એક

येन अहं न अम्रुता स्याम् किम् अहम् तोन कुर्याम्…

मैत्रेयी

મિથ્યા!

ન્યાય માટેના સંઘર્ષની ફલશ્રુતિ શી?

પરાભવ!

એક સર્વાશ્લેષી ભૂકંપની જરૂર છે. જીર્ણ બુનિયાદ પર નવી ઈમારતની રચના શક્ય નથી. ઉદયને તાળું ખોલ્યું. બૂટથી બારણાને ધકેલ્યું. કમાડ ખખડી ઊઠયાં. એણે દૂરથી જ ટેબલ પર પુસ્તકો ફેંક્યાં. પુસ્તકો સાથે પકડેલાં ગોગલ્સ પણ ફેંકાયાં. તે ટેબલ પરથી ઊછળીને નીચે પડ્યાં. જમણો કાચ ફૂટી ગયો. એણે જોયું કે કાચ સદા અનેક ટુકડાઓમાં ફૂટે છે. ફક્ત બે કે ત્રણ ટુકડા થવામાં કાચનું ફૂટવું જાણે કે પૂરું થતું નથી. એક બાજુ કાચ અને બીજી બાજુ કાચ વિનાની એટલે કે અવકાશવાળી ફ્રેમ એણે પહેરી. એમ કરવાથી જે દેખાયું તે જોઈને એ હસી પડ્યો. હસી લીધા પછી એ ગંભીર થઈ ગયો. એને ગંભીર થયેલો જોનારને તો એમ જ લાગે કે આ માણસ જિન્દગીમાં એકેયવાર હસ્યો નહીં હોય.

એણે ખંડિત ચશ્માં ટેબલ પર મૂક્યાં. વિચાર આવ્યો કે આ રંગીન કાચ મારી અને અમૃતાની વચ્ચે છે. અનિકેતની અને પોતાની વચ્ચે કોઈ કાચ નથી. અથવા આ પ્રમાણે વિચારવું એ વિચારવું જ નથી. બહુ બહુ તો તરંગલીલા કહી શકાય.

પણ મને આવો બાલિશ વિચાર કેમ આવ્યો? આ જગતમાં અમૃતા અને અનિકેત એ બે પ્રાણી જ છે એવું નથી. હું પણ છું. અને હું છું તો આખું જગત કંઈ નાનું નથી. રસ્તામાં ચાલતાં દર વખતે નવા અને નવા જ ચહેરા જોવા મળે છે.

એ ચહેરાઓને ઉદયન જોતો રહે છે. કંઈક નવું, કંઈક અજાણ્યું એને એ ચહેરાઓમાં જોવા મળે છે. વિવિધ અણજાણપણાનો જ એને પરિચય થાય છે. એ જાણે છે કે પોતે પણ એમના માટે અજાણ્યો છે. આ પરસ્પરનું અજાણ્યાપણું તોડીને આગળ વધવાની એને જરૂર લાગતી નથી. કારણ કે આ ચહેરાઓ ચાલે છે તે ભૂમિ પણ બદલાવી જોઈએ. એકસામટી ઊથલપાથલ થવી જોઈએ. તે પછી સમગ્રનું રસાયણ થવું જોઈએ. પછી જ એમાંથી નવા અંકુર જન્મશે. જેમને જોવા એ ઊભો હશે.

ક્યાં? એને વિચાર આવ્યો. પેલા રસાયણમાં તો એ પણ નિ:શેષ થઈ ગયો હશે. તો જે પરિવર્તન જોવા ન મળે તે થાય કે ન થાય તેની સાથે નિસ્બત શી? આ તર્કને એણે દાબી દીધો. પોતાની હયાતીમાં, પોતાની સમક્ષ જ એ પરિવર્તન થાય, પોતે તટસ્થ દર્શનની અદાથી ઊભો રહે, એટલું જ નહીં, અમૃતા પણ એની પાસે ઊભી રહે. અને અનિકેત? હા. એ પણ ઊભો હોય પણ સહેજ દૂર. જેથી એની છાયામાં અમૃતા ઢંકાઈ ન જાય. અને ઉદયન વિજેતાના રૂઆબથી અનિકેતના સામું જોઈ શકે, કોઈને કદાચ લાગશે કે ઉદયનમાં વિજેતા થવાની વૃત્તિ ઉન્માદની કક્ષાએ પહોંચી શકે એવી છે. પણ એવું નથી. હિટલરમાં અને ઉદયનમાં એટલો બધો ભેદ છે કે એ ભેદને સમજાવી શકે એવો કોઈ આંકડો ગણિતશાસ્ત્ર પાસે નથી. ઉદયન હમણાં જે અને જે રીતે વિચારતો હતો તે એક ઘટનાનું પરિણામ છે. ઉદયનની પ્રતિક્રિયાઓ ભારે તીવ્ર હોય છે. સાંસારિક માણસો આંખ આડા કાન કરી લે તેવી નાનીસરખી ઘટના માટે ઉદયન આકાશપાતાળ એક કરવા લાગી જાય છે. આખી સૃષ્ટિની પુનર્રચના કરવાનું દાયિત્વ પોતાનું છે એમ માની બેસે છે. શાસ્ત્રોના કહેવા પ્રમાણે તો એ કામ બ્રહ્માજીએ સર્વ પ્રથમ કરેલું. એ બ્રહ્માજીને કે એમની અવેજીમાં કામ કર્યું હોય તેવા કોઈ વિધાતાને ઉદયન સ્વીકારતો નથી તેથી સૃષ્ટિ રચવાનો કે સૃષ્ટિની પુનર્રચના કરવાનો બીજા કોઈનો અધિકાર એ ઝૂંટવી લે છે એવું વિધાન થઈ શકે તેમ નથી. ઉદયન પોતાના પગ પર ઊભા રહેવામાં માનનારો માણસ છે. અત્યારે એને જે વિચાર આવ્યા તેનું કારણ તપાસવા પેલી ઘટના ખપની છે-

કૉલેજ, એની આગળનું સિચ્યુએશન સહુએ કલ્પી લેવું, ખાસ ફેર નહીં પડે. રજાઓ હોવાથી વિદ્યાર્થીઓ નથી. નજીકના માર્ગ પર યુવક-યુવતીઓની અને વાહનોની અવરજવર પણ ખાસ નહીં. તમે ભણતા હતા કે ભણાવો છો કે જુઓ છો તેવી કોઈ કૉલેજ જેવી આ કૉલેજ છે. એમાં આચાર્યની ઑફિસ તરફ ઉદયન જઈ રહ્યો છે. ‘રજા લઈને પ્રવેશવું’ એવું પાટિયું વાંચે છે. આવાં ઘણાં પાટિયાં એણે વાંચ્યાં છે. વળી, અહીં તો એને બોલાવવામાં આવ્યો છે તેથી રજા લેવાની જરૂર નથી. એ અંદર જઈને ઊભો રહે છે. નજર મળે છે. ‘આવો.’ એ બેસે છે. વાતચીતની શરૂઆત થાય છે.

‘તમારું ગદ્ય સારું છે.’

‘શું મારી કોઈ વાર્તા વાંચી?’

‘તમે વાર્તા પણ લખો છો?’

ઉદયન અકળાય છે. આ માણસને ખબર નથી કે હું વાર્તાકાર છું! ઈન્ટરવ્યૂ વખતે એણે કહ્યું હતું – તમારા જેવા નિર્ભીક નવોદિત સાહિત્યકારોને મારી કૉલેજમાં અધ્યાપકરૂપે મેળવતાં મને ઘણો આનંદ થશે. તે વખતે ‘નવોદિત’ વિશેષણમાં રહેલી એક પ્રકારની અસ્વીકૃતિ જોઈને એ અકળાયો હતો પણ મોં નીચું રાખીને સાંભળી રહેલો. આજે આ માણસ પૂછે છે – તમે વાર્તા પણ લખો છો? તો એ વખતે મને સાહિત્યકાર કહેવામાં એણે જુઠ્ઠાણાનો આશ્રય લીધો હતો? અથવા એમ માનીને કહી દીધું હશે કે ગુજરાતીના અધ્યાપક તરીકે પહેલાં કામ કરેલું છે એટલે કંઈ ને કંઈ લખતો તો હશે જ. આ ક્ષણે મનમાં ઊઠતાં મોજાંને અવગણીને ઉદયને કહ્યું-

‘જી સાહેબ. હું વાર્તાઓ લખું છું. પણ આપ કદાચ મારા પેલા ચર્ચાપત્ર વિશે વાત કરવા માગતા હશો.’

‘હા. એ અંગે જ. જોકે મેં તો એ ચર્ચાપત્ર પૂરું વાંચ્યું નથી. સમય જ ક્યાં મળે છે? પણ સાંભળ્યું ઘણું. જે થોડુંક વાંચી શકેલો તેમાં મેં જોયેલું કે તમારા ગદ્યમાં ગજબનો ફોર્સ છે.’

પૂરું વાંચ્યા વિના આ માણસ અભિપ્રાય આપે છે! કેવો અપ્રામાણિક! એને શું કહેવું? ચાલ બીજી વાત કરું-

‘પરંતુ સાહેબ, એમાં મારા ગદ્યની પ્રશંસા કરવા જેવું કંઈ નથી. સભાનતાથી લખેલું એ ગદ્ય નથી.’

‘મારે પણ એ જ કહેવાનું છે. આવા લેખ વધારે સભાનતાથી લખવા જોઈએ.’

ઉદયને આચાર્યશ્રીના સામું જોયું. એમના હોઠ પર જે સ્મિત રમતું હતું તે એને ચારેકોરથી વક્ર લાગ્યું.

‘હું સર્જક તરીકેની સભાનતાથી વાત કરતો હતો જેમાં શબ્દને નવું પરિમાણ આપવાનું હોય છે. આપ સૂચવો છો તે સભાનતા તો મારા એ ચર્ચાપત્રના વાચકોએ કેળવવાની હતી.’

આચાર્યશ્રીની ખુરશી સહેજ હાલી. ટેબલ પર મૂકેલાં ચશ્માં હાથમાં લઈને એ બોલ્યા-

‘જુઓ ભાઈ ઉદયન, હું કદાચ તમારા જેટલો પ્રતિભાશાળી નહીં હોઉં, પણ અનુભવી છું. તમે જે કહ્યું તે બીજી રીતે પણ કહી શકાત. તમે મને બહુ આક્રમક લાગ્યા. અભ્યાસક્રમ સમિતિ પર તમે લેખ લખો તેમાં કોઈને વાંધો ન હોઈ શકે, ચર્ચાઓ થવી પણ જોઈએ. મારે તો એટલું જ કહેવું છે કે કોઈને ઉતારી પાડવા કંઈ લખવું એ અધ્યાપકને ન છાજે.’

‘એટલે કે મારે ચર્ચાપત્રમાં પહેલાં તો અભ્યાસક્રમ સમિતિની પ્રશંસા કરવી જોઈતી હતી. એમની યોગ્યતા સ્વીકાર્યા પછી જ લખવું જોઈતું હતું કે આ એક બે મુદ્દા મારા નમ્ર મત પ્રમાણે વિચારવા જેવા છે. અને છેવટે એમ પણ લખવું જોઈતું હતું કે મારી વિચારણામાં દોષ હોય તો કોઈ સુધારે. ખરું ને?’

‘હું એવું કશું કહેવા માગતો નથી. અત્યાર સુધી આ બધા એમ જ લખતા આવ્યા છે. અત્યારે હાલ તો હું તમને એવું કશું કહી શકું પણ નહીં, કારણ કે હજુ તો તમે કામે જોડાયા નથી. મને આશા હતી કે મારો મુદ્દો તમે સમજશો. તમે જે કેટલાક ઉગ્ર પ્રહારો કર્યા છે તે વિના પણ તમે અભ્યાસક્રમ સમિતિની ખામીઓ બતાવી શક્યા હોત. એમની અવમાનના ન કરી હોત તો વધારે સારું. કારણ કે સંભવ છે એ માણસો આપણા કરતાં વધુ સમજુ હોય.’

‘એ એકરારમાં હું આપની સાથે જોડાઈ શકું તેમ નથી.’

આચાર્યશ્રી હસ્યા. હાસ્યના પડઘા શમી ગયા તે પછી આચાર્યશ્રીના ચહેરા પર ઊપસી આવેલી તૂરાશ જોઈને ઉદયન છળી પડ્યો.

‘શું એ સમિતિના કોઈ માણસનું દબાણ આવ્યું છે કે જેથી આપ મને સમજાવવાનો પ્રયત્ન કરવા ધારો છો?’

‘તમે મારા પર આક્ષેપ કરી રહ્યા છો.’

‘હું તો કાર્યકારણ-સંબંધ સમજી રહ્યો છું, આક્ષેપ કરતો નથી.’

‘તમારા શબ્દોમાં તો એ જ વસ્તુ પ્રગટ થાય છે.’

‘તો એમ માનવા આપ સ્વતંત્ર છો.’

‘મને મારો હક સમજાવવાની જરૂર નથી મિ.ઉદયન. તમે શું આચાર્ય અને અધ્યાપકના વ્યવહારમાં અદબની કોઈ ભૂમિકા સ્વીકારવા તૈયાર નથી?’

‘સ્વીકારું છું, અનિવાર્યપણે સ્વીકારું છું અને બંને પક્ષે સ્વીકારું છું.’

‘તો એનો આરંભ ક્યાંથી થાય તે સમજી લો.’

‘હું પણ એમ જ કહીશ. જે માણસ પહેલો બોલે તે…’

‘તો સાંભળી લો. શિક્ષણના ક્ષેત્રમાં હું બેઅદબી અને ઉપેક્ષાનું ગૌરવ કરવા માગતો નથી.’

‘એ માન્યતા વરસો સુધી ભોગવેલા દાસત્વનો વારસો છે. એ બધી સાહેબશાહીની પરિભાષા છે. આજનું શિક્ષણ અંદરથી ખાલી માણસોના ખોખરા ઘમંડનું પોષક છે. એ તૂટવું જોઈએ. વિનયવિવેકને બહુ પોષ્યા, એથી અમને કંઈ મળ્યું નથી.’

‘ઉપેક્ષા અને ઉદ્દંડતાથી મળવાનું તો દૂર રહ્યું, ઊલટાનું ગુમાવશો.’

‘બધું ગુમાવીને પણ સત્ય પ્રાપ્ત થશે તો સંતોષ છે. જેની સાથે, હું માનું છું કે આપના જેવા મોટા માણસોને કંઈ લેવાદેવા નથી.’

‘તમારી આંખે જોઈએ તો જ સત્ય દેખાય, કેમ?’

‘હું એમ કહેતો નથી. પણ જે લોકો પોતાની આંખે સત્ય જોવા માગે છે એમને જીવવા દો. એમને આપ સલાહસૂચનો આપી આપીને રૂંધશો નહીં. તમારી શિક્ષણયોજનામાં સ્વતંત્રતા અને સમાનતાને કશું સ્થાન નથી. કઠપૂતળીઓ તૈયાર કરવામાં તમને રસ છે અને આવડત પણ છે. વિદ્યાર્થીના સ્વતંત્ર વ્યક્તિત્વને પોષક વાતાવરણનું નિર્માણ કરવામાં તમને લેશમાત્ર રસ નથી. આમ ને આમ વિદ્યાર્થીઓની મૂળભૂત શક્તિઓને પણ તમે કુંઠિત કરી રહ્યા છો. આ દમન છે. ભયંકર દમન છે કારણ કે કોઈને દેખાય નહીં એ રીતે તમે કરી રહ્યા છો, હું આ બધું ચલાવી નહીં લઉં.’

આચાર્યશ્રીએ ડાબી બાજુ પડેલી ફાઈલ ઉપાડીને જમણી તરફ મૂકી. હોલ્ડરને ખડિયામાંથી ખેંચ્યું અને ટેબલ પર મૂકી દીધું.

‘તમે મારાથી વધારે સમજદાર છો. મારા હાથ નીચે કામ કરવાથી તમારી પ્રતિભા કુંઠિત નહીં થઈ જાય?’

‘તમારો જવાબ સાંભળવાની તૈયારી સાથે જ હું આવ્યો છું. તમે મને વિના સંકોચે છૂટો કરી શકો છો. એ વિશે ચર્ચાપત્ર નહીં લખું તેની ખાતરી આપું છું.’

‘હું કોઈ અધ્યાપકને કદી છૂટો કરતો નથી. આ સંસ્થામાં માણસોને નભાવી લેવાની પરંપરા છે. તમને અન્યત્ર સારું કામ મળી જાય તો તમે તમારો વિકાસ અહીં ન રૂંધાય માટે સ્વેચ્છાએ છૂટા થઈ શકશો.’

‘આપની દયાનો લાભ કોઈ બીજાને ભલે મળો. હું તો જાઉં છું. તમારી આ દીવાલો તરફ હું ફરીથી નજર કરનાર નથી.’

ઉદયન ઊભો થયો. ખુરશી એક તરફ ખસીને સહેજ પછડાઈ. એ ચાલ્યો. આચાર્યશ્રીએ ઊભા થઈને હાથ લંબાવ્યો હતો તે એમ જ રહ્યો. હાથ મિલાવવા પણ આ માણસ ઊભો ન રહ્યો?

‘ઊભા રહો, નવજુવાન મિત્ર! મારી વાત તો તમે પૂરી સાંભળી પણ નથી. તમે આમ શત્રુ બનીને શા માટે જાઓ છો?’

આચાર્યશ્રી બહાર આવ્યા. ઉદયન થંભ્યો.

‘સાંભળનાર મળી આવશે. અને તમારી વાત સાંભળીને કશુંક અપૂર્વ સાંભળ્યાની ધન્યતા અનુભવશે. પછી આભારવર્ષા કર્યા કરશે. આપનું કામ વિના વિધ્ને સંવાદિતાથી ચાલ્યા કરશે. અને ચિંતા ન કરતા, હું કોઈનો શત્રુ નથી. તમે મને લાંબો સમય યાદ પણ નહીં રહો.’

સામું જોયા વિના જ ઉદયન બોલ્યો હતો. આચાર્યશ્રી બસ જોઈ જ રહ્યા. ઉદયન ઝડપથી પગ ઉપાડતો ચાલ્યો ગયો. કૉલેજના કમ્પાઉન્ડની બહાર નીકળી ગયો. રસ્તા પર સીધો ને સીધો ચાલ્યો ગયો. એક કારે બ્રેક મારીને એને જવા દીધો. દૂર જતો ગયો તેમ એનો આકાર નાનો થતો ગયો. દૂર ને દૂર એ જતો ગયો. એનો આકાર એક ટપકા જેવો દેખાવા લાગ્યો. તે પણ અદ્રશ્ય થઈ ગયો. વાદળછવાયા આકાશમાં ધૂંવાંપૂવાં થતો ચંદ્ર આખરે દેખાવો બંધ થાય ત્યારે જોનાર આંખો ફેરવી લે છે…

ગોગલ્સના કાચના ટુકડા વીણી લઈને ઉદયને કચરાપેટીમાં નાંખ્યા. શું કરવું? કંઈ સૂઝ્યું નહીં. સૂઈ ગયો. એને થયું કે પોતે પલંગમાં બેકાર પડી રહ્યો છે. ઊભો થઈને એ પેન શોધવા લાગ્યો. પેન ગજવામાં જ હતી. એ વાર્તા લખવા બેઠો. છેલ્લી સિગારેટ ફૂંકી લીધા પછી વાર્તાને અધૂરી મૂકીને એ સૂઈ ગયો. અત્યારે બપોરના બે વાગ્યા છે. સ્નાન કરવાનું બાકી રહી ગયું છે. પણ સ્નાન કરવા પહેલાં ઊંઘી લેવું જોઈએ. ખૂબ થાક્યા પછી જ એને ઊંઘ આવે છે. લક્ષ્મી આવે ત્યારે મોં ધોવા ન જવું એ સિદ્ધાન્તમાં એ માને છે. માણસોને લક્ષ્મીમાં હોય છે એટલો ઉદયનને ઊંઘમાં રસ છે, કારણ કે ઊંઘને એ દૂર્લભ માને છે. આ દુનિયામાં માણસ શાંતિથી ઊંઘી શકે તેમ નથી. ઘણી વાર પાંપણ સુધી આવેલી ઊંઘ અદૃશ્ય થઈ જાય છે. ગઈ કાલે મોડી રાત સુધી એણે અમૃતાના પ્રશ્નનો ઉત્તર શોધ્યો હતો. હવે ઊંઘ નહીં જ આવે એમ માનીને મહાભારતનાં પાનાં ઉથલાવવા લાગેલો. યુદ્ધપર્વના અંશો વાંચવામાં એને રસ પડ્યો. શાંતિપર્વ સુધી એ પહોંચે તે પહેલાં સવાર પડી ગઈ. ઘેરી અને ઝાંખી સવાર. આઠ વાગ્યા અને એ કૉલેજ જવા ઊપડ્યો.

અત્યારે સાંજના છ વાગ્યા છે. ઉદયન જાગીને હાલ જ સ્નાન કરવા બાથરૂમમાં ગયો છે. કોઈ દિવસ નહીં અને આજે એ ગાવા લાગ્યો છે. બાથરૂમમાં એક અવાજ પાણીનો અને બીજો અવાજ ઉદયનના ગાવાનો. બંનેમાં સંગીતગુણ સરખો. ઉદયન જે ગાતો હતો તેના બોલ હતા-

તૌબા કો તોડ તાડકે થર્રા કે પી ગયા,

બેકૈફિયોં કે કૈફ સે ઘબરાકે પી ગયા.

એકાએક એનો હાથ માથે ગયો. પેલા ઘાની પટ્ટી નીચે પાણી ઘૂસી જતું લાગ્યું. પાણીનો સ્પર્શ તદ્દન જુદો જ અનુભવ કરાવતો હતો. એને થયું કે આ ઘા ધીમે ધીમે ઊંડો ઊતરતો જાય, ઊંડો ઊતરતો જાય અને છેક મગજના કેન્દ્ર સુધી પહોંચી જાય, મારી વિચારશક્તિનો નાશ કરી દે અને છતાં હું જીવતો હોઉં તો શું કરું? કોઈ બલીવર્દની જેમ વાડો કૂદતો કૂદતો, આડે આવનારને ભેટાં મારતો મારતો, દીવાલોને પાછલા પગે પાટાં મારી છાપરાં ધ્રુજાવતો, ગામ આખાની વચ્ચે ધડબડ ધડબડ દોડતો જાઉં અને સહુને જગાડી દઉં. પછી તળાવમાં જઈને ચત્તો થઈને તર્યા કરું. કોઈ પોતાનું નહીં, કોઈ પારકું નહીં. આ વિચારશક્તિ ન હોત તો હું સંપૂર્ણ પશુ હોત. આ વિચારશક્તિને લીધે જ પશુત્વ ઓછું થયું છે. આ વિચારશક્તિ ન હોય તો જીવવાની મજા આવે. કોઈ હૃષ્ટ-પુષ્ટ પાગલ ક્યાંક રસ્તા પર બેઠો હોય છે ત્યારે એનાં સુખ અને સ્થિતપ્રજ્ઞા માટે કેવું માન થાય છે. કાં પશુ થવું કાં પાગલ. જે મહાપુરુષો થયા તે પાગલ બની શક્યા હતા. તેમના સિવાય જે સુખી છે તે બધા વિભિન્ન પશુસમાજ છે. આ બે વર્ગોમાં જેમનો સમાવેશ કરી ન શકાય એવો એક ત્રીજો વર્ગ પણ છે, જેની યાતનાનો પાર નથી. એનું સ્થાન સદા અનિશ્ચિત રહ્યું છે.

એણે પટ્ટી દબાવી દીધી અને શરીર લૂછવાનું શરૂ કર્યું. આ ઘા ઊંડો ઊતરતો જાય… કહે છે કે અખંડ ખોપરી વિના પણ અશ્વત્થામા જીવતો હતો. મહાભારતનાં બાકીનાં પાત્રો ભલે કલ્પિત હોય પણ અશ્વત્થામા, ભીમ, શકુનિ અને દ્રૌપદી તો સાચાં લાગે છે. ખોપરી તૂટી ગયા પછી પણ અશ્વત્થામા જીવતો રહ્યો. એનું માથું નીતરતું રહ્યું. લોહી અને પરું દૂઝતાં રહ્યાં. અને છતાંય જીવતો રહ્યો. કહે છે કે આજેય એ અભેદ્ય જંગલોમાં ફર્યા કરે છે. પોતાની તૂટેલી ખોપરીનું ભિક્ષાપાત્ર બનાવીને એ અહાલેક જગાવતો ફર્યા કરે છે. કહે છે કે યાદ કરો અઢારમી રાતને. મારું પ્રાયશ્ચિત પૂરું થાય તેમ નથી. મારા જેવી ભૂલ ન કરતા… તો શું અશ્વત્થામાને એ સ્થિતિમાં અમર રહેવાનો શાપ મળ્યો છે? તો એની અમરતા વાર્તાનો વિષય કેમ ન બની શકે?

અધર્મ-યુદ્ધ કરવા બદલ મહાકવિએ અશ્વત્થામાને ચિરંતન યાતના ભોગવતો બતાવ્યો. મારા જમાનાના માણસ સામે અશ્વત્થામાનું ઉદાહણ છે તેથી એ અઢારમી રાતની પુનરાવૃત્તિ નહીં કરે. એ હવે મુસોલિની કે હિટલર નહીં બને… સાચે જ નહીં બને? હા, જમાનાઓ પછી આગ્નેયાસ્ત્ર વાપરી જોવાનું પરિણામ એણે જોઈ લીધું છે. ભોગવી લીધું છે. હીરોશીમા પાયલોટ અથર્લીએ અશ્વત્થામાની યાતના ભોગવી લીધી છે.

ઉદયન એક વિચાર જાગતાં નિશ્ચિંત બની ગયો. પોતે ઈચ્છે ત્યારે મરણને વરીને છુટકારો મેળવી શકે તેમ છે. મરણનું આશ્વાસન ન હોત તો માણસ કઈ આશાએ આ જિન્દગીનો બોજો ઘસડ્ય કરત? અનેક વળાંક વટાવીને આ યુગ સુધી આવી પહોંચેલો માણસ વરદાન અને શાપની સ્થિતિમાંથી મુક્ત થઈ ગયો છે. હવે કોઈ ઋષિ બીજાને શાપ આપવાની શક્તિ કેળવવા તપ કરતો નથી. હવે તો એ પોતાના જીવનને સત્યના પ્રયોગો દ્વારા ઓળખવા મથે છે. હા, એ જ આ જમાનાનો ઋષિ જે કોઈ ઈશ્વરનો વહાલસોયો થવા ન ગયો પણ પોતાના અસ્તિત્વના સત્યને પામવા મથ્યો, પોતાના પર નિર્ભર રહેવા એણે પુરુષાર્થ કર્યો. પણ હું બીજાઓની જેમ એનું નામ વટાવીને પ્રતિષ્ઠિત થવાનો પ્રયત્ન નહીં કરું… આજે તો બલિદાનનો મહિમા પણ ન રહ્યો. તોફાન જોવા ટોળે વળેલાઓને નાસતાં ન આવડે અને ગોળી વાગે એટલે એ શહીદ! એ શહાદતથી તો આત્મહત્યા સારી. ચારે કોર આ જે બધું ચાલી રહ્યું છે તે જોઈને કદાચ ઘણાને આત્મહત્યા કરવાની ઇચ્છા થતી હશે. આત્મહત્યાને પાપ તરીકે ઓળખવામાં ન આવત તો જે સાચા ર્ધામિકો છે એમણે જરૂર એ માર્ગ લીધો હોત. આચાર્યશ્રીએ કહ્યું – બેઅદબીનું હું ગૌરવ કરવા નથી માગતો. અહીં તો સાચું બોલવું એ જ સૌથી મોટી બેઅદબી છે – આક્રમક વૃત્તિ છે. અભ્યાસક્રમ સમિતિના કોઈ સભ્ય સામે મને શો વાંધો હોય? આ સ્તર ક્યારે સુધરશે… ક્યાં સુધી અજ્ઞાન શ્રદ્ધાનો પર્યાય રહેશે… ક્યાં સુધી મારા જેવા માણસો અધ્યાપનક્ષેત્રની બહાર રહે તેવી જોગવાઈ ચાલુ રહેશે… અમૃતા ન હોત તો પોતાને આત્મહત્યા કરવાનું કેટલું વહેલું સૂઝ્યું હોત?

તો, ઈન્જેકશન લઈ આવું, પાટો બંધાવી આવું. અમૃતા ઇચ્છે છે કે હું મારી કાળજી લઉં. પણ અમૃતાનો પ્રશ્ન…

આચાર્યશ્રી સાથેની વાતચીત, અમૃતાનો પ્રશ્ન અને અશ્વત્થામાનો દૂઝતો વ્રણ. એ મનમાં ફર્યા કરતા ચક્રના ત્રણ આરા હતા. એ ટૅક્સી કરીને પોતાના ઘાના ઉપચાર માટે ગયો. એ પતી ગયા પછી ફૂટપાથ પર ચાલતો રહ્યો. આ પહોળી સડકોની ઊંચાઈ વીજળીનાં દોરડાંથી અવરોધ પામી રહી છે. સડક પરથી નજર ઉપાડીને ઊંચે જુઓ, બસ વીજળીનાં દોરડાં. વિદ્યુત ગ્રહણ કરતી ટ્રામ પસાર થાય છે, ત્યારે વીજળીનાં દોરડાં પર તણખા ખરે છે. ટ્રામનાં પૈડાંનો અવાજ ઉદયનને ગમતો નથી. ધરતીની રીઢી થઈ ગયેલી ચામડી પર આ ચક્રોના કાયમી ખસરકાઓથી ચચરી ઊઠે છે. ધરતીને હવે એની વેદના રહી નથી. એનું હાર્દ સપાટીથી ઘણું ઊંડે ઊતરી ગયું લાગે છે. ક્યાં છે? ધરતી તો આ નવા પથ્થર-યુગમાં સાવ ઉપેક્ષિત બની ગઈ છે. જોવા મળે છે કેવળ પથ્થરિયો વિસ્તાર. ઉદયન ચાલ્યો જતો હતો.

એની બાજુમાં થઈને પસાર થતી ટ્રામને બ્રેક વાગી. પેસેન્જરો હાલી ઊઠયાં. ટ્રામ સાથે એક યુવક સહેજ અથડાઈ ગયો હતો. એનાં ચશ્માં તૂટી ગયાં હતાં. એ શાંતિથી ડ્રાઈવરને ધમકાવતો હતો. ડ્રાઈવર પણ કર્તવ્યપાલન કરતો હોય તેમ સાંભળી રહ્યો હતો. ત્યાં પેસેન્જરોમાંથી બહાર આવીને એક યુવકે ખુમારીપૂર્વક અકસ્માતનો ભોગ ન બનેલા પેલા યુવકને કહ્યું. – ‘ચાલ્યો જા, ભાઈ, બ્રેક ન મારી હોત તો આ ઝઘડો કરવામાંથી તું ઊગરી ગયો હોત. અમને અંદર બેઠેલાંને તો એવું લાગ્યું કે તું આત્મહત્યા કરવા ઇચ્છતો હતો પણ ડ્રાઈવરે તને મદદ ન કરી.’

‘તમારે એની સાથે સારાસારી હશે તો તમને મદદ જરૂર કરશે, જાઓ પોતાની જગ્યાએ જઈને બેસો.’ ઉદયન બોલ્યા વિના રહી ન શક્યો. ટ્રામ ઊપડી ગઈ. પેલા યુવકનો હાથ પકડીને ઉદયન ચાલવા લાગ્યો.

‘સવારે મારાં ચશ્માં પણ તૂટી ગયાં, ચશ્માં નહીં પણ ગોગલ્સ. સારું થયું. હવે બીજા કોઈ માધ્યમ વિના પોતાની આંખે જ જોવાનું રહેશે. તમે મારી સાથે ભલે સહમત ન હો, મને તમારા તરફ સહાનુભૂતિ છે. બોલો, કઈ તરફ જવું છે? ચાલો, ચા પીએ.’

નજીકમાં એક નાની હૉટલ હતી. ઉદયન એનાં પગથિયાં ચડ્યો. પેલો યુવક અનિચ્છાએ પાછળ પાછળ આવ્યો.

‘તમને આ હૉટલ ન ગમી? નાની છે માટે? પણ જો કોઈ જ ન જાય તો આ હૉટલ કેવી રીતે ચાલે? વળી, સામાન્ય અને નાનું મકાન હોય તેથી ચા સારી ન મળે એવો કોઈ નિયમ નથી. મારો અનુભવ તો એમ કહે છે કે…’

‘તમે મિલમજૂર મંડળના કાર્યકર્તા લાગો છો. સામ્યવાદી છો?’

‘ના ભાઈ. મજૂર ધારીને મેં તમારામાં રસ લીધો નથી. આપણે એક જ નગરના રહેવાસી છીએ. એકબીજામાં રસ ન લઈ શકીએ?’

‘તમારી ભાષા તો કોઈ કાર્યકર્તા જેવી લાગે છે.’

‘હા, મને એવો થોડો અનુભવ જરૂર છે. એકવાર મેં મજૂર મંડળના કાર્યકર્તાઓને સાથ આપ્યો હતો. તમે ભૂલી ગયા ન હો તો જબરજસ્ત હડતાલ પાડવામાં આવી હતી. ગોદી કામદારો પણ એમાં ભળેલા. મેં ત્યારે એક સુંદર યોજના ઘડેલી. બધા મજૂરો મુંબઈના પૂર્વ દરિયાકિનારે એક લાઈનમાં ઊભા રહે. આખો કિનારો છવાઈ જાય. પછી એમને સૂચના આપવામાં આવે. ‘એક’ – અને બધા દરિયામાં કૂદી પડે. ‘બે’- અને બધા જોરથી કાંઠાને ધક્કો મારે અને મુંબઈને પાણીમાં નવડાવી દે. ‘ત્રણ’ – મુંબઈને ફરીથી ઠેકાણે લાવી દેવામાં આવે. ‘બે’ અને ‘ત્રણ’ બોલવાની વચ્ચે તો બધા શેઠ શાહુકારો, માલિક-મૅનેજરો માની ગયા હશે. કારણ કે એ સમજતા હોય છે. જે ડૂબવા બેઠું હોય તેને વહેંચી આપવામાં એમને વાંધો નથી હોતો. મારી આ યોજના તમને કેવી લાગી? છે ને શુદ્ધ યોજના! જેનો અમલ ન થઈ શકે તેવી તદ્દન શુદ્ધ યોજના! પણ હડતાલોથી તો ચોક્કસ સારી.’

‘તમારું નામ?’

‘ઉદયન’

‘અટક?’

‘પહેલાં હતી પછી મેં ભૂસી નાંખી છે. પિતાનું નામ પણ હું સાથે લખતો નથી.’

‘હું ધારું છું કે તમે લેખક-બેખક હશો.’

‘તમારા જેવા માટે હું બેખક છું, બાકી લેખક. વાર્તાઓ લખું છું.’

‘મેં શ્રી ઉદ્યાનની એક અંગ્રેજી વાર્તા વાંચેલી.’

‘ઉદ્યાન નહીં પણ ઉદયન. લેખકનું નામ વાંચ્યું એ રીતે જ આખી વાર્તા વાંચી ગયા હશો.’

‘હમણાં નોકરી શોધવી છે તેથી છાપાં ખરીદું છું. વૉન્ટેડ વિભાગ વાંચું છું, પણ તમારી વાર્તા પણ વાંચી ગયેલો. તમારી એ વાર્તાને અંત ન હતો. ખરું ને?’

‘આરંભ હતો એટલું પણ તમે સ્વીકાર્યું માટે આભાર.’

‘પણ તમે વાર્તાકાર તરીકે નિરાશાવાદી લાગ્યા. કારણ કહેશો?’

‘અનુભવ વધતાં કારણો આપમેળે સમજાઈ જશે. કેટલું ભણેલા છો? બી.એ. થયા છો?’

‘ના એમ.એ. થયો છું. ગુજરાતી સાથે.’

‘તો તમને એક સરનામું આપું. કૉલેજમાં આજે જ જગા થઈ છે. જરા નમ્ર માણસની જરૂર છે.’

‘અરે નમ્ર શું વિનમ્ર થઈશ. તમે મને સરનામું આપો ને.’

ઉદયને સરનામું આપ્યું અને કહ્યું કે કોણે મોકલ્યો છે તે ન કહેવું. એ આચાર્યશ્રીના કોણ ઓળખીતા છે તે શોધીને એમની ભલામણ લઈને જવું. પરિચય ન હોય તોપણ કહેવું કે આપની પ્રશંસા સાંભળીને આવ્યો છું, તરત ચિઠ્ઠી લખી આપશે. અચ્છા, હું જાઉં. હવે મળીએ ન મળીએ.

પેલા યુવકની ઈચ્છા હતી ઉદયન સાથે ખૂબ ખૂબ વાતો કરવાની. પણ ઉદયન ઊભો થઈને ચાલી નીકળ્યો. અશ્વત્થામા પેલું પાપ કરવા કેમ પ્રેરાયો તેનું કારણ એને જડી આવ્યું હતું. પોતાના પિતાના શ્રાદ્ધકાર્યમાંથી પરવારીને અશ્વત્થામા પાછો આવ્યો અને એણે જોયું કે સમ્રાટ દુર્યોધન ઘાયલ પડ્યો છે. ભીમના અન્યાયી ઘાથી ઉરુભગ્ન દુર્યોધનને એણે જોયો અને એ ક્રોધથી ગર્જી ઊઠયો… ઉદયનના રક્તમાં પણ ઉગ્ર ગતિનો સંચાર થયો. આ બધા ધર્માત્માઓમાં પહેલાંથી જ કંઈકને કંઈક ખૂટતું આવ્યું છે. બધા અધૂરા છે… એ ઊભો થઈને ચાલી નીકળ્યો. નહીં તો પેલા યુવક સાથે વાત કરવા એ પણ ઇચ્છતો હતો. એવા શ્રોતાઓ પણ ક્યાં મળે છે? એનાં નામ-ઠામ પૂછવાં રહી ગયાં.

જૂના ઐશ્વર્યથી પ્રતિષ્ઠિત એક હોટલના દરવાજા પાસેથી એ પસાર થઈ રહ્યો હતો. દ્વારપાલે સ્વાગત-વચન કહ્યો. ઉદયન અંદર વળ્યો. એની માનસિક અનિશ્ચિતતાને પેલા દ્વારપાલે વળાંક આપ્યો તે ઉપરાંત એણે જમવું પણ જોઈએ. આ હૉટલમાં ઓછું આવવાનું બને છે એ વાત ખરી. હા, અહીં આવવા સામે એને કોઈ પૂર્વગ્રહ નથી.

જમ્યા પછી કશાય રસ વિના એ લોકોને જોઈ રહ્યો. ડાઈનિંગ હોલ ભરચક હતો. યુવક-યુવતીઓ, પ્રૌઢાવસ્થાને છુપાવવા યૌવનને અનુરૂપ પ્રસાધન અને અલંકરણ કરીને આવેલી સ્ત્રીઓ. અવસ્થાનો ભેદ દૂર કરતી સઘળી આંખોની સમાન તૃષા, આવનાર અને જનારની આડંબરપ્રચુર ગતિ, નોકરોની ભાષામાં અને હાવભાવમાં લચી પડતો વિવેક – ઉદયન સિગારેટની ધૂણીની આરપારની એ દુનિયાને જોતો રહ્યો. એના ટેબલની સામેની સીટ હજુ સુધી ખાલી પડી રહી હતી. ત્યાં એક બાનુ ગોઠવાયાં. એમના આગમાન પછી ચોતરફની નજરો એ ટેબલ પર એકઠી થઈ. ઉદયને પણ જોયું. બાનુએ નકલી એરિંગ પહેર્યાં હતાં. એમની સાડી વારંવાર ખભા પર ઠીક કરવી પડે એવી સુંવાળી હતી. એમણે જે બ્લાઉઝ પહેર્યું હતું તેની સિલાઈ પ્રયોગાત્મક લાગતી હતી. ઉદયન નવી ફેશનોનો બહુ ખ્યાલ રાખી શકતો ન હતો. આ અવસર મળતાં એણે કાળજીથી નિરીક્ષણ કર્યું. અંગસૌષ્ઠવને નિરાવરણ રીતે પ્રગટ થવા દેવાની એમાં સગવડ હતી.

ઉદયને બીજી વાર દષ્ટિક્ષેપ કર્યો ત્યારે એમના ચહેરા પર કશુંક અપાકર્ષક તત્ત્વ ઝબકી ઊઠયું હોય એવું એને લાગ્યું. સ્મિત પણ ભાતભાતનાં હોય છે.

‘મેં આપને પહેલાં પણ જોયા છે. આપનું નામ જાણી શકું?’

‘ઉદયન.’

‘જાણીતું નામ છે. સુંદર પણ. મને યાદ નથી આવતું પણ આપણે પહેલાં ક્યાંક મળેલાં છીએ.’

‘કંઈ વાંધો નહીં.’

આ માણસ આમ કેમ બોલ્યો? એના આ વાક્યની પ્રશંસા કરીને વાત કેવી રીતે આગળ ચલાવવાની એ એમને સમજાયું નહીં. એ નીચું જોઈને બેસી રહ્યો.

ક્ષણેકની શાંતિ પછી ઉદયને પોતાના પગે સ્પર્શ અનુભવ્યો. તુરત જ એના મનમાં એક સંવાદ રચાવા લાગ્યો—

‘શું થયું?’

‘જડતાનો સ્પર્શ.’

‘સ્પર્શ નહીં, એને તો પ્રેમ કહે છે.’

‘એને પ્રગટ કરવા માટે કોઈ પશુસંગ્રહાલય વધુ ઉચિત સ્થાન હોઈ શકે.’

‘માફ કરજો હું તો તમારી આંખોમાં અકળાતી તરસથી પ્રેરાઈને બોલી હતી. મેં આવો અવિવેક કદી જોયો નથી.’

‘તમારે માફી માગવી પડી તે માટે હું દિલગીર છું. પણ મારી આંખોમાં જે તરસ અકળાય છે તેનું આલંબન તમે નથી.’

‘પણ એ કામનાની રોનક છે એમાં મને શંકા નથી.’

‘હા એ રોનક જરૂર છે પણ એ એક સળગતા ઉપવનની રોનક છે. તમે બહુ બહુ તો તટસ્થ પ્રેક્ષક બની શકો.’

આ સંવાદ પોતાના મનમાં ક્યાં સુધી ચાલ્યા કરશે? ઉદયને બીજી સિગારેટ સળગાવી. બિલ મંગાવ્યું. ચૂકવીને પાકીટ બાજુ પર મૂકયું.

એ ઊભો થઈને, કશું ભૂલતો નથી એ રીતે ચાલ્યો. એના ઊઠવાની ખાસ નોંધ લેવાઈ નહીં. ખાલી થયેલી સામી બાજુને પેલાં બાનુ જોઈ રહ્યાં. એમને અચાનક ખ્યાલ આવ્યો કે પેલા સજ્જનનું પાકીટ અહીં રહી ગયું છે. એક આંચકે એ ઊભાં થયાં અને ઝડપથી ચાલ્યાં. ઉદયન દરવાજા બહાર નીકળીને ડાબી તરફ વળે છે ત્યાં તો પાછળથી પહોંચી જઈને બાનુએ એનો હાથ પકડી લીધો.

‘આ આપનું પાકીટ રહી ગયેલું.’

‘હું ભૂલી ગયો ન હતો પણ તમે પાછું આપો છો તો લઈ લઈશ.’

‘તમે મને સમજવામાં ભૂલ કરી બેઠા છો. મને યાદ આવે છે કે તમારી સાથે બે દિવસ મેં ર્સવિસ કરી છે. તમે લખેલા ઉત્તર મારે ટાઈપ કરવાના હતા. હું બે દિવસથી જ જોડાઈ હતી. ટાઇપ કરવામાં એટલી બધી ઝડપ ન હતી કે પાંચ સુધીમાં બધું કામ પૂરું થાય. મેનેજરે કહેલું કે સાત વાગે તોપણ એ ટાઈપ કરીને જાય એ તમારે જોવું. તમે ના પાડી. વધારાના સમય માટે તમે વળતર આપતા નથી. અને આમેય પાંચ પછી કોઈને રોકવા હું દબાણ કરી શકું નહીં. તમારે મેનેજર સાથે બોલાચાલી થઈ. રાજીનામું લખીને ચાલ્યા ગયા. ઘણાં વરસ થયાં હશે. તમને કદાચ હું યાદ નહીં હોઉં, કારણ કે તમારી નજર તો ટેબલની હદ બહાર જતી જ નહીં.’

‘હા, ત્યારે હું એમ. એ. માં અભ્યાસ કરતો હતો અને પાર્ટટાઈમ ર્સવિસ કરતો હતો. મારી સ્મરણશકિતની આ ક્ષતિને માફ કરજો.’

‘ના, ના, એમ થવું જ સહજ છે. તમે ઉતાવળમાં લાગો છો. અચ્છા જાઓ મળશું કોઈવાર.’

‘મળશું તો જરૂર થોડુંક સાથે બેસશું. હું તમને સમજવાનો પ્રયત્ન કરીશ.મને સ્ત્રીઓની સમસ્યાઓ સમજવામાં રસ છે. હું લેખક છું. અચ્છા, આભાર!’

‘આવજો, ગુડનાઈટ!’

વાતાવરણમાં ઉકળાટ હતો. એ ટેકસી કરીને રૂમ પર પહોંચી ગયો. સ્વિચ દબાવી. અજવાળું ન થયું. લાઈટર સળગાવીને એ ફયૂઝ તપાસવા લાગ્યો. ખંડિત થયેલો પ્રવાહ પાંચેક મિનિટમાં ચાલુ થઈ ગયો. રૂમને વધારે પડતો પ્રકાશિત જોઈને એણે ફરી અંધારું કર્યું. એને લાગ્યું કે અત્યારે અંધારું વધુ અનુકૂળ છે. સ્મરણને અંધારા સાથે વધુ ફાવે છે. આ મકાનને ઘર બનાવવાની ત્યારે એ અભિલાષા સેવતો. પોતાના એકાકી જીવનમાં અમૃતા પોતાનું સમગ્ર જાગ્રત નારીત્વ લઈને આવશે અને પોતે ત્યારે હળવો ફૂલ થઈને અમૃતાના અંકુરિત વક્ષનો ધબકાર અનુભવતો એના પાલવમાં ઢંકાઈ જશે… ત્યારે પ્રતિબિંબ બની જઈને અમૃતાનાં મદિર લોચનોમાં આશ્રય મેળવી લેશે. અને વિશાળ શૂન્યતામાંથી મુક્ત થઈ જશે.

તે દિવસો વચ્ચેની એક સાંજે એ કમલા પાર્કના પગથિયે બેઠો હતો. અમૃતા હજુ આવી ન હતી. એ વાયવ્ય દિશાના મુંબઈ પર નજર બિછાવીને બેઠો હતો. એકાએક એને લાગ્યું કે અમૃતા પાસે આવીને ઊભી છે.

‘અરે! તું એકાએક કેવી રીતે પ્રગટ થઈ? અહીં સુધી અંતર્ધાન થઈને આવી હતી?’

‘દૂરથી આવી છું જ ક્યાં? તારા હદયમાંથી જ પ્રગટ થઈને અહીં ઊભી છું.’

અમૃતા ઉદયનની પાસે બેસી ગઈ. એણે બેસવાની સાથે ઉદયનના ખભા પર માથું ઢાળી દીધું. શ્વાસમાં સૌરભ ભરીને એ બોલ્યો—

‘કેમ અમૃતા, આમ અકલ્પિત અમૃતવર્ષાથી મને હેરત પમાડવા માગે છે, કે પછી તારો કોઈ સંકલ્પ તો આ રીતે નથી સૂચવતી ને?’

‘કેમ તારા ખભા પર કોઈ અણધાર્યો બોજો તો નથી વધી ગયો ને? એવું હોય તો સીધી બેસું.’

‘એવું તે હોય? અનુભવીએ કહ્યું છે ને કે ઈસ બોઝ સે ઠીક ચલા જાતા હૈ! અને તું તો સંજીવની છે.’

‘જેમની તું ઠેકડી ઉડાડે છે તેવાં વિશેષણ કેમ વાપરે છે? અપ્રતીતિકર લાગે એવું ન બોલ. તારી વાસ્તવિક ભાષામાં જ બોલ.’

‘પ્રેમ એક મોહક અવાસ્તવિકતા છે. એનો સંભ્રમ અનુભવવા મળે છે ત્યારે વાયવ્ય વિશેષણો સૂઝે છે. ખોટું ન લગાડતી અમૃતા, તું મને સદા અવાસ્તવિકતાની પ્રતિર્મૂતિ જેવી લાગે છે. તું જાણે કે અતિશયોકિત અલંકારનું ઉદાહરણ છે. હું તને હકીકતરૂપે પામી શકીશ તે બાબતે મને વહેમ છે.’

‘હવે તારો સ્વભાવ વાચા પામ્યો. સાંભળ ત્યારે, સાચી વાત કહી દઉં. માથું ચડ્યું હતું તેથી મેં તારા ખભાનો ટેકો લીધો. હવે માથું વધુ દુ:ખે એવું તું બોલવા લાગ્યો તેથી હું માની શકીશ કે હું ઉદયન જોડે બેઠી છું.’

‘તો તેં એટલા માટે મારી શાંતિને આંદોલિત કરી મૂકી હતી? હું એક ભ્રમજન્ય સ્વર્ગમાં રુઆબભેર પહોંચી ગયો હતો. ઈંદ્રાસન પર બેસીને મુકુટ હાથમાં લેવાની તૈયારીમાં હતો ત્યાં તેં મને આ પગથિયાં પર ઉતારી દીધો.’

અમૃતા સહેજ દૂર ખસીને બેઠી. ઉદયનના શબ્દોમાં ‘એ અક્કડ બેઠી.’ એ બોલ્યો પણ ખરો. અમૃતા વધુ ચિડાઈ. તે જોઈને ઉદયને એનો જમણો હાથ પકડી લીધો અને અનામિકા પર નખ બેસાડ્ય.

‘રાક્ષસ.’

‘તારા વરદાનથી રાક્ષસ બની જાઉં તો કેવું સારું! તને ઉપાડીને જમાનાઓથી ખાલી પડી ગયેલી અસુરપુરીમાં ચાલ્યો જાઉં. પછી કોની મગદૂર છે કે તને છોડાવી લાવે?’

‘પણ તને ખબર નહીં હોય. જે વરદાન આપે તે શાપ પણ આપી શકે.’

‘અરે, જોજે એવું કંઈ કરી બેસતી. હમણાં મથીને થાળે પાડ્યો છું. નોકરી છૂટી જશે તો પાછો ક્યાં શોધતો ભટકીશ? તને મળવાનું ભૂલી જઈશ.’

અમૃતા ઊભી થઈ. ફ્રોકની કિનાર પકડીને ઉદયને એને રોકી.

‘કેવો બેશરમ છે તું? કોઈ જુએ તો?’

‘કોઈ અહીં હાજર લાગતું નથી, નહીં તો જુએ જરૂર. કેમ ચાલી?’

‘આવતી કાલે મારી જન્મતારીખ છે.’

‘સારું છે તારી જન્મતારીખ દર વરસે આવે છે. મારી જન્મતારીખ તો ભૂતકાળનો વિષય બની ગઈ. ફકત એક વાર આવેલી. ઇ.સ. 1931માં. સારું ઊજવો, જરૂર ઊજવો. શુભેચ્છા આપું? અત્યારે જ આપી દઉં. આવતી કાલે બીજાઓની લાઈનમાં આવીને હું ઊભો નહીં રહું.’

‘સારું, અત્યારે જ આપી દે.’

‘તો હું શુભેચ્છા આપું છું કે તારી ઇચ્છા હોય ત્યાં સુધી તું જીવી શકે. ઓછામાં ઓછું હું જીવતો હોઉં ત્યાં સુધી તો જીવે જ.’

‘વાહ! આવી શુભેચ્છા તો બીજું કોઈ મને નહીં આપે. ઉદયન, એક વાત પૂછું. તું તારી જન્મતારીખ કેમ નથી ઊજવતો?’

‘હું પોતે એ તકલીફમાં શા માટે પડું? એનાથી સરળ માર્ગ તો એ છે કે હું મહાપુરુષ બની જાઉં, પછી લોકો યુગો સુધી મારી જન્મતારીખ અને મૃત્યુતારીખ ઊજવ્યા કરે!’

‘આમ બકાવ નહીં. સાચું કારણ કહે.’

‘મને મારા જન્મનો આનંદ નથી. જીવવા માટે મારે કેવાં ફાંફાં મારવાં પડે છે! મને લાગે છે કે હું આ પૃથ્વી પર ફેંકાઈ ગયેલો એક જીવ છું જે ના છૂટકે જીવ્યા કરશે. આ અસીમ સૃષ્ટિમાં મારો જન્મ એક નગણ્ય અકસ્માત છે. એ અકસ્માત છે તેથી નિરર્થક છે. અને મારે નિરર્થકતામાં જ વહેલામાંડા પાછા જવાનું છે.’

‘તો પછી મારું હોવું પણ એક અકસ્માત જ કહેવાય.’

‘કોણ જાણે કેમ પણ તું મને કાયમી લાગે છે, આકસ્મિક નહીં. અને તેથી જ તું છે એ વસ્તુ ઘણીવાર મારા માન્યામાં નથી આવતી.’

‘ઉદયન!’

‘શું?’

‘હું તારી સાથે હોઉં એટલો સમય પણ તારો ચહેરો પ્રસન્ન રહી શકે તેમ નથી?’

‘ના.’

‘કેમ?

‘તારી હાજરીમાં પણ મને બીજું ઘણું ઘણું યાદ આવતું રહે છે. અનેક પ્રશ્નો મને ઘેરી રહે છે. હું એમનો ઉત્તર પોતાની પાસેથી જ મેળવવા ઇચ્છું છું. મને કશુંય ઉછીનું ખપે તેમ નથી. હું આત્મનિર્ભર રહેવા મથીશ એ દુનિયાને ગમશે નહીં. અત્યાર સુધી તો નથી જ ગમ્યું. ભવિષ્યમાં પણ મારે એમની અપેક્ષા ઝીલવાની તૈયારી રાખવી પડશે. એક ઉપેક્ષિત માણસની મૂડીમાં કેટલી પ્રસન્નતા હોય તેનો તું જાતે જ હિસાબ ગણી લે.’

‘મને મેળવવી હોય તો તારે પ્રસન્ન થવું જ રહ્યું.’

‘બસ, સીધી ચેતવણી? આને તું પ્રેમ કહે છે? સારું છે કે એ શબ્દને વાપર્યા પછી પણ હું એને છેંકતો રહ્યો છું. અમૃતા, તારી ધમકી કે ચેતવણી તો મને પ્રસન્ન નહીં કરી શકે પણ કદાચ તારું મિલન મને પ્રસન્ન કરી શકે. હા એ પણ મારી ધારણા છે.’

તે દિવસે અમૃતાને ઉદયનની વાત સમજાઈ ન હતી તે આજે ઉદયનને સમજાયું. અમૃતા વારંવાર કહેતી રહી કે આ ઉદાસીનતાને છોડ અને એમ કહીને દૂર ને દૂર જતી ગઈ. એને સ્મિત વિના ચાલતું નથી. સ્મિત વિના જાણે કે એનો ચહેરો સૂનો પડી જાય, એકલો પડી જાય.

એ ઘટનાને આજે સાડા ત્રણથી ચાર વરસ થઈ ગયાં. પછી તો પ્રસન્નતાની શિલ્પાકૃતિ સમો અનિકેત! સૌમ્ય, અભિજાત, અજાતશત્રુ, સ્વસ્થ રસવૃત્તિવાળો… શબ્દકોશનાં બધાં જ પ્રિય લાગે તેવાં વિશેષણ જેના માટે વિના સંકોચ વાપરી શકાય બસ. અમૃતાને ખપતું આલંબન મળી ગયું.

ઉદયનના હોઠ પર વ્યંગભર્યું સ્મિત પ્રગટ થયું. રૂમમાં અત્યારે અંધારું હતું તેથી કોઈ દર્પણે એ જોયું નહીં.

મોડી રાત્રે એ વાંચવા બેઠો. પુસ્તક બંધ કરીને બાજુમાં મૂકી દેવા એક પંક્તિ એને મળી. એ ધીમે ધીમે બોલતો રહ્યો

And every attempt

is a wholly new start

and a different kind of failure

*

આશ્રય અથવા સ્વતંત્રતા.

બીજો કોઈ માર્ગ નથી.

આ લોકો કમાય છે. હું એમની કમાણીમાંથી ખર્ચ કરું છું. તેથી જ એમણે મને સલાહ આપી. મારી સ્વાધીનતા એમને કબૂલ ન હોય તો હું સ્વાશ્રયી થઈશ. એમના વિરોધમાં હું સ્વાશ્રયી થાઉં તે કરતાં તો સ્વાશ્રયી થવું એ કર્તવ્ય છે એમ સમજીને આ આશ્રય છોડું. ભવિષ્યમાં મારા વિચારો કે મારા વર્તન અંગે એ લોકો દબાણ ન લાવે તોપણ એમનો આશ્રય તો હવે વજર્ય છે. મને મારી રીતે જીવવાની એ લોકો છૂટ આપે તો એ તો એમની ઉદારતા થઈ, મારો હક નહીં. હક હોય એટલું જ જીવવું રહ્યું… પણ મારો જે હક છે તે પણ શું આ સમાજમાં સલામત છે? જ્યાં જઈશ ત્યાં શંકિત નજરોની ખોટ નહીં હોય. અને હવે તો અનિકેત અહીં નથી. એ ક્યારે આવશે તેની ખબર પણ નથી. બે પુરુષોના સંપર્કની એમની ચિંતા તો આપમેળે જ ટળી ગઈ… પરંતુ આ રીતે વિચારવું એ સમાધાનવૃત્તિ સૂચવે છે. અનિકેત અને ઉદયન સાથેના મારા સંપર્કમાં કશુંય ખોટું ન હતું, ન હોઈ શકે. એ લોકો માનશે કે એમણે ગેરસમજ કરી હતી તો જ હું અહીં રોકાઈશ. દુનિયામાં કેટકેટલાં માણસ એકલાં જીવે છે ? તે શું જીવન નથી?

ઉદયનની ઉદાસીનતા મને ગમતી નથી. પણ એનાં કારણો સુધી પહોંચીને એ ઉદાસીનતાને દૂર કરવા મેં કદીય પ્રયત્ન કર્યો છે ખરો? એનામાં મારો રસ ઉપરછલ્લો જ હતો? કદાચ એમાં મારો દોષ નથી. અનુભવ્યા વિના એની ગમગીનીને હું ન સમજી શકું. હવે સમજી શકીશ. સહન કરવાનો જેમ જેમ વધુ લાભ મળશે તેમ તેમ હું એને વધુ ને વધુ સમજી શકીશ. એને તો દુર્ભાગ્ય સાથે પનારો પડ્યો છે. દસે દિશાઓ એને વિપરીત પડઘા સંભળાવે છે. તે દિવસ નૌકાવિહાર વખતે છેવટે તો એ વિવશ સ્થિતિમાં મુકાઈ ગયો. કૉલેજના આચાર્યને મળવા જવાનો હતો. મળી આવ્યો હશે. જે માણસે એક ચર્ચાપાત્ર માટે એને સલાહ આપી તે ઉદયનની વ્યંગકટુ ભાષા શાંતિથી સાંભળી શકશે? હવે પાછો લાંબા સમય સુધી બેચેન રહેશે. પણ કદાચ સારું પરિણામ પણ આવ્યું હોય. સલાહ આપવામાં એ આચાર્યને બીજું પણ કંઈક અભિપ્રેત હોય. વિના જાણ્યે મારે એમના વિશે શા માટે અશ્રદ્ધા સેવવી? અને આટલા અનુભવ પછી સંભવ છે ઉદયને પણ સંવાદરસ ઓછો કરી નાખ્યો હોય. અત્યાર સુધી એણે જે જે નોકરી છોડી, તે તમામને છોડવાનાં કારણો એકઠાં કરીને કોઈ ઉદયન વિશે મત આપવા જાય તો જરૂર એ મત એના પક્ષે જ આપે.

એને મળવા જાઉં? ઘરમાં જે હાજર હશે તે બધાંની નજર ખેંચાશે. અત્યારમાં ક્યાં ચાલી? આ તો બધું અસહ્યા છે. તો એમની સાથે પહેલાં વાત કરી લઉં.

મોટાભાઈના બેઠકરૂમમાં જઈને એણે ભાભીને બોલાવીને ચિઠ્ઠી અંગે પૂછયું. જવાબ મળ્યો કે એ તો ચારે જણનો મત છે. બધાંને બોલાવવામાં આવ્યાં. સહુ કુતૂહલવશ જલદી આવી ગયાં.

‘શું મોં મીઠું કરવા જેવા સમાચાર છે?’

એક ભાભીએ પૂછ્યું.

‘તમે સહુ પોતપોતાની મેળે જ મોં મીઠું રાખતાં હો છો તેથી મારે એવી પરિસ્થિતિ ઊભી કરવાની જરૂર નથી.’

‘એનાથી ઊલટું કરવામાં તમને રસ છે?’ બીજી ભાભીએ પૂછવાની સાથે મોં દબાવીને હસી લીધું.

‘અમૃતા સાથે અદબથી વાત કર’ બીજી ભાભીના પતિએ કહ્યું. અમૃતા બોલી—

‘મને બે દિવસ પહેલાં જાણવા મળ્યું કે તમને બધાંને મારા અમુક વર્તન સામે વાંધો છે—’

કોઈ કંઈ બોલ્યું નહીં. અમૃતા આગળ બોલી –

‘તમને એવી સલાહ આપતાં સંકોચ ન થયો?’

હવે એક જણ બોલ્યું —

‘લોકો વાતો કરે તે પહેલાં સાવધ થઈ જવામાં કશું ખોટું નથી.’

‘એટલે તમને મારા પર અવિશ્વાસ તો આવી જ ગયો.’ ‘તમારા પર કોઇને અવિશ્વાસ નથી આવ્યો, કદી આવે પણ નહીં. પરંતુ દુનિયા એવી છે કે અમુક વસ્તુ જોઈને વાતો કરવા લાગી જ જાય. લોકો પર વિશ્વાસ રાખી શકાય એમ નથી કે એ શાંત રહેશે.’

‘લોકો એટલે કોણ?’

‘આડોશી-પાડોશી, દૂરનાં – નજીકનાં, તારી બહેનપણીઓ — કોઈ પણ વાત કરે. અને એક વાર વાત ફેલાઈ ગઈ પછી એનો આરો નથી.’

‘તમને એવો ભય હોય તેથી મારે નજરકેદ ભોગવવી? મને લાગે છે તમને મારા વિકાસમાં રસ નથી, મારું સારું દેખાય એમાં રસ છે. એટલું જ નહીં મારા કારણે તમારું સહુનું સારું દેખાય એમાં રસ છે. તમને મારા સંતોષની પડી નથી, પોતાની પ્રતિષ્ઠાની પડી છે. તમે જેને પ્રતિષ્ઠા માનો છો એ તો બનાવટ છે, તેથી પ્રતિષ્ઠા એ ભ્રમ છે.’

‘ભણીને તું અમને આમ સમજાવવા બેસશે તેની ખબર ન હતી.’ — મોટા અથવા નાના ભાઈએ કહ્યું.

‘હું તમને સમજાવી શકું તેમ નથી કારણ કે એમ કરવા માટે પહેલાં તો મારે તમે જે કંઈ સમજો છો તે ભૂંસવું પડે, જે શક્ય નથી. અને તમને સમજાવવાનો મને કશો ઉમળકો નથી કે નથી અધિકાર. જો હોય તો ફકત પોતાને જ સમજાવવાનો, બલ્કે સમજવાનો.’

‘પોતાને સમજવાનો પ્રયત્ન કરવા માટે બીજા બે જણની જરૂર ખરી?’ પૂછનાર ભાભીની આંખોમાં કટાક્ષની નિમ્ન સ્તરની પ્રવૃત્તિ હતી. અમૃતા કુપિત થઈ ગઈ. એણે જવાબ ન આપ્યો. એણે બાજુમાં જોઈને કહ્યું—

‘હું આ ઘરમાં સહુથી નાની છું. આજ સુધી તમારી સાથે તમારો સદ્ભાવ પામીને રહી છું. પણ આ છાયા જ મારા માટે સીમા બની રહે એમ ઇચ્છતાં હો તો એનો ત્યાગ કરીશ.’

‘એટલે?’ બે જણના કંઠમાંથી એક સાથે સચિંત સ્વર નીકળ્યો.

‘એટલે હું નોકરી શોધીને અલગ રહેવા ચાલી જઈશ, જેથી આ વિશાળ મકાનમાં સચવાઈ રહેલી તમારી પ્રતિષ્ઠાને મારે કારણે કશી આંચ ન આવે.’

‘અત્યાર સુધી તમારા કારણે અમારું સારું જ દેખાયું છે. અને અમે તમારું માન પણ જાળવ્યું છે.’ એક ભાભીએ ગંભીર બનીને કહ્યું.

‘મને માનથી નહીં જાગૃતિથી, વિચારપૂર્વક જીવવાથી સંતોષ છે. તમે વિચાર કરતાં ડરો છો. હું જે નિર્દોષ સ્ત્રી-પુરુષ સાહચર્યને સહજ માની શકું છું તે તમારી કલ્પનામાં પણ નહીં આવે. એ અંગે તમારી સઘળી ધારણાઓ મારાથી જુદી હોય તેવો સંભવ છે.કારણ કે રૂઢિઓ પાસેથી એ તમે સહુ અનાયાસ શીખ્યાં હશો.જે સાહચર્યમાં ઈચ્છા અને કામનાને સ્થાન છે તેમાં આત્મનિર્ભરતા અને તટસ્થતાને સ્થાન નથી. મારો અનિકેત અને ઉદયન સાથેનો સંપર્ક જીવન અંગેની અમારી સમાન સમસ્યાને કારણે વધ્યો છે. કોઈ કૃતક સંયમની મદદથી અમે શીલવાન છીએ એમ કહેવા કરતાં જાગૃતિથી મળેલું આત્મ-નિયંત્રણ અમારી સહુની અલગ સત્તાને ટકાવી રહેલ છે. મારા ઉદયન અને અનિકેતના સાહચર્યથી તમને અપર્કીતિનો ભય લાગ્યો. મને એમનાથી કશો ભય નથી લાગતો. હું એમની સાથે તમારા કરતાં વધુ નિકટતા અનુભવી શકું છું કારણ કે…’

‘બંને સાથે નિકટતા?’ વચ્ચે જ પ્રશ્ન આવ્યો.

‘એ નિકટતાનો તમે શો અર્થ લીધો હશે તે હું સમજી શકું છું. મને લાગે છે આપણી વચ્ચે ઘણું અંતર છે તેથી સાથે રહેવું શક્ય નથી. એક યુગ પૂરો થયો નથી અને બીજો યુગ શરૂ થઈ ચૂક્યો પણ એ બે યુગના સાંધા મળતા નથી. બંને વચ્ચે અવકાશ છે… એ અવકાશ પૂરવાનો પ્રયત્ન વ્યર્થ જશે. તેથી હું થોડા દિવસમાં ઘર છોડી દઈશ… મને તમારામાંથી કોઈની સામે રોષ નથી, કશો વાંધો નથી. હું જો એમ માનતી હોઉં કે મને મારી રીતે જીવવાનો અધિકાર છે તો તમને પણ તમારી રીતે – તમારી ધારણાઓને સુરક્ષિત રાખીને જીવવાનો અધિકાર છે.’

‘આ ઘર તમે છોડવાનાં તો હતાં જ… અમે એ ગૌરવભર્યા પ્રસંગની રાહ જોતાં હતાં પણ અમારા ભાગ્યમાં એ લખેલું નહીં હોય. બાએ મને કહેલું…’

એટલું સાંભળતાં જ અમૃતા ઊભી થઈને દોડી ગઈ. પોતાના રૂમમાં ગઈ એવી એણે પલંગ પર પડતું મૂકયું. બાની યાદ — આંસુ અને ધ્રૂસકાં.

બધાં જાણતાં હતાં કે અમૃતા જે નિર્ણય જાહેર કરે છે તેમાં ફેરફાર થઈ શકતો નથી. બધાં નિરાશ થઈને એકબીજાનો દોષ કાઢવા લાગ્યાં.

હવે ઘર છોડવાનો નિર્ણય જાહેર થઈ ગયો. નિર્ણય જાહેર કરવા પહેલાં નહોતો આવ્યો તે વિચાર આવ્યો. વિચારવું અને વિચારેલું પ્રગટ કરવું બંનેમાં તાત્ત્વિક ભેદ કંઈ નથી છતાં અમૃતાએ ઘણો મોટો ભેદ અનુભવ્યો. એકલતા તો પહેલાં પણ અનુભવી છે. પણ ઘરરહિત સ્થિતિની એકલતા! આ અનુભવ કેવળ એકલતાનો જ ન હતો, એકાકી હોવાનો પણ હતો.

સમુદ્ર તરફ અપલક દષ્ટિ માંડીને બૃહદ રિક્તતાને એ જોઈ રહેતી, રંગવિહીન સંધ્યાની અંતિમ ચમકના તિરોધાન પછી કશીક રહસ્યમય વેદના એના શ્વાસમાં ભળી જતી, ઝૂલે બેઠાં બેઠાં રાતરાણીની ગંધનો ભાર એની મુકુલિત અભિલાષાઓને સતેજ કરીને ફલિત કરવા મથનારા કશાક અસ્ફુટ દર્દની રમણા જગાવી જતો, ભાઈના શિશુની ઋજુલ આંખોમાં ટમટમતી ઉષ્મા પોતાના અસ્પૃષ્ટ સ્તનપ્રદેશ પર અંકિત થતાં કોઈક વાર તો એ જે અનુભવતી તે ભાવને હજુ શબ્દનું રૂપ આપી શકાયું નથી… આ બધા અનુભવોમાં એકલતા અભિનવ રૂપે પ્રગટતી… પરંતુ વિચાર કરીને એ વેદનાને વિસારે પાડતી. વિચારના સહારે એ સ્વીકારી શકતી કે આ તો પ્રત્યેક નારીની અનુભવસૃષ્ટિ હશે. પણ આજે નિર્ણય કર્યા પછી જેનો સાક્ષાત્કાર થયો તે વેદના નહીં, દુ:ખ છે. વેદનાનો સામનો કરવો પડતો નથી, એ તો અંતરંગને સમૃદ્ધ કરે છે પણ દુ:ખ? એનો સામનો કર્યા વિના ટકી શકાય નહીં. વેદનામાં તો કશીક માધુરીનો સ્પર્શ હોય છે. આ દુ:ખ હતું જે શ્રદ્ધાને ક્ષીણ કરી નાંખે છે, જેનાથી અનંત વિવશતાનો અનુભવ આરંભાય છે. આ દુ:ખ સૌંદર્યથી વિમુખ કરે છે.

પોતે જ પસંદ કરેલી પરિસ્થિતિ આવી રહી છે. આ પોતાની સ્વાધીનતા- પ્રેરિત પ્રથમ વરણી. તો શું વરણી સુખદ નથી? એ જાણતી હતી કે સ્વતંત્ર થવાના પ્રયત્નમાં સાહસ રહેલું છે. સાહસ સ્વાભિમાનને પોષે છે અને સ્વાભિમાન ગમે તેવું જોખમ ખેડવાની તમન્ના જગાવે છે. તો શું એકાકી બનવાના સાહસમાં જોખમ રહેલું છે? કદાચ, સાહસ એટલે જ જોખમ… ઘરવાળાં માનશે કે પેલા બે જણા આને ખેંચી ગયા. અનિકેત અહીં નથી તેની એમને ખબર નહીં પડે. એ જયારે જયારે અહીં આવ્યો છે, ભાભીઓએ કોઈને કોઈ બહાનું કાઢીને એને જોઈ લેવાની તક ઊભી કરી છે. એમાં એમનો દોષ પણ નથી. અનિકેતને સતત જોઈ રહેવાનું મન થાય એમ છે. અને એને જાણ્યા પછી તો…હું ઘર છોડીને જઈશ પરંતુ મારા શુભાશયમાં એમને વિશ્વાસ નહીં બેસે. એ લોકોને ખબર નથી કે અમૃતા તો અહીંથી એકાકી બનીને જાય છે. અનિકેત અહીં નથી. એ હોત તો ઘર છોડવા અંગે હું એની સલાહ જરૂર લેત. પણ એ નથી, ઉદયન છે. અને એ એવો તો વિખેરાયેલો રહે છે કે એને એક કરવા બીજા કોઈએ એની ચોતરફ છવાઈ જવું પડે. એને એક કરવા હું એને અપનાવું તે તો બરોબર નથી. મારો હેતુ શુદ્ધ રહે. અને એના માટે પોતાને વિલીન કરવાથી પણ શું પરિણામ આવશે? પોતાની ધરીને નષ્ટ કરીને એ શૂન્યતારૂપે વિસ્તરવા મથી રહ્યો છે. અને છતાં હું સમજી શકતી નથી કે કેમ એ મને પામવા ર્દુનિવાર વ્યગ્રતા અનુભવી રહ્યો છે? એના ચિત્તમાં કદાચ વિજેતા થવાની વૃત્તિ કામ કરી રહી છે અને મને દૂર ખસતી જોઈને આ પ્રકારે એનો પ્રતિભાવ વ્યકત થઈ રહ્યો છે. એ ઈચ્છે છે તે હું એને આપી શકતી નથી. એ માગે તે આપી દેવું એ તો દાન થયું, અર્પણ જ એક માત્ર માર્ગ છે. અને હું એને અર્પણ કેવી રીતે કરી શકું, જ્યારે મારું કંઈક અનિકેત કને ચાલ્યું ગયું હોય?

અનિકેત માગતો નથી. જે અપાઈ ગયું તે અપાઈ ગયું. હવે નિરપેક્ષ થઈ ખસી જવા ઇચ્છે છે. એ ખસી ગયો એટલે શું હું પણ દૂરત્વ અનુભવી શકીશ? મારી અભિલાષાઓ અતંત્ર બનીને એના ભણી ધસી જાય છે. એ મારાથી દૂર ખસ્યો, પણ તારી અવહેલના ન થાય તેની કાળજી રાખીને. હવે એ ભલે અશબ્દ રહે, એણે એક વાર તો કહી જ દીધું… પ્રેમનો જય કબૂલીને એણે પોતાને નાનો થવા દીધો… મને પામ્યા વિના પણ એ પ્રસન્ન રહી શકશે? હા, એ પ્રસન્ન જ રહેવાનો. એની આ પ્રસન્નતા જ મને અકળાવે છે. તેથી જ કોઇ કોઇ વાર ઇચ્છા જાગે છે કે મારું નારીત્વ હોડમાં મૂકીને એને ચંચલ કરી મૂકું. મારા સાન્નિધ્યમાત્રથી એ અસ્વસ્થ થઈ બેસે એવી સ્થિતિની ઝંખના જાગે છે. ક્દયપ્રદેશે રંગદીપ્ત ફુવારાઓની જેમ કામનાઓ ઊછળી આવે છે, પણ એ તો દૂર જઈને ઊભો છે કોઈક હિમાચ્છાદિત શિખરની જેમ. નદી ભલે તળેટીમાંથી જ વહી જાય, ભલે આગળ વધીને કોઈ રેતાળ રણમાં ભળીને શમી જાય. એ તો પર્વતશિખરની જેમ જ દઢબંધ રહેવાનો. સાગર બનીને એ ઘૂઘવવા નહીં લાગે, ઊછળવા નહીં લાગે, ઉદગ્ર મોજાંથી ધસી આવીને સામે આવેલી નદીને પોતાની તપ્ત ખારાશમાં શોષી નહીં લે. તો શું એ હિમશિખરનું ધવલ ગૌરવ અનુભવતો રહેશે? નદીની ગતિના દર્પને ર્મદિત કરવા તૈયાર નહીં થાય? એની નક્કર સ્થિરતાને એક વાર વિચલિત થતી હું જોઈ શકું તો બસ… એવો પ્રસંગ એ ઊભો નહીં જ થવા દે. સાવધ માણસ છે. પોતે વિજય મેળવ્યો છે એવું વ્યક્ત કર્યા વિના જ એણે મને પરભવનો ઊંડો અનુભવ કરાવ્યો… જતાં જતાં સલાહ આપી. ઉદયન માટે ભલામણ કરી. ઉદયનની પ્રશંસા કરી. જાણે કે ઉદયનને એ મારાથી વધારે ઓળખતો ન હોય!

હું એકને ચાહું છું અને બીજાને નકારી શકતી નથી. આવા કોઈ અંતર્દ્વન્દ્વમાંથી પસાર થયા વિના જ જે નારી પોતાના સમગ્રનું સમર્પણ કરી શકતી હશે તે કેવી ભાગ્યશાળી હશે! આવતા જન્મમાં પણ ‘ત્વમેવ ભર્તા’નું વચન ઉચ્ચારનાર નારીએ એની આખી જિન્દગીમાં મન, વચન અને કર્મથી શું એક જ પુરુષને પુરુષ તરીકે જોયો હશે? જો એમ જ હોય તો પોતાના અસ્તિત્વ પ્રત્યેની એની સભાનતા નહીંવત્ હશે. અથવા તો એ કાળમાં મનાતો આદર્શ ગાઈ લઈને પોતાને ભૂલીને કેવળ ગૌરવ વધારવા એણે એવું કહ્યું હશે? કદાચ હું ભૂલ કરતી હોઉં. હું જે દ્વિધા અનુભવું છું તેમાં મારી નબળાઈ પણ કારણભૂત હોય. અલબત્ત, એ સૂત્રો પર મારાથી અવલંબી શકાય તેમ નથી. અહીં તો મંદોદરીને પણ સતી માનવામાં આવી છે જેણે ઉત્તરાવસ્થામાં અન્યને સેવ્યો. દ્રૌપદી જાણતી હતી કે કર્ણ એનો વિજેતા બની શકે તેમ હતો. જીવનભર એ કર્ણને ભૂલી શકી નહીં હોય જ્યારે એ એકલા અર્જુનની પણ ન રહી શકી. અર્જુન પણ પાંચ હકદારમાંનો એક. નારીને કાયા માનીને જ એ લોકો ચાલ્યા. અને દ્રૌપદીએ પ્રતિક્રિયાવશ થઈને શું નું શું કરાવ્યું? કાવ્યો અને શાસ્ત્રોમાં આ જે બધું સુષ્ઠુ સુષ્ઠુ કહેવાયું છે તે ફરી તપાસવા જેવું છે. ઉદયન સાચું જ કહે છે, જાગ્રત થવાનું મૂલ્ય ચૂકવવું પડશે— absurdity અને despair વહોરીને પણ. ધર્મ, દર્શન અને સંસ્કૃતિમાં પૂરો વિશ્વાસ મૂકી દો એટલે તમારે તો કશુંય નક્કી કરવાનું જ નહીં. બીજાઓના રૂઢ થઈ ગયેલા આદેશો પ્રમાણે ચાલવાનું, સ્વતંત્ર વિચારની જરૂર જ ન રહી. મૂલ્યોનો નિર્ણય કરવાની જવાબદારીમાંથી પણ તમે મુક્ત, બધું જ તૈયાર! આપણો વારસો કેવો મહાન છે એમ કહો એટલે તમે શ્રદ્ધાળુ તો કહેવાઓ, વિદ્વાન પણ કહેવાઓ. જાતે તપાસ કરવા આજે કોણ તૈયાર છે. અધ્યાપકો અને ખ્યાતનામ વિદ્વાનો પણ પારકાં અવતરણો વિના વાત કરી શકતા નથી. આ બધી વારસાગત આત્મવંચનાઓ છે. ઉદયન આ બધું પામી ગયો છે. મેં આજે જે એકાકીપણું અનુભવ્યું એ તો એને કોઠે પડી ગયું છે. અનિકેત વારસાનો અસ્વીકાર કરતો નથી. ઘણી બાબતો વિશે એ ઓછું બોલે છે. સાચે જ એ ઓછું બોલે છે કે એની પાસેથી વધુ સાંભળવાની મારામાં ઇચ્છા જાગ્યા કરે છે? કે એ રહસ્યાત્મક લાગે છે તેથી જ એના તરફનું મારું આકર્ષણ કોઈ કોઈ વાર અદમ્ય થઈ ઊઠે છે ? ઉદયન પ્રગટ છે. મત ન આપનાર મૌનને પણ એ વંચનાનો એક પ્રકાર માને છે. ભીતરમાં જે જાગી ઊઠે છે. તેને છુપાવવા એ હોઠ બીડી રહેતો નથી… મુશ્કેલી એક જ છે કે પાછો વળીને જોતો નથી. એનાં વલણોમાં અતિશયતા છે. એ અંતિમો પર જીવે છે. એના મારા તરફના વલણમાં પણ મને કવચિત્ એના સ્વાર્થની ગંધ આવે છે તેનું કારણ એનું જક્કી વલણ હશે. નહીં તો એણે ક્યારે મને મજબૂર સ્થિતિમાં મૂકવા માટે સક્રિય રસ લીધો? કર્તવ્ય કહે છે કે ઉદયન,… અભિરુચિ કહે છે કે અનિકેત… રુચિ અને કર્તવ્ય એક હોત તો કેવું સારું!

આ અનિર્ણયજન્ય વ્યથામાંથી હું ક્યારે ઊગરી શકીશ? અનિકેત સ્પષ્ટપણે સલાહ આપતો ગયો કે હું ઉદયનને વરું. એ એવી સલાહ ક્યા અધિકારે આપી શકે? એ કંઈ મારા સમગ્રનો સ્વામી નથી. નથી જ. નથી? એમ ન હોત તો નકારવા જતાં પણ ‘સ્વામી’ શબ્દ કેમ મને સુખદ અર્થચ્છાયા આપતો ગયો?

ઉદયનની એક પ્રિય પંકિત અમૃતાને એકાએક યાદ આવી—

Between the emotion

And the response

Fall the shadow

ભાવ અને અનુભાવ વચ્ચે પડતા ઓછાયાને ઉદયન અનિકેતના પ્રતીક તરીકે તો નહીં વાપરતો હોય ને? અમૃતાના ઉદાસ હોઠ પર સહેજ સ્મિત ફરકયું.

*

અક્ષાંશ અને રેખાંશની આડીસીધી રેખાઓમાં અંદાજેલી પૃથ્વી પર તો નજર ક્ષણમાત્રમાં પોતાની યાત્રા પૂરી કરી લે છે પરંતુ ચરણ ધરતી પર પોતાની ગતિ આરંભે છે ત્યારે તો પેલી નકશામાં જોયેલી ધરતી કાગળનો માત્ર ટુકડો બની રહે છે. ધરતી તો એના કણેકણમાં અભિનવ છે. એની સુંદરતા પગે ચાલનારા મુસાફરને જ અનુભવવા મળે. ક્ષિતિજની વર્તુલાકાર રેખા તો આંખ સામેથી ખસે જ નહીં. જોનાર સમજતો હોય કે પોતાની નજર ક્ષિતિજ નામની એક કલ્પિત કેડી પર યાત્રા કરી રહી છે. છતાં એ પોતાને રોકી શકતો નથી. એ જાણે છે કે પોતાની દષ્ટિ ક્ષિતિજ સુધી જ વિસ્તરી શકે છે. માણસની દષ્ટિઓના છેડાઓથી ક્ષિતિજ રચાયેલી છે નહીં તો જે આરપાર જોઈ શકે તેને તો ક્ષિતિજ શું કે આકાશ શું? હે અનંત! મારી દષ્ટિના અંત સાથે જ તું આરંભાય છે. મારે વિસ્તરવું હશે તો તારો આશ્રય લેવો જ રહ્યો.

હવે થોડાક દિવસમાં ખડીર જવું મુશ્કેલ બનશે. સમુદ્રનાં પાણી ધસી આવશે, ધરતીના અંતરમાંથી પણ પાણી ફૂટી આવશે અને કચ્છના મોટા રણનું દશ્ય સમુદ્રનો આભાસ ધારણ કરશે. કેવી વિચિત્ર ઘટના છે! માનવીના હૈયાની જેમ કાલાન્તરે રણ સાગર બની જાય અને સાગર રણ બની જાય! મુંબઈ છોડ્યું ત્યારે માનતો હતો કે રણના કોઈ રેતાળ પટમાં ભરબપોરે ઊભો હોઈશ, મારી છાયા પણ પગ નીચે લપાઈ જવા મથતી હશે ત્યારે સાર્વત્રિક એકલતા અનુભવી રહીશ. પરંતુ અહીં નથી તો રોતાળ રણની દોડી આવતી ડમરીઓ કે નથી તપ્ત ધરિત્રીનો વિનાશક ફુત્કાર. આ ગરમીને સહેલાઈથી સહી શક્યો. મુંબઈમાં ગરમી નથી અનુભવી, ફકત ઉકળાટ અનુભવ્યો છે. અહીંના લોકો તો મારી જેમ સવાર બપોર સાંજનો ખાસ ભેદ કરતા નથી, કામ કર્યે જાય છે. પીપરાળાથી આડેસર વચ્ચે પહેલી વાર રણ જોયું. શું આને જ રણ કહે છે? તો તો રણવાસી બનવું દુષ્કર નથી. હા, રાપર અને જેસડા થઈને પસાર થતાં વચ્ચેનો પંદરેક માઈલનો વિસ્તાર એની નિર્જનતાને કારણે મરુભૂમિ સમો લાગ્યો. કાળી માટીમાં ભળેલી ખારી ધોળાશ જોઈ. પણ ખડીરનો ડુંગર જોયા પછી અમરાપર થઈને પ્રાંથડ તરફ વળ્યો ત્યારે પાછો ભૂલી ગયો કે હું રણપ્રદેશમાં ફરી રહ્યો છું. માણસોની હાજરીમાં રણ આભાસી બની જાય છે. લોદ્રાણીથી વ્રજવાણી ગયો. વ્રજવાણીમાં વીતેલો સમય યાદ રહી જશે.

વ્રજવાણીના પુરાણા અવશેષોની પાર્શ્વભૂમિમાં નીલવાની લઘુ પર્વતમાળા જોતાં એવું લાગ્યું કે પર્વતમાળા પેલા જીર્ણ અવશેષો પર છાયા ધરવા વિહ્વળ છે છતાં નિવારી ન શકાય એવી દૂરતા જીરવી રહી છે. ધૂળમાં ઢબુરાયેલ પથ્થરના ટુકડાઓમાં પુરાણું શિલ્પ જોઈને આંખો ત્રસ્ત થઈ ગઈ. મહાકાળ કેવો નિર્મમ વિજેતા છે! નમતી સાંજે તળાવને કિનારે જઈને ઊભો રહ્યો ત્યારે બાવળ અને પીલુની સઘન વનરાઈ જોઈને આંખો ઠરી. બસ એક જ કામના છે. જ્યાં જાઉં ત્યાં વનરાઈ જોવા મળે. અને જોવા ન મળે તો મારા પ્રયત્નો ભવિષ્યમાં વનરાઈરૂપે ફલિત થાય.

અહીં વડ પણ છે. એક પાંગરેલી વડવાઈને પકડીને ઝૂલી લેવા સુપ્ત બાળપણ થનગની ઊઠયું. પરંતુ કેટલું સાવધ રહેવું પડે છે ! ઉમંગને આમ નિર્બાધપણે છતો થવા દેતાં કોઈ પાગલ કહી બેસે તો? પાગલ હોવું એટલે શિસ્તજન્ય આવરણોમાંથી મુકત થઈ જઈને સહજ સ્થિતિ પ્રાપ્ત કરવી, નિર્ભેળ સચ્ચાઈનો રણકો જાગવો. પછી જોનાર કે સાંભળનાર શું કહેશે તેની પરવા જ નહીં. સાવ નિરપેક્ષ વલણ. પણ આ નિરપેક્ષતા બીજા છેડાની. તમામ સાપેક્ષતાઓ વચ્ચે કેળવેલી નિરપેક્ષતા અને પાગલની નિરપેક્ષતા તદ્દન જુદી. પાગલતાનો આનંદ મને ઇષ્ટ નથી કારણ કે સમષ્ટિને અવગણીને હું જીવી શકું તેમ નથી. હું ફકત પોતાના માટે જીવતો નથી. સમગ્રના સંદર્ભમાં જીવું છું. જીવનના સકલ સંદર્ભો વચ્ચે જ મારે મારા અસ્તિત્વની નિર્ભ્રાન્ત પ્રતીતિ કરવાની હોય. પાગલતા તો એ પ્રતીતિમાંથી પલાયન છે. બનાવટ કહો કે સજાવટ, બંનેને આત્મવંચના કહી શકો પણ વ્યવસ્થિતિનો સ્વીકાર કરનાર સર્વથી વિમુખ એવી પાગલતામાંથી પ્રાપ્ત થતી નિરપેક્ષતાને વજર્ય ગણશે. બાળપણને ફરીથી જીવવાનું નથી, હું બાળક હતો એટલું યાદ રહે તે શું ઓછું છે? ઉદયન ભલે પાછા વળવાની વાત કરે.

પીલુ અને બાવળ ભગવાન શંકરના દૂત જેવાં વૃક્ષો છે. તેથી જ તો એમનો ઉચ્છેદ કરવામાં ન આવે તો એ મહાલયોના પ્રાંગણમાં પણ ખીલી શકે અને ઉજ્જડ અરણ્યમાં પણ એટલી જ ખુમારીથી ટકી શકે. ક્યાંક ક્યાંક એમના ફણગા નાના છોડવાઓ જેવા લાગે, ક્યાંક ક્યાંક એ ઘટા રચીને ઊભાં હોય. આ તળાવને તીરે નિર્મોહીની શાંતિ ધારણ કરીને બાવળ અને પીલુનાં વૃક્ષ ઊભાં છે. સહેજે પરાયાં નથી લાગતાં. તળાવની આ ઊંચી પાળ પરની ઝાડી જોઈને અમૃતાને જરૂર આનંદ થાત. અમૃતા અહીં હાજર હોત તો? અથવા એવું કેવી રીતે કહી શકાય કે એ અહીં હાજર નથી જ? એના શરીરમાં જ શું એના અસ્તિત્વની સમગ્રતા આવી જાય છે? એમ નથી. તેથી જ તો કાલિદાસ અને રવીન્દ્રનાથ નથી એવું હું માની શકતો નથી. સ્મરણ બનીને અમૃતા મને સાથ આપી રહી છે. આ ચિત્તમાં સંક્રમણ પામતો સમય વર્તમાન મટીને પ્રતિપળ વિગત બની રહ્યો છે. જે વિગત છે તે બધાને અમૃતા આવરી લે છે. મારું સમગ્ર વિગત જાણે કે અમૃતાના સાનિધ્યથી સ્પંદિત છે. તેથી જ તો એનું સ્મરણ કેવળ ચિત્તમાં જ નહીં, અંગેઅંગમાં, રુધિરમાં ધબકી ઊઠે છે. સમુદ્રમાં તરવાનો એ અનુભવ કેટલી વાર યાદ આવશે? એના કપોલના આકસ્મિક સ્પર્શની મુદ્રા મારી ત્વચા પર કાયમી થઇ ગઈ છે. ભલે દેખાય નહીં. દેખાય એટલું જ વાસ્તવિક હોય તેવું કંઈ ઓછું છે? લજ્જાથી અશબ્દ રહેવા વિવશ બનેલા એના અધર એ ઋજુલ સ્પર્શ દ્વારા ઓછું કહી ગયા હતા? અરે, એ યાચના પણ હતી. એથી મોટું સદ્ભાગ્ય હોઈ શકે? મન વશમાં રહે તેમ ન હતું. વરસાદ અને સમુદ્રનાં મોજાંના સંયુકત તોફાનમાંથી બચી નીકળવાનું વિસારીને થંભી જવાનું મન થતું હતું. તે ક્ષણ પછી કોઈ પડકાર કરતું રહ્યું છે… સાહસ હોય તો રોકાઈ જા, જઈ રહ્યો છે તે તો સાહસ નથી, પલાયન છે. રોકાઈ જા… આ દિવસો પાછા આવવાના નથી, યૌવનની ઉષ્માની વસંતલ સૃષ્ટિને શરણે જા. પાછો આવે ત્યારે એ ન પણ હોય, કારણ કે એ શાશ્વત નથી… આ જગતમાં અમૃતા એક જ છે. ભલે ઉદયન.. પણ… એ તો કહેતો હતો કે પોતાના નિર્માણમાં એ બીજા કોઈની સહાયતાને વજર્ય ગણે છે… હું રોકાયો હોત તો એના આત્મવિશ્વાસને જરૂરી જવાબ મળી જાત… ઉફ, આ વિચાર મને કેમ આવ્યો? પૂરતો વિચાર કરીને જે પગલું ભર્યું છે તે હવે આગળની દિશા જ બતાવશે. એમ જ થશે. હા, એમ જ થશે કારણ કે મેં સંકલ્પ કર્યો છે. હું દૂર રહીશ તો અમૃતા ઉદયનની નજીક જરૂર જશે. ઉદયનને મન મૈત્રીનો અર્થ ભલે ગમે તે હોય, મારી મૈત્રીમાં ત્યાગને સ્થાન છે.

તરસ લાગે છે પરંતુ પાણી ભાવતું નથી.

તળાવને કાંઠે આવડમાતાનો મઠ આવેલો છે. વૃદ્ધજનોએ કહ્યું કે પહેલાં અહીં સુંદર મંદિર હતું. અવશેષો પરથી લાગે છે કે એ મંદિરની શિલ્પકળા ઉત્તમ હોવી જોઈએ. તળાવ ખોદાયું ત્યારે જે પથ્થરો નીકળ્યા તેમના પર નર્તકીઓની આકૃતિઓ કોતરાયેલી હતી. લોકોએ એ પથ્થરો પૂજવા શરૂ કર્યા! અમૃતાને પુરાતત્ત્વમાં ઘણો રસ છે. પણ અહીં એ આવી નથી. કદાચ આ બધા વિશે જાણતી હશે જ. ‘કચ્છની લોકસંસ્કૃતિ’ નામનું પુસ્તક એક દિવસ એના હાથમાં હતું. આ ગામ વિશે એમાં નોંધાયેલી ઘટના અંગે મેં મારા યજમાનને પૂછયું. એમણે એ ઘટનાનું સવિસ્તર વર્ણન કર્યું. વાર્તા કહેવાની એમની લઢણ, એમનો લહેકો આત્મસાત્ કરી લેવાની મને ઇચ્છા જાગી. ગામમાં આવ્યો ત્યારે તો એ પ્રૌઢપુરુષને પહેલવહેલા જોયા હતા, પણ બે ઘડીના સંગ પછી હવે ભવોભવના વત્સલ સ્નેહી લાગે છે. પેલો પ્રસંગ યાદ આવે છે ત્યારે ત્યારે એમનો ચહેરો પણ યાદ આવી જાય છે. ઉદયન મળશે ત્યારે આ પ્રસંગ એને ભેટ આપી શકીશ, જેના પરથી એક સુંદર વાર્તા રચી શકશે. અત્યારે ટૂંકમાં નોંધી રાખું.

વ્રજવાણી ગામ. ઉપર પૂનમની રાતનું આકાશ. નાની નાની ધોળી વાદળીઓ પણ ચાંદનીમાં ગળી ગઈ હતી. તળાવના દખણાદા પાદરની રેત કોઈ પણ ઉતાવળા પથિકને પોતાના શીતળ સ્પર્શથી રોકી શકે એમ હતી. ઉગમણી ગમથી એક ઢોલી આવી રહ્યો હતો. એના હાથમાં એક વાંકડિયો ડંકો હતો. ખભે પટ્ટો ભરાવીને ઢોલને જમણી બાજુ લટકાવ્યું હતું. એ પટ્ટાનાં ફૂમતાં ચાંદનીમાં પણ પોતાના જુદા જુદા રંગો ચમકાવતાં હતાં. ઢોલ પર કોઈ કોઈ વાર એની આંગળીઓ અડકી જતી હતી અને ત્યારે થતો અવાજ સાંભળવા શાંતિ બેચેન થઈ જતી હતી. એક ક્ષણે એની આંગળીઓ જરાક વધુ અડકી જાય છે. ઢોલી થંભી જાય છે. એના જમણા હાથનો ડંકો એક વાર હવામાં ઊછળે છે અને એ ઢોલને અડે ન અડે ત્યાં તો ચાંદની કંપી ઊઠે છે. એક ડંકો, બીજો ડંકો અને ત્યાં તો આખા વ્રજવાણી ગામનાં બારણાં ખૂલી જાય છે. અહીરાણીઓ દોડી આવે છે. ઢોલીના હાથમાં જાણે સંમોહક શકિત છે. એકસો ને વીસ અહીરાણીઓનાં યૌવનમત્ત ચરણ પળવારમાં રાસની તાલબદ્ધ ગતિમાં બંધાઈ જાય છે. વણસૂણ્યું જોબનગાન ઢોલીને ઘેરી વળે છે. અહીરાણીઓના કંઠમાંથી વહી આવતો ઘેરો રાગ ઢોલીની આંખોને ઘેઘૂર બનાવી દે છે. એ પણ ઝૂમવા લાગે છે. આખું ગામ આવીને ટોળે વળી ગયું છે. જોનારાંની આંખો પણ ચકચૂર બની જાય છે. સહુ પોતાને ભૂલીને એ અપૂર્વ દશ્ય જોવામાં મગ્ન થઈ ગયું છે.

ત્યાં દક્ષિણ દિશામાંથી કાળા ઘોડે બેસીને એક વહીવંચો આવે છે. એના ચોપડામાં આખા ગામનો ઇતિહાસ લખેલો છે. ઉંબરે ઉંબરાનું નામ લખેલું છે, દરેક આંગણાની ધૂળથી એણે પોતાના ચોપડા પરની તાજી શાહીના અક્ષરો કોરા કર્યા છે. એ આવે છે એવો જોનારાંની વચ્ચે ઘોડાને લઈ જાય છે. નીચે ઊતરે છે. એક છોગાળા જુવાનના ખભે હાથ મૂકે છે. પેલાની જવાનીને વખાણીને પહેલાં તો અકળાવે છે. પછી એના રુદિયામાં ઈર્ષાનો તણખો પેટાવે છે. ‘જોબનમ્હોર્યા રૂપને આમ એક ઢોલી મ્હાલે?’ જુવાનના હાથની કડિયાળી ડાંગ તરફ વહીવંચો જોઈ રહે છે. જુવાનના કાંડામાં પ્રચંડ જોમ એકઠું થાય છે. એના પગ ઊછળે છે અને એક કૂદકે એ ઢોલીની પાસે પહોંચે છે. ડાંગના એક ઘાથી ઢોલીનું માથું ફાટી જાય છે. લોહીનો ધોધ ઢોલને રંગી દે છે. અહીરાણીઓના પગ થંભી ગયા છે. એમના હાથ એક સાથે ઊંચા થાય છે. પોતપોતાના સૌભાગ્યને સાચવતાં બલ્લૈયાં એમના કપાળ પર પછડાય છે. અને ઢોલીની પાછળ એકસો ને વીસ અહીરાણીઓ ઢળી પડે છે.

કાળો કેર વર્તાઈ ગયો. બધા આહીરો ગામ છોડીને ચાલ્યા ગયા. આજે અહીં એકસો ને વીસ ખાંભીઓ અને એક પાળિયો છે. આ સ્થળને ઢોલી થરનો ઢોળો કહે છે. અહીં કસમયે કોઈ જતું નથી.

મારા યજમાને કહ્યું કે ત્યાં અંધારી રાતે જનારને બીક લાગે છે. જવાન ઢોલી ભવાં ખેંચીને ડંકો કરે છે અને એકસોવીસ અહીરાણીઓનાં બલ્લૈયાંનો રણકો થાય છે. એકસોવીસ ગોરા વાન ઝૂમી ઊઠે છે અને એમનું જોબનગાન આરંભાય છે. એ સાંભળતાં જ ત્યાં જનારના રૂંવે રૂંવે ભય ફૂટી આવે છે.

રાત્રે ઊંઘ મોડી આવી. લગભગ બારેક વાગ્યે ઇચ્છા થઈ આવી કે ઢોલી- થરના ઢોળામાં જઈને ઊભો રહું. જોઉં, શું થાય છે. પ્રેતસૃષ્ટિનો પરિચય નથી. જોવા મળે તો જોઈ લઉં. ઊભો થઈ શક્યો હોત તો જરૂર જાત. ઊંટ પર બેસીને અને ચાલીને દિવસો પસાર થઈ રહ્યા હતા. આદત ન હોવાથી થાક લાગ્યો હતો.

સ્ત્રી-પુરુષ એકબીજા પ્રત્યે સંવેગના બળે પ્રેરાય છે, સમજ કે બુદ્ધિથી નહીં. આ સંબધોમાં સમજથી તો કેવળ નિષેધો ઊભા કરી શકાય. અનુભવ્યા વિના કશું પ્રતીત ન થઈ શકે. પ્રતીત કરવાની વાત પણ પછી આવે. પહેલાં જરૂર છે અનુભવની. હું અનુભવથી વંચિત પુરુષ છું, તેથી જ કદાચ સ્વપ્નમાં આવીને અમૃતા મારી અતૃપ્ત કામનાઓને વારંવાર ઢંઢોળી જાય છે. કેવળ એક સ્વપ્ન પણ મારા નિરધારની કૃતકતા સિદ્ધ કરી જાય છે…….

તાપમાં ફરવાથી આ રીતે થોડું દર્દ થાય તે સમજી શકું છું. ખબર ન પડી કે પેશાબમાં આવું પરિવર્તન કેમ થઈ ગયું અને અસહ્યા દર્દ થવા લાગ્યું. નિરુપાય બનીને ડૉકટરને મળ્યો. જાણવા મળ્યું કે મૂત્રાશયની ત્વચામાં થઈને આમ પિત્ત ઝમતું હોય છે અને તેથી દરદીને લાગતું હોય છે કે પેશાબમાં લોહી છે. પહેલાં અસહ્યા થઈ ઊઠતું દર્દ જીરવી રહ્યો હતો પછી ચિંતા પણ જન્મેલી. ચિંતા એટલે શરીરને સાચવવાનો મોહ… નિરપેક્ષ થવાની વાત કરવી કેટલી સરળ છે ! ઘણાં ઉદાહરણ આપીને એ પ્રશ્નને સમજાવી શકાય. સમજાવવું સહેલું છે, સમજવું મુશ્કેલ છે. હું અમૃતાને સમજાવતો આવ્યો છું. એને સમજાવી શક્યો ત્યારે મને પોતાના વિશે પણ માન થયેલું. પણ જીવ્યા વિના જે બધું સમજીએ તે અધૂરું જ છે.

ડૉકટરે ખૂબ પાણી પીવા કહ્યું. કચ્છની રખડપટ્ટી દરમિયાન પાણી ખૂબ ઓછું પીતો હતો તે યાદ આવ્યું. પીવાની ઈચ્છા ન હતી એમ નહીં, ભાવતું ન હતું. હવે તો પિત્તપ્રકોષ શમી જશે. હમણાં તો પડ્યો જ રહું છું. પ્રવાસમાં તૂટેલી આહાર-વિહારની નિયમિતતા હવે સદી જશે. વ્યવસ્થિત થઈ જવાની કશી ઉતાવળ નથી. પ્રમાદ પણ એક અનુભવ છે.

રણ રોકવાનો પ્રયત્ન પ્રકૃતિ જ કરી શકે. માણસ તો એમનો આશ્રિત છે. છતાં એ વૃક્ષોને કાપે છે. એ આજનો જ વિચાર કરે છે. વર્તમાનને પણ સીમિતરૂપે જ જોઈ શકે છે… ઉદયન પોતાને વર્તમાન ક્ષણોનો ભોકતા માને છે. કવિતા એ ભાગ્યે જ વાંચે છે. કહે છે કે બહુ ઓછી કવિતા એને ફોર્સનો અનુભવ કરાવી શકે છે. એલિયટની ‘વેસ્ટ લૅન્ડ’ અને ‘હોલો મૅન’ એની પ્રિય કૃતિઓ છે. ‘મરુભૂમિ’ અને ‘ખાલી કલેવરો!’ ‘ફોર કર્વાટિટ્સ,માંથી થોડુંક જ સ્વીકારે છે. કદી નહીં ને એક વખત એણે લેટરપેડ છપાવેલું. પ્રાણાલિકા પ્રમાણે એણે એક સૂત્ર પણ છપાવેલું. I said to my soul be still, and wait without hope. પરંતુ આશા વિના રાહ જોવી એટલે શું? કવિ તો કંઈક બીજું જ સૂચવે છે.. જે છે તેથી એને સંતોષ નથી. અર્થાત્ હોવું જોઈએ તે નથી. અને ટૂંકી આશા રાખવાથી એ મળી આવે એવું નિકટ પણ નથી. તેથી ફળની આશા રાખ્યા વિના એ રાહ જોવાનું કહે છે. ગીતાનો સ્વર એલિયટની વાણીમાં ભળ્યો છે! જગત કેવું મોટું અને કેવું એક છે, કવિ પાસે! સમય કેવો અપરિમેય છતાં અખંડ છે, કવિ પાસે! એ તો પ્રારંભમાં જ કહે છે— વર્તમાન અને વિગત, બંને કદાચ ભવિતવ્યમાં ઉપસ્થિત છે. ભવિતવ્ય વ્યતીતમાં સમાવિષ્ટ છે… સઘળો સમય અનંતપણે ઉપસ્થિત હોય તો સઘળો સમય અ-નિવાર્ય છે, ન બચાવી લેવાય તેવો છે. અર્થાત્ એ સમયથી બચી શકાય તેમ નથી. તેથી રાહ જોવી જ રહી. ઉદયન રાહ જોતો નથી, અમૃતાને ઇચ્છે છે. અને નારી તો રાહ જુએ જ છે. વરણી પહેલાં વ્રત કરે છે… ઉદયનને પત્ર લખવો જોઈએ.

પ્રિય ઉદયન,

તને પત્ર લખવાની ઇચ્છા પહેલાં પણ થયેલી. કારણ કે મારે તને કંઈક કહેવું હતું. પરંતુ એ સલાહના પ્રકારનું હતું. તેથી નહીં કહું. આજે પત્ર લખાવો શરૂ થયો જ છે તો તને મારા ભ્રમણ અંગે થોડું લખીશ.

તું જેને શૂન્ય કહે છે તે અહીં છે. રેત, લૂ, વંટોળ, આંધી… વિભિન્ન રૂપે અહીં શૂન્ય વિલસે છે. પાંચ-સાત ફૂટ દૂર ઊભેલો માણસ પણ દેખાય નહીં એવો ‘ધંધુકાર’ પરમ દિવસ છવાઈ ગયેલો. અને તે જ દિવસની રાત રમ્ય હતી. કાલિદાસે ગ્રીષ્મના દિનાન્તને રમ્ય કહ્યો છે તે કદાચ તને યાદ નહીં હોય. પણ પરમ દિવસની સાંજે કાલિદાસની સાથે મને તું યાદ આવેલો. જેસલમેરમાં ડાક-બંગલા આગળ ખુરશી મૂકીને બેઠો હતો. સ્થળના વિસ્તાર અને કાળની ચિરંતનતા વિશે વિચારી રહ્યો હતો. મોડી રાતે ચંદ્ર પણ ઊગી આવ્યો. ચોતરફનો વિપુલ અવકાશ શુભ્ર બની ગયો. આ પુરાણી નગરી પર ચંદ્ર જાણે આત્મીયતા ઝમી રહ્યો હતો. ચંદ્રની જેમ નિકટતા અનુભવવા હું પણ શુભ્ર અવકાશ બનીને આ નગર પર છવાઈ શક્યો હોત તો કેવું સારું! પરંતુ લાગ્યું કે નિગલન શક્ય નથી. પોતાપણામાંથી મુકત થઈને હર્ષશોકથી પર એવી કોઈ અનુભૂતિનું સંધાન મને પ્રાપ્ત થયું નહીં. સાર્વત્રિક ચાંદનીમાં હું એક ટાપુની જેમ અવકાશ અનુભવતો બેસી રહ્યો. પોતાના કેન્દ્રનો ભાર ઓછો થયો નહીં, હું ઊડી શક્યો નહીં… હું જાણું છું કે તને મારા આ ઉદ્ગારો વાચાળ લાગશે. કદાચ તું ખીજાશે. પોતાના કેન્દ્રને સહેજે આંચ ન આવે તે અંગે તું સભાન રહે છે. હું આ સકલમાં કેન્દ્રરહિત વ્યાપ્તિ શોધી રહ્યો છું. તને નવાઈ લાગશે કે હું હમણાં ગતિ અને સ્થિતિનો ભેદ ભૂલવા લાગ્યો છું. અવિકસિત પુષ્પમાં કે વૃક્ષની લચી પડેલી ડાળમાં, કેન્દ્રહીન પાષાણોમાં કે પર્વતોની ધૂસર આકૃતિઓ પાછળ બંધાતી ક્ષિતિજમાં, દોડતા અશ્વની ખરીમાં કે કાચબાની અચંચલ પીઠ પર, ઊંડી ખાઈમાં લુપ્ત ઝરણાની વિરતિમાં કે સામે ધસી આવીને છાવરી લેતા વંટોળમાં હું એક તત્ત્વ એવું જોવા લાગ્યો છું જે સર્વત્ર સમાન છે. એ બધામાં પ્રર્વતિત પ્રાણમયતા વિશે હું વિચારી રહું છું. સૂર્ય સાથેનો મારો સંબંધ અહીં ગાઢ બનતો જાય છે. અહીં સૂર્ય છે, ચંદ્ર છે, માણસો છે. શું નથી? જે અખિલ સૌંદર્યની હું કામના કરું છું તેને સિદ્ધ કરવા પહેલાં તો હું નિજત્વનો સમગ્રમાં વિસ્તાર અનુભવવા મથી રહ્યો છું. તમારી શુભેચ્છાઓ મને ફળી. તારી સાથે બીજા કોઈને યાદ કરું તો તેમાં તને વાંધો નહીં હોય.

તું દિવાળીના વૅકેશનમાંથી થોડો સમય મારી સાથે ગાળવા માટે અનામત રાખજે. જોધપુરથી જોસલમેરની મુસાફરી તને ઘણી ગમશે. 140 માઈલ જેટલો આ માર્ગ કાપતાં આજુબાજુની સૃષ્ટિ જોવામાં તને રસ પડશે. જોધપુરથી પોકરણ સુધી આગગાડી ચાલે છે તેથી માણસો હશે એટલું તો તું સમજી શકશે. રેગિસ્તાનમાં પણ માણસની જીવૈષણા મંદ પડી ગઈ નથી, કદાચ વધુ તીવ્ર છે. શાં શરીર છે અહીંના લોકોનાં! હિન્દુ કે મુસલમાન (ઓળખાય નહીં) સહુનાં શરીર કદાવર, સુંદર પણ લાગે.

બસ-મુસાફરીનો એક પ્રસંગ છે. સવારના અગિયારનો સમય. બસનું એન્જિન ગરબડ કરવા લાગ્યું. ડ્રાઈવર અને કંડકટર મથી રહ્યા. કંઈ વળ્યું નહીં. તાપ વધતો ગયો. પાણી ન હતું. પવન હતો. પવનમાં ઊડતી રેત પણ ગરમ હતી. એક તરફ બેઠેલા પેસેન્જરોના ટોળામાંથી ત્રણ જણ ઊઠયા. ન દેખાય એટલા દૂર ચાલ્યા ગયા. પાછા આવ્યા. એક હરણ મારી લાવ્યા હતા. થોડાંક ઝાંખરાં ભેગાં કરીને સળગાવ્યાં. હરણને શેકવા લાગ્યા. હું ત્યાંથી ઊભો થઈને ઉત્તર દિશામાં આવેલી એક પિલુડી ભણી ગયો. એની ઘટા જમીન સુધી ઘેરાયેલી હતી. હું થડને અઢેલીને બેસી ગયો. નજીકની પિલુડીની છાયામાં બે ગાયો બેઠી હતી. ક્યાંક ક્યાંક સૂકું ઘાસ જોવા મળે છે. અહીંનાં પ્રાણીઓ માટે એના અવાજ સિવાય બીજું કોઈ સંગીત નથી.

સામેથી એક બસ આવી. એમાંથી સામગ્રી મળી અને અમારી બસ ચાલુ થઈ. રસ્તાની દક્ષિણે હરણનાં ભીનાં હાડકાં પડ્ય હતાં, માણસો બરોબર ચૂસી શક્યા ન હતા. અહીં ગીધ ન હતાં, તેથી માણસોએ છોડેલાં પેલાં હાડકાં એમ જ પડી રહ્યાં. બસ ઠીક ઠીક દૂર પહોંચી, પરંતુ હરણનાં બે રૂપ મારા મનમાંથી ખસતાં ન હતાં. એક તો ત્યાં હાડકાં બનીને પડ્યું હતું. બીજું હજુ દોડતું હતું. એના ભગ્ન અવશેષો એક થઈને પાછળથી દોડી આવતા હતા અને બસની સાથે એની ગતિ પણ અનુભવાતી હતી. બસ મોડી હતી તેથી એની ગતિ વધારે હતી. હરણની ગતિમાં આર્તનાદના ધક્કા હતા. હું આંખ બંધ કરું તો હરણનો ચહેરો મને દેખાતો હતો. એની આંખો સાવ માનવીય હતી. એ આંખો એવી ભયાતુર હતી કે જોનાર પણ બેચેન થઈ જાય. હું એ હરણને ભૂલવા મથતો. ભૂલું ન ભૂલું ત્યાં તો ઘણા પાછળ પડી ગયેલા અસ્થિખંડોમાંથી એ ઊભું થઈને અમારી બસને પહોંચી વળતું, અને આગળ થઈ જતું. બસમાંથી ઊતર્યા પછી જ એને ભૂલી શકાયું,

મુંબઈના સમાચાર લખજે. અમૃતાને મારા વતી યાદ કરતો નહીં, હું જ એને પત્ર લખીશ. હવે બે માસ જેટલો સમય પાલનપુર રોકાવાનો છું. સરનામું સાથે મોકલું છું. હું યાદ આવું તો લખજે.

અનિકેત

એક જીપ ખરીદી હોય તો? દિવાળી સુધીમાં આવી જશે? મોડું થાય તો પણ શું? ત્રણ વરસ અહીં ફરવાનું છે, ઉપયોગી થશે. પિતાજીને લખું. મોકલી આપે અથવા જે કંઈ વ્યવસ્થા કરવાની હોય તે કરે.

હાઈસ્કૂલના આચાર્યશ્રીએ સારું થયું કે વર્ગો લેવા હા પાડી. મારાથી પહોંચી ન વળાય, નહીં તો પહેલી શ્રેણીથી છેક સુધી એક જ અધ્યાપક પોતાનો વિષય ભણાવે તો સમય સાથે રહી શકાય. વિજ્ઞાનોમાં તો જે ખોટું પડી ચૂક્યું હોય તે ભણાવાતું હોય છે. હવે એકલું નથી લાગતું. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાવૃત્તિ વધુ લાગી. કદાચ એમનામાં અહોભાવ અને મુગ્ધતા પણ હોય.

અમૃતાને પત્ર લખું? ભૌગોલિક માહિતીમાં એને રસ પડશે? પ્રયત્ન કરી જોઉં.

ઉદયનનો તાર છે. આવે છે. અમૃતા તો સાથે નહીં હોય ને? એ ન હોય તો સારું. ઉદયનને લેવા માટે સ્ટેશન પર જઈશ. સમય એણે લખ્યો નથી, ભલે! એકબે ધક્કા ખાવા પડશે. એ રાહ જોતો નથી પણ બીજાને રાહ જોવડાવે છે. અમૃતા સાથે નહીં જ હોય, નહીં તો સમયની ચોકસાઈ જરૂર જળવાય. વળી અમૃતા સાથે હોય તો ઉદયન તાર કરે જ નહીં, ભૂલી જાય. સ્ટેશન પર વહેલો પહોંચી ગયો હશે અને આકસ્મિક રીતે સૂઝી આવ્યું હશે. એટલે તાર કરી બેઠો હશે. તે દિવસ મને વળાવવા છેવટે પણ સ્ટેશન પર આવી પહોંચ્યો હતો. મને વળાવવા કે અમૃતાને લેવા? આવે છે તો જોઉં કેવો છે એનો વર્તમાનકાળ? એના ચહેરા પરથી તો નજીકનો ભૂતકાળ પણ વાંચી શકાશે.

License

અમૃતા Copyright © by @રઘુવીર ચૌધરી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.