કૃતક જીવનશૈલી

જે સમાજમાં લોકો એટલા તો વિચારહીન અને લાગણીહીન બની જાય કે નર્યા સુખને જ જીવનનું એકમાત્ર લક્ષ્ય ગણી બેસે તે સમાજને માથે આફત ઊતરે એટલું નક્કી. કોઈ પણ પ્રજાના સાંસ્કૃતિક વિકાસમાં થોડા પ્રમાણમાં દુ:ખ અને કઠિનતા અનિવાર્ય થઈ પડે છે. નરી સુખને માટેની ઝંખના ઘણી આફત નોતરી બેસે છે. સુખ સુખ આગળ અટકે છે. એ આગળની કશી દિશા ચીંધતું નથી. ને માણસ નવી ક્ષિતિજોની શોધનો અજંપો લઇને જન્મ્યો હોય છે, આથી દિશાશોધ, ધોરણોનો સ્વીકાર, વિચારણા કે સર્જકતા આ પૈકીના કશાની એમાં આવશ્યકતા રહેતી નથી.

એની અવેજીમાં કૃતક ચંતિનને મૂકીએ તોય પરિણામ ભાગ્યે જ સારું આવે. મનની શાન્તિ, આત્મા, આધ્યાત્મિકતા, ચિન્તામુક્તિ – આ બધાં વિશે વિચારવાનો ડોળ કરીને આખરે તો સુખ કેમ મળે એનો જ વિચાર કરતા રહેવાથી પણ કાંઈ વળે નહીં. પ્રેમ સાહજિક છે, પરોપકારની વૃત્તિ આપણામાં જન્મજાત છે. સ્ત્રીનું આકર્ષણ કુદરતી રીતે જ આપણામાં પ્રબળ છે એમ કહેવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે એમ માનવું પણ ભ્રમણા છે. જો માનવીઓ વિચારે નહીં, કેવળ ચિંતા કરે, મુગ્ધ બને કે કશીક આન્તરિક વિક્ષોભની સ્થિતિમાં સતત રચ્યાપચ્યા રહે તો એથી ક્યાંય પહોંચી શકે નહીં કે કશું સિદ્ધ કરી શકે નહીં.

આજકાલ રેડિયો, સિનેમા, નાટક, મનોરંજન કે ભેદભરમની જાસૂસીકથાઓ, અશ્લીલ સાહિત્ય આ બધા સામૂહિક મનોરંજનના પ્રકારો જોવામાં આવે છે, આખરે એનો ઉદ્દેશ શો છે? એના બે પ્રકટ ઉદ્દેશ બતાવી શકાય. લોકોને પોતાના સામાજિક મોભા વિશે વધારે સભાન બનાવી સદા ઉશ્કેરાયલા ને અસન્તોષી રાખવા ને પછી એ વિક્ષોભનું શમન કરવા જુદી તરકીબો યોજવી, જો મામલો વધારે ગમ્ભીર બને તો ‘ફ્રન્ટલ લોબોટોમી’ની શસ્ત્રંક્રિયાનો પણ આશ્રય લેવો, આ જ રીતે યુદ્ધ, લોહી રેડવું, હંસિકતાને ઉશ્કેરે એવું કરવું ને પછી એને શાન્ત પાડવા માટે એની અવેજીમાં સન્તોષ આપે એવું કશુંક શોધીને પરપીડક વૃત્તિને ઉત્તેજવી, કામવાસનાને બહેકાવે એવાં સાધનો ઊભાં કરવાં ને પછી વન્ધ્યત્વ લાવવાનાં સાધનો શોધવાં, માનવીની આ પ્રવૃતિ હાસ્યાસ્પદ નથી લાગતી?

સિનેમાની પટકથા અને મનોરંજનની મદનકથાના સુખાન્ત, બાળપણમાં લાગેલા આઘાતમાં સ્વભાવની વિકૃતિનાં મૂળ જોવાની વૃત્તિ ને એને મનોવૈજ્ઞાનિક ઉપચારના અર્વાચીન જાદુથી મટાડી દેવાનો ઉત્સાહ, અત્યંત થાકી ગયેલા મનને ઉત્સાહિત કરવા નરી કપોલકલ્પિત કથાઓ, નપુંસકતાના ભયથી પીડાતા આધેડ વયના પુરુષો માટે એમની જાતીય વૃત્તિના ઉછાળાના માપનાં રેખાંકનો, લાગણીવેડા – આ બધી કુત્સિત લાગે એવી પ્રવૃત્તિઓ નર્યા સુખવાદનું પરિણામ છે.

સુશિક્ષિત સંસ્કારી સમાજમાં આ બધું જુદી પરિભાષામાં ઢંકાઈને આવે છે. એમાં સમાજશાસ્ત્રીઓ પરિસ્થિતિ સાથે અનુકૂળતા સ્થાપવાની વાત કરે છે. બીજાના વિચારો કે મૂલ્યો પરત્વે અસહિષ્ણુતાનું પ્રદર્શન બાળકોની હાજરીમાં તો ન જ થવું જોઈએ! આથી એઓ પણ કદાચ આવાં ધોરણો સ્વીકારી બેસે ને તો સન્તુલિત જીવન ગાળવાનું ભવિષ્યમાં એમને માટે મુશ્કેલ થઈ પડે. બાળક કોનું ધોરણ સ્વીકારે તે ઇષ્ટ તેનો વિચાર કરવામાં આવતો નથી. માબાપના સંસ્કારો ઝીલે તે જ યોગ્ય, માટે જ તો, અમારા ઘરમાં તો આવું તેવું ચલાવી જ ન લેવાય એવો અભિમાનભર્યો દાવો, આથી જ ઘણા ભાગે બાળકો સમાજમાં ક્યાંક પોતાનું યોગ્ય સ્થાન પામી શકતાં નથી. પડોશીના ઝઘડાઓ ને ચુસ્ત શિસ્તપાલન કરાવનારા કડક સ્વભાવના શિક્ષકો અને એની સામે ઘરમાં થતાં લાડ આ વચ્ચે સંસ્કારી સમાજના ભાવી નાગરિકનું બાળપણ પસાર થાય છે. પિતા લાગવગ લગાવે છે ને પોતાના ગજા ઉપરાંતની સિદ્ધિના બોજા નીચે બાળકને કચડાતા રહેવું પડે છે. પણ સભ્ય સમાજમાં તો ‘અસાધારણ પિતાની અસાધારણ પ્રજા’ તરીકે જ આ પરિસ્થિતિનું વર્ણન થતું રહે છે. બાળક તો સદા નિર્દોષ છે ને બાળકોને માતા-પિતાનું વાત્સલ્ય મળે તો એ આદર્શ વ્યક્તિ બની રહે છે એવી ભોળી સમજ ઘણા વિદગ્ધોની હોય છે. ગમે તે પ્રકારની સંકુલ સમસ્યા જાણે અમુક સાધનોના ઉપયોગથી ઉકલી જશે એવું વિદગ્ધ વર્ગ માનતો થઈ ગયો છે. અમુક પ્રકારનું શેમ્પુ વાપરવાથી કે ફિલ્ટરટીપ્ડ સિગારેટ વાપરવાથી જાણે ગમ્ભીર પરિણામોથી બચી જવાય એવી આ વર્ગ પણ શ્રદ્ધા ધરાવતો હોય છે. એવી જાહેરખબરો એણે વાંચી હોય છે ને એના સંસ્કાર એની વિદગ્ધતાને ભેદીને એના પર અસર કરતા રહે છે.

આને પરિણામે સાચી લાગણીની કશી કિંમત થતી નથી, સો ટકાની સર્જકતાને સંદેહની નજરે જોવામાં આવે કારણ કે એમાં યાન્ત્રિક મતૈક્યનો સ્વીકાર નથી. એમાં અસહિષ્ણુતાને પણ અનિવાર્ય ગણવામાં આવી છે. એમાં વ્યક્તિત્વની આગવી મુદ્રા ઉપસાવવાનો આગ્રહ હોય છે. સાચી લાગણી પ્રદશિર્ત કરવી તે અસંસ્કારિતાની નિશાની ગણાય, કોઈ ખોટી વાતો કરતું હોય તો પણ ‘વિનય’ જાળવીને એ વિશે પ્રસન્નતા પ્રકટ કરવી તે શિષ્ટાચાર. આવો ભદ્રતાનો આગ્રહ રાખવામાં આવે ને તે મોટા ભાગના ‘સંસ્કારી’માં ખપતા લોકો પાળે પણ ખરા, આખા દિવસમાં આવા લોકો કોની જોડે એક ‘સાચો’ શબ્દ બોલતા હશે? બોલવાનું પણ પછી કેવું? કોઈ ખાસ મુદ્દા નહીં, બુદ્ધિની પ્રખરતા કે તીક્ષ્ણતાને પણ સૌજન્યની કાનસથી ઘસીને વાપરવાની જેથી એની ધાર બુઠ્ઠી ને નિરુપદ્રવી બને. વિષાદ નહીં બતાવાય, ઉમળકો પણ ન બતાવાય, એ તો આછકલાવેડા ગણાય. થોડી થોડી વારે ‘નાઇસ, હાઉ નાઇસ’ એવું બોલતાં રહેવાનું, શબ્દો બિલિયર્ડના દડા જેવા લીસા ને ગોળ હોવા જોઈએ, ને એ ધારેલા પ્રતિભાવના ખાનામાં ગબડવા જોઈએ.

દિવસનો મુખ્ય ભાગ જે કામમાં કે વ્યવસાયમાં ગાળે તે જ જીવનને સાવ નકારી કાઢે, વ્યક્તિત્વને પોષે નહીં. પછી ઘરે આવીને કશી ‘હોબી’ લઈ બેસે, આને પરિણામે પૈસાદારની પત્નીઓ સામાજિક કાર્યકર બને, કેટલાક ચિત્રકાર થઈ બેસે, આમાંય હેતુ તો સામાજિક પ્રતિષ્ઠા મેળવવાનો ને આમ કરવામાં સાચી સર્જકતાનાં અપમાન વિડમ્બના થાય તે તો જાણે ગણતરીમાં લેવાનું જ નહીં. ઘણા નવરાશને વખતે કવિતા ચીતરે. આપણા શહેરના એક પ્રખ્યાત દાક્તર, વાઢકાપમાં કુશળ, મને કહે : હુંય વાર્તા લખતો, ને આજકાલની કચરા જેવી વાર્તા જોઉં છું ત્યારે થાય છે કે એના કરતાં તો મારી વાર્તા સારી હતી, મારે શિષ્ટાચાર જાળવીને કહેવું જોઈતું હતું આપ વાર્તા નથી લખતા તેથી ગુજરાતી સાહિત્યને ભારે ખોટ ગઈ છે. આપને તો કેવા કેવા અનુભવો થતા હશે! પણ એવું કશું મારાથી બોલી શકાયું નહીં. એઓ એવા કશાક પ્રતિભાવની આશાએ મારા ભણી તાકી રહ્યા ને હું એમની તરફ તાકી રહ્યો. અમારા બેમાંથી કોણ મોટો બબુચક તે નક્કી કરનાર કોઈ ત્રીજી વિચક્ષણ વ્યક્તિ ત્યાં હાજર નહોતી.

નર્યો સુખવાદ, વિચારશૂન્યતા, ભદ્રતાની પૂજા, શિષ્ટાચાર તે જ સદાચાર એમ માનવાની ધૃષ્ટતા – આનાં બે પરિણામ આવે છે : એક વર્ગ આની વિરુદ્ધને છેડે જઈને આત્મપીડન ને પરપીડનના બર્બર ને રોમેન્ટિક ઉપાયો અજમાવે છે. બીજો વર્ગ શેખીખોર બની જાય છે ને જ્યારે જે ચલણી હોય છે તે તત્પરતાથી સ્વીકારી લે છે; સ્વભાવે જૂનવાણી છતાં નવીન બનવાનો દુરાગ્રહ સેવતા ને એથી હાસ્યાસ્પદ(ને કેટલીક વાર તો કરુણ લાગે એવું ) નવીનતાનું અનુકરણ કરતા મુરબ્બીઓ પણ દેખાય છે. જેટલો પુત્રને પોતાનો કહેવાનો આનન્દ છે તેટલો જ આનન્દ કોઈ વિચારને પોતાનો કરવાનો હોવો જોઈએ. એની પણ એક આગવી પ્રતિષ્ઠા છે.

License

ઇદમ્ સર્વમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.