ઇંગ્લિશ ચૅનલ ઉપર

લંડનથી બેલ્જિયમ જઈ રહ્યા છીએ. ઇંગ્લિશ ચેનલ પરથી પ્રિન્સેસ મારિયા એસમિરાલ્ડા બોટ પસાર થઈ રહી છે. સમુદ્રનાં પાણી શાંત છે અને આખી બોટ પણ અંદરથી શાંત છે. બહુ જ ઓછા ઉતારુ છે, છતાં, બરાબર સમયસર આ વિશાળ બોટ ડોવર બીચથી ઊપડી છે. દિવસ ખુલ્લો છે અને તડકો પથરાયો છે એ અમારું સદ્ભાગ્ય છે.

આજે વહેલી સવારે લંડનમાં શ્રી શાંતિભાઈના ક્રિઝન્ટ રાઇઝ પરના આવાસમાં જાગી જવાયું ત્યારે ચાર થવા આવ્યા હતા. ચાર વાગ્યે તો પ્રભાત થવા આવ્યું હતું. મેં મારી બારીએથી જોયું. એક દેવદારનુમા વૃક્ષની ઉપલીનીચલી શાખા વચ્ચે ચંદ્ર દેખાતો હતો. એનો અર્થ એ કે લંડનનું કહેવતરૂપ બની ગયેલું ધુમ્મસ નથી. હજી હમણાં જ બુદ્ધપૂર્ણિમા ગઈ છે, એટલે ચંદ્ર લગભગ પૂર્ણિમાપ્રકલ્પ હતો. બારીમાંથી અંગ્રેજી પદ્ધતિના સ્થાપત્યવાળી ઘરોની હાર દેખાતી હતી. એક પંખીએ ગાવાનું શરૂ કરી દીધું હતું. થતું હતું કે, સાચે જ શું હું લંડનમાં છું? આ લંડનનો ચંદ્ર છે? આ પેલું પંખી? શો ફેર છે અમદાવાદના અને લંડનના પ્રભાતમાં, ચંદ્રમાં, પંખીમાં?

છ વાગ્યે તો વિક્ટૉરિયા સ્ટેશને જવા નીકળી પડવાનું હતું. લંડનમાં આ વખતે અમારો માત્ર એક દિવસનો જ પડાવ હતો. એક મહિનો યુરોપમાં રઝળપાટ કર્યા પછી ફરી લંડનમાં અઠવાડિયું રહેવાનું હતું. આજે તો લંડનથી બેલ્જિયમ ભણી. એ માટે વિક્ટૉરિયા સ્ટેશને પહોંચી, ત્યાંથી ટ્રેન દ્વારા ડોવરબીચ પહોંચવાનું હતું. ગઈ કાલે ટોમસ-કુકની કંપનીમાંથી ડોવરથી ઑસ્ટેન્ડ – બેલ્જિયમનું બંદર – જવાની ટિકિટ લીધેલી હતી. બરાબર છ વાગ્યે તો બે ટૅક્સીઓ આવી ગઈ. શાંતિભાઈએ રાત્રે ફોન કરી રાખેલો. વહેલી સવારે લંડનથી નીકળી પડ્યા એમ કહેવાય, પણ અહીં તો એ સમયે ખાસ્સા તડકા થઈ ગયા હતા. સવારના લગભગ આખા લંડનને ચીરી વિક્ટૉરિયા પહોંચવાનું હતું. એક રીતે સવારના લંડનનું એ જુદા પ્રકારનું દર્શન હતું. શ્રીનાથજીની જેમ આ નગર પણ દિવસના પ્રહરે પ્રહરે વેશ બદલતું હોય છે. લંડનનું આ મંગળારૂપનું દર્શન હતું. કવિ વિલિયમ વર્ડ્ઝવર્થે કદાચ આવી જ એક વહેલી સવારે વેસ્ટ મિન્સ્ટર બ્રિજ ઉપરથી લંડન જોયું હતું અને પેલું પ્રસિદ્ધ સૉનેટ – ‘અપોન વેસ્ટ મિન્સ્ટર બ્રિજ’ લખાયેલું. લંડનને એવું શાંત એણે કદી નહિ જોયેલું.

વિક્ટૉરિયા સમયસર પહોંચી ગયા. પણ ડોવર માટેની ટિકિટ ખરીદવાની અને એ માટેની ગાડીમાં બેસવાની આખી પ્રક્રિયા, હવે તો ગમ્મતભરી લાગે છે. થોડા સમય માટે તો અમારા શ્વાસ ઊંચા થઈ ગયેલા. અમને કહેવામાં આવ્યું કે, આઠ નંબરના પ્લૅટફૉર્મ પરથી ગાડી ઊપડે છે. અમારી પાસે યાત્રીઓ પાસે હોવો જોઈએ એ કરતાં ‘લગેજ’ વધારે જ થઈ ગયેલો. કુલી તો મળે જ નહિ. અમે ટ્રોલીમાં સામાન ગોઠવી દીધો. આઠ નંબર ઉપર પહોંચ્યા. કહેવામાં આવ્યું કે, એક નંબરના પ્લૅટફૉર્મ પરથી ટિકિટ ખરીદવી પડશે. એક નંબરનું પ્લૅટફૉર્મ દૂર હતું. હું અને દીપ્તિ ત્યાં ગયાં. પણ ટિકિટબારી ખૂલી નહોતી. એટલે ફરી સ્ટેશનની બુકિંગ ઑફિસે ગયાં. ફરી ફરી એને સમજણ પાડી. ડોવરની ટિકિટ ખરીદી તો લીધી, પણ એ સમયે જે ગાડી ઊપડતી હતી તે જેટ ફોઇલ દ્વારા ઑસ્ટેન્ડ જનાર યાત્રીઓ માટે જ ખાસ હતી. અમારે તો એ પછીની ગાડી માટે રાહ જોવાની. થયું, મોડું થાય અને બોટ ઊપડી જાય તો?

અમને મદદ કરવા સૌ તૈયાર હતાં. પણ સ્થિતિ ગૂંચવણભરી હતી. અમે એક રેલવે ઑફિસરને પૂછ્યું. એણે કહ્યું કે, આ ગાડી તમારે માટે નથી, પણ તમને બેસવાની અનુમતિ આપું છું. હું ગાર્ડને કહું છું. અમે ઝટપટ ગાડીમાં બેસી ગયાં અને અમારી યાત્રા શરૂ થઈ.

ઇંગ્લૅન્ડની ભૂગોળ, ઇતિહાસ, સાહિત્ય આદિ ભણતાં ભણતાં આ દેશનો એટલો બધો પરિચય થઈ ગયો છે કે, જે કોઈ વસ્તુ જોઈએ તે જાણે કે કોઈ જૂની ઓળખ તાજી કરવા માટે જ જોતા હોઈએ એવું લાગે. ઘર હોય, રસ્તા હોય, વૃક્ષ હોય, હરીભરી ટેકરીઓ હોય – આ બધું જાણે ક્યાંક જોયું છે. (‘almost a remembrance.’ કોઈ કવિએ કવિતાની પણ આવી વ્યાખ્યા આપી છે.) એટલે, કવિતાના અનુભવ જેવું લાગતું હતું. વિક્ટૉરિયાથી ડોવર જતાં, વચ્ચે કૅન્ટરબરી આવે છે. આ કૅન્ટરબરી એટલે ખ્રિસ્તી ધર્મનું કાશી. ત્યાંનું કેથિડ્રલ બહુ પ્રસિદ્ધ છે. અમે કૅન્ટરબરીના એ કેથિડ્રલની ઝાંકી લેવા ઉત્સુક હતાં. અનિલાબહેન, રૂપા અને દીપ્તિ – ત્રણે અંગ્રેજી સાહિત્યનાં વિદ્યાર્થિનીઓ. અનિલાબહેન પાસે અંગ્રેજી કવિ ચોસરની ‘કૅન્ટરબરી ટેઇલ્સ’ના બે ખંડ વાંચેલા. અમે તે યાદ કરવા લાગ્યાં. અમારાં પાંચમા સહયાત્રી નિરુપમા તો લંડનમાં જ એક વર્ષ ભણેલાં. ચોસરના સમયમાં ઇંગ્લૅન્ડના ખૂણેખૂણેથી યાત્રીઓ નીકળી કૅન્ટરબરી તરફ જતાં. આપણે ત્યાં જેમ બદરીકેદારનો કે કાશી – રામેશ્વરનો સંઘ જાય એમ.

કૅન્ટરબરીનું કેથિડ્રલ ગાડીમાંથી દેખાતાં મને રોમાંચ થઈ આવ્યો. આ ભૂમિ પર ઊતરવાનું મન થયું. પરંતુ, ગાડી ઊભી ન ઊભી ત્યાં ઊપડી. થોડી વાર પછી ડોવરબીચ ઉપર છેક આવીને ગાડી ઊભી. ડોવરબીચ શીર્ષકથી મૅથ્યૂ આર્નલ્ડે એક કવિતા કરી છે. તેની પંક્તિઓ સ્મરણમાં આવી. એ પંક્તિઓ તો નિરાશાભરી છે : કવિ કહે છે, દુનિયામાં શાંતિ નથી, આરામ નથી, નિશ્ચિતિ નથી. અંધારામાં રણાંગણમાં લડી રહેલાં લશ્કરો જેવાં આપણે છીએ.

બરાબર અગિયાર વાગે બોટમાં બેસવાનું શરૂ થયું. બહાર નીકળ્યા કે બોટના પ્રવેશદ્વારમાં બહુ જ ઓછા યાત્રીઓ હતા. જબરદસ્ત મોટી બોટ ઊપડી. ઇંગ્લિશ ચૅનલનાં શાંત પાણી કપાતાં જાય છે. હજી પ્રવાસીઓની મોસમ શરૂ થઈ નથી, એટલે બોટ આટલી ખાલી છે. એક નવી ભૂમિ, એક નવો સાગર અને એક નવી પ્રજા જોવાનો ઉમંગ અમારા સૌના ચહેરા પર છે. એમાંય ગઈ કાલે સવારથી સાંજ સુધી લંડન ટ્યૂબમાં એની મેટ્રો ગાડીઓમાં એક જ દિવસમાં એટલું ફરી લીધું છે કે લંડનના માર્ગો લાગે કે જાણીતા થઈ ગયા. પણ એક નગરસુંદરી એમ કંઈ વિદેશીઓ આગળ થોડાક જ કલાકમાં કદી પ્રકટ થાય ખરી?

License

યુરોપ-અનુભવ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book