બ્રસેલ્સથી ઘેન્ટ અને પછી ગઈ કાલે નામર અને લક્ઝમબર્ગ જઈ આવ્યાં. અમારી પ્રવાસની યોજના પ્રમાણે તો આમસ્ટરડામ પછી કોપનહેગન થઈ જર્મનીમાં ઊતરી જવાનું હતું. પણ યાત્રામાં વિઘ્ન નડતાં યોજનાનો ક્રમ બદલવો પડ્યો. એની કથા તો હવે પછી.
બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ત્રણ ભાષાઓ ચાલે છે. અહીંની ફ્લૅમિશ, જે જર્મનને મળતી આવે છે. બીજી ભાષાઓ જર્મન અને ફ્રેેન્ચ. પરમ દિવસે ઘેન્ટ વિસ્તારમાં ગયેલાં, ત્યાં જર્મન ભાષાનું પ્રચલન હતું, આજે નામુર તરફ ગયાં, તો ત્યાં ફ્રેન્ચ ભાષાનું પ્રચલન છે.
યુરોપમાં ખુલ્લો દિવસ ઊગે તો એને ભારે મોટું ભાગ્ય સમજવું જોઈએ. અમે આવ્યાં છીએ એ પછી ત્રણ દિવસો તો સળંગ ખુલ્લા. પણ કાલે સવારે હોટલની કાચની બારીની આરપાર જોયું તો ધુમ્મસ ઊતરી ચૂક્યું હતું. વાતાવરણમાં ભીનાશ અને દેહમાં કંપ જગવતી હવા. અહીંની ભૂગોળ સમજવી હોય તો આ પણ અનુભવવું પડે.
નામુર, મ્યૂસે નદીને કાંઠે વસેલું છે એ કહેવા કરતાં એમ કહું કે, એ હર્યાંભર્યાં વનો વચ્ચે વસેલું છે. ઓર્ડનેસ જંગલોનું આ પ્રવેશદ્વાર છે. અમારી પાસે તો પ્રથમ વર્ગના યુરેઇલપાસ હતા, એટલે ટિકિટ બારીએ જવાની કે ટિકિટ ખરીદવાની ઝંઝટ ન હતી. સ્ટેશન પર મૂકેલા ટાઇમટેબલમાં દરેક કલાકના ગાળામાં કઈ ગાડી કયા પ્લૅટફૉર્મ પરથી ઊપડે છે એની સ્પષ્ટ માહિતી હોય. એ ટાઇમટેબલ એક વાર જોતાં આવડે, પછી કોઈને પૂછવાપણું નહિ. આમેય અહીં ભાષાનો પ્રશ્ન તો નડે છે. અંગ્રેજી એકદમ ચાલે એવું નહિ. થોડા દિવસમાં તો અમારામાંનાં બધાં ટાઇમટેબલ સમજતાં થઈ ગયાં. વળી અહીં ગાડીમાં મિનિટનો પણ ફેરફાર નહિ. ૭.૨૨ વાગ્યે ગાડી ઊપડવાની હોય ત્યારે ૭.૨૦ એ ગાડી દૂરથી આવતી દેખાય. ઊપડતાં પહેલાં ઑટોમૅટિક દ્વાર બંધ થઈ જાય. અહીંની ગાડીઓ વિષે તો અલગ એક પ્રશસ્તિલેખ લખવો પડે. સ્વચ્છ, સુંદર, સુવિધાભરી. અત્યારે તો કશીય ભીડભાડ પણ નથી. ક્યાંય લાંબી લાઇન નથી. ઘોંઘાટ નથી. ફટાફટ ગાડીઓ આવે, ઊપડે. બધું શાંત વાતાવરણમાં. ગાડીઓ વ્હિસલ વગાડતી નથી. ગાર્ડ વ્હિસલ વગાડે માત્ર. બધા કર્મચારીઓ ચુસ્ત અને ચૉક્કસ.
વાદળછાયા દિવસે નામુરને રસ્તે ગાડી ઊપડી કે થોડી વારમાં જંગલવિસ્તાર શરૂ થયો. આ બધાં વન ઉછેરેલાં છે. ઘણાં તો ખાનગી માલિકીનાં હશે. રૉબર્ટ ફ્રોસ્ટની પેલી કવિતામાં આવે છે તેમ, આપણને થાય કે ‘આ કોનાં વન હશે?’ અલબત્ત કવિના અશ્વની જેમ અમારી ગાડી અહીં ઊભી ન રહેતાં વેગથી દોડી જતી હતી. આકાશમાં વાદળ હતાં, એટલે એવું લાગતું હતું કે વર્ષાઋતુમાં લીલીછમ વનરાજી જોઈએ છીએ. પણ અહીં તો હંમેશાં આવી લીલીછમ વનરાજી હોય છે. પોપ્લરનાં વૃક્ષો તો પહેલે દિવસે ઑસ્ટેન્ડથી બ્રસેલ્સ આવતાં જોયાં હતાં. એ વૃક્ષોની બે હારની વિથિ ઘણે સ્થળે હોય અને ક્યાંક વૃક્ષોનાં ઝુંડ હોય. બધાં વૃક્ષોની કાળજી લેવાતી હોય તેવું લાગે.
જર્મનભાષી વિસ્તાર ઘેન્ટ જતાં અને નામુરને માર્ગે જતાં જે ચરિયાણો જોયાં, અને એમાંય નિરાંતે ચરતી કે ચર્યા પછી વાગોળતી ગાયો જોઈએ તો એક અદ્ભુત દૃશ્ય લાગે. ગોપૂજક એવા આપણા દેશમાં ગાયોની દશા જોઈ છે, એટલે આ ગોમાંસભક્ષી લોકો ગાયોની જે સંભાળ રાખે છે તેની સ્તુતિ કરવી પડે. ખેતર વચ્ચે વૃક્ષનાં ઝુંડ હોય, ત્યાં ઘર હોય, નાના ગામ પણ શહેરની બધી સુવિધાથી સજ્જ. માત્ર નાનાં હોય અને ખેતી – પશુપાલન પર નિર્ભર લાગે એટલું. નામુરને માર્ગે નાનાં નાનાં શહેર પણ આવતાં. આખો વિસ્તાર ચઢતી -ઊતરતી ટેકરીઓનો હોવાથી એની ભૂચિત્રણાની અનંત વિવિધતાઓ આંખમાં વસી જાય.
ગાડીની બારીઓના કાચ ઘણા મોટા. આરામથી બેસી આ બધું જોતાં જોતાં આ દેશનો પરિચય થઈ જાય. નામુર આવી જતાં અમે ઊતર્યાં. ઠંડો પવન ફૂંકાતો હતો. મેની ૨૭મી શનિવાર, એટલે આવતી કાલથી મેના છેલ્લા રવિવારથી અહીંની ભાષામાં તો ‘સમર’– ઉનાળો શરૂ થશે. નામુરમાં ઊતરી અમે અંદરના સ્ટેશનથી બહાર આવી પ્રવાસન વિભાગમાં પૂછપરછ કરી. નામુરનું જૂનું કેથિડ્રલ અને સિટાડેલકિલ્લો તો જોવાં જ જોઈએ. પગે ચાલવું કે બસ લેવી? શહેરમાં ફરતી અહીંની બસો પણ વાતાનુકૂલિત.
અમે પગે ચાલવાનું નક્કી કર્યું. જેવું થોડુંક ચાલ્યાં કે નામુરની શુક્રવારીના બજારમાં. આજે શનિવારે એક મુખ્ય રસ્તો બંને બાજુએ આવનજાવન રહે એ રીતે કામચલાઉ દુકાનોથી ભરાઈ ગયેલો. આપણી ભાષામાં કહીએ તો હાટ મંડાયું હતું. બપોરે ૧૨ વાગ્યે તો એ હાટ પાછું ઊઠી જવાનું. હાટમાં રોજબરોજની-સીધુસરંજામની ચીજવસ્તુઓ, ફૂલો, તૈયાર કપડાં, તેમ શાકભાજી, ફળફળાદિ, ખાદ્યસામગ્રી સસ્તા ભાવે મળે. ચીજો જોઈને આપણને ખરીદવાની ઇચ્છા થાય, પણ આપણા દેશના ચલણમાં મુલવણી કરીએ એટલે મોંઘી લાગે. ત્યાં જતાં બે બાંગ્લાદેશી યુવક મળ્યા. એક વધારે પ્રૌઢ લાગ્યો. અમને પાંચ જણને જોઈ ઊભા રહ્યા. પછી પૂછ્યું: ‘ભારતથી?’ વાતે વળગ્યા. અમે બંગાળીમાં ચલાવ્યું. પછી કહે : ‘અહીં અમારી કોઈ જિંદગી નથી. જાણે કોઈ ઉષ્મા જ નથી.’ બીજો કહે : ‘અનેક દિવસોથી મેં આપણા દેશની મહિલાઓ જોઈ નથી. આજે બહુ સારું લાગ્યું. મા-બાપ બધાં ત્યાં છે. અહીંની જિંદગી ભારે કઠોર છે.’ બંને જણ ‘હોમસિક’ લાગ્યા.
મ્યુસે નદીનો પુલ આવ્યો. પુલ ઓળંગી સામે ગયા તો સિટાડેલ. આપણો ચિતોડગઢ ગણો. અહીં ઉપર ચઢવા માટે રોપ-વે છે. પેલા ભાઈઓ અમને ત્યાં લઈ આવ્યા અને ભીની આંખે વિદાય થયા. રોપ-વેમાં બેસી ગયાં. આખા નામુરનો, નદીના સુદીર્ઘ પ્રવાહ અને વનરાજીનો અને ઢળતી ટેકરીઓનો એવો તો વ્યૂ કે વાહ વાહ જ થઈ જાય. આપણી ચેતના પર આ ચિત્રણા અંકિત થઈ જાય. કિલ્લાની અંદર જઈને જોવાનો સમય નહોતો એથી અમે જે થાય એના કરતાં ટિકિટના અડધા પૈસા આપી એ રોપ-વેથી નીચે ઊતરી ગયાં. રોપ-વેથી ઉપર ન જવાયું હોત તો નામુરના નમણા સૌંદર્યનો ખ્યાલ ન આવત. રસ્તામાં ભરાયેલ શાકમાર્કેટમાંથી દીપ્તિ-રૂપાએ ચેરી ખરીદ્યાં. કાકડી પણ લીધી. આપણી જેમ જ શોરબકોરથી શાક વેચાય. નામુરથી અમે જવાનાં હતાં એક નવા દેશમાં, નવા રાષ્ટ્રમાં. એ દેશ તે લક્ઝમબર્ગ.