સર્જકનું ગૌરવ

હું સુખાસને બેસીને બે અક્ષર લખવા બેઠો છું ત્યારે પૂર્વ બંગાળમાં બાળકો, સ્ત્રીઓ, અને પુરુષો મશીનગનની ગોળીએ વીંધાય છે. હત્યાકાંડ ચાલી રહ્યો છે. દેશવાસીઓને હાથે જ આવો કેર વર્તાવવામાં આવ્યો છે. એ તો દેશની આંતરિક બાબત થઈ, એ ઝઘડામાં બહારના માથું મારી શકે નહીં, કારણ કે તો સાર્વભૌમત્વ જોખમમાં મૂકાય, રાજકીય નેતાઓ ઠાવકા બનીને કહે છે. ‘અમે પરિસ્થિતિની સખેદ નોંધ લઈએ છીએ’ પણ માનવતા તો આ બધાં ચોકઠાંથી પર છે. લોકોએ બહુમતિથી ચૂંટેલા નેતાને સત્તાનું સૂત્ર ન સોંપતા લશ્કરના પશુબળને હાથે દેશને પીંખી નાખવાનું કાર્ય તો ભયંકર અપરાધ છે જ. પણ એને અપરાધી કહીને એના અપરાધનું ફળ ભોગવવાની ફરજ પાડનારું કોઈ તત્ત્વ દુનિયામાં છે ખરું? આથી જ તો સ્વતંત્રતા શબ્દ હંમેશાં શહીદોનાં લોહીથી ખરડાયેલો રહે છે.

કોઈ પ્રજા પોતાની આગવી સાંસ્કૃતિક વિશિષ્ટતા, ભાષા, સાહિત્ય સંસ્કાર જાળવી રાખવા મથે તે યોગ્ય જ છે. તમે એની ભાષાને ભૂંસી એટલે ભવિષ્યમાં એનું સાહિત્ય મરી પરવારશે. પછી એ પ્રજાનું આગવું વ્યક્તિત્વ શી રીતે જળવાઈ રહેશે? આટલા વિજેતાઓ આવ્યા છતાં આપણું સ્થાપત્ય, આપણું સાહિત્ય અને આપણા સંસ્કાર આપણે જાળવી રાખી શક્યા છીએ. અંગ્રેજોએ વધારે ધૂર્તતા વાપરી. અંગ્રેજી ભાષાનું દેશમાં ગૌરવ કર્યું. વિજેતા હતા ત્યારે તો ઠીક, પણ આજે એમના ચાલી ગયા પછી અંગ્રેજી બોધભાષાવાળી શાળાઓના ભાવ વધી ગયા. નાનાં પાંચ છ વર્ષનાં બાળકો પોતાની માતૃભાષા જાણતાં ન હોય અને ખરીખોટી અંગ્રેજીમાં ચાર વાત કરતાં હોય, માતાપિતા એ બદલ ગૌરવ અનુભવતાં હોય એવું તો ઘણાં મધ્યમ વર્ગનાં કુટુમ્બોમાં પણ દેખાય છે. અંગ્રેજી દ્વારા સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન વગેરેને આત્મસાત્ કરીને સમૃદ્ધ થવાની એષણાથી આ થતું નથી. આ તો ભદ્ર વર્ગના ઉપલા સ્તરનો એક સંકેત છે માટે થઈ રહ્યું છે. બહુ જ ચબરાકીથી અંગ્રેજી ભાષા બોલનાર એ ભાષાના સાહિત્ય વિશે કશું જાણતો હોતો નથી. ‘ટાઇમ’માં બેસ્ટ સેલર્સની જે યાદી આવે છે તેને આધારે એ ગોળા ગબડાવતો હોય છે. આવા લોકોને બંગાળમાં જે થયું તે કદાચ નહીં સમજાય. ગુજરાતીને નાબૂદ કરીને હિન્દીમાં ભેળવી દેવાનો કોઈ પ્રયત્ન થાય, રાજભાષા અને રાષ્ટ્રભાષા એક કરી દેવાય, બીજી ભાષાઓને પોષણ કે ઉત્તેજન ન મળે તો આપણે ગુજરાતીઓ બંગાળીઓ આજે જે ભોગ આપે છે તેવો ભોગ આપી શકીશું ખરા? ‘મને ગુજરાતીમાં લખવાનું ફાવતું નથી’ એમ ગૌરવપૂર્વક જાહેર કરનારા ઘણાં ગુજરાતીઓ છે. અને અંગ્રેજી નહીં આવડવાને કારણે ભદ્ર વર્ગમાં બેસતાં શરમાતાં અને નીચાપણું અનુભવનારા પણ ઘણાં છે. આપણે ભાષા કે સાહિત્યનું ગૌરવ સમજ્યા જ નથી. એક પ્રજા લેખે આપણી અસ્મિતાને પ્રગટ કરવાના પ્રયત્નો પરત્વે આપણામાંનો મોટો વર્ગ ઉદાસીન છે. સંકુચિત ભૌગોલિક રાષ્ટ્રવાદ તો ખોટો છે જ, પણ પ્રજાઓના કુટુમ્બમાં દરેક પ્રજાને એનું આગવું વ્યક્તિત્વ તો હોવું જોઈએ જ. કુટુમ્બ એક છે એ સાચું પણ કુટુમ્બ એમાંની વ્યક્તિઓની વિશિષ્ટતાને ભૂસી નાંખે એવું હોવું ન જોઈએ.

રવીન્દ્રનાથે સંકુચિત રાષ્ટ્રવાદનો વિરોધ કરીને ‘આ વિશ્વ આખું એક માળો છે’ એવી ઉપનિષદની વાણી સંભળાવેલી. પણ એ જ રવીન્દ્રનાથે પોતે જે કાંઈ લખે તે બંગાળી ભાષામાં જ લખાય એવો સંકલ્પ પણ કરેલો. રાજકારણમાં ઝંઝાવાતો આવે છે ને ચાલી જાય છે. આજે રવીન્દ્રનાથ અને ગાંધીના સાહિત્યની હોળી કરનારા આવી લાગ્યા છે. એઓ જશે પણ રવીન્દ્ર અને ગાંધી ટકી રહેશે. કારણ કે એમને જે કર્યું તેનો માનવતા સાથે ઊંડે ઊંડે સમ્બન્ધ છે. ગાંધીનિન્દા તો આજે ફેશન થઈ પડી છે. હું બૌદ્ધિક હોઉં તો ગાંધીની નિન્દા કરવાની હિંમત બતાવું એવું મનાય છે. પણ આ એક પ્રકારની માનસિક રુગ્ણતા છે, વામણા અહંકારનો વન્ધ્ય ફુંફાડો છે. હિંસાને રોમેન્ટિક અભિનિવેશથી આવકારવી, લોહીની વહેતી નદીઓનાં દૃશ્ય કલ્પનાથી આલેખવાં એ એક વાત છે અને અસ્મિતાને ખાતર શહીદી વહોરી લેવી, આખી પ્રજાએ ઊભા થઈને બુલંદ ઘોષણા કરી પાશવી બળનો સામનો કરવો એ બીજી વાત છે.

કેટલાક લોકો છે જેઓ આવી બધી વાતોને નર્યા લાગણીવેડા કહીને હસી નાખે છે. આપણે જે સર્જ્યું તેનું ગૌરવ કરવાનું જો આપણી પ્રજાને ન આવડે તો સર્જન માત્રનું કશું મહત્ત્વ રહેશે નહિ. આથી જ તો અમેરિકાની વિદ્યાપીઠોમાં વિદ્યાર્થીઓએ યોગ્ય રીતે જ માગણી કરીને કહ્યું કે અમને ‘ક્રિએટીવ ટિચિંગ’ની જરૂર છે. જે પ્રજા પડઘા ઝીલીને સન્તોષ માને છે. મૌલિકતા પારખવા જેટલી સંવેદનશીલ નથી, ઉછીની વસ્તુને આધારે ટકી રહીને સન્તોષ માને છે ને તે પ્રજા મોડી વહેલી ભુંસાઈ જવાની છે એટલું નક્કી. આપણા સાહિત્યને સત્ત્વશીલ બનાવવું હશે તો આવી ખુમારીવાળા સર્જકોને આપણી વચ્ચે જીવતા કરવા પડશે, ગણતરીબાજ ઠાવકા, ખંધા, પવન જોઈને પીઠ ફેરવનારા લાલચુ, યશ:પ્રાર્થી લહિયાઓથી એવું સાહિત્ય રચાવાનું નથી. પૂર્વ બંગાળના કવિ નઝરૂલ ઇસ્લામની કવિતા આજે યાદ આવે છે. એક વાર એમણે પોતાને ‘આમિ વાયોલેન્સે વાયોલિન’ કહીને ઓળખાવેલા. વિધિની વક્રતા છે કે આજે ફરી હિંસાનું તાંડવ એમની જન્મભૂમિમાં ખેલાઈ રહ્યું છે ત્યારે હિંસાનું તાંડવગાન ગાનારો કોઈ કવિકંઠ ફરી ખૂલશે? જસીમુદીન નામનો બીજો કવિ પણ યાદ આવે છે. લોકભાષામાં રચાયેલી એની કવિતા મેં ખૂબ માણી છે. આ બધી સમૃદ્ધિ સાચવવા બંગાળીઓ ઝઝૂમે છે. આ ભાષા અને સાહિત્યને કારણે ‘બાંગલા દેશ’ને પોતાનું આગવું અસ્તિત્વ ટકાવી રાખવું છે. એને માટે એ ગમે તેવું આકરું મૂલ્ય ચૂકવી આપવા તૈયાર છે, ગુજરાતની ભકિતનાં ગીતો આપણે ત્યાં પણ ગાનારા છે. આપણી સંસ્કારિતા હીનસત્ત્વ બનતી જાય છે. ‘હું હિન્દીમાં લખું ને અંગ્રેજીમાં અનુવાદ કરાવું તો વધારે જાણીતો થાઉં એવી ઘેલછાવાળા લેખકો આપણે ત્યાં પણ છે. એમની નેમ ‘માર્કેટ’ મેળવવાની છે. સાચા સહૃદયો મેળવવાની નથી. સાહિત્યને પ્રજા તરફથી પોષણ નથી મળતું તે આ અર્થમાં, બહુ સૂક્ષ્મ પ્રકારની સેન્સરશીપ ચાલી રહી છે. અમુક લેખકોનું કશું પ્રકાશમાં આવે જ નહીં એવી વ્યવસ્થા થઈ ગઈ છે. જો તમે પૈસાપાત્ર હો, વગ ધરાવતા હો, લોકરુચિ જોડે સમાધાન સ્વીકારી શકો તેમ હો તો તમને સ્વીકારવામાં આવે, પણ તમે એના કશા ચોકઠામાં પૂરાવા ન ઇચ્છતા હો તો તમારે અવ્યકતતાનું ગૌરવ મૂગેમોઢે સ્વીકારી લેવાનું રહે. વિદ્યાપીઠો, સાહિત્ય પરિષદો હોવા છતાં કદાચ એ હોવાને કારણે સવિશેષ આ પરિસ્થિતિ છે. ભદ્રોની ભદ્રતા પાછળ કુત્સિત બર્બરતા ફાલી રહી છે.

License

ઇદમ્ સર્વમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.