ચાર

જીપમાંથી સામાન ઉતારીને મંદિર પાસેની ધર્મશાળાની ઓરડીમાં મૂક્યો. જીપ પાંચ વાગ્યે લેવા આવશે. અહીં નવ કલાક જ રોકાવાનું છે? બાલારામના નિસર્ગ સાથે પ્રથમ નજરે જ મમતા બંધાઈ ગઈ. તેથી અમૃતાને અહીંથી નીકળવાનો સમય નક્કી થઈ ગયો તે ગમ્યું નહીં. એનો અનુભવ છે કે જ્યાં ઓછું રોકાવાનું હોય તે સ્થળ સાથે જલદી મમતા બંધાઈ જાય છે. પછી ભલે એ પાલનપુર હોય કે બાલારામ.

ધર્મશાળાથી નદીના ઢોળાવ તરફ ત્રણે જણ વળ્યાં. અમૃતા સહુની આગળ હતી. એ ઊભી રહી. ડાબી તરફની ભૂમિ પર દોઢેક ફૂટ ઊંચું લીલુંછમ ઘાસ પોતાની પાંદડીઓ પર ટકાવી રાખેલાં રમ્ય ઓસબિંદુઓ દ્વારા અમૃતાને આકર્ષી રહ્યો. ઉર્દુ કવિઓ આ જળબિંદુઓને ‘શબનમ’ કહે છે, અને કહેવાનું સૂચવે છે. અમૃતાને શબનમની ચમક સાથે પ્રીતિ છે, એની ક્ષણિકતા માટે લાગણી છે, એના આકાર સાથે આત્મીયતા છે. શિશુના અશ્રુ જેવો શબનમનો આકાર એને સદા નિર્દોષ ને નિર્મલ લાગ્યો છે. એણે ઘાસનું નામ પૂછ્યું. અનિકેતે કહ્યું કે એને ‘ચીડો’ અથવા ‘ચીયો’ કહે છે. પાણી હોય તો એ ગમે ત્યારે ઊગી શકે છે. અમૃતા રસ્તો મૂકીને એ ઘાસ વચ્ચે જઈ ઊભી હતી તેથી એણે ઘાસ સાથે અંતર અનુભવ્યું. એ બેસી ગઈ. સફેદ સુરવાલને અડતાં જ કેટલાંક ઓસબિંદુ વસ્ત્રના તારેતારમાં ત્વરાથી એકરૂપ થઈ ગયાં. અનિકેતે કૅમેરા ખોલ્યો. કૅમેરાના લેન્સમાં દેખાતી અમૃતાને એના પરિવેશ સાથે જોઈ રહ્યો. ઘાસની પાંદડીઓ પરથી ઉપાડીને શબનમને એ પોતાની હથેલીમાં ગોઠવવા લાગી હતી. એક, બે, ત્રણ… દરેકનું વ્યકિતત્વ સચવાઈ રહે એ અંગે પૂરતી કાળજી રાખતી હતી. એક શબનમનું અમૃતાના હાથમાંથી સરકી જવું અને એનું એકાએક ‘ઓહ્’ બોલાઈ જવું અનિકેતે કૅમેરાના કાચમાં જોયું. ઉદયનનું અડધું શરીર પણ દેખાયું. એ અમૃતાની નજીક જઈ રહ્યો છે. એક છબી ખેંચી લીધી. ઉદયન નીચો નમ્યો. એણે ધીરેથી અમૃતાની હથેલી નીચે પોતાની હથેલી ગોઠવી અને ઘાસ પર ઘૂંટણ ટેકવીને બધાં ઓસબિંદુઓને પી ગયો. અનિકેતે કળ દાબી અને ગતિશીલ છબી ઝીલી લીધી.

ઉદયન ઊભો થયો. અમૃતા ફરીથી ઓસબિંદુ વીણવા લાગી હતી એને હાથથી પકડીને ઊભી કરી. પછી સરળતાથી એના ખભે હાથ મૂકીને બોલ્યો —

‘યસ સર, રેડી!’

અનિકેતે ત્રીજી છબી લઈ લીધી.

ક્યા ક્યા પોઝ ઝિલાયા છે તે જાણીને ઉદયન ખુશખુશાલ થઈ ગયો. એ એકાએક ગાજી ઊઠયો.

‘દસ્તાવેજી પુરાવો’

‘શેનો?’

‘પ્રેમનો.’

‘છટ્, નાદાન.’

અમૃતાએ એવો તો ધક્કો માર્યો કે પોતાને પડતો બચાવવા ઉદયનને ઢાળ તરફ કૂદવું પડ્યું. સામેથી સ્નાન કરીને આવતા એક ભલા માણસને એ ભટકાઈ પડ્યો. બધાં હસી શક્યાં.

અનિકેતે જોયું કે અમૃતાએ ઉદયનને ધક્કો માર્યો તેમાં ઘૃણા તો ન જ હતી. તો શું હતું? એણે અમૃતાના મુખ સામે જોયું. હાસ્યની નિશાનીઓ હજી ભૂંસાઈ ન હતી. પંજાબી વેશભૂષામાં એનું લાવણ્ય ખીલી ઊઠયું હતું એનું અંગસૌષ્ઠવ વ્યકત થતું હતું. એ વેશભૂષામાં પણ એણે અમૃતાની અભિરુચિનો સ્પર્શ જોયો. શ્વેત રંગ, કટમાં નાવીન્ય. આ પરિધાનમાં એ કંઈક નાની લાગતી હતી. નારી જાણે કન્યા બની ગઈ હતી. સિલાઈ કરનારે ક્યાંય અવકાશ છોડ્યો ન હતો. વસ્ત્ર જાણે કે વક્ષને રૂંધતું હતું અને એના જવાબ રૂપે વસ્ત્ર નીચેનો પ્રફુલ્લ વસંતનો વૈભવ પોતાનું વ્યકતિત્વ વધુ તીવ્રતાથી પ્રગટાવતો હતો. બાલારામની સઘન વનરાઈની પાર્શ્વભૂમિમાં સંચરતી શ્વેતવસ્ત્રાવૃતા કદમ કદમ પર અભિનવ સ્પંદ જગાવી રહી હતી, જે સ્પંદ એક ક્દયમાં સ્વપ્નિલ માધુરીરૂપે અને અન્ય ક્દયમાં જલદ તીખાશરૂપે જાગતો હતો. એક જ નિમિત્તનાં બે પરિણામ — એક આલંબનવાળા સ્પંદના આ દ્વિવિધ રૂપાંતરથી અમૃતા સાવ અજ્ઞાત હોય તેવું તો ન બને. પરંતુ અત્યારે પોતાની ગતિને એ રોકી શકે તેમ ન હતી.

ત્રણે જણ નદીતીરે આવીને ઊભાં રહ્યાં. નદીના બાંધેલા કાંઠાને જોઈ રહ્યાં નદીને જોઈ રહ્યાં, નદીને એટલે કે ગતિશીલ જળને જોઈ રહ્યાં. ઊભાં હતાં ત્યાંથી થોડે દૂર પૂર્વ તરફ નદી વચ્ચે એક બંધ બાંધેલો હતો. બંધ મોટી દીવાલ જેવો હતો. એની વચ્ચેના ભાગમાં રોકાતા જળને આગળ જવા માટે માર્ગ કરી આપવામાં આવ્યો હતો. ત્યાંથી નાનો સરખો ધોધ પડી રહ્યો છે તેવું લાગતું હતું. આખી નદીની અવરોધ પામેલી ગતિ ત્યાં દોડી આવતી હતી.

અત્યારે આ નદીનો યૌવાનકાળ વહી રહ્યો છે. પૂર્વમાંથી વહી આવતો એનો પ્રવાહ અહીં ઊભાં ઊભાં પણ દૂર સુધી દેખાય છે. અહીં આવીને નદી દક્ષિણ કાંઠે બાંધેલા વળાંકને સ્પર્શતી વાયવ્ય દિશામાં વળી જાય છે. બંધની પૂર્વ તરફ જળની સપાટી ઊંચી અને પશ્ચિમ તરફની સપાટી નીચી, દક્ષિણ કાંઠે વક્રાકારે બંધાયેલો, બંને બાજુ વૃક્ષો અને વિવિધ વનસ્પતિનો વૈભવ. અમૃતાને લાગ્યું કે આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યનું દષ્ટાંત છે.

ઉદયનની નજર ઉત્તર-પશ્ચિમ ક્ષિતિજની આ બાજુ ફરી રહી હતી. વાયવ્ય દિશામાં નદી નજીક એને એક ઈમારત દેખાઈ. એ અંગે એણે તરત પૂછી લીધું અને જાણ્યું કે એ તો મહેલ છે. કહેવાય છે કે કોઈ નવાબે બંધાવ્યો હતો. નવાબોના ઉલ્લેખ માત્રથી ઉદયન અકળાતો હોય છે.

‘આવાં સ્થળોએ પણ એ લોકો ડખલ કર્યા વિના રહ્યા નથી. નિસર્ગ-ર્નિમિત શાંતિમાં આવું વ્યવધાન ઊભું કરવાનો એમને શો અધિકાર હતો? અહીં પણ વિલાસની સામગ્રી?’

એ તરફનાં ઘટાદાર વૃક્ષોની ડાળીઓ પર ટકી રહેલ જૂના માળાઓમાં અનાઘ્રાત કળીઓના ચિત્કાર ઝૂરતા હશે. એને લાગ્યું કે મદિરાપાત્રના રણકાર એ મહેલનાં ઝુમ્મરો નીચે હજુ પણ હિજરાતા હશે. એ બોલ્યો —

‘એ મહેલ ખંડિયાર હોત તો હું એને જોઈને આનંદ પામત.’

‘એક સુંદર રચનાને નાશ પામેલી જોવામાં તને આનંદ થાત?’

‘વિલાસનાં સાધનોને હું સુંદર કહેતો નથી. કોણ જાણે આજે પણ એ ઈમારતનો શો ઉપયોગ થતો હશે?’

‘તારી સાશંક દષ્ટિને એવું જ સૂઝ્યું કરશે.’ અમૃતાએ કહ્યું.

‘એના વ્યવસ્થાપકો ભલા છે. માગણી કરવાથી રહેવાની વ્યવસ્થા કરી આપે છે.’

‘તમારે લોકોએ એવી વ્યવસ્થા મેળવવી જોઈએ. પ્રકૃતિસૌંદર્યનું રસપાન પણ કરી શકો અને એશઆરામની સગવડ પણ મેળવી શકો. હું તો આવાં સ્થળોએ નદીની ભીની રેતમાં કે કોઈ પથ્થરની બરછટ છાતી પર પડી રહેવાનું વધુ પસંદ કરું. હું તો પ્રકૃતિને જોઈને આદિવાસી બની જાઉં છું.’

‘તેં તારા વિશે કહ્યું તે પણ ખોટું અને અમારા વિશે કહ્યું તે પણ ખોટું.’ અમૃતાએ વિશ્વાસપૂર્વક કહ્યું અને વૃક્ષના થડને અઢેલીને ઊભી રહી.

ઉદયને બુશશર્ટ કાઢ્યું, પેન્ટ પણ. ગંજી અને નાનીશી ચડ્ડીમાં એણે પોતાને એકવાર જોઈ લીધો. થોડાંક ડગલાં પાછો ગયો અને જોરથી નદી તરફ દોડ્યો. એ કિનારા સુધી પહોંચે તે પહેલાં તો અનિકેત વચ્ચે આવી ગયો. રોકાવું પડ્યું.

‘અહીં તો નીચે બહુ પાણી નથી. કોઈ પગથિયા સાથે અથડાઈશ તો તારી ચિતાની સામગ્રી લેવા માટે મારે પેલા મહેલ ભણી જવું પડશે, જે તને ગમશે નહીં.’

‘જે માણસો ડરે છે તે બીજાઓને પણ ડરાવે છે.’

‘ના, જે માણસ સુરક્ષા ઇચ્છે છે તે બીજાની સુરક્ષાની પણ કાળજી લે છે.’

‘જે માણસ પોતાને યથાર્થભાવે ચાહે છે તે બીજાની જિંદગીને પણ ચાહે છે.’

અમૃતા આટલે જ ન અટકી —

‘એક ઉદયન જ એવો છે જે કેવળ આત્મરત છે.’

‘હું તને ચાહું છું અમૃતા! અલબત્ત, તને ચાહવી એ પણ મારો એક પ્રકારનો આત્મરાગ જ છે. આ નદી અને એના કિનારાની સાક્ષીએ આ એકરાર કર્યો છે તેથી હવે મને સ્નાન કરવા માટે અહીંથી કૂદવાની છૂટ મળવી જોઈએ. જેનો એકરાર કર્યો છે તેના ઉપર નાહી નાખું.’

‘આમ પૂર્વ તરફ ચાલ. જો, પેલા તટ-સ્થ વૃક્ષ નીચે કપડાં મૂકવાની અનુકુળતા છે.’

‘તમે બંને કિનારે રહેશો?’

‘પ્રવાહમાં પ્રવેશવાની અમૃતાની ઇચ્છા છે કે નહીં તે હું નથી જાણતો.’

‘હું પણ અહીં જ બેસું છું.’

એ ઘાસ પર બેઠી. તરણાં એના હાથનો સ્પર્શ પામીને સ્પંદિત થઈ ઊઠયાં. એણે જોયું: વૃક્ષની આહ્લાદક છાયા વચ્ચે ક્યાંક ક્યાંક પ્રવેશ મળવાથી તડકો કોમળ બની ગયેલો છે. ભૂમિ ઘાસ બનીને મહોરી ઊઠી છે. ઊંચાનીચા ઘાસ પર તેજ-છાયાનું મિલન આંખોને રોકી રાખે છે. આ હરિત સૃષ્ટિમાં અનિકેત પોતાની હયાતીથી અભાન લાગે તેમ બેઠો છે, અદબથી હાથ વાળીને બેઠો છે. હા, લીલવર્ણી પ્રાણમયતા વચ્ચે એ તેજના ટાપુ જેવો લાગે છે. એની આંખોમાં તૃપ્તિપ્રદ દર્શન પછી જાગતી શાંતિ છે. એની ઢળેલી પાંપણો પર નિ:સ્પૃહા અંકિત થઈ ઊઠી છે.

અમૃતાને ઘાસ પર ઢળી પડવાનું મન થયું. પણ એ અજુગતું લાગશે એ વિચારે ભૂમિ પર હાથની કોણી ટેકવીને, હથેલી પર મુખ ટેકવીને વિસ્તારથી બેઠી, સૂઈ ન ગઈ.

નદીના પ્રવાહ સાથે તોફાન કરતા ઉદયનને દસેક મિનિટ જોઈ રહ્યા પછી અનિકેત બોલ્યો —

‘પેલા બંધ વચ્ચેથી વહેતા ધોધ જેવો લાગે છે આ માણસ.’

‘ધોધ જે નિર્મલ નથી અને નિકટ ભવિષ્યમાં જેની નિર્મલતા કલ્પી શકાય તેમ નથી.’

‘નિર્મલતાની વાત તો ખરી, પરંતુ ગતિનું ગૌરવ ઓછું આંકી શકાય તેમ નથી.’

‘ગતિ જે દિશાશૂન્ય છે.’

‘એ દિશાને સંજ્ઞા આપવા માગતો નથી એટલું જ, બાકી દિશા વિના તો ગતિ સંભવે જ કેમ કરીને?’

‘હં.’

શ્વેત દુપટ્ટો ઘાસ પર મુકાયેલા અનિકેતના ડાબા હાથ પર આવી ચડ્યો. ઘડિયાળ ઢંકાઈ ગયું. સેકંડ કાંટો જોઈને પ્રમાણાતી સમયની ગતિને ઢાંકવા આવી ચડેલું એ મુલાયમ આવરણ અનિકેતનું ધ્યાન ખેંચી રહ્યું. એણે નજરને ફરીથી નદી તરફ વાળી. દીવાલ જેવા એ નાના બંધ પર ઉદયન ચાલી રહ્યો હતો. પશ્ચિમ તરફના પાણીની નીચી સપાટી પર એનો પડછાયો તરવરતો હતો. ધોધ પાસે જઈને એ કૂદ્યો. સ્પ્રિંગનો ધક્કો વાગતાં સરકસનો ખેલાડી કૂદે એટલી સહજતાથી એ કૂદ્યો. થોડી વાર સુધી દેખાયો નહીં. અમૃતા બેઠી થઈ ગઈ. અનિકેતના હોઠ પર સ્મિત ફરક્યું. એ અમૃતાએ જોયું. ઉદયન હજી દેખાયો નહીં. અમૃતા ઊભી થઈ. દુપટ્ટાનો છેડો અનિકેતનાં ચશ્માંની ફેમને સ્પર્શતો ઊંચે ગયો. અનિકેત જાણે છે કે ઉદયન તો છેક નીચે પહોંચી ગયો હોય તોપણ આ બંધને ભેટું મારીને તોડીને આ બાજુ નીકળી આવે એવો છે. આટલા પાણીમાં એ ખોવાય એવો નથી. તે દિવસ જૂહુના તોફાની દરિયા સાથે એ જે રીતે વર્ત્યો છે તે ભૂલ્યું ભુલાય એમ નથી.

‘અરે! કેટલે દૂર નીકળી ગયો! અડધા ફર્લાંગ જેટલું અંતર એણે પાણીમાં જ કાપ્યું. મેં તો નિરાશ થઈને દૂર જોયું અને એ ત્યાં દેખાયો!’

ઉદયન પહોંચ્યો હતો તે ભાગમાં નદી વચ્ચે નાનીમોટી અનેક શિલાઓ પડી હતી. એક શિલા પર બેસીને ઉદયન તડકો ખાવા લાગ્યો હતો. એને નવાઈ લાગી — મને જોવા અમૃતા ઊભી થઈ છે! હસતા મોંએ એ એને જોઈ રહ્યો. પણ એટલે દૂરથી તો માત્ર શરીર ઓળખાય. ચહેરા પર અંકિત થયેલી હાસ્યની રેખાઓ ન દેખાય એ ખ્યાલ આવતાં એણે હસવાનું બંધ કર્યું.

ઉદયન દેખાયો તે પછી એ જલવિસ્તાર વચ્ચે અમૃતાની દષ્ટિને કેન્દ્ર મળ્યું હતું. એ કેન્દ્રની ચોતરફ ચમકતું જલ અને એ જલની ફરતે લહેરાતો પ્રકૃતિસભર પરિવેશ અમૃતાની આંખોમાં સમગ્રપણે સમાવેશ પામ્યો.

પણ ઉદયને કેન્દ્ર તોડ્યું. એ સામા પ્રવાહે તરતો તરતો આવી રહ્યો હતો. અનિકેતે નોંધ લીધી કે ભાઈસાહેબ કેવળ નિજાનંદ માટે જ આ પ્રવાહ સાથે સ્પર્ધા કરી રહ્યા નથી. છાપ પાડવા એનું ચિત્ત અજ્ઞાતપણે પ્રવૃત્ત હોય તો નવાઈ નહીં. જે હોય તે. અનિકેતને વિજયી થવા મથતા માણસનો ઉદ્યમ જોઈને આનંદ થાય છે.

‘હે તટસ્થ દર્શકો, આવી જાઓ. આ પ્રવાહ વહી જાય છે. એમાં પ્રવેશ્યા વિના, જે વહી જાય છે તેનો ખ્યાલ નહીં આવે. જોવાથી તો તમને માત્ર તરલ સપાટી દેખાશે. ગતિને તો જોઈ શકાતી નથી, અનુભવવાની હોય છે. તેથી મારા આમંત્રણનું સ્વાગત કરો. તમે તણાઈ નહીં જાઓ તેની હું મારી ઉદ્દંડ ભુજાઓ વતી ખાતરી આપું છું. અને આ નદીના ધીર કિન્તુ મગરૂર પ્રવાહ વતી તમને પડકાર આપું છું. તમે કેવળ મૌનથી જ પ્રતિકાર કરશો અને મારું આમંત્રણ નહીં સ્વીકારો તો હું માનીશ કે તમે લોકો જિન્દગીથી બચી બચીને ચાલવા માગો છો.’

‘અમૃતા, આપણા વતી જવાબ આપો.’

‘એક જિન્દગી કિનારાની પણ હોય છે જે વહી જનારને આર્દ્ર નજરે જોઈ રહે છે.’

‘લે. તારી નજરને બરોબર આર્દ્ર બનાવું.’

નજીક આવીને અમૃતાના મોં પર પાણી છાંટયું. એની છાતી પણ ભીંજાઈ ગઈ.

‘હે દુષ્ટ, આ કંઈ કાલિન્દી નથી.’

‘પણ જરા નેત્ર વિસ્ફારિત કરીને નીરખ, સામે પલાશવાન છે અને તારા માથે કદંબની નહીં તો બીજા કોઈ વૃક્ષની છાયા છે. એ વૃક્ષનું નામ… અનિકેતને પૂછી જો. એ વૃક્ષોને વધારે ઓળખે છે.’

‘આ અર્જુન વૃક્ષ છે.’

પાછળના વૃક્ષની ઊંચાઈને આંખોમાં સમાવવા જતાં અમૃતાનો ચહેરો આકાશોન્મુખ થયો. એ તકનો લાભ લઈને ઉદયને પાણી છાંટયું.

‘તને એક વાર તો કહ્યું. પાણી ન છાંટ. આમ છોકરમત શું કરે છે?’

પોતાને બચાવવા એણે બાજુમાં પડલાં ઉદયનનાં કપડાં હાથમાં લઈને આગળ ધર્યાં. એ યુકિત પણ કારગત ન નીવડતાં ઉદયનના પેન્ટમાંથી સિગારેટ કેસ ખોલીને આગળ ધર્યું.

‘એ પ્લીઝ, એમાંથી એક સિગારેટ મારા મોંમાં મૂક ને!’

‘લે.’

અમૃતાએ આખું સિગારેટ-કેસ ખુલ્લું ઉદયન તરફ ફગાવ્યું., કૂદકો મારીને એણે પકડી લીધું. એકે સિગારેટ પાણીમાં પડી નહીં. સિગારેટો પર એક રેશમી સૂત્રનું બંધન હતું. પોતાની ભીની આંગળીઓની છાપ સિગારેટો પર પડી એ જોઈને ઉદયન ગુસ્સે થયો.

અનિકેતે પ્રવાહમાં પગ મૂક્યા હતા. એ સ્નાન કરવા આગળ વધી રહ્યો હતો.

ઉદયન કિનારે ગયો. નાસવા માગતી અમૃતાને પકડી પાડી. પાણી નજીક લાવીને એણે અમૃતાને ક્રૂર ધક્કો માર્યો.

અનિકેત ઊંડા પ્રવાહ સુધી પહોંચી ગયો હતો. એનો સ્કંધપ્રદેશ પણ જળમાં પ્રવેશી રહ્યો હતો.

ઉદયનના ધક્કા સાથે જ અમૃતાએ કૂદકો લીધો, નહીં તો એ કદાચ પાણી પર એ રીતે પટકાત કે એની છાતી પર પાણીની સપાટી સખત વાગત. એ પોતે લીધેલા કૂદકાથી બચી ગઈ એટલું જ નહીં એને એક આકસ્મિક લાભ મળ્યો. એના હાથને અનિકેતની પીઠનો આધાર મળ્યો. એના હાથ હારની જેમ વીંટળાઈ ગયા.

‘આ શોભાસ્પદ ન કહેવાય, ઉદયન! કોઈ અજાણ્યું માણસ જુએ તો તારા વર્તનની આ અરુચિકર વિચિત્રતા જોઈને વ્યગ્ર થઈ જાય.’

અનિકેતને વીંટળાઈ વળેલી અમૃતાને જોઈને મોં નીચું કરીને એ બોલ્યો —

‘આ બધા રોમાંચક પ્રસંગો આપણા લગ્નજીવનમાં જડતા આવશે તેવા સમયે યાદ કરવા ખપ લાગશે.’

‘હજુ તું જોઈ શકતો નથી? જો આંખો ફાડીને જોઈ લે. સ્પષ્ટ શબ્દોમાં સાંભળી લે. હું અનિકેતને ચાહું છું, અનિકેતને જ, તને નહીં.’

અને એટલું બોલતાંની સાથે જ આવેશવશ એણે અનિકેતના ખભા પરથી મુખ આગળ લીધું અને એના જમણા ગાલ પર ચુંબન કર્યું. એ ક્રિયા એટલી સત્વર થઈ કે એને પહોંચી વળવા નારીસુલભ લજ્જાની ગતિ પણ ઓછી પડે.

પોતાના પ્રતિભાવ છુપાવવા અનિકેતે પાણીમાં ડૂબકી મારી. અમૃતાનો ચહેરો જલ બહાર રહી ગયો. કમળ જલ બહાર દેખાતું હોય છે એ કારણે એની અમૃતાના ચહેરા સાથે સરખામણી થઈ શકે નહીં. એટલું તો નદીના બંને કાંઠાની વનરાઈ પણ કબૂલ કરે, જેની કુંપળે કુંપળ અમૃતાના હોઠની જેમ હમણાં સ્પંદિત થઈ ઊઠી હતી.

દૂર જઈને તરી રહેલો અનિકેત ગંભીર સ્વરે બોલ્યો —

‘બોલવામાં બહુ ઉતાવળ થઈ ગઈ અમૃતા. બોલાઈ ગયેલું ફેલાઈ ગયું હોય છે, એને પાછું ખેંચી શકાતું નથી. તેથી પછી વિચારશૂન્ય જાહેરાતને યાદ કરી કરીને રિબાવું પડે છે. તમે આ પ્રકૃતિની સાક્ષીએ પ્રતિક્રિયાને વશ થઈ જઈને તમારું જ અપમાન કર્યું છે. ઉદયન તો તમારો આ પરાભવ જોઈને હવે વધુ ખુમારીથી વર્તશે.’

‘એક તોફાનને તમે વધુ પડતું મહત્વ આપ્યું અનિકેત. એ માટે તમે અફસોસ કરો એ હું સમજી સકું છું. પણ એક વાર જે બોલી ગઈ છું, જે વર્તી બેઠી છું તે માટે સહન કરવાનું હશે તો સહન કરીશ. તમને ખાતરી આપું છું કે એનું પુનરાવર્તન નહીં કરું. હું જાણું છું કે તમે મારાથી વધુ ઉદયનને ચાહો છો.’

‘હું એ માનવા તૈયાર નથી. એ મારાથી વધુ પોતાના વિચારોને ચાહે છે. હું આશા રાખું છું કે એ પોતાના વિચારોને જીવી બતાવશે.’

અનિકેત સામા કિનારા તરફ ખસી રહ્યો હતો. ઉદયનને સાંભળ્યા પછી એને ઉત્તર આપવાની જરૂર ન લાગતાં એ દૂર ખસી ગયો.

ઉદયને અમૃતા સામે જોયું. અમૃતાની પલકો ઝૂકી પડી. એમ થવામાં નારાજગી હતી, શરમ હતી કે વિવશતા હતી તે સમજાયું નહીં.

‘અમૃતા, આ પ્રકૃતિના નિર્દોષ સાહચર્યનો અનાદર કરીને, દૂર ખસેલા છતાં ઉપસ્થિત લાગતા અનિકેતને અવગણીને, સૂર્યના તેજની ઉપેક્ષા કરીને મારું પુરુષત્વ — મારું તિરસ્કૃત અસ્તિત્વ એના અંતર્ગત જ્વાળામુખીનો વિસ્ફોટ ઈચ્છે છે. તારી ખુમારીભરી સ્વાધીનતા અત્યારે મારા માટે અસહ્યા થઈ ઊઠી છે. બાહુપાશમાં ભીંસી દઈને તારી મરજાદી નિર્ણયશકિતને ચૂર્ણ કરવા માગતો મારા રકતનો વેગ આ નદીના જળથી સાવ અસ્પૃષ્ટ બની ગયો છે… તું દૂર ખસી જા, નહીં તો તારા વક્ષમાં આજ લગી સંગોપિતા રહેલી સુધાને મારી આગ એક ક્ષણમાં કાલકૂટ બનાવી દેશે. તારા સ્નાયુઓ પરથી તારું નિયંત્રણ ચાલ્યું જશે… ઓહ!… તને મુગ્ધા માનીને આ પહેલાં અનેક પ્રસંગોએ તને બચાવી રાખવામાં મેં કેવી ભૂલ કરી છે? તારી ચંચળતાથી ગુંજતા અનેક પ્રસંગોએ મેં મારી કામનાઓને કેટલી નિયંત્રિત રાખી છે એ કદાચ તું જાણતી નહિ હોય. તારા અનેક નિખાલસ સ્પર્શને મેં ધારી દિશા આપી હોત પણ નારીની મુગ્ધતાનો લાભ લેવામાં હું પોતાને અપ્રામાણિક લાગીશ એ ભય હતો… મેં અનિકેતને પણ આપણા સંબંધોનું રહસ્ય જલદી જણાવ્યું નહીં, કદાચ મારો અહં મને નરડ્યો. પરંતુ યાદ કરી જો તારા એ સંધિકાળના ભોળા આવેગોને, એ પરિસ્થિતિમાં આજે પોતાને મૂકી જો, અને પછી જે માટે તું સજ્જ થઈ છે તે — મારી ઉપેક્ષા કરવાની હિંમત કરી જો. હું મારા સંવેદન સાથે નથી વર્ત્યો એટલી નિષ્ઠાથી તારી સાથે વર્ત્યો છું… હું પણ પેલાં બધાં જીર્ણ સુભાષિતો જાણું છું — સાચો પ્રેમ નિરપેક્ષ હોય છે. સાચો પ્રેમ ત્યાગપરાયણ હોય છે. પણ પ્રેમની આજુબાજુ ‘સાચું’ કે ‘નિરપેક્ષ’ કોઈ વિશેષણ શોભતું નથી. વિશેષણો ઘણાં વાપર્યાં પણ એ શબ્દ બચી શક્યો નથી. એને ફરીથી અર્થ આપવાનો છે. તું એમ કરી શકે એટલી જાગ્રત થાય એ હું ઇચ્છતો હતો. આજે હું તારો ત્યાગ કરવાનું સામર્થ્ય ધરાવું છું પણ ત્યાગ કરીને પ્રેમનો શહીદ થવાની શુભાકાંક્ષા મને ઘેલછા લાગે છે અને પ્રથમ દષ્ટિને પ્રેમ માનીને સમર્પણ કરવું એ પણ એક ઘેલછા છે. હવે હું તારો ત્યાગ કરું તે આજ લગી તારા કૌમાર્યને બચાવી રાખવામાં મેં જે ત્યાગ કર્યો છે તેની તુલનામાં કંઈ નથી, અને છતાંય આત્મગૌરવની કોઈ તીવ્ર ક્ષણે તને સદા માટે છોડી દેવાની વૃત્તિ જન્મે છે. પણ હું એમ કરું એમાં તારું હિત નથી… મુશ્કેલી એ છે કે હું હોઉં અને અનિકેત તને અપનાવે એ સ્થિતિ ઊભી થવાની શક્યતા નથી. શક્યતા એક જ સ્થિતિની છે. અને તે એ કે તું એકલી હોય… એમ હોવું ખોટું છે એમ હું કહેતો નથી. કેટલીક સ્ત્રીઓ મૃત્યુની ક્ષણ સુધી એકલતા જીરવી શકે છે પરંતુ એ જુદી સ્ત્રીઓ હોય છે. તારું એ ગજું નથી… હું મજબૂર હતો અમૃતા, આ કડવી વાત મારે તને કહેવી પડી. વહેલીમોડી એ કહેવી પડે એમ હતી. આજે તેં જ એ માટે તક ઊભી કરી. તું મારી નજરે પોતાને જોઈ શકે તો સમજી શકે કે એક સુંદર નારીના મુકત સાંનિધ્યમાં પોતાને નિયંત્રિત રાખવામાં કેવો મોટો પુરુષાર્થ કરવો પડે તેમ હતો. પોતાને નિયંત્રિત રાખીને તારી સ્વાધીનતાને વિકસાવીને તારા નિર્માણમાં મેં શો ફાળો આપ્યો છે તે અંગે વિચારી જો. વિચારી શકશે તો જણાશે કે તું જેને નાસ્તિક કહીને ચીડવે છે તેના અંતરંગમાં કેટલું વિધેયાત્મક બળ પડ્યું છે. પણ આ યુગ જ કંઈક એવો છે કે પોતાના વિશે વાત કરવી જ પડે છે. કોઈને બીજાનામાં પડી નથી… તને તારા નારીત્વની નિર્ભ્રાન્ત પ્રતીતિ થાય અને મારી મૈત્રીની અનિવાર્યતા તું સ્વસ્થ સમજ દ્વારા પ્રમાણે તેવી સ્થિતિ સર્જાય તે પછી જ આપણે જોડાઈએ એમ મેં માન્યું હતું. પણ ખેર, તારી મુગ્ધતા ચિરંતન નીકળી. મેં એની અવહેલના કરવા માંડી તે પછી એણે અનિકેતનો સૌમ્ય આશ્રય ગ્રહણ કર્યો. અને અનિકેત મુગ્ધતાને દોષ માનતો નથી. મુગ્ધતાને એ શ્રદ્ધાની જેમ વિધેયાત્મક માને છે. અનિકેત મારો મિત્ર ન હોત તોપણ કેવું સારું! મારી ધૃતિને કારણે ઊભી થયેલી સમસ્યાનો અંત આવી ગયો હોત. અનિકેત તને નહીં સ્વીકારી શકે. હું તને ભૂલી નહીં શકું.’

છેલ્લું વાક્ય એણે કિનારા તરફ વળીને પૂરું કર્યું હતું. પાણી બહાર નીકળીને અમૃતાના દુપટ્ટાથી પોતાનું શરીર કોરું કર્યું. ટુવાલ ન હતો. એક તરફ ઝાડીમાં જઈને એ કપડાં બદલી આવ્યો. ગંજી અને ચડ્ડી નિચોવીને સૂકવ્યાં. ધર્મશાળાની ઓરડીમાં જઈને ટુવાલ અને અમૃતાની બીજી સામગ્રીવાળી થેલી લઈ આવ્યો.

અમૃતા ઉદયનને સાંભળી રહી હતી ત્યારે પ્રતિપળ એની તરવાની શકિત ક્ષીણ થઈ રહી હતી. પોતે આ પ્રવાહમાં તણાઈ જશે કે શું, અને એની પણ પોતાને ખબર રહેશે કે નહીં… ઉદયન સાંભળવા સહેજ પણ તૈયાર લાગતો ન હતો. એ બોલ્યે જ ગયો. અમૃતા કંઈ પણ બોલે તેની ઉદયન જાણે જરૂર જોતો ન હતો. અને એ બોલી રહ્યો ત્યારે તો વિમુખ થઈને ચાલ્યો ગયો.

હવે એ કિનારે બેઠો હતો. શું જોતો હતો? કંઈ નહીં. ‘કંઈ નહી.’ ને જોતો હતો. એક પછી એક સિગારેટ ફૂંકયે જતો હતો. બહાર નીકળવાની અમૃતા ઇચ્છા કરી શકતી ન હતી. પ્રવાહમાં પોતાને ટકાવી રાખવાનું ભૂલીને વહી જવાય એમ વહી જવાની વૃત્તિ જાગતી હતી. પરંતુ એમ પણ કરી શકતી ન હતી. ઉદયન કિનારેથી ખસીને દૂર ચાલ્યો ગયો. વનરાઈ પાછળ અદશ્ય થઈ ગયો. તે પછી અમૃતા બહાર નીકળી.

ત્રણ કલાક પછી. એ ત્રણ કલાક માત્ર વીતેલા છે, જિવાયેલા નહીં.

પોતાનાથી કંટાળેલો ઉદયન જાગૃતિને સદંતર લોપીને વિસ્મૃતિના નશામાં ડૂબી જવા મથતો હતો.

અનિકેત માનસિક અવસ્થામાંથી માર્ગ શોધીને કાગળ પર વક્રસીધી રેખાઓ દોરી રહ્યો હતો.

અકલ્પ્ય દુર્ધટનાથી માણસ કશુંક ગુમાવે અને પછી ગુમાવેલાને અનુભવતું રહે એ સ્થિતિમાં મુકાયેલી અમૃતા બેઠી હતી તે સ્થળેથી ત્રણ વાર ઊભી થઈ હતી. એ ત્રણે વાર દૂર છતાં સામે બેઠેલા ઉદયનનાં ગોગલ્સમાં અમૃતાનું પ્રતિબિંબ પડ્યું હતું. ગોગલ્સ સ્થિર હતાં. ગોગલ્સ પાછળની આંખો ખુલ્લી હતી.

સ્થિરતા અને જડતા વચ્ચે પણ કોઈક સ્થિતિ હોવી જોઈએ. ઉદયનને એ સ્થિતિમાં મૂકી શકાય. અલબત્ત, આ ક્ષણે પણ એ પોતાના સમગ્ર ઈંદ્રિયબોધ સાથે ઉપસ્થિત હતો. ભેદ એટલો જ હતો કે એને જે બોધ થઈ રહ્યો હતો તે પ્રત્યક્ષ સૃષ્ટિનો ન હતો, સ્મરણશેષ સૃષ્ટિનો હતો. ઘણા સમય પછી આજે એ આટલા નિબિડ ભાવે સ્મરણને વશ થયો હતો. એના પિતા કહેતા — ઉદયન નાનો હતો ત્યારે એકલો રહેતો. કોઈની સાથે રમતો નહીં. તેથી એ કોઈની સાથે લડતો નથી. કોઈની સાથે એણે મારામારી કરી હોય તેવું બન્યું, હોય તોપણ એમની જાણમાં ન હતું. ઉદયનની મા કંઈક જુદું કહેતાં — એના મનમાં સદા હરીફાઈનો ભાવ રહે છે. તેથી જ એ પહેલે નંબરે પાસ થાય છે. પણ તેથી કરીને આ કંઈ ભણતર કહેવાય? છોકરું સહુમાં હળેભળે બીજાને અનુકૂળ થતાં શીખે તેમાં જ એનું ખરું ભણતર છે. આ પહેલાબીજા નંબરની પ્રથા બહુ ખરાબ છે. ઉદયનની માની તબિયત સારી ન રહેતી. એમને હિસ્ટીરિયા હતો. એ સુશિક્ષિત હતાં. કોઈ શરાબ પીએ તે એમને ગમતું ન હતું અને ઉદયનના પિતા ફકત શરાબ જ પીતા એવું ન હતું, એ લાકડાંનો વેપાર તો પહેલાંથી જ કરતા પણ પાછળથી એમણે શિક્ષકપદું પણ છોડી દીધું. પછી તો કમાતા રહ્યા અને છૂટથી ખર્ચતા રહ્યા. એક દિવસ એ લથડિયાં ખાતા બારણામાં પ્રવેશ્યા. કોઈકનું નામ લઈને કંઈક બબડતા પણ હતા. ઉદયનની મા દાદર ઊતરી રહ્યાં હતાં. હિસ્ટીરિયા તો એમને હતો જ, આજે તમ્મર આવ્યાં. પડ્યાં. એમનું માથું નીચે આવી ગયેલું. માતાના શ્રાદ્ધ પછી અઠવાડિયું થયું હતું. ઘરને આગ લાગી. ઉદયન દૂર જઈને એક ઝાડ નીચે બેઠો. એ રસપૂર્વક જોઈ રહ્યો. ઘર કેવી રીતે સળગે છે! એણે આજે નક્કી કર્યું કે એ પિતાનું શ્રાદ્ધ નહીં કરે. વૅકેશન પછી એમને સમજાવી-પટાવીને મુંબઈ ચાલ્યો જશે. માશીએ કહ્યું છે. મુંબઈથી એ પિતાજીને પત્ર લખશે. મળવા નહીં આવે. પિતાના મૃત્યુ વખતે એ રડશે નહીં. કદાચ હવે પછી જીવનમાં રડવાનું રહેશે જ નહીં. એણે જોયું: સળગતા ઘરને હોલવવા માણસોનાં ટોળેટોળાં દોડી રહ્યા છે. પાણી છંટાઈ રહ્યું છે. એને લાગ્યું કે પોતાના ઘર પર આ તો ત્રાસ ગુજારાઈ રહ્યો છે.શા માટે આટલા બધા લોકો મારું ઘર હોલવવા મથી રહ્યા છે? શું એટલા માટે કે એ બધા અડોશીપડોશી છે? હા, એટલા જ માટે. એ પડોશમાં રહે છે તેથી આગ એમના ઘરને પણ નહીં છોડે. પોતાની સલામતી માટે જ એ દોડી આવ્યા છે. પણ બોલશે ઉપકારની ભાષામાં. પોતાનું ઘર સળગતું જ રહે એમાં એને રસ હતો પણ લોકોએ હોલવી નાંખ્યું. તે જોઈને એ તપાસવા ગયો. કેટલું સળગી શકયું છે?

અમૃતા ઊભી થાય અને બેસે તેનું પ્રતિબિંબ ફકત ઉદયનનાં ગોગલ્સમાં જ પડી શકે તેમ હતું, આંખોમાં નહીં. પોતાનો અને પોતાની આજુબાજુનો વર્તમાનકાળ એના માટે અત્યારે જડવત્ હતો. એને થયું કે ભૂતકાળ એટલે અપરિવર્તનશીલતા, જેમાં હવે ગતિસંચાર ન થઈ શકે. જે ઘર અધૂરું હોલવાઈ ગયેલું તેને ફરીથી સળગાવીને પૂરેપૂરું સળગી ચૂકેલું જોઈ ન શકાય. ભૂતકાળ એટલે…

એણે બગાસું ખાધું. નદીના પ્રવાહ પર થઈને પસાર થવાને કારણે વિમલ બનેલી, વૃક્ષોની છાયામાં થઈને સરી આવવાને કારણે શીતળ થયેલી હવા ઉદયનને કશો સ્પર્શ કરી શકી નહીં.

એણે ઘાસ વચ્ચે પડેલા એક પથ્થર તરફ જોયું. એને દેખાયું કે પથ્થર ઉપર ઘાસ ઊગ્યું નથી.

અનિકેત ઍરબૅગમાંથી એક પાતળી ચોપડી લઈ આવ્યો. વાંચવા લાગ્યો. એ વાંચતો હતો. અને સાથે સાથે વિચારતો હતો. સરવાળે એ વાંચતો પણ ન હતો અને વિચારતો પણ ન હતો.

અમૃતા સમયની મંદ ગતિથી ત્રાસી ઊઠી હતી. એને સમય સાવ નિસ્સંગ લાગ્યો. મનોવેગની ગતિએ સમય કેમ વીતતો નથી ? પોતે શા માટે આજે પાનેતરને મળતી સાડી લેતી આવી? તે દિવસે પણ એણે આ સાડી પહેરી હતી. એ ઉદયનને મૂકીને આવતી હતી અને રસ્તામાં અનિકેતને જોઈને સાથે લઈ લીધો હતો, આગ્રહ-પૂર્વક. કારના કાચમાં બંનેને એકબીજાનું પ્રતિબિંબ દેખાતું હતું પણ સાથે નહીં. અનિકેતે કહ્યું હતું —…! આજે પણ એ એટલી જ સુંદર લાગતી હોવી જોઈએ.

જે સુંદર હોય તે ઉદાસ થઈ ગયા પછી અસુંદર લાગે એવું તો નથી જ. પાનેતર અને પાનેતર સાથે સંકળાયેલી બીજી પ્રસાધન-સામગ્રી અમૃતાને યાદ આવી. અને છેલ્લે એને દેખાયું મંગલસૂત્ર… એ ઊભી થઈ ગઈ… મંગલસૂત્ર એને મેઘધનુષ્ય જેવું આકર્ષક છતાં અવાસ્તવિક લાગ્યું. એ ફરીથી બેઠી. એને લાગ્યું કે પોતે કોઈ સજીવ સત્તા નથી જે સમગ્રને જુએ અને અનુભવે. અહીંની સંતર્પક સૃષ્ટિ અને એની વચ્ચે એક રિકત અવકાશ વ્યાપી ગયો હતો. અહીંની વૃક્ષઘટાઓ, નદીનો પ્રવાહ, લોકોની અવરજવર, પંખીઓનો કલરવ… બધું જ હતું. પણ અમૃતા એ બધાંને જોતી ન હતી. સંભવ છે એ બધું અમૃતાને જોતું હોય.

સ્મરણ પણ એને સાથ આપતાં ન હતાં. કંઈક યાદ આવે અને થોડીકવારમાં તો તૂટી જાય…પોતે બીમાર હતી. એક દિવસ મોડી સાંજના આવીને ઉદયને માથે હાથ મૂક્યો. એનો સ્પર્શ કેવો પવિત્ર હતો!… હા, ઉદયનની વાત સાચી છે. એણે મારી મુગ્ધાવસ્થાનો લાભ ઉઠાવ્યો હોત તો? તો પ્રશ્નનો ઉત્તર આપવાની તૈયારી કરવા જતાં જ એનું હૃદય અશાંત થઈ ગયું. ચિત્તનું ખાલીપણું ફરી વિસ્તર્યું.

અનિકેતને એકાએક પ્રવાસ દરમિયાન જોયેલો એક પ્રસંગ યાદ આવ્યો. એક પાગલ જમીન પર માથું મૂકીને નમસ્કાર કર્યા કરતો હતો. હા, એ અંગે એણે અમૃતાને પત્રમાં કંઈક લખેલું. પાગલ માણસના નમસ્કાર! પણ હા એ નમસ્કાર તો કહેવાય જ.

કદાચ હું મારા અમૃતાના સંબંધો પરત્વે હજુ પૂરતો સભાન થયો નથી. અમૃતાના દૃષ્ટિક્ષેપ સાથે મારાં સ્પંદનોને અને મારા દૃષ્ટિક્ષેપ સાથે અમૃતાનાં સ્પંદનોને સંબંધો છે જ. હું પોતાને રોકી શક્યો નથી. આજ સુધી મેં કેવી મોટી ભૂલ કરી છે! પ્રેમનો સપ્રેમ ઈન્કાર થઈ શકે ખરો? હું સપ્રેમ ઈન્કાર કરતો રહ્યો તેથી એ ઈન્કાર કરતાં પ્રેમ વધારે છે. નરી નિ:સ્પૃહતા અથવા તો ઘૃણા. ઘૃણા ન કરી શકાય તો શાંત ઉપેક્ષા. હા, એ જ એક માત્ર માર્ગ છે.

એણે જોયું: સવા ચાર વાગ્યા હતા. પોણો કલાક વચ્ચે છે. આ લોકોને પૂર્વ દિશા તરફ ફરવા લઈ જાઉં. મૌન જેટલું વહેલું તૂટે એટલું સારું.

એ આગળ થયો. એને અનુસરનારને રસ્તો તૈયાર મળતો હતો. ઉદયન આજુબાજુના કાંટાઓ પર જોઈને પગ મૂકતો હતો. જરૂર ન હતી પણ કાંટા ભાંગતાં થતો અવાજ એને સાંભળવો ગમ્યો.

નદીતીરના આ ભાગની સૃષ્ટિ આરણ્યક હતી. એક વડની છેક નીચે સુધી લંબાયેલી વડવાઈઓ જોઈને ઉદયને હીંચકા ખાવાનું શરૂ કર્યું. એણે એક પાતળી વડવાઈ પકડી. જોરથી ઝૂલવા લાગ્યો. છતાં વડવાઈ તૂટી નહીં. એને આશ્ચર્ય થયું.

ઉદયનને એ રીતે ઝૂલતો જોઈને અનિકેતે અમૃતાના ચહેરા તરફ જોયું ત્યારે તે મનોમન બોલી ઊઠયો — And to imagine is only to understand oneself.

License

અમૃતા Copyright © by @રઘુવીર ચૌધરી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.