અનિકેત બૉમ્બે સેન્ટ્રલના પ્લેટફૉર્મ પર પગ મૂકતાં જ જુએ છે કે ભીડ નથી. કોઈ સમારંભમાં જનારા અનામંત્રિતની મનોદશા સાથે એણે શહેરમાં પગ મૂક્યો. ટેકસીવાળાએ પહેલાં સાંભળ્યું — ‘સિકકાનગર’ અને પછી સાંભળ્યું — ‘મલબાર હિલ.’ ટેકસીવાળાએ માન્યું હશે કે આ અતિથિ હશે અને ક્યા યજમાનને ત્યાં જવું તેનો નિર્ણય કરી શક્યો નહીં હોય.
અનિકેતને ખબર ન હતી કે અમૃતા હવે સિકકાનગર છોડી ગઈ છે. એને ખબર હતી કે અમૃતા રહેતી હોય ત્યાં ન જવાય. અને તેથી એ પોતાને ઘેર ન ગયો.
હાથ અડતાં જ ઉદયનના રૂમનું બારણું ખૂલી ગયું. રૂમના માયૂસ ખાલીપણામાં એણે પગ મૂક્યો.
બહાર સર્વત્ર સમય સવારનો હતો. ઉદયનના રૂમની સવારનો રંગ સાંજ જેવો હતો.
દીવાલને અઢેલીને એ બેઠો હતો. એ પૂર્ણપણે સ્થિર હતો.
અનિકેત આવ્યો તે એણે જોયું કે નહીં, અનિકેતને ખબર ન પડી.
ઉદયનનો હાથ ઊંચો ન થયો. એના હોઠ ફરક્યા નહીં. એની પાંપણ ચમકી નહીં, એના ચહેરાની કોઈ રેખાએ ઊંડે ઊંડે પણ કશું વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો નહીં.
બારણાથી બે કદમ આગળ વધીને અનિકેત ઊભો રહ્યો. પગ દ્વારા વીજળીનો કરંટ લાગે અને એના હાથમાંથી સૂટકેસ પડી જાય એમ એના દેહમાં જડતાનો આંચકો આવી ગયો.
અનિકેતને આમ આશ્ચર્યમૂઢ થતો જોઈને પણ ઉદયન ફરક્યો નહીં.
આ ઉદયન નથી એમ કહેવું ખોટું હતું અને આ ઉદયન છે એમ માનવું સહેલું ન હતું. મીણના ઓગળવા આવેલા પૂતળાની જેમ ઉદયન લોચા જેવો પડ્યો હતો. એની દૃષ્ટિ સાવ અચેતન હતી. એના હોઠને ખૂલવાનો અભ્યાસ ન હોય એ રીતે બિડાયેલા હતા.
‘હું આવ્યો છું. તે ઉદયનને એવું જ લાગે છે કે જાણે હું નથી આવ્યો.’ અનિકેત વિચારી રહ્યો.
પોતાને જોઈને અનિકેત દિઙ્મૂઢ થઈ ગયો છે તે જોઈને ઉદયનને આશ્ચર્ય ન થયું. એના ચહેરા પર છવાયેલી વિરતિ પૂર્વવત્ રહી. બારીમાંથી વહી આવેલો પવન એના ચહેરાને સ્પર્શ કર્યા વિના ખુલ્લા બારણે બહાર નીકળી ગયો. અનિકેતે બારણું બંધ કર્યું.
ઉદયનની પાસે જઈને એ બેઠો. જે તરફ પહેલાંથી એ જોઈ રહ્યો હતો તે તરફ જ હજી એ જોઈ રહ્યો હતો. હજી પણ જે નથી તે જ એને દેખાઈ રહ્યું હતું. અનિકેત સરકીને એની વધુ નજીક ગયો. હાથથી પકડીને એનું મોં પોતાના તરફ કર્યું. એનું ધડ એમ જ રહ્યું, ગરદન વળી અને એનો ચહેરો અનિકેતની સમ્મુખ થયો. આંખો પૂર્વવત્ ખુલ્લી જ હતી. અનિકેતને આજે મિત્રની આંખો વધુ મોટી અને વધુ ખાલી લાગી. મોટાં મોટાં વૃક્ષોની ડાળી નીચે લથડી ગયેલા લટકતા માળા, પંખીઓના ઊડી જવાને કારણે લાગે તેથી પણ વિશેષ ખાલીખમ આંખો જોઈને અનિકેતને ભયનો અનુભવ થયો. એણે ઉદયનનો હાથ હાથમાં લીધો. કંઈક કહેવા એના હોઠ ખૂલ્યા અને ઉદયને એકાએક હાથ ખેંચી લીધો. અનિકેતના સ્પર્શથી એની ત્વચાએ ઠંડીનો કંપ અનુભવ્યો હતો.
‘ઉદયન?’
પૂર્વવત્ સ્થિતિ.
‘ઉદયન, તને આ શું થયું?’
ઉદયને નીચું જોયું.
‘કેમ કંઈ બોલતો નથી?’
એણે અનિકેતના સામું જોયું.
‘ઉદયન તારી આ દશા?’
‘તું કશું બોલ નહીં. એમ જ બેસી રહે. તારા જેવા સ્વસ્થ માણસે આમ બેચેન થવું ન જોઈએ. અનિકેત! તું મારી સામે પેલી આરામખુરશી લાવ, અને એમાં બેસ. રાત્રે ગાડીમાં પૂરતો આરામ મળ્યો ન હોય તો ઊંધી જા. કે પછી જાગતો જાગતો મારા તરફ નજર રાખ. આપણે વાત ન કરીએ. ફકત આપણે નજીક હોઈએ. અત્યારે -હાલ તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે આપણે સૂનકારને જાળવી રાખીએ. બે માણસો વચ્ચે એકાન્ત કેટલું ટકી શકે છે તે જાણી લઈએ.’
‘પરંતુ તને થયું છે શું?’
‘મને કંઈક થયું છે ખરું. શું થયું છે તે જાણતો નથી. હું દુ:ખી છું કે કેમ તેની પણ મને ખબર નથી. પણ હું નિબિડભાવે અનુભવી રહ્યો છું કે હું છું. વિચાર કરી શકું કે જે છે તેને કંઈક તો થતું જ રહે છે.’
‘આટલો નિર્મમ થઈને વાત ન કર.’
‘નિર્મમતા શેની, જે મને સહજ છે તેને તું એવું નામ ન આપ. તું જાણે છે કે પોતાને દુ:ખી માનીને અથવા જાહેર કરીને હું કોઈની અનુકંપા ઈચ્છતો નથી. હું જાણું છું કે તું અનુકંપાશીલ નથી, પ્રેમાળ છે. આજે તો હું પ્રેમ પણ નથી ઈચ્છતો. હાજરી ઈચ્છું છું. કોઈ એવી ક્ષણ આવે છે કે મને મારી પોતાની હાજરી ઓછી લાગવા માંડે છે. ત્યારે એમ થાય છે કે કોઈ મારી પાસે હોય તો સારું. વિચારવું ઓછું પડે.’
‘હા, કોઈ હોય તો સારું.’
‘મેં તને પત્ર લખ્યો ત્યારે મેં માન્યું હતું કે તું થોડા દિવસમાં આવી જશે. પણ તું આવ્યો નહીં. આવવાની ઈચ્છાને તેં રોકી હોય તો તેનું કારણ પણ સમજી શકાય એમ છે. એ કારણ ખોટું પડ્યું. તું તો આવ્યો, બહુ મોડો આવ્યો. મેં તારી રાહ જોવાનું છોડી દીધું તે પછી તું આવ્યો.’
‘પણ પત્રમાં તેં કશું ગંભીર લખ્યું ન હતું.’
‘યાદ નથી શું લખ્યું હશે. રહી ન શક્યો ને મેં તને પત્ર લખી દીધો. એકાએક હું અકળાઈ ઊઠયો હતો અને અશબ્દ રહેવું દુ:સહ થઈ ગયું હતું. બીજા કોને યાદ કરું? તને પત્ર લખી દીધો. તે વખતે લખ્યો. હવે લખવાનો હોત તો ન લખત. હવે તો પેન હાથમાં પકડવી ગમતી નથી. તું મારા એ પત્રને લીધે જ આવ્યો?’
‘હા.’
‘તો તારો આભાર. મિત્ર પણ જ્યારે આભાર માને ત્યારે એ આભારનું મૂલ્ય ઘણું હોવું જોઈએ. તો મિત્ર, આજે તું આવ્યો તેની મારા પર ભલે કંઈ પણ અસર પડી ન હોય. તું બેત્રણ દિવસ મારી સાથે રહીશ તો તારા સાહચર્યની મારા પર ઘણી અસર પડશે.’
પુસ્તકોના ઘોડા પરથી એક ગરોળી ઊંચે ગઈ. એક જંતુ જાગ્રત થાય તે પહેલાં એને મોંફાડમાં એણે ઉપાડી લીધું. એની રાખોડી પીઠમાં સંચાર થયો. એ પાછી વળીને પુસ્તકોના ઘોડા પાછળ સરકી ગઈ.
એ ઊભો થયો. ઉદયને કહ્યું હતું તે રીતે આરામખુરશી નજીક લાવીને એમાં બેઠો.
‘આજે હું તને કોઈ સારા ડૉકટર પાસે લઈ જાઉં.’
‘બે દિવસ પહેલાં હું ત્રણ ડૉકટરોને મળી આવ્યો છું. ત્રણેયના મતમાં પચાસથી સાઠ ટકા અંતર છે. મને તો ઈચ્છા થયેલી કે એક પછી એક એમ બધા ડૉકટરોની મુલાકાત લઈ આવું. એમને ભળતા રોગોનાં ક્યાં ક્યાં નામ આવડે છે તે જાણું. કેવા આત્મવિશ્વાસથી એ નિદાન કરે છે, તે જોઉં. પરંતુ થાક લાગતો હતો. ત્રણથી સંતોષ માનીને પાછો વળ્યો.’
‘શું કહ્યું એમણે?’
‘ચોક્કસપણે કશું કહી શકાય નહીં. હું એમની મુશ્કેલી સમજી શક્યો. નિદાન કરવા માટે કંઈક તો ધારીને ચાલવું પડે છે. કાર્યકારણ સંબંધ ન જડે તો સાદૃશ્ય પરથી ચાલવું પડે છે. એક ડૉકટરે લાંબા સમય સુધી સ્ક્રિનિંગ કર્યું અને કહ્યું કે એક કિડની નબળી પડી ગઈ છે. ક્યારે કામ કરતી બંધ થાય તેની ખબર નહીં. કિડની બગડે તેનાં કારણ હું સમજી શકું છું. ખાવાપીવાની પદ્ધતિ સાથે એને સંબંધ હોઈ શકે. પણ લોહીમાં આવી રહેલી વિકૃતિનું કારણ…’
‘એ અંગે કોઈએ કંઈ ન કહ્યું?’
‘કહ્યું કે લોહીમાં એવો રોગ જાગી રહ્યો છે જેનું નામ પાડી શકાય તેમ નથી. રોગનું વ્યક્તિત્વ હજી બંધાયું નથી. મને લાગ્યું કે તો તો પછી રોગને ઓળખી શકાય તેવી સ્થિતિ આવે ત્યાં સુધી મારે રાહ જોવી જોઈએ. મારે રોગને સહાયક પણ થવું જોઈએ. તેથી બે દિવસથી કંઈ ખાધું નથી. આ રૂમની બહાર ગયો નથી. રોગને અનુકૂળ થઈને એનો રસ્તો સરળ કરી રહ્યો છું. એના વિકાસમાં રસ લઈ રહ્યો છું કારણ કે એને ઓળખવા માગું છું. આશા રાખું છું કે નિકટના ભવિષ્યમાં એનું વ્યક્તિત્વ પૂર્ણપણે પ્રગટ થશે. વીતી ગયો તે યુગમાં કેટલાક લડવૈયા પોતાની પાસે બે તલવાર રાખતા. શત્રુ સામો મળે અને એ અશસ્ત્ર હોય તો એક એને આપતા. હું એ લડવૈયાનું અનુકરણ કરી રહ્યો છું. રોગ સજ્જ થઈ ને મારી સામે આવે તે પછી હું એની સાથે લડી લઈશ.’
અનિકેતને પોતાના કાન વિવશ લાગ્યા. ઉદયન બોલે તે બધું સાંભળવું પડતું હતું. એણે નિષ્ક્રિયતા અનુભવી. રૂમના વાતાવરણના અણુ અણુમાં ઠંડી નિષ્ક્રિયતાનો ભાર હતો. એ ઊભો થયો. ફરવાને બદલે અહીં-તહીં ઊભો રહેવા લાગ્યો. પાકા નાળિયેરનાં છોતરાં ઉતારવા માટે પોચો ભાગ શોધવા એને ગોળ ગોળ ફેરવવું પડે તેમ અનિકેત પોતાના મૌનનો છેડો શોધતો હતો.
તો લગભગ એક માસથી એની તબિયત સારી નથી. આ સ્થિતિમાં પણ આમ એકલો રહે છે. એણે નોકર રાખવો જોઈતો હતો પણ નહીં રાખે. એ અંગે પહેલાં એની સાથે વાત થયેલી છે. ‘કોઈ માણસને પોતાના નોકરરૂપે જોવો તે મારાથી સહન ન થાય. અને મારામાં બીજાઓને એ રૂપે જોવાની ટેવ પડી જાય તો પછી હું મને માફ ન કરી શકું.’ એના કથનમાં સંભવ છે થોડી અતિશયોક્તિ હોય પરંતુ એણે નોકર રાખ્યો નથી તે હકીકત છે. નાના કે મોટાનો ભેદ કર્યા વિના સહુની સાથે એ એક ભૂમિકાએ વર્તે છે. ‘સ્વામી અને સેવક… માણસ અને માણસ વચ્ચે એ વ્યવહાર શોભે નહીં’… પણ કોઈ આપણું કામ કરે તેથી એને નોકર જ માનવો એવું કોણે કહ્યું ? બાકી, કાર્યભેદ તો રહેવાનો જ. અત્યારે ઉદયન સાથે ચર્ચા કરવાનો સમય નથી. તેથી અનિકેતે પોતાના ચિત્તમાં ચાલતો સંવાદ પણ શાંત પાડ્યો. હવે તો ઉદયન જે છે તે છે. એને એ સ્વરૂપે સ્વીકારી લેવામાં મિત્ર તરીકેનું મારું દાયિત્વ રહેલું છે. એક વાર એ તંદુરસ્ત થઈ જાય અને અમૃતા…
ઉદયનના પલંગની બારી કને જઈને એ ઊભો. બારીમાં ટીપી નાંખેલાં બે રમકડાં પડ્યાં હતાં.
‘આ શું ઉદયન?’
‘ભંગાર.’
‘શેનો ભંગાર?’
‘ભંગાર પરથી મૂળ આકૃતિની તું કલ્પના નહીં કરી શકે?’
અનિકેત એ ટીપી નાંખેલાં રમકડાંને હાથમાં લઈને જોવા લાગ્યો. અત્યારે તો ડૂચારૂપે જ એમને ઓળખી શકાય તેમ છે. એણે બંને હાથ કામે લગાડ્યા. પતરાંના રંગબેરંગી ટુકડા અને એકએક બબ્બે ઈંચના સળિયા એમાંથી બહાર ખેંચીને એ મૂકવા લાગ્યો. કલ્પના વડે એ ટુકડાઓનું સંયોજન કરીને રમકડાંની સર્વાંગપૂર્ણ આકૃતિ એ રચી શક્યો નહીં, કશો આકાર ઊભો થયો નહીં.
‘લાવ મારી પાસે.’
હાથમાં લઈને ઉદયને બધા ટુકડાઓને રસપૂર્વક જોયા.પછી એમનું બે ભાગમાં વિભાજન કર્યું. ગોઠવવા લાગ્યો. સફળતા મળશે એવું માન્યા વિના. અનિકેત એની પાસે જઈને બેઠો.
‘હવે તો સાંધા મળી શકે તેમ નથી. મારી ભાષા પરથી તને ખ્યાલ આવી જશે. આ ટુકડાઓ પહેલાં સ્પુટનિક નામના રમકડાનાં અંગ હતા. ચાવી આપવાથી અવાજ થતો હતો. એમાંથી સ્પુટનિક છૂટતો હતો. વચ્ચે ધાબું આવી જવાથી માથું પટકીને એ નીચે પડતો હતો. અહીં પલંગ પર જ પડતો હતો તેથી હાથથી ઉપાડીને હું એને ફરી ગોઠવતો હતો, ચાવી આપતો હતો અને ફરી અવાજ થતો હતો. એ રમકડું પારકું હતું અને મારા માટે ખરીદાયું ન હતું. ભૂલથી અહીં રહી ગયેલું. ત્યારે ભૂલથી કે ભૂલ વિના પણ ઘણું અહીં રહી જતું હતું. હું પણ કશો વિચાર કર્યા વિના સઘળું ભૂલી જઈને મારી આંગળીઓની ક્રિયા જોઈ રહેતો હતો. ચાવી, અવાજ, ઊછળવું, ભટકવું, પટકાવું… એકવિધતા નભી રહી હતી, ત્યાં સ્પુટનિક મારા તરફ છૂટ્યો અને માથામાં વાગ્યો. મારા સુપ્ત મગજે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. આખી ઘટનાનું રહસ્ય ખૂલી ગયું. મને થયું કે ખેલ પૂરો થયો. હવે રમી રહ્યા… કશું સૂઝતું ન હતું… સમય જતો હતો. એને હાથમાં લઈને દબાવવા લાગ્યો. એ તોડી શકાય એવું લાગ્યું. પણ એમ ન કરતાં બૂટ વડે એને ટીચવા લાગ્યો. એનો ડૂચો કરી નાંખ્યો, જેથી ઓળખાય નહીં.
બોલવાથી થાક લાગ્યો હોય તેમ ઉદયને દીવાલનો ટેકો લીધો. અનિકેત જીર્ણ અવશેષોને એકઠા કરીને ફેંકી દેવા માટે હાથમાં લેવા લાગ્યો.
‘ફેંકી ન દેતો.’
‘કેમ?’
‘બીજા રમકડા વિશે તો તેં જાણ્યું જ નહીં.’
‘મારે નથી જાણવું, તું આરામ કર. આરામની જરૂર છે.’
‘આરામ કરવો હોય તોપણ એ કંઈ ઓછો સુલભ છે? પડી રહેવાથી આરામ મળતો હોય તો એ મને વધારે પડતો મળ્યો છે… તું આટલા સમય પછી આવ્યો છે અને તારી જિજ્ઞાસા અસંતુષ્ટ રહી જાય તે મને ન પાલવે.’
એ ડાબી તરફ ઢળીને સૂઈ ગયો.
‘એ ચગડોળ હતું.’
એણે આંખો દાબી.
‘મારે બાળપણ પણ હતું.’
એણે ઊંચે જોયું. સપાટ છત દેખાઈ. ચૂનાની સફેદી એની આંખોમાં ફેલાઈ.
‘શામળાજીના મેળામાં જાઉં ત્યારે ચકડોળ પર તો બેસું જ.’
એ બેઠો થયો.
છત્રીના આકારના ચકડોળ કરતાં રેંટની ગતિએ ફરતા ઊંચા ચકડોળ પર બેસવાનું હું વિશેષ પસંદ કરતો… છેક ઊંચે પહોંચું ત્યારે મારા ચહેરા પર સ્મિત ફરકે. બધું મને મારાથી નીચે દેખાય. મારી સામેના ડુંગરાના જંગલમાં સૂસવતો પવન શ્વાસમાં ભરીને હું નીચે ઊતરું.’
અનિકેતે બધા ટુકડા ફેંકી દીધા હતા.
‘એ રમકડું ચાલુ કરીને હું જોઈ રહેતો. એ ફર્યા કરતું. એની બેઠકો પર ચોંટાડેલા માણસોને વીણી વીણીને હું એક તરફ મૂકવા લાગ્યો. એક જ માણસ વધ્યું. પછી ચાવી આપી. ચકડોળ શરૂ થયું. એની ગતિ બદલાઈ ગઇ હતી. એને અટકતાં વાર ન લાગી. બેલેન્સ રહ્યું ન હતું. છતાં મારી ઈચ્છા હતી કે ચકડોળે ચાલવું જોઈએ. ચાવી આપતો રહ્યો. સ્પ્રંિગ તૂટી ગઈ. પછી મારી આંગળીઓનાં ટેરવાંથી હું એને ફેરવતો રહ્યો, ફેરવતો રહ્યો. આંગળીઓ થાકી ગઈ તેથી બૂટ હાથમાં લીધો. એને પણ ટીપી નાંખ્યું. પછી નિશ્ચિંત થઈને સૂઈ ગયો… તારા શબ્દોમાં કહું તો આરામ કરવા લાગ્યો.’
અનિકેતે સૂટકેસમાંથી રણપ્રદેશનાં અને એની આજુબાજુનાં પ્રાકૃતિક દૃશ્યોના ફોટોગ્રાફ બહાર કાઢયા. સૂઈ રહેલા ઉદયનની પાસે મૂક્યા. એ સ્નાન કરવા ગયો. વસ્ત્ર બદલીને તૈયાર થઈને એ સામે આવીને ઊભો.
‘ઉદયન, હું એકાદ કલાકમાં આવી જઈશ. જેટલો વહેલો આવી શકીશ, આવીશ. આજે બે ફિઝિશ્યનોનો સમય માગીને એમને અહીં જ બોલવું છું. તારે હવે નિષ્કિય રહેવાનું છે. તારે તારામાં સહેજે રસ લેવાનો નથી. જે થાય તે થવા દેવાનું છે. ભવિષ્ય અંગે વિચાર આવે અને આશા જાગે તો તેને રોકવાની નથી. તારે પ્રયત્નપૂર્વક કશાયમાં શંકા કરવાની નથી. ઉદયન, તારે માનવું જ પડશે. દરેક માણસે જીવવું જોઈએ. તેથી તારે જીવવું પડશે. તું એક એવો માણસ છે. જેનું સંકલ્પબળ એને કોઈ પણ સ્થિતિમાં જિવાડે.’
‘હં હં.’
‘અચ્છા, હું કલાક-પોણા કલાકમાં આવી જાઉં છું.’
‘એક વાત.’
‘કહે.’
‘તું અમૃતાને મળવાનો?’
‘સિક્કાનગર જાઉં છું. એને મળવા જ જાઉં છું. કેમ?’
‘એને મારા વિશે કંઈ કહેવું નહીં.’
‘તો શું એ જાણતી નથી?’
‘હું ઘણા વખતથી એને જાણતો નથી તેથી એ મારા વિશે જાણે છે કે નહીં તેની મને ખબર શી પડે? પણ હવે એ જાણે અથવા ન જાણે, સરખું જ છે.’
‘એ અંગે હું તારી સાથે ચર્ચા નહીં કરું.’
‘પણ સાંભળતો જા, તું મારો મિત્ર હોય તો અમૃતા સાથેની વાતચીતમાં મારા નામનો ઉલ્લેખ પણ થવો ન જોઈએ.’
અનિકેત ટેબલ પર બેઠો.
ઓથાર.
‘કેમ રોકાઈ ગયો?’
‘એ પૂછે કે ક્યાં ઊતર્યો છે તોપણ તારું નામ ન દઉં? ખોટું બોલું?’
‘ભલે, એને મારા વિશે જે કહેવું હોય તે કહેજે. અને એના ચહેરા પર શી પ્રતિક્રિયા વ્યક્ત થાય છે તે યાદ રાખીને મને કહેજે. અથવા એમ કર. એને અહીં જ બોલાવી લાવ. હું જોઉં કે એ કેટલી સુખી છે. એને સુખ સદી ગયું છે કે નહીં તે જોઉં. જરૂર બોલાવી લાવજે.’
‘ભલે.’
‘એક બીજી વાત.’
‘શી?’
‘મને મારી એક ધારણામાં વહેમ ગયો છે. ઈશ્વર વિશેની ધારણામાં.’
‘એટલે તું ઈશ્વરને સ્વીકારવા લાગ્યો?’
‘ના, પરંતુ પહેલાં હું એનામાં નહોતો માનતો તે માન્યતામાં હવે હું નથી માનતો. મારી ધારણા તૂટી છે. હવે હું નાસ્તિક નથી કે આસ્તિક પણ નથી, સંશયાત્મા છું. અને તું જાણે છે પેલો શ્લોક संशयात्मा… ‘
‘એવું કેવી રીતે બન્યું?’
‘જાપાનમાં, પરમાણુ વિશે વિચારતાં મને એ લાગ્યું. પણ જવા દે એ વાત, ઈશ્વર હોય કે ન હોય તેથી કશો ફેર પડતો નથી. એ ન હોય તો એનો મને અફસોસ નથી અને એ હોય તો એની સામે મને વાંધો નથી.’
‘ઈશ્વર તો નિર્બળનું બળ છે. તારા જેવો બળવાન માણસ ઈશ્વર વિના કદાચ ચલાવી શકે. હું જાઉં, નહીં તો તું કંઈક બોલીશ. આરામ કર.’
‘જલદી આવજે. તારી ગેરહાજરી હું કેટલો સમય સહી શકીશ તેની મને ખબર નથી.’
અનિકેત સિક્કાનગર પહોંચ્યો. વેગભર્યો દાદર વટાવી ગયો. ઘંટડી રણકી. લૉક? એ ક્યારથી અહીં નથી રહેતી? નીચે આવી ગયો. કાર પડી ન હતી. કોને પૂછવું? જૂહુ તો નહીં ઊપડી ગઈ હોય ને? ત્યાં જાઉં? ઉદયને કહ્યું છે કે એને બોલાવી લાવજે. બોલાવી લાવું અને એ કંઈ કહી બેસે તો? લાગે છે એવું કે અમૃતા એને ઘણા સમયથી મળી નથી. ઉદયન કંઈક સ્વસ્થ થાય પછી જ એને બોલાવવી જોઈએ.
પડોશીને ઘેર જઈને એણે ફોન જોડ્યો. બે ડૉકટરોને એક સાથે બોલાવવા હતા. સમય ગોઠવાતાં વાર થઈ. બપોરના બે વાગ્યે બંને આવી શકશે.
એણે ‘છાયા’નો પણ નંબર જોડ્યો. અમૃતા છે? અમૃતા હતી. એને બોલાવવામાં આવી. એણે અનિકેતે કહ્યું તે બધું સાંભળ્યું. એને ખબર ન હતી. ક્યારે આવો છો? અમૃતાએ ઉત્તરમાં કહ્યું — તમે કહો ત્યારે. ત્રણેક વાગ્યે આવો. બે વાગ્યે ડૉકટરો આવવાના છે. અમૃતાએ હા પાડીને ફોન મૂકી દીધો હતો.— તમે કહો ત્યારે. ત્રણેક વાગ્યે આવો. બે વાગ્યે ડૉકટરો આવવાના છે. અમૃતાએ હા પાડીને ફોન મૂકી દીધો હતો.
કેમ એનો સ્વર સાવ નિષ્કંપ હતો?
ઠીક ઠીક ચાલ્યા પછી એને ટેકસી રોકવાનું સૂઝયું. એનો પહેલાંનો નોકર એક હોટલમાં કામ કરતો હતો. એ તરફ થઈને એ નીકળ્યો. ઉદયન બીમાર છે એ જાણીને એ મેનેજરની રજા લઈ આવ્યો અને આગ્રહપૂર્વક અનિકેતની સાથે થઈ ગયો.
ઉદયનનું મુખ દીવાલ તરફ હતું. એણે પદરવ સાંભળ્યો. બે માણસો છે, પણ એમાં અમૃતા નથી. બીજું કોણ છે તે જોવા એણે પડખું બદલ્યું. અમૃતા નથી. તે એને પહેલાં દેખાયું પછી એણે અનિકેતના નોકરને ઓળખ્યો. ઉદયનને આ સ્થિતિમાં જોઈને એ ગળગળો થઈ ગયો.
ફળ જોઈને ઉદયન નિરાશ થયો. એણે માની લીધું કે હવે અનિકેત ખાવાનું કહેશે. અને મારે ખાવું પડશે. એણે જોયું કે ક્યાં ક્યાં ફળ છે. ઘાસ જેવાં લાગશે કે પછી કોણ જાણે કેવાં લાગશે.
નોકર ખૂટતી સામગ્રી લઈ આવ્યો અને ચા બનાવી.
ચા તરફ એને પક્ષપાત છે. છતાં એણે કશો રસ બતાવ્યો નહીં. બે દિવસ પછી ચાનો સ્વાદ શી ખબર કેવો લાગશે?
અનિકેત સામે આવીને બેઠો. પેન્ટના ગજવામાંથી એણે સિગારેટનું પેકેટ કાઢ્યું. ઉદયનની પ્રિય સિગારેટ.
ઉદયનના ચહેરાની રેખાઓમાં ઉત્સુકતા સ્ફુરી આવી. અનિકેત હાથમાં એ પેકેટને ફેરવતો રહ્યો. સહુએ ચા પીધી. અનિકેતે ઉદયનના મોંમાં સિગારેટ મૂકી અને સળગાવી. એણે પોતે પણ સળગાવી. ઉદયનના હોઠ પર હળવું સ્મિત જાગ્યું. એણે મનોમન નોંધ લીધી — ‘હું જાણું છું જનાબ, આપ મને કંપની આપવા મોં કડવું કરી રહ્યા છો. બાકી આ જન્મારામાં આપને સિગારેટ પીતાં આવડવાની નથી.’ અનિકેતના આ પ્રયત્નમાં એને દેખાવ ન લાગતાં, ઊંડો સદ્ભાવ લાગ્યો.
‘અનિકેત, એક આ સિગારેટ પીવા પણ હું જીવવાની ફરજ બજાવવા તૈયાર થાઉં એમ છું.’
અનિકેતે લાંબો પફ લીધો. એને ઉધરસ આવી. વિના ફૂંક્યે પણ સિગારેટમાંથી નીકળતી ધૂણીને એ જોઈ રહ્યો. એની આંખમાં ધૂણી પહોંચવાથી પાણી આવ્યું.
રૂમની સફાઈ થઈ. બારીઓના પડદા ધોવા માટે નોકરે ખોલી લીધા. રૂમની ઝાંખપ બહાર ગઈ અને ઉજાસ અંદર આવ્યો. વાતાવરણમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું.
ઉદયને અનિચ્છાએ સ્નાન કર્યું. અનિચ્છા હોવા છતાં ર્સ્ફૂતિ અનુભવી. અશક્તિ ઓછી થઈ હોય તેમ લાગ્યું. હા, સ્નાન વખતે ગરમ પાણીનો સ્પર્શ કંઈક જુદો જ લાગતો હતો. એણે બાજુમાં પડેલી ઠંડા પાણીની ડોલમાં હાથ મૂક્યો. ઠંડું પાણી વધારે ઠંડું લાગ્યું. ઠંડું કે ગરમ ન લાગે, પાણી માત્ર પાણી જ લાગે એવી સ્થિતિ એ ઊભી કરી શક્યો નહીં. બેચેની અનુભવી રહ્યો. હા, હું બીમાર છું તો પછી કંઈક તો અવનવું લાગવું જ જોઈએ ને! એને સમાધાન મળી ગયું. એ બહાર આવ્યો.
પલંગ સ્થળાંતર પામ્યો હતો. ચાદર બદલાઈ ગઈ હતી. એણે વાતાવરણને સૂંઘી જોયું.
‘મારું હતું તે બધું તમે લોકોએ છીનવી લીધું. ક્યાંથી લાવ્યા આ વાતાવરણ?’
અફસોસ વ્યક્ત કરતો એ પલંગ પર બેઠો. ત્યારે પળવાર તો એને લાગ્યું કે પોતે ખાસ બીમાર નથી. આમ માનવા પોતે લલચાયો છે, વસ્તુસ્થિતિ એને તરત પ્રતીત થઈ. તોપણ ભ્રમમાં રહેવા એણે ઈચ્છ્યું.
ધૂપસળીઓ સળગી રહી હતી.
ઉદયને સિગારેટ સળગાવી.
ત્રણે જણે બપોરે હળવો નાસ્તો કર્યો. અનિકેતે નોકરને રજા આપી. એણે ઉદયનને તબિયત સાચવવા વિનંતી કરી. ગયો.
ઉદયન ઊંઘી ગયો.
અનિકેતની આંખો ભારે હતી. એ જાગતો હતો.
પોણા બે વાગ્યા. તે પછી ઘડિયાળના કાંટાઓ તરફ એ જોઈ રહ્યો. ડૉકટર સમયસર આવ્યા. મુવિંગ એકસ-રે પણ લેતા આવેલા. પાંત્રીસ મિનિટ સુધી તપાસ અને પ્રશ્નોત્તરી ચાલી. પોતાને ગંભીર રાખી શકે એવા ડૉકટરોને પણ ઉદયનના ઉત્તરોથી વચ્ચે વચ્ચે હસવું પડતું હતું. અને ગંભીર થવા જેવી બાબતો પર હસવું પડતું હતું. પેશાબ, લોહી, ઝાડો વગેરેની તપાસની પણ વ્યવસ્થા કરી લીધી.
ડૉકટરો અનિકેતને સાથે લેતા ગયા.
ઉદયન બ્લેડ લઈને નખ કાપવા બેઠો.
અનિકેત બે મિનિટમાં પાછો આવ્યો.
‘અરે, હું તને કહેવાનું ભૂલી ગયો. દવા લઈને આવું છું.’
‘દવા કે વસિયાતનામાનો કાગળ, જે લાવે તે.’
‘પોતાના પર આમ વ્યંગ કરી શકવાની તારી તાકાતની હું પ્રશંસા કરું છું.’
‘બસ હવે, બકાવ્યા વિના જા.’
‘અમૃતા ત્રણેક વાગ્યે આવશે. હું આવું ત્યાં સુધી એને રોકી રાખજે. મારે એની સાથે વાત કરવી છે.’
‘તને સામી મળે તો સાથે લઈ જજે. અથવા પાછી વાળજે. હમણાં એ અહીં ન આવે તો સારું.’
‘કેમ? સવારમાં તો એને બોલાવવાની તેં રજા આપી છે. સારું, મને મળશે તો હું એને પાછી વાળીશ. પણ અહીં આવી જ જાય તો એને પાછી વાળવાનું કામ તું કરતો નહીં. અતિથિને પાછાં વાળવામાં શોભા નથી.’
‘તું જા, નીચે ડૉકટરો તારી રાહ જોતા હશે.’
‘અચ્છા, સૂઈ જા.’
ડૉકટરોએ ઉદયન વિશે અનિકેતને ઘણા પ્રશ્નો પૂછયા. એ બધા પ્રશ્નો પૂછવા જરૂરી હશે એવું અનિકેતને લાગ્યું નહીં. લોહી અને પેશાબની તપાસનો રિર્પોટ મળ્યો તે પછી અનિકેતની હાજરીમાં જ ચર્ચા થઈ.
‘એક કિડની લગભગ કામ કરતી નથી, ક્ષાર બાજી ગયા છે.’ અનિકેત જાણે કે પોતાના શરીર વિશે સાંભળી રહ્યો હતો —
‘જેને પથરી કહે છે…’
‘ઘણી પથરીઓ બાઝી ગઈ છે.’
‘બીજી કિડની નબળી પડવા લાગે તો મુશ્કેલી.’
‘પણ ડૉકટર, પહેલાં કિડનીનો ઉપચાર કરવો છે કે લોહી સુધારવાનો પ્રયત્ન કરી જોવો છે ? એક તો કિડની જેવો ગંભીર રોગ અને તે ઉપરાંત લોહીના રોગનો ખ્યાલ ન આવે.
‘મિસ્ટર અનિકેત, તમારા મિત્ર ભારે બેદરકારીથી જીવતા લાગે છે. કિડની આટલી બધી બગડે અને એની એમને ખબર ન પડે એવું બને?’
‘અત્યારે મારાથી એને ઠપકો આપી શકાય તેમ નથી. એના રોગનો ઈલાજ ઉત્તમ રીતે થાય એ જ મારે તો હવે જોવાનું છે.’
‘પ્રયત્ન કરી જોઈએ.’
‘પ્રયત્ન કરી જોઈએ એટલે શું એનું લોહી સહેલાઈથી સુધરે એવું રહ્યું નથી?’
‘તમે એમની ચામડી નથી જોઈ? કેવી ઝાંખી પડી ગઈ છે? મારાં આટલાં વરસની કેરિયરમાં આ જ એક એવો રોગ છે. જેના નિદાનમાં હું આટલો ખમચાઉં છું.’
બીજા ડૉકટરે પણ એ જ કહ્યું, બીજા શબ્દોમાં.
અનિકેત શાંતિપૂર્વક એમની વાત સાંભળી રહ્યો.
‘આ પેલાગ્રા તો નથી. સૂર્યના તેજના સંપર્કમાં આવે તેટલા જ ભાગ કાળા પડી ગયા હોય તેવું નથી. સઘળી ચામડી ઝાંખી પડી ગઈ છે. ચામડી જાણે શરીર પર ઉપરથી લગાડેલી હોય તેમ લાગે છે.’
‘એ હીરોશીમામાં ઠીકઠીક રોકાયા છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીને પણ આપણે વિચારવું જોઈએ.’
‘હું પણ એ જ કહેવા જતો હતો કે રેડિયો-એકિટવની અસરથી એગ્રેન્યુલો સાઈટોસીસ થાય તેવું ન બને?’
‘એમ માનીને ચાલવું મુશ્કેલ છે. એક કયુબિક મિલિમીટરમાં આમ બાર હજાર જેટલા શ્વેતકણોનું પ્રમાણ જોતાં લ્યુકોસાઈટોસીસની મને તો શંકા જાય છે.’
‘પણ ફેફસાં નીરોગી છે, એનું શું?’
‘આપણે એમ કરીએ તો? દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાવીને વધુ તપાસ અને પ્રાયોગિક ઉપચાર ચાલુ કરીએ. તે દરમિયાન આપણે મિત્રોને પૂછી શકશું. વિદેશમાં પણ પૂછીએ. આજે તો રેડિયો-એકિટવના પ્રભાવથી થતા રોગો પર સંશોધન-કાર્ય ઠીક ઠીક થઈ રહ્યું છે.’
‘મને પણ એ જ એકમાત્ર ઉપાય લાગે છે.’ બીજા ડૉકટર બોલ્યા —
‘અનિકેતભાઈ, તમારા મિત્રને મોટી હૉસ્પિટલમાં, બની શકે તો આજે જ દાખલ કરાવી દો. અમે ફોન પર ભલામણ કરી દઈએ છીએ. તમે જઈને સ્પેશિયલ રૂમની સગવડ મેળેવી લેજો. છ વાગ્યા સુધીમાં એમને ત્યાં પહોંચાડી દો. હમણાં કિડની તરફ લક્ષ્ય આપીએ.’
‘જરૂર.’
‘આ જો લ્યુકેમિયાના આરંભની પ્રક્રિયા હોય અને થોડા સમયમાં લ્યુકેમિયા થઈ જાય તો પછી આપણા હાથમાં કશું નહીં રહે.’
‘લ્યુકેમિયા?’
‘હા, એ લગભગ પ્રાણઘાતક રોગ છે. લોહીના શ્વેતકણ એક કયુબિક મિલિમીટરમાં વીસથી પચાસ હજાર જેટલા થઈ જાય.’
‘જેને લોહીનું કેન્સર કહે છે, તે જ?’
‘હા, દરદીનો રેઝિસ્ટન્સ પાવર સાવ ઘટી જાય. જેટલો સમય એ જીવે તે પણ એના માટે અસહ્યા થઈ જાય. નાનીનાની વસ્તુઓ એના માટે કષ્ટદાયક બની જાય.’
ડૉકટરો સાથેની વાતચીત અનિકેતના મનમાં ઘોળાયા કરતી હતી. કિડની તો એક પણ ચાલુ હોય ત્યાં સુધી વાંધો નથી આવતો પણ આ લોહીના રોગને આ લોકો ઓળખી શકતા નથી? હું ઘણો મોડો આવ્યો. મને શી ખબર કે એની આ સ્થિતિ થઈ હશે? એને પ્રતીત કરાવવું પણ મુશ્કેલ છે કે એ સહેલાઈથી સાજો થઈ જશે. પણ પ્રયત્ન કરી જોઉં. એને લાગે કે જીવી શકાય એમ છે અને જીવવાની કામના એ અનુભવે તો જ આશાસ્પદ પરિણામ આવે. જરૂર પડે તો એને વિદેશ પણ લઈ જવો…
સાડા પાંચ વાગ્યે એ પહોંચ્યો. ડૉકટરોએ શું કહ્યું એ અંગે ઉદયને કંઈ પૂછયું નહીં. વાત કેવી રીતે શરૂ કરવી તે અનિકેતને સૂઝતું ન હતું. આખરે, મોટી હૉસ્પિટલમાં દાખલ થવાનું છે એ એણે કહ્યું. ઉદયને સાંભળીને પડખું બદલ્યું.
અનિકેત નજીક આવ્યો.
‘બીજો કોઈ રસ્તો નથી, હૉસ્પિટલમાં દાખલ થવું જ રહ્યું.’
‘એક બે દિવસ તારી સાથે શાંતિથી વીતશે એવું હું માનતો હતો. જ્યારે તેં તો મારી પાસે સલામત હતી એટલી શાંતિને પણ દૂર કરવાની પેરવી શરૂ કરી દીધી. અઠવાડિયા પહેલાં હું જનરલ હૉસ્પિટલ પાસેથી પસાર થયો હતો. ત્યારે મને હીરોશીમાની હૉસ્પિટલ યાદ આવી હતી. કોણ જાણે કેમ, પણ હવે હૉસ્પિટલના સ્મરણથી મારા શ્વાસમાં મૃત્યુની ગંધ ભળવા લાગે છે. હૉસ્પિટલમાં રહેવું અને ભોંયરામાં રહેવું એ બંને સરખી સહનશક્તિ માગી લે. જીવતા રહેવા માટે આ બધી શી ખટપટ? જવા દે યાર, આ બધી ધમાલ નાહક છે. જોઈએ, આ શરીરમાં શું શું પરિવર્તન આવે છે, ક્યા સ્વરૂપે મૃત્યુ આવે છે, કેવી મમતાથી એ મને લઈ જાય છે, ગ્રહણ કરવાની એની પ્રક્રિયા શી છે તે જોઈએ.’
‘એ પ્રક્રિયા નથી, પરિણામ છે, અને એ તારાથી ઘણું દૂર છે, એટલું બધું દૂર છે કે મને કલ્પનામાં પણ દેખાતું નથી. થોડાક દિવસમાં તું સ્વસ્થ થઈ જશે. તે પછી આપણે તારા આ રૂમમાં નિરાંતથી બેસીશું અને કલાકો સુધી વાતો કર્યા કરીશું.’
‘મને લઈ જ જવો છે? કોઈ વિકલ્પ નથી?’
‘જવું જ રહ્યું.’
‘તો આવતી કાલે લઈ જજે. આજે તો મને અહીં જ પડ્યો રહેવા દે. મને હૉસ્પિટલમાં બધું પારકું પારકું લાગે છે. અને દરદી બનીને જઈશ તે સ્થિતિમાં તો મને પાંજરાપોળમાં દાખલ થયાનો અનુભવ થશે.’
‘સ્પેશિયલ રૂમની વ્યવસ્થા મળશે. તારો આ રૂમ છે તેવો જ એ રૂમ હશે. બદલાશે ફક્ત દીવાલો. પણ તેથી શો ફેર પડી જવાનો છે? ડૉકટરો ઈલાજ કરશે. પરિચારિકાઓ સેવા કરશે. તું જોયા કરજે. તું જાગતો હશે ત્યાં સુધી આપણે વાતો કર્યા કરશું. તું ઊંઘી જઈશ ત્યાં સુધી હું જાગતો હોઈશ.’
‘ઊંઘ આવતી નથી. કાલે સાંજ વેળાએ બેઠો હતો. તું આવ્યો ત્યાં સુધી એમ જ બેસી રહેલો. બેઠાં બેઠાં જે ઊંઘ આવી હોય તે. સિગારેટ ખૂટી ગઇ હતી. લેવા જવાની ઇચ્છા હતી પણ પગ નીચે મૂકવાની તૈયારી ન હતી. પછી તો સિગારેટને ભૂલી ગયો અને વિચારતો વિચારતો રાતને વાગોળતો રહ્યો. સવારે જોયું તો રાત વીતી ગઈ હતી. અને એને સ્થાને તું આવી પહોંચ્યો હતો. પહેલાં તો મને લાગ્યું કે તું નાહક આવ્યો છે. પછી એવું લાગ્યું કે સારું થયું. તારી સાથે વાત કરી શકાશે. પરંતુ તું તો આવ્યો એવો જ ડિસ્ટર્બ કરવા લાગી ગયો. હવે પણ ઘર છોડાવવા બેઠો છે. તું તો મિત્ર છે કે દુશ્મન?’
‘એ બધું નક્કી કરવાનું બીજા કોઈને સોંપીશું. હવે તારે તૈયાર થવાનું છે. કહે, સાથે શું શું લઈ જવું છે?’
‘આ રૂમમાંથી મને લઈ જાય છે એટલું ઓછું છે કે બીજું પણ અહીંથી લઈ જઈને તારે રૂમને વેરાન કરી મૂકવો છે?’
‘ઉદયન, તારી સામે હું મજબૂર છું. સમય જાય છે. કહે, સાથે શું શું લઈ લેવું છે?’
‘તને યોગ્ય લાગે તે. હવે હું તારો શરણાર્થી હોઉં એ રીતે માનીને તું ચાલ.’
આમ તેમ તે બોલતો હતો. ઊભો થતો ન હતો. અનિકેત નારાજ થઈને બારી બહાર જોઈ રહ્યો.
ઉદયન ઊભો થયો. બાથરૂમમાં ગયો. મોં ધોવા પાણી હાથમાં લીધું. પાણીનો સ્પર્શ… જ્ઞાનતંતુઓની ઝણઝણાટી…
એણે મુઠ્ઠી વાળી અને નખમાં દેખાતો લોહીનો રંગ જોયો. કંઈ સમજ ન પડી. એણે હાથ વાળીને મસલ જોયો. કંઈ જ સમજ ન પડી.
ડૉકટરોએ કહેલું એ લોહી જ નાદુરસ્તીનું કારણ છે. પણ એને જોઈ શકાતું નથી. એનો રંગ કેવો હશે? એણે નવાં કપડાં પહેર્યાં અને માથું હોળવા લાગ્યો. દાઢી વધી હતી. આ વાળને બીમારીની અસર થતી નથી. એ તો વધ્યા જ કરે છે… પણ આ લોહી… બહાર વહેતું જોવા મળે તો કેવું દેખાય? એનો રંગ, એનો પ્રભાવ, એની ઉષ્ણતા…
‘વેરી ગુડ!’ ઉદયનને પેન્ટ અને બુશશર્ટમાં સજ્જ જોઈને અનિકેત બોલ્યો.
‘હું પણ તૈયાર થઈ લઉં. સામગ્રી તૈયાર કરી દીધી છે, કપડાં બદલી લઉં.’
એ બાથરૂમમાં ગયો. ઉદયન બારી પાસે જઈને ઊભો. એણે બ્લેડ જોઈ. એ પલંગમાં સૂઈ ગયો. એણે બ્લેડ હાથમાં લીધી. બારી પર પડેલું પાકા બાઈન્ડિંગનું એક વજનદાર પુસ્તક લીધું. એને ગાદલા પર મૂકયું. તેના પર બ્લેડ ઊભી કરી અને જમણા હાથથી પકડી રહ્યો. ડાબા હાથને ઊંચો કર્યો અને મસલ ચડાવવા પ્રયત્ન કર્યો. પછી હાથને બ્લેડ પર ગોઠવ્યો. પડખું બદલ્યું. શરીરનું વજન બ્લેડ પર આવ્યું. અડધા ઉપરાંત એ ડાબા હાથના મસલમાં ઘૂસી ગઈ. દાંત દાબીને એણે ચીસને રોકી રાખી. મોં ખૂલી ગયું પણ કશો અવાજ ન થયો. પગ પાસે પડેલી શાલ એણે હાથ ઉપર નાંખી. મોં પર પણ ઓઢી લીધું. પછી મોં ખુલ્લું કર્યું.
અનિકેત કપડાં બદલીને જ બાથરૂમ બહાર આવ્યો. માથું ઓળી લીધું.
‘કેમ પાછો સૂઈ ગયો?’
ઉદયન કંઈ બોલ્યો નહીં.
અનિકેતે શાલ ખેંચી લીધી.
‘આ શું ??’
ચાદર ભીની થઈ ગઈ હતી.
આટલું બધું લોહી? એને થયું કે તમ્મર આવશે કે શું?
બ્લેડ હાથમાં ઘૂસી ગઈ હતી. અનિકેતે પકડીને એક આંચકે ખેંચી કાઢી, અને સાથે જ લોહીની છોળ ઊડી. ઉદયન બ્લેડ ખેંચાતી વેળા મૌનને જીરવી શક્યો નહીં. એનાથી ચીસ પડાઈ ગઈ.
અનિકેત હતબુદ્ધિ થઈ ગયો. શું કરવું? કંઈ સૂઝતું ન હતું.
એણે બે હાથરૂમાલ લીધા. એક ઉપર એક બાંધી દીધા. લોહી એમને ભેદીને ટપકવા લાગ્યું. બંધ તૂટી ગયા પછી પ્રવાહને વશમાં લેવો મુશ્કેલ હોય છે. એક નસ કપાઈ ગઈ હતી.
‘તેં આ શું કર્યું?’
‘મારે મારા લોહીનો રંગ જોવો હતો. એનો પ્રવાહ જોવો હતો. એ પ્રવાહમાં કોઈ રોગ તરતો દેખાય તો એને ઓળખી લેવો હતો. તે ઉપરાંત મને વારંવાર લાગ્યા કરતું હતું કે અંદર જાણે બધું ઠરી ગયું છે. પરંતુ આનંદની વાત છે કે ધાર્યા કરતાં પણ એનો પ્રવાહ વધુ છે. ભલે વહી જાય. નકામું છે. તેં શા માટે રૂમાલ બાંધ્યા ? વહી જવા દે. એને સાચવ્યાથી કંઈ ફાયદો નથી. હું જાણું છું કે એ નકામું છે.’
‘બીમારીમાં પણ તું આવું સાહસ કરી બેઠો?’
અનિકેતે એક સફેદ નેપકિન શોધીને ઉદયનના ઘા ઉપર બાંધી દીધો. પછી દોડતો દોડતો નીચે ગયો. ટેકસીને રસ્તા પર ઊભી રાખીને ઉદયનને બોલાવી લાવવા ઉપર દોડ્યો. ત્રણત્રણ, ચારચાર પગથિયાં એકી સાથે ચડતો હતો, લિફટનું બટન દબાવ્યું.
‘ઉદયન!’
ઉદયન પાટો ઢીલો કરવા પ્રયાસ કરતો હતો પણ એની આંગળીઓ કામ આપતી ન હતી. ઉપર બાંધેલો નેપકિન પણ પલળી ગયો હતો. કાળાશ પડતું બનીને લોહી ટપકતું હતું.
હૉસ્પિટલમાં પ્રવેશ મળતાં જ લોહી બંધ કરવાનું ઈન્જેકશન અપાયું. પાટો બંધાયો. અત્યાર સુધીમાં પાંચથી સાત રતલ લોહી વહી ગયું હશે એવું ડૉકટરોએ કહ્યું. લોહીને વહેતું બંધ કરવું પણ સહેલું ન હતું. આ વિશિષ્ટ કેસની હવા હૉસ્પિટલમાં ફેલાઈ ગઈ.
વિઝિટે આવેલા બંને ડૉકટર આ સમાચાર જાણીને મળી ગયા. જે થયું તે ખરું. તેની કોઈ ચિંતા કરવા જેવી નથી. એમણે સહાનુભૂતિ બતાવી.
એમનું આશ્વાસન ઉદયનને થયું તે કરતાં અનિકેતને વધુ ઉપયોગી થયું.
‘લોહી આપવું પડશે.’
એવું ન બને કે ઉદયનના શરીરમાં છે તે બધું લોહી દૂર કરીને નવું આપવામાં આવે? બાળકોના કેસમાં એ શક્યા બન્યું છે પણ બાકીનાંઓ માટે તો તબીબીવિદ્યા આ બાબતે સજજ થઈ શકી નથી.
ઉદયને જોયું — એના પગ તરફ, ખાટલાની જમણી બાજુએ કંઈક ઊભું કરવામાં આવી રહ્યું છે.
બ્લડ ટ્રાન્સફયુઝન સેટ.
અનિકેત ઈચ્છતો હતો કે ઉદયનને લોહી આપવામાં આવે ત્યારે પહેલી બાટલી ચડાવવામાં આવે તે મારા લોહીની હોય. મેચિંગ થતું હતું. પરંતુ એ તો સવારે જ બ્લડબેંકમાં લોહી જમા કરાવી શકશે.
ઉદયનના પડખે અનિકેતે આખી રાત ગાળી.
સવારે ઉદયનને ચા પાઈને એ બ્લડબેંકમાં ગયો.
આનંદની વાત છે કે ઉદયનના અને મારા લોહીનાં ગ્રુપ જુદાં નથી…. ત્રીજી બાટલી ચડાવવામાં આવી છે. ચોથી કે પાંચમી મારા લોહીની હશે… મિત્રને આ રીતે ઉપયોગી થઈ શકાય તેથી મોટી આપણા સ્વાસ્થ્યની સાર્થકતા કઈ? મિત્રને અને અન્ય કોઈને પણ એ ઉપયોગી થઈ શકે, એની ઉપયોગિતા તો સરખી જ હોય… શ્રી ડબલ્યૂ કલેન નામની વ્યકિતએ સન 1949 માં એકસો ત્રીસ વાર આપીને કુલ સાઠ લિટર લોહી બ્લડબેંકમાં જમા કરાવ્યું હતું.! એક સરોરાશ માણસના શરીરમાં હોય છે તેના કરતાં બાર ગણું લોહી એમણે એક જ વરસમાં દાનમાં આપ્યું હતું… નાના નાના માણસો પણ કેવા મોટા હોય છે! પોતાનું લોહી કોઈ અણજાણ વ્યકતિની જિન્દગી બચાવી લેવામાં નાનો સરખો પણ ભાગ ભજવે એ કેવી મોટી ઘટના કહેવાય! સુખી થવા માટે ઈશ્વરે કેટલી બધી તકો આપી છે! તે દિવસ મને કેટલો બધો આનંદ થયેલો? ચાર વરસ થયાં. લોહી આપવાનો એ બીજો પ્રસંગ હતો. મેં ચારસો પચાસ સી. સી. લોહીનું દાન કર્યું. બ્લડબેંકના ચાર્જમાં હતા તે ડૉકટરે કહ્યું હતું કે ચારસો પચાસ સુધી લેવામાં વાંધો ન હોય, પરંતુ અમે અહીં સાડા ત્રણસો સી. સી. થી વધારે લેતા નથી… અનિકેતે આગ્રહ કરીને સાડા ચારસો સી. સી. લોહી આપ્યું હતું. જે વિદ્યાર્થીને અકસ્માત થયો તેનાં માતુશ્રી આભાર માનવા આવેલાં. આવી નાની બાબતમાં પણ માણસો કેવી કૃતજ્ઞતા અનુભવે છે!
આજે એણે ઈન્ચાર્જ ડૉકટરને કહ્યું કે પાંચસો ચાલીસ સી. સી. લેવા વિનંતી છે. ડૉકટરે કહ્યું કે આટલું તો વધુમાં વધુ લઈ શકાય, અમે કદી લીધું નથી. અને દાનમાં કોઈ વધુ આપતું પણ નથી. ચાર વર્ષ પહેલાં રેકોર્ડમાં નોંધાયા પ્રમાણે એક પ્રોફેસરે પોતાના વિદ્યાર્થી માટે સાડા ચારસો સી. સી. આપેલું. ડોનેશનમાં. તેથી આગળ કોઈ ગયું નથી. હા, વેચનારા તો વધુ આપી જાય છે. અને એમની પાસેથી અમે શા માટે પાંચસો સી.સી.થી ઓછું લઈએ?
અનિકેતને થયું કે પાંચસો ચાળીસથી પણ થોડુંક વધુ આપીને પોતે વિક્રમ નોંધાવી શકશે. પણ વિક્રમ નોંધાવવા પોતે આવ્યો નથી. મિત્ર માટે આવ્યો છે. અને વિક્રમ નોંધાવવો એ તો છીછરો અહં સંતોષવાનું નિમિત્ત બને. આ બધું તો ભૂલાઈ જવું જોઈએ. ઘટનાઓ ભૂલાઈ જાય, એમની ફલશ્રુતિરૂપે કેવળ આનંદ જ શેષ રહે… લાગે છે કે ઉદયન બચી જશે.
‘ડૉકટર સાહેબ, પાંચસો ચાળીસ સી. સી. લો, ઓછું લેવાની જરૂર નથી. મારી તબિયતને આંચ નહીં આવે.’
લોહી અપાઈ રહ્યું હતું ત્યારે ઉદયનની નજર વારંવાર બ્લડ ટ્રાન્સફયુઝન સેટની ઊંધી લટકતી બાટલી પર પહોંચી જતી હતી. એ રંગ એને ગઈ કાલે પથારીમાં ઢોળાયેલા રંગ સુધી લઈ જતો હતો.
લોહી આપવાની ક્રિયા ખૂબ ધીમી હોય છે.
ઉદયન અકળાતો હતો. અકળામણ વ્યકત કરતો ન હતો. મોડી રાત્રે એક ક્રૂર તરંગ એને સૂઝી આવેલો — પગ લંબાવીને જોરથી પાટુ મારીને લોહીની ઊંધી લટકતી બાટલીને તોડી નાખીને નાસી જાઉં. અનિકેતને જોકું આવે કે તરત હું છટકી જાઉં. નાસતો નાસતો ઘૂસી જાઉં પારસીઓના ટાવર ઑફ સાઈલન્સમાં. શોધનારા શોધ્યા કરે. અને ત્યાં પક્ષીઓને પ્રાપ્ત થયું હોય એક જીવતું શબ…
પરંતુ એમ કરવાની પોતાનામાં શક્તિ નથી. કદાચ એટલી સાહસવૃત્તિ પણ નથી. અને આ અનિકેત? એની નજર ચુકાવીને ક્યાં હાલી શકાય એમ પણ છે? આ માણસને જેમ જેમ નિકટતાથી જોવાનું બને છે, એ વધારે સુંદર લાગતો જાય છે. અને અમૃતા!…
એના કૉટને હાલી ઊઠેલો જોઈને અનિકેતે પૂછયું —
‘શું? કોઈ તકલીફ?’
‘ના.’
‘સિગારેટ પીવી છે?’
‘લાવ્યો છે તું?’
‘હા, સળગાવી આપું?’
‘ના. ચાલશે. એનાથી રાહત મળે છે. હવે રાહતની જરૂર નથી. ડૉકટર વગેરે કોઈ આવે અને જુએ તો હસે — આ માણસમાં આટલું પણ નિયંત્રણ નથી?’
લોહી ભેગાં જ ઈન્જેકશન નાંખવામાં આવતાં હતાં.
સવારના ચારેક વાગ્યે ઉદયને અનિકેતને સૂઈ જવા કહ્યું હતું. આરામખુરશીમાં સંપૂર્ણ આરામ મળે છે. એમ કહીને એ ઊભો થયો ન હતો. ઉદયન વચ્ચે વચ્ચે આંખો દાબી રાખતો હતો જેથી અનિકેતને લાગે કે દરદી ઊંઘે છે. પણ ઊંઘનારની અભાનતાને અનિકેત ઓળખે છે.
અનિકેત બ્લડબેંકથી પાછો આવ્યો તે પછી, આશરે સાડા નવ વાગ્યે ઉદયનને ઠંડી લાગવા માંડી. ઠંડી દુ:સહ બનતી ગઈ. બહારનું લોહી અંદર પ્રવેશ કર્યા પછી સહેલાઈથી ભળતું ન હતું. એની ઉષ્ણતા ઓછી પડતી હતી.
એની સહનશક્તિ તૂટી ગઈ. એણે ટૂંટિયું વાળી લીધું. એનું આખું શરીર ધ્રૂજવા લાગ્યું. એક પછી એક એમ, બેત્રણ વસ્તુઓ ઓઢાડવામાં આવી. અનિકેત સોય મૂકી હતી તે હાથ પકડી રહ્યો. બે નર્સ પણ મદદે આવી ગઈ હતી.
ઈન્જેકશન આપવામાં આવ્યું.
લોહી અંદરથી દાઝવા લાગ્યું હોય તેમ એને લાગ્યું.
પાંચેક મિનિટમાં રાહત થઈ ગઈ. એ ચત્તો સૂઈ ગયો. એને શ્વાસ ચડી ગયો હતો. તે હવે સપ્રમાણ થયો.
એ બ્લડ ટ્રાન્સફયુઝન સેટ સામે જોઈ રહ્યો. બાટલીના લટકતા મુખ સાથે જોડાયેલી ટયુબ પર એણે નજર ટેકવી. ટયુબની વચ્ચે સફેદ પારદર્શી ભાગ હતો. તેમાં ઉપરથી ઊતરતું લોહી ટપકતું હતું.
એના ટપકવાનો અવાજ થતો ન હતો. માત્ર એનાં ટીપાં દેખાતાં હતાં. આ લોહી કોનું હશે? મારા શરીરમાં અત્યારે જે પ્રવેશ કરી રહ્યું છે તે લોહી કોનું હશે? કોઈ એક જ માણસનું હશે કે ઘણા માણસોનું એક થયેલું હશે? કેવા હશે એ માણસોના ચહેરા? કેવા હશે એમના વિચારો? શું એમાંનો કોઈ એવો નહીં હોય જેને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે મેં કોઈ વાર મૂર્ખ કહ્યો હોય? સંભવ છે કોઈ એવો પણ હોય જેનો મેં તિરસ્કાર કર્યો હોય. અને આજે એમની ભલાઈથી જીવીને હું એમનાથી પરાજય પામી રહ્યો છું. શું આ પરાજય છે કે પ્રતીતિ? હું એકલો છું તે હવે ક્યા હિસાબે કહી શકીશ? એક માણસે જીવવું જ હોય તો કેટકેટલાંનું અવલંબન સ્વીકારવું પડે છે!
એ ચહેરા! પોતાની સજીવ સંપત્તિનું દાન કરીને સમષ્ટિમાં જઈને ભળી જતા એ ચહેરાઓ! એ ચહેરાઓને કલ્પના વડે હું આકાશમાં અંકિત કરી શકતો નથી. એમને ધરતી પર જોઈ શકું છું. પણ હું એમને કઈ નજરે જોતો આવ્યો છું?
આંખો બીડીને પડી રહું છું તોપણ આ માનવલોકનો ગંભીર કોલાહલ મારા ચિત્ત સુધી પહોંચે છે. અનેક ચહેરાઓની સુરખી એક થઈને મારી આંખોને અરુણાઈથી આંજવા ઈચ્છે છે. એ ચહેરાઓની આંખો ભિન્ન લાગે છે, પણ એમનામાં જે ચમકે છે તે અભિન્ન લાગે છે, વ્યાવર્તક લાગે છે… આ ટપકતું દેખાય છે તે લોહીમાં — એના એક બિન્દુમાં કેટલા માણસોના રક્તના અણુઓનો ગતિસંચાર સ્થિર થયેલો હશે? કેટલાય હૃદય-ધબકારાની અસર એ શાન્ત થઈ ગયેલા કણોમાં હશે.
હું એકલો છું એમ કહેવું અતિશયોક્તિભર્યું લાગે છે. મારું એકાન્ત પણ એવું નથી જ્યાં હું એકલો રહી શકતો હોઉં, ત્યાં પણ કેટકેટલું વહી આવે છે! આ સૃષ્ટિમાં જે કંઈ છે તે બધું પરસ્પર સંકળાયેલું છે એમ કહેનાર અનિકેત સાચો નીકળ્યો.
‘અનિકેત તું સાચો નીકળ્યો. હું એકલો નથી. અહીં કોઈ એકલું નથી. સહુ એકમેકથી સંકળાયેલું છે. હું વિચાર કરતો જાઉં છું ને આ વસ્તુ નવા અર્થો આપે છે અને એ બધા અર્થ અસ્તિવાચક છે. અને અનિકેત, ઈશ્વર હોય તો તો પછી આ આખો પ્રશ્ન જ નિર્મૂલ થઈ જાય છે. હું વિચાર કરીશ, ના કેવળ વિચાર નહીં. મારી સંવિત્ને ઢંઢોળીશ, મારા સમગ્રના કોઈ અંશને પણ પ્રતીતિ થાય કે ઈશ્વર છે તો…’
એકલતાનો ભાર હળવો થતાં ઉદયન નિદ્રાધીન થયો.
{
અનિકેત સેલાઈન સેટ તરફ જોઈ રહ્યો હતો. રબ્બરની ટયુબ વચ્ચેના પારદર્શી ભાગમાં ટપકતું પ્રવાહી વેગ પકડી રહ્યું હતું. એણે ઊભા થઈને ટયુબની ચાકી કડક કરી અને ટીપાંનું પ્રમાણ મેળવ્યું. એણે સરળ કામ માટે નર્સને બોલાવવી જરૂરી માની નહીં.
સાંજનો સમય છે.
હોટલમાં ફોન કરીને એણે પોતાના જૂના નોકરને બોલાવી લીધો છે. અવારનવાર બહાર જવાનું થાય છે. એક માણસ હાજર જોઈએ જ.
અમૃતા અડધા-પોણા કલાકમાં આવશે.
એ બ્લડબેંકમાં હતો ત્યારે અમૃતા ઉદયનના રૂમમાં આવી પહોંચેલી. ગઈ કાલે વિઝિટે ગયેલા ડૉકટરોનાં નામ સાંભળીને એ કેસની ગંભીરતા સમજી ગઈ હતી. ત્રણ વાગ્યે મલબાર હિલ ગઈ અને પાંચ વાગ્યે પાછી ગઈ. આજે સવારે ફરીથી ગઈ. રૂમને તાળું ન હતું. એણે આજુબાજુ પૂછયું. દવાખાનામાં ગયા હોય તેવી ધારણા છે — ઉત્તર મળ્યો. રૂમ બંધ કરીને ચાવી લઈને એ હૉસ્પિટલ ગઈ. એને જોઈને ઉદયને આંખો બંધ કરી લીધી હતી. ડૉકટરને મળીને ગઈ કાલવાળી ઘટના અને રોગના ઉપચાર વિશે જાણ્યું. અનિકેતની પાછળ પાછળ એ પણ રક્તદાન માટે ગઈ. એણે કહ્યું હતું. — જેટલું લઈ શકાય એટલું લો. ડૉકટરે ત્રણસો સી. સી. લોહી લીધું હતું. અમૃતા સ્વસ્થ હતી.
ત્યાંથી સ્પેશિયલ રૂમના વિભાગ તરફ જતી હતી ત્યારે એ રસ્તામાં એક થાંભલો પકડીને ઊભી રહી ગઈ હતી. શરીરમાં કશી અશક્તિ ન હતી. પરંતુ એને પોતાની મનોભૂમિ પર ઉદયનની ચિતા ખડકાતી હોય તેમ લાગ્યું. ચિતા રચાઈ ગઈ અને એકાએક ભભૂકી ઊઠી. તમ્મર આવશે કે શું? એમ લાગતાં એ રસ્તાની એક તરફ ખસીને થાંભલો પકડીને ઊભી રહી ગઈ હતી.
ત્યાંથી ચાલી ત્યારે ભૂતકાળ એની નજીક આવી જવા લાગ્યો હતો. એક વાક્ય એને વારંવાર સંભળાવા લાગ્યું —
‘અમૃતા, ઉદયનની ભ્રમણ-ગતિનું ન્યુકિલઅસ કયું છે જાણો છો? વિચારજો.’
ડૉકટરે આરામ કરવા કહ્યું હતું. એને લાગ્યું કે આરામ જરૂરી છે. એ ઘેર ગઈ. સૂઈ ન શકી. આંટા લગાવતી રહી. અગાશી પર ગઈ. સમુદ્રને સાંભળવા લાગી.
પેલો ગુલાબનો છોડ ન હતો. કૂંડું પણ ન હતું. એણે તપાસ કરવાનું છોડી દીધું હતું.
એણે અનિકેતને ફોન પર વાત કરી. ત્યાં રોકાઈ શકાય એવી તૈયારી સાથે એ આવશે.
અનિકેત ઈન્જેકશન લેવા ગયો છે; હજુ એક બોટલ લોહી આપવું પડશે. બ્લડ ટ્રાન્સફયુઝન સેટ ચડાવવામાં આવ્યો છે.
અમૃતાએ રૂમમાં પગ મૂક્યો. બે નર્સ અને અનિકેતનો નોકર ઉદયનની ફરતે ઊંભા છે. એનું શરીર ધ્રુજી રહ્યું છે. એના મોંમાંથી સિસકારા નીકળી જાય છે. કોઈવાર એના દાંત ખખડી ઊઠે છે.
અમૃતા જોઈ શકતી નથી. આંખે અંધારાં આવે છે. એ પાછી પડી જાય છે. દીવાલનો ટેકો લે છે. બેસી પડે છે. મુખ ઊંચું રાખીને બેસવાનો પ્રયાસ કરે છે. હજી રૂંધામણ ઓછી થઈ નથી. એ દીવાલનો ટેકો લઈને ઊભી થાય છે. બહાર આવે છે. આખી લૉબી ખાલી હતી, હવા ન લાગી. એ પશ્ચિમ તરફના છેડે ગઈ. બેચેની ઓછી થઈ. સૂર્ય ડૂબવા લાગ્યો છે. સંધ્યાના ગેરુઆ રંગો નીચે મુંબઈ નગરીનાં મકાનોની ઉપરનો રંગ પુરાણાં વૃક્ષોની બરછટ છાલને મળતો આવતો હતો.
ઉદયનને આરામ થઈ ગયો હતો. અનિકેત આવ્યો તે પછી થોડી વારે એ વાત કરવા લાગ્યો. આ છેલ્લો સેટ છે એ જાણીને એણે છુટકારાનો દમ ખેંચ્યો. એણે અનિકેતને ‘આજે તો તારે ભોજન કરવું જ જોઈએ’ એમ આગ્રહપૂર્વક કહ્યું. અનિકેત બહાર આવ્યો.
સામેથી આવતી અમૃતાએ પ્રણામ કર્યાં.
‘કેમ છે એને? ધ્રુજારી બંધ થઈ ગઈ?’
‘હા. ચાલો જમી આવીએ. એણે મને આજ્ઞા કરી છે કે મારે જમવું જ. તમે સાથ આપી શકશો? જઈ આવો એક વાર એની પાસે. હું અહીં ઊંભો છું.’
અમૃતા પાંચેક મિનિટમાં પાછી આવી.
કંઈ બોલી નહીં.
લિફટ ઊતરી રહી હતી. ઉતારુઓની આંખો નમેલી હતી.
કાર, હૉસ્પિટલનો દરવાજો, રોડ, સૂનકારની ગતિ.
‘હું દિલગીર છું અનિકેત, તમે મને ઘણું કહ્યું હતું પણ મને મારી મર્યાદાઓ નડી.’
અનિકેત કારના બારણાના કાચમાં જોઈ રહ્યો હતો. સામે જોવા લાગ્યો.
‘દોઢેક માસ પહેલાં મેં ઉદયનને પ્રિન્સેસ સ્ટ્રીટમાં જોયો હતો. પણ હું એને ન મળી.’
‘હજુ પણ બહુ વિલંબ થયો નથી. જોકે શો નિર્ણય કરવો એ તમારી સ્વતંત્ર વરણીનો પ્રશ્ન છે.’
‘તમે કોઈ ક્રૂર શબ્દ ઉચ્ચારશો તોપણ હું સાંભળી રહીશ.’
‘હું તમને ક્રૂર શબ્દ ન કહી શકું. એ મારો અધિકાર નથી. અને એમ કરવાથી ફાયદો પણ નથી. હું તો એ જ વિચારી રહ્યો છું કે જોતજોતામાં શું થઈ ગયું ?’
‘તમને આશા નથી કે…’
‘હં?’
અમૃતાનો પ્રશ્ન સાંભળીને અનિકેત ઝબક્યો. એને લાગ્યું કે પોતે અત્યાર સુધી તંદ્રાવસ્થામાં જ બોલ્યો હતો. એ હવે અમૃતા તરફ વળીને એની સામે જોઈને બોલ્યો જેથી અમૃતાને વિશ્વાસ બેસે —
‘જરૂર આશા છે, આશા શું, વિશ્વાસ છે, હું તો જે કંઈ થઈ ગયું તેની વાત કરતો હતો.’
‘હા, જે વીતી જાય છે તેના વિશે જ વાત કરી શકાય છે. તેના વિશે વાત કરવામાં જોખમ પણ નથી.’
‘તમે જોખમ ઉઠાવવામાં માનો કે નહીં?’
‘અનિકેત મને આવો પ્રશ્ન પૂછે છે? તમે પોતાને પૂછીને એનો ઉત્તર મેળવી લો.’
હોટલમાં એ બંને અડધો કલાક બેઠાં. ભોજનની ઇચ્છા ન હતી. હળવો નાસ્તો અને ચા મંગાવ્યાં.
‘એ એના મનની સૃષ્ટિને વશવર્તી છે. દવાઓ એના શરીરને સાચવી લેશે પણ એનું મન મારા કે એના હાથમાં નથી. જેના હાથમાં છે તે એની સૃષ્ટિમાં આજે અનુપસ્થિત છે. અને એ કારણે એ વિક્ષુબ્ધ છે.’
અમૃતાએ ખુરશીનો ટેકો લીધો.
‘જેની સાથે જીવવાનું હોય તે અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલું હોવું જોઈએ એવી એની માન્યતાએ એને વસમી સ્થિતિમાં મૂકી દીધો. અભીષ્ટ હતું તેથી જુદું જ પરિણમ્યું.’
‘હા જુદું જ પરિણમ્યું.’
અમૃતાએ પાણીનો પ્યાલો અનિકેત તરફ ખેસવ્યો. બીજો પ્યાલો હાથમાં લીધો. હોઠ નજીક લાવીને પીધા વિના જ પકડી રહી.
‘એ ભાવના અથવા વાસનાને માણસના તત્ત્વસ્વરૂપથી અલગ માને છે. તાત્ત્વિક થવા માટે તટસ્થ થવું પડે અને એને લાગ્યું કે તમારું આલંબન છે મુગ્ધતા. મુગ્ધતા અને સમજને એ પરસ્પર વિરોધી માને છે.’
‘હા.’
પીધા વિના જ અમૃતાએ પ્યાલો ટેબલ પર મૂકી દીધો. અવાજ થયો.
‘તમે એના તરફ આકર્ષાયેલાં રહ્યાં ત્યારે અને પછીથી એના મત પ્રમાણે મારા વિશે અતિરિક્ત ભાવુક બનતાં રહ્યાં ત્યારે પણ એણે માની લીધું કે તમે તૃષ્ણાથી દોરવાઓ છો, તમારું સંકલ્પબળ સ્વતંત્ર નથી. મુગ્ધતા છે ત્યાં લગી સ્વતંત્રતા નથી. અને તમને સ્વતંત્ર જોવા અને સ્વ-તંત્ર થયેલાં પામવા એ ઇચ્છતો હતો. તમારા તરફના એના વ્યવહારની ભૂમિકા આ છે.’
‘ભૂમિકા સમજવાથી કશું વળ્યું નથી અનિકેત! એણે જાગ્રત કરીને મને વૈફલ્યનો અનુભવ કરાવ્યો. એણે મને મારી તુચ્છતા પણ સમજાવી.’
‘એનું તમારી સાથેનું કેટલુંક વર્તન તમને અરુચિકર લાગ્યું હશે. એ વર્તન ભલે ગમે તેવું રુક્ષ હોય પરંતુ રખે માનતાં કે એનામાં બચી રહેલા પ્રાણીસ્વભાવના એ પ્રત્યાઘાત છે. એ તો એના અસ્તિત્વની સમગ્રતાનું પ્રગટીકરણ હશે.’
‘પુરુષના પ્રાણી-સ્વભાવની કોઈ નારીને સૂગ ન હોય. તમારામાં એ નથી? રહેવા દો મારે તમારા ઉત્તરની રાહ નથી જોવી. ઉદયનની સામે મારે કેટલુંક કહેવાનું હતું…’
‘કોઈ પણ માણસ વિશે ઘણું કહી શકાય. પણ અમૃતાના મુખે ઉદયન વિશે એવું કશું સાંભળવાની મારી તૈયારી રહી નથી. હવે તો હું એને એ છે તે રૂપે સ્વીકારી ચૂક્યો છું. એણે આમ વર્તવું જોઈએ, તેમ કરવું જોઈએ એવા આગ્રહો રાખીને આજ સુધી મેં એની સાથે વ્યવહાર કર્યો છે. મને લાગે છે કે એ મારી ભૂલ હતી. કદાચ તમારી પણ. becoming અને being બનવું અને હોવું, એ બેમાં હવે મને લાગે છે કે ‘હોવું’ પર્યાપ્ત છે, સ્વયંસંપૂર્ણ છે. કંઈ થઈ બેસવાનું છે જ નહીં, જે છે તેને જ જાણવાનું છે. છેલ્લા ચારેક માસથી પ્રતિદિન મારી સામે એક શબ્દનો વિભાવ સ્પષ્ટ થતો ગયો છે : નિરપેક્ષતા. આજે એમ કહેવામાં સાહસ નથી કે બીજા પાસે અપેક્ષા રાખવી એ આપણા જ કોઈક અભાવનું સૂચક છે. બીજાને સુધારવાની હઠ આપણી અપૂર્ણતાની ચાડી ખાય છે’.
‘હું સાંભળીશ, તમે બોલો. મારે અહીં કશો ઉત્તર આપવાનો રહેતો નથી. હું મારી સાથે પુર્નવિચારણા કરવા લાગી છું. તમે બોલશો તો મારે વિચારવું નહિ પડે, બોલો.’
‘તો, હવે બોલવાનું રહેતું નથી.’
એ બંને પાછાં આવ્યાં ત્યારે ઉદયન ઊંઘી ગયો હતો. બંનેને સરખો આનંદ થયો. અનિકેત બહાર આવ્યો. બે સામસામી લોબી વચ્ચે અને સ્ટોરરૂમમાં અને નર્સરૂમની પાસે દરદીઓના ખબર પૂછવા આવનારાં માટે બેસવાની વ્યવસ્થા છે. એકબે માસથી માંડીને એક-બે વરસ જૂનાં સામયિકો પડ્યાં છે. અનિકેત અવારનવાર ત્યાં બેસે છે.
અમૃતા આવીને સામે બેઠી.
‘સાચે જ ઊંઘે છે કે પગરવ સાંભળીને ઊંઘી ગયો છે ?’ મેં એના કપાળ પર હાથ મૂક્યો. એને આરામ હોય તેમ લાગે છે.
અમૃતાએ જોયું: અનિકેતના જમણા હાથે જ્યાંથી લોહી લેવામાં આવ્યું છે, પટ્ટી ઊખડી ગઈ છે. એણે બાજુમાંથી પસાર થતી નર્સને બોલાવી. નર્સને એ ભાગ ઊપસેલો લાગ્યો. એ નવી પટ્ટી બનાવી લાવી, લગાવીને ચાલી ગઈ. અમૃતાને એથી સંતોષ થયો ન હોય તેમ એ ઊભી થઈ. એણે પટ્ટીને બરોબર દબાવી. સ્પર્શ દ્વારા એણે જાણવા પ્રયાસ કર્યો કે સોજો છે કે નહીં. આંશિક સંતોષ લઈને એ પોતાની જગ્યાએ બેઠી.
મૌન.
ટિપાઈ પર પડેલાં સામયિકોમાંથી એક અનિકેતે ઉપાડ્યું. હવે જે ટિપાઈ પર સહુથી ઉપર હતું તેના પર અમૃતાની નજર સ્થિર થઈ. પૂંઠું સુંદર હતું એ. ટાઈટલ-પેજ હતું. એક શિશુની અદ્ભુત છબી હતી. અમૃતાએ એ સામયિક હાથમાં લીધું. છબી એની નજીક આવી. એને લાગ્યું કે આ તો હૂબહૂ બાળક છે, ચિત્ર નથી. ફોટોગ્રાફ થ્રી ડાઈમેનશન્સનો ન હતો છતાં એની દષ્ટિએ બાળકને સર્વ દિશાઓથી નીરખ્યું. એની દષ્ટિ ઉછંગ બની રહી. એને લાગ્યું કે અનિકેત કંઈક બોલવા ઈચ્છે છે. સામયિકને ખોળામાં મૂકીને એણે સામે જોયું.
‘પ્રેમની તૃપ્તિ કરતાં એક માણસની જિન્દીગી માટે કરેલો ત્યાગ વધુ મોટી પ્રાપ્તિ છે. તમને શું લાગે છે?’
‘પ્રાપ્તિ કે તૃપ્તિ માટે તો નહીં પણ સંબંધોની સંગતિ જાળવવા એ જાપાન ગયો તે પહેલાં હું સજ્જ થઈ હતી. પ્રેમનું સ્થાન મેં વરણીને આપવાનું નક્કી કર્યું હતું. આજે તો છએક માસ થવા આવ્યા. એને અતિ ત્રસ્ત જોઈને મેં એને કહ્યું હતું, સમુદ્રની સાક્ષીએ કહ્યું હતું કે હવે હું અનિશ્ચયમાંથી મુક્ત થઈ જવા માગું છું. મને ફાવી તે ભાષામાં મેં એને મારી વાત કહી. મારી વરણીની ભૂમિકા સ્પષ્ટ કરી. અને પરિણામ વિપરીત આવ્યું. એને મારા શબ્દો બિનશરતી ન લાગ્યા. એ મારી અવહેલના કરીને ચાલ્યો ગયો. આજે લાગે છે કે તે દિવસ એની ક્ષમા માગવા હું એની પાછળ પાછળ દોડી ગઈ હોત તો કેવું સારું. થોડો સમય શૂન્યમના ઊભી રહી અને આખરે ગઈ. પણ ગઈ ત્યારે એ એને ઠેકાણે ન હતો. તે પછી કોઈક વાર મારી અસ્મિતાને તો કોઈક વાર એની ઉપેક્ષાને દોષ દેતી રહી છું. વચ્ચે તો એક સ્થિતિ એવી આવી હતી કે જ્યારે હું તમારા કે ઉદયનના સ્મરણથી કશુંય અનુભવતી ન હતી. કદાચ એ નિર્વેદની નહીં, નિરાશાની સ્થિતિ હતી.’
તો અમૃતા ઉદયનને સ્વીકારવા તૈયાર થઈ હતી? પોતે પણ એમ જ ઈચ્છતો રહ્યો છે… તો પછી અમૃતાનો નિર્ણય જાણીને આજે આશ્ચર્ય કેમ થયું? નવજાત લાગણીઓનું અનિકેત પૃથક્કરણ કરી રહ્યો.
‘ગઈ કાલે તમારા કહેવા પ્રમાણે ત્રણ વાગ્યે હું ગઈ. બે કલાક સુધી બેસી રહી. એ બોલ્યો જ નહીં. કંઈક પૂછું તો એ રીતે જોઈ રહે કે જાણે બહેરો છે. હું એની પાસે જઈને બેઠી. જડવત્ પડી રહ્યો. હું એની પાસે છું કે દૂર છું, એની સામે જોઈ રહી છું કે દૂર જોઈ રહી છું, ઊભી છું કે રૂમમાં આંટા લગાવું છું તે કશાયથી જાણે કે એ વાકેફ થવા માગતો જ ન હતો. મારી ઉપસ્થિતિની એણે નોંધ જ ન લીધી. જાણે કે હું નથી એ જ એના માટે વાસ્તવિક્તા હોય તેમ એ પડી રહ્યો.’
એક લાંબો નિ:શ્વાસ લઈને, પોતાના રીસ્ટ — વૉચની ચેન ખેંચીને એણે મૂકી દીધી. એક બંગડીને ચેન ઓળંગાવીને આગળ લાવતાં એ બોલી —
‘પાંચ વાગવા આવ્યા. હું મેજના ખાનામાંથી એના લખાણની ફાઈલ બહાર કાઢીને પાનાં ફેરવવા લાગી. મને આશા હતી કે એ મને કંઈક કહેશે. એણે કંઈ ન કહ્યું. મેં એના સામું જોયું. એ મારી સામે જ જોઈ રહ્યો હતો. એની નજર મને ખાલીખમ લાગી. એમાં શતાબ્દીઓનો સૂનકાર સ્થિર થયેલો લાગતો હતો. હું પણ એની સામે જ જોઈ રહી. એણે આંખો ન બીડી. હું સહી ન શકી. મારી આંખોના ખૂણા ભીંજાઈ ગયા. એણે પડખું બદલ્યું. દીવાલ સામે જોઈને અવાજમાં ઉપેક્ષાનો કાકુ ઉમેરીને એ બોલ્યો —
‘મારી તબિયત વિશે જાણી લીધું હોય તો હવે તું જા. એ માટે બે કલાક ઓછો સમય ન કહેવાય હું આભાર માનું તેની રાહ જોતી હોય તો લે આભાર પણ માની લઉં છું. અનિકેતની રાહ જોતી હોય તો એ હવે આવતો હશે. રસ્તામાં સામો મળી જશે. અહીં મારી હાજરીમાં કદાચ તું એની સાથે મોકળા મને વાત નહીં કરી શકે. અનિકેત સારો માણસ છે. એ મારો મિત્ર છે માટે હું એનાં વખાણ નથી કરતો, સાચે જ તારી પસંદગી ધન્યવાદને પાત્ર છે. હું તો હવે ખોવાયેલો માણસ કહેવાઉં.’
મેં કહ્યું કે ખોવાયેલાને જ શોધવા નીકળવાનું હોય છે. મેં વરણી કરી લીધી છે. અને મારી વરણી ભૂલભરેલી હોય એવું મને નથી લાગતું. તેં નામ બોલવામાં ભૂલ કરી.
હસવાનો પ્રયત્ન કરીને એ બોલ્યો —
‘જોજે, એવું સ્વચ્છંદી વલણ અપનાવી બેસતી, નહીં તો સૌભાગ્યતિલક કરવા પહેલાં જ વિધવા બની બેસશે. તને ખબર નથી કે આજે હું કેટલો બધો ખુશ છું. પૂર્ણાહુતિ પ્રસંગે આવનારને પણ આખો પ્રસંગ જાણવા મળે છે. તું નથી જાણતી તે કથા તને અનિકેત કહેશે. હું તો એટલું જ કહીશ કે આજે હું શા માટે ખુશ છું — અનિકેતના ખભાનો ટેકો મળશે તેથી સ્મશાનમાં પણ હું શાનથી જઈશ. મૃત્યુ પ્રસંગે આપણને સમજનાર અને ચાહનાર એક માણસ એના સમગ્ર અસ્તિત્વ સાથે આપણી પાસે આવીને ઊભો હોય તેથી વધુ શું જોઈએ? તેં તો જોયું ને? તારા વિના હું આજ સુધી જીવી શક્યો અને હવે તારા વિના મરી પણ શકીશ. હું તારા ઈશ્વરને પ્રર્થના કરું છું કે એ તારું ઘમંડ સાચવે અને તું જીવે છે એ રીતે જીવવામાં મદદ કરે. હું મારા ઈશ્વરને ઓળખવા હવે મથું છું પણ એનો ચહેરો મારી સમક્ષ હજી પૂર્ણપણે પ્રગટ થયો નથી. ત્યાં સુધી હું એને પ્રર્થના નહીં કરું.’
એની પાસે જઈને મેં એના હાથ પકડી લીધા. મારાં આંસુથી એ દાઝી ઊઠયો હોય તેમ એણે હાથ ખેંચી લીધા અને બોલ્યો —
‘મને બે રોગ થયા છે. એક બેકાળજીથી અને બીજો સાહસથી. પૂરતી ખાતરી કરીને બેઠો છું. અનિકેત નાહક ધમાલમાં પડ્યો છે.’
એ હસવા પ્રયાસ કરતો હતો. હોઠ ખેંચવાથી એની બીમારીની ગંભીરતા છતી થતી હતી. પાંચેક મિનિટ સુધી બોલવાનું રોકી રાખીને એ ફરીથી હસ્યો. મને લાગ્યું કે એ રડી પડશે કે શું? પણ મેં એને રડતો જોયો નથી. એ બોલવા લાગ્યો —
ડૉકટરો પણ કેવા ભોળા હોય છે? મારી હાજરીમાં એમણે કશી ચર્ચા ન કરી. હું હીરોશીમામાં જે જોઈજાણીને આવ્યો છું તેની એમને ખબર નથી. આ રોગમાં તો હું એમને માર્ગદર્શન આપી શકું તેમ છું. એ લોકો તો આત્મવિશ્વાસનો ભાર લઈને ગયા, પણ મારે તને કહેવું જોઈએ. જૂની દોસ્તીનું કરજ ચૂકવવા પણ કહેવું જોઈએ. હીરોશીમામાં હું એટલા માટે નહોતો રોકાયો કે હું પણ રેડિયો- એકિટવનો ભોગ બનું. હું જિજ્ઞાસા સંતોષવા માટે રોકાયો હતો. એક વાર્તાની સામગ્રી એકઠી કરવાનો લોભ સેવી રહ્યો હતો. અને વિશેષ તો ત્યાંના ઉદાહરણના આધારે આધુનિક વિશ્વની સિદ્ધિઓ પર વ્યંગ કરીને મને આજ સુધી થયેલા અન્યાયનું વેર વાળવા માગતો હતો. પછી તો જે થયું તે થયું. હું એને વહેલું રોકી શક્યો હોત પણ તું જાણે છે કે હું આળસુ માણસ છું. પછી તો જે જોયું હતું તેમાં મન પરોવીને પડી રહેવા લાગ્યો. ન થયો પસ્તાવો કે ન રહ્યો અફસોસ. હવે તું જા. એ આવી પહોંચશે તો પાછો તને અહીં રોકી રાખશે. તું ‘છાયા’માં રહેવા ચાલી ગઈ? હદ છે. સાવ અબળા જ રહી. હવે તું જા. મારે એકાન્ત જોઈએ છે. તું હોઈશ ત્યાં સુધી હું બોલ્યા વિના રહી નહીં શકું. જા.’
હું બારણા સુધી પહોંચું ત્યાં સુધી એ બોલતો રહ્યો — જા, જા, જા. છેલ્લે ખોખરા અવાજે ખડખડ હસીને બોલ્યો — જા જા રે જા… મેં પાછળ નજર કરીને જોયું તો એના હોઠ પરનું ફિકકું સ્મિત શમી ગયું હતું. એની આંખો વધારે ખુલ્લી અને સંપૂર્ણ ખાલી લાગતી હતી. એના કપાળ પર પડેલી કરચલીઓમાં એની સઘળી શારીરિક અશક્તિ અંકાઈ ઊઠી હતી. મારા ખસવાથી એની નજીક વિસ્તારેલા અવકાશમાં મને એ અસહાય દેખાયો. મને થયું કે એની પાસે દોડી જાઉં અને એને ખોળામાં લઈ લઉં. એને પાલવમાં ઢાંકી દઉં. મૃત્યુની છાયા પણ એને ન દેખાય એ રીતે મારા ગોપિત માતૃત્વની મમતામાં એને સંતાડી દઉં, પણ મારાથી એક પગ બારણા બહાર મુકાઈ ગયો હતો. પછી આવીશ એમ નક્કી કરીને ઘેર ચાલી ગઈ… હું જરા જોઈ આવું, એ ઊંઘે છે કે જાગી ગયો છે?’
અમૃતા ગઈ.
હું ધારતો હતો તે કરતાં એ વધુ દઢ અને ઊર્જસ્વી નીકળી. હું એનો પથપ્રદર્શક બનવા જતો હતો! જે સ્વયં રહસ્ય-નિકેતન છે. તેને હું એની પ્રાપ્તિનું રહસ્ય સમજાવવા લાગ્યો હતો!
રવિબાબુએ પ્રાપ્તિ અને અપ્રાપ્તિ વિશે બોલતાં આકાશ અને પંખીના રૂપકથી ઉચિત જ કહ્યું છે કે પંખી આકાશને જાણે છે માટે જ તે જાણે કે આકાશને પાર કરી શકાતું નથી.
નારીહૃદયના મર્મકોષને જાણ્યા વિના જ ઘણુંબધું કહેવાયું છે.
એ આવે એટલે એને કહી દઉં — અમૃતા, તું સ્વત:પ્રકાશિત છે. હું તને સલાહ આપીને તો મારા જ સંભ્રમના આચ્છાદનને દૂર કરી રહ્યો હતો. આજે હું મારો સમગ્ર વિશ્વાસ તને નિવેદિત કરું છું.
અમૃતા આવી.
પરિચયના પ્રારંભમાં એના ચહેરા પર વરતાતી હતી તેવી તટસ્થ ગરિમા જોઈને અનિકેતને આછો સંતોષ થયો. હા, ત્યારે બંને વચ્ચે ઔપચારિકતા અને એકબીજાના સામે જોવામાં અતિરિક્ત સજગતા પ્રવર્તતી હતી. એનું સ્થાન વિશ્વાસજનિત સજગતાએ લીધું હોય તેમ લાગ્યું.
અનિકેતને દુષ્કર લાગતું હતું તે અમૃતાના પ્રતાપે સહજ થઈ ગયું. એ સામે બેઠી તે પછી એને રહસ્ય-નિકેતનનું દર્શન થયું. જે સૌંદર્ય કામ્ય લાગ્યું હતું તે નિગૂઢ ઐશ્વર્યનું કારણ બન્યું.
અવિરત મથામણથી પણ નિરપેક્ષતા દૂર-સુદૂર રહી જતી હતી. આજે અમૃતાના પ્રંજલ દૃષ્ટિક્ષેપમાં સંતર્પક નિરપેક્ષતાનું એને દર્શન થયું. વિનિત નયને એ વિચારી રહ્યો — હવે મારે સૃષ્ટિનો માયા અને સત્યમાં ભેદ કરવો નહીં પડે. હવે સુન્દરને માયારૂપે નહીં, સત્યરૂપે જોઈ શકાશે. અમૃતા પ્રતિ જાગી હતી તે સ્પૃહામાંથી મુક્ત થવા માટે જ નિરપેક્ષ થવાનો ઉદ્યમ આદર્યો હતો. હવે તો સકળને સૌંદર્યના પાર્યાયરૂપે ઓળખી શકાશે, કશાયની ઉપેક્ષા કરવી નહીં પડે. હવે વિભાજન કર્યા વિના સમગ્રને એક માનીને અખંડ પ્રાપ્તિનો આનંદ અનુભવીશ.
આંખો બીડીને, પીઠ ટેકવીને એ બેસી રહ્યો.
અમૃતાને લાગ્યું કે એ આરામ કરે છે. એ ફોન કરવા ગઈ. આવતી વખત ઘેર વાત તો કરતી આવી હતી. છતાં કહી આવી કે હું અહીં જ રોકાઈશ. ઉદયનને સારું છે.
એ પાછી આવી તોપણ અનિકેતની આંખો બંધ હતી. એક તરફ ઝૂકેલા ચહેરા પર થાક અને સંતોષની સંમિશ્ર ઝાંખી થઈ.
એ ઉદયન પાસે ગઈ, સેલાઈન સેટ પાસે ઊભી રહી. ટપકતા પ્રવાહીને જોઈ રહી ઉદયનના કપાળ પર હાથ મૂક્યો. એના ઉશીકા પાસે બેઠી.
ડૉકટર છેલ્લી વિઝિટે આવ્યા. એમની સાથેની વાતચીતમાં અમૃતાની આશા વધુ દૃઢ બની. ડૉકટરની પાછળ પાછળ મૅટ્રન આવ્યાં. એમના ગયા પછી નર્સોએ ચાળા પાડ્યા. અમૃતાને એમની માસૂમ નાદાનિયત જોઈને સુખ થયું.
‘Choiceless awareness.’
આંખો ખૂલી ત્યારે અનિકેતના હોઠ પર આ શબ્દો ફરકી ઊઠયા.
‘એ ઊંઘે છે, ઘણા દિવસ પછી ઊંઘવા પામ્યો હોય એમ ઊંઘમાં ડૂબ્યો છે.’
‘હા એ ઘણા દિવસ પછી જ ઊંઘે છે.’
મધ્યરાત્રિની શાંતિ છે. ક્યારેક કોઈ નર્સને બોલાવે છે. ક્યારેક નર્સ પોતે જ આંટો લગાવી આવે છે. આવતાંજતાં અનિકેત નજરે પડે છે.
‘આ તમારા મકાનની-ઘરની ચાવી.’
‘એને આટલા દિવસ સાચવ્યું માટે આભાર.’
‘એમ કહીને તમે તો મારે માનવાનો છે તે આભારને બેવડો કરી મૂક્યો.’
‘ઠીક છે એ તો બધું. ગયાં છો ત્યાં હવે ફાવી ગયું હશે.’
‘ફાવી જશે, ‘’છાયા’’ મારું ઘર હતું અને આજેય છે. પરંતુ ‘’હતું’’ અને ‘’છે’’ વચ્ચેનો અવકાશ હજી પુરાયો નથી. એક જ સ્થળનો ફરીથી આશ્રય મેળવવા જતાં જે પોતાનું જ હતું તે નવું લાગવા માંડ્યું. જૂના સાહચર્ય સાથે પોતાને જોડતાં વાર થઈ. તૂટેલાને સાંધવું પડે છે, એ એકરૂપ થઈ શકતું નથી. વારંવાર લાગે છે કે એકલી છું. હારીને પાછી આવી છું. કોઈવાર એમ પણ લાગે છે કે ભૂલ ટૂંકાવીને આવી છું. ત્યારે શાંતિ મળે છે. ભરતી અને ઓટ વચ્ચેની સમુદ્રની સ્થિતિ જોઈ લેવાનું ગમે છે. ગગનનો નીલ અવકાશ આંખોને આમંત્રી રહે છે. એના પ્રતિબિંબને અંતરતમમાં ઉતારી લઉં છું. હમણાં સુધી સાગરના અતલ નીરના અંધકારમાં કોઈ છીપનું હાસ કલ્પી શકાતું ન હતું. હવે અપેક્ષાઓનું બળ ઘટી ગયું છે અને આશા છે કે સંકલ્પના બળે મારી રિક્તતાને ગગનના નીલ વિસ્તારને સોંપી દઈશ. બોલો મારી તૈયારી કેવી છે? પાર ઊતરી જઈશ કે નહીં?’
‘નિ:શંક, નિ:શંક.’
‘સાચે જ?’
ઉત્તરમાં અમૃતાને અનિકેતનું સ્મિત પ્રાપ્ત થયું. કેળવેલી અવિચળતા કંપી ઊઠી. દૃષ્ટિને નિષ્પંદ કરતાં સમય થયો.
‘તમે ઘેર જઈને આરામ કરો એવી મારી વિનંતી છે.’
‘કેમ, અહીં રોકાવાનો મારો હક મંજૂર નહીં રાખો?’
‘મારા હક પણ હવે તો મેં તમને સોંપી દીધા છે. ફક્ત વાત એટલી જ છે. કે ઉદયન અત્યારે ઊંઘે છે. એ જાગે અને તમને જોઈને બોલવા લાગે તો તમને દુ:ખ થાય.’
‘નહીં થાય.’
‘મને હમણાં જ વિચાર આવ્યો. એ તમારી પ્રતીક્ષા કરતો હોય ત્યારે તમે પાછાં ન જવા આવો. ત્યાં સુધી મુલાકાત લેતાં રહો. હું મને અસહજ હોવા છતાં થોડોક અભિયન કરતો રહીશ અને અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરીશ. એક વાર જો એ પ્રતીક્ષા કરતાં શીખે…’
‘પણ એની મક્કમતાને તો તમે જાણો છો. મને ભય છે કે મને આવતીજતી જોઈને એની મક્કમતા દૃઢ થતી જશે. અને મોડું થાય તે પછી હું આવીશ તો એનો શો અર્થ?’
‘તો શું થવું જોઈએ? તમે જ કહો.’
‘થનારને થવા દો. અભિનયની વાત છોડો. એવું બધું પકડી પાડવામાં એ નિષ્ણાત છે. મને લાગે છે કે ઉદયન સાથેનો આપણો વ્યવહાર આજ સુધી ચાલુ રહ્યો છે તે જ ભૂમિકાએ પ્રગટ થવા દો. સચ્ચાઈથી જ એ પ્રભાવિત થશે. વળી, એ મારી પ્રતીક્ષા કરે — હું જાણતી હોઉં અને એ મારી પ્રતીક્ષા કરે એવું આયોજન મારું ગૌરવ તો જરૂર વધારે પરંતુ મારે પક્ષે તો દંભ જ પોષાય… એ પ્રતીક્ષા કરતાં શીખે એ એના માટે ઇષ્ટ હોય તોપણ હવે તો મારામાં ધીરજ નથી. હું પર્યુત્સુક છું. મેં સંકલ્પ કરી લીધો છે. મારા સમગ્રને હોડમાં મૂકવા હું સજ્જ થઈ ચૂકી છું.’
અનિકેત ઊભો થયો.
‘હું ઉપકૃત થયો અમૃતા. તમે કૃતાર્થ થશો. દૃઢ વિશ્વાસથી કહેવાયેલું તમારું છેલ્લું વાક્ય સાંભળીને મને લાગે છે કે મારું કર્તવ્ય પૂરું થયું. મારી વ્યગ્રતા દૂર થઈ. હું હવે Choiceless awarenessના એરિયામાં પ્રવેશ કરું છું. મારી તમને શુભેચ્છા કે આ પહેલાં તમને જે શૂન્યરૂપે દેખાયું હોય તે હવે અનંત બનીને મળો. આપણું શૂન્ય અનંત બનો. અનંતનો અનુભવ મુક્તિદાયક છે અને એ જ સાચી સ્વતંત્રતા છે.’
{
દિવસો સુધી તો એ વાંકું જોતો રહ્યો પણ એને ખ્યાલ ન રહ્યો અને એક દિવસ ઉપેક્ષાનો દુર્ગ તૂટી પડ્યો. એ દિવસ અનિકેતના બહાર જવાનો હતો. કદાચ એ દુર્ગ ન હતો, પડદો હતો.
એને એહસાસ થયો કે અમૃતાની ઉપેક્ષા સહજતયા થઈ શકતી નથી. એ માટે પ્રયત્ન કરવો પડે છે. એટલે કે આ ઉપેક્ષા સ્વયંભૂ નથી. અમૃતા સાથેના વ્યવહારમાં સજગ રહેવાનું એણે છોડી દીધું.
હવે અમૃતા નજીક હોય તો એને લાગતું હતું કે અમૃતા નજીક છે. અમૃતા આવવાની હોય તો એને યાદ રહેતું હતું કે અમૃતા આવવાની છે. અમૃતા પોતાના વિશે ઉદયન સાથે વાતો કર્યા કરે છે. ઉદયન સાંભળી રહે છે.
ડૉકટરે રજા આપી તે પછીના ત્રીજા દિવસે અનિકેત જોધપુર જવા ઊપડ્યો. અમૃતા એને વિદાય આપવા સ્ટેશન સુધી જઈ શકી ન હતી. ઉદયન જવા તૈયાર થવા લાગ્યો હતો. અમૃતાએ એનાં મોજાં કાઢીને ફેંકી દીધાં હતાં અને એને બૂટ પહેરતો અટકાવ્યો હતો. ડૉકટરે જે સૂચનાઓ આપી છે તેનો પૂરતો અમલ થવો જોઈએ. ડૉકટરે વિનયપૂર્વક ઠીક ઠીક સમય સુધી અમૃતા સાથે ચર્ચા કરી હતી. એમણે આશ્ચર્ય સાથે કહ્યું હતું કે લોહી વહી ગયું તેનું લાભદાયક પરિણામ આવ્યું. નવું લોહી ઉમેરાતાં અશુદ્ધિઓની ઘનતા ઓછી થઈ અને ઉપચાર-ઈલાજને સરળતાથી કામયાબી મળી.
અમૃતાએ એ વિશે ઉદયનને કહ્યું. એણે સિગારેટની ધૂણીને અમૃતા તરફ વાળતાં કહ્યું કે એમાં તને આશ્ચર્ય થાય છે? એમ જ થાય, બીજું શું થાય ? એટલુંય સમજતી નથી. જેમ એક મૃત્યુ પછી નવો જન્મ થાય છે તેમ જુનું લોહી દૂર થતાં નવું શુદ્ધ લોહી પ્રવેશ્યું. આટલું તો તારે ડૉકટરના સમજાવ્યા વિના પણ સમજી લેવું જોઈતું હતું.
‘પણ એ પ્રયોગનું પુનરાવર્તન ન કરતો.’
‘પુનરાવર્તન શા માટે કરીશ? હવે તો એ પ્રયોગને વટાવી જઈશ,’
‘તારામાં આવી વિઘટનાત્મક શક્તિ ક્યાંથી આવી છે?
‘આ આખો યુગ જ વિઘટનાનો છે અમૃતા! 1945ના પરમાણુ-વિસ્ફોટ પછીના જગતમાં વિઘટનની શક્તિનું વર્ચસ્ છે.’
‘મારા જાણવામાં આવ્યું છે તે પ્રમાણે તો પરમાણુ-શક્તિ વિઘટન અને સંયોજન-, બંને કરી શકે છે: ફિશન અને ફયુઝન બંને, ખરું ને?’
સંયોજન અથવા સાયુજ્યનો ક્રમ પછી છે. તે પહેલાંના વિઘટનમાં જ સઘળું સમાપ્ત થઈ જાય તો નવાઈ નહીં.’
‘અનિકેતના કહેવા પ્રમાણે તારામાં પરિવર્તન આવ્યું છે જ્યારે હું જોઉં છું કે…’
‘મારામાં પરિવર્તન આવ્યું છે એ જાણ્યા પછી તું મારા પર મહેરબાની કરવા આવી છે?’
અમૃતાએ ઉદયનનો કાન પકડીને સહેજ આમળ્યો. અને એને પોતાને જ વેદના થઈ. એણે જોયું કે કાનની બૂટને પુરાઈ જવા આવેલો છેદ છે.
‘આ શું ઉદયન?’
‘ત્યાં ભિલોડા બાજુ નાનાં છોકરાંના કાન વીંધવામાં આવે. ભીલ લોકો કાને મરચીઓ અને વાળીઓ પહેરે. મારે પણ કાનમાં એવું બધું પહેરવું હતું. પણ છેદ વિના ક્યાં પહેરું? મેં હઠ પકડી. બાપુજીએ તો ધમકાવી કાઢેલો પણ પછી મા માની ગઈ. કાન વીંધાવવામાં આવ્યા. મેં ત્રણચાર વરસ સુધી કાને સોનાનાં લવિંગિયાં પહેરેલાં. એક દિવસ ભિલોડાથી ઈશાન તરફ બેએક માઈલ દૂર દોસ્તદારોની ટુકડીમાં નહાવા ગયેલો ત્યાં રમતાં રમતાં મારામારી થઈ ગઈ. તેમાં એક લવિંગિયું તૂટી ગયું. બધા એક સાથે હસી પડ્યા. હું અકળાઈ ઊઠયો. બીજા કાનમાં બચ્યું હતું તેને કાઢીને પણ પાણીમાં ફેંકી દીધું. બધા ભોંઠા પડ્યા. અને છાતી કાઢીને હું ઘેર ચાલ્યો.’
અમૃતા દીર્ઘ સમય સુધી કંઈ બોલી નહીં. ઉદયને જોયું કે એ પૂર્ણપણે હાજર નથી, ડૂબેલી લાગે છે.
‘અમૃતા!’
‘હં ?’ એ ઝબકી ઊઠી. પછીના સમયમાં એ કંઇક કહેતાં ખમચાતી હોય તેમ લાગ્યું.
‘કેમ કંઈ બોલી નહીં?’
‘શું બોલું?’
‘તું કહેવા જેવું કંઈક વિચારી રહી હોય એવું લાગે છે.’
‘અનિકેતે મને વાત કરી હતી કે ઉદયન આવતા અઠવાડિયે કામ પર જોડાઈ જવા માગે છે. ત્યાં સુધીની જ એણે રજા લીધી છે.’
‘હા, કેમ?’
‘તું હમણાં લાંબી રજા લઈ લે અથવા નોકરી છોડી દે તો શો વાંધો?’
‘રજા લઈને શું કરું? પડી રહું? મને લાગ્યા કરે કે હું બીમાર છું. અને આજે તો મને લાગે છે કે હું સાજો થઈ ગયો છું. આ થોડાક દિવસ લખવા માગું છું. પછી પ્રવાસે જઈશ. નોકરી છોડી દેવાની તું સલાહ આપે છે? આ નોકરી છોડી દઉં તો હવે મને કોણ રાખે? મારા જેવા કુખ્યાત માણસોની સેવાઓની કોને જરૂર લાગે?’
‘હું નોકરી કરું જ છું. તારું ખર્ચ પણ નીકળી જશે.’
‘તું મને શું સમજે છે?’
‘સાચવવા જેવો.’
‘ઉદયન સુરક્ષિત રહેવા ટેવાયેલો નથી. અને કોઈની મહેરબાની તો એને કદાપિ ન ખપે. એ કોઈનો આશ્રિત તો કદાપિ ન બને. એ તો દયા થઈ. અને ઑથિક દયા? નિકૃષ્ટતમ વસ્તુ હું સ્વીકારું ?’
‘તારું આરોગ્ય પૂર્વવત્ થઈ જાય તે પછી હું નોકરી છોડી દઈશ. ત્યારે તારી પાસે જમા થયેલી એવી મારી મહેરબાનીને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવી દેજે.’
‘એવા કોલકરાર મને ન ફાવે.’
શાંતિ. શાંતિ. અથવા ઉદાસ નીરવતા.
‘તારે હવે જવું જોઈએ, મોડું થશે.’
‘નોકર આવે પછી જાઉં’
‘તુ એને નોકર ન કહે, અનિકેતને પૂછી ન લીધું એનું નામ શું છે?’
‘એ આવે એટલે એને જ પૂછી લઈશ.’
‘અનિકેત એને કોઈ કોઈ વાર મેનેજર કહેતો હતો.’
‘અચ્છા!’
અમૃતા હસી પડી.
‘મેં ઘણા સમયથી ફિલ્મ જોઈ નથી, તું કંપની ન આપે ઉદયન?’
‘સીધી રીતે વાત કરને! તું મને કંપની આપવા માગે છે. મને ફિલ્મ બતાવીને મારું મનોરંજન કરવા ઈચ્છે છે.’
‘તું કહે તે સાચું. બોલ ક્યો શો અનુકૂળ આવશે?’
‘કોઈ પણ. ભીડ ઓછી રહેતી હોય તે શો વધુ ફાવે. હા, કોઈ વેવલી ફિલ્મ પસંદ ન કરતી. કૃતક કરુણતાઓથી હું કંટાળી જાઉં છું.’
અમૃતાએ ત્રણ-ચાર ફિલ્મોનાં નામ દીધાં. પાત્રોને સ્થાને કાર્ટૂન ચિત્રો પર આધારિત એક અંગ્રેજી ફિલ્મ જોવાનું ઉદયને પસંદ કર્યું.
‘પણ એ ફિલ્મ બાળકો માટેની નહીં હોય?’
‘તેમ હોય તો વધુ સારું. યુવાનીને ઘેર મૂકીને જઈ શકાય. અમૃતા, સાચું કહું? આપણે લોકોએ બાળપણથી આરંભીને નવેસરથી જીવવાનું શરૂ કરવા જેવું છે. જે વીતી જાય છે તેને સુધારી શકાતું નથી. નવા આંક માંડવા માટે આખી પાટી ભૂંસવી પડે છે. માનવજાત માટે પણ જતે દહાડે આમ જ કહેવાનું રહેશે.’
‘જે ભૂંસી શકાય તેવું ન હોય તેને રંગી શકાશે. અચ્છા હું જાઉં.’
‘પહેરેગીર આવી ગયો છે! ભલે, તું જા. આવજે. તેં મારી ઘણી સેવાચાકરી કરી. આભાર માનું છું.’
‘બસ હવે.’
‘કેમ નહીં સ્વીકારે?’
‘ના.’
‘તો તું જલદી જલદી બીમાર પડ, તારી સેવા કરી લઉં.’
‘જેવી તારી શુભેચ્છા! અચ્છા, શુભ રાત્રિ!’
‘… રાત્રિ.’
અમૃતા દરરોજ મોડી રાત સુધી બેસી રહે છે. જાણે કે ઊઠવાની એની ઈચ્છા જ ન હોય. ઉદયન આગ્રહ કરીને વળાવી આવે છે. આ પ્રમાણે ચાલતું રહે છે અને અઠવાડિયું પૂરું થઈ જાય છે. ઉદયનના સૂચનથી બંને જણ સમુદ્ર-કિનારે જાય છે. મરીન ડ્રાઈવના ફૂટપાથ પર એ ચાલી રહ્યાં છે. કિનારાથી બંધાયેલો સમુદ્ર શાંત છે. ધીરે ધીરે, દૂર દૂર અને ઊંડે ઊંડે એનો અવાજ છે.
‘હું આવતી કાલે પૂના જાઉં છું.’
અમૃતા થંભી જાય છે. એના ખભે હાથ મૂકીને કહે છે —
‘ના, હું તને ક્યાંય જવા દેવાની નથી.’
‘તને ઊંઘતી મૂકીને ચાલ્યો જઈશ. અલબત્ત તું તારે ઘેર ઊંઘતી હશે, હું મારે ઘેર જાગતો હોઈશ.’
‘તારે નથી જવાનું.’
‘તું જાણે છે કે કોઈ જતું હોય અને એને આમ ના પાડવી એ અપશુકન કહેવાય.’
‘હવે તું ક્યારથી મોટો શુકન-અપશુકનમાં માનનારો થઈ ગયો?’
‘પણ સાંભળ. નોકરીનો સવાલ છે. અને મેં સ્વેચ્છાએ ત્યાં જવાનું સ્વીકાર્યું છે. હવે એક દિવસમાં મારા વતી બીજા કોઈને મોકલવાનું કેવી રીતે બને? મને રસ પડે એવો સેમિનાર છે. પત્રકારોનો સેમિનાર છે. મારી સંસ્થાના પ્રતિનિધિએ એમાં જવું જ જોઈએ. પૂનામાં ચારેક દિવસ રોકાઈશ અને ત્યાંથી ત્રણેક દિવસ મ્હૈસુર જઈ આવીશ. આઠ-દસ દિવસમાં પાછો. સમજી?’
‘મેં મ્હૈસુર જોયું નથી, તારી સાથે આવવું છે.’
‘જુઠ્ઠી! વૃંદાવન બાગના ફોટોગ્રાફ કોણ પાડી લાવેલું?’
‘હું ભૂલી ગઈ પણ મારે તો આવવું જ છે.’
‘તું પેલા સેમિનારની ચર્ચામાં બોર થઈ જાય. તને ન ફાવે.’
‘એ, પ્લીઝ, ઉદયન, લઈ જા ને!’
‘તને મારા પર વિશ્વાસ નથી? હું સાચું જ કહું છું કે તને ન ફાવે. તું અમારા પત્રકાર મિત્રોનો સ્તર જાણીને દુ:ખી દુ:ખી થઈ જાય. એક આદર્શ કેશકર્તન કલાકેન્દ્રમાં ચાલતી ચર્ચાઓના સ્તરથી એમની ચર્ચાનો સ્તર સહેજ જ ચડિયાતો હોય છે. તે ઉપરાંત એક બીજા કારણે પણ તું ન આવે એ અમારા હિતમાં છે. તું ત્યાં હાજર હોય તો સેમિનારની ચર્ચાઓ ચાલતી હોય એટલી વ્યવસ્થિત પણ ન ચાલે. તારા જેવા શ્રોતાને જોઈને વક્તાઓને વધુ બોલવાનું પ્રેત્સાહન મળે. અને બાકીના પેલાને સાંભળે નહીં, તને જ જોઈ રહે.’
‘કેમ, પત્રકારોમાં બહેનો નથી હોતી?’
‘હોય છે. જેમના દર્શન-માત્રથી સંયમનિગ્રહની શક્તિ વધે.’
અમૃતા હસી પડી.
એની દંતપંક્તિની ચમકતી ધવલતા અને અધરોષ્ઠની સુરખીની ઉગ્ર મોહકતાથી પોતાને લલચાતો જોયા પછી પણ, અને કદાચ એ કારણે પણ એણે સાથે આવવા અમૃતાને અનુમતિ ન જ આપી.
દવા અને ઈન્જેકશન લેવા અંગે અમૃતાએ વારંવાર કહ્યું. એણે વચન આપ્યું કે નિયમિત રહીશ. સરનામું પણ આપતો ગયો જેથી અમૃતાને વિશ્વાસ ન રહે તો કોલ દ્વારા કહી શકે. દસમા દિવસે પાછા આવી જવાનું એણે કહ્યું હતું.
એ સાતમા દિવસે પાછો આવી ગયો.
અનિકેતનો પત્ર આવીને પડ્યો હતો.
નોકર બહાર જવા તૈયાર હોય એમ લાગ્યું.
‘કહાં ચલે મેનેજર?’
‘અમૃતાદીદીને કહેવા.’
‘હું પાછો આવી ગયો હોઉં અને એને ખબર પડી ન જાય એવું બને? જાઓ દોસ્ત, સિગરેટ લે આઓ. હમ આમનેસામને બૈઢકર પીએં.’
મેનેજરને બીજા દિવસે ઉદયનની યુક્તિનો ખ્યાલ આવી ગયો. ઉદયન બપોરે ઊંઘતો હતો ત્યારે એ ભાડે ટેકસી કરીને અમૃતાને કહેવા ગયો. અમૃતા રજા લઈને આવી પહોંચી.
ઠપકો આપવા એ તમતમી રહી હતી. પણ એને ઊંઘતો જોઈને ઠંડી પડી ગઈ. એની આંખો ખૂલી ત્યાં સુધી એ ખામોશ રહી.
‘તને જાણીને આનંદ થશે કે મેં રાજીનામું આપી દીધું છે.
‘સાચે જ! બહુ સારુ કર્યું.’
‘ડૉકટરોનું કહેવું છે કે…’
‘કે?’
‘મારે આરામ કરવો. સુક્કી હવાવાળા સ્થળે રહેવા જવું. ભિલોડાની હવા સૂકી હોવી જોઈએ. તે ઉપરાંત એ મારું વતન છે. હું ત્યાં જઈશ.’
‘ડૉકટરે બીજું તો કંઈ નથી કહ્યું ને?’
‘ક્યા ડૉકટરે? હાં હાં, બીજુ કંઈ નથી કહ્યું. અને કહ્યું હોય તો મને યાદ નથી. મને પણ લાગે છે કે મારે હવે વિરામ કરવો જ રહ્યો.’
અમૃતાએ માની લીધું કે ઉદયને ‘આરામ’ને બદલે ‘વિરામ’ શબ્દ ભૂલથી વાપર્યો છે.
‘તો ક્યારે જવું છે? રિઝર્વેશન-ટિકિટ લઈ આવું?’
‘ઉતાવળ નથી. હું સ્ટેશન બાજું જઈશ ત્યારે લેતો આવીશ’
‘તું થાકેલો લાગે છે, અશક્ત લાગે છે.’
‘એ તારો ભ્રમ છે. દેખાય તે યથાર્થ ન પણ હોય. હજી તો તારા ગળે ટૂંપો દઈ શકું એટલું પૌરુષ મારામાં છે. પરંતુ હું અશક્ત નથી તે સાબિત કરવા માટે એમ કરવાની મને જરૂર લાગતી નથી.’
ઉદયનના કથનનું તાત્પર્ય સ્પષ્ટ થતાં અમૃતાના હદયમાં જ્વાળાઓ ભભૂકી ઊઠી.
તો શું એ મને દૂર રાખવા માગે છે? મને સ્વીકારવામાં એ મારો વિનાશ સમજે છે? મને અલગ રાખવા જ ઈચ્છે છે? પણ હું એને એકલો મૂકીશ તો ને? જોઉં છું મારાથી કેવો છટકે છે!
એ સ્ટેશન પહોંચી. ગુજરાત મેઈલમાં આવતી કાલનું પ્રથમ વર્ગનું રિઝર્વેશન મેળવી લીધું.
ઘેર ફોન કરીને એણે સમાચાર આપ્યા. પુરાતત્વ-મંદિરમાં જઈને એક માસની રજા મૂકી. એ મંજૂર ન થાય તો રાજીનામું સ્વીકારી લેવા વિનંતી કરી. બેંકમાં જઈ આવી. એની વાત ન માનીને અનિકેતે હોસ્પિટલનું બધું જ બિલ ચૂકવી દીધું હતું. તે એને ગમ્યું ન હતું. પણ હવે ઉદયન માટે અનિકેતે ખર્ચ કરવાનું હોય નહીં.
હવે એ બધો સમય ઉદયનની સાથ જ રહેશે. અનિકેતના નોકરને જોધપુર જવા સૂચવ્યું.
ઘેર ગઈ. બધાંને મળી શકાયું નહીં. કપડાં અને અન્ય સામગ્રી લઈ આવી.
ઉદયન તૈયાર થતો ન હતો. એનું માનવું હતું કે બંનેએ ત્યાં જવાની જરૂર નથી. તારું કંઈ આરોગ્ય બગડ્યું નથી. અને એ સ્થળે કોઈ મુંબઈવાસીને ફાવે તેવું પણ નથી.
અમૃતાએ બહુ કહ્યું તે પછી એ બોલ્યો : કાં તો તું જા, કાં તો હું જાઉં. તું મારી સાથે શોભે નહીં.
અમૃતાએ એને મૂઢ કહ્યો. હેંગર પરથી કપડાં લાવીને એના પર ફેંક્યાં. મોજાં લઈને એના પગે ચડાવી દીધાં. બૂટ પહેરાવીને દોરી જોરથી બાંધી દીધી. એનો હાથ પકડીને એને બારણા બહાર લઈ ગઈ. તાળું માર્યું અને ચાવી પોતાની પર્સમાં મૂકી દીધી.
‘મારી સામે હવે તારું કંઈ ચાલવાનું નથી, સમજ્યો! તારા સમયનાં સૂત્રો હવે મારી પાસે છે.’
અમૃતાએ ઉતાવળ ન કરી હોત તો ગાડી ઊપડી જાત.
મુંબઈ પાછળ પડતું ગયું. સાન્તાક્રૂઝ સ્ટેશનનાં પાટિયાં અમૃતાએ બારીના કાચ થકી વાંચી લીધાં. ગાડીની ગતિ હવે ઓછી ન હતી.
પ્રકાશનો એક લિસોટો એને આકાશમાં દેખાયો.
વળાંક આવતાં દેખાતું હતું કે ગાડીના એન્જિનની લાઈટ રોશનીના ભાલાની જેમ અંધકારને તીવ્ર વેગે ભેદીને આગળ વધ્યા કરે છે.
ઉદયન વાંચે છે.
અમૃતા જોઈ રહી છે કે ઉદયન ફક્ત પુસ્તકમાં જોઈ રહ્યો નથી, વાંચે છે. એ વાંચતાં વાંચતાં જ ઊંધી ગયો. એ જાગ્યો ત્યારે ગોળીઓ અને પાણી આપીને અમૃતાએ ઊંઘવા માટે પૂર્વતૈયારી કરી.
અમદાવાદમાં ખાસ રોકાવાનું બન્યું નહીં.
શામળાજીથી બસ બદલવાની હતી. વચ્ચે સમય હતો. અગિયાર વાગ્યા હતા. તાપ હતો. શરદ ઋતુનો તડકો ઉદયનને માથું ચડાવે છે.
બસમાંથી ઊતરેલાં પેસેન્જરો મંદિર જોવા ગયાં. બીજી બસમાં સામાન ગોઠવાઈ ગયો તે પછી ઉદયન મંદિરની સામેના ડુંગરા તરફ ગયો. એણે અમૃતાને મંદિરની મુલાકાત લઈ આવવા કહ્યું. અમૃતા ગદાધર કૃષ્ણના આ મંદિર વિશે જાણતી હતી. એણે ઉદયનને સાથે આવવા કહ્યું.
ઉદયને જણાવ્યું કે મને કોઈ પણ ગદાધારીમાં રસ નથી. બધી જ ગદાઓ હવે તૂટી જવી જોઈએ.
અમૃતા એકલી ગઈ.
એ સહેજ ઊંચાણવાળા ભાગમાં ગયો. ખાખરાના થડને ધક્કો દઈને એક મોટો પથ્થર પડ્યો હતો. ઉદયન એના પર જઈ થડને ટેકો દઈને બેઠો. ખાખરા પર બેઠેલું એક નાજુક પંખી ઊડી ગયું.
અમૃતા પંદરેક મિનિટમાં આવી ગઈ. મંદિર કેવું લાગ્યું? શું શું જોયું? ભગવાનને પ્રણામ કર્યાં કે નહીં, કેમ જલદી આવી, આવો તેવો કોઈ પ્રશ્ન ઉદયને પૂછયો નહીં.
અમૃતાએ પણ ન બોલીને જ કહેવાનું પ્રગટ કર્યું. એ પાસે જ ઊભી હતી. ઉપર મધ્યાહ્નનો સૂર્ય તપતો હતો. એની સામે જોઈ શકાય તેમ ન હતું તેથી જોનારે અમૃતાની છાયા સામે જોયું. આ છાયા ધરતીમાં સમાઈ જવા મથી રહી છે. એને ખેંચીને પોતાની સંનિકટ લાવી શકાય તેમ નથી. અમૃતાના બેસવાથી બે છાયાઓ વચ્ચેનો અવકાશ સંકોચ પામ્યો. આ અવકાશ બે તસુ જેટલો હોય કે દોરાવા હોય પણ અલગતાને સાચવી રાખવા સમર્થ છે.
‘અમૃતા, એ સર્વવિદિત વાત છે કે…’
‘કેમ અચકાયો?’
‘આગળ શું બોલવું તે સૂઝયું નહીં, કદાચ હું મને જ કહી રહ્યો હતો. તારું નામ બોલાઈ ગયું તેથી મારો સ્વર તૂટી ગયો.’
‘ચાલ બસ ઊપડવાનો સમય થયો.’
‘આપણને મૂકીને એ ઊપડી જાય અને પથભૂલ્યાં આપણે આ ડુંગરાઓમાં ભટક્યા કરીએ તો કેવું સારું!’
‘ચાલ. ડ્રાઈવર આ તરફ જોઈને હોર્ન વગાડે છે.’
ઉદયને બસમાં બેસીને સિગારેટ સળગાવી. અમૃતાએ બસમાં લખાયેલી સૂચના તરફ એનું ધ્યાન ખેંચ્યું. એણે જવાબ આપ્યો કે આ મારી જન્મભૂમિ છે. અહીંના નિયમો હું જાણું કે આ બસનું પતરું ?
‘જો પેલી આદિવાસી કન્યાઓ જાય છે.’
‘એ તો આપણા જેવી જ છે.’
‘આપણા જેવી નહીં, તારા જેવી. જોકે એમ પણ કેવી રીતે કહી શકાય? હું ક્યાં એમને ઓળખું છું?’
વાડ વિનાનાં ખેતરો, ડુંગરાઓ વચ્ચેનાં ખડતલ મેદાન, સાગ અને ખાખરાનાં વૃક્ષોથી દૂર દૂર લગી સંકળાયેલી સંતુષ્ટ ધરતી, પાંદડાં પર પોષણ પામ્યાની તૃપ્તિ, હવાનો અંતરસ્પર્શી ઉમળકો… અમૃતાને લાગ્યું કે આ આખો ને આખો પ્રદેશ એને સ્વીકારી રહ્યો છે.
‘ઉદયન, આપણો દેશ કેવો હર્યોભર્યો છે !’
‘અનિકેત ગયો છે. ત્યાં જઈને જોઈ આવ, પછી આવાં વિધાન કર.’
ડુંગરને ચીરીને રોડ બનાવ્યો હોય તેમ લાગ્યું. બે બાજુની ભેખડોના ખરબચડા અવયવો જોઈને એની દૃષ્ટિ આકાશ તરફ છટકી જવા માર્ગ શોધવા લાગી. બંને તરફનાં ઊંચાણ આ રસ્તા પર નમી રહ્યાં હોય એમ લાગ્યું. એણે નીચું જોઈ લીધું.
ફરી પાછી વનરાજી, ઝાડને છાંયડે વાગોળતા બળદ, ચલમ પીતા ખેડૂતો અને ક્યાંક ક્યાંક ચરતી ભેંશો.
‘આ અમારી હાથમતી નદી.’
‘ક્યાં ?’
‘જોતી નથી, બસ શેના ઉપર થઈને પસાર થઈ રહી છે?’
અમૃતાએ જોયું કે પુલ છે. પણ નીચે નદી નથી, નાના નાના પથરા અને કાંકરાઓથી છવાયેલો વિસ્તાર છે.
‘પાણી કેમ નથી? ચોમાસામાં પણ આમાં પાણી નથી ટકતું?’
‘પાણી છે, હું જોઈ શકું છું કે પાણી છે,’
‘તું પ્રામાણિક ભાષામાં બોલે છે?’
‘હા, હું પાણી જોઈ શકું છું કારણ કે આ નદી છે. અમૃતા તને પાણી નથી દેખાતું પણ મને દેખાય છે. કારણ કે હું જાણું છું કે આ અંત:સ્રોતા છે.’
અંત:સ્રોતા…
‘ભિલોડા બહુ જૂનું ગામ છે. અને છતાં એ ગામ જ રહ્યું છે. શહેર બની શકયું નથી. કારણ કે એની નદી નજીક આવીને અંતસ્રોતા બની જાય છે, અને દૂર જઈને પ્રગટ થાય છે.’
અમૃતાએ ભરબપોરે ભિલોડામાં પ્રવેશ કર્યો.
‘અમારા ગામને પશ્ચિમ તરફ ભાગોળ છે. ભાગોળનું કોઈ વિશિષ્ટ સ્વરૂપ નથી, કદાચ તને બધું વીખરાયેલું લાગશે. આ ભાગોળની ધૂળ, જો પેલી થોરની વાડ, આ તરફ અંગ્રેજી નિશાળ સામે પોલીસ-સ્ટેશન. આ ગુજરાતી નિશાળ. જો હવે સામે છે તેને આશ્રમ કહે છે. આમ વળવાનું છે, દક્ષિણ તરફ, હજી દૂર છે ઘર.’
ખડકીના દરવાજાને તાળું હતું.
ચાવી? યાદ નથી આવતું ચાવી કોને આપી હતી ?
‘તોડો તાળું તોડો, ઘર મારું છે.’
‘સૂટકેસ વગેરે સામાન ઉપાડીને આવેલા મજૂરોએ તાળું તોડતાં વાર ન કરી. હથોડી લઈ આવ્યા, પાનું લઈ આવ્યા અને ધડ્ ધડ્ ધડ્… અમૃતાની આંખોમાં એ ધબકારાઓનો પ્રતિધ્વનિ કંપી રહ્યો, એના હૃદય-ધબકારમાં ભળતો ગયો.
દરવાજો ખૂલ્યો. દીવાલો વચ્ચે ઘરનું આંગણું દેખાવાને સ્થાને અમૃતાને ઘાસ દેખાયું. ઘાસ લીલું હતું, ઘાસ સૂકું હતું, ઘાસ આંગણાને ઢાંકીને પથરાયું હતું. એના ઉપર પગ મૂકીને ચાલવા જતાં અવાજ થયો. કેમ આવા નગણ્ય અવાજો પણ સંભળાય છે?
બે ખાટલા ઊભા કરેલા હતા. ઉદયને ઢળાવ્યા. અને એકમાં એણે લંબાવી દીધું. મેડાની સાફસૂકી કરીને પાણી ભરીને જવા માટે ગજવામાંથી પૈસા કાઢીને આપવા લાગ્યો. લેનારને વધારે પડતા હતા. નહીં લો તો કામ કરવા દેવામાં નહીં આવે એવી ધમકી આપીને એણે પૈસા આપી દીધા.
શામળાજીથી ભિલોડા વચ્ચે જોયેલા ડુંગરા અમૃતાના ચિત્તમાં ડોલતા હતા. એ ડુંગરાઓ વચ્ચેનું આકાશ મધ્યાહ્નનું હતું. નદીમાં પથરા અને કાંકરા હતા. જળનો પ્રવાહ એણે કલ્પી જોયો…
એ થોડુંક બેઠી અને ઊભી થઈ. એક બારણું દાદરાનું હતું, જેને ખોલીને મજૂરો મેડા પર ગયા હતા અને સાફસૂફી કરવા લાગ્યા હતા. બીજું બારણું એણે ખોલ્યું. ચોકડી, પાણિયારું, પાણિયારા પરના ગોખમાં સરસ્વતીની છબી એની આગળ આડી પડેલી ધૂપદાની, ગોખના ઉપરના ભાગમાં કરોળિયાનું જાળું…એ પછીતવાળા ખંડમાં ગઈ. એક ચામાચીડિયું ઊડ્યું. આંટા લગાવવા લાગ્યું. એકવાર તો અમૃતાના કાન નજીકથી પસાર થયું. એની કર્કશ અને બિહામણી પાંખ જોઈને અમૃતાથી ચીસ પડાઈ ગઈ. એ બહાર દોડી આવી. ઉદયન આંખો દાબીને પડ્યો હતો.
એ ખાટલા પર બેઠી. બારણાંની સાખ પરની કલાકારીગરી જોવા લાગી. નજર ઉપર ગઈ. ટોલ્લા પર ચકલીનો માળો હતો. કેટલાંક તરણાં એક તરફ નીચે લટકતાં હતાં.
ઉદયને આંખો ખોલી. એના ખાટલાથી પાંજઠ પર વળગણી દેખાઈ. એ બેઠો થયો. બુશશર્ટ કાઢીને એણે વરગણી પર ફેંકયું. વરગણી ઝૂલી ઊઠી. ઝૂલતી રહી. એ જોતો રહ્યો. સૂઈ ગયો અને એણે આંખો દબાવી.
અમૃતા મેડા પર ગઈ. મેડીનો મૉડી પરનો ભાગ ઉપરથી ખુલ્લો હતો, લગભગ અગાશી જેવો. તે સિવાય બે ઓરડા હતા. કચરો વળાઈ રહેવા આવ્યો હતો. શ્વાસ લેતાં ફાવતું ન હતું. એ દાદર ઊતરવા લાગી. એને અતડું લાગ્યું.
બે દિવસ સુધી એને અતડું અતડું લાગ્યું. ત્યાં સુધીમાં બધું બરાબર ગોઠવાઈ ગયું હતું. જૂનો સ્ટવ ઉદયને મારીમચડીને ચાલુ કર્યો છે, તોપણ વચ્ચે કોક કોક વાર ભભકી ઊઠે છે. એણે અમૃતાને દૂર બેસવા ચેતવણી આપી રાખી છે.
ભિલોડા જોયું. જોવાની ઈચ્છા હતી જ. વરસો પહેલાં એ ઈચ્છા એણે પ્રગટ પણ કરેલી. એણે ઉદયનને કહેલું — ત્યાં જઈને એ ગરબો ઘૂમશે. ભીલકન્યાઓની સાથે ભળીને કેડ પાછળ હાથ બાંધીને એ નાચશે, ઉદયન ગમે તેટલો દૂર ઊભો હશે તોપણ જોઈને મોહી જશે…આજે તો એ ઇચ્છા માત્ર તરંગ લાગે છે. ઉદયનને એની યાદ આપવાનો કશો અર્થ નથી. એને હવે એવા કોઈ તરંગની કે એવા કોઈ પ્રસંગની યાદ આપવામાં ન આવે તેમાં જ અભિપ્રય છુપાયેલો છે.
જોઉં છું કંટાળી જતાં હજી કેટલી વાર કરે છે…જરૂર કંટાળશે…એના કંટાળવાનો સહેજ અણસાર મળે કે એને બસમાં બેસાડી આવું…કંટાળશે જરૂર કંટાળશે. આટલી બધી મુશ્કેલીઓ એણે જિન્દગીમાં કદી વેઠી નથી. વેઠે શું જોઈ પણ નહીં હોય, કદાચ એણે કલ્પી પણ નહીં હોય…જરૂર કંટાળશે. એને વળાવી આવીશ અને ઘેર આવીને ખડખડાટ હસી પડીશ…’ગઈ!’ આંગણાનું ઘાસ કંપી ઊઠશે…બારણાં બંધ કરીને ઊંઘી જઈશ…
‘ઉદયન, તારું ગામ બહુ ગમ્યું. આ ચોતરફ ડુંગરાઓ અને એમની ભેગી થયેલી હથેલીઓમાં વસેલું ગામ! ડુંગરાઓ પણ કેવા ગંભીર અને મક્કમ દેખાય છે! જાણે પરમ વિજેતાની છાવણીમાં ખેંચાયેલા નીલ તંબુઓ! આ અગાશી પર હું દર સંધ્યાએ ઊભી રહીશ તો થોડા દિવસમાં કવિ બની બેસીશ…ઉદયન તેં કવિતા લખી હશે જ.’
‘પહેલાં લખતો હતો, બાળપણમાં, પણ એનાથી કંઈ વળ્યું નહીં એટલે જતી કરી.’
‘તું ઘણો સંયમી કહેવાય, બાકી આવા, સૌંદર્યનો અનુભવ કોણ જતો કરે?’
‘એ, જરા માપસર બેસ ને! મારા ઓશીકા પાસે બેસી પડે છે તેથી મને રૂંધામણ થાય છે.’
અમૃતાએ જવાબ આપવા માટે ઉદયનનો કાન ખેંચ્યો અને એની બૂટ જરા દબાવી. એણે હાથ લઈ લીધો તે પછી પણ લાલાશ ઓછી ન થઈ. એ જોઈને એ બેચેન થઈ ગઈ.
એને દવા આપવાનો વખત થયો. એ ઊભી થઈ.
ઉદયન દવા લેવામાં અનાકાની કરતો નથી.
એક પછી એક સાંજ વીતે છે.
ગઈ સાંજે ઉદયન દીવાસળીની પેટી લઈને આવતો હતો. રસ્તામાં વૃદ્ધ ગતિએ આવતી બે પડોશી સ્ત્રીઓ એના વિશે જ વાત કરતી હતી — ‘ભઈલો બૈરું તો જબરું લાયો.’ ઉદયને સાંભળ્યું હતું. ઘેર આવીને મેડા પર ધીમે ચડવાનું ભૂલી જવાથી શ્વાસ ચડ્યો હતો. એ સૂઈ જઈને આરામ કરી રહ્યો હતો. છતનાં નળિયાંની બિલકુલ માથા પરની લાઈન સામે એ જોઈ રહ્યો. એક લાઈનમાં નળિયાં ગણીને બીજી લાઈનનાં નળિયાં ગણવા લાગ્યો. ગણી રહ્યો ત્યારે પહેલી લાઈનનાં કેટલાં થયાં એ ભૂલી ગયો હતો.
આજે વહેલી સવારથી એ વાંચવા બેઠો હતો. હમણાં જ એણે પુસ્તક ખાટલા નીચે મૂકી દીધું. અમૃતા પોસ્ટ-ઑફિસે ગઈ હતી. એ આવી એવી ઉદયનની સામે બેસી ગઈ અને જમણા પગની પાની હાથમાં લઈને દબાવવા લાગી.
ઉદયને નજર કરી. બોલ્યો નહીં.
‘કાંટો વાગ્યો છે. અહીંના કાંટા બહુ મજબૂત હોય છે!’
ઉદયન નિરુત્તર.
‘ચંપલની બાજુમાં થઈને શૂળ ભોંકાણી. ખેંચવા જતાં તૂટી ગઈ.’
ઉદયને ગરદન વાળીને દીવાલ તરફ જોયું.
પાની દબાઈ-ચોળાઈને લાલચોળ બની ગઈ હતી.
‘ઉદયન!’
ઉદયને સામે જોયું. દૃષ્ટિ પ્રશ્નાકુલ લાગતી હતી પરંતુ ચહેરામાં તો જાણે ઠાંસી ઠાંસીને મૌન ભર્યું ન હોય!
અમૃતા ઊભી થઈ. કાંટો કાઢવા કંઈક સાધન શોધવા લાગી. સોય તો ક્યાંથી હોય? ઉદયનના હજામતના સામાનમાંથી એણે બ્લેડ લીધી. પહેલાં બેઠી હતી તે જ સ્થળે આવીને બેઠી.
બ્લેડ વાગશે તો પાકશે, એનો ઘા ઝેરી હોય છે — કહેવાનું મન થયું પણ એ ન બોલવામાં સફળ થયો. બ્લેડના ખૂણાથી કાંટા કનેનો ભાગ દબાવ્યો. કાંટો આપમેળે બહાર ઊપસી આવ્યો.
‘હાશ!’
‘એક વાર હાશ કહી દેવાથી છુટકારો થઈ જવાનો નથી. અહીં રહેવું હશે તો ઘણા કાંટા વાગશે. અમૃતા, આ પ્રદેશ તારો નથી અને તારું અહીં કામ પણ નથી. પાછી જા.’
‘તું ડર બતાવીશ એમ મારી હિંમત વધશે.’
‘તો તને ડરાવવા માટે શું કરવું?’
‘જે થઈ રહ્યું હોય તે થવા દે. પોતાના દાયિત્વનો ભાર હળવો કર. મને લાગે છે કે તું કશાક ડરથી ઘેરાયેલો છે તેથી જ મને પણ ડરાવવા ઈચ્છે છે. ઉદયન, તું કેમ ભૂલી જાય છે કે તેંજ મને નીડર બનાવી છે.’
‘તારી નીડરતા સાચી હોય તો મને અહીં રહેવા દઈને જા. તારી હાજરીને કારણે મારે સભાન જીવવું પડે છે, જે મને નાપસંદ છે. તું જા, મારે મારી રીતે જીવવું છે.’
‘હવે શું જાઉં? હવે તો તારે માની લેવું પડશે કે હું તારા પંથની જ પ્રવાસી છું. તારી દિશા એ જ મારી દિશા.’
‘પછી તને એમ ન લાગે કે ઉદયને ચેતવી ન હતી.’
‘તું કોને ચેતવવાની વાત કરે છે ઉદયન? બહુ થયું હવે બસ કર. તું એટલું પણ નથી સમજતો કે તર્ક-વિતર્કની મદદથી કોઈ છાયાને શરીરથી અલગ કરી શકતું નથી?’
‘કોઈને છાયા બનાવી દેવાનું દુષ્કર્મ મારાથી નહીં થઈ શકે.’
એ અંદર ગઈ. પછીતની બારીના સળિયા પકડીને ઊભી રહી. સૃષ્ટિને નીરખી રહી. કંથેરના ઝાંખરા પર અપરાજિતા વેલનાં વાદળી રંગનાં ફૂલ એ રીતે છવાયાં હતાં તે કંથેરનું ઝાંખરાપણું ઢંકાઈ ગયું હતું. બબ્બે, એકએક એવાં અનેક વૃક્ષો તરફ નજર વારાફરતી જતી હતી. પાંદડાંની સઘનતાથી સાન્ત્વન આપતાં વૃક્ષો કેવળ ઉપર ઉપરથી ઘેરાયેલાં લાગ્યાં. ડાળીઓ વચ્ચેનો અવકાશ એને પ્રતીત થયો, એકાએક એની કલ્પનામાં કંપી ઊઠયો. એકલ લટકતો પંખીનો કોઈ ખાલી માળો… વૃક્ષોના ઓઠે પડી જવાથી પોતાની હાજરીને દાખવતી અંતસ્રોતા હાથમતી…નાના સરખા પેલા શ્મશાનનો પરિચય કરાવતી તૃણરહિત ભૂમિ…સૂરજના તાપમાં ચળકવા લાગેલું તળાવનું આછોતરું પાણી…
એને લાગ્યું કે પેલી પારની સઘળી સૃષ્ટિ સંદર્ભરહિત બની ગઈ છે. એક દશ્યને બીજા દૃશ્ય સાથે સાંકળી શકાતું નથી. જાણે કે ત્યાં કશોક અપરિહાર્ય વિચ્છેદ પ્રવર્તે છે.
યાદ આવ્યું કે અગિયાર વાગ્યે તો ઉદયને શાળામાં જવાનું છે. ઉદયનની ના હોવા છતાં આચાર્યશ્રીના આગ્રહને ટેકો આપીને અમૃતાએ વાર્તાલાપ રખાવ્યો હતો.
‘ઉદયન, જવાનું છે.’
‘હા, જવાનું છે.’
‘તૈયાર થા.’
‘મારાથી પણ તને વધુ ઉતાવળ છે?’
‘જો ઘડિયાળમાં, સમય થયો. કોઈ બોલાવવા આવતું હશે.’
‘તું ક્યાં જવાની વાત કરતી હતી?’
‘શાળામાં. તું શું સમજ્યો?’
‘કંઈ નહીં. પણ જવા દે ને, મને કંઈ રસ નથી. વિદ્યાર્થીઓને ખપ લાગે એવું કહેતાં મને નહીં ફાવે. મારું માને તો તું જા.’
‘હું તારી સાથે આવીશ.’
‘આચાર્યશ્રી ખબર વિના તારો પણ પરિચય આપવા બેસશે અને નથી એવું કહી બેસશે તો?
‘તો સાંભળનારા સાચું માનશે, તું નાહક ચિંતા કરે છે. ઊભો થા, તૈયાર થા, ચાલ.’
અમૃતાએ હાથ પકડીને એને બેઠો કર્યો. એમ કરવાની જરૂર ન હતી એવું સૂચવતો એ ઊભો થયો. તે પછી અમૃતાના માર્ગદર્શન પ્રમાણે એ તૈયાર થવા લાગ્યો. કશો વિરોધ કર્યો નહીં. અમૃતાએ જોયું કે બે છાત્રો બોલાવવા આવી રહ્યા છે. એમને આવકાર આપીને એ એમની સાથે વાતે વળી.
વિદ્યાર્થીઓ આગળ આગળ ચાલતા હતા. અમૃતાના માનવા પ્રમાણે ઉદયન ચાલવું જોઈએ તેથી વધારે ઝડપથી ચાલી રહ્યો છે.
મહેમાનોને જોઈને વિદ્યાર્થીઓ ઊભા થયા. ઉદયનને એ ન ગમ્યું. શ્રેષ્ઠતાવાચક વિશેષણોથી ઉદયનનો પરિચય આપવામાં આવ્યો. એ બોલવા ઊભો થયો.
‘મિત્રો!’
તમને મળવાની તક મળી તે બદલ આભારી છું એવું કંઈ બોલ્યા વિના, એટલું બોલી શકાય એટલો સમય એ અશબ્દ રહ્યો.
‘તમે સુખી છો. કારણ કે પ્રકૃતિની જુદાઈ જીરવવાનું તમારે ફાળે આવ્યું નથી. તેથી તમારા ચહેરા પર નવજાત પલ્લવોની સુરખી છે. ઊંચી ઈમારતોના પડછાયા નીચે પડખેનો કર્કશ કોલાહલ સ્વીકારી લઈને વાંકીચૂકી ગતિએ ચાલવું અને પ્રકૃતિનો મલકાટ આખાંમાં ઝીલીને ચાલવું એ બે સ્થિતિમાં બે જુદી દુનિયાઓ વચ્ચે હોય એટલું અંતર છે. હું મારા અભ્યાસકાળ દરમિયાન એ બંને સ્થિતિઓમાંથી ગુજર્યો છું. એકનો મેં મુકાબલો કર્યો છે, અને બીજીએ મને એ મુકાબલો કરવાની તાકાત આપી છે. અહીં ભણ્યો, શહેરમાં ભણ્યો. બીજા શબ્દમાં કહું તો અહીં ઊછર્યો, ત્યાંના તાપમાં આકાર પ્રાપ્ત કર્યો. અહીંની તરફદારી કરીને હું એવું કહેવાનું સાહસ હરગિજ નહીં કરું કે શહેરમાં વિકાસ કરવો શક્યા નથી. પરંતુ એટલું કહેવાનો અનુભવ તો મને છે જ કે શહેરમાં પ્રલોભનોનો પાર નથી અને એકેએક પ્રલોભન જિન્દગીભરનું બંધન બની શકે તેવું હોય છે.
હું ભણતો તે દિ’ આ ડુંગરા આજે છે તેટલા આછા ન હતા. આમાંના કેટલાક પર તો અભેદ્ય જંગલોનાં કવચ હતાં. એમને ભેદીને આગળ વધનારની સાહસશક્તિ વિકસે. આ મેદાન પણ આજે દેખાય છે એવાં ખામોશ ન હતાં. કોઈ પણ વાહન માટે ત્યારે એ પારદર્શી ન હતાં. ડુંગરા પર ચડીને તમે નજર ઢાળો તો તમારી આંખ ઠરે. એ અડાબીડ જંગલને પવન પણ ઉપરથી જ અડપલાં કરી શકે. આજે તો અહીંથી શામળાજી જવા માટે પાકી સડક તૈયાર છે. ત્યારે તો કેડી પણ ઠેર ઠેરની સઘન ઘટાઓમાં સંતાઈ જતી. તેથી દરેક માણસે પોતાનો માર્ગ મોકળો કરીને ચાલવાનું રહેતું. અને એ ખોટું ન હતું. એ રીતે ચાલવાથી વટેમાર્ગુને જોખમ ખેડવાનું બળ મળતું.
મને આશા છે કે કપાઈ ગયેલાં જંગલ ફરીથી ઘેરાઈ ઊઠશે. પણ ત્યાં સુધી તમે રાહ જોઈને બેસી ન રહેતા. આ મેદાનોમાં, આ ડુંગરાઓ પર ચાલજો. ઠોકર લાગવાનો ભય રાખ્યા વિના દોડજો અને નિર્ભીક થજો. શરીરમાં હોય એટલું બળ ક્રિયાશીલ રહે તો નિરાંતે ઊંધ આવે. અને વહેલી સવારે આંખો ખૂલે ત્યારે ર્સ્ફૂતિનો અનુભવ થાય અને એ રીતે પોતાના પગ પર પોતાનું વજન ઉપાડીને ચાલવાની આદત પડે.
તમારા ભેગા આદિવાસી કિશોરો ભણે છે. તે જોઈને હું હરખાઉં છું. ખેતરના ખૂણે આગવું અને એકલું ઘર બાંધીને રહેવામાં એમની નીડરતા છતી થાય છે. લગ્નની પસંદગી જાતે કરવાની અને તે પછી કોઈના આશ્રયે રહેવાનું નહીં એ બાબતથી પણ એમનું ગૌરવ કરવાનું મન થાય. નગરવાસીઓ નિર્ભીકતા અને સ્વતંત્રતા પર ભલે આકર્ષક ભાષણો કર્યા કરે એ મૂલ્યો જીવે છે તો આ લોકો. મારું માનો તો તમારે અહીં રહેવા જેવું છે. અને જે લોકો અહીંથી શહેરમાં ભરતી થયા છે એમના માટે પણ હવે પાછા વળવાનો સમય પાકી ગયો છે.
મને તમારા આચાર્યશ્રીએ વાર્તાકાર કહ્યો છે. તમને રુચે એવી વાર્તા લખતાં હજી હું શીખ્યો નથી. પ્રયત્ન કરું—
આપણા ગામની પશ્ચિમે આવેલા ડુંગરા પર સાંજ પડે કે એ લટાર મારતો. એ એક ભીલ બટુક હતો. બરોબર છે, તમે જોવા લાગ્યા છો તે ડુંગરાનો જ હું ઉલ્લેખ કરી રહ્યો છું. ભાગવતમાં કહ્યું છે કે ઈશ્વરે મહાકચ્છપનું રૂપ ધારણ કરેલું. સમુદ્રમંથન વખતે મેરુ પર્વતને ડૂબતો અટકાવવા એમણે એ અવતાર લીધેલો. આ ડુંગરાની પીઠ પર આકાશ છે. અને એ ડુંગર પણ મહાકચ્છપની જેમ સ્થિતિસ્થાપક છે, સમધારક છે. તમને તો આ ડુંગરની આ તરફની જ બાજુ દેખાય છે. પેલો ભીલ બટુક પેલી ગમનો રહેવાસી હતો. સાંજ ટાણે એ આ આ તરફ આવીને થોડી વાર ઊભો રહેતો. આ ભાગોળ અને પેલી બાજુની ભાગોળથી પ્રવેશતા ખેડૂતોને જોઈ રહેતો. કાંકરેજ બળદની જોડી સાથે આવતો રેલ્લો ખેડૂતના હાથમાંથી રાશ મુકાવી દઈને પોતાના તોફાની કૂદકાઓથી પાણિયારીઓને ગભરાવી મૂકે તે દશ્ય જોવાનું એને પસંદ પડતું. પણ એટલાથી જ એને સંતોષ ન હતો. એ આખી તળેટી પર નજર બિછાવતો. ગામનાં ઊંચાંનીચાં છાપરાં પર ફરકતા સંધ્યાના સ્મિત ભેગું એ પોતાનું સ્મિત પણ ઉમેરતો. સલામત ગતિથી ચાલવાનું એ શીખેલો જ નહીં. એ સદા ખેલતો કૂદતો જ ચાલે. ચંદ્ર ઊગે ત્યાં લગી ચાલ્યા કરે. તમે જાણો છો કે આપણા દેશમાં ચંદ્ર ન ઊગે તે દિવસ તારા પણ અજવાળું પૂરે છે.
એક દિવસ એને શું સૂઝયું તે ચાંદ ઊગ્યો તોપણ એ ચાલતો રહ્યો. ચાલતો જ રહ્યો. દૂર લગી પહોંચી ગયો. મારગમાં કેસૂડાંનું વન આવ્યું. વસંતપંચમી પછી પ્રકૃતિમાં આવતા પરિવર્તન વિશે એ જાણતો ન હતો. પણ તેથી વસંત ઋુતુ એનાથી અળગી રહે તેવું તો ન જ બને ને! અને તે દિવસ તો ચંદ્ર પણ પૂનમનો હતો. આકાશના રૂપેરી સરોવરમાંથી ચાંદનીની છોળો ઊડી રહી હતી. દિવસે દેખાતાં લાલચટક કેસૂડાં અત્યારે ઘેરો ગુલાબી રંગ ધારણ કરીને નિદ્રાના મહાસાગરમાં તરતાં હતાં. ઉપર ચેતનાનું સરોવર અને નીચે વિશ્રાંતિનો મહાસાગર. તમે હેરત પામતા લાગો છો. પણ હવે ધ્યાનથી જોજો. રાત્રે આપણી આ શ્યામલ સંતોષી ભૂમિ મહાસાગરના જળનો રંગ ધારણ કરે છે. અને એના ઉપર હવાના સ્પર્શથી લહેરાઈ ઊઠતો શીતળ અંધકાર મહાસાગરનાં મોજાંનો અનુભવ કરાવે છે. એ ભીલ બટુકને આ અનુભવ પહેલાં થયેલો નહીં. તેથી આજે એ હર્ષઘેલો થઈને તાનમાં આવી ગયો હતો. ઊછળતો-કૂદતો આગળ વધી રહ્યો હતો. ડુંગરાની ધારે ધારે કેસૂડાંના વનનો વાસંતી મહિમા નિહાળતો નિહાળતો એ આગળ વધ્યો. રાયણના વન વિશે તો એ પહેલાંથી જાણતો. એમાં દાખલ થવા એ લલચાયો નહીં. એ આગળ વધ્યો. એણે કોઈ દિશા નક્કી કરેલી નહીં. તેથી એ સીધી રેખાની ગતિમાં આગળ વધી રહ્યો છે એવું રખે માનતા.
તમારામાંથી જે કિશોર ખેડબ્રહ્માથી અંબાજી ગયા છે તેમણે પોશીના પટ્ટો જરૂર જોયો છે. જે નથી ગયા તેમણે પણ ત્યાંના પારિજાતના વન વિશે જરૂર સાંભળ્યું હશે. આપણા ભીલ બટુકે પારિજાતના વનમાં પગ મૂક્યો. પારિજાતનાં ફૂલ ઝાકળની જેમ સતત ઝમતાં હોય છે. એમના ખરવાનો કોઈ અવાજ નથી. અબોધ શિશુની આંખોમાંથી આંસુ સરે તેમ એ ખરતાં હોય છે. ધરતી પર સફેદ મખમલી ગાલીચો રચાય છે. ધરતી જેમ વર્ષાના જળને પોતાના રુદિયામાં સમાવી લે છે તેમ પારિજાતનાં પુષ્પોથકી નીતરતી સુગંધને પણ પોતાના અંતરિયાળે ગ્રહી લે છે. અને એનું તનબદન મઘમઘી ઊઠે છે. પેલો ભીલ બટુક એ પારિજાતના વનની ધરતી પર છવાયેલી સુગંધિત શુભ્રતાને સ્પર્શવા ચાહે છે, લલચાય છે. બેસી જાય છે. નમીને કપોલ ધરે છે. કપોલને, હથેલીઓને, પગની પાનીઓને પુષ્પોનો ઋજુલ સ્પર્શ આનંદ આપવા લાગે છે. આનંદની પળો વીતતી જાય છે અને એ બટુક કિશોર બની જાય છે, એટલું જ નહીં, એના હોઠ પર યુવાવસ્થાની આરંભિક સુરખી જાગી આવે છે. એ ઊભો થાય છે. ચાલવા લાગે છે. સામે આવેલી શિલા પર ચડવા નમીને હાથનો ટેકો લે છે. શિલાની શીતળ શાંતિ એને બેસવા પ્રેરે છે. એ જમણી બાજુ જોઈને બેસવા જાય છે ત્યાં તો એને શું દેખાય છે? તમે નૃત્ય કરતી કોઈ અપ્સરાની છબી જોઈ છે ? એક પગ શિલા પર અને બીજો ઊપડેલો, એના સુકોમળ હાથની નાજુક અંગુલિઓએ રચી હતી પૂર્વાનુરાગની કોઈ મુદ્રા, એના લોચનમાં ઝૂકી આવી હતી સ્વપ્નલોકના પ્રવેશદ્વારના તોરણની ચંચળતા’ એના કપોલ પર સ્ફૂરી ઊઠી હતી અરુણોદયની આભા, એના હોઠમાં બિડાયું હતું સુધીર મૌન…
યુવક આભો જ બની ગયો. જિજ્ઞાસુ હતો. સ્વસ્થતા પ્રાપ્ત થતાં પૂછી બેઠો—
‘તમે પારિજાતના વનમાં વિહાર કરવા આવેલાં કોઈ પરી છો?’
‘ના’
‘તો શું કોઈ મહાશિલ્પી એકાન્તવાસનું વ્રત લઈ ને પોતાની સાધનાનું પરિણામ અહીં મૂકી ગયો છે?’
‘ના. પ્રતિમા તો નિષ્પ્રણ હોય.’
‘તો પછી હે સ્થિર લાવણ્ય, હું જોઉં છું તે સ્વપ્ન ન હોય તો ઉત્તર આપો.’
‘હે પાન્થ, તમે પળવાર રોકાઈને મારા વિશે લક્ષ આપ્યું તે માટે કૃતજ્ઞ છું. હું ઉત્તર ભણી જઈ રહી છું. આ મારી સાહજિક ગતિ છે. એનો પરિચય પ્રાપ્ત કરવાને સ્થાને તમે તો આશ્ચર્ય પામી બેઠા.’
‘તો બંને પગ ધરતી પર મૂકો. હવામાં ચાલવામાં મને વિશ્વાસ નથી. હું ધરતીનું ફરજંદ છું.’
એક માણસ સભાગૃહના બારણે આવીને ઊભો હતો. અમૃતાએ એને ઓળખી લીધો. કેટલોક સરસામાન લેવા ગઈ કાલે એણે એને અમદાવાદ મોકલ્યો હતો. ખડકી બંધ જોઈને કોઈને પૂછીને એ અહીં આવ્યો હતો. અમૃતા ચાવી આપીને પાછી આવવા ઊભી રહી. પરંતુ એમ ન કરતાં એની સાથે સાથે ગઈ. આવેલો સામાન જોઈ તપાસીને ગોઠવવા લાગી. કામ પતી ગયું તે પછી ઉદયનની રાહ જોવા લાગી. ઘર ખુલ્લું મૂકીને એ શાળા તરફ ગઈ. છેક પહોંચી. હજી વાર્તા ચાલુ હતી. બહાર ઊભી ઊભી અકળાવા લાગી. છેવટે સભાગૃહમાં પ્રવેશવા તત્પર બની. અને તે ક્ષણે વાર્તા પૂરી કરીને ઉદયન બેસી ગયો. ઘેર પહોંચીને એને એ વાર્તા વિશે જ પૂછવા એણે મનમાં ગાંઠ વાળી. પણ ઉદયનનું વલણ જોઈને એ પૂછવાનું ભૂલી ગઈ.
તે પછી દિવસો વીતી ગયા.
અમૃતા માને છે કે ઉદયનનું સ્વાસ્થ્ય સારું છે. ઉદયન કશી ફરિયાદ કરતો નથી. બેઠો હોય છે, સૂતો હોય છે, કોઈવાર આંટા લગાવતો હોય છે. હવે આંટા લગાવવા માટે એને આ નાનો ઓરડો કે એની આગળની સાંકડી અગાશી પણ ફાવે છે.
કોઈ કોઈ વાર એને કેડ પાછળ દુખી આવે છે. તો કોઈ વાર લાગે છે કે રુધિરાભિસરણ સ્થગિત થઈ ગયું છે. પણ એ જાણે છે કે એમ થાય નહીં. હા, કેડ નીચેનું દર્દ આંખોને ઊંડે ખેંચી જાય છે…પણ તેથી શું? એ તો જૂનું અને પરિચિત દર્દ છે. પચી ગયું છે. અમૃતાને એ વિશે કહેવાનું હોય નહીં. અને કહેવાનું તો એને હોય જેને ખબર પડતી ન હોય.
અમૃતા ઘરને દિનપ્રતિદિન વધુ ને વધુ સજાવી રહી છે. શું કોઈ ઉત્સવની તૈયારી કરી રહી છે?
વાતાવરણમાં સજીવતા વરતાય છે.
અમૃતાની હરેક તજવીજમાં બંધાવું ઉદયન માટે ફરજિયાત બની ગયું છે. તો શું એ થાકવાની નથી?
ઉદયનની ધારણાઓ ખોટી પડવા લાગી છે.
એને પરાસ્ત કરવા શું કરું?
સાંજ પડી.
‘કેમ તૈયાર થવા લાગ્યો?’
‘ઘરમાં ગોંધાઈ રહેવું નથી. ફરવા જવું છે.’
‘કઈ તરફ!’
‘ભવનાથ જવાની ઇચ્છા છે.’
‘એ ક્યાં નજીક છે? ચાર-પાંચ માઈલ દૂર છે. ત્યાં પહોંચીને પાછા વળતાં અંધારું થઈ જાય.’
‘કેમ અંધારાથી ડરે છે? પણ હું તને કંઈ સાથે આવવા કહેતો નથી.’
‘જોઉં છું તું મને મૂકીને કેવો જાય છે!’
‘તો ચાલ, તને પણ લઈ જાઉં. હું જીપ લઈ આવું. ગામમાં બે જીપ ભાડે મળે છે.’
‘હું આવું છું. બે મિનિટમાં તૈયાર થઈ જાઉં.’
નીકળ્યાં.
ડ્રાઈવર જીપ તૈયાર કરવા લાગ્યો. પંદર મિનિટમાં તૈયાર થઈ જશે.
‘જા, પેલું જૈન-મંદિર જોઈ આવ. ર્કીતિસ્તંભ પણ જોવા જેવો છે.’
‘ચાલ તું સાથે.’
‘સાથે સાથે સાથે, જરાક તો કેડો મૂક. તું જાણે છે કે મંદિરરૂપે ઓળખાતાં એ જીર્ણ મકાનોમાં મને રસ નથી.’
‘પ્લીઝ…’
…
‘મંદિર ઘણું મોટું કહેવાય.’
‘કબ્રસ્તાન મોટું હોય કે નાનું, કશો ફેર પડતો નથી.’
‘કબ્રસ્તાન?’
‘હા, કબ્રસ્તાન. ઈશ્વરનું કબ્રસ્તાન. નિત્શેની ઘોષણા સાચી લાગે છે.’
‘ઈશ્વર માણસના વિશ્વાસમાં જીવે છે. અને માણસની સાથે એ મંદિરમાં પ્રવેશ કરે છે. માણસની ગેરહાજરીમાં મંદિરોને તું કબ્રસ્તાન કહે તો મને વાંધો નથી. ચાલ, આ ર્કીતિસ્તંભ પર ચડીએ.’
‘તું આગળ થા.’
પ્રવેશદ્વારમાં પગ મૂકતાં જ જૂનુંપુરાણું અંધારું ભેટી પડ્યું. પહેલા મજલાના વચ્ચેના ભાગમાં સંખ્યાતીત ચામાચીડિયાંની પાંખો ફફડવા લાગી. અમૃતા એ તરફ બેધ્યાન બનીને દાદર ચડવા લાગી.
એણે નાક દબાવી દીધું. ભૂતકાળની ગંધ અમૃતાને વળગી પડી હતી. ચોતરફની અંધતામાં એ આંખો બંધ કરીને પગથિયાં ચડે કે ખુલ્લી રાખીને પગ ઉપાડે, એ સરખું જ હતું. ઉદયન કશુંય અનુભવ્યા વિના પાછળ પાછળ આવી રહ્યો હતો.
‘આ છત નવું બનાવેલું લાગે છે.’
‘હા, પહેલાં એ સાત મજલા ઊંચો હતો. આક્રમણકારી સૈનિકોથી બચવા બે રાજકુમારીઓ ભિલોડામાં આવીને આ ર્કીતિસ્તંભના છેલ્લા મજલે જઈ સંતાઈ હતી. ઈનામ જાહેર થવાથી બાતમી મળી. આતતાયીઓને આગળ વધતા જોઈને રાજકુમારીઓએ ઉપરથી પડતું મૂકયું અને વિજેતાઓને પોતાનાં શબ ભેટ આપ્યાં. તે પછી કોઈ રાજકુમારી આવું ન કરે એ દીર્ઘદષ્ટિથી ગામજનોએ એના ઉપરના મજલા ઉતારી લીધા. અને બુઠ્ઠા થયેલા ર્કીતિસ્તંભ પર આવું ગોળ છત બાંધ્યું.’ ગામનાં છાપરાં પર શૂન્ય દષ્ટિએ જોઈને એ આગળ બોલ્યો —
‘નદી અને ર્કીતિસ્તંભ — ગામની બે મુખ્ય સંપત્તિઓ શાપિત છે.’
અમૃતાને ગામની રચના ગમી. ફરતે ડુંગરાઓ અને વનશ્રી, વચ્ચે વસેલું સ્તબ્ધ ગામ.
‘ગામની વસ્તી વધતી નથી?’
‘ઘટે છે.’
જીપનું હોર્ન વાગ્યું.
ઉદયને ડ્રાઈવરના સાથે આવવાની જરૂર ન જોઈ.
અમૃતાએ સ્ટિયરિંગ વ્હીલ પર હાથ મૂક્યા.
‘રસ્તો બતાવશે ?’
‘અહીં બહુ રસ્તા છે જ નહીં. પહેલાં પશ્ચિમમાં, પછી દક્ષિણ ભણી.’
નેળિયામાં થઈને પસાર થવાનું આવ્યું ત્યારે ડ્રાઈવિંગ ઉદયન કરવા લાગ્યો. ઉદયન તરફ લક્ષ્ય રાખવાની સાથે સાથે એ સામે આવીને પાછળ પડી જતાં વૃક્ષોને જોઈ લેતી. કોઈ વિશાળકાય મહુડો, કોઈ ડાળ કપાયેલ કણજી, કોઈ ઘટાદાર રાયણ, લીંબડા અને આંબલીના ઉછેરાઈ રહેલા ફણગા, ઝેંઝી, ટીંબરું અને આંબળાની કોઈ અપવાદરૂપ હાજરી, મહુડાને પણ ટપી જાય એવો અર્જુન-સાદડ, ખેતરના શેઢે કાપીને થપ્પીઓ ગોઠવેલી સાગની ડાળીઓ, એ ડાળીઓ પર સુકાઈ ગયેલી લાંબી લાંબી મંજરીઓ…
‘નદી?’
‘હં, ઇન્દ્રાસણી.’
‘પેલું ગામ?’
‘મઉં’
‘પર્વતના ચરણોમાં કેવું લપાઈ ગયેલું લાગે છે!’
‘લપાઈ ગયેલું એટલે? અહીંના માણસો તો રસ્તામાં ઊભેલા વાઘ-દીપડાને હાથ વડે બાજુ પર ધકેલીને એમની દરકાર કર્યા વિના આગળ જતા હોય છે.’
‘એમ ?’
‘તો શું હું તને બકાવું છું?’
‘મંદિર?’
‘હા, ભવનાથ. જો, એની ધજા કેવી ઝાંખી પડી ગઈ છે?’
જીપ ઊભી રહી.
‘આ ચ્યવન ઋષિનો કુંડ. ભલા માણસને ઘરડે ઘડપણ જવાન થવાની લાલસા જાગી. પહેલાં અહીં આમળાં સારાં થતાં. નવરા માણસને કામ શું? જંગલમાંથી આમળાં વીણી લાવીને, એમને છૂંદી છૂંદીને, લસોટીને, ભાતભાતના મસાલા નાંખીને મહાશય આરોગતા રહ્યા. વજન વધાર્યું અને પોતાને જવાન તરીકે ઓળખાવવા લાગ્યા. હું ભિલોડા ભણતો ત્યારે અહીં અવારનવાર આવતો. મેળામાં તો આવું જ. એક વાર મારે મિત્રો સાથે મતભેદ પડેલો. એ બધા કહે કે આ કુંડમાં સ્નાન કરવાથી યૌવન પાછું મળે. મેં કહ્યું કે આપણા જેવા છોકરા આમાં સ્નાન કરે તો જતે દહાડે યૌવન પ્રાપ્ત કરે ખરા, બાકી હાડકાં ઘરડાં થઈ જાય પછી તો ખોખરાં બની જાય છે. અને જવાનીની વ્યાખ્યા જ એ કે એકવાર ગયા પછી એ આવે નહીં, જ્યારે ઘડપણ એકવાર આવે પછી જાય નહીં. એક ઉર્દૂ કવિએ આ વ્યાખ્યા આપી છે. બરોબર છે? તારે મહાદેવજીનાં દર્શન નથી કરવાં? આ પ્રદેશનું ર્ધામિક સાર્વભૌમત્વ એમની પાસે છે.’
‘ચાલ પાછાં જઈએ.’
‘અહીંથી હાથમતી સુધી નથી જવું? ઈન્દ્રાસણી અને હાથમતીના બંધ બંધાવાના છે અને આ મંદિર એમાં ડૂબવાનું છે.’
‘હેં?’
‘એમાં આંચકો શેની અનુભવે છે? જાણે વીજળીનો કરંટ ન લાગ્યો હોય! અહીં મોટું સરોવર થશે. કેટલાંય ગામડાં ખાલી કરાવાશે. મંદિરને બચાવી લેવા પૂજારીઓએ ઊહાપોહ કરાવરાવ્યો છે કારણ કે એમના માટે તો ભરણપોષણનો સવાલ છે. નવું મંદિર સ્થાપીને એની પ્રતિષ્ઠા વધારતાં વાર લાગે. આ તરફ આવ. એક ખાલી થયેલું ગામ બતાવું.’
‘સાવ તાજું ખંડિયેર.’
‘એ ખંડિયેરનું આયુષ્ય બહુ ઓછું છે. એ પાણીમાં ડૂબી જશે.’
‘સરોવર તો ભરાવવાનું હશે ત્યારે ભરાશે અને એનું જળ ધરતીને પલ્લવિત પણ કરશે પરંતુ અત્યારે આ જે ખાલી થઈ રહ્યું છે…’
‘બહુજનહિતાય, અમૃતા…જો ને, દેવોએ પણ ખસવું પડે છે ને!’
‘કોણ જાણે કેમ આ વનશ્રી વચ્ચે પણ આજે મને ચેન પડતું નથી. માથું દુ:ખે છે. ઉદયન, મને પાછી લઈ જા. હાથમતી સુધી નથી જવું.’
ઉદયને જીપ ઉપાડી. પહેલાં અહીં માર્ગ ન હતો. મોજણી કરવા આવનાર ઈજનેરોના પ્રતાપે આ માર્ગ બન્યો હતો. ડુંગરાની પડખે પડખે જીપ પસાર થતી હતી. ખાખરા અને સાગનાં પાન પાછળ અદશ્ય બનેલા પાષાણ કોઈવાર દેખાઈને અમૃતાની આખોમાં પ્રતિબિંબ પાડતા હતા. સાગનાં લીલાંછમ અને મોટાં મોટાં ચંદ્ર જેવાં પાંદડાં જોતી ન જોતી એ વિવશ બનીને ઉદયનની પાસે બેસી રહી હતી. ઉદયન હાથમતી તરફ હંકારી રહ્યો હતો.
‘ભિલોડામાં નદીનો પટ ઊંચાણવાળો છે. અહીં એને અનુકૂળ સ્થિતિ મળી જતાં કેવી વહી રહી છે! જોકે ભારે વરસાદ હોય છે ત્યારે તો ત્યાં પણ છલકાય છે.’
જીપને મૂકીને ઉદયન ચાલતો ચાલતો નદી-કાંઠે પહોંચ્યો. આ કાંઠે નદી નમેલી હતી. એ બેઠો. અમૃતા ઊભી રહી.
‘એક દરખાસ્ત મૂકું?
‘શી?’
અમૃતાએ નદીથી વિમુખ થઈને ઉદયન સામે જોયું.
‘આવ બેસ. તેં કદી ન સાંભળી હોય એવી વાત કરવી છે. ધીરજ ધરીને સાંભળ. જો, આ નદીમાં પૂરતું પાણી તો નથી પણ જે છે તે સ્વચ્છ છે. તારા શબ્દોમાં કહું તો નિર્મલ છે. એમાં પૂર વખતે તણાઈ આવે છે એમાંનું કશું નથી. કોઈ પંખીની પાંખ, કોઈ સ્ત્રીનું અધોવસ્ત્ર, કોઈ પશુનાં શિંગડાં, કોઈ ઝાડનાં મૂળ, કોઈ ખેડૂતના હળની દાંડી – કશું નથી. તેથી તું એને વિક્ષિપ્ત થયા વિના જોઈ શકીશ. જોઈ લે. મને એની ગતિ આકર્ષક લાગે છે. તું રજા આપે તો અત્યારે હું સાવ થાકી ગયો છું છતાં જરા મહેનત કરીને મારા શરીરને એના પ્રવાહમાં મૂકી દઉં. જેથી મને ગતિ મળે. રોજબરોજ મારી ગતિ ક્ષીણ થતી જાય છે. મારાથી આ શરીરનું વજન હવે નહીં ઊપડે. અને જો ગતિશૂન્યતા આવી જશે તો હું ક્યા મોંએ તારી સામે જોઈ શકવાનો? તું રજા આપે તો આ પ્રવાહમાં વહી જાઉં. અમૃતા, આપણો તો સંબંધ એવો છે કે તારે મને રજા આપવી જોઈએ એટલું જ નહી, એ પ્રવાહ સુધી મને પહોંચાડવામાં તારે મદદ કરવી જોઈએ.’
‘કૃપા કરીને કશું બોલીશ નહીં, ચાલ ઘેર જઈએ.’
‘તું મદદ નહીં કરે?’
‘મદદ તો બહુ નાની વસ્તુ છે. તને સાચવીને ઘરે લઈ જઈશ.’
‘અમૃતા, આ યોગ્ય સ્થળ છે. હું આભારી થઈશ.’
અમૃતાએ એનું મોં દબાવી દીધું.
‘તારી હથેલીની દીવાલથી મને જે દેખાઈ રહ્યું છે તે દેખાવું બંધ નહીં થાય. સારું, મદદ ન કરતી, રજા આપ.’
‘મને તારી વાતમાં રસ નથી, તું સ્વાર્થી છે.’
‘સ્વાર્થી?’
‘હા, આત્મઘાતક સ્વાર્થી હોય છે, હું તારી પાસે — મારી સમગ્રતા સાથે તારી પાસે છું છતાં તને આત્મહત્યાનો વિચાર આવે છે?’
‘આત્મહત્યા શેની? માણસ પરસ્થિતિઓ કે જગત સામે હારી જઈને પછી છાનોછૂપો બદલો લેવા માગે અને પોતાને જગત બહાર ફેંકી દે તો આત્મહત્યા કહેવાય. હું તો રાજીખુશીથી વહી જવા માગું છું. સ્થિતિ મટી જઈને ગતિ બનવા ઈચ્છું છું. આજે હું જેને જીવી રહ્યો છું તેને તું જીવન કહે છે? આ જડતા મરણ નથી તો શું છે? હું મરણને જ જીવી રહ્યો છું. મને મરણનો લેશમાત્ર મોહ નથી, પરંતુ આ ગતિશૂન્યતાને હું બેહદ નાપસંદ કરું છું અને તેથી તારી પાસે આશા રાખું છું કે તું મને સમજવાનો પ્રયત્ન કરે,
‘ગતિ મેળવવા માટે તારે નદીનો આશ્રય લેવાનો હોય નહીં. હું તારો ભાર વહીશ. જે દિવસ નારી પોતાના અસ્તિત્વની નિરર્થકતા પ્રમાણે છે તે દિવસ તેની આંખોમાંથી આવી અસંખ્ય નદીઓની ગતિશીલ વેદના ઉદ્ભવવા લાગે છે. તું જો મારી આજ લગી કરતો આવ્યો છે તેવી ઉપેક્ષા જ કરતો રહેશે તો તને એ વેદનાની સજલ ગતિ પણ જોવા મળશે. હા, એ દિવસ નહીં આવે એવી મને આશા છે. હું મને નિરર્થક સ્વીકારી શકું તેમ નથી. જે ગતિનો તું અભાવ અનુભવી રહ્યો છે તે તો ભ્રમ છે. તારા એ ભ્રમને હું દૂર કરી શકીશ. તારા અવકાશમાં મારી જિન્દગી ઉમેરીને તને ગતિ આપવા હું તારી સાથે આવી છું. મને માન, ઉદયન, મને માન. શું તારે મન મારું પ્રયશ્ચિત હજી પૂરું થયું નથી?’
‘એ તો આડવાત થઈ. મારી સામે મુખ્ય પ્રશ્ન તને માનવાનો જ છે. પોતે હોવું અને બીજાને માનવું એ બે વચ્ચે હું મેળ બેસાડી શકતો નથી. બીજાને માનું તો પછી પોતાની સત્તાનું શું? નિજ અને ઈતર વચ્ચે આજે હું અનહદ અવકાશ અનુભવી રહ્યો છું.’
‘શું હું પણ તારા માટે ઈતર છું?’
‘શું એમાં તને શંકા છે?’
‘શંકા હતી ત્યારે હતી, હવે તો હું કૃતસંકલ્પ છું.’
‘તો સંકલ્પને સિદ્ધ કરવાનો પુરુષાર્થ કરી જો. જો તું મારા પર નિયંત્રણ મેળવી શકે તો હું માની જઈશ કે હા, તારું સંકલ્પબળ મારાથી મોટું છે.’
‘હું તારા પર નિયંત્રણ મેળવવાની અપેક્ષાથી પ્રેરાઈને આવી નથી. મેં તો મારું પોતાના પરનું નિયંત્રણ પણ તને સોંપી દીધું છે.’
‘એ આદાન-પ્રદાનનો સમય — એ સંમોહક સંધિકાળ વીતી ગયો. ફક્ત તારો અને મારો જ નહીં, સમગ્ર માનવજાતિનો પણ. આજ તો વિચ્છેદ સિવાય અન્ય કશાયની મને પ્રતીતિ નથી. મારા લોહીના કણોમાં વિચ્છેદ-પ્રક્રિયા નિરંતર ચાલી રહી છે.’
‘આત્મ-નિરીક્ષણ કરી શકે તો તું જાણી શકે કે તું મારી સાથે કેવો નિર્મમ થઈ રહ્યો છે.’
‘નિર્મમ તો તું છે કે જેથી આત્મવિલોપનના મારા હકની આડે આવે છે. મારી સાથે દોડી આવી અને મને મુક્ત ન રહેવા દીધો.’
‘તારી મુક્તિ છીનવી લેવા નથી આવી, તારો સંશય છીનવી લેવા આવી છું.’
‘હું તને મારો સંશય સોંપી દેવા તૈયાર છું, અલબત્ત મારી ખુશીથી, તું છીનવી લેવા આવી છે માટે નહીં. અને તું ઈચ્છે છે એ શરતે પણ નહીં, તને એકલીને પણ નહીં, આપણી સમક્ષ આ જે કંઈ દશ્યમાન જગત છે તે સમગ્રને હું મારો સંશય સોંપી દેવા તૈયાર છું. એટલે કે દેહરૂપે ઓળખાતું મારું જીવન સોંપી દેવા તૈયાર છું. જ્યાં સુધી આ સંશય છે ત્યાં સુધી હું છું.’
એ ઊભો થયો. નદી તરફ ચાલ્યો. અમૃતાની સામેનું આકાશ નીચે ધસી આવ્યું. એ ઊભી થઈ અને ઉદયનની સામે થઈને ઊભી રહી.
‘એ પ્રવાહ ભલે દૂર રહે. એની વચ્ચેનું અંતર તારે કાપવાનું નથી. તારે જે અંતર કાપવાનું છે તે મારી વચ્ચેનું. તારે પોતાની જિંદગીનું નહીં, અહંનિષ્ઠાનું વિલોપન કરવાનું છે. મરણ વડે તું મુક્ત નહીં થઈ શકે, પરાભવ પામીશ. અને હવે તારો પરાભવ એ તારા એકલાનો પરાભવ પણ નથી, મારો છે, અનિકેતનો છે. આ વનશ્રી પર વાદળાં સુવર્ણની આભા પાથરી રહ્યાં છે તે તારા માટે નવણ્ય છે ? એ વાદળની પેલી પારનું નીલ ગગન તને અનંતનો અનુભવ નથી કરાવી શકતું?’
‘અનંત નહીં, શૂન્ય.’
‘અને તારે મન શૂન્ય એટલે જે રિક્ત છે તે.’
‘તું જે કહે તે. શબ્દો બદલાવાથી કશો ફેર પડતો નથી. તું જેને અનંત કહે છે તે ખાલીપણાનો આકાર નથી તો બીજું શું છે?’
‘અને આ તારા ચરણને રોકી રહેલા આ તૃણના અંકુરો? પેલા ઘાસ પર લચેલાં ફૂલોની રંગભરી ઝૂલ, તારી સામે નમી રહેલી આ ધરાકદંબની ડાળી અને આ તને રોકીને સાક્ષાત્ ઊભી છે તે—શું આ બધુંય તારે મન અર્થશૂન્ય છે ?’
‘એ બધું ભલે ખાલીપણાનો અનુભવ નથી કરાવતું, પારસ્પરિક અલગતા સૂચવે છે. તને એ બધું જીવનપ્રેરક ભલે લાગે. મારા માટે તો એ છે દશ્યમાન ભ્રમ, વાસ્તવિકતાનું મિથ્યા રૂપ, સૌંદર્યના વેશે છલના!’
‘અમૃતા પણ છલના ?’
‘મને લાગે છે કે એમ કહેવાથી મારાથી કશી ભૂલ થતી નથી. કદાચ હું તો એમ પણ કહી શકું તેમ છું કે તું કેવળ મારા માટે જ છલના નથી, તું પોતાની સાથે પણ છલ કરી રહી છે. તું સહાનુભૂતિથી પ્રેરાઈને આવી છે, પોતાની અનિવાર્યતાથી પ્રેરાઈને નહીં. અને એક મરણોન્મુખ માણસ વિશે કોણ અનિવાર્યતા પ્રમાણી શકે? મને વહેમ છે કે તું ત્યાગનું ગૌરવ પામવાના દંભને વશ થઈને આવી છે. આનાથી તો તું ન આવી હોત તો સારું. તું મને ચાહતી હોય તો મને એનો અનુભવ કેમ ન થાય? પરંતુ હું જાણું છું કે એમાં તારો દોષ નથી. પ્રેમ છે જ ક્યાં કે એનો અનુભવ થાય? જે માત્ર કલ્પના છે તેની પ્રતીતિ કેવી રીતે થઈ શકે? અમૃતા, માની જા. તારા પ્રયત્નોથી આપણી વચ્ચે પ્રેમ અસ્તિત્વ ધારણ કરી શકે તેમ નથી.’
અમૃતાની ગરદન ઝૂકી ગઈ હતી. એનું શરીર આધાર શોધવા લાગ્યું. હવાના એક મંદ મોજાએ એને ચોતરફનું ખાલીપણું સાવ નજીક આણી આપ્યું. એ બેસી પડી. આકાશના દૂર રાખેલા ખાલીપણાનો અને ધરતીની અવગણેલી એકલતાનો સામટો ભાર એના માથે તોળાયો.
ઉદયનના અર્થશૂન્ય હાસ્યના પડઘા અમૃતાના કર્ણમૂલને આઘાત કરી રહ્યા. અમૃતાથી દૂર જઈને એ ઊભો રહ્યો. કેડ પર હાથ મૂકીને એ ડુંગરા તરફ જોઈ રહ્યો. વરખડાનું એક ઠૂંઠું ઝાડ પાંગરી રહ્યું હતું. કોઈએ ગયા ગ્રીષ્મમાં એની બધી ડાળીઓ કાપી નાંખી હતી. એણે ગણતરી કરી જોઈ. કપાઈ ગયેલી ડાળીઓ સાત હતી. જ્યારે આ નવા ફૂટેલા ફણગા અસંખ્ય હતા.
ડુંગરાની છાયા નદી સુધી વિસ્તરી હતી. છાયા નીચે વહેતું જળ અને સુવર્ણ- રંગી કિરણોથી ચમકતું જળ મનોહર વિરોધ રચતું હતું. પોતાના મનોભાવોમાં એકાએક આવેલું પરિવર્તન જોઈને ઉદયનને આશ્ચર્ય થયું.
અમૃતા હારીને મુંબઈ ચાલી જાય તો કેવું સારું! એના ગયા પછી બચ્યું હોય એટલું એ ખેલદિલીપૂર્વક જીવી લેશે. કશી ચિંતા તો ન રહે. રેડિયો-એકિટવની અસર જો અમૃતાને થઈ તો… તો મારી મૈત્રીની એના તરફની વફાદારીનું શું? કેવી ભોળી છે! પોતાનો ભોગ આપીને મને ઉગારી લેવા મથે છે! મારા શરીરની આંતરિક સ્થિતિને એ જાણતી નથી, ભ્રમમાં જીવે છે. એ સ્વાયત્ત રહી શકે તેમ હોત તો હું મારા કોશોમાં ચાલતા વિઘટન વિશે એને કહેત અને વસ્તુસ્થિતિથી વાકેફ કરત. ખેર, નારાજ કરીને પણ એને પાછી વાળી શકું તો ઓછું નથી. હવે તો એ મારાથી દૂર રહે એમાં જ એનું હિત છે.
હોઠ પર વક્ર સ્મિત રચીને એ અમૃતા પાસે ગયો—
‘કેમ, સત્યનો ભાર સહી ન શકી?’
મુખ ઊંચું કરીને એણે ઉદયનના સામું જોયું. જોઈ રહી. ઉદયને જોયું કે અમૃતાની ખુલ્લી આંખો ખાલી નથી. એમાં સજળતા જાગી આવી છે.
‘તું કહે તે કબૂલ. તું કહે તે સાચું. તું જેને સ્વીકારે તે અસ્તિત્વ, તું જેને નકારે તે શૂન્ય.’
‘તારી મજબૂરીનો કશો લાભ મારે લેવો નથી. એવો લોભ મેં કદી સેવ્યો નથી.’
‘તો તું મને ભગાડી દેવાની ખેવના કેમ રાખે છે ? તું જે બધું બોલે છે તે બધું બોલવા અંત:કરણથી પ્રેરાયેલો હોય છે કે મને દૂર કરવા બોલે છે?’
‘હું બોલતો હોઉં છું ત્યારે સત્ય બોલું છું એવું માનીને બોલતો હોઉં છું. પણ તારે એ સ્વીકારી લેવું એમ મેં ક્યારે કહ્યું? સત્ અને અસત્ના મેં કરેલા ભેદ આખરી છે એવો દાવો કરવાની બેવકૂફી હું નહીં કરું. મને લાગે છે હું સત્-અસત્ને ઓળખવા કરતાં ચલિતને સરળતાથી પામી શકું છું. ચલિત સાથેનો મારો સંબંધ હું જાણી શકું છું. ચાલ, ઊભી થા. હમણાં તો તું મને ગતિ આપવાની વાત કરતી હતી. ક્યાં ગઈ તારી મહેચ્છા? તું તો સ્થિર પણ રહી ન શકી!’
ભીની પાંપણ ઊંચકીને એ ઊભી થઈ. ઉદયનના ખભે હાથ મૂક્યો. આધાર ગ્રહણ કર્યો અને જમણા હાથ વડે વેલની જેમ એને વીંટળાઈ વળી. ડૂસકાંની સાથે અશ્રુધારાને વેગ મળ્યો. એકે અશ્રુ વ્યર્થ ન ગયું. ઉદયનનું બુશશર્ટ ભીંજાઈ રહ્યું હતું. કાપડના તાણાવાણામાં અશ્રુજલ ભળી ગયું.
અમૃતાની પીઠ પર પહોંચવા હાથ ઊપડ્યો. પણ એણે રોક્યો. રોકાયેલો હાથ શ્રમિત લાગ્યો. જાણે કે જોજનનું અંતર કાપવાનું હોય અને તે ગજા બહારનું હોય તેમ હાથ પાછો પડ્યો. ઉદયન પોતાના એ નિષ્ફળ હાથને જોઈ રહ્યો. તટસ્થ ભાવે જોઈ શક્યો. પછી નવેસરથી હાથ ઉપાડીને અમૃતાના માંસલ ખભા પકડીને એણે નિર્વેદસભર સ્પર્શ આપ્યો. બોલ્યો—
‘કોઈ કોઈને બચાવી ન શકે. ભલે એક અને એકનો સરવાળો બે થતો હોય પણ બેની સંખ્યા થવાથી પ્રત્યેકની એકલતામાં કશો ફરક પડતો નથી. સંભવ છે કે એ બેવડાઈ પણ જાય.’
ઉત્તરની અપેક્ષા રાખ્યા વિના એ ચાલ્યો. અમૃતા એને અનુસરી. સ્ટિયરિંગ વ્હીલ પકડીને બેઠેલા ઉદયનને એણે બાજુમાં ખસેડ્યો. જીપ ચાલુ કરી અને અશબ્દ સ્થિતિને તીવ્ર ગતિમાં બદલી નાંખી. હાથમતીના કાંઠે લચેલી વનરાજિ પાછળ રહી ગઈ. ભવનાથનું મંદિર અને ચ્યવન ઋષિનો કુંડ એના ધ્યાન બહાર ગયાં. ઈંદ્રાસણીનો ક્ષીણ પ્રવાહ જીપનાં વ્હીલને પસાર થતાં જોઈ રહ્યો, નેળિયું ગયું, સડક આવી. ભિલોડાની ભાગોળ સુધી પહોંચતાં અધારું સામે મળ્યું. જીપને પહોંચતી કરીને એ ઉદયનની પાછળ પાછળ ચાલી આવતી હતી ત્યારે ગામની શેરીઓનો અંધારિયો અવકાશ એના સંગે સંગે ચાલી રહ્યો હતો. ખડકીનાં બારણાં ખૂલવાના ચિચુડાટથી એ અવકાશમાં તરડો પડી. પરંતુ એ ઘરની મેડીમાં પહોંચી ત્યાં લગી તો એ સંધાઈ ગયો હતો.
ફાનસ સળગાવ્યું. એનું અજવાળું ઓછું પડ્યું. ચીમની સળગાવી. કંઈક ચેન પડ્યું. રસોઈ બનાવવા બેઠી.
‘ભૂખ નથી.’
‘જાણું છું.’
‘મારા માટે કંઈ ન બનાવતી.’
‘ઉપવાસ તો નથી ને?’
‘છે અને નથી.’
‘તો બસ આરામ કર. વિચાર ન કરતો. આરામ કર.’
‘તારું ચાલે તો મારા વિચારચક્રને તાળું મારીને ચાવી સંતાડી દે, ખરું ને?’
‘આવ મારી પાસે બેસ. તે દિવસ વિદ્યાર્થીઓને કહી હતી તેવી કોઈ કલ્પિત વાર્તા કહે. તું બહુ સારો વાર્તાકાર છે. અડધી-આખી સંભળાવી દે. અથવા આજે આપણે જોઈ તે પ્રકૃતિનું વર્ણન કર. હું સાંભળીશ. આ પ્રદેશ તારી માતૃભૂમિ હોય તેવો જ લાગે છે. હું તો એકાદ વાર જોઈ જવા માટે પણ તલસતી હતી. કેવું સદ્ભાગ્ય કે મને અહીં રહેવાની આવી સુંદર તક મળી!’
જેટલા દિવસ પછી એ દિવસ આવ્યો હતો તેટલા દિવસ તે પછી વીતી ગયા.
અંધારું ઝાંખું પડી ગયું હતું કેમ કે હવે ચંદ્ર ઊગવા લાગ્યો હતો, અને ઉત્તરોત્તર મોડો આથમતો હતો.
પાણીનો પ્યાલો અને ગોળી લઈને અમૃતા આવી ઊભી. ઉદયન એક જરઠ ખુરશીમાં બેઠો હતો. એણે ગોળી લીધી અને ખુરશીના હાથા પર મૂકી. એને પુસ્તકથી ટીચવા લાગ્યો. ગોળી સરકીને નીચે પડી ગઈ. અમૃતા બીજી ગોળી લઈ આવી. ઉદયને હાથ ધર્યો. અમૃતાએ ન આપી. એના મોંમાં મૂકવાની એની ઇચ્છા હતી. ઉદયન હોઠ બીડી રહ્યો હતો. અમૃતાનો હાથ આગળ વધ્યો. એની અંગુલિઓના સ્પર્શથી ઉદયનના હોઠ ખૂલી ગયા. પાણી પીને એણે અમૃતાને નખશિખ નિહાળી—
‘હું ગોળીનું આવરણ તોડીને એના અંતસ્તત્ત્વથી વાકેફ થવા ઈચ્છતો હતો.’
‘તારા ચિત્ત પર ચડેલા વ્યામોહના આવરણને તોડવાની મને તો જરૂર લાગે છે.’
‘પણ તું એમ કરી શકતી નથી, કેમ?’
‘તારે એમાં મને સહાયક થવું જોઈએ એમ તને નથી લાગતું?’
‘અમૃતા, તું સામે પૂર તરવાની વાત કરે છે.’
‘હું એમ કરી શકું તેમ હોઉં તો તને શો વાંધો છે?’
‘વાંધો કેમ ન હોય, હું માણસની શક્તિઓની સીમાઓથી પરિચિત છું.’
‘પણ સીમાઓને લક્ષમાં રાખીને આગળ વધી શકાતું નથી.’
‘હવે હું તને કેવી રીતે વાસ્તવિકતાથી જ્ઞાત કરાવું? જવા, દે, પણ કોઈવાર કહીશ. હજુ એ સાંભળવા તું પૂરતી સજ્જ નથી.’
આકાશમાંથી ઊતરી આવેલી ચાંદનીએ બહારના ઝાંખા-પાંખા અંધારાને એમની મેડીના એ ઓરડા સુધી ધકેલી દીધું. ઉદયનની આંખોના ખૂણાઓમાં, એના પગના નખમાં, એની ફાઉન્ટનપેનના આગળ પડેલા ઉપરના ખોખામાં એ અંધારાએ સ્થાન શોધ્યું. અમૃતાના વક્ષ સાથે તો એ ક્યારનુંય ધબકવા લાગ્યું હતું.
એણે દીવાલની ખીંટી પર લટકતું ફાનસ ઉતાર્યું. દીવસળી લઈ આવી અને ઉંબરા પર બેઠી. ફાનસનો ગોળો કાઢયો. સાફ કર્યો.
દીવાસળી ચાંપી અને ગોળો ચડાવ્યો. ફાનસ સળગ્યું તે પછી થોડી ક્ષણો સુધી એનું અજવાળું વધતું ગયું. અમૃતાએ એની દિવેટ માપસર કરી. ફાનસ ભભકવા લાગ્યું. એણે દિવેટ ઊંચી કરી. ફાનસ ભભકતું રહ્યું. દિવેટ નીચી કરી. ફાનસ ભભકતું રહ્યું. એટલું જ નહી દિવેટ નીચેનો બધો ભાગ સળગવા લાગ્યો.
‘આ કેમ ભભકે છે?’
અમૃતાએ ઉદયનને એ રીતે પૂછયું કે જાણે એના ભભકવાનું કોઈ કારણ એ સમજી શકી ન હોય.
‘એને અડતી નહીં. છે એમ જ રહેવા દે. જોઈએ શું થાય છે? કેવું અધીરાઈથી ભભકે છે! મધુરમ્ આસામ્ દર્શનમ્!’
અમૃતા અકળાઈ ઊઠી હતી. એ ફાનસને ફૂંકવા લાગી. એની ફૂંકનું કશું ચાલતું ન હતું.
ઉદયન ખાંસતો હોય એવા અવાજે હસતો ઊભો થયો—
‘ઈશ્કસે તબિયતને જીસ્તકા મજા પાયા
દર્દકી દવા પાઈ, દર્દે લા દવા પાયા.’
એણે એક લાંબી ફૂંક મારી. ફાનસ હોલવાયું નહીં. એણે ફાનસને નીચે મૂકી દીધું. અને પાણિયારા પાસે પડેલી ડોલ લઈને આવ્યો. ફાનસ પર ઊંધી ઢાંકી દીધી. એ હોલવાય તે પહેલાં જ રૂમમાં અંધારું છવાઈ ગયું. ફાનસ ભભકતું હતું ત્યારે રૂમમાં અંધારુ અને અજવાળું એકબીજા પર અધિકાર મેળવવા તરફડી રહ્યાં હતાં. આટાપાટાની રમત ચાલી રહી હતી.
‘તેં જોયું ને! ખનીજતેલમાં કેવી આગ છુપાયેલી હોય છે!’
અમૃતાએ ઉદયનના ખભે હાથ મૂક્યો. એટલું જ નહીં એ એની સંનિકટ સરકી ગઈ. ઉદયને ગજવામાંથી લાઈટર કાઢયું. સિગારેટ સરગાવી. અને એક લાંબો કશ ખેંચીને અમૃતાના મુખને ધૂણીથી ઢાંકી દીધું. પોતાની અને અમૃતાની વચ્ચે ધૂમ્રપટ રચીને એ અગાશી તરફ ગયો. એના હાથમાં સળગતી સિગારેટ અંધારામાં સાવ જુદી પડતી હતી. કાળા અવકાશમાં એ એક ચિનગારી ધ્યાન ખેંચતી હતી.
અમૃતાએ ચીમની સળગાવી. તે પછી સાફ કરીને ફાનસ સળગાવ્યું. થોડી વાર સુધી એની સામે સચિંત નજરે જોઈ રહી.
નિષ્ક્રિય રહેવાની સજા ભોગવતો કોઈ ખેડુ અરણ્ય વચ્ચે એકદંડિયા મહેલ પર ગુપ્તવાસ ભોગવતી કોઈ રાજકુમારી આખા ઉપવનમાં અલગતા ભોગવતી સોનચંપાની મુકુલિત કળી, અવિરત વહી રહેલી શૂન્યતાને ટકાવી રહેલા બે કાંઠા, સાગની સુકાઈ ગયેલી મંજરી, શિરીષપુષ્પના દબાઈ ગયેલા તંતુ, હવામાં ઊડી રહેલ પતંગિયાની પાંખ… અમૃતાના ચિત્તપટલ પર શું શું અંકિત થઈ ગયું! કશું જ ટકયું નહીં. જાણે કે હવામાં અંગુલિઓએ પાડેલી છાપ…શૂન્યશેષ સૃષ્ટિનો ક્ષણિક અભિસાર. ગતિ અને વિરતિ
એ ઉદયન કને જઈને ઊભી રહી.
ઉદયનને શું સૂઝ્યું હતું કે એ આજે વારંવાર ગાલિબની પંક્તિઓ ઊંડા અવાજથી બોલ્યે જતો હતો—
શમા હર રંગમેં જલતી હૈ સહર હોને તક.
એ ઊભો થયો. અંદર ગયો. ખાટલા પર બેઠો. રેતનું મકાન ઢળી પડે તેમ એ ખાટલામાં ખૂંપી ગયો. આંખો દાબી લેવાથી ઊંઘ ન આવી. એ ઊભો થયો અને ગોખલામાં પડેલો અનિકેતનો પત્ર લઈને વાંચવા લાગ્યો. વાંચતાં વાંચતાં નીચે લખાયેલા અનિકેતના નામ સુધી એ પહોંચે તે પહેલાં એના અનિશ્ચયભર્યા હાથે એ પત્રને ફાડી નાંખ્યો.
અમૃતા ઊભી હતી. ત્યાં જ ઊભી હતી. જાણે કે એના ચરણમાં જડતા સ્થિર થઈ ગઈ છે, જે થાકનો અનુભવ થવા દેતી નથી.
ઉદયને અગાશી ભણી નજર કરી. કશુંય ન જોતી ઊભેલી અમૃતાની પીઠ જોઈ. જોતો રહ્યો. એને થયું કે મારી આંખોને કેમ કંઈ થયું નહીં? કેમ હજી એ અમૃતાને ઓળખી શકે છે?
એ સૂઈ ગયો. અમૃતા ઊભી છે. — દૂર દૂરથી આવતો કૂતરાના ભસવાનો આછોતરો અવાજ… ઘરના આંગણામાં સાવ સુકાઈ ચૂકેલાં તરણાં…ચાંદનીમાં કાળા લિસોટા પાડતી ચામાચીડિયાંની પાંખો… સ્મશાન પાસેની આંબલીની ડાળ પરથી વાતાવરણમાં પ્રસરતો ઘુવડનો ઘેરો અવાજ… શીમળાના રૂના ઊડતા રેસા…
ઉદયન બેસતો હતો તે ખુરશીમાં એ બેસી પડી. એનો ચહેરો આકાશ પ્રતિ ઊંચકાયો. ગામના ઈશાન ખૂણા પર ખરતા તારાનું હોલવાઈ જવું…
એ ઊભી થઈ અને પોતાની પથારીમાં ન જતાં ઉદયનના ખાટલા તરફ વળી ઊંઘી ગયો હશે એમ માનીને એ કાળજીપૂર્વક પાંગત પર બેઠી. સાચવીને દીવાલ સુધી સરકી અને ટેકો લીધો.
એણે ઉદયનના પગ ખોળામાં લીધા પગ પર ચોંટેલા ધૂળના અજાણ્યા કણ એણે ફાનસના અજવાળામાં જોયા. પાલવ વડે એણે ઉદયનના પગ સાફ કર્યા. એણે પાયા પાસે પડેલા કાગળના ટુકડા જોયા. એક નાનો ટુકડો હાથમાં લીધો. અક્ષર ઓળખ્યા – ‘નિકેતનાં વંદન’ જૂનો પત્ર આજે વાંચવાનું ઉદયનને કેમ મન થયું હશે?
દીવાલનો સંપૂર્ણ આધાર લઈને એણે પોપચાં ઢાળી દીધાં.
ઉદયનના પગ ખસીને દૂર ગયા. એ ઝબકી ઊઠી. સ્વપ્ન તૂટી ગયું હોય એમ એણે આંચકો અનુભવ્યો. એણે જોયું — ઉદયન હાથનો ટેકો લઈને બેઠો થઈ રહ્યો છે. એણે આંખો બીડી દીધી. આવી સ્થિતિમાં અમૃતાને બેઠેલી એણે કદી જોઈ ન હતી. અમૃતાના ચહેરાને ઢાંકી રહેલી એક લટને ખેસવીને એ સંપૂર્ણ ચહેરાને જોઈ રહ્યો.
નિમીલિત નયને અમૃતાએ અનુભવ્યું કે એક વીણાના તાર યુગોથી બજાવનાર અંગુલિઓની પ્રતીક્ષા કરી રહ્યા છે.
ઉદયન એ સંપૂર્ણ ચહેરાને જોઈ રહ્યો. વિશ્વની કોઈ અધૂરપ આ ચહેરા પાસે ફરકી શકે તેમ નથી.
સમર્પણ…એકત્વ…પ્રેમ. કહે છે કે પ્રેમ મૃત્યુને જીતી જાય છે. અમૃતા છે છતાં હું પ્રેમને નકારું છું. એણે અમૃતાની ચિબુક ગ્રહીને ચહેરાને પોતાની સંમુખ કર્યો. એને લાગ્યું કે પોતાના ઉષ્ણ શ્વાસથી આ ચહેરાનું સૌંદર્ય કરમાઈ જશે.
બીજી વાર એ ખાટલામાં ખૂંપી ગયો. રેતનું મકાન ઢળી પડે તેમ.
અમૃતાની આંખો ખૂલી ગઈ. એણે જોયું કે ચંદ્રનાં કિરણો બારી બહાર વિગલિત બનીને ચાંદની રૂપે છવાઈ ગયાં છે. જાણે કે એ કિરણોને ચંદ્ર અને ધરતી સાથે સરખો સંબંધ ન હોય!
એક પડખે સૂઈ ગયેલા ઉદયન પાસે જગા હતી. અહીંથી પોતાની પથારી સુધી જવાનો એકલતાભર્યો રસ્તો કાપવો દોહ્યાલો લાગ્યો. ઉદયનની પાસે હતી તે જગા એને પોતાની લાગી. ફક્ત પોતાની જ નહીં એક સાથે બંનેની અથવા બંનેની એક જગા.
પડખું બદલવું એને એક ઊંચા પર્વતને ઓળંગીને સામી પાર જવા જેવું લાગ્યું. પરંતુ એણે એ સાહસ કર્યું. એણે પોતાની વિમુખતાને દૂર કરી. એણે જોયું — આ અમૃતાને તો એણે જોઈ જ ન હતી. અમૃતા મિથ્યા નથી, સૌંદર્ય છે. શરીર નથી, પ્રેમ છે. જો પ્રેમ ન હોય તો એવું બીજું કયું વિધેયાત્મક સત્ત્વ જગતના ક્રમને સાતત્ય અર્પી શકે? પ્રેમને સ્થાને બીજી કોઈ સંજ્ઞાનો પ્રયોગ કરીને પણ આ સત્ત્વનો એકરાર તો કરવો જ રહ્યો.
અમૃતા સૌંદર્ય છે.
હું ઓળખી શક્યો ન હતો.
અમૃતા પ્રેમ છે.
આજે હું પામી શક્યો છું.
એણે અમૃતાનો હાથ ગ્રહ્યો અને પોતાના કાન પર એની હથેલી દબાવી. ભસતા કૂતરાનો અવાજ કે ઘુવડના અવાજમાં ઘૂટાયેલો ભય પોતાને સંભળાય નહીં એ માટે એણે અમૃતાની હથેલીથી પોતાનો કાન દબાવી રાખ્યો. એને લાગ્યું કે સકળ કોલાહલ શમી ગયા છે અને નિષ્ઠુર સમય પણ એના શરણે આવ્યો છે.
અમૃતાના હદય-ધબકારામાં સહજતા ન હતી. ઉદયનના શિથિલ હાથમાં નવું બળ પ્રગટયું અને એણે અમૃતાને વક્ષ નિકટ ખેંચી લીધી. એના ચિત્તના શૂન્ય ગગનમાં વસંતના આખરી દિવસના પ્રત:કાળની અરુણાઈ છલકાઈ ઊઠી. એણે ભુજબંધમાં અમૃતાને જકડી લીધી. અમૃતા પોતાને ભૂલી ગઈ. સૂર્યના ઉદય પછી જેમ અરુણાઈ પોતાને ભૂલી જાય…
પણ આ શું?
ઉદયને પડખું બદલી લીધું. ઊભો થયો. ગોખલામાં અધૂરી લખેલી પડેલી વાર્તાના કાગળ ગોઠવ્યા. અને આગળ લખ્યું—
‘હે ઋજુલા! રાજમાર્ગ પરથી હું છેલ્લી વાર પસાર થતો હોઉં ત્યારે તારા ગૌરવનત ભાલ પર સૌભાગ્યતિલક જોતો જાઉં. તારા મુખે ઉચ્ચારાયેલા ‘પ્રેમ’ નો અર્થ લઈને હું જઈશ. એ હશે મારી ચરમ તૃપ્તિ. તું તો જેને સંબોધીને એ શબ્દ બોલીશ તેના હૃદયમાં એનો અર્થ સ્વયં પ્રભવશે. કૃતજ્ઞ છું ઋજુલા! હવે તારા દષ્ટિપથમાંથી મારી છાયા નામશેષ થાય છે, ચિરવિદાય ઋજુલા, નમસ્કાર.’
એને લાગ્યું કે વાર્તા પૂરી થઈ. એને તૃપ્તિ થઈ. હવે એ કોઈ વાર્તા નહીં લખે.
J
Feedback/Errata