(કવિ વર્ડ્ઝવર્થની ડવકૉટેજ)
આકાશમાં વાદળ હતાં. ‘ગીતગોવિંદ’ના કવિ જયદેવના શબ્દો વાપરીને કહીએ તો, મેઘોથી આકાશ મેદૂર રંગનું બની ગયું હતું. સમય કરતાં જાણે વહેલી સાંજ પડી ગઈ! ત્યાં તો એકદમ સૂર્ય ડોકાયો અને એકદમ ભૂરા રંગના આકાશનો ખંડ. પૂર્વ દિશામાં સહેજ નજર ગઈ તો સપ્તરંગી લહેરિયું ઈશાન ખૂણામાંથી નીકળી ઉપર આકાશને અડી અગ્નિખૂણામાં વિલીન થઈ જતું હતું. અમદાવાદ જેવા યંત્રનગરનું પ્રાકૃતિક તોરણ, અને જોયું તો થોડી વારમાં આ વિરાટ ઇન્દ્રધનુ પર બીજા સમાંતર ઇન્દ્રધનુનો ખંડ રચાયો. જે મેઘો પર ઇન્દ્રધનુના આ રંગો લહેરાયા. તેનો મેચક રંગ દ્વિગુણ શોભિત થઈ ઊઠ્યો.
ઋતુનું પહેલું ઇન્દ્રધનુ જોઈ તરત જ અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થની પંક્તિઓ હંમેશાં હોઠ પર સ્ફુરી રહે : ‘માય હાર્ટ લિપ્સ અપ, વેન આઇ બિહોલ્ડ અ રેઇનબો ઇન ધ સ્કાય.’
ઇન્દ્રધનુ વિષે તો કંઈ કેટલાય કવિઓએ, કવિતાઓ રચી હશે, પણ પ્રકૃતિના કવિ વર્ડ્ઝવર્થનું જ પહેલું સ્મરણ થાય. ભારતીય ઋષિકવિઓએ તો પ્રકૃતિથી જ કવિતા રચવાનું શરૂ કરેલું. ઋગ્વેદના મંત્ર-ઉદ્ગારો પ્રકૃતિનું જ જયગાન છે! ઉષા, સૂર્ય, અગ્નિ, વરુણ એ બધાં પ્રાકૃતિક તત્ત્વોએ જ ઋષિકવિઓને ભૂમાનો – વિરાટ બ્રહ્મનો-અનુભવ કરાવ્યો છે. કાલિદાસ-ભવભૂતિ આદિએ પ્રકૃતિની સુષમાનું આકંઠ પાન કરી એની ચિત્રણા કરી છે. માલિનીકિનારે માધવીલતાકુંજમાં દુષ્યન્ત-શકુન્તલાના પ્રણયઅંકુર ફૂટે છે, તો પંચવટીમાં ગોદાવરી તટે રામસીતાનો પ્રેમવિરહ સઘન બને છે. પણ પછી આપણી કવિતામાં પ્રકૃતિ માત્ર ઉદ્દીપન રૂપે આવે. ઓગણીસમી સદીના અંગ્રેજી રોમાન્ટિક કવિઓએ ભારતીય કવિઓને વળી પ્રાકૃતિક સુષમા વિશે કાવ્યરચનાની પ્રેરણા આપી, તેમાં સૌથી જાણીતામાનીતા કવિ વર્ડ્ઝવર્થ.
કવિ વર્ડ્ઝવર્થ ઘણો સમય લેક ડિસ્ટ્રિક્ટ નામે જાણીતા ઇંગ્લૅન્ડના ઉત્તર વિસ્તારમાં. આખા વિસ્તારમાં ઊંચીનીચી પહાડીઓ અને સરોવરો છે. અંગ્રેજી સાહિત્યમાં આ વિસ્તારની પ્રાકૃતિક સુષમાથી પ્રભાવિત કવિઓ ‘લેક ડિસ્ટ્રિક્ટ કવિઓ’ તરીકે જાણીતા છે, તેમાં વર્ડ્ઝવર્થ મુખ્ય. ઇંગ્લૅન્ડમાં જતા કોઈપણ ભારતીય પ્રવાસીને લંડન પછી ઑક્સફર્ડ, કેમ્બ્રિજ જેવાં વિદ્યાધામો અને આ લેક ડિસ્ટ્રિક્ટ જેવા વિસ્તારમાં જવાનું ગમે.
લંડનથી નીકળ્યા પછી અમે બકિંઘમમાં રાત રોકાયાં અને ત્યાંના મિત્રો સાથે વહેલી સવારે લેક ડિસ્ટ્રિક્ટ અને તેમાંય વર્ડ્સવર્થના નિવાસસ્થાન ગ્રાસમિયર, વિન્ડિરમિયર અને ‘અન ટુ ધ લાસ્ટ’ના લેખક રસ્કિન જે સરોવરને કિનારે રહેતા હતા, તે કોનિસ્ટન જવા નીકળ્યાં.
વર્ડ્ઝવર્થના ઘર ડવકોટેજની મુલાકાત અમારું મુખ્ય લક્ષ્ય હતી, પણ આખો વિસ્તાર એની રમણીયતાથી અમને પ્રસન્ન કરતો હતો.
અમે ગ્રાસમિયર સરોવરને કિનારે આવેલા પાર્કમાં ઊતરી ગયાં. અમારી સાથે પ્રસિદ્ધ ચિત્રકાર અને કવિ પ્રદ્યુમ્ન તન્ના અને એમનાં ઇટાલિયન પત્ની રોઝાલ્બા હતાં. ગુણવંતરાય આચાર્યની બે લેખિકાપુત્રીઓ વર્ષાબહેન અને ઈલાબહેન હતાં અને અમારા માર્ગદર્શક હતા કવિ પ્રફુલ્લ અમીન, જે બકિંઘમવાસી થયા છે.
આ ડવકોટેજ અને ગ્રાસમિયર વિષે કવિ ઉમાશંકરે એક એક કવિતા કરી છે, જેમાં એવી પંક્તિઓ છે; તડકો અહીં વધુ તડકીલો અને ઈશ્વર અદકેરો ઈશ્વર.
વર્ડ્ઝવર્થની કપોત કુટિર,
ગિરિશિખરો, વનરાજી, વિહંગ, મેઘ, ઉડુગણો
ગ્રાસમિયર સરોવરે ઝૂલ્યાં કરે.
‘ભૂમિ કે સમુદ્ર પર ક્યારેય જે ન હતી
તે દ્યુતિ’
કપોત – કુટિરમાંથી માનવશબ્દોમાં ચમકી,
ગ્રાસમિયરના ખોબા જળમાં વિશ્વપ્રતિબિંબિત થયું,
પ્રભુએ પોતાનો ચહેરો એમાં જોઈ લીધો.
વર્ડ્સવર્થનું ગ્રાસમિયર
તડકો અહીં વધુ તડકીલો
વર્ષા વધુ વર્ષીલી;
તૃણ વધુ હરિત, વ્યોમ વધુ નીલું
લહરી વધુ લહરીલી.
પતંગિયાં – ફૂલનું ન પૂછો,
હૃદય એય વધુ હૃદય;
કવિશબ્દ – ધબકથી અનુભવાય અહીં
ઈશ્વર અદકેરો ઈશ્વર.
૨૯-૭-૧૯૭૩
કવિ વર્ડ્ઝવર્થનું આ સર્જનતીર્થ હતું ને! એમના સમાનધર્મી આપણા ગુજરાતી કવિને આવી અનુભૂતિ અહીં સહજપણે થાય.
અહીંની આ પ્રકૃતિનું પાન એ કવિએ ઘણાં વર્ષો કરેલું. અમે આવ્યાં એ સવારે સદ્ભાગ્યે સૂરજ નીકળ્યો હતો અને તડકો રેલાયો હતો. મેં ઉમાશંકરની કવિતા ઉદ્ધૃત કરી. કવિ પ્રદ્યુમ્ન તન્ના પ્રસન્ન થઈ ગયા. એમણે મારી પાસેની ડાયરી લઈને એમના વળાંકદાર અક્ષરોથી આ પ્રમાણે લખ્યું :
સરુ સરુની સળી સળીએ સૂરજ સળકે
– પ્રદ્યુમ્ન
ગ્રાસમિયર
૫-૫-૨૦૦૦
અમે થોડો બિયર પી તરોતાજા થઈ આજુબાજુના વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા, પછી વર્ડ્ઝવર્થની ડવકૉટેજ.
વર્ડ્ઝવર્થનું આ ઘર મૂળે તો વેસાઇડ ઇન હતું, પણ વર્ડ્ઝવર્થ ૧૭૯૩માં ત્યાં રહેવા આવ્યા હતા. ટેકરીના ઢોળાવ પર ઘર છે. વર્ડ્ઝવર્થ અહીં શરૂમાં પોતાની બહેન ડોરોથી સાથે રહેતા હતા. કવિની એ માત્ર બહેન નહોતી, પ્રેરણાદાત્રી પણ હતી. સ્વયં વર્ડ્ઝવર્થે લખ્યું છે : ‘એણે મને કાન આપ્યા | એણે મને આંખો આપી.’
She gave me ears,
She gave me eyes.
આ જૂના ઘરમાં પ્રવેશતાં વર્ડ્ઝવર્થની કવિતાની ઘણીબધી પંક્તિઓ મનમાં સ્ફુરી રહી. આવી રીતે કોઈ કવિના ઘરમાં પ્રવેશતાં અદ્ભુત સંવેદના જાગે છે – ક્યારે કવિના અસ્તિત્વનાં ‘વાઇબ્રેસન્સ’ અનુભવાય.
અહીં વર્ડ્ઝવર્થના ઘણા મિત્રો આવતા, જેમાં કૉલરિજ મુખ્ય ગણાય. બન્નેએ આ વિસ્તારમાં ભમતાં ભમતાં એક સહિયારો કાવ્યસંગ્રહ બહાર પાડવાનું નક્કી કરેલું, જે ૧૭૯૮માં ‘લિરિકલ બેલાડ્ઝ’ નામે પ્રગટ થયો. એ સંગ્રહે રોમાન્ટિક કવિતાધારાનો જ નહિ, અંગ્રેજી કવિતાનો ઇતિહાસ સર્જ્યો. આ ઘરમાં ફરતાં ફરતાં થયું કે કેવી રીતે કલાકોના કલાકો આ મિત્રો વાતો કરતા હશે, સાથે ડૉરોથી પણ હશે. ક્યારેક ડિ-ક્વીન્સી કે ચાર્લ્સ લૅમ્બ પણ આવી ચઢે.
ઘરમાં જોયું – લાકડાનું વૉસબસિન. રસોડું થોડું અંધારિયું લાગ્યું. હજી વર્ડ્ઝવર્થના સમયનું મીણબત્તીનું એક સ્ટૅન્ડ છે. કૉફી દળવાનું સાધન છે. અને ફાયર પ્લેસ. (મૂળે તો આ ‘ઇન’ હતી ને!) ભોંયતળિયે હતો ‘એલ રૂમ’ એટલે કે દારૂ માટેનો ઓરડૉ.
ઘરમાં ઉપર ગયા, તો એ જ ખુરશી ટેબલ, જેના પર બેસી વર્ડ્ઝવર્થે કવિતાઓ લખી હશે. બારીમાંથી બહારનું દૃશ્ય જોઈ શકાય. સામાન્ય રીતે કવિ પોતાની બહેન ડોરોથીને કવિતા લખાવતા. વર્ડ્ઝવર્થના બેડરૂમમાં એ જેની પર સૂતા, તે પલંગ સચવાયો છે, અને એમની સૂટકેસ. કહેવાય છે કે એ બહુ કપડાં બદલતા નહિ. એમનો ૧૮૩૭ના વર્ષનો પાસપૉર્ટ પણ મુલાકાતીઓને જોવા મૂકેલો છે.
બારીબહાર જોયું, વળી ‘તડકીલો’ તડકો. અહીં ભાગ્ય હોય તો આકાશ ખુલ્લું હોય, આજે છે. બહાર નીકળી ટેકરીનો ઢોળાવ ચઢીએ છીએ, એવું લાગ્યું કે કવિ ઉમાશંકર પણ અમારી સાથે ચાલી રહ્યા છે. ઉપરથી સરોવર દેખાય છે, અહીંથી તે વધારે રમણીય લાગે છે.
બાજુના એક મકાનમાં મ્યુઝિયમ છે. ત્યાં વર્ડ્ઝવર્થની કવિતાનાં કાર્ડ, પોસ્ટર વગેરે મળતાં હતાં. મિત્રોને વર્ડ્ઝવર્થની ભૂમિ પરથી લખવા માટે કાર્ડ લીધાં, ખાસ તો તેમની જાણીતી કવિતા ‘ડેફોડિલ્સ’નાં.