હેમન્તી પ્રસન્નતા

દિવસો જાય છે. રોજ સવારે છાપું ખોલતાં એના એ રેઢિયાળ શબ્દો દેખાય છે. માનવીને કદાચ હવે વધારે શબ્દોની જરૂર નથી. કોઈ આંકડાશાસ્ત્રી છાપામાં વપરાતા શબ્દોનો ‘ફ્રીક્વન્સી રેઇટ’ કાઢીને અમુક અનિવાર્ય શબ્દોનો સંચય કરી આપે તો ઘણા બધા લોકોનું તો એથી કામ ગબડી જાય. કવિઓ નવા શબ્દો નથી સરજતા, પણ જે શબ્દો છે તેમાં નવા પ્રાણ પૂરે છે એવું કહેવાય છે. હવે તો કવિઓની ભાષામાં પણ અમુક શબ્દો જ વધારે દેખાવા લાગ્યા છે. કવિઓ માટે પણ હવે અનિવાર્ય શબ્દોનો સંચય તૈયાર કરી આપી શકાય. વેદની કવિતા અપૌરુષેય હતી, હવે કોમ્પ્યુટર કવિતા લખે છે. કોન્ક્રીટ કવિતાના નમૂના પણ આપણામાંના ઘણાએ જોયા હવે. આથી ‘આ મારી કવિતા’ એવું અભિમાનપૂર્વક કહેનારો બાલિશ લાગે છે. એ કહેવાતી ‘મારી’ કવિતામાં એણે પોતાની વાત કેટલી કહી? હવે તો શબ્દનાં કરતાં એનો પડઘો એ મહત્ત્વની વસ્તુ બની ગઈ છે. જે પડઘામાં છે તે શબ્દમાં નથી. વીતેલા સમયની દીવાલ સાથે જે અથડાઈને આવે છે તેમાં એ વીતેલા સમયનાં સ્પન્દનો પણ ભળે છે. પણ આપણો કવિ હજી જોઈએ તેટલો પ્રામાણિક નથી. કદાચ પ્રામાણિક બને તો કવિ થઈ જ નહીં શકે, કારણ કે પ્રમાણ પૂરું પાડનાર તો તર્કશાસ્ત્રી, કવિ આપણને પરિચિત સત્યથી વિલક્ષણ એવું ‘સત્ય’ બોલે છે. જેને ઘણી વાર છડેચોક અસત્ય કહીને જ પ્લેટો જેવાએ નથી ઓળખાવ્યું? આમ કરીને પણ કવિ થોડો અભિમાની બને છે. એને લાગે છે કે એનું સત્ય તો એનું પોતાનું આગવું સત્ય છે, આજનો જમાનો ‘અસત્ય’ કહે, પણ સમયનો આથો એના પર ચઢે છે ને ધીમે ધીમે પછીની પેઢીને એમાં સત્યનો સ્વાદ આવવા લાગે છે.

પણ કદાચ હવે એવા દિવસો આવશે જ્યારે સત્ય-અસત્ય વચ્ચેના ભેદની ચર્ચા કરવાનો ઉત્સાહ કોઈને નહીં રહે. જીવનમરણ પણ એકાકાર થઈ જશે. આમેય તે પૃથ્વી પરથી આપણા પગ ઊંચકાવા લાગ્યા છે. નાનાં બાળકો બોલતાચાલતા એન્સાઇક્લોપીડિયા જેવાં થઈ ગયાં છે. વિસ્મયથી વિસ્ફારિત નેત્રે બાળક જે રમ્ય વિકલ્પોની કલ્પના કરીને રાચતું હતું તે વિકલ્પોને સ્થાને હવે એની સામે કોષ્ટકમાં ગોઠવી આપેલી માહિતીનો સંચય છે. એને માટે પણ શંકાને સ્થાન નથી. ઠાંસેલા જ્ઞાનમાં સ્વૈરવિહાર કરવા જેટલો અવકાશ જ ક્યાં રહે છે? આ જ્ઞાન આપણા લોહીમાં વહેતું થશે ખરું?

રજાના દિવસો છે. આ દિવસો માટે સાચવીને મૂકી રાખેલી થોડી ચોપડીઓ તરફ મારી નજર છે. મનમાં થાય છે હવે નિરાંતે વાંચીશું. પણ નિરાંત ક્યાં છે? કોઈ સજ્જન કે સન્નારી આવી ચડે છે. શહેરમાં ચાલતી અફવાઓનો સાવ તાજો પૂરવઠો એઓ પૂરો પાડે છે. થોડું ભવિષ્ય પણ ભાખી જાય છે. પછી કહેતા જાય છે. ‘આ વખતે દીપોત્સવી અંક વાંચવા આપજો.’ હું કહું છું. ‘હું દીપોત્સવી અંકોમાં ઝાઝું લખતો નથી.’ પણ એમને વિશ્વાસ બેસતો નથી. પછી વળી બીજું કોઈક આવી ચડે છે. તબિયતના સમાચાર ભારે લાગણીથી પૂછે છે ને પછી તરત જ ઉમેરે છે. ‘સંભાળજો, ફલાણાભાઈ હમણાં આ રોગમાં જ ગુજરી ગયા.’ પછી આખો દિવસ તેલના ભાવ, ખાંડના ભાવ, દિવાળીનું ખાવાનું, કોણ અમેરિકા જાય છે ને કોણ પાછું આવ્યું, ક્વાર્ટર્સ બદલવાની તૈયારી – આ બધું કાને અથડાયા કરે છે. મારી વધુ ઇચ્છા તો નથી છતાં કોઈક વાર ‘કેમ્પસ નોવેલ’ લખવી હોય તો સામગ્રી પૂરતા પ્રમાણમાં છે.

સૌથી આકરી કસોટી તો કોઈ ‘સાહિત્યકાર’ મિત્ર મળવા આવે ત્યારે થાય છે. મને સાહિત્યની ગપસપ ઝાઝી ગમતી નથી. હું તો માનું છું કે એ પવિત્ર વસ્તુ છે. આપણને આવડે તેટલું લખીએ, વંચાય તેટલું વાંચીએ ને શાન્તિથી બેસી રહીએ પણ સાહિત્યવાળાઓનોય સમાજ હોય છે. એમાંય કૂથલી કરનારા અહીંની વાત તહીં કરનારા ઘણા હોય છે. ‘સાંભળ્યું તમે? ઉમાશંકર તો તમારે વિશે આમ કહેતા હતા.’ જો ઝાઝો રસ બતાવીએ તો વાત આગળ ચાલે. મને ઉમાશંકરની સાચી કવિતામાં રસ છે, એમનાં ઉત્તમ કાર્યોમાં રસ છે, પણ કશીક આવી અણગમતી વાતોમાં આપણને પરાણે ખેંચવાનું આવા લોકો છોડતા નથી.

રોજ સવારે સૂરજ ઊગે છે. પ્રભાતના પહેલા પહોરે વરસેલું ઝાકળ પાંદડે ચળકે છે. સૂર્યનો પ્રકાશ ફૂલોને હૂંફાળો લાગે છે. એ સ્પર્શસુખ માણવું ગમે છે. પણ એથી માનવીનાં મન સ્વચ્છ થતાં નથી. જે મનમાં જૂઠાણાંનો સંગ્રહ કરીને બેઠાં છે તે એવાં ને એવાં જ રહે છે. વેરઝેર પણ ધોવાતાં નથી. બીજી સવારે આખા એક દિવસની નવી જિન્દગીની બક્ષિસ પામીને માનવી ફરી પામરતાનું જ લેખું માંડે છે. ઉપરનાં સ્વચ્છ આકાશની સાક્ષીએ પોતાના મલિન ચિત્તને એ જાળવી રાખે છે. પામરતાના ચીલા ભુંસાતા નથી. આમ છતાં સૃષ્ટિ તો એવી જ રમ્ય લાગે છે. કશી રોકટોક વિના રાત્રે ચાંદની ઘરમાં પ્રવેશે છે. બધું માયાવી બની જાય છે. પૃથ્વીને અલૌકિકતાનો સ્પર્શ થાય છે. દરરોજ આવી અમૂલ્ય સંપત્તિ પામીએ છીએ. કેટલાક ચહેરાઓ જોઉં છું તો આંખમાં જે કરડાકી છે તે સ્નિગ્ધ બનતી જ નથી, શબ્દોમાં મીઠાશ આવતી જ નથી. એની એ તોછડાઈ એમને વળગેલી જ રહે છે, એમનામાં મધુરતાના પ્રવેશને માટે જાણે નાનું સરખું છિદ્ર પણ રહ્યું નથી, બધે એક સરખી હોંસાતુંસી ને સ્પર્ધા ચાલ્યા કરે છે. એ બધાંમાંથી ખસીને દૂર ઊભા રહીએ તોય આપણને ઠેલે ચડાવ્યા વિના આ લોકો રહેતા નથી. આ સંસાર આપણને અણગમતી વાતોમાં સંડોવ્યા વિના રહેતો નથી. એથી નિલિર્પ્ત રહેવું ઘણું અઘરું છે. આને પરિણામે ઘણી ભ્રાન્તિ ને જૂઠાણાં ઊભાં થવાનાં જ. ચિત્ત આથી ક્લેશ પામે છે. માટે જ આ હેમન્તની સુરખીભરી સવારની પ્રસન્નતા જ્યારે આખા પ્રકાશમાં છલકાઈ ઊઠે છે ત્યારે એ પ્રસન્નતા સાથે તદ્રૂપ બની જવાનું ગમે છે. ચિત્તની પ્રસન્નતા એ જ સૌથી મોટી પ્રાપ્તિ છે. જેનું ચિત્ત પૂરેપૂરું નિર્મળ બની શક્યું હોય તે જ એનો અધિકારી. વિના કારણે દુશ્મનાવટ બાંધનારા લોકો પણ હોય છે. જો આપણે એમની ઉપેક્ષા કરીએ તો એઓ આપણને કાયર કરીને ભાંડે. કાયરની ગાળ સહન કરીનેય જો આ ઉપદ્રવમાંથી બચી જવાતું હોય તો સારું. પણ શત્રુવટ રાખ્યાનો આનન્દ એઓ જતો કરવા ઇચ્છતા નથી. મૈત્રી કે સૌહાર્દ પણ કાંઈ પરાણે કેળવી ન શકાય. મૈત્રીની પણ કસોટી થાય. ઘણી વાર નાની સરખી વાતમાં મન ઊંચાં થાય. પછી સાંધો રહી જાય. એ ખૂંચ્યાં કરે પણ હૃદય આપણે ધારીએ છીએ તેટલું ઉદાર હોતું નથી. એ ખરી વખતે કૃપણ બની જાય છે. આખરે આ બધાંથી થાકીને ધીમે ધીમે માણસ વેગળો સરતો જાય છે. એ સભામાં જાય, મંડળીમાં બેસે, ગપસપ લડાવે. પણ એમાંયે વેગળો પડી જાય છે. આ એકલતાને જીરવવાની તાકાત વેળાસર કેળવી લીધેલી સારી. આ એકલતામાં સૌથી મોટી મુશ્કેલી તે પોતાની જાતનો સામનો કરવાની હોય છે. કદાચ સૌથી મોટી તાકાત એને માટે જોઈતી હશે. એ જો બની શક્યું તો ઊગરી જવાય. તો એનાં સારાં પરિણામો પણ આવે. પણ આ એકલતાનો દેખાડો કરવો, એનાં ગાણાં ગાવાં એવું પણ થતું જોવામાં આવે છે. માનવી પ્રદર્શનપ્રિય પ્રાણી છે. એ પોતાના ઘાનું પ્રદર્શન કરે. એ પ્રદર્શન પર મરણનો કાળો પડદો ઢળે પછી બધું પૂરું થાય.

તો મારી આજુબાજુ, દરિયાપારના થોડા કવિઓ છે. આનન્દથી એમની કવિતા માણવાની ઇચ્છા છે. એમાંથી બેચાર લેખ ઉપજાવી કાઢવાની દાનત નથી. એવો લોભ આનન્દને મારી નાખે છે. હમણાં સૅમ્યુઅલ બૅકૅટને નોબેલ પારિતોષિક મળ્યું ને આપણાં છાપાંઓમાં એના જીવનપ્રસંગો, ટુચકાઓ, એની કૃતિઓ વિશેની ઇધરતિધરથી એકઠી કરેલી આછીપાતળી માહિતી – આ બધું ઊભરાઈ આવ્યું. આ બધું એકાદ અઠવાડિયામાં બંધ પડી જશે. છાપાંને એનો ઝાઝો ખપ નથી. પણ એની કૃતિઓનો અભ્યાસ કરવાની વૃત્તિ ખાસ દેખાશે નહિ.

છતાં આ દુનિયા ગમે છે. અહીં જે કાંઈ મળ્યું તેની માયા છે પછી એ સુખ હોય કે દુ:ખ, માન હોય કે અપમાન, અપૂર્ણતાનો કોઈ અનેરો સ્વાદ છે. એ દેવો સ્વર્ગમાં ચાખી શકતા નથી. એમને એ ચાખવા પૃથ્વી પર અવતાર લેવો પડે છે.

License

ઇદમ્ સર્વમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.