હેમન્તની સાંજે લટાર મારવી ગમે. શહેરની વસતિ દૂર મૂકીને ધૂળિયા રસ્તે દૂર દૂર ચાલ્યા કરવાનું ગમે. પણ આ હેમન્ત તો ગ્રીષ્મના પરિશિષ્ટ જેવી બની ગઈ છે. હવે ભ્રમણની ત્રિજ્યાઓ દૂર સુધી વિસ્તરી શકતી નથી. ઘરમાં બારી પાસે બેસીને જોઉં છું. ઘામ થાય છે, પવન નથી. શિયાળાના દિવસોમાં તો આકાશની નીલિમા પણ જાણે કાચ જેવી કકરી બની જાય છે. પણ આ હેમન્તમાં તો આકાશને મુખે ગ્લાનિ છે. ઘરનો સાંકડો ઓરડો વધુ સાંકડો બની જાય છે. સમય એમાં ભીંસાઈને હાંફે છે. આવે દિવસે મન ભાગેડુ બનીને નાસી જવા ઇચ્છે છે. આ નાસી જવાની વૃત્તિ થાય છે ત્યારે વિચાર આવે છે. આપણાં મૂળ ક્યાંય ઊંડે જાય છે ખરાં? જ્યાં એવું લાગે છે કે હવે મૂળ ઊંડાં ગયાં છે, આધારપોષણ બધું હવે મળ્યે જશે, હવે ફૂલીશું, ફાલીશું, છાયા વિસ્તારીશું, મર્મરથી મુખરિત થઈ ઊઠીશું, પર્ણોની અંજલિમાં થોડું આકાશ ઝીલશું, શાખાઓના દૂરપ્રસારી હાથ લંબાવીને આલંગિનના પરિઘને વિસ્તારીશું અને કલકણ્ઠે ટહુકી ઊઠીશું ત્યાં –
આથી આ હેમન્તે બૅકેટની નવલકથા ‘હાઉ ઇટ ઇઝ’ના પાત્રની જેમ કશીક મળકર્દમની ભોંયમાં ખૂંપીને, પણ પગને સ્થિર રાખ્યા વિના, દિશાહીન બનીને, ચાલ્યે જાઉં છું. ના, એને ચાલવાનું તો ન કહેવાય, એને સ્થિતિ પણ ન કહેવાય, ગતિ પણ ન કહેવાય. ભેજ શરીરમાં સરીને બધાં ગાત્રો લૂલાં કરી નાખે છે. એ ભેજમાં સૂર્ય પણ પાણીમાં પડેલા કાગળ જેવો બની જાય છે. અહીં મૂળની વાત શી!
એ એક હકીકત છે કે આવી સ્થિતિમાંય હું બોલ્યે રાખું છું. દરેક ભાવદશાને એની આબોહવા હોય છે. એ આબોહવામાં ઉછરેલા શબ્દોનો મને ખપ છે. આથી ફરી ફરી મનની આબોહવા બદલ્યા કરવી જોઈએ. ઘણા લોકો શબ્દોને જાળની જેમ પાથરે છે. એમાં પકડાઈને તરફડતા વિચારો મને ગમતા નથી. સૃષ્ટિના આદિકાળના હિમખણ્ડ જેવો શબ્દ ભાગ્યે જ હાથ આવે છે. એમાં સમસ્ત આયુ સમાઈ ગયું હોય છે. સૂર્યનું શૈશવ પણ એમાં ઝૂલતું હોય છે. ભગવાનની આંગળીનો દાબ એના પરથી ભુંસાયો હોતો નથી. અત્યારે તો સામેના મેદાનમાં પાંચ છ મડદાલ ગાયો ચરે છે, સામેના રસ્તા પર થઈને ભૂરા ગણવેશમાં શાળાના વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે નિશાળે પ્રવેશે છે. નિશાળનો ઘણ્ટ વાગે છે. એનો રણકાર હવામાં લથડતો લથડતો અડબડિયાં ખાય છે. તડકાના પોતમાં હજુ કુમાશ નથી, હજી એ બરછટ લાગે છે. આકાશમાંનાં થોડાં વાદળો શત્રુ પક્ષના ગુપ્તચર જેવાં ડોકિયાં કરે છે. બધું અકૃત્રિમ લાગતું નથી. કશુંક કઠ્યા કરે છે. આ દિવસો બે પગની વચ્ચે બાંધેલા લાકડાવાળી ગાયની જેમ ચાલી રહ્યા છે. એ નિશ્ચિન્તપણે દોડી શકે તેમ નથી.
આ દિવસોમાંય શબઘરમાં બરફની લાદી પર સૂતેલા શબની શાન્તિથી જીવનારા લોકો છે. એમનાં મોઢાં પર એક જ ભાવ રહે છે. એમને ચારે બાજુથી ઘેરી વળી બરફમાં દાટી દે એટલો બરફ હજુ લાધ્યો નથી. છતાં, આ સૂર્ય એમને પીગળાવતો નથી એ પણ સાચું. એમની ઉપસ્થિતિમાં હાડ સુધી કશીક ધ્રૂજારી ઊતરી જાય છે. એમનાં મોઢાંમાંથી શબ્દો પરપોટાના જેવા નીકળે છે.
બાળકો રમે છે, ક્રીડાના આનન્દમાં એઓ નાચે છે, એમનો આનન્દ સુકાઈ ગયો નથી. નિશાળો ખૂલી છે. ખળખળ વહેતાં ઝરણાં હવે નિશાળની દીવાલ પાછળ પુરાઈ ગયાં છે. પણ રિસેસ પડે છે ને દીવાલ ઉપરથી છલકાઈને બાળકો બહાર વહી આવે છે. ઊભા રહીને જોયા કરવું ગમે એવું દૃશ્ય છે. બહાર બેઠેલા ડોશી પાસેથી કાકડીની ચીરી લઈને મીઠું ભભરાવીને ખાવી, સિન્ધીની લારીમાંથી કેન્ડી ખાવી, થોડી વાર દડો ઉછાળી લેવો, એકાદ નાની તકરાર પણ કરી લેવી ને પછી ફરી દીવાલો વચ્ચે ડાહ્યાડમરા થઈને પુરાઈ જવું.
ઘણી વાર પૃથ્વી પોતે પણ જાણે એના બાલ્ય કાળના સ્મરણને મમળાવતી અન્યમનસ્ક બની જતી લાગે છે. શિશુ સ્તનપાન છોડીને ઘડીભર અન્યમનસ્ક મુખને જોઈ રહે તેમ આપણે પણ પૃથ્વીને એવી ક્ષણે જોઈ રહીએ છીએ. એ આંખોમાં ચમકતી છબી જોઈ રહીએ છીએ. આવી કેટલીક ક્ષણો જેને આપણા વ્યક્તિગત જીવન જોડે કશો સમ્બન્ધ નથી, જે અન્તરીક્ષના કોઈ અકળ અણસારને આપણા સુધી વહાવી લાવે છે, જેમાં ગ્રહનક્ષત્રો વચ્ચેના શૂન્યનો સ્પર્શ છે તેનું શું કરવું?
પહેલાં મંડળી જમાવીને કવિતાનો આનંદ ખૂબ માણ્યો છે. હવે લાગે છે કે એ દિવસો ગયા. જેમ માણસ મોટો થાય છે તેમ એના વ્યક્તિત્વની દીવાલો કંઈક બરડ થતી જાય છે. રખે ને એ તૂટી જાય એ બીકે એ સાવધ રહીને એનું રક્ષણ કરે છે. આવી પરિસ્થિતિમાં મંડળી ક્યાંથી જામે? કવિતાનું હવે એકાન્તમાં સંવનન કરું છું. દેશ દેશના કવિઓ હાથ લંબાવતાં જ સુલભ બની રહે છે એ કેવું મોટું સદ્ભાગ્ય! જોકે કવિતાનું આવું સેવન એ કેટલાકને મન અપરાધ ગણાય. ‘તમે એકદંડિયા મહેલમાં રહીને વાણીવિલાસમાં રાચો છો.’ એમ કહીને એઓ જરૂર ભાંડવાના પણ આ દુનિયા આપણને એવા કશાય એકદંડિયા મહેલમાં રહેવા દે એવી છે ખરી? સવાર પડે છે ને તરત જ આજીવિકા માટેના સંઘર્ષમાં આપણે જોતરાઈ જઈએ છીએ. પણ ગાળ ખાઈનેય કવિતા વાંચવી તો સદા ગમશે જ. જે દેશના કવિની કવિતા વાંચીએ તે દેશની આબોહવા આપણને સ્પર્શી જાય. એટલે અંશે આપણે વિસ્તરીએ. આપણો મૂળ સ્વભાવ વિસ્તરવાનો છે તેથી જ તો જ્યારે સમ્બન્ધની વિસ્તરેલી ત્રિજ્યાઓને સંકેલીને સંકુચિત એકાન્તમાં બેસી જવાના દિવસો આવે ત્યારે કવિતા સિવાય આપણા વિસ્તરવાના શોખને કોણ પૂરો કરી શકે?
વળી પાછલી રાતે શ્વાસ રૂંધાવા લાગ્યો છે. જાણે બહારનો આખો વિસ્તાર શ્વાસનળીમાં થઈને પ્રવેશવા મથી રહે છે. શ્વાસ રૂંધાય એટલે હૃદય પણ ચાલ બદલે છે. આંખો બહાર ઊછળી આવે છે. પથારીમાં બેઠો થઈ જાઉં છું ને પાતળા થતા જતા અન્ધકારમાં અરુણાઈના આછા અણસારને જોઉં છું. કામનાથ મહાદેવમાં આરતી થાય છે. સૂર્ય ઊગે ને શ્વાસને એનો સ્પર્શ થાય એવું ઝંખું છું. એકાએક શ્વાસ નાના પંજિરા જેવા બની જાય છે. સાંકડા અંધારા ભોંયરામાં થઈને જાણે જતો હોઉં એવું લાગે છે. રસ્તા પરથી જતી મોટરો દેખાતી નથી. છતાં અવાજ સાંભળીને એની સંખ્યા ગણું છું. સૂર્ય ગરમ ચ્હાના કપમાં જાણે ઊતરીને આવે છે, પછી બધું ઠીક લાગવા માંડે છે.
કાગળનો તંબૂ ખેંચીને અંદર અગ્નિની શિખા રહેવા આવી છે. તળાવનાં પાણી લીલના વાઘા પહેરીને મળવા આવે છે. મંદિરની ધજામાં લપેટાઈને પવન પણ મળવા આવે છે. છૂપો દરબાર ભરાય છે. નિદ્રામાં એ તંબૂના કાગળ ઊડતા ઊડતા મારી પાસે આવતા જોઉં છું. એ બધા એકઠા કરું છું. થોડા દૂર ઊડી જાય છે, એ કાગળ હાથમાં લઈને જોઉં છું તો અગ્નિશિખાના એના પર હસ્તાક્ષર છે, એ લિપિ ઓળખાતી નથી. ઘણી વાર સ્વપ્નની છાલક જ મને એકાએક જગાડી મૂકે છે.
વળી પહેલાંનો સ્વભાવ પાછો આવ્યો છે. બેસીને જોયા કરવાનું મન થતું નથી. એને હવે દૂર દૂર ભટકવાનું મન થાય છે. વન કે ડુંગર કે નદી સમુદ્રનો આગ્રહ નથી. ગીચ વસ્તીવાળાં શહેર પણ ગમે છે. ખંડેરાવ માર્કેટમાં જમરૂખના ઢગલાને જોઈ રહેવાનું પણ ગમે છે. એનો લીસો સ્પર્શ, એનો લીલાશ પડતો પીળો રંગ – આ બધાંનો સ્વાદ પણ ગમે છે. મધરાતે સુરસાગરમાં સ્થિર જળને જોવા ગમે છે. મન્દિરને ઓટલે એકલા એકલા થોડી વાર બેસી રહેવું ગમે છે. મહાદેવના મન્દિરમાંની શાન્તિને બીલીપત્રમાં ભરીને પીવી ગમે છે. યુનિવસિર્ટીના બંધ ઓરડાઓમાં પોતાની જ જોડે વાતો કરતી સરસ્વતી દેવીને સાંભળવાની તક મળે તો સારું. સ્ટેશને જઈને અજાણ્યા મુસાફરો વચ્ચે ઊભા રહીને એમની ચહલપહલ તટસ્થપણે જોવી ગમે છે, હોસ્પિટલની ધોળી લાદીની તખ્તી પર કણસતી સૂતેલી શાન્તિની ખબર પૂછી આવવાનું પણ મન થાય છે. પણ તો પછી દામોદર ખુશાલદાસ બોટાદકરની કવિતાની વાત કોણ કરશે? ‘કેમ રજામાં અહીં જ હતા? તબિયત તો ઠીક છે ને?’ એ પ્રશ્નોના જવાબ કોણ આપશે?