માનવી શા માટે પોતાના કાર્યની છબિને ધૂંધળી બનાવી દેતો હશે? હિંસા, હત્યા – આખરે તો કાયરતાનો એકરાર છે, માણસ એની શક્તિને છેડે પહોંચી ગયા પછી જ આવું હિચકારું કૃત્ય કરે છે. વળી લોકોનાં મનને વિચારને માર્ગેથી વાળીને ટોળાંના આવેગના વહેણમાં વાળી દેવા એટલું જ શું નેતાનું કાર્ય રહ્યું છે? કોઈ પણ માનવી બીજા પાસેથી આત્મનિષ્ઠા અને પ્રામાણિકતા ઝૂંટવી લઈ શકે નહીં. માણસ પોતા પ્રત્યેની નિષ્ઠાને પોતાનામાંથી ખસેડીને અન્યત્ર સ્થાપે ત્યારે એક મોટું જોખમકારક પગલું ભરતો હોય છે. પોતાનાં પોતાપણા વિશેની નિષ્ઠા જો કેન્દ્ર સ્થિર હોય તો જ વિશ્વ અને બ્રહ્માંડ સુધીની એની ત્રિજ્યાઓ વિસ્તરી શકે છે. પણ આ નિષ્ઠાનું મૂલ્ય જ ઓછું આંકતા હોઈને એને તુચ્છ ગણીને એનો સહેજ સહેજમાં રાજ્યને નામે, પક્ષને નામે, સમાજને નામે, ધર્મને નામે ભોગ આપવા તૈયાર થઈ જઈએ છીએ. માનવી પાસેથી એના પ્રત્યેની નિષ્ઠા જ ઝૂંટવી લેવાય પછી એની કિંમત શી રહી?
જ્યારે માનવી પોતાની અને પોતાના કાર્યની મોઢાદેખ ઓળખ કરવાનો માર્ગ જ બંધ થયેલો જુએ છે ત્યારે એ આત્મહત્યાને માર્ગે વળે છે. એ હિંસાને માર્ગે વળે છે તે પણ આખરે તો આત્મહત્યા જ છે. પોતાને ઇજા કર્યા વિના કોઈ બીજાને ઇજા કરી શકે નહીં, હિંસાનો આધાર શો છે? પોતાનું રક્ષણ? ના, એ નકારાત્મક વસ્તુ છે. એ કાયરની ઢાલ છે. આજે જે ગુણો વિધેયાત્મક છે તેને કેળવવાનું કેમ આટલું બધું અઘરું થઈ પડ્યું હશે? આપણે ‘સબસે ઊંચી પ્રેમસગાઈ’ કહીએ છીએ, પણ દ્વેષ અને હિંસા જ ફાલે છે. શાંતિ ને કલ્યાણની વાતો ચાલે છે, ને છતાં યુદ્ધની જામગરી સળગતી જ રહે છે. સંસ્કૃતિને ઉગારવાની જવાબદારી સૌ ઉપાડવા ઇચ્છે છે, પણ કૃત્યો એવાં થાય છે કે સંસ્કૃતિનાં મૂળ સુધ્ધાં હચમચી ઊઠે છે. આનું કારણ શું?
ઉત્ક્રાન્તિને આ તબક્કે આવી પહોંચ્યા પછી માનવી કદાચ પોતાનું સાચું પરિમાણ ઓળખવામાં નિષ્ફળ ગયો છે. એના પરિણામની અપેક્ષાએ એ બહુ ક્ષુદ્ર વસ્તુમાં પોતાને સંડોવતો રહ્યો છે. પોતાની જ જુદી જુદી બે છબિઓને એ પાસે રાખીને જોવાનું ચૂકી ગયો છે. ચન્દ્ર સુધીની ફાળ ભરનારો માનવી જંગલોમાં સંતાઈને દરમાંના કોઈ જન્તુના જેવો બની હજી યુદ્ધ ખેલે છે. ઉત્તુંગ પર્વતશિખરને સર કરનારો માનવી એ વિરાટ વિશાળને હૃદયમાં ભરીને નીચે આવતો નથી. આથી માનવીની જે સિદ્ધિ છે તેને એ પોતે જ જાણે કે આત્મસાત્ કરી શક્યો નથી. એ સિદ્ધિઓ ઇતિહાસની વિગત બની રહે છે, એના વ્યક્તિત્વનો અંશ નહીં. આજ સુધી આ સિદ્ધિઓ તો એ જાણે એનામાં રહેલા પેલા ગુફાવાસી આદિમાનવને બલિરૂપે અર્પતો રહ્યો છે. મરણને માનવીએ ઘણી વખત હસતે મોઢે સ્વીકાર્યું છે, પણ જીવનને મરણથી ઢાંકી દેવાનો એનો પ્રયત્ન શા કારણે એ કરતો હશે? હજુ એ સમજવું બાકી છે.
ધર્મ માટેની શ્રદ્ધા, ચિન્તનની પ્રખરતા, કાર્યદક્ષતા – આ બધા ગુણો જે મહાન વસ્તુ કરી શકે તેનો એને ખ્યાલ નથી. એમ નહીં, પણ એની જાણ છતાં આ બધાંને એ કેવાં ક્ષુદ્ર પ્રયોજનો માટે આજે વાપરી રહ્યો છે! માનવી માનવ્યનું ગૌરવ નહીં કરે ત્યાં સુધી એ પોતાને બાજુએ હડસેલીને ગમે તે ક્ષુદ્રને સ્વીકારી બેસે એવો સંભવ તો રહેવાનો જ. માનવ્યનું આ ગૌરવ તે શી વસ્તુ છે? એ સદાકાળનું કશું ધ્રુવ તત્ત્વ નથી એ સિદ્ધ કરતાં રહેવાની માનવીની જવાબદારી છે. બુદ્ધિ, કલ્પના, અનુકમ્પા આ ગુણો કેળવીને એ પોતાની સીમાઓને ઉલ્લંઘી શકે છે ને આલ્બેર કેમ્યૂ જેને ‘છનન સચહ’ કહે છે તે બની શકે છે. પોતાની આવે રૂપે ઝાંખી કરવામાં એ પોતાનું ગૌરવ અનુભવે છે, કારણ કે ગૌરવ પોતાને અંગત રીતે મળતાં ધન, પ્રતિષ્ઠા કે સ્વર્ગમાં નથી. જો એવું હોય તો ગૌતમ બુદ્ધ નિર્વાણના ઉમ્બર પર પગ મૂકીને પાછા ન ફર્યા હોત. આપણે વૈકુણ્ઠની આશા રાખીએ છીએ, પણ વૈકુણ્ઠનો સાચો અર્થ સમજતા નથી. કુણ્ઠા એટલે કે દ્વિધા, સંકોચ જેના જતાં રહ્યાં છે તે જ સાચો વૈકુણ્ઠવાસી છે. માનવી વૈકુણ્ઠને દ્વારે ભોગલાલસાથી આતુર બનીને ઊભો રહેતો નથી. એનામાં ત્યારે નિ:સ્પૃહતા આવે છે. એ કશા સંકોચથી વામણો લાગતો નથી.
કશું પણ મૂલ્ય વારસામાં મળતું નથી. જે આપણે સિદ્ધ કર્યું નથી તે કદી પૂરેપૂરું આપણું થઈ શકતું નથી, ને માટે જ એના પર આપણો હક્ક પણ હોઈ શકે નહીં. આપણો માનવજાતિનો ઇતિહાસ સાથેનો સમ્બન્ધ છે, ને એ સમ્બન્ધ ઘણો ઊંડો અને અવિચ્છિન્ન છે. આથી જે આપણા પુરોગામીઓ કરી ગયા તેવો અનુભવ તથા તેનાં પરિણામો આપણી દૃષ્ટિ સમક્ષ રહે છે, પણ સન્દર્ભ બદલાયો છે. આથી એને એ સ્વરૂપનાં કાર્યો તથા એ જ પ્રકારના એનાં પરિણામોથી આપણું નભે નહીં. આપણા યુગની સમગ્રતાને ખ્યાલમાં રાખ્યા વિના આપણે જે કાંઈ કરીશું તે ખણ્ડિત તથા અપર્યાપ્ત જ રહેવાનું.
આથી જે પ્રત્યક્ષપણે નથી આત્મસાત્ થયું તેનું મૂલ્ય કશું નથી, આચારને મહત્ત્વ આપનારા વાસ્તવવાદી હતા પણ એ આચાર પ્રેરે કોણ? એનું સ્વરૂપ નક્કી કોણ કરે? સ્મૃતિ અને શ્રુતિ? આપણા જમાનામાં મનુસ્મૃતિ લેખે લાગે? મનુએ પણ એમ ઇચ્છ્યું નહોતું. આથી આચારનાં ધોરણો નિરપેક્ષ અને સદાકાળનાં ન હોઈ શકે, તેમ એ કોઈ અમુક વર્ગ કે વ્યક્તિની ઇચ્છા પર પણ આધાર રાખી શકે નહીં.
‘આપણા યુગની સમગ્રતા’ એમ બોલવું સહેલું છે પણ એને ગ્રહવી શી રીતે? જેનો આપણે પોતે જ એક ભાગ છીએ તેને અખણ્ડરૂપે આપણે શી રીતે જોઈ શકવાના હતા? આપણા શરીરનું આપણે સમગ્ર દર્શન પામી શકીએ છીએ? આ રીતે જોઈએ તો માનવીનું માનવ્ય જ સ્વભાવગત અપૂર્ણતાઓને અતિક્રમી જવામાં રહ્યું છે.
કાર્યની ઊડતી રજ ઠરે પછી સ્વસ્થ થઈને એની છબિ ઓળખવા જઈએ તો ભવિષ્યના કાર્યની છબિ કંઈક સુરેખ હાથે આંકી શકીએ પણ આપણે એક જ ઢબે બધું કરતાં રહ્યા છીએ. ‘ચૂંટણી લડવી’ એ શબ્દપ્રયોગ જ જુઓ, સામસામા પક્ષે પ્રચાર, પ્રહાર, આરોપ, કડવાશ, વેરઝેર, ક્રોધ, હિંસા આટલે સુધી આપણે પહોંચી જઈએ છીએ, આથી જે પ્રજાને આપણે સમ્બોધી રહ્યા છીએ તેના મનને આપણે કેવું ડહોળી મૂકીએ છીએ! આમ આપણે સૌથી પહેલી ફરજ મતદાન કરનારના મનની સ્વચ્છતા અદા કરવામાં ચૂકી જઈએ છીએ. આટલેથી આપણે અટકતા નથી, આવે પ્રસંગે તો સાધ્યસાધનનો વિવેક વિસારે પાડવો જ રહ્યો. એક વાર ચૂંટણીનો જંગ જીતી લઈએ, પછી બધું થઈ રહેશે. એવી ‘વહેવારુ નીતિ’ સ્વીકારી લેવામાં આવતી હોય છે. આ સ્થિતિમાં ઘણા નિર્વેદ અનુભવે. આ ચૂંટણી અને મતદાનપ્રપંચથી અળગા રહે એવું બનવાનો પણ સંભવ રહે છે, પક્ષોની સ્થિતિ, પક્ષોની ‘સિદ્ધિ’, પક્ષોની ભાવિ યોજનાઓ મતદાન કરનારની મનોદશા, જુદા જુદા ભાગોમાં મતદારોનું વલણ, ભાવિ, આ વિશે પૂરજોશમાં અત્યારે ઘણા લેખકો લખવા મંડી પડ્યા છે. બિહાર, પંચમહાલમાં દુકાળ છે ખરો, અમેરિકા પાસે અનાજની ભીખ માંગવી પડે છે ખરી – પણ હમણાં પંદર વીસ દિવસ તો જાણે વર્તમાનપત્રોને આ કશાંની ફુરસદ નથી. મત જીતવાનું સાધન સત્ય નથી, પ્રચાર છે ને જ્યાં સુધી પ્રચારનું મહત્ત્વ છે ત્યાં સુધી, અવાજને મોટો કરવો જ રહ્યો. છાપાં એ અવાજ મોટો કરી આપે છે.
કેટલાક ચિન્તકો માને છે કે અભણ પછાત દેશોમાં લોકશાહી તો નામ લેવા પૂરતી જ રહે છે. જે નિરાકાર છે, જેને દેશની, દેશના જુદા જુદા પક્ષોની, આપણી રાજ્યપદ્ધતિની કશી ખબર નથી, પોતે શા માટે અમુક પક્ષને મત આપે છે તેનું કારણ પણ જે જાણતો નથી તેનો મત લેવો એ પાપ છે. એ ચોરી કરવા બરાબર છે. લોકોને આ બાબતની કેળવણી આપવાને માટે ચૂંટણી પછીનાં પાંચ વર્ષોમાં સજાગ રહીને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો થશે ખરા? એવો કોઈ રાજકારણનો જીવ નીકળ્યો છે ખરો જે પોતાના મતદાર વિભાગને આ કે તે પક્ષ પ્રત્યે વાળવા નહીં પણ મતદારોને આ વિશે નિર્ણય લેવા જેટલી સજ્જતા આપવા ખાતર આવો પ્રયત્ન કર્યા પછી જ પોતાને મત પામવાને લાયક ગણે?
પણ જે જમાનામાં આપણે જીવીએ છીએ, તે જમાનામાં આ રીતે વિચારવું તે શેખચલ્લીના તરંગ ગણાય. આને પરિણામે અમુક વર્ગમાંથી જ આપણા શાસનકર્તાઓ આવે છે. બૌદ્ધિકો ભોંયતળિયે ભંડાકિયામાં ધરબાઈ જાય છે, સરકારને અનુકૂળ થનારા બેપાંચ સમિતિઓમાં સ્થાન પામે છે, પદ્મશ્રી, પદ્મભૂષણના ઇલ્કાબ પામે છે. ને દેશ વળી બીજા પાંચ વર્ષની મજલમાં કદમ ઉપાડે છે – દુકાળ, ભૂખમરો, લાંચરુશ્વત, ગરીબી, શોષણ – આ બધું વળી છાપાંમાં દેખાવા માંડે છે, એ જ બેઢબ રફતાર, એ જ નેતા, એ જ પ્રજા – આપણી પ્રાચીનતા જ આપણું એકમાત્ર ગૌરવ હશે કદાચ!