બે રાખ

આપણે કહીએ છીએ રાખ, પણ એનું મહત્ત્વ કેટલું વધી જાય છે! સંત પુરુષો ને સતી સ્ત્રીઓ હથેળીમાંથી રાખ ને કંકુ ખેરવે છે. એ જેને મળે તે ધન્ય થઈ જાય. આમ તો તુચ્છ ગણાતી રાખ પછી રક્ષા બને, આધિ વ્યાધિ ઉપાધિથી આપણું રક્ષણ કરે, એને માટે લોકો પડાપડી કરે.

એક બાજુ રાખ અને બીજી બાજુ અણુબોંબની રાખ આ બે વચ્ચે માણસ જીવે છે. એક રક્ષે છે એવી શ્રદ્ધા છે, બીજી અદૃશ્ય રીતે મજ્જા સુધી પહોંચી જઈને કેટલીય પેઢીને સંહારે છે. અનિશ્ચિતતા ને એને પરિણામે પ્રાપ્ત થતી નિશ્ચિતતા માટેના માનવીના પ્રયાસો આખરે શેમાં પરિણમે છે? વિજ્ઞાન બધું નિશ્ચિતપણે ગણિતની ચોકસાઈથી ગોઠવી આપવાની અણી પર હોય છે ને ત્યાં જ અનિશ્ચિતતાનું તત્ત્વ પ્રવેશે છે, પણ અનિશ્ચિતતા જ કદાચ માનવજીવનો પ્રાણવાયુ છે. યંત્રની ચોકસાઈ કે નિશ્ચિતતા માનવીના ગૌરવને ઝાંખું પાડી નાખે છે. આવી નિશ્ચિતતા સામે માનવી પોતે જ બળવો કરે છે. સ્વર્ગ પણ એક પ્રકારની નિશ્ચિતતા માનવીને મન તો હતી. સ્વર્ગ ખોટું ને સાથે નરક પણ ખોટું, આત્માને ખોયા પછી મનોવિજ્ઞાને માનવચિત્તનું પૃથક્કરણ શરૂ કર્યું. સ્વપ્ન, અજાગ્રત મન, સંસ્કાર – આ બધાં ભેગી અનિશ્ચિતતા પાછી આવી. વળી માનવીનાં મનનું રહસ્ય ઘેરું બન્યું. રહસ્ય વિના માનવીને ચાલ્યું નથી. એ જીવનના મુખ્ય રસનું ઊગમસ્થાન છે. તારાઓનાં અંતર આંકડા મૂકીને ચોકસાઈથી માપો, પણ માનવચિત્તમાં વસતી બે લાગણીઓ વચ્ચેની કડી એવી ચોકસાઈથી ગોઠવી શકાશે ખરી?

આદિ માનવના જીવનમાં કેટલાક આગવા રસ હતા, તે આપણે ખોયા છે. ભય અને અનિશ્ચિતતા માનવજીવનને વામણું અને દયાજનક બનાવી દે છે, એવું નથી, માનવી આ બંને સામે ઝૂઝે છે ને પોતાનું જેના પર નિયંત્રણ નથી તેની સામે જ્યારે છાતી કાઢીને માનવી ઝઝૂમતો હોય છે ત્યારે એ પોતાનું ગૌરવ પ્રગટ કરે છે. આત્મા ખોયો, ઈશ્વર ખોયો, મરણને જીવનની પ્રક્રિયાના અનિવાર્ય પરિણામ રૂપે ઓળખી લીધું, વૈકુંઠ ગયું ને નરક ગયું, સીમાડાઓ સંકોચાઈ ગયા, ને વળી માનવીએ અવકાશમાં ઝંપલાવ્યું. માનવી ઈશ્વરને શોધે છે એમ કહેવાં કરતાં અનિશ્ચિતતાને શોધે છે એમ કહેવું કદાચ વધુ સાચું છે. ઈશ્વર પણ અદૃશ્ય હોવાથી, વાસ્તવમાં તો અનિશ્ચિત છે, ને માટે જ ઈશ્વરનું પણ માનવીને આકર્ષણ છે. મરણ નિશ્ચિત છતાં અનિશ્ચિત છે ને એથી જ મરણને માટેની આસક્તિ માનવ સ્વભાવમાં રહી હોય છે.

અનિશ્ચિતતાનું સાહસ બધાંને પરવડતું નથી, આથી માનવીનો મોટો ભાગ તરણાંને બાઝીને ટકી રહેવા મથે છે. છ સાત વર્ષની વાત હશે. સયાજીગંજમાં સખા મહારાજ આવેલા. શ્રાવણ મહિનો, એક મુરબ્બી વકીલ સાહેબ ખૂબ ભાવિક. સાંઈબાબાને માને, સખા મહારાજને માને ને મને કશું માનવાની ઝાઝી મુશ્કેલી. શુભેચ્છક તરીકે એઓ એમ ઇચ્છતા હતા કે હું શ્રદ્ધાળુ બનું તો સારું, મને શ્રદ્ધા છે, પણ તે માનવીના માનવ્યમાં, જો પ્રભુ હશે તો માનવ્ય સિદ્ધ થયા વિના મળવાનો નથી. સખા મહારાજ તો પુરુષવાચક નામ, પણ હતાં તો સિત્તેરની આસપાસના નાગર વિધવા, પોતાને કૃષ્ણ જ માને ને કૃષ્ણની જેમ જ ગોપીઓ જોડે ક્રીડા કરે. સારું હતું કે ક્રીડા બાલકૃષ્ણની જ હતી. એમના હાથમાં લાકડી. સારા ઘરની વહુવારુઓ સાચાં દહીં ને માખણની મટકી મૂકીને ગોળાકારે ફરે, ગીત ગવાતાં જાય. પ્રેક્ષક વર્ગ પણ ખાસ્સો એવો. આ બધી જુવાન વયની સ્ત્રીઓ, કોઈને શેર માટીની ખોટ, કોઈને પતિ વશ નહિ, કશુંક ઝંખનારી સ્ત્રીઓ. પ્રેક્ષકોમાં બધાં જ ભાવિક એવું નહીં. વૃદ્ધાવસ્થાને કારણે જાડા બની ગયેલા અવાજે સખા મહારાજ ગાય ને સ્ત્રીઓ ઝીલે. ત્યાં સખા મહારાજે મટકી ફોડી, માખણના લોંદા નીચે પડ્યા. સ્ત્રીઓનાં અંગો પર પડ્યા, એમનાં અંગ પરથી લઈ લઈને સખા મહારાજે પ્રેક્ષકોમાં ફેંક્યા. જેના અંગ પર પડ્યા તેના પરથી આંગળીએ આંગળીએ સહુ ચાટી ગયા. જેની મટકી ફૂટી, જેનાં અંગ પર માખણ પડ્યું તે ધન્ય થઈ ગયા. પછી તો સખા મહારાજને સત ચઢ્યું, હાથમાંથી કંકુ ખર્યું, ને બધું પૂરું થયું. હમણાં સત્ય સાંઈબાબાની ભસ્મનો આવો જ મહિમા સાંભળ્યો. જેને ભસ્મ મળી તે ધન્ય થઈ ગયા. બીજા એમની પાસેથી ભસ્મ લઈને ધન્ય થયા. આ બધા ભાવિક જનોમાં દાક્તરો, વિજ્ઞાનીઓ, ઇજનેરો બધા જ હોય છે. નહેરુ કહેતા તે સાચું છે. આપણા ભારતવર્ષમાં હજીય ગાયના છાણાનો યુગ ચાલે છે સાથે અણુયુગની એંધાણી વરતાય છે. પણ શ્રદ્ધા કોઈ આંતરિક જરૂરિયાત નથી. નબળા મનને આધાર આપવાને સભાનપણે યોજાતી પ્રવંચના છે. પણ આમ કહેવું તે ભાવિક જનોનો રોષ વહોરી લેવા બરોબર છે.

એથી પ્રેમીઓનાં પણ મન ઊંચાં થઈ જાય છે. ધર્મ (જો ધર્મ આવી રાખમાં સમાતો હોય તો) સાધવાને બદલે તોડે છે. આવા ધર્મોના આશ્રય લેતા માનવીઓ વામણાં લાગે છે. સંતો પણ પોતાની સિદ્ધિઓનો આવો મર્યાદિત ઉપયોગ કરે તો સંતપણું લાજે. સાચા સંત કદી ચમત્કારથી ભૂરકી નાંખતા નથી. આવી શ્રદ્ધાનો આશ્રય લેનારા જે ઉપજાવી કાઢેલી નિશ્ચિતતાને વળગવા જાય તે કસોટીએ ચઢે તો ટકી રહી શકે ખરી? જે કસોટીએ ચઢવા માંગતા જ નથી, શાહમૃગી વૃત્તિ કેળવીને આવાં આશ્વાસનોની રેતીમાં માથું ઢાંકી દે છે તે દીનતા ધારણ કરીને સંતોષ માને છે. આવી દીનતા કદાચ ઈશ્વરના ઐશ્વર્યનું પણ ગૌરવ કરતી નથી.

અણુબોંબની રાખના અદૃશ્ય ભયની છાયા નીચે રહેલો માનવી નાની નાની બેચાર વાસના પૂરી કરવા આ સંત પુરુષની ચમત્કારપ્રસાદી માટે વલખાં મારે એ દૃશ્ય હાસ્યાસ્પદ છે કે કરુણ તે નક્કી કરવું મુશ્કેલ છે. માનવીએ પ્રગતિ કરી છે એમ આપણે કહીએ છીએ. પણ સમયની દૃષ્ટિએ આગળ ધપ્યે જવું તે પ્રગતિ નથી. હિમયુગનો માનવી પણ આપણામાં જ નથી વસતો? જેનું હૃદય કશાથી પીગળતું નથી, જે એની આજુબાજુ માનવીઓને દારુણ યંત્રણા સહન કરતા જોવા છતાં સહેજેય દ્રવી જતો નથી, તે હિમયુગનો માનવી છે, જે માનવીને અન્ન વગર ટળવળતાં જોવા છતાં સંઘરાખોરી આચરે ને કાળાબજાર કરે તે હિમયુગનો માનવી છે. મુંબઈમાં એકાદ લાખની વસતિ તો માનવ વસવાટ માટે સર્વથા અયોગ્ય એવાં ઝૂંપડાંઓમાં ને ફૂટપાથ પર રહે છે, તાપતડકામાં, ટાઢ ને વરસાદમાં, પવન ને આંધીમાં. પંદર પંદર વરસથી ફૂટપાથ પર જ સંસાર ચલાવનારા કુટુમ્બો છે. એવા એક કુટુમ્બમાં દીકરી જન્મી. એનું નામ પાડ્યું ધનલક્ષ્મી. આ યુગમાં લક્ષ્મીનું આસન બદલાયું ને ફૂટપાથનું થયું.

કેવળ જીવ્યે જવાની માનવીમાં અદમ્ય વાસના છે. આથી જ તો એ ગમે તેવા કપરા સંજોગોમાં આશાબન્ધ છોડતો નથી. અપમાન ગળી જાય છે. ગરીબી સહી લે છે, વ્યાધિ સહન કરે છે, ને એ જીવ્યે જાય છે. હિન્દુસ્તાનમાં ભૂખમરાથી માનવીઓ મરે છે ત્યારે અમેરિકામાં અઢળક સંપત્તિના ઢગલા પર બેસીને આ કરુણ પરિસ્થિતિનું પ્રહસન બનાવીને જોવાની મોજ માણવામાં આવે છે. માણસની આ નિર્લજ્જતા ઢાંકવા કોઈ પશુ હવે એનું ખોળિયું આપશે ખરું?

License

ઇદમ્ સર્વમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.