ક્યાં છે સૂર્ય?

કોઈ વાર વહેલા જાગી જવાય છે. મોટાં શહેરો પણ થોડો સમય જંપી જાય છે. એ ક્ષણે માનવીના અને માનવીએ ઉપજાવેલા અવાજો સંભળાતા નથી. બધું જ નીરવ હોય છે. સદાના વાચાળ હૃદયને પણ ત્યારે સહેજ ચૂપ રહેવા કહેવાનું મન થઈ જાય છે. દિવસ આખો તો એ જ કાગારોળ રહેવાની છે. ક્ષણ બે ક્ષણની નીરવતા એ તો કેવી વિરલ બની ગઈ છે! એથી તો હૃદયને કહું છું : ચૂપ. બારીમાંથી થોડે દૂર દેખાતી વનરાજિમાંથી જે રવ સંભળાય છે તે તમે કે હું બોલીએ એવો અવાજ નથી. ઝાકળનાં બિન્દુ સૂર્ય ઊગતાં પહેલાં સરી પડીને પાંદડાંને જે કહેતાં જાય છે એના જવાબમાં પાંદડાં જે કહે છે તે સંવાદનો એ ધ્વનિ છે. ધરતી પર પડીને શોષાઈ જતાં બિન્દુઓનો એ નિ:શ્વાસ છે, એમાં આકાશની પણ આહ છે, ધરતીની વેદના પણ છે. આ આહ અને વેદનાની સાક્ષીએ પણે મોગરાની કળી ખીલે છે. એ ખીલવાની મુગ્ધતાનો સૂર પણ એમાં ભળે છે. ક્યાંક કોઈકે સળગાવેલાં સૂકાં પાંદડાંના બળવાનો અવાજ એમાં ભળે છે. પવનને એની આંચ લાગે છે ને એ એક આછી ચીસ પાડી દે છે તે પણ સંભળાય છે. ઘરનો મોભ અને વળીઓ વાત કરે છે તે પણ સાંભળવાનું આ મુહૂર્ત છે. થોડે દૂરની નદીના પારદર્શક જળને તળિયે ગોળમટોળ કાંકરો જે લિસ્સો શબ્દ ઉચ્ચારે છે તે પણ સાંભળી શકાય છે. ગુલાબના કાંટાઓનો અણિયાળો કર્કશ સૂર પણ કાને અથડાય છે, ગઈ કાલ ચાલી જતાં જતાં પાછું વળીને જુએ છે. એની એ કરુણ અશ્રુસ્નિગ્ધ દૃષ્ટિનો કોમળ ગાંધાર પણ આ ક્ષણે સંભળાય છે. આછી ક્ષીણ થવા આવેલી શિરીષની સુગન્ધમાં પણ પ્રિયતમને ખોઈ બેઠેલી કન્યાના હૃદયમાં એ પ્રિયતમની આછી થવા આવેલી સ્મૃતિની અશ્રધૂસર વિહ્વળતા છે. આથી વહેલી સવારની એકલતામાં એક કસક રહી હોય છે. એ યાતનાનાં તીક્ષ્ણ નહોર નથી, છતાં આ કસકનાં ચિહ્ન હૃદય સાચવી રાખે છે.

વરસાદના દિવસો તો હજી દૂર છે, પણ વર્ષાની સવાર વળી જુદી જ હોય છે. શહેર તો વર્ષાને પણ મલિન બનાવી દે છે. નિર્જન નીરવ હરિયાળીમાં વરસાદનાં બિન્દુ પાલવ સંકોરીને ચાલતી અભિસારિકાની જેમ ચાલે છે, છતાં એનો સળવળાટ છાનો રહેતો નથી. વૃક્ષોનાં પાંદડાં વચ્ચેના અન્તરમાંથી પસાર થતી હવા એની વાત આછા સ્વરે પ્રસારી દે છે ત્યારે એનાં બે હીબકાં વચ્ચેનું અંતર પણ જાણીતું થઈ જાય છે. અજાણ્યા પંખીનો આર્ત ચિત્કાર એની અતિશયોક્તિ કરે છે. આકાશનું પાત્ર ઝમ્યા કરે છે. આપણી આંખને પણ ખબર નથી પડતી કે એક આકાશ જ સંઘરી શકે તેટલાં આંસુ એણે શી રીતે સંઘર્યાં હશે! આંસુથી રૂંધાયેલા કણ્ઠે બધાં વૃક્ષો બોલવા જાય છે. આપણો કણ્ઠ પણ આ સાંભળતાં રૂંધાઈ જાય છે ને વર્ષાની વહેલી સવારની એકલતામાં આપણું પ્રથમ ઉચ્ચારણ આકાશ અને પૃથ્વીના જુગજુગ જૂના અબોલા પછીની પહેલી વાણીની વિહ્વળતાથી છલકાઈ ઊઠે છે, એ ક્ષણે આપણી આંખ જેને શોધે છે તે આપણી પાસે હોય છે? ના, અહીં આંખ વગરનું એનું એકાદ આંસુ, શબ્દ વગરનું ઉચ્ચારણ, અને એના હોઠ વગરનું મ્લાન સ્મિત માત્ર દેખાય છે, ત્યારે ટીપે ટીપે ટપકે જતી આ અસહ્ય જિંદગીને એક પ્રચણ્ડ પ્રપાત રૂપે ફંગોળી દેવાનું મન થાય છે. ભીના ઘાસની વાસ, પાંપણને છેડે સહેજ ટકી રહેલાં આંસુની ભંગુરતા, ત્યારે આપણને હચમચાવી જાય છે.

પણ વર્ષા દૂર છે. અત્યારે તો આંસુમાં આનન્દ આનન્દ ચમકે છે. વૃક્ષોની હરિત શોભાનો સાગર હિલોળા લે છે. બધે તાજગી છે, પ્રસન્નતા છે. આ આંસુ તો ધારા બનીને વહે એટલાંય નથી, એથી એને તો આંગળીને ટેરવે જ ઝીલી લેવાય એમ છે. આંખોમાં હજી આકાશનું ઊંડાણ નથી, તેથી બહુ ડહોળાયા વિનાની આનન્દની છબિ એમાં દેખી શકાય છે, ને હવે દેખી શકાય ત્યાં સુધી એને જોયા કરવાનો લોભ છે. આથી જ તો આ ગ્રીષ્મની સવારે હૃદયને સુધ્ધાં ચૂપ કરીને આ બધું સાંભળ્યા કરવાનું ગમે છે. પછી તો ડેરીની ટ્રકમાંથી બાટલીઓ ખાલી કરવાનો અવાજ, દૂધ લેવા જતી ગૃહિણીઓના ઊંઘરાટાયેલા અવાજ, કોઈનો ખોંખારીને કોગળા કરવાનો અવાજ, સદાનો ઘોંઘાટિયો સ્ટવ, ચહાના ખખડતાં પ્યાલારકાબી, રેડિયો, છાપાં ને પછી તો અવાજોનું આખું જંગલ આપણને ભરખી જાય છે. ઘણી વાર દિવસના દિવસ સુધી કશું બોલું જ નહિ એમ થાય છે, પણ બીજા કશા અવાજ ન સંભળાય એટલા માટે આપણા પોતાના જ અવાજનો આશ્રય લેવો પડે છે, આપણા પોતાના અવાજ સાથેની આપણી નરી એકલતા પણ કેવી તો અસહ્ય હોય છે! કોઈ પાતળી નાજુક કન્યાના ભીરુ ચિત્તના એકાન્તમાં જે ઉચ્ચારાવા મથતા શબ્દની ધ્રૂજતી રેખા હોય છે તેમાં કેવો વેદના અને આનન્દનો ભેગો કમ્પ હોય છે! પાતાળ જેટલું ઊંડાણ સંઘરીને બેસનારા પણ ક્યાં નથી? કોણ જાણે શું થઈ ગયું હોય છે એમને? એકેય શબ્દ ઉલેચી શકાતો જ નથી. આપણે એ ઊંડાણમાંથી શબ્દ શોધી લાવવા જઈએ તો આપણા હાંફતા હૃદયનો અવાજ સાંભળીને જ પાછા વળીએ છીએ. એમની આંખો આપણને દયાથી જોઈ રહે છે. જાણે મૂંગો ઠપકો આપે છે, આવા ઉધામા શા માટે?

હવે તો સવાર થઈ ચૂકી છે, ગ્રીષ્મના તડકાને તો તરત જ તીક્ષ્ણ ધાર નીકળી આવે છે. એની અણીએ આપણી ક્ષણો વીંધાઈને પરોવાતી આવે છે. સાંજને છેડે એ પરોવાયેલી ક્ષણોની નિર્માલ્ય કોણ ઉતારીને લઈ લેશે? આવી પળે બધું જ આપણા પરથી ઝાકળબિન્દુની જેમ સરી જાય ને આપણે શૂન્ય બનીને નિ:શેષ લોપ પામી જઈએ એવી ઇચ્છા થાય છે. બાળપણની થોડી કડવી સ્મૃતિને પણ ચીસ પાડીને, રડી દઈને, મારામાંથી આજ સુધી ફેંકી દઈ શક્યો નથી તો ત્યાર પછી જે બધું સંચિત થયું છે તેનું શું? સ્મૃતિને આંખ નથી. એ ખોડંગાતી ચાલે છે. સ્મૃતિને અમરતા નથી. સ્મૃતિની તીક્ષ્ણ ધાર આપણા વર્તમાન અને ભૂતકાળને છેદીને જુદા પાડે છે, વિયોગની જે ક્ષણે સમયમાંથી જ હડસેલાઈ ગયા તે ક્ષણે સ્મૃતિના જાળામાં ફસાઈને છૂટી શકાયું નહીં. આનન્દ સાથે સ્મૃતિ વેદનાને પણ ઉછેરે છે. સૌથી મોટો ભાર સ્મૃતિનો છે. આથી જે એક ઝાટકે ભૂતકાળની સ્મૃતિને તોડી નાખી ફગાવી દઈને નવી સૃષ્ટિમાં પહેલું ડગલું ભરવા તત્પર થઈ શકે છે તેની શક્તિ મને ભયભીત કરી મૂકે છે. એ ભયના કમ્પનો આંચકો સમસ્ત ક્ષણોને લાગ્યો છે. બધું જ ધ્રૂજ્યા કરે છે. ધ્રૂજતી દૃષ્ટિ કશું સ્થિર કરીને જોતી નથી. જેની પાસે સ્મૃતિને ધૂંંધળી કરવા જેટલાં પણ આંસુ નથી તેની શી દશા?

પગ તળે કચડી નાખેલો અગ્નિનો તિખારો બુઝાતો નથી પણ આપણને વધારે બાળે છે. એને બુઝાવવાને તો આખો સમુદ્ર જોઈએ. પણ આખા ઘૂઘવાતા સમુદ્રનેય રૂંધી નાખે એવી શિલા હોય છે. એને કોણ ખસેડે? શિશુનું મુખ જોઈને આનન્દથી ચમકતી માતાની આંખોમાં જે નિર્દોષ નિષ્કલુષ ઉલ્લાસ છે ત્યાં સુધી તો હવે પાછા જઈ શકાવાનું નથી. ત્યાર પછી એ શિશુના મુખ પર કેવી કેવી રેખાઓ અંકાઈ ગઈ છે! ગર્ભમાં અંગેઅંગની ઘડનારી માતા પણ આંગળી ફેરવીને એ રેખાઓને વાંચી શકતી નથી.

આથી જ જીવનમાં સદાકાળ એક પ્રતીક્ષા નિષ્પલક નેત્રે જાગતી બેઠી હોય છે. આપણે ઝંખીએ છીએ એવી કશી પ્રચણ્ડતા જેનો નિનાદ આપણને બીજું કશું સાંભળવા ન દે, જેની ઊછળતી છોળ આપણને બીજું કશું જોવા ન દે, જેની કાંઠા સુધીની નરી છલોછલ પૂર્ણતા જ આપણને બીજી દિશામાં ચરણ મૂકવાની સ્વતન્ત્રતા જ ન આપે. આપણા હૃદયના આછા ધબકારામાં જ એ આગમનની પ્રથમ એંધાણી વરતાઈ હતી એનું આપણને ભાન થાય એ કેવી સુખની ક્ષણ!

પ્રાપ્તિ અને ક્ષતિ : આથી પ્રાપ્તિ પણ કદી ન રૂઝાતો ઘા બની રહે છે. આ માનવીની નિયતિમાં ચિરંજીવ તો આઘાત જ છે. જેટલો આઘાત ઊંડો તેટલો આનન્દ ઊંડો. આથી આઘાતની શી ફરિયાદ કરવી? પણ આપણાથી જ અણજાણપણે આપણી આંખો દયામણી દૃષ્ટિએ પ્રતીક્ષા કરતી હોય તો? આપણાથી જ અણજાણપણે આપણી વાણીમાં આજીજીનો સ્વર ભળી જતો હોય તો? આપણાથી અણજાણપણે આપણા હાથ બીજા સાથે ગુંથાઈ જવાને બદલે ભિક્ષાપાત્ર બનીને યાચના કરતા હોય તો?

આ ‘તો?’ના તોતિંગ પડઘા ભંગુર હૃદયની પાળને તોડે છે. આ ગ્રીષ્મની સવારે, પ્રખર સૂર્યના નિષ્ઠુર તેજમાં પણ આંખે અંધારાં વળે છે. આંખો બાવરી બનીને શોધે છે, પૂછે છે ક્યાં છે સૂર્ય? ક્યાં છે સૂર્ય?

License

ઇદમ્ સર્વમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.