માત્ર પરિચિત નહીં પણ જીવનના તન્તુઓ જેમાં ઓતપ્રોત થઈ ગયા હોય એવું સ્થળ ઘણે વખતે પાછો આવીને જોઉં છું તો કશું નથી. ભૌગોલિક દૃષ્ટિએ સ્થળ એનું એ જ છે, એને ઓળખવાનાં ચિહ્નો બધાં એનાં એ જ છે, પણ હૃદયની ભૂગોળ બદલાઈ ગઈ છે. ધરતીકમ્પ થાય ત્યારે જમીનનો મોટો ખંડ અદૃશ્ય થઈ જાય તેમ જાણે પહેલાં જે હતું તે હવે અદૃશ્ય થઈ ગયું છે. સમયના થોડા જ ગાળામાં હવે બધું જાણે પ્રાગૈતિહાસિક કાળના કોઈ અવશેષ જેવું લાગે છે. એમાં બધું દટાઈને મૂંગું બની ગયું હોય છે, એનું ખાલી કોચલું પડી રહ્યું હોય છે. એટલે તો કહું છું કે પૂરેપૂરા હૃદય સહિત જીવવું ભારે કપરું હોય છે. જેઓ ખપ પૂરતું હૃદય વાપરે છે, જ્યારે જરૂર પડે ત્યારે હૃદયને પાછું ખેંચી લઈ શકે છે તેમના જીવનમાં આવો પ્રલય થતો નથી માટે તો આ સ્થળ અને એની સાથે સંકળાયેલો સમય બંનેની શોધ કરવાની હવે રહી નથી. જીવતા હોઈએ ત્યારે પોતાના જ જીવનમાં આવા અવશેષને જોવાનું આવે એ પરિસ્થિતિ માનવી સહી શકે તેવી નથી. આમ તો બધું જ છે, આગળી ચીંધીને બતાવી શકાય કે અહીં ભણ્યા, અહીં લખવાની શરૂઆત કરી, આ રસ્તા પર ફર્યા, પણ પૂરમાં બધું ડૂબી જાય ને માત્ર શેરીનાં પાટિયાં રહી જાય એના જેવું બધું લાગે છે. હૃદયથી સાવધ રહીને જીવતાં મને આવડ્યું નથી. પરિસ્થિતિ પ્રમાણે બધું નવેસરથી ગોઠવી લેવાની વ્યવહારકુશળતા પણ નથી. તેથી જ તો આજે શિરાઓમાં લોહી જુદી જ ગતિથી વહે છે. સુખ દુ:ખ એને શું કહેવું તે ખબર નથી. આથી ચૂપ બેસી રહેવાનું જ ઠીક લાગે છે. ઘણાં પરિચિતો, મિત્રો મળે, વાતો ચાલે. રખે ને કોઈને વહેમ જાય કે પહેલાંનો એ દલીલબાજીનો ઉત્સાહ નથી, એ વાચાળતા નથી. માટે બોલ્યે જાઉં છું પણ મન એનો તન્તુ ખોઈ બેસે છે. મારા જ શબ્દોના અન્તરાયને ઠેકીને મન કોઈ નિ:શબ્દતાને ખૂણે બેસી જવા ઇચ્છે છે. સમયનો પ્રવાહ હવે રહ્યો નથી. નાયગરાનો ધોધ જેમ શિયાળામાં થીજીને બરફ થઈ જાય, વહેતો અટકી જાય તેમ સમય થીજી ગયો છે. અશ્મયુગના અશ્મીભૂત અવશેષના જેવું હૃદય એમાં કોણ જાણે ક્યાં દટાઈ ગયું છે તે તો હવે કોણ શોધે?
છતાં રોજ-બ-રોજની દુનિયા ચાલે છે. સાહિત્યની દુનિયામાં શું ચાલી રહ્યું છે, શું કરવું જોઈએ એ બધું સાંભળું છું. કોઈની જોડે જાણે ખૂબ ઉત્સાહમાં આવીને નવી યોજનાઓ પણ ઘડવા બેસી જાઉં છું. હું એનો એ જ છું એવું બતાવવાનો કદાચ નિષ્ફળ પ્રયત્ન કરી છૂટું છું, પણ હૃદય તો પાછું વળી ચૂક્યું છે. એ જાણે છે કે હવે અહીં કશું નથી, છતાં જીવન છે. એક ક્ષણ પછીની બીજી ક્ષણ છે. દિવસ છે, રાત છે, અનિદ્રા છે, અને સ્મૃતિ છે. ગમે તેવો પ્રલય એની પગલીઓ ભૂંસી શકતો નથી.
બીજે ક્યાંક જવાનું મન થતું નથી પણ સારી લાયબ્રેરીમાં પુસ્તકો વચ્ચે જઈને ઊભા રહેવાનું મન છે. પુસ્તકો ફેંદવાનું કે ખોલવાનું મન થતું નથી, પણ પુસ્તકો વચ્ચે માત્ર ઊભા રહેવાનું ગમે છે, કાંઈ કેટલીયે પંક્તિઓ સ્મરણે ચઢે છે, બધા કવિઓ યાદ આવે છે, કવિ પંક્તિ રચે પછી આપણું હૃદય એને ફરી રચી લે. એ રચનાની સહકારી પ્રવૃત્તિ રુચતી હતી. આજે પણ એવાં કેટલાંય વિશ્વો રચાવાની રાહ જોઈ રહ્યાં છે! બધું શમી જાય, શૂન્ય છવાઈ જાય, હૃદય પોતાનામાં જ ક્યાંક અલોપ થઈ ગયું હોય ત્યારે એકાએક કોઈ પંક્તિ આકાર લેવા માંડે. આની જ મોટી માયા છે. આ આકારો રચાતા આવે તે જોવાની, આ આકારની રેખા સાથે બેસીને ગોઠવનાર કોઈ હોય તો, પરમ સૌભાગ્ય. સંસારમાં બીજી અનેક વસ્તુઓ માટે તો ભારે પડાપડી થાય છે, પણ એ બધાંમાંથી પાછા વળીને કોઈ આકાર રચવાની, પ્રલયને કાંઠે ઊભા રહીને સૃષ્ટિની નવી ક્ષિતિજની રેખા અંકિત કરવાની માયા રાખે, એમાં અભિન્ન બનીને સહકાર આપે તો એ જ જીવનની સૌથી મોટી સાર્થકતા. એ મળે પછી બીજી કશી પ્રાપ્તિનો કે ક્ષતિનો હિસાબ માંડવાની વૃત્તિ થતી નથી. સાર્થકતા સો ટકા સાર્થકતાનો જ મને ખપ છે. એને સ્થાને કશા આશ્વાસનથી હું ચલાવી લેતો નથી. આ મારી મગરૂરી કેટલાકને હાસ્યાસ્પદ લાગે છે. પણ એવી કશીક મગરૂરી વિનાના જીવનનો શો અર્થ? આવી મગરૂરી પરનો અધિકાર તો આપણો જ, કારણ કે એ કોઈ પાસેથી મેળવેલો અધિકાર નથી કે એનો આધાર કોઈની દયા પર રહે.
રાતે પવન થંભી જાય છે, શ્વાસ રૂંધાય છે, દરિયાપારથી કોઈ ઉદાસીનું મોજું ધસી આવે છે ત્યારે મારી જાતને હું પોતે પણ અજાણ્યો લાગું છું. આથી જ તો એવું કોઈ જોઈએ કે જે આવી પોતાની સાથેની અપરિચિતતાની ક્ષણે આપણને આપણો પરિચય કરાવી આપે નહીં તો આપણી જોડે જ આપણું કેટલું બધું અન્તર પડી જાય! આ થઈ શકે પ્રેમથી, નરી સહાનુભૂતિથી નહીં. પણ કેટલાક પોતાની જાતથી ભાગતા જ રહે છે, એ પોતાની સાથે જ કશો સંવાદ જિન્દગીભર કરી શકતા નથી. કઈ લાચારી એમને આવું કરવા પ્રેરતી હશે? આથી એમની જિન્દગીને એઓ સ્વત્વના અધિકારથી વંચિત રાખે છે. આથી જ તો સહેલાઈથી એઓ પોતાની જિન્દગી બીજાને સોંપી દે છે – પ્રેમ વિના. બીજા સાથે અભિન્ન બની શકીએ તો જ એને કંઈક આપી શકીએ. અભિન્ન બનવાનું જેને ન આવડે તે કોઈને કશું આપી શકે નહીં.
આમ છતાં પ્રેમ, સ્નેહ, સમર્પણ – આ બધા શબ્દો વપરાતા રહે છે. આ પરિસ્થિતિ પ્રત્યે રોષથી ભભૂકી ઊઠીને જ હેમિંગ્વેએ કહેવું કે એ બધા શબ્દો ઠાલા છે. એના કરતાં તો શેરીના નામનું પાટિયું વધારે સાચું છે. ‘નાદા’ એટલે શૂન્ય, એ નાદાનું સ્તોત્ર રચે છે, આપણા નાસદીય સૂકતની જેમ.
એ શૂન્યનો પણ સંગીન અનુભવ થવો જોઈએ. એ પ્રાથમિક ભૂમિકા છે. એ વિના એ શૂન્યને પૂર્ણ કરવાની અદમ્ય ઝંખના ઉદ્ભવે નહીં.
મરણનો સાચો અર્થ એટલો જ છે. જે અપૂર્ણતા આપણે જાણી નહીં, જાણ્યા વિના નભાવી લીધી તેટલો મરણને આશ્રય આપ્યો. આ મરણનો ભય લાગવો જ જોઈએ. કારણ કે એ આપણને અણજાણ રાખીને આપણો કબજો લઈ લે છે. સ્થૂળ અર્થમાં આપણે જીવ્યે જ જઈએ છીએ, ને આપણે પોતે પણ આપણા મરણનો શોક કરતા નથી. આ મરણને પ્રકટ કરવાની વાણી આપણે શોધવી જોઈએ.
જીવ્યે જવાની તુચ્છ આસક્તિ માણસને વામણો બનાવે છે, એને કારણે એ પરિસ્થિતિને ઝૂકીને ચાલે છે. હજાર પ્રકારનાં સમાધાન કરી લે છે, તત્સમવૃત્તિ કેળવે છે. ‘એ તો બધું એમ જ ચાલે ’ એમ કહીને મન વાળી લે છે. નફફટાઈ કેળવી લે છે. આ જિજિવિષાના કાંઈ ગુણ ગાવા જેવા નથી. એને મરણ પરનો જીવનનો વિજય કહીને ઓળખાવનારો આશાવાદ મૂર્ખાઓનો આશાવાદ છે, એથી માનવીનું દૈવત કદી પ્રકટતું નથી. આથી નવી ક્ષણનો જન્મ એ પોતે જ એક ઉત્સવ છે. સાર્થકતાથી જે ક્ષણને મરણના મુખમાંથી બચાવી લીધી તે ક્ષણ જ ખરેખર જન્મ પામી કહેવાય. એનો જન્મોત્સવ તે જ સાચો જન્મોત્સવ, બાકી ક્ષણ શું, વર્ષો વીત્યે જાય છે. એનો સરવાળો તો ગણિત કરી આપે, પણ આવા સાચા જન્મોત્સવનાં લેખાં તો આપણે જ માંડવાનાં હોય છે. હું આશાવાદી છું કારણ કે આવો જન્મોત્સવ ઊજવવાનું સૌભાગ્ય હું આનન્દપૂર્વક સ્વીકારું છું . એ સૌભાગ્ય હવે કશી નિરર્થકતા કે તુચ્છતાને ચલાવી નહીં લે. સાર્થકતાથી ઓછું કશું એને નહીં ખપે. આ સાર્થકતા સિવાય બીજા કશામાં મને રસ નથી. આ પરમ સૌભાગ્ય હવે હાથમાંથી સરી જાય એવું બનવા દેવાનું નથી. આ સાર્થકતામાંથી જે સર્જન થાય છે તે ભાવકને પણ સાર્થકતાનો અનુભવ કરાવે છે. હું સર્જનનું ગૌરવ સમજું છું, ઘણાને અવાક બનીને મૂંઝાતા જોઉં છું, પોતાની લાગણીનો ચહેરો ઉપસાવી જોવાની પણ એમનામાં શક્તિ નથી. આ પરતન્ત્રતા સૌથી કપરી વસ્તુ છે. આપણે જે જે ચાહીએ તેને આપણે આવી લાચારીનો ભોગ તો નહીં જ બનવા દઈએ.
ઘણું ઘણું બનતું જશે, બન્યા કરશે, પણ જિન્દગીમાં એવી તો એક ક્ષણ આવવી જ જોઈએ જ્યારે બધું નિશ્ચિત થઈ ગયેલું લાગે. આપણને ધ્રુવપદ લાધી ગયું હોવું જોઈએ. આ ધ્રુવપદ વરદાનથી મળતું નથી. એને માટે આપણે પૂરેપૂરું મૂલ્ય ચૂકવીએ છીએ, ને કેટલીક વાર તો અજાણતાં આવી મોંઘી જિંદગી પણ હોમી દેવાની અણી પર આવી જઈએ છીએ.
એમાંથી બચી જઈએ એ જ મોટા ઉત્સવનું કારણ નથી? આટલું મોટું મૂલ્ય ચૂકવ્યા પછી જો આપણે આપણા સૌભાગ્યનું ગૌરવ નહીં કરી શકીએ તો જન્મજન્માંતર વ્યર્થ જાય. હવે તો એક ક્ષણ પણ નકામી જાય તે પરવડે એમ નથી.
ચેઝારે પાવેસે નામના ઇટાલીના લેખકે લખેલી ડાયરી ‘ધીસ બિઝનેસ ઓવ લીવીંગ ’ બે વર્ષ પહેલાં વાંચેલી, ત્યારે જીવન પરથી શ્રદ્ધા ઊઠી ગયેલી, ભવિષ્યની દિશા જ બંધ થઈ ગયેલી. ચેઝારે પાવેસે એવી જ મનોદશામાં આપઘાત કરીને મરી ગયો. આજેય એની નવલકથા વાંચું છું ત્યારે અપરિસીમ વિષાદનું મોજું હૃદય પર ફરી વળે છે.
આથી માનવી – સાચો માનવી મળે એ કેવી દુર્લભ વસ્તુ છે. ને જો કોઈને એ મળી રહે તો પછી એને ખોઈ નાખવા જેવું બીજું દુર્ભાગ્ય શું હોઈ શકે? એવા ‘મનેર માનુષ’ને જીવથી જતન કરીને સાચવવામાં સાર્થકતા ન અનુભવી શકાય?