દીવાલ : સંસ્કૃતિનું પ્રતીક

મધરાતે કોઈ વાર પાસેના કમાટીબાગમાંથી પાંજરામાંના સંહિની ગર્જના સંભળાય છે ને એની આજુબાજુ એક અરણ્ય ઊગી નીકળે છે. સંસ્કૃતિનો આ સાજસરંજામ આ અરણ્યમાં અલોપ થઈ જાય છે. આખરે તો કોઈ દિવસ માનવી ઉપર ઉદ્ભિજનો જ વિજય થવાનો છે. આજે નગરો છે ત્યાં દીવાલોને ફાડીને પીપળા ઊગી નીકળશે. કાચ વગરની ઝૂલી પડેલી બોખી બારીઓને જાળાં ઢાંકી દેશે, માનવીઓ કરતાં કરોળિયાઓ વધુ ટકી રહેશે. નાની કીડીઓ પણ હારબંધ ચાલી જતી હશે, અનેક પ્રલયોનું સાક્ષી જળ પણ એની મીંઢી દૃષ્ટિથી બધું જોયા કરશે. એ નિ:શબ્દતામાં માનવીનો શબ્દ ઉચ્ચારાતો નહીં સંભળાય. દેવદેવીનાં શિલ્પ પણ વનસ્પતિના નેપથ્યમાં ચાલ્યાં જશે. આથી વિરાટકાય વૃક્ષોને જોઉં છું ત્યારે સંસ્કૃતિના અંતકાળના સાક્ષીઓ રૂપે એ ઊભેલાં લાગે છે. ઊંચા ઊંચા શાલવૃક્ષોની હાર વચ્ચેથી પસાર થતાં એમની આકાશાભિમુખ નિલિર્પ્તતા અનુભવીને ભયથી કંપી ઊઠું છું.

સંસ્કૃતિનું પ્રતીક કોને કહીશું? દીવાલ જ સંસ્કૃતિનું પ્રતીક છે. માનવીએ કેટલા બધા પ્રકારની દીવાલો ઊભી કરી છે. દીવાલ એટલે અલગ પાડવાની વ્યવસ્થા. દીવાલ એટલે એકાન્ત, આમ ગણતાં પાર નહિ આવે. દીવાલ તરફ ઊંધે મોઢે ઊભા રહીને કેટલા માનવીઓ મર્યા, કેટલા માનવીઓ દીવાલની પેલે પાર જઈ ન શક્યા! આથી કાફકાને મન ચીનની મોટી દીવાલ એક સમર્થ પ્રતીક બની રહ્યું. દીવાલમાં બાકોરું પાડ્યું, બારણાં બનાવ્યાં, બંધ કર્યાથી સંતોષ ન થયો એટલે તાળું બનાવ્યું. તાળું બંધ કરવા તથા ઉઘાડવા ચાવી બનાવી. ચાવી એટલે જ જાદુ. એનાથી બધું ખૂલે ને બંધ થાય. પણ આ બધાંને ન ગાંઠે એવો છે માનવીનો શબ્દ. એને અગ્નિથી ભસ્મીભૂત કરી શકાયો નથી, કબરમાં દફનાવી શકાયો નથી. દીવાલ વચ્ચે પૂરી શકાયો નથી. શબ્દ તે આકાશ છે.

License

ઇદમ્ સર્વમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.