દોસ્તોએવ્સ્કીએ ઓગણીસમી સદીને ‘ધ નેગેટિવ સેન્ચ્યુરી’ કહીને ઓળખાવેલી. વીસમી સદીને માટે આવાં ઘણાં વિશેષણો યોજાતાં આવે છે. અણુયુગની વાત પણ જૂની થઈ. અવકાશયાનનો યુગ એવું કહેવાતું પણ સાંભળ્યું. કેટલાકને મતે આ સદી તે યુદ્ધની પરંપરાને કારણે ઓળખાતી સદી છે. યુદ્ધની જામગરી સદા સળગતી રહે છે. ક્યાંક એકાએક ભડકો થઈ ઊઠે છે. પણ યંત્રવિદ્યાનો વિકાસ એય મહત્ત્વની ઘટના છે. આથી આ યુગ ટૅકનોલોજીનો છે એમ પણ કહેવાય છે. આ યુગનો માનવી કેવો છે? માનવીની છબી કેવી અંકાતી આવી છે? સોલ બેલો નામના અમેરિકી નવલકથાકારે એને ‘ધ ડેન્ગ્લીંગ મૅન’ નામની એની નવલકથામાં આ વિશેપણથી ઓળખાવ્યો છે. આપણે ત્યાં પણ ત્રિશંકુ તો હતો. આ ઉપરાંત ‘ચહેરા વગરનો માનવી’, ‘પરાળનો બનેલો માનવી’, ‘ પોકળ માનવી’, ‘એકલવાયો માનવી’, ‘છંછેડાયેલો માનવી’, ‘ફેંકાઈ ગયેલો માનવી’ આવાં અનેક વિશેષણો માનવીના માટે વપરાયાં છે. આ ઉપરાંત વ્યવસ્થાતન્ત્રનો સંચાલક માનવી ‘ઓરગેનાઇઝેશન મૅન’ ને ‘ફંક્શનલ મૅન’ એવી સંજ્ઞાઓ પણ આપણે સાંભળીએ છીએ. આપણા એશિયા ખણ્ડનો માનવી તો ભૂખ્યો માનવી છે. આફ્રિકાનો શોષિત માનવી છે. આ બધા માનવીમાં આખરે ભવિષ્યની પ્રજા આપણી સદીના માનવીને કંઈ સંજ્ઞાથી ઓળખશે?
સંસ્કૃતિઓ નાશ પામે છે, નગરો દટાઈ જાય છે. પછી સૈકાઓ બાદ પુરાતત્ત્વવિદ આવીને ટેકરાઓ ખોદે છે ને ત્યારે અવશેષરૂપે મળી આવે છે થોડાંક પાત્રો, થોડાક અલંકારો, થોડાંક રમકડાંઓ; આપણી સંસ્કૃતિના કાટમાળમાંથી શું નીકળશે? યન્ત્રનાં હાડપંજિરો? આપણી સદીમાં નવાં સ્થાપત્યોની ખાસ રચના થઈ નથી, કળાના અવશેષો કેટલા જળવાઈ રહેશે એ પ્રશ્ન છે. ગયા યુદ્ધમાં તો પેરિસ તથા એમાંના કળાભંડારોને બચાવી લેવાયા, પણ ફલોરેન્સમાં રેલ આવી ત્યારે ત્યાંનાં દેવળોમાંનાં કેટલાંક સુન્દર દીવાલચિત્રો ને અન્ય કળાકૃતિઓ ધોવાઈ ગયાં, ભવિષ્યમાં આપણાં નગરો દટાઈ જશે અને કોઈને આપણું જડબું હાથમાં આવશે તો એને આધારે આપણી આખી આકૃતિ, આપણા અનુગામીઓ ઊભી કરી શકશે ખરા?
માઇકેલ હેરિંગ્ટને એના પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ સેન્ચ્યુરી’માં વીસમી સદીને આકસ્મિક કહીને ઓળખાવી છે. એમાં એણે એવું ચોકાવનારું વિધાન કર્યું છે કે અર્વાચીન ટેકનોલોજીની અસાધારણ કાર્યદક્ષતા નરી આકસ્મિક વસ્તુ છે. માનવજીવનમાં આવેલું પરિવર્તન પણ એવું આકસ્મિક છે. માણસની પોતાને વિશેની અભિજ્ઞતા ઝાંખી પડતી જાય છે એવું એણે દર્શાવ્યું છે. આ વિધાનના સમર્થનમાં હેરિંગ્ટને નવલકથાકારો, ફિલસૂફો, સમાજવિજ્ઞાનીઓ, કવિઓ અને થોડાક અર્થશાસ્ત્રીઓની મદદ લીધી છે. સમાજ અને સમાજમાં વસતા સમૂહો વચ્ચેનો વિચ્છેદ કેવી કરુણતા નિપજાવે છે!
આ વિચારકો જે બની રહ્યું હતું ને જેની સંભાવના હતી તેને સ્પષ્ટ જોઈ શક્યા હતા, ને એ ભારે ક્રાન્તિકારક હતું. માનવ અસ્તિત્વને અમુક કર્તવ્યો ને વર્ગીકરણના ખાનામાં વહેંચી નાંખવામાં આવ્યું છે જેથી એનું મૂલ્ય કાઢી શકાય, એનું માપ કાઢી શકાય ને એને સંખ્યાના કોષ્ટકના ચોકઠામાં બંધ બેસાડી શકાય. આદિમાનવમાં રહેલી કેટલીક પાયાની વૃત્તિઓ ને મૂળભૂત આવેગો એક વાર માનવીને પ્રકૃતિ જોડે સાંકળી રાખતા હતા. હવે સંબંધનાં સૂત્ર છેદાઈ ગયાં છે. માનવીએ બુદ્ધિનો વિકાસ કરીને નવાં શિખરો સર કરવાનો પ્રયત્ન કર્યો છે ને એમ કરવા જતાં કેટલીક વાર માનવનો સુધ્ધાં ભોગ આપ્યો છે. માનવી વાસ્તવિકતાને નરી બુદ્ધિ દ્વારા ખોળવા મથ્યો. આ પ્રયત્ન નિષ્ફળ જવા માટે જ નિર્માયો હતો ને આખરે નિષ્ફળ જ ગયો. આ વાત દોસ્તોએવ્સકી, એલિયટ, જોય્સ, માલરો વગેરેની કેળવાયેલી સંવેદના દ્વારા પ્રકટ થઈ છે.
માનવીમાં આવેલું આ પરિવર્તન નર્યું આકસ્મિક ગણી શકાશે? સમાજમાં એવું કશુ નહોતું જેણે ટેકનોલોજીના વિકાસને આજનું રૂપ આપ્યું છે. આ બળને નાથવાનું કે બીજી બાજુ ફંટાવી દેવાનું મુશ્કેલ બની ગયું છે એવું નથી? આ પહેલાંની ટેકનોલોજીનું ક્ષેત્ર મર્યાદિત હતું. એ યુદ્ધ, મનોરંજન અને જાદુ પૂરતું મર્યાદિત હતું. ટેકનોલોજીનો વિકાસ અણસરખો થતો રહ્યો છે, ને તેથી જ કદાચ એને આકસ્મિક ગણી લેવાયો હોય. ટેકનોલોજીએ માનવીના પરિવેશને તથા એની વિચારણાને ધરમૂળથી પલટી નાંખ્યાં. શહેરો વસ્યાં ને જોતજોતામાં તો ગંદા વસવાટોથી ખદબદી ઊઠ્યાં, રોગચાળાનું પણ એ ધામ બની રહ્યાં. શહેરોની આજુબાજુનો વિસ્તાર પણ વણસતો ગયો. યન્ત્રને કારણે પરમ્પરાગત કસબ નાશ પામતા ગયા ને કસબીઓ સમાજના ભંગારમાં ફેંકાઈ ગયા, આથિર્ક દૃષ્ટિએ પણ એમની દશા બેઠી. પ્રાકૃતિક સામગ્રી પણ કોઈના હાથમાં સીધી પહોંચે એવું રહ્યું નહીં, એને માટે ભારે અટપટી યોજનાઓ રચાઈ. માનવી યન્ત્રને ફોસલાવી પટાવીને વધુ ને વધુ ઉત્પાદન કરાવનાર કારીગર માત્ર બની રહ્યો. વધુ ને વધુ જથ્થામાં માલ તૈયાર થવા લાગ્યો. શોધખોળનો આ દૃષ્ટિએ જ ઉપયોગ થતો રહ્યો. આ નવી પરિસ્થિતિએ જે દિશા લીધી ને એણે જે જોર પકડ્યું તેને ભાગ્યે જ આકસ્મિક કહી શકાય.
આ બળને વારવાના પ્રયત્નો કારગત નીવડ્યા નથી. ટેકનોલોજી આમ તો એક પ્રકારનો કસબ જ છે, પણ એણે માનવીની મહત્ત્વાકાંક્ષાને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ મહત્ત્વાકાંક્ષાએ એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે થોડા માણસોની મોટા સમૂહને કાબૂમાં રાખવાની શક્તિ વધતી રહી છે. ઘણા બધા માણસો કશા અર્થ વગરનું ને પ્રયોજન વગરનું કામ ઢસડવામાં સંડોવાયા હોય છે. યંત્રોની ચાંપ દબાવનારના હાથમાં માનવીનું ભાવિ જઈ પડ્યું છે, આમ છતાં યંત્રે યોજેલી પરિસ્થિતિને પરિણામે આપણે નરી કાર્યસાધકતાની દૃષ્ટિએ જ માત્ર વિચાર કરી શકીએ તેમ છીએ. અંતરાત્માને સ્થાને ગણિતની પ્રતિષ્ઠા ર્ક્યા પછી વિજેતા તો કાર્યસાધક આચાર જ બની રહે તે દેખીતું છે.
બીજાના પર અંકુશ રાખવાને માટેની કેટલીય યોજનાઓ ઘડાય છે. એમાં ઇજનેરો, વિજ્ઞાનીઓ, તન્ત્રચાલકો, કોમ્પ્યુટરના નિષ્ણાતો ને સહકારી મંડળીઓના શરાફો ભેગા મળીને કામ કરી રહ્યા છે. માનવીના જીવનમાં શાં પરિણામો આવે તેની વિચારણા કાર્યદક્ષતાના લાભમાં એમને જતી જ કરવી પડે છે, વળી દુર્ભાગ્યે માનવીઓ યન્ત્ર જેટલા વિશ્વાસપાત્ર નથી પણ કદાચ માનવીની મુક્તિ પણ એમાં જ રહી છે. એની નહીં ગાંઠે એવી સ્વભાવગત સંકુલતા આ કાર્યદક્ષતાના પૂજારીઓને મૂઝવી નાખશે એવી આશા રહે છે.
આ આશાવાદ નવા માનવસમાજની રચના કરવા આપણને પ્રેરી શકશે? સભ્ય ગણાતા અર્વાચીન માનવસમાજમાં ટેકનોલોજી ને એના ઉત્પાદનની માલિકી સામૂહિક સ્વરૂપની હોવી ઘટે. વ્યક્તિને પોતાનો વિકલ્પ પસંદ કરવાની સ્વતન્ત્રતા હોવી ઘટે. આ રીતે સત્તા તથા સામર્થ્ય ટેકનોલોજીનો જવાબદારીભરી રીતે વિનિયોગ કરવામાં દોરવણી આપી શકે એવા મૂલ્યબોધમાં પરિવર્તન પામે એવું નીપજી આવવું જોઈએ.
આ બુદ્ધિમાં ઊતરે એવી વાત છે એની ના નહીં. ટેક્નોલોજીના આવિર્ભાવને સિદ્ધ કરવામાં જે યાતના માનવીએ ભોગવી છે તે એના વિજયને ઊજવવાનો ઉત્સાહ મારી નાખે તે દેખીતું જ છે. આજે માનવીએ પોતાના સિવાય પોતાની આજુબાજુ બધાંમાં ક્રાન્તિ લાવી દીધી છે. માનવીની નિર્વૈયક્તિક બનાવી દીધેલી વાસનાઓ કેવળ ઠાલાપણાની દિશામાં જ ધકેલી દે તે દેખીતું છે. એક વ્યક્તિ તરીકે કશીક ઇચ્છાવાસના રાખવાનો એને ઉત્સાહ થવો જોઈએ. આત્મતુષ્ટિનું શૂન્ય તે માનવીનું વૈકુણ્ઠ નથી. આપણા જમાનાના કેટલાક વાચાળ વિચારકો એમને બોલવાની તક સાંપડે એટલા ખાતર કેટલીક સમસ્યાઓ શોધી કાઢે છે, પણ આપણી સમસ્યાઓ તો એ સ્વરૂપની નથી. એનાં પરિણામો સહન કરનાર એને નકારી શકે જ નહીં. આ સમસ્યાઓ નરી સાચી અને પ્રચણ્ડકાય છે. એને પહોંચી વળવા માટે આપણે સારી પેઠે બુદ્ધિને કસવી પડે તેમ છે. આ અર્થમાં કદાચ એક પ્રજા લેખે આપણો ઝાઝો વિકાસ થયો નથી. પરમ્પરાપ્રાપ્ત મૂલ્યોની ટેકણલાકડી ઝાલીને આપણે વિકસિત દેશોની સાથે દોડમાં ઊતરી શકીએ નહીં. ક્રાન્તિને હજી અવકાશ છે, ને માનવી યંત્ર બની જાય તે પહેલાં એ ક્રાન્તિનો અંગદ કૂદકો મારવાનો છેલ્લો યત્ન કરી લે તેની જ જાણે હવે રાહ જોવાઈ રહી છે. કદાચ ક્રાન્તિ – સાચી ક્રાન્તિ હવે આવશે ને એના વિના આપણો જયવારો નથી.