અમરતાની ઝંખના

ચારે બાજુથી એમ કહેવાતું સાંભળું છું : ‘ઇતિહાસ રચાઈ રહ્યો છે! હું વિચારે ચઢું છું : થોડાક નાના માણસો ક્ષુલ્લક વૃત્તિથી બખેડો ઊભો કરી બેસે ને એમાં આખા દેશને સંડોવી બેસે એને શું કહેવું? કેટલાંક અંધ બળો હજુ પણ માનવીને ઘેરી લઈ શકે? કેટલીક વાર અમુક પરિભાષા ફેશનેબલ બને છે ને એ આપણા મનનો કબજો લઈ બેસે છે. એને માટેના ઝનૂનથી આપણે ઝઘડી પડીએ છીએ. બાકી તો સાર્થક જીવનની દરેક ક્ષણે ઇતિહાસ રચાતો હોય છે. સામસામાં બળો અથડાતાં રહે છે. પ્રત્યેક ક્ષણે સાવધ થઈને, સજ્જ થઈને, જીવવું પડે છે, ગમે ત્યારે પરિણામકારી પરિવર્તનનું બિન્દુ આવી ચઢે છે. જિન્દગીમાં જે દિવસે મહત્ત્વનો, આપણા જીવનમરણનો, પ્રશ્ન ઊભો થવાનો હોય છે તે દિવસે સવાર કાંઈ જુદી નથી ઊગતી. બધું જ રાબેતા મુજબ જ ચાલતું હોય છે, એકાએક આપણે કશુંક એવું કરી બેસીએ છીએ જેથી હંમેશને માટે જીવનની દિશા બદલાઈ જાય છે. કોઈક વાર જીવન વધુ ઉત્કર્ષ અને સાફલ્યની દિશા તરફ ડગ માંડે છે, તો કેટલીક વાર તે દિવસથી મરણનો પડછાયો આપણા પર પડે છે ને પછી પ્રત્યેક ક્ષણે એ ઘેરો ને ઘેરો બનતો જાય છે. આ બધા સંજોગોમાં માનવી લાચાર છે! સંજોગોને વશ વર્તીને જીવનારું દયાજનક પ્રાણી માનવી નથી. એ એની સામે, પ્રતિકૂળ ભાગ્ય સામે, દૈવ સામે, અદૃશ્ય બળો સામે ઝૂઝે છે. સંભવ છે કે એની સામે ઝૂઝવામાં જ ખપી જાય. તો એમ ખપી જવું એમાં ગૌરવ નથી? એ કરુણ ભવ્ય નથી? કેટલીક વાર આ ગૌરવની વાત, આ ભવ્ય કરુણની વાત હાસ્યાસ્પદ લાગે છે. એ બધો આક્રોશ શું ઝૂઝવાથી શમી જાય છે? એવા મરણને સ્વીકારતાં શું હૃદય સમાધાન અનુભવે છે?

મને લાગે છે કે અમર બનવાની ઝંખના એ માનવીને મળેલો સૌથી મોટો શાપ છે. આપણે કહેતા આવ્યા : યાવચ્ચન્દ્ર દિવાકરૌ. ચન્દ્રનો નિર્જન શીતળ ગોળો અમર હોય તેથી, ભડકે બળતો સૂર્ય અમર હોય તેથી શું? એના કરતાં તો આપણી એક સાચી લાગણી વધુ સજીવ છે. દુ:ખની વાત એ છે કે એવાં આપણા જીવનમાં લાધેલા સત્યને, સમ્બન્ધને આપણે આપણા હાથે જ મરવા દઈએ છીએ. સમાધાન શોધી લઈએ છીએ, પછી જાણે કશું બન્યું નહીં હોય તેમ એક ભવમાંથી બીજા ભવમાં ચાલ્યા જઈએ છીએ પણ જે એ સમ્બન્ધથી જોડાયું હોય તેને સમ્બન્ધનું શબ જિન્દગીભર ઉપાડવાનું સોંપીને આપણે મુક્ત થઈ જઈએ તો તેથી કોઈ વાર આપણો અન્તરાત્મા આપણી સામે વિદ્રોહ નહીં કરે?

એક ક્ષણમાં જ, આગલી ક્ષણની પોતાની જ રચેલી સૃષ્ટિમાંથી નીકળી જઈને, નિલિર્પ્ત ભાવે બીજી સૃષ્ટિ રચવાના ઉદ્યમમાં પરોવાઈ જવાની શક્તિ કોઈનામાં હોય છે ખરી? આકાશમાં ખરતા તારા છે, એ ખરતાં ખરતાં જ સળગીને ભસ્મ થઈ જાય છે, એનો ક્યાંય કશો અવશેષ રહેતો નથી. તેમ આવા સુખિયા લોકોના જીવનમાંથી આવી સૃષ્ટિઓ ખરી જાય છે, પાછળ કશો અવશેષ રહેતો નથી. પણ જ્યાં આમ બનતું નથી ત્યાં ચન્દ્રમાં હોય છે તેમ મોટા મોટા ખડકો ખાડા પાડી દે છે. આ વેદનાના વ્રણની ચિરંજીવિતા જ એમની તો બની રહે છે!

મેં આવું પણ જોયું છે : નિકટના મિત્રના મૃત્યુ પછી જ્યાફતો ઊડે છે. મિત્રની યાદમાં એટલું કહેવાય છે : ‘જો એ હોત તો અહીં આપણી સાથે જ હોત.’ મારું હૃદય તો નબળું જ ગણાય કારણ કે કવિ મણિલાલ કે કવિ રાવજી જેવા મિત્રોને ભૂલી શકતો નથી. એઓ કવિ હતા એ નાનીસૂની વાત નથી. જેણે એક પંક્તિ પણ સહૃદયના હૃદયમાં સદા સ્થાન પામે એવી લખી છે તેને માટે આદર છે. જેઓએ એવું કશું કર્યું નથી એમની સ્મૃતિને આધારે અમરતાને ટકાવી રાખવી એ પ્રયત્ન જ કેવો તો કરુણાજનક છે. અમરતા એટલે શું? સ્મૃતિમાં ટકી રહેવાનું સૌભાગ્ય? આપણા દેશના શહીદોની અમરતા આપણી વર્તમાન પેઢીની સ્મૃતિ પર છોડવા જેવી છે ખરી? વિદ્યાર્થીઓ શહીદોની યાદમાં હડતાલ પાડે છે, બસ બાળે છે. શિક્ષણ-સંસ્થાઓનાં મકાનો પર પથ્થર ફેંકે છે. એ દિવસે બીજા નવા શહીદો ઊભા કરવાનો પ્રયત્ન કરી છૂટે છે. આ આકસ્મિક શહાદત સાચી ગૌરવભરી શહાદતને અન્યાયરૂપ નીવડે છે. વિવેક જળવાતો નથી. વિદ્યાર્થીઓ એ ચોથું બળ છે એવું સૂત્ર આપણે પણ રટવા લાગ્યા છીએ. જે ક્ષેત્રમાં વિદ્યાર્થીઓએ ક્રાન્તિ કરવાની છે તે ક્ષેત્રમાં એમનો ઝાઝો રસ રહ્યો નથી. વિદ્યાપીઠમાં વિદ્યા માટેના ઉત્સાહનું જ વાતાવરણ ન રહ્યું હોય એ પરિસ્થિતિ સરવાળે તો ખતરનાક છે. જે પ્રકારની અધ્યાપન પ્રવૃત્તિ ચાલી રહી છે, જે રીતે અભ્યાસક્રમો તૈયાર થાય છે, જે રીતે પરીક્ષાઓ લેવાય છે, જે રીતે એનાં પરિણામો તૈયાર થાય છે તે બધું કેટલાં ભયંકર દૂષણોથી ભર્યું ને છતાં શિક્ષકસંઘો વિદ્વાનોનાં મંડળો કે વિદ્યાર્થીસંઘો આ બાબતમાં કશું કરવાનો ઉત્સાહ દાખવતા નથી. આ ક્ષેત્રમાં ક્રાન્તિ થશે ત્યારે નવી દિશા ખૂલશે. વિદ્યાર્થીઓના બળથી ડરીને એમની પીઠ થાબડવામાં, સસ્તી લોકપ્રિયતા મેળવવાના પ્રયત્નમાં અધ્યાપકો કાયર બને, વિદ્યાનિષ્ઠાને બાજુએ મૂકીને ચળવળિયા બને એવી પરિસ્થિતિ વિદ્યાસંસ્થામાં તો શરમભરેલી જ કહેવાય.

એથી તો કહું છું કે આ પેઢીને અમરતાની જાળવણી સોંપવાનો અર્થ શો? ગાંધીશતાબ્દી માંડ માંડ ફરજના ભાનથી ઊજવાય છે. એના કરતાં સત્ય સાંઈ બાબાના પ્રત્યક્ષ પરચાનું મહત્ત્વ એને મન ઘણું છે. વાણીવિલાસથી ઉદ્દામવાદી બનવાનો ડોળ કરનારનું મહત્ત્વ વધારે છે. ગાંધીની છબિ ઝાંખી થઈ જ ગઈ છે. પૂતળાંઓ પણ બદલાય છે.

હું તો અમરતાની નફરત કરું છું, એવો કોઈની સ્મૃતિ પર અકારણ જુલમ શા માટે? થોડાંક લખેલાં થોથાં – એનું પોટકું અહીંથી તહીં સાચવવું, પછી કોઈ વાર ધૂળ ઝાટકવા માટે જ એને ખોલવું, થોડું ઊધઈના ભક્ષ્ય માટે સોંપી દેવું? અમરતાની આ તે શી દશા? શરૂઆતમાં દીવાનખાનામાં કાચના કબાટમાં આગલી હારમાં સ્થાન પછી પાછલી હાર, પછી અભરાઈ પર, પછી પોટકામાં, પછી પસ્તીમાં. માનવીની સ્મૃતિ સૌથી ઠગારી વસ્તુ છે. એ ક્યારે બેધ્યાનપણે શું ખોઈ નાખશે તે કહેવાય નહીં. આવી ભીખ માગીને પામવી પડતી અમરતાનો શો અર્થ? જેને આપણી સાથે આત્મસાત્ કરીને રાખી શક્યા તે જ આપણામાં અમર, એને કાંઈ દુ:ખ થતાં એનો પડઘો આપણામાં પડે એવું નહીં, એનું દુ:ખ આપણામાં પણ સળગી ઊઠે.

એને રસ્તે છોડીને આપણે માર્ગ અને દિશા બદલી નાખીએ થોડી વાર છૂપા દર્દનું નાટક જાત સાથે કરીએ, પછી બધું કજળી જાય, ફૂંક મારીને રાખ ઉરાડી દઈએ, નવો સાથિયો પૂરીએ, કરોળિયાના જાળા જેવી સ્મૃતિને ઝાપટીને દૂર કરીએ તો શાની અભિન્નતા, શાની મૈત્રી, શાનો સમ્બન્ધ? એટલે જ તો કહું છું કે અમરતાની જ મને નફરત છે. કોઈની સ્મૃતિ પર, કોઈનાં આંસુ પર મારો સ્હેજસરખો દાવો નથી.

મમત્વને તો આપણે કેવળ સ્વાભાવિક માની લીધું છે, પણ નિર્મમતા કેળવી લેવી જોઈએ, તો આ ભ્રાન્તિનાશને કારણે થતા દુ:ખથી બચી જવાય એવી સલાહ આપવામાં આવે છે. આપણા સમસ્તથી ઉછેરેલું સત્ય ભ્રાન્ત છે એમ સહેલાઈથી શી રીતે માની લઈએ? કેવળ જીવતા રહેવાને, માત્ર ટકી રહેવાને માટે આશ્વાસન લેવા માટે આપણે આપણા જ સત્યનો ભોગ આપીશું? એ ભોગ આપ્યા પછી શેનું સુખ? દુ:ખથી બચવા આપણે ક્યાં ભાગીને જઈશું? સમ્બન્ધનો અન્ત એ મરણથી પણ અદકું મરણ છે. એને કોઈ પણ કારણે વાજબી ઠરાવી નહીં શકાય, મરણ તુચ્છ છે. એ મરનારને તુચ્છ નહીં બનાવે તો બસ છે.

ગાંધીજીએ અન્તરાત્માના અવાજની વાત કરેલી. હવે તો આપણે સૌ એવો કોઈ નિર્ણય લઈએ ને એને બુદ્ધિપૂર્વક વાજબી ઠરાવવાનું શક્ય નહીં હોય ત્યારે અન્તરાત્માના અવાજ પર બધું છોડી દઈએ, ખરી વાત તો એ છે કે અન્તરાત્માને કચડી નાખીને જ આપણે એવું પગલું ભરતાં હોઈએ છીએ ને છતાં એ પણ અન્તરાત્માને નામે જ કરીએ છીએ. આત્માને નકારનારા બૌદ્ધો સારા કે એમણે વાસ્તવિકતા તો જોઈ.

આ બધાનું કારણ એ છે કે મહાનને પામવા માટેની સાધના આપણે કરી હોતી નથી ને છતાં ભાગ્યવશાત્ કશુંક મહાન આપણા હાથમાં આવી પડે તો એનો જ આપણે આપણી પામરતાને ખાતર ભોગ આપી દેતાં અચકાતા નથી. આ ક્ષતિ આપણા જન્મોજન્મને વ્યર્થ કરી મૂકે છે, પણ આપણને હિન્દુઓને તો ચોર્યાસી લાખ ફેરાનું આશ્વાસન છે. નવા નાગરિકોના અભિનન્દન માટે એક સ્થળે જવાનું થયું. વેપારી સજ્જન પ્રમુખસ્થાને હતા. એમને ઘણાં કામ, ‘જલદી પતાવો, જલદી પતાવો,’ એમ અકળાઈને કહેતા હતા. નાનાં બાળકોને પણ પરાણે બેસાડી રાખેલાં. નાગરિકોને સંકલ્પ લેવડાવ્યો. છાશવારે આવા સંકલ્પો લેવડાવીએ છીએ, શાળામાં રોજ પોપટની જેમ એનું રટણ કરાવીએ છીએ ને ભોળપણથી માની જ લઈએ છીએ કે હવે શાન્તિથી અહિંસાથી પ્રશ્નોનો ઉકેલ આવશે. પણ એ ભોળપણને આઘાત લાગતાં વાર નથી લાગતી. બાળા પાસે કુંકુમ, તિલક, સૂતરની આંટીનો હાર ગળામાં પહેરાવીએ ને હાથમાં કલગી, પછી ગ્રુપ ફોટો, છાપામાં અહેવાલ – ત્યાં વાત પતી ગઈ. છાપામાં બધાંનું પૂર્ણવિરામ, મૂળ વસ્તુને મારીને એના વિધિ ઉપજાવી લેવા એનું નામ ભારતીય સંસ્કૃતિ, વાઘનો ડર લાગે, પણ વાઘનું ચામડું પાથરીને એના પર બેસી શકાય. લોકશાહીનો પ્રાણ જાળવવો મુશ્કેલ, એ આપણું ગજું નહીં. પણ એનો દબદબાભર્યો વિધિ આપણે ઊજવી શકીએ.

License

ઇદમ્ સર્વમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.