ઔપચારિક ભાષા

આપણે એમ માનતા હોઈએ છીએ કે આપણે એકની એક જ ભાષા બોલીએ છીએ, પણ ખરેખર એવું હોય છે ખરું? કેટલાંક સ્થળ એવાં છે જ્યાં ભૂતકાળનાં ઘણાં સંસ્મરણો છે, ત્યાંના વર્તમાન જોડે આપણો સમ્બન્ધ નથી. ત્યાં બાળપણની જે ભાષા હતી તે જ વાપરવી જોઈએ. પતંગિયાની જેમ ઊડાઊડ કરતા શબ્દો એનું હળવાપણું અને એ શબ્દોની શિશુની વિસ્મયથી વિસ્ફારિત આંખો – આથી જ્યારે એવા કોઈ સ્થળે આજે જઈને ઊભો રહું છું ત્યારે કશું બોલી શકાતું નથી. એ સમયને શોધી કાઢવાનું આજે અઘરું બની ગયું છે. એના પર હવે તો બીજા કેટલાય થર બાઝી ગયા છે. એ થરને દૂર કરવાનું પણ અઘરું થઈ પડે છે. વ્યક્તિઓ જોડેની વાતચીતમાં પણ એવું જ બને છે. દરેક વ્યક્તિના મનની આબોહવા, એનું નિરાળાપણું – આ બધાં સાથે મેળ ખાય એવી સમધાત ભાષા શોધવી પડે. પણ એ કાંઈ એકદમ હાથ લાગતી નથી. આથી હવે પહેલાંનું વાચાળપણું ઓછું થતું જાય છે. સભામાં ભાષણ થઈ શકે, પણ વ્યક્તિઓ જોડે આત્મીયતાના સ્તર પર વાત કરવાની હોય, ‘સંવાદ’ કરવાનો હોય ત્યારે તો મુશ્કેલી પડે જ, આથી મૂંગા રહેવું પડે. વાતાવરણમાં એને કારણે ભાર વરતાય, સહેજ ઉદાસ થઈ જવાય.

ઘણા લોકો એવા હોય છે જેઓ ચોવીસે કલાક એકસરખી ઔપચારિક ભાષા વાપરી શકે છે. એમાં લાગણીનો કોઈ આરોહઅવરોહ વરતાય જ નહીં, એમાંથી કોઈ ગુપ્ત સંકેત શોધી કાઢવાનો રહે જ નહીં. ચોકસાઈ અને મિતભાષિતા એ એના સૌથી મોટા ગુણ. કેટલાક જેમ હાથમોજાં પહેરી રાખે અને હાથને કશાનો સીધો સ્પર્શ નહીં થવા દે તેમ આ લોકો ઔપચારિક ભાષાને મોજાંની જેમ સદા પહેરી રાખે છે. કોઈક વાર જ આપણને લાગે છે કે સરખી ‘વેવલેન્ગ્થ’વાળું કોઈ મળ્યું છે. ત્યારે ભાષા વાપરવાનો આનન્દ આવે છે. નહીં તો મિત્રો જોડે પણ બોલવાનું બની શકતું નથી અને ‘મૂડ’ નથી એમ કહીને મૂગા બેસી રહેવાનું જ આપણે પસંદ કરીએ છીએ. લખવામાંય એવી જ મુશ્કેલી ઘણી વાર ઊભી થાય છે. આપણે જે મનોદશામાં હોઈએ છીએ તેને અનુકૂળ શબ્દો નથી જડતા તો ઘણો કલેશ થાય છે. પછી ટેવને કારણે કાંઈક લખીએ તો ખરા પણ એમાં કશો પ્રાણ હોતો નથી. આથી જેમ આ વિશેની સમજ સૂક્ષ્મ થતી આવે છે તેમ તેમ વાચાળતા ઘટે છે અને લખવાનું પણ ઓછું થાય છે.

આ સાથે એક બીજું કૂતુહલ પણ ઉદ્ભવે છે. અજાણ્યા જ પ્રદેશના કોઈ અજાણ્યા ચિત્તની આબોહવામાંથી ઘડાતી ભાષાનો સ્વાદ ચાખવાનું ગમે છે. લેખકે શું કહ્યું તે સંઘરવાનો લોભ છૂટતો જાય છે. આવો સ્વાદ જ વધારે આર્ક્ષે છે. એકાદ કવિતા વાંચીને એ સૃષ્ટિમાં મનને રમતું મૂકી દેવાનું ગમે છે. રોજ-બ-રોજનો પશુશ્રમ તો ચાલુ જ રહે છે. એમાંથી ભાગી છૂટવાની વાત નથી. પણ મનને આમ એને અનુકૂળ ખાદ્ય મળી રહે તો થોડી પ્રસન્નતા આપણે ભાગે આવે છે. પ્રસન્નતા જ હવે કેવી વિરલ બનતી જાય છે! મન સહેજ સહેજમાં ભારે થઈ જાય છે. પહેલાં જે બેપરવાહી હતી તે હવે રહીં નથી. આજુબાજુ જે છે તેનાથી સાવ નિલિર્પ્ત રહી શકાતું નથી. એકાદ વિચાર મનનો કબજો લઈ લે છે તો એમાંથી એકદમ છૂટી શકાતું નથી. આથી જ કદાચ ઘણાં વરસ પછી મળનાર કોઈ બોલી ઊઠે છે : ‘અરે, તમે તો સાવ બદલાઈ ગયા લાગો છો!’ ત્યારે એવો એકરાર કરી દેવાનું મન થાય છે, ‘ હા, ઘણી વાર હું મને પોતાને જ સાવ અજાણ્યો લાગું છું. મારો જ અવાજ હું કોઈ પારકાના અવાજની જેમ સાંભળી રહું છું.’ પણ આમ કહીએ તો કોઈ ગાંડા જ ગણી કાઢે એ બીકે કહેતો નથી. છતાં એનાં લક્ષણ તો વરતાતાં આવે જ છે!

એક વિચિત્ર અનુભવ ઘણી વાર થાય છે. બહારની દુનિયા હવે એટલી બધી બહાર રાખી શકાતી નથી, બહાર પડેલો પથ્થર એના પૂરા વજન સાથે, એના સમસ્ત મૌન સાથે, એની નિશ્ચેષ્ટતા સાથે મનમાં પ્રવેશે છે. મનમાં એનું પ્રતિરૂપ શોધે છે અને એ જડતું નથી ત્યાં સુધી એ મનમાં આમથી તેમ અથડાયા કરે છે. બહારની દુનિયાને સ્થાન કરી આપવાના ઉધામા મનને થકવી નાખે છે. આંખ બંધ કરીને બેસી રહેવાતું નથી. ઊડતું પંખી, રસ્તા પરથી ચાલી જતી ટ્રક, બળબળતા તાપમાં નિર્જન રસ્તા પરથી ચાલ્યો જતો એકલદોકલ માણસ – આ બધી જુદી જુદી ઘટનાઓ છે. પણ મનમાં આ બધું એક ચિત્રની રેખારૂપે ગોઠવાઈ જવા મથે છે. આ સિવાય મનને કરાર વળતો નથી. આ કાંઈ અંગત સુખદુ:ખનો પ્રશ્ન નથી, આને કારણે મન સદા પ્રવૃત્ત રહે છે, ને છતાં બહારથી આપણે નિષ્ક્રિય લાગીએ છીએ. કોઈ પૂછે, ‘કેમ હમણાં શું ચાલે છે?’ એના જવાબમાં જો આ બધું વીગતે કહીએ તો પ્રશ્ન પૂછનાર મૂંઝાઈ જાય, કારણ કે એણે તો ‘બસ આનન્દ છે’ એવા જ રૂઢ જવાબની આશા રાખી હોય. એક મિત્રે સદ્ભાવપૂર્વક સલાહ આપી : તમે તમારી શી ‘ઇમેઇજ’ ખડી કરો છો એના પર બધો આધાર છે. તમારે પોતાને હાથે તમારે પછી એ ‘ઇમેઇજ’ તોડવી ન જોઈએ. મેં ઠાવકા બનીને એ સાંભળી લીધું. પણ આ ‘ઇમેઇજ’નો તાળો મેળવતાં રહેવાનું કામ તો મારાથી કદી બન્યું નથી. મને પોતાને મારે વિશે બહુ ઓછો ખ્યાલ છે, અને આપણે વિશે કોઈ ‘ઇમેઇજ’ સાચવી રાખવા જેટલો ઉત્સાહ ધરાવે એવું માનવાનું આપણને ગમે તોય એ વાસ્તવિક તો નથી જ. પણ ‘વહેવાર’ જાળવવા પડે, ‘સમ્બન્ધ’ સાચવવા પડે – આ બધી ભારે નાજુક વસ્તુ હોય છે. ધારીએ નહીં તોય આપણે અસામાજિક બની જઈએ છીએ.

આપણામાં વિચિત્ર પ્રકારનો રસ ધરાવનારા ઘણા હોય છે. કોઈક મળતાવેંત કહે છે. ‘મેં તો તમારે વિશે કાંઈ જુદી જ કલ્પના કરી હતી!’ એમની નિરાશા દૂર કરવાનો કોઈ ઉપાય જડતો નથી. કોઈ વળી કહે છે; ‘તમારી અમુક વાર્તા વાંચીને તો મેં તમારે વિશે કાંઈક જુદું જ ધારેલું.’ મને કહેવાનું જ મન થઈ આવે છે. મારી વાર્તા જોડે મારો સમ્બન્ધ જોડવો નહીં. જો હું એમ કહું તો એ કદાચ હાસ્યાસ્પદ લાગે. છતાં ગમે તેવી વાતો વહેતી કરવી, ઉપજાવી કાઢવી, એમને રુચે એવા રંગે રંગવી – આ બધું તો ચાલ્યા જ કરતું હોય છે. આપણું વ્યક્તિત્વ એમની સૃષ્ટિનું પાત્ર બની રહે છે. આપણી સાથે એ લોકો ગમે તેવી છૂટ લઈ શકે, અને તેય બધું આપણા હિંતચિંતક હોવાને દાવે. પશુઓ વધુ સરળતાથી ભેગાં રહી શકે, માનવીને માનવી જોડે રહેવું એ તો કપરું એને અટપટું છે. છતાં માનવી માનવીથી દૂર પણ જઈ શકતો નથી. પણ આપણો અનુભવ આપણને ધીમે ધીમે અળગા ને અળગા થઈ જવાની ફરજ પાડે છે. જો કેવળ અભિમાનથી આપણે એવું કરીએ તો અભિમાન ધારણ કર્યાનું તો કદાચ સુખ મળે, પણ આપણે માનવીની હૂંફ ઝંખીએ, સહવાસ ઝંખીએ ને છતાં એ ઝંખનાને પરિણામે જ આપણને આવા અનુભવ થાય તો શેનું આશ્વાસન લેવું?

આમ તો આપણી બધી પ્રવૃત્તિના મૂળમાં માનવીની નિકટ જવાની જ ઝંખના હોય છે. છતાં આપણી પ્રવૃત્તિને પરિણામે જો વધુ ને વધુ દૂરતા અને એકલવાયાપણાનો અનુભવ થાય તો કશી પ્રવૃત્તિ માટે શો ઉત્સાહ રહે? ધીમે ધીમે ઉદાસીનતાની માત્રા વધતી જાય. છતાં આપણે નિષ્કર્મ તો બેસી નહીં રહી શકીએ. આવી છે માનવીની નિયતિ! કર્મ કર્યા વિના રહેવાય નહીં અને કર્મને અન્તે નિર્ભ્રાન્તિ, આખરે આ નિર્ભ્રાન્તિની અવસ્થાને જીરવવાની સાધના કરવાની રહે! આ બધાંને કારણે થતો વિષાદ, રોષ, કચવાટ, કલેશ, એને વિષની જેમ ગટગટાવી જઈ નીલકંઠ બનીને જ આપણે જીવવું પડે છે. આપણે દુભાયેલા હોઈએ તેથી આપણી આજુબાજુનું વાતાવરણ પણ એનાથી કલુષિત કરવું જરૂરી નથી. એથી તો બધું વધુ અસહ્ય બને છે. છતાં મન અપ્રસન્ન હોય તોય પ્રસન્ન વાણી બોલવી, મુખ પરથી સ્મિત વિલાઈ ન જવા દેવું એ તો અભિનય થયો. આખરે જીવવું નહીં, પણ જીવવાનો અભિનય કરવો, એમ જ ને?

મેં જોયું છે કે કેટલાકને આવો અભિનય સ્વાભાવિક થઈ પડે છે. દુ:ખનો પણ એઓ અભિનય કરી શકે અને સુખનો પણ. એઓ કોઈને કળવા નહીં દે કે ખરેખર એના મનની સ્થિતિ શી છે! પોતાની આ કળા પર આવા લોકો મુસ્તાક હોય છે. પણ એને કારણે જ એઓ અમાનુષી લાગે છે. મને તો એમની નિકટ જવામાં સુખની લાગણી થતી નથી. આખરે એટલી વાત સાચી કે પ્રસન્નતાની ક્ષણો તે સાચી ક્ષણો છે. આપણી જિન્દગીનું માપ પ્રસન્નતાની ક્ષણોથી જ નીકળે છે. એ પ્રસન્નતા નથી હોતી તો જિન્દગીનું નર્યું મમત્વ એની અવેજીમાં મૂકી શકાય નહીં. એવા મમત્વને બાઝી રહેવાથી તો આપણે વધુ દયાજનક લાગીએ છીએ.

License

ઇદમ્ સર્વમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.