બુદ્ધિવાદી ભીરુ હોઈ શકે? કાર્ય પરત્વે ઉદાસીનતા કે કાયરતા બુદ્ધિવાદીઓમાં ઘણું ખરું દેખાય છે એ સાચી વાત છે? બુદ્ધિવાદી આખરે સામાન્ય માનવી તરફ નફરતની નજરે જોતો થાય છે. એ અસહિષ્ણુ બને છે, વક્રદર્શી બને છે, ને અન્તે નિહિલિસ્ટ (શૂન્યવાદી) બનીને નરી નિરાશા ફેલાવે છે. આ નિરાશાને એ બુદ્ધિના ટેકા આપીને ઊભી કરે છે. આવી પ્રવૃત્તિને કારણે બુદ્ધિવાદી આખરે તો સમાજને માટે ખતરનાક નીવડે છે. આવું પણ કેટલાક કહેતા હોય છે.
આવી જ દશા સર્જકો ને કળાકારોની આપણા સમાજમાં થવા બેઠી છે. હમણાં જ ‘ટાઇમ્સ’ના ત્રીજા અગ્રલેખમાં હળવા કટાક્ષથી કહેવામાં આવ્યું કે કવિઓને એક સ્ટીમરમાં બેસાડી મધદરિયે લઈ જઈ ટોરપેડો મારીને ઉડાવી મૂકવા જોઈએ. આપણી પાસે મહાન પ્રતિભાશાળી કોઈ સર્જક નથી, જે છે તે બધા નાનાં નાનાં છમકલાં કરનારા, એમનો વ્યાપ નાનો. એમની શક્તિ ઓછી ને છતાં પ્રતિષ્ઠા માટેની ભૂખ ઓછી નહીં. એને માટે સમાજ ચંદ્રકો ને ઇનામોની વ્યવસ્થા કરે, એમને આગલી હરોળમાં બેસાડે, એમને સંસ્કૃતિના ઘડવૈયા કહીને બિરદાવે અને આ સર્જકો સંસ્કૃતિના જ ઉપહાસ કરતા હોય. મૂળ વાત તો એ છે કે સંસ્કૃતિવિકાસમાં આખું એક ચક્ર પૂરું કરી રહ્યા બાદ માનવી પાછો આદિકાળની બર્બરતા આગળ આવીને ઊભો છે. લોહી રેડતાં એને અરેરાટી થતી નથી, સંસ્કૃતિનો નાશ કરતાં એ સહેજે ખચકાતો નથી. ફેર એટલો પડ્યો છે કે આદિકાળ કરતાં આ નાશની પ્રવૃતિ ભારે મોટા પ્રમાણમાં ચાલી રહી છે. એને ઢાંકવાની અનેક તરકીબ માનવીએ આ ગાળા દરમ્યાન શોધી કાઢી છે. આપણી પરિમાણને ઓળખવાની વિવેક-શક્તિ જ કુંઠિત થઈ ગઈ છે. લોકશાહીનું એક દૂષણ એ છે કે એ સંખ્યા પર વધુ પડતો વિશ્વાસ મૂકે છે. ઘણાએ સ્વીકાર્યું માટે સત્ય-એવી વ્યાખ્યા સત્ય પર જ જુલમ ગુજારે છે તેનો આપણે ખ્યાલ રાખ્યો નથી. સત્યને શોધવા જેટલી ધીરજ આપણા જમાનામાં નથી. કેવળ તેજ રફતારનો જ આપણને જાણે નશો ચઢ્યો છે. આ ગતિને બતાવવા માટે આપણે આંકડાનો ઉપયોગ કરીએ છીએ. સત્ય આંકડાના કોષ્ટકમાં પુરાઈ ગયું છે.
માનવી સૌથી પહેલાં પોતાની બુદ્ધિ પરથી જ વિશ્વાસ ખોઈ બેઠો છે, બુદ્ધિની ચાલ ધીરી હોય છે. એ વિકલ બનતી નથી, એ ગમે તેવા વિક્ષોભ વચ્ચે સ્વસ્થતા જાળવી રાખે છે. બુદ્ધિના આ ગુણો જ હવે અવગુણો લેખાવા લાગ્યા છે, માનવી વધુ ને વધુ અધીરો બનતો જાય છે, વિક્ષોભ એને લાગણીવશ બનાવી દે છે. ‘ધીરસ્તત્ર ન મુહ્યાતિ’ એવું ગીતાવાક્ય આજે આપણને સદતું નથી, આથી બુદ્ધિને જ હદપાર કરીને માનવી ફરીને આદિકાળમાં હતી તેવી અરાજકતા ઊભી કરવા તરફ ઝૂકતો હોય એવું લાગે છે. બુદ્ધિમાં કાર્યને જોમ આપવા જેટલી ઉષ્મા નથી, એ વન્ધ્ય છે એવું મનાવા લાગ્યું છે, અરાજકતા પોતે જ તુમુલ શક્તિની જનની છે. સત્ય પણ કદાચ અરાજકતાના ખોળે જ ઊછરે છે.
આ પ્રકારની માનસિક ઉગ્રતા અને વ્યગ્રતાએ બુદ્ધિને પાછળ હડસેલી દીધી છે. પશુપંખી બનીને કે વનસ્પતિ બનીને જીવવાનું માનવીને માટે શક્ય નથી. આદિમાનવ લગભગ એ દશામાં જીવતો હતો. માનવીની નિયતિ એ છે કે પૃથક્કરણનો વિષય પણ પોતે છે ને પૃથક્કરણ કરનાર પણ પોતે છે. આ પરિસ્થિતિમાં જ પાયાની અસંગતિ રહેલી છે, બુદ્ધિને જ્યાં જ્યાં કશું કામ સોંપવામાં આવે છે ત્યાં તરત જ સંકુલતામાંથી કશુંક સારવી લેવાની (એબ્સ્ટ્રેક્શન) પ્રવૃત્તિમાં એ પડી જાય છે. જે વિશિષ્ટ છે, તે સમષ્ટિ સુધી પહોંચે તે દરમ્યાન આ પહોંચવાની પ્રક્રિયાથી જ ઘણું બધું ખોઈ બેસે છે, આથી ‘યુનિવર્સલ’થી બધા જ ‘પર્ટીક્યુલર’નો ખુલાસો થઈ શકે નહિ. પણ બુદ્ધિ આ સિવાય બીજી કશી પદ્ધતિએ કામ કરી શકે પણ નહિ. કેવળ વિભાવનાઓનાં ચોકઠાં ઘડવાથી માનવ્યની બધી સંકુલતાઓને આંબી લઈ શકાતી નથી. વિભાવનાઓ ઘડવાની સ્થિતિએ આપણું મન પહોંચે તે પહેલાંની ચેતનાની સ્થિતિ સંકુલ હોય છે તો સમૃદ્ધ પણ હોય છે. વિભાવનાઓ ઘડવાથી વ્યવસ્થાઓ આવે પણ એની પહેલાંની કહેવાતી અરાજકતામાં જે કૌવત હોય છે, સમૃદ્ધિ હોય છે, તેને ભોગે ઘણું ખરું આ વ્યવસ્થા આવતી હોય છે.
માનવી મનના અચેતન અંશ વિશેની શોધોના પરિણામરૂપે પણ બુદ્ધિની પ્રતિષ્ઠાને ધોકો પહોંચ્યો છે. આપણા મનનો ખાસ્સો મોટો પ્રદેશ એવો છે જ્યાં બુદ્ધિનું નિયંત્રણ નથી, ને આ પ્રદેશને બુદ્ધિ નકારી શકે નહિ. કળા સાહિત્ય આ બધાંનાં સર્જનમાં આ પ્રદેશનો જ મોટો ફાળો છે. બુદ્ધિ જે કરી શકે છે તે જીવનની અખિલાઈના પ્રમાણમાં ઘણું ઊણું લાગે છે. જીવન વિશેનાં આત્યંતિક સત્યો આપવાનો દાવો જમાને જમાને જૂઠો પડતો આવ્યો છે. દરેક જમાનો પોતા પૂરતા કેટલાક કામચલાઉ ઉકેલ ઉપજાવી લે છે. આ ઉકેલની મીમાંસા ચાલુ હોય છે એ દરમ્યાન જમાનો આગળ વધી ગયો હોય છે. પછી એને આગલા જમાનાના ઉકેલ કે એની મીમાંસામાં ઝાઝો રસ રહ્યો હોતો નથી, આથી પણ બુદ્ધિની પ્રવૃત્તિ નર્યા વ્યાયામ જેવી લાગવાનો સમ્ભવ રહે છે.
માનવી વિદગ્ધતાની એવી કક્ષાએ પહોંચી ચૂક્યો છે કે સહજ સરળ એવી જીવનરીતિ એને માટે હવે શક્ય રહી નથી. વિદગ્ધની બર્બરતા એ એવો તો વિરોધાભાસ છે જે બુદ્ધિની વ્યવસ્થા નીચે એકદમ આવી જાય એમ નથી. વિદગ્ધતાને ખંખેરી નાખીને અરાજકતાને શરણે જવું? આમાં જ હાર રહેલી છે. ને એવી હાર સ્વીકારતાં આપણું અભિમાન છંછેડાય છે, વિફરી ઊઠે છે. આથી બીજી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. અરાજકતાને શરણે જવાથી માનવી દુર્દમ્ય આવેગોને સ્વીકારી લે છે. આ આવેગો એની અભિલાષા ને મહત્ત્વાકાંક્ષાને અતિશયોક્ત રૂપે બહેકાવી મૂકે છે. આથી હિટલર અને સ્તાલિન પાકે છે. માનવીને લોહિયાળ ક્રાન્તિનો નશો ચઢે છે. એ નશો ઊતરે છે ત્યારે આત્મઘાત સિવાય કશો આરો રહેતો નથી.
આમ આખરે તો નિરાશાનું ધુમ્મસ છવાતું જાય છે. સત્દર્શનમાં એ અંતરાયરૂપ બને છે. સ્વસ્થપણે બુદ્ધિ વ્યાપારશીલ બને, તારતમ્યનો વિવેક જાગૃત રહે, આ કે તે વાદે ગજવેલા ઘમસાણમાં સત્યનો ભોગ નહિ આપી દેવાય – આ જોવાની જવાબદારી કોની? કૃત્રિમ રીતે ઊભી થયેલી સમસ્યાઓ માનવશક્તિનો મોટો ભોગ લઈ લે છે. રાજકારણ મોટે ભાગે આવા પ્રશ્નોમાં જ અટવાતું રહે છે. શાસનનો દંડ ને સત્યની આણ બે વચ્ચે ધ્રુવ જેટલું અંતર પડી જાય છે ને એની વચ્ચે માનવી રહેંસાઈ જાય છે. એક બાજુથી વ્યક્તિનો લોપ ને સમષ્ટિનું હિત તો બીજી બાજુથી વિભૂતિપૂજા – આ અનિષ્ટમાંથી માનવી ઊગરી શક્યો નથી. સ્તાલિન કે માઓત્સે તુંગની પૂજા ગમે તેવા કટ્ટર ધામિર્કોની ઘેલછાને પણ ભુલાવે એવા સ્વરૂપે આજે દેખાતી નથી? ઈશ્વરને ખભેથી ઊતરીને માણસ વિભૂતિના ખોળામાં બેસે તો એ પોતાના પગ પર ઊભા રહેતાં શીખી ગયો એવું તો કહી ન શકાય. પશુના જેવો ચતુષ્પાદ આદિમાનવ કેટલાંય વર્ષોના પરિશ્રમ પછી બે હાથ ઊંચા કરીને ઊભો થયો. આ ઊર્ધ્વબાહુ માનવ આજે ફરી કીટ બનીને દરમાં ભરાઈ જવા ઇચ્છે છે. એક અમેરિકાવાસી ધનાઢ્યે દરિયાની નીચે બખોલમાં મહેલ બંધાવીને રહેવાનો મનસૂબો ઘડ્યો કારણ કે હવે પૃથ્વીની સપાટી પર રહેવું એટમબોંબને કારણે ખતરનાક બની ગયું છે. માનવીની સંહાર કરવાની ઘેલછા જ માનવીને પૃથ્વીના પેટાળમાં રહેલા અન્ધકાર તરફ ધકેલી રહી છે. માનવીને ધર્મથી બચાવી શકાય, ઈશ્વરથી બચાવી શકાય, પણ માનવીને માનવીથી શી રીતે બચાવી શકાશે? આ પ્રશ્નનો જવાબ માનવીએ શોધવાનો રહેશે.