હવે ઋતુ બદલાઈ લાગે છે. એ પરિચિત પવન શરૂ થયો છે, તડકો હવે માણવા જેવો લાગવા માંડ્યો છે. પણ હજુ વાદળો ગયાં નથી. કોઈક વાર ચન્દ્ર ટીસ્યૂ પેપરમાં વીંટાળેલા મોટા લોલીપોપ જેવો લાગે છે. ઊગતા ચન્દ્રની રતુમડી સોનેરી આભા જોઈ રહેવાનું મન થાય છે. પણ હવે ઠંડી વધશે ને ઠંડીથી મંજાયેલો ચન્દ્ર લીલાશ પડતી ભૂરાશવાળો લાગશે. રાતે ન સહેવાય એવી ચાંદની છલકાય છે. પણ બહારના પવન સાથે આજકાલ મારા શ્વાસનો લય બેસતો નથી. તેથી એ બે વચ્ચે ઘર્ષણ થાય છે ને મારો જીવ રૂંધાવા લાગે છે, ઘણાં વર્ષો પહેલાં એફ્રિડ્રિન(જેને આયુર્વેદમાં સોમકલ્પ કહે છે) લેતો ત્યારે છાતીની ધમણ એકદમ હાંફતી બંધ થઈ જતી ને એવી સુખદ તંદ્રામાં સરી જવાતું કે એમાંથી ફરી પાછા બહાર આવવાનું ગમતું નહીં. એ સ્થિતિમાં વાર્તાની અનેક સૃષ્ટિઓ રચાતી. ફરી એફ્રિડ્રિન લેવાનો લોભ થાય છે. પણ…
તન્દ્રા શબ્દ વાપર્યો ને હમણાં એક શુભેચ્છક મુરબ્બીએ કહેલું તે યાદ આવ્યું. ‘તમે તો કળાકાર, તન્દ્રામાં જ જીવો છો. હવે એમાંથી બહાર આવો.’ એમની ઇચ્છા તો મારા કલ્યાણ માટેની જ હશે, ને એ બદલ એમનો આભારી પણ છું. છતાં આ વિષે એક બે વાત કહેવાનું મન થાય છે : એક તો એ કે ‘હું કળાકાર છું’ એવી સભાનતા પળે પળે રાખીને જ નહીં, પણ એનો દેખાડો કરીને વર્તવાનું મને ફાવતું નથી. કોઈ એવું કરે તો એ મને ઝાઝું ગમતું પણ નથી. વળી આપણે સૌ માનવી છીએ, એમાં ‘હું કળાકાર’ એમ કરીને કાંઈ જુદો વર્ગ પાડીને હક્ક આગળ વધારવાની જરૂર મને લાગતી નથી, મને પોતાને તો સર્જનની પ્રવૃત્તિ જીવન સાથે તદ્રૂપ થયેલી જ લાગી છે.
હવે રહી તન્દ્રાની વાત. તન્દ્રા એટલે જાગૃતાવસ્થા નહીં ને સુષુપ્તિ પણ નહીં. એ વચ્ચેની ત્રિશંકુ અવસ્થા. વળી વાસ્તવિકતાનું ભાન પણ એમાં રહે નહીં. આથી પોતાની ધૂનમાં રચ્યાપચ્યા રહીને જેમ ફાવે તેમ કળાકાર તો વર્તે. આથી વહેવારુ અને અનુભવી વડીલ આપણને જગાડે એ તો આપણા હિતની જ વાત થઈ કહેવાય. આવું ખરેખર બનતું હોય છે ખરું? આવા કમલમધુપ્રાશી જીવ સર્જક થઈ શકે ખરા? રવીન્દ્રનાથે એક વાર આ જ મુદ્દા વિશે કાંઈક રમૂજ કરતાં કહેલું કે જો કવિઓ કમલવનવાસી છે, તો વિવેચકો વેત્રવનવાસી છે. એ નેતરના ઝુંડમાં વસે છે ને કવિઓ પર નેતર ઉગામે છે. સરસ્વતી સાથે નેતરને આપણે પહેલેથી જ સાંકળી દીધી છે. આથી વિદ્યાના ક્ષેત્રમાં પણ નેતરનો દંડો ઘુમાવનારની ખોટ નથી.
તન્દ્રા સાથે બિનજવાબદારપણું પણ એ લોકોને અભિપ્રેત હોય છે. કળાકાર બિનજવાબદાર હોઈ શકે? એ પોતાના કસબને જો જવાબદાર નહીં હોય તો સર્જન સંભવે ખરું? પણ એ પ્રકારની જવાબદારીની એ લોકો વાત નથી કરતા. એ જવાબદારી સમાજ પ્રત્યેની, સાચી રીતે તો જીવન પ્રત્યેની જવાબદારી, સર્જક જેટલે અંશે સમજે છે તેટલે અંશે કોઈ સમજતું નથી. આ જવાબદારીને કારણે તો એ ભોગ આપે છે. એ ભોગનું લેખું માંડવાનું એ સમાજને કહેતો નથી.
તન્દ્રા એટલે સત્ય સમજવાની અશક્તિ. આથી કળાકાર સત્યથી ભાગી છૂટનારો અનેક ભ્રાન્તિમાં રાચનારો જીવ છે, એમ માનીને ઘણા એની દયા ખાય છે. વાસ્તવમાં તો વાત જુદી જ છે. મોટા ભાગના સમાજમાં રહેનારા વહેવારુ જીવને તો જે ધારેલું પરિણામ લાવી આપે તે સાચું. આમ ભેદ પાડવો એ પણ કોઈક વાર એમને માટે નીતિ બની રહે, દંડ દેવો એ પણ નીતિ થઈ પડે, ને તેય આપણા પર ઉપકાર કરીને દંડ લે. કળાકાર તો સર્જન દ્વારા સત્યનો ક્રમશ: આવિષ્કાર કરતો રહે છે. એની શોધ પૂરી થતી નથી એમ તો પ્રામાણિકતાપૂર્વક કહે છે. પણ એની આ પ્રામાણિકતાની ઠેકડી પણ ઉડાવવામાં આવે છે. મેં કોઈક વાર કહેલું કે સાહિત્યસ્વરૂપોની અનેકવિધ શક્યતાઓની મારી શોધ ચાલુ છે. એ સાંભળીને એક મિત્રે કહેલું : ‘તો તમારી શોધનો અંત ક્યારે આવશે?’ મેં જરાય ખચકાયા વિના કહ્યું : ‘મારો અન્ત આવશે ત્યારે.’ આ જવાબ તો એમને વધારે હાસ્યાસ્પદ લાગ્યો. એમને હસતાં હસતાં પૂછ્યું : ‘તમે જિંદગીભર આમ ફાંફાં મારતા જ રહેશો ને પરિણામ કશું જ નહીં. તમે તો ખરા છો!’ એમણે મારી દયા પણ ખાધી હશે, પણ હું એમની દયા ખાવાની જરૂર જોતો નથી.
આવી ટીકાઓ સાંભળીને મને અંગત રીતે અપમાનિત થયાની લાગણી થતી નથી, આવે બધે જ પ્રસંગે મને માનવી માનવી વચ્ચેના અંતરનું દુ:ખદ ભાન થાય છે. બીજા હૃદય સુધી પહોંચવાનો રસ્તો કેટલો દુર્ગમ છે! બોદલેરની કાવ્યસૃષ્ટિના કેન્દ્રમાં માદામ સેબાતિયેર હતી, એ સૃષ્ટિનું કેન્દ્ર હતી તે સૃષ્ટિને તે પોતે જ સમજી શકતી નહોતી. એટલું જ નહીં એને વિશે એ પૂરેપૂરી બેતમા હતી. બોદલેર એને વિશે કવિતા લખીને એને ચરણે ધરતો અને એ ઉદાસીનતાભરી નજરે એના તરફ જોઈ રહેતી. એને તો બનીઠનીને રહેવું હતું. સુખ માણવું હતું. બોદલેર એમાં સાધનરૂપ જ હતો. આવી નિષ્ઠુર પ્રેયસીની આરાધના બોદલેર કરતો રહેલો અને આખરે પાગલ થઈ ગયો. બોદલેરની તો આ દશા થઈ પણ આપણને સુન્દર કાવ્ય મળ્યાં. આજે જ્યારે એ કાવ્યો માણીએ છીએ ત્યારે બોદલેરની અવદશાને આપણે યાદ કરતા નથી.
જેને સહુથી વિશેષ કહેવાનું છે, નિકટતમ રહીને કહેવાનું છે તે જ્યારે પોતાના પ્રિય પાત્રને કહેવા છતાં કશું કહી શકતો નથી, નિકટતમ જવાની ઉગ્ર ઝંખના છતાં હડસેલાઈને દૂર જ ફેંકાઈ જાય છે ત્યારે આવી નિરર્થક વેદનામાં સાર્થકતા આપણે માટે સારવી આપવાનો પુરુષાર્થ કરવા એને કોણ પ્રેરતું હશે? એ શું ટીકાકારો કહે છે એવી નરી તન્દ્રા હશે? ન જાને?
આથી ઊલટું ઘણા લેખકો ‘સાધના’, ‘વ્રત’ જેવા મોટામોટા શબ્દો પોતાની લેખનપ્રવૃત્તિ માટે વાપરે છે. એવા આડમ્બરની પણ શી જરૂર? આપણે ઘણા દુ:ખદ અનુભવો પછી સમજતા થઈએ છીએ કે જે સહજ રીતે આવી મળે છે તે જ આપણું છે. આપણા હાથમાં આવી ચડેલો કોઈ હાથ સદા આપણો થઈને રહેવાનો નથી. જે આંગળીઓ આપણી આંગળીઓ સાથે ગુંથાવામાં દ્વિધા અનુભવે છે તે કદાચ ભવિષ્યમાં નવી દિશા શોધી લેશે.
આ બધું કહીએ છે છતાં, માનવી હોવાને કારણે જ આપણે જાણવા છતાં સ્વેચ્છાએ ભૂલો કરીએ છીએ. જે પ્રેમમાં પશ્ચાત્તાપ ભળે છે તેનો સ્વાદ ચાલી જાય છે. સંસ્કૃતિ એટલે જ જાણે ઉપકરણોનો ઉપચય-એથી આપણા આ જમાનામાં તો સહજ વિરલ થઈ પડ્યું છે. આથી જ તો જે સહજ રીતે પ્રાપ્ત થાય એનું મૂલ્ય વધી જાય છે, કારણ કે એ ખરેખર દુર્લભ હોય છે.
આવા ભાવસંક્રમણની હૃદય હૃદય વચ્ચેની પ્રવૃત્તિ, નફાતોટાનો હિસાબ માંડ્યા વિના, આપણા સૌના વતી કવિ કરતો રહે છે. એમાં વ્યકિતગત રીતે એ ખૂબ સહન કરતો એમ પણ બને. તો પછી કૃતઘ્ન બનીને શા માટે કળાકારોને ભાંડીએ? એને બદલે આપણે જડભરત છીએ તે જાણીને સહેજ શરમાવાનું ન શીખીએ? યુવાન સર્જકોના સંપર્કમાં રહેવું એને મારું એક સદ્ભાગ્ય ગણું છું. તત્ત્વનું ટૂંપણું ડહોળનાર તો છાશવારે ભટકાતા જ હોય છે, પણ કવિનો શબ્દ સાંભળવા મળે તો તે દિવસ સાર્થક. છતાં, આપણી શિક્ષણસંસ્થાઓમાં સર્જનપ્રવૃત્તિ પાંગરતી નથી એનું શું કારણ? ઉમાશંકર- સુંદરમ્ ઊછરતા કવિઓ હતા ત્યારે આ જ સંસ્કારનગરી વડોદરામાં ઉત્સાહપૂર્વક એમની કવિતાઓ એમને કંઠે લોકોએ સાંભળેલી. એ જ સંસ્કારનગરીમાં એ જ કવિને માનપત્ર આપતી વખતે એમની જે કૃતિઓને માન મળ્યું તે કૃતિનું નામ પણ યાદ ન રહ્યું! તો પછી ઊઘડતા આવતા નવા કંઠોને સાંભળવાની કે સાંભરવાની વાત જ કેવી? શું આપણી નગરી હવે વૃદ્ધ થઈ ગઈ છે? શું એ માત્ર કથાકીર્તનો જ સાંભળે છે, રાજકારણમાં પડેલાઓની ધૂર્તવાણી જ સાંભળીને રાચે છે? આ નગરીને નાનાલાલ પ્રેમાનન્દનગરી કહેતા તે શું આપણે ભૂલી જઈશું?