આપણું મન એક ખતરનાક વસ્તુ છે, ચારે બાજુ હવાઉજાસ છે, મોકળો અવકાશ છે, બધું પ્રસન્નતાભર્યું લાગે છે. એકાએક મનને કોણ જાણે શું થઈ જાય છે? બાજુની દીવાલો જાણે ચાલવા માંડે છે, મારા પર ધસી આવે છે. હવાની લહરી પણ પાતળા પોલાદના પડ જેવી બની જાય છે. આકાશ દેખાતું બંધ થાય છે. આંખમાં પ્રકાશ આદિવાસીઓનાં ઝેર પાયેલાં બાણની અણીની જેમ પ્રવેશે છે. ઘડી પહેલાં આંગળી ચીંધીને બધી ઓળખાણ આપી શકાતી હતી. હવે જાણે કશું પરિચિત નથી, પરિચિતઅપરિચિતના ભેદની પણ ખબર નથી. એવી ક્ષણે આપણા રક્ષણ માટે ઊભી કરેલી ‘હું’ની દીવાલ તૂટી પડે છે. બધું આપણા પર ધસી આવે છે અને આપણે બુદ્બુદની જેમ ખોવાઈ જઈએ છીએ. પછી પાછા સપાટી પર શી રીતે આવ્યા, બધું ઓળખી શી રીતે લીધું અને પરિવેશ વચ્ચે વ્યવસ્થિત બનીને શી રીતે ગોઠવાઈ ગયા તેની ખબર પડતી નથી. એટલું સારું છે કે એને માટે શ્રમ કરવો પડતો નથી, આ બધું મનમાં ચાલે છે. બહાર તો કોઈ વાર આંખમાં ભયનો અણસારો દેખાય કે વિના કારણે શરીર ધ્રૂજી ઊઠે એટલું જ દેખાય. પણ એ દરમિયાન મનમાં તો શુંનું શું થઈ જતું હોય છે!
મને આવી વાત કોઈ આગળ કરવાની ટેવ નથી, પણ અજાણતાં કે અસાવધપણે જો કહેવાઈ જાય તો સૂફિયાણી સલાહ સાંભળવા મળે : ભાઈ આનું જ નામ તો જિન્દગી છે! એમ હિંમત હારીએ તે કેમ ચાલે? મન મજબૂત રાખવું, નફફટ થઈને જીવવું. આ ‘હિંમત’ શબ્દ બહુ વાર સાંભળું છું. એવો જ બીજો શબ્દ છે. ‘નિર્ભીકતા’. મર્યાદિત ક્ષેત્રમાં આ શબ્દનો ઉપયોગ હું સમજી શકું છું. પણ જ્યાં બહાર કારણ નથી, જે છે તે બધું અકળ રીતે જ ઊભું થતું હોય છે, ત્યાં તમે કયા સાધનથી ઝૂઝશો? માંદગી આવી હોય તો ઘણા દિવસ પથારીમાં કાઢ્યા પછી ધીરજ ખૂટી હોય. ત્યારે દાક્તર કહે : ‘હિંમત રાખો. હવે થોડા દિવસમાં તો ફરતા થઈ જશો.’ એ હિંમત જુદા પ્રકારની છે, પણ મન પોતે પ્રલય કરે, જેનું કશું કારણ નહીં. ત્યાં શી હિંમત કામ આવે? કદાચ હિંમતનો સાચો અર્થ જ આ છે. ગજા બહારનું શક્ય બનશે એવી આશા રાખવી, જે તમારી શક્તિની મર્યાદામાં છે તેમાં હિમ્મતની શી જરૂર? એમાં તો તમે ખંતથી ધીરજથી નિશ્ચયને વળગી રહો એટલે બસ. પણ આપણે મિત્રો વચ્ચે બેઠા હોઈએ, હજુ તો આગલી ક્ષણ સુધી આપણે ટોળટિખ્ખળમાં ભાગ લેતા હતા અને એની પછીની ક્ષણે એ માણસો, એમની પરિચિતતા, એ આખો સન્દર્ભ હવામાં બળેલા કાગળની જેમ ઊડી જાય તો કઈ હિંમત કામમાં આવે? એ બધું આમ સહેજમાં ઊડી જાય છે એનું જો ભાન ન રહેતું હોય તોય દુ:ખ નહીં પણ આ તો બંને સ્થિતિનું એક સાથે ભાન રહે. એકમાંથી બીજી સ્થિતિમાં જવાને માટે ઉત્કટ ઝંખના થાય. અવકાશમાં એક યાનમાંથી બીજા યાનમાં જવાનો પ્રયત્ન કરનાર અવકાશયાત્રી બે યાનની વચ્ચે લટકતો રહી જાય, એના જેવી એ દશા છે. એનું વર્ણન કરવાથી શું? કેટલાક એમ કહે છે કે આવી સ્થિતિનું વર્ણન કરવું, એ વિશે કલ્પનાને દોડાવવી એ જ બધાં દુ:ખનું કારણ છે. પણ દુ:ખની આ વાત જ ક્યાં છે? સુખદુ:ખથી બીજી જ કશી આ અવસ્થા છે. લાભ ગેરલાભનો પ્રશ્ન નથી. એક પ્રચણ્ડ ઝોલો આવે છે ને જાણે આપણે અસ્તિને છેડેથી સાવ બીજે જ છેડે નાસ્તિમાં ધકેલાઈ જઈએ છીએ. પછી પાછો બીજો એવો જ ઝોલો આવે તેની રાહ જોવાની રહે છે.
આથી તો કહું છું કે નિર્ભીકતા, હિંમત, ધીરજ એ બધું તો હું સમજું છું. દમ જેવા રોગમાં શ્વાસ રૂંધાય ત્યારે આ બધું કેળવું છું. એવી જ પળે મનને વધુ ક્રિયાશીલ બનાવીને કાંઈક લખવાનો પણ આગ્રહ રાખું છું. પણ આ પરિસ્થિતિ જુદી છે. આમ છતાં મને અવશ્ય સાધારણ લોકોની અદેખાઈ નથી આવતી. નાનીસરખી વાતોમાં, રોજ-બ-રોજની ઘટનાઓમાં એઓ જીવ પરોવી રાખે છે. એમનો જીવ એ બધામાં બરાબર પરોવાઈ જઈ શકે એવો છે. સહીસલામતીની એ લોકો વાડ બાંધી લે છે, ને એમાં જાતે હોંશથી પુરાઈને જીવે છે. મને લાગે છે કે દરેક અનુભવ એની પાછળ રહેલી ઉત્કટતાની માત્રામાં આપણે જેને ખતરનાક કહીએ છીએ તેને સીમાડે ખેંચી લઈ જાય છે. વયનું વધવું, અવસ્થા બદલાવી, આ કશાથી કશો ફેર પડતો નથી, તીવ્રતા વધતી જાય છે.
આને પરિણામે ધીમે ધીમે એક પ્રકારની નિ:સંગતા, નિર્જનતા ચારે બાજુથી ઘેરી વળે છે. બધું તો યથાવત્ ચાલતું રહે છે. માણસને આ શક્તિ આપીને ભગવાને ભારે જુલમ કર્યો છે. એકી સાથે એને કેટલાં સ્તર પર જીવવું પડે છે! પ્રતિકૂળ આબોહવા સામે ટકી રહેવાની માણસની શક્તિ ગમે તેટલી હોય, એના મનના ઉધામા સામે ટકી રહેવાની એની શક્તિ કેટલી છે? સંવેદનશીલતા એ જ ભારે ખતરનાક વસ્તુ છે અને જો એ નથી હોતી તો જીવનનો કશો અર્થ રહેતો નથી, માનવીનું માનવીપણું પણ રહેતું નથી. એનો અર્થ એવો નથી કે આપણને ખ્યાલોની દુનિયામાં જ રહેવાની છૂટ છે. દરરોજની વાસ્તવિકતાનો પણ આપણા પર હક છે. એકી સાથે બીજી અનેક વસ્તુના વિચાર પણ આપણે કરતા હોઈએ છીએ. મારા મનમાં આ વિચારો ચાલે છે ત્યારે જ કોઈક એપોલો-10ની ચન્દ્રયાત્રા વિશે બોલી રહ્યું છે, ગરીબ દેશો ભૂખે મરતા હોય ત્યારે એમને અન્નવસ્ત્ર આપવાને બદલે ચન્દ્ર તરફ દોટ મૂકવી એ ગાંડપણ નથી? ચન્દ્ર જોડે આપણે ગાંડપણને જ સાંકળ્યું છે. કવિતાને નિરર્થક મિથ્યા પ્રવૃત્તિ ગણનારા એક મુરબ્બી કહે છે : ‘તો હવે ચન્દ્ર વિશે શું લખશો? ચન્દ્રમુખીની શી દશા થશે? જો કદાચ કોઈ કવિ હજી ઘેલો બનીને પ્રેયસીને ચન્દ્રમુખી કહેશે તો એની પ્રેયસી ચન્દ્રનો ફોટો ચીંધીને કહેશે : ‘શું મારે મોંઢે શીળીનાં ચાઠાં છે? ખીલ છે? હું એવી કદરૂપી છું?’ હું જવાબમાં કહું છું ‘એ ચન્દ્ર ખગોળનો ચન્દ્ર નથી, એ તો એની મનની સૃષ્ટિનો ચન્દ્ર છે’, એથી કાંઈ એમને સન્તોષ થયો નથી. આથી તો મને કવિતાની વાત ઝાઝી કહેવાની ગમતી નથી. તોય મેં એમના સન્તોષ માટે કહ્યું : ‘આયુર્વેદમાં ક્ષયના રોગીની છાતીને ચન્દ્ર જોડે સરખાવી છે’, એટલે એમણે કહ્યું : ‘હા, શાસ્ત્રની વાત જ જુદી, કવિતામાં તો નર્યું ગાંડપણ.’
દેશની સ્થિતિની બધા ચિન્તા કરે છે. મને હસવું આવે છે. હુંય કંટાળીને કહી દઉં છું : ‘તમે શું કરવા ચિન્તા કરો છો? આ દેશમાં તો સત્ય સાંઈબાબા જેવી અનેક વિભૂતિઓ છે. એમના પ્રતાપે આપણને કશું નહીં થાય. એમણે છાપામાં વાંચેલું ફરી ઉચ્ચાર્યું, ‘તો પછી એમણે અપંગોને દર્શન કેમ આપ્યાં નહીં?’ મેં કહ્યું : ‘એટલા એમનાં પુણ્ય ઓછાં! પુણ્ય ઓછાં હશે ત્યારે જ અપંગ થયા હશે ને!’
કેટલાક લોકો આ કારણે નર્યા સુખવાદી થઈ જાય છે. જેટલું માણ્યું તેટલું સાચું એમ માનીને જીવે છે. જોકે આમ કરતાં પહેલાં હૃદય, અન્તરાત્મા એ બધું મારી નાખવું પડે છે. પોતાને સદા સુખના ઘેનમાં રાખવાની જવાબદારી એમને માથે આવી પડે છે. વળી સાથે પૈસા પણ જોઈએ. પણ એક વાર સાધનશુદ્ધિનો આગ્રહ છોડ્યો પછી પૈસાની મુશ્કેલી નહીં રહે. પણ એવા લોકોને જોઈને જુગુપ્સા થાય છે. કીટના જેવી એમની જિન્દગી હોય છે. નરી બુભુક્ષા સિવાય બીજું કશું એઓ જાણતા નથી. એઓ એમની રીતે પોતાને કુશળ ગણતા હોય છે. આ વર્ગના લોકોને સુખ અને ધનના સંચયનું વ્યસન પડી જાય છે. એમાંના એકની કુશળતાનો કિસ્સો એમણે આનન્દપૂર્વક કહી સંભળાવ્યો. વાત હતી કાળું નાણું ધોળું કરવાની. એક કાળા બજારના કરોડાધિપતિને ચિંતા થઈ, કાળું નાણું ધોળું શી રીતે કરવું? ભગવાન મદદે આવ્યા. ભગવાન વિના લક્ષ્મીનો ઉદ્ધાર કોણ કરે? એ શ્રીમાને લાખ્ખોના ખરચે મન્દિર બંધાવ્યું. ઉદાર ધામિર્ક ગણાયા. મન્દિરમાં થોડો પગાર આપીને પૂજારી રોક્યો. આ તો બધું કાયદેસરનું જ ગણાય. મન્દિરમાં ભેટ ચઢે. પહેલે દિવસે તો મૂતિર્ની પ્રાણપ્રતિષ્ઠા થઈ એટલી ભાવિકોએ બે અઢી હજાર રૂપિયા ચઢાવ્યા. એટલી લક્ષ્મી ઊજળી થઈ. આમ દરરોજ થોડી થોડી લક્ષ્મી ઊજળી ઊજળી થતી જાય છે. ભગવાનની લીલા છે. મન્દિરની પ્રશંસા થાય છે. ધર્મનો મહિમા ગવાય છે. ભગવાનના પર પણ એમણે લક્ષ્મીને ઊજળી કરીને ઉપકાર કર્યો છે.
આમ બળબળતો વૈશાખ પૂરો થયો. જેઠ શરૂ થઈ ચૂક્યો. રાતે ઘામ થાય છે. વાતાવરણમાં રૂંધામણ છે. દુ:સ્વપ્નો ફાલે એવી જ આબોહવા છે. રાતે જાગીને ચન્દ્ર જોવાની ઘેલછા પરવડે એમ નથી, અનિદ્રાથી બળતી આંખોને સૂર્ય વધારે બાળવાનો જ છે. પાણી અમૃત છે. ભદ્ર લોકો ‘કોલ્ડ બીયર’ની વાતો કરે છે. નાના બાળકની જેમ બરફનો ગોળો ખાવાનું મન થઈ જાય છે. પણ ઠાવકાપણું ના પાડે. જેઠ અને આષાઢ વચ્ચેનું અન્તર કપરું છે, કસોટી કરી નાખે એવું.