જાહેરાતોથી શોભતી હતી. એક દુકાનમાં પોતાની ચીજો વેચવાની એક ડોશીમાની કુનેહ જોઈ. એક એક ચીજ કાઢી બતાવે. નિરુપમા, દીપ્તિ ભાવો કસવામાં કુશળ. રૂપા ચીજો હાથમાં લે અને મૂકે. સ્વિસ છરીઓ લીધી. બીજું કંઈ કેટલુંય. સાંજે અંધારું થતાં ઘેર પહોંચ્યાં. બજારમાંથી આટો લેતાં આવ્યાં. રાત્રે ભોજન બનાવ્યું. હાબેગર દીકરીનું એ સ્વિસરસોડું ભારતીય મસાલાઓની ગંધથી ભરાઈ ગયું હતું. ચારે મહિલાઓની રાંધણકળા જોતો હું અકર્મણ્યતાનો ભાર અનુભવતો હતો. એ લોકોએ માત્ર આજને માટે જ નહિ, પણ બેત્રણ દિવસ ચાલે એટલાં થેપલાં બનાવી દીધાં હતાં. શ્રીમતી હાબેગરે રસોડામાં જ કેક તૈયાર થવા મૂકી હતી તેની સંભાળ રાખવાનું અમને કહી ગયાં. ભારતીય મસાલાની ઘ્રાણમાં એ ઊભાં રહી શક્યાં નહિ હોય.

રાતના અગિયાર વાગ્યે આંગણામાં આવીને જોયું, તો બારસનો ચંદ્ર આલ્પ્સ પર અજવાળું પાથરતો હતો.

પછીને દિવસે શ્રીમતી હાબેગરની વિદાય લીધી ત્યારે, એ જ આલ્પ્સ પર કુમળો તડકો પથરાયો હતો. એમના આંગણામાં બિલ્લી દોડાદોડ કરતી અમે જોઈ. શ્રીમતી હાબેગરે એમની પેલી સુંદર દીકરી અને તેમની આ બિલ્લી સાથે અમારી એક તસવીર ખેંચી લીધી. શ્રીમતી હાબેગરને પોતાને ત્યાં આ રીતે વિદેશીઓને નિમંત્રણ કરવાનો શોખ છે. સર્વાસનાં સભ્ય છે. એક મોટો ચોપડો રાખ્યો છે, તેમાં પ્રવાસીઓ પોતાનો પ્રતિભાવ લખે છે, અમે પણ, અમારું જે ભાવભીનું આતિથ્ય કર્યું તેની સાભાર નોંધ ઉતાવળે હાથે લખી.

Dear Habeggers,

It was very nice of you to welcome as though we were in a group of five members. In your home me found our home. You allowed us to stay as if we were inmates of Habegger’s family. To stay with you means to understand your nation, your people, especially people from the mountains.

We will carry with us sweet memories of our stay with Habeggers.

Yours…

સવાર છે, અને શ્રીમતી હાબેગરના ઘરની બાલ્કનીમાંથી જોઉં છું, આલ્પ્સની ગિરિમાળા પર સવારનો તડકો.

આજે પણ દિવસ ખુલ્લો છે…

આજે જિનીવા જવાનું હતું. થુનથી બર્ન આવ્યાં. બર્નથી ગાડી બદલવાની હતી. ફરી બર્નની તો ઝાંખી જ થઈ: નદી, ચર્ચ, મિનાર… સ્ટેશન પણ કેટલું વિરાટ! ગાડીઓની આવનજાવન.‘માઈને દામન ઉન્ડ હેરન’… સન્નારીઓ અને સજ્જનો…નાં સંબોધન સંભળાયા કરે. એક ગાડી પછી બીજી ગાડી આવે છે, જાણે પાણીમાં નાવ સરકે છે. ગાડીની વ્હિસલ નથી. મિનિટે મિનિટ. આવડું મોટું સ્ટેશન છે, પણ ભીડ ના મળે, ઘોંઘાટ ના મળે.

જિનીવા પહોંચી ગયાં. સામાન લૉકર્સમાં મૂકી, તરત મોન્ત્રુ તરફ જતી ગાડી લીધી. મોન્ત્રુ લેક જિનીવાને કાંઠે આવેલું સુંદર સ્થળ. અમે બોટમાં પણ ત્યાં જઈ શકત. પણ સમય ઓછો હતો, વેશ ઝાઝા હતા. છ માઈલ લાંબો સરોવરનો કાંઠો મોહ પમાડે એવો છે, એટલે તો એને ‘સ્વિસ રિવીએરાનું મોતી’ કહે છે. આ બિરુદ કંઈ ખોટું નથી. એ આખો કિનારો પ્રાકૃતિક રીતે તો રમ્ય છે, એને રમ્યતર બનાવવામાં આવ્યો છે. કિનારે કિનારે ઉગાડેલાં અસંખ્ય પુષ્પોથી. ઓછામાં પૂરાં કિનારા પરનાં પામ વૃક્ષો. અહીં પ્રસિદ્ધ તો છે શિયોનો કિલ્લો (Castle of Chillon). અંગ્રેજ કવિ બાયરને એની કવિતા ‘પ્રિઝનર ઑફ શિયો’માં અમર કર્યો છે. દર્શકે આ કિલ્લો જોવાની અનિલાબહેનને ખાસ ભલામણ કરેલી. ઢોળાવ પર વસેલા મોન્ત્રુના સરોવર માર્ગે હું અને અનિલાબહેન શિયોના કિલ્લા તરફ ચાલ્યાં. દીપ્તિ – રૂપા – નિરુપમા સરોવરની એક ધારે બેઠાં. દૂરથી એ કિલ્લો આમંત્રણ આપી રહ્યો હતો. છેક કિલ્લા સુધી પહોંચવામાં તો મોડું થઈ જાય એમ હતું. દૂર સુધી એની અભિમુખ ચાલી અમે પાછાં વળ્યાં.

સાંજ પડતાં પાછાં જિનીવા. સ્વિસ બૅન્કોનું નગર, પરિષદોનું નગર, યુનોનું નગર, જિનીવા લેકનું નગર. જિનીવાના લેમાન લેકમાં પેલો ઊંચે ઊછળતો ફુવારો! સાંજ ટાણે અદ્ભુત નઝારા! ફુવારા પર સૂર્યકિરણો પડતાં લાંબું ઇન્દ્રધનુ રચાય છે. સરોવરમાં અસંખ્ય બોટો પડી છે. સરોવરની પાર પર્વતની ધાર દેખાય છે. સાંજ ઢળે છે. ઠંડો પવન શરૂ થયો છે.

મોંબ્લોંને માર્ગેથી અમે જમીન પર ઉગાડેલું ફૂલોનું ઘડિયાળ જોઈ ટેકરી પરના વિલેવિલે – જૂના જિનીવા વિસ્તારમાં જઈએ છીએ. નકશામાં જાંબુડી રંગમાં એ બતાવેલું હતું. માર્ગ મળી ગયો. વિલેવિલેની ગલીઓમાં ફરવાનો અનુભવ વિશિષ્ટ હતો. સાંકડી ગલીઓ, ઊંચાં મકાનો. માર્ગે હવે ભાગ્યે જ કોઈ મળે. ખુલ્લી જગ્યામાં રેસ્ટોરાં – કાફેનાં ટેબલો પર લોકો બેઠેલા હોય. એ લોકો વચ્ચે એકાદ ટેબલ લઈ, બિયર પીતાં પીતાં વાતો કરતાં કરતાં સાંજ રાતમાં ફેરવાઈ જાય તો કેવું!

પણ રાતે તો અમારે જિનીવાથી ફ્રાન્સના આવિન્યો તરફ જતી ગાડી પકડવાની હતી.

License

યુરોપ-અનુભવ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book