પ્રકૃતિની રસસંક્રાંન્તિ

પ્રેમાનંદના જેવી રસસંક્રાન્તિ પ્રકૃતિએ કરી. કેટલાય દિવસથી વાતાવરણમાં ગ્લાનિ હતી, આકાશના મુખ પર ચમક ન્હોતી, ત્યાં એકાએક રૂંધી રાખેલાં આંસુ ખાળી ન શકાયાં, એ વહી ગયાં. હવામાંથી બધી જ ઉષ્મા ચાલી ગઈ. પગને બરફ જેવા ઠંડા પાણીમાં ઝબકોળવા પડ્યા. માથે પણ જાણે હિમવર્ષા થઈ. ભીત પશુઓની જેમ માનવીઓ નાસવા માંડ્યાં. ઘરનાં બારીબારણાં બંધ થઈ ગયાં. આકાશની પાંપણો પણ જાણે ઢળી પડી. સૂર્ય વિશે ચિંતા થવા લાગી : હવે ક્યારે દેખાશે?

આવે સમયે હૃદયના અંધારા ખૂણામાં પડેલી ઉપેક્ષિત વેદના બહાર આવે છે. એનાં નિષ્પલક ચક્ષુ સામે જોઈ રહેવા સિવાય બીજું કશું કરવાનું રહ્યું નહીં. એમને આ કૃત્રિમ વર્ષા સાથે કશી લેવાદેવા નહોતી. એ દિવસે સમયનો પણ સ્વાદ બદલાઈ ગયો. એના પર જાણે દાંત ભરાવી શકાતા નહોતા, પણ એના સ્પર્શથી દાંત કળવા લાગ્યા. એ સમયને ગળી જવાનું મુશ્કેલ લાગવા માંડ્યું. મોઢામાં રહીને જાણે એ બધી જ ઉષ્મા શોષી જવા લાગ્યો. એ સમયનું શું કરવું તે સમજાયું નહીં. આ દિવસે ‘ઉઘાડું’ અને ‘બંધ’ એ બે શબ્દોનો અર્થભેદ પણ જાણે ભુંસાઈ ગયો.

સુખી જીવ તો નિત્યનૈમિત્તિક કાર્યોમાં મશગુલ થઈ ગયા. કોઈ બસ પકડવા દોડ્યા, કોઈ છાપરાંની નીચે સુરક્ષિત બનીને ઊભા રહેવાને દોડાદોડ કરવા લાગ્યા. પોતાની કારમાં બેસીને જનારા લોકો પોતાના સુખના વિશિષ્ટાધિકારનું પ્રદર્શન કરવા લાગ્યા. મને લાગ્યું કે જો સહેજ અળગા રહીને ઊભા રહીએ તો સંસાર હંમેશાં જોવા જેવો તો લાગે જ છે. પણ આ અળગા સરી જવાની શક્તિ હોવી એ કાંઈ સહેલી વાત નથી.

અડબડિયાં ખાતો એ અન્ધ દિવસ આખરે ગયો. એ રાતે કેવાં દુ:સ્વપ્નો સતાવી ગયાં! આંખ, નાક વિનાનો નર્યો પોકળ ચહેરો, ચારે બાજુ વરાળનો સમુદ્ર, તારાઓનાં ચૂરેચૂરા થઈને ખરતી રજ, અન્ધકારની અન્તહીન ગુફા, પ્રેત જેવા ઘૂમતા અવાજો. આ બધી ભૂતાવળમાં રાત વીતી તેથી સવારે બહુ વિશ્વસ્ત બનીને આંખો ખોલવાની હિંમત ન ચાલી. આંખો ખોલી તો બહાર તપ્ત તામ્રવર્ણ સૂર્ય હતો. નીચે ભીના ઘાસમાંથી એક ગોકળગાય ધીમે ધીમે સરી રહી હતી. ધીમે ધીમે સૂર્યપાન કરવાથી સ્ફુતિર્ આવી ગઈ. ધીમે ધીમે સમય કકરો બનતો ગયો. દિવસ શરૂ થયો. જાણે હજી ગઈ કાલનો સ્હેજ ડાઘ રહી ગયો છે. કેટલા બધા લોકો! આમેય તે કેટલાક તો હંમેશાં ગમ્ભીર જ હોય છે. દેશને વિશે એમને ખૂબ ચિન્તા છે. ઉચ્ચ કક્ષાએ ચાલ્યા કરતી ખટપટો તરફ એમના કાન મંડાયેલા છે. એમનો ઓરડો જ જાણે દેશ સમસ્તની પ્રવૃત્તિના સંચાલનનું કેન્દ્ર બની રહે છે, બધા વ્યૂહ ગોઠવાય છે, ચર્ચા થાય છે. બીજે દિવસે વળી છાપાંની દોઢ ઈંચની હેડલાઇનમાં એ બધાંનો સાર સમાઈ જાય છે. આ કાવતરાં, ખટપટ, દાવપેચ જો ન હોય તો આવા લોકો શું કરે? એમની એક એક ચાલ ગણતરીપૂર્વકની હોય. એક બીજો વર્ગ પણ સમાજમાં હોય છે; સદા હસમુખા, વાતોમાં ચબરાક, નર્મમર્મમાં કુશળ, રીતભાતમાં આકર્ષક, જે મંડળીમાં બેસે તે મંડળીમાં જાણે નવો પ્રાણ આવે. સુન્દરીઓ એમની આજુબાજુ પતંગિયાની જેમ ભમે, આજકાલ જાહેરખબરમાં પણ આપણે એવું ચિત્ર જોતાં થયાં છીએ. વાતનો વિષય ગમે તે હોય, એઓ એમાં કંઈકનું કંઈક તો કહેવાના જ, ‘ચામિર્ંગ મૅનર્સ’ એ એમની મોટી મૂડી. સમાજમાં જે લોકો સફળ ગણાય છે તેમાંના ઘણાખરા આ વર્ગના હોય છે. કેળવેલી બેદરકારી, બીજાની ગમ્ભીરતાનો પણ ભાર હળવો કરવાની કાબેલિયત અને સુખવૈભવનો દેખાડો કર્યા વિના સ્વાભાવિકપણે અધિકારપૂર્વક સ્વીકારવાની તત્પરતા. તમે આ વર્ગના લોકોને મોટાં શહેરોમાં તો જરૂર ભેટી જ જવાના.

વિદ્યાર્થીઓ સાથે તો મારે ઝાઝો સમ્બન્ધ છે. આ ‘સમ્બન્ધ’ શબ્દ વાપર્યા પછી મને જરા સંદેહ થાય છે. એને ‘સમ્બન્ધ’ કહી શકાય? સમ્બન્ધમાં તો માનવીય તત્ત્વો હોય છે. એવું વિદ્યાર્થી સાથે બને છે એમ મારી પ્રામાણિકતા જાળવીને કહી ન શકું. હૃદયની ભૂમિકા પર પણ નહીં તોય બુદ્ધિની ભૂમિકા પર પણ હવે કશોક સમ્બન્ધ બાંધવાનું શક્ય રહ્યું નથી. વર્ગની દીવાલ હવે એની અંદર કશું સુરક્ષિત રાખતી નથી. બહારનાં ઘણાં તત્ત્વો વિના કશી રોકટોક અંદર પ્રવેશી જાય છે. જેમને માથે દેશની જવાબદારી છે તેઓ જે બિનજવાબદારીભર્યું વર્તન દાખવી રહ્યા છે તે જોઈને વિદ્યાર્થીઓ પણ હવે કશા અંકુશને ગાંઠતા નથી. હવે ઝુંબેશ અને ચળવળનો જમાનો આવ્યો છે. બહાર તો એ જ ઘોંઘાટ સર્વત્ર સંભળાય છે. જેમને સંગીન પ્રવૃત્તિ કરવી હોય તેમને હવે ભૂગર્ભમાં ચાલી જવાના દિવસો આવ્યા છે. જો ભૂગર્ભમાં ચાલી જવાનું મંજૂર નહીં રાખો તો ભાગ્યે જ તમે કશું કરી શકો. ખૂબ દોડધામ અને ઘોંઘાટ મચાવી મૂકીને કશું જ ન કરવાની કળા આજકાલના મોટા ભાગના નેતાઓમાં છે.

મને સૌથી મોટું ભયસ્થાન એ લાગે છે કે કશી પણ પ્રવૃત્તિની પીઠિકા રૂપે જે સંગીન વિચારણા હોવી ઘટે તે કદાચ હવે રહેવાની નથી. માણસ બુદ્ધિ નહીં વાપરે, બુદ્ધિ વાપરવાનો ઢોંગ કરશે. એ કુશળતાને બદલે ધૂર્તતાનો ઉપયોગ કરશે. પ્રતિષ્ઠાનો પાયો રહેશે નહીં, એને બદલે જે વધારે વગ વિસ્તારી શકે, ખુશામતિયાઓ એકઠા કરી શકે તે જ ઘણાને હડસેલી કચડીને આગળ આવશે. મને તો હવે ‘આગળ’ ને ‘પાછળ’ની કશી ભ્રાન્તિ રહી નથી. જે આગળ છે તેની મને ઈર્ષ્યા નથી, જેઓ પાછળ છે તેની હું દયા પણ ખાતો નથી. કેટલાક વહેવારુ(એટલે કે જમાનાના ખાધેલા, રીઢા થઈ ગયેલા) લોકો મારી દયા ખાઈને જાણે લાગણીપૂર્વક ચેતવણી આપે છે. ‘તમે ફલાણા સજ્જનથી ચેતતા રહેજો. એની સામે પડવામાં સાર નથી.’ આ ભાષા જ મને સમજાતી નથી. આપણે કોઈ વ્યક્તિ સામે પડતા નથી, જે અનિષ્ટ હોય તેની સામે પડીએ છીએ, વળી કોઈ હાનિ કરે તો શાની હાનિ કરે? કદાચ રોટલો ઝૂંટવી લે, તો પણ હું શા માટે લાચારી અનુભવું? મને ગરીબીનો પરિચય છે. વૈભવનું પ્રલોભન નથી. ધનિક મિત્રોના સુખ-વૈભવને તટસ્થભાવે જોવા જેટલી નિલિર્પ્તતા મેં કેળવી છે. મારી શક્તિનો ક્યાસ કાઢીને એનું વળતર પામવા હું ઇચ્છતો નથી. છતાં હું જાણું છું કે જેને માથે કુટુમ્બની જવાબદારી હોય તેને તારાજ કરી શકાય. રૂંધાતા શ્વાસે વહેલી સવારે પરાણે પગ ઢસડીને કામે જતો હોઉં છું ત્યારે મન સહેજ કડવું થઈ જાય છે, કોઈ વિના કારણે નીચા પાડવા જેવું કરે તો મને રોષ નથી થતો એમ નહીં, પણ આવા કડવા ઘૂંટડા ગળી જાઉં છું. એની ફરિયાદ પણ નથી, કારણ કે એની બીજી જ ક્ષણે મારું મન એટલી સ્ફૂતિર્થી નવા વિચારના અંકોડા ગોઠવે છે, એ સાત્ત્વિક ઉત્સાહ મનને ભરી દે છે, પછી કશી કડવાશ રહેતી નથી. ઉદ્ધતાઈ અને દર્પનો પણ અનુભવ નથી થતો એમ નહીં, બને ત્યાં સુધી સામાનો સદ્ભાવ પારખવાનું વલણ રાખું છું. છતાં બાઘાઈ કેળવીને અપમાનને પણ ન ઓળખું એવું તો નથી ઇચ્છતો.

મેં જોયું છે કે હૃદયની ઉદારતા એ ભારે વિરલ વસ્તુ છે. મિત્રોની પણ ભારે કસોટી થઈ જાય છે. બીજાના વર્તન વિશે ન્યાય ચૂકવવાની જેટલી અધીરાઈ છે તેટલી સહિષ્ણુતા નથી. આખરે વર્ષોના વીતવા સાથે ચારે બાજુથી એકલતા ઘેરી વળે છે. આ એકલતાને લેખે લગાડી શકાય તો પછી એનો કશો રંજ રહેતો નથી. અસહિષ્ણુતા સામે સહિષ્ણુતા કેળવવી એ ભારે કપરી વાત છે. ખામોશી રાખીએ તો એ કસોટીભરી ક્ષણ ચાલી જાય છે, પછી પાછો આપણો કાબૂ આવી જાય છે. આમ જીવન વીતે છે. આમ છતાં કેટલું બધું સુખ છે આ પૃથ્વી પર. બહાર નજર નાખતાં જ જાણે સુખની ભરતીનાં મોજાં છલકાઈ ઊઠે છે. આ માત્ર જોયે જવાનો આનન્દ માણવાની હૃદયની શક્તિ ટકી રહે છે, ત્યાં સુધી તો આ દુનિયાનો કશો સન્તાપ વિચલિત કરી શકતો નથી. વાસ્તવિકતાથી દૂર ભાગી જવાની આ વાત નથી. કલ્પનાના આકાશમાં વિહાર કરવાની આ વાત નથી. ઇન્દ્રિયોને વધુ જાગૃત રાખવાની, વધુ સંવેદનશીલ બનવાની આ વાત છે. આનન્દના જગતમાં કોઈ ઊંચું નથી. તમે જેટલો આનન્દ માણી શકો તેટલો આનન્દ તમારો છે. એટલે જ તો અમૃતની જેમ આ વહેલી સવારના તડકાનું પાન કરું છું. એક સરખી વહ્યો આવતી હવાની લહેરો પર મનને હળવું ફૂલ બનીને નાચવા દઉં છું. આવી ક્ષણે હૃદયને વિસ્તરવાને ક્યાંય કશો અન્તરાય નડતો નથી.

License

ઇદમ્ સર્વમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.