ચાર

અનિકેતે પોતાના અધ્યાપકના પ્રસ્તાવ પર પૂરતો વિચાર કરીને નિર્ણય કર્યો. એમનો પત્ર મળ્યો તે દિવસથી એ અંગે એ કંઈ ને કંઈ વિચાર કર્યા કરતો. જ્યારે નિર્ણય કરવાનો આવ્યો ત્યારે એણે જોયું કે એક નિર્ણય કરવા સાથે બીજી કેટલી બધી બાબતો સંકળાયેલી છે!

રણનો વધતો વિસ્તાર રોકવાના પ્રયોગો માટે અનિકેતના પેલા વૃદ્ધ અધ્યાપક શક્તિશાળી અધ્યાપકોની એક ટુકડી ઊભી કરવા માગતા હતા. વનસ્પતિશાસ્ત્રના વિદ્વાન તરીકે તો અનિકેત જાણીતો છે જ. એના અધ્યાપકને એ પણ ખ્યાલ હતો કે અનિકેત સંયોજક તરીકે પણ સારું કામ આપી શકશે. આ સંશોધનની સંસ્થા એમણે મહામહેનતે સ્થાપી છે. હવે તો સરકારની પણ મદદ મળનાર છે.

અનિકેતને એની કૉલેજના આચાર્ય અને ટ્રસ્ટીમંડળના સભ્યો છોડવા તૈયાર ન હતા. 20 વર્ષની ઉંમરે એ અધ્યાપક થયો. તે પછીનાં છ વરસમાં બહારની કૉલેજોનાં પ્રલોભનો આવતાં, પણ અનિકેત આદરપૂર્વક ના પાડતો. પોતાની કૉલેજના આચાર્યને પણ તે અંગે એ વાત ન કરતો. એ જાણતા જરૂર. અનિકેતના પગારમાં ઇષ્ટ વધારો કરી દેતા. એનો લાભ અનિકેતની સાથે જોડાયેલા અધ્યાપકોને પણ મળતો. એ લોકો અનિકેતની વિદ્વત્તાની પ્રશંસા કરતા અને પોતાની યોગ્યતા વધારવાની ચિંતામાંથી મુક્ત રહેતા.

ઉદયન આ સમાચાર જાણીને સ્તબ્ધ થઈ ગયો હતો. એમ થવા માટેનાં કારણ એકથી વધુ હશે. એ અનિકેતને શાન્ત અને નિષ્કંટક જિંદગી જીવનારો માનતો હતો. એની આ માન્યતા સાવ ખોટી પડી. બીજું કારણ એ કે એના માટે મુંબઈમાં ત્રણ માણસોની વસ્તી હતી – અમૃતા, અનિકેત અને ઉદયન, બાકી તો બધું મુંબઈ હતું. એ ત્રણમાંથી અનિકેત જાય છે તેથી સહેજે ઓછી નહીં એવી ખોટ એણે અનુભવી. એક ત્રીજું કારણ પણ હોઈ શકે. પણ એ તો ખાતરી થાય પછી જ કહેવું સારું.

આ સમાચાર જાણીને અમૃતાએ કેવા પ્રકારની લાગણી અનુભવી તે અંગે ઉદયન કે અનિકેતને હજી કશી ખબર પડી નથી.

અનિકેતનું રાજીનામું સ્વીકારવામાં ન આવ્યું, એને ત્રણ વરસની રજા આપવામાં આવી. આ બધું ત્રીજી જૂને પતી ગયું. ગઈ કાલ ઉદયને અમૃતાને વાત કરીને અનિકેત જાય છે તે પ્રસંગે નૌકાવિહારનો એક કાર્યક્રમ યોજ્યો. આવતી કાલે રાતની ગાડીમાં એ ઊપડે છે.

અમૃતા હમણાં હમણાં પરિવારનાં નાનાં મોટાં માણસો સાથે સમય વિતાવતી. દરરોજ સાંજે એ પોતાના મકાનના આંતરિક બાગના ઝૂલે ઝૂલ્યા કરતી. છેલ્લા ત્રણેક દિવસમાં એણે જલકન્યા વિશે જે કંઈ મળ્યું તે બધું વાંચ્યું.

જૂહુના દરિયાકાંઠે નૌકાવિહારની વ્યવસ્થા નથી. અહીંનો સમુદ્ર ઊંડો છે તેથી અહીં જ નૌકાવિહારની સાચી લિજ્જત મળે એમ માનીને ઉદયન દૂર જઈને એક માછીમારની હોડી લઈ આવ્યો.

અમૃતાના મકાનની પશ્રિમે દરિયો છે. શુક્લ પક્ષમાં સંધ્યાસમય પછી બદલાતું વાતાવરણ જોવાની એને ટેવ છે. સૂર્યનાં કિરણોની ચમક સમુદ્રની સપાટી પર વિદાયના રંગ જમાવી રહી હોય ત્યારે અમૃતા આગાશી પર ઊબી ઊભી નજીક આવેલા અંધકારની કલ્પના કરતી હોય. શુક્લ પક્ષમાં પણ ચાંદની છવાય તે પૂર્વે સૂર્યનો અભાવ સૂચવતી એક ઝાંખપ પોતાની મુદત સાચવી લે છે. પછી ચાંદનીનો ઉજાસ ધીરે ધીરે સંપૂર્ણ પ્રાગટ્યા પામી લે છે. શરૂ શરૂમાં તો સમુદ્ર ચાંદનીના ઉજાસથી લેશમાત્ર પ્રભાવિત ન હોય તેમ નિજમાં નિમગ્ન રહે છે. કાંઠાઓના સ્વાતંત્ર્યને અબાધિત રહેવા દે છે. પણ પછી એક એવો સમય આવે છે જ્યારે આખો ને આખો સમુદ્ર છલકાવા લાગે છે. અમૃતાની આંખોમાં આખો ને આખો સમુદ્ર શમી જાય છે. શમી ગયેલો સમુદ્ર પોતાનું એક પણ સ્પંદન કોઈને ન સંભળાય એ રીતે વર્તે છે.

ઉદયને નાવને જેમ તેમ કરીને ટકાવી રાખી છે. અનિકેત એ તરફ જઈ રહ્યો છે. સમુદ્રના જલથી ભીની રેતી પર જઈને એ ઊભો રહે છે, દષ્ટિને છૂટી મૂકી દે છે. ક્ષિતિજ જોવા ઈચ્છે છે. અત્યારે ચાંદનીમાં ક્ષિતિજ ઓગળી ગઈ હોય તેવું લાગે છે. આકાશ અને ધરતીની કોઈ ભેદરેખા સ્પષ્ટ થતી નથી. સમુદ્ર જ જાણે આગળ વધીને ઊંચો થયો છે અને આકાશમાં રૂપાંતર પામીને વિસ્તર્યો છે. એકત્વના આ અનુભવને – ધરાઆભના ક્ષિતિજરહિત વિસ્તારને એ સમક્ષ રાખવા ઈચ્છે છે. પરંતુ ઉદયન એને બોલાવે છે.

ઉદયને લંગર છોડી નાખ્યું છે. નૌકા પાણી તરફ ધસવા લાગે છે. એ રોકતો નથી. અનિકેત અને અમૃતાને સજ્જ થયેલાં જોઈને એ નૌકાને પાછી વાળે છે.

‘આવી જા, અમૃતા!’

‘લંગર વિનાની નૌકા સ્થિર નહીં રહે. તારાં બે હલેસાંનો આધાર કેટલો?’

‘લે હલેસાં મૂકી દીધાં, લાવ તારો હાથ.’

‘કદાચ બંને જણ ઢળી પડશું અને ઊંધી વળેલી નૌકા આપણને ઢાંકી દેશે.’

‘તો અનિકેત તને બચાવી લેશે. આમ ખમચાય છે શું? ચાલ, પગ ઉપાડ.’

‘ઓહ!’

પગ મૂકતાં જ નૌકામાં અસ્થિરતા જાગી ઊઠી. અમૃતાને કંપી ઊઠેલી જોઈને ઉદયન ખડખડાટ હસી પડ્યો,-

‘આ તો કિનારો છે ભીરુ !’

અમૃતા કંઈ બોલી નહીં. નૌકા વચ્ચેની આડી બેઠક પર એ બેઠી. સંકોચ પામેલાં અંગોને સહજ સ્થિતિ પામતાં વાર થઈ. અનિકેતના મનમાં ઉદયનના મુક્ત હાસ્ય સામે બદલો લેવાની વૃત્તિ જાગી હોય કે પછી કંઈક બીજું વિચારતો હોય, પણ એણે જે રીતે પગ મૂક્યો તે જોઈને તો એમ જ લાગે કે એણે ઘણી બેદરકારી દાખવી. સામે છેડે જઈને સમતુલા જાળવવા ઊભેલો ઉદયન ડોલી ઊઠયો હતો. તે જોઈને તત્ક્ષણ તો અમૃતા પણ સચિંત બની બેઠી હતી. ભૂમિ પર બેસતો હોય તેટલી સહજતાથી અનિકેત ગોઠવાઈ ગયો. એણે ઉદયન તરફ જોયું. વચ્ચે અમૃતા આવી હતી. કેન્દ્રમાં બેઠેલી અમૃતાએ જોયું – બંનેની સાથે સરખું અંતર હતું.

ગતિ.

હાથથી સ્પર્શવાનું મન થાય એવું ચાંદનીભરેલું જલ!

હવા. ગતિ અને ચાંદની. ચાંદની અને હવા. ચાંદનીમાં ગતિ. હવામાં ગતિ. જળમાં ગતિ. તેથી ચાંદની પણ જાણે કે ચંચળ. ત્રણેયના હૃદયને માધુરીનો એકસરખો સ્પર્શ. અસર જુદી જુદી.

અમૃતાએ બેસવાની સ્થિતિ બદલી. અનિકેતને પણ જોઈ શકાય એ રીતે બેઠી.

‘અનિકેત!’

‘હા હું અનિકેત!’

‘તમે સંવેદનપ્રધાન ન કહેવાઓ. તમારામાં સ્પંદન કરતાં બૌદ્ધિક નિયંત્રણ વિષેશ વર્તાય છે.’

‘એમ?’

‘મારી વાત સાચી છે ને ઉદયન?’

‘હું હા પાડીશ તો તું મને સ્પંદનશીલ કહીને બૌદ્ધિક-નિયંત્રણના અભાવવાળો કહી બેસીશ.’

‘કોઈ શું કહી બેસશે એ ભયથી સાચું બોલવાનું છોડી ન દેવાય.’

અમૃતાએ અવાજમાં માધુર્ય ઉમેરીને કહ્યું, જેથી ઉદયન પ્રતિકાર કરવા માટે હલેસાં મૂકી દઈને નાવને રોકે નહીં. એ ન બોલ્યો. કદાચ એ બોલવાનું શરૂ કરે તે પહેલાં અનિકેતે કહ્યું-

‘તમે સંશોધન છોડીને સમીક્ષા કરવા લાગ્યાં.’

હવે અમૃતા બોલે તે પહેલાં ઉદયન બોલ્યો-

‘જે રચી ન શકે તે સમીક્ષા કરે. જોકે અમૃતાને એ પણ આવડે જ છે એવું કહેવાની હું ઉતાવળ નહીં કરું.’

‘હું તો મૌન તોડવા જ બોલી હતી. પણ સાંભળનારાઓ એટલા બધા સભાન કે એમણે પોતાના મનમાં હતા તે જ અર્થ ગ્રહણ કર્યા અને પોતાને એક બાજુ લઈ જવા મારા માથે દોષારોપણ કર્યું.’

‘આપણને ગમે તે અભિપ્રેત હોય, સાંભળનાર તો પ્રગટ થયેલા શબ્દોના જ અર્થ તારવે. વાસ્તવમાં આ તુલના કે સમીક્ષા એ બધાને આપણી હયાતી સાથે કશી સીધી લેવા-દેવા નથી. એ બધાં આપણાં આરોપણ છે. તુલનામાં જે કલ્પિત ભેદ સ્વીકારી લઈને ચાલીએ છીએ તે વસ્તુસ્થિતિને પામવામાં ભાગ્યે જ સહાયક બને. આપણા શબ્દો વધુમાં વધુ એટલું જ પુરવાર કરે કે આપણામાં તુલના કરવાની, વિભાજન કરવાની આવડત છે. માણસને બીજા સાથે સરખાવવાની વાત તો દૂર રહી, એના વ્યક્તિત્વમાં આપણને દેખાતાં બે ભિન્ન પાસાંની પણ તુલના કેન્દ્રથી દૂર લઈ જનારી નીવડે. તેથી નિરપેક્ષ વલણ કેળવવું પડે છે. પણ મુશ્કેલી એ છે કે નિરપેક્ષ વલણની ભૂમિકા સ્વીકારવા કેટલાક તૈયાર નથી.’

‘એવી કોઈ ભૂમિકા છે જ નહીં. નિરપેક્ષ થવાની વાતમાં પણ ઉપદેશ છુપાયેલો છે. છોડો આ બધી થવાની અને બનવાની વાતો. હોવું એ તમારા માટે પૂરતું નથી? હા, તમે તમારા હયાતને દગો દઈને ચાલો એ મને પસંદ નથી.’

અનિકેત ઉદયનને જવાબ આપવા જતો હતો કે તું ઉપદેશનો વિરોધ કરીને આગ્રહ રજૂ કરે છે. એ ન બોલ્યો કારણ કે આકાશમાં એણે એક વાદળી જોઈ.

ઉદયને અનિકેતને હલેસાં સોંપ્યાં. નૌકાનો અગ્રભાગ છેડામાં પરિણમ્યો. ઉદયન બે હાથે એક સાથે હલેસાં ખેંચતો હતો, એટલે કે કરવત ખેંચવાની રીતે. અનિકેત વલોણાની પદ્ધતિએ એક પછી એક હલેસું ખેંચવા લાગ્યો. એણે નૌકાની ગતિ બેવડી કરી દીધી. ત્યાર બાદ ગોળ ગોળ ફેરવીને એક વર્તુળ નક્કી કર્યું. એનું કેન્દ્ર નક્કી કર્યું અને પરિઘની રેખા દોરતો રહ્યો. એક આંટો પૂરો કરે ત્યાં મોટા ભાગનો પરિઘ અદૃશ્ય થઈ જતો હતો. એણે જોયું કે પાણી પર ચીલો પાડી શકાતો નથી. દર વખતે નવી કેડી શરૂ કરવી પડે છે અને પાછળ પાછળ ભૂંસાતી આવે છે તે માનીને ચાલવું પડે છે.

ચંદ્રના પ્રતિબિંબને કેન્દ્રમાં રાખીને એના પરિઘમાં ફરી શકાય કે નહીં? ચંદ્રનું પ્રતિબિંબ આ એક સ્થળે સ્થિર થયેલું છે એવું એ જોઈ શક્યો નહીં. ચંદ્રના પ્રતિબિંબને પણ કેન્દ્રમાં લેવું હોય તો કેવો મોટો પરિઘ યોજવો પડે? આ સાગર પણ નાનો પડે. કદાચ ના. એક નાના ખાબોચિયામાં એ પ્રતિબિંબ પડેલું હોય એની ચોતરફ સહેલાઈથી ફરી શકાય. પણ સમુદ્રની અનંતતાને કારણે જ એ સ્થાનાન્તર પામતું રહે છે.

ઉદયનનું ધ્યાન આ તરફ ન હતું. એ ઘેરાઈ આવવા માંડેલાં વાદળને રસ પૂર્વક જોઈ રહ્યો હતો.

અમૃતાએ જોયું કે અનિકેત શું કરવા મથી રહ્યો છે. એને આટલો બધો મગ્ન જોઈને એ પ્રસન્ન થઈ. એ અનિકેતની સામે સતત જોઈ રહી. અનિકેતને એનો ખ્યાલ આવ્યો. તે જોઈને અમૃતાએ નૌકા પરથી એક તરફ ઝૂકીને પોતાની હથેળીમાં સમુદ્રનું પાણી લીધું અને આંખ સામે ધરી રહી. એમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. અનિકેતે એ પ્રતિબિંબ જોઈ લીધું, જોતો રહ્યો. નૌકાની ગતિ મંદ પડી ચૂકી હતી.

‘તારી હથેલીમાં છે તે પાણી હું પીવા ઈચ્છું છું. આપી શકે તેમ હોય તો હાથ લંબાવ.’

‘તારે પાણી પીવું છે કે પછી મારી હથેલીમાં પાણી છે તે જોઈને તું તરસ્યો થયો છે?’

‘તું કહે તે સાચું.’

‘તો વૉટરબેગમાંથી પાણી હથેલીમાં લઈને તને પાઉં.’

‘એ તો જો અહીં મારા પગ પાસે જ પડી છે. મને તો ખારા પાણીની તરસ લાગી છે.’

ઉદયન કેમ આમ બોલે છે તે સમજવા અનિકેત એના ચહેરાને જોઈ રહ્યો. અમૃતાએ સંકોચ સાથે હાથ લંબાવ્યો. તે ક્ષણે મેઘમાળા ચંદ્ર સુધી પહોંચી ગઈ. અમૃતાની હથેલીમાં ઢળતાં બચેલું પાણી હતું. તેમાં હવે ચંદ્રનું પ્રતિબિંબ ન હતું. એવા કોઈ પ્રતિબિંબની એને પડી પણ ન હતી. એણે તો એટલું જ જોયું કે આ અમૃતાનો જમણો હાથ છે, જે હાથે માણસ બીજાને કંઈક આપે છે. આ હાથ તો ખાલી હોય અને લંબાય તોપણ જોનાર સૌંદર્યની ઉષ્મા અનુભવી શકે. ઉદયન પાણી પી ગયો. આટલી લાલસાથી આ હાથને એણે આ પૂર્વે જોયો ન હતો. હાથ તો પૂર્વપરિચિત હતો પણ આજે એના સ્પર્શથી ઉદયને લાવણ્યનો નશો અનુભવ્યો-

‘તું થાક્યા વિના પાતી જ રહે તો હું આખો સાગર પી જાઉં.’

‘સાગરને તું કોઈ રૂપકના અર્થમાં વાપરતો લાગે છે.’

‘રૂપક વગેરે તો ઠીક પણ તું સમજી ગઈ હોય તો આનંદની વાત છે.’ ઉદયને ઊંચે જોઈને વાક્ય પૂરું કર્યું. આકાશને ઢાંકતો કાળો પટ ચંદ્રને પાછળ મૂકીને ઠીક ઠીક આગળ વધી ચૂક્યો હતો. હવે હવા ન હતી, પવન હતો.

બહાર નીકળી જવાની વાત કોઈએ ન કરી: બોલનાર સલામતી ઇચ્છે છે તેવું જાહેર થવાના ભયથી અથવા તો એમનામાંથી કોઈની બહાર નીકળવાની ઇચ્છા નહીં હોય, મૌન ઘેરાતું રહ્યું. હવે પવન પણ ન હતો – ઝંઝાવાત હતો. આકાશનો એક ટુકડો ચંદ્રની હાજરીની સાક્ષી પુરાવવા પૂરતો ઊજળો હતો પણ હવે ઢંકાઈ ગયો.

ભરતીનો સમય શરૂ થઈ ચૂક્યો હતો.

એક મોજું શમે તે પહેલાં તો બીજું ઊછળતું હતું.

ક્યારે બહાર નીકળવું તે પહેલાંથી નક્કી થયું ન હતું.

પણ હવે? આકાશ આકાશ ન હતું, અંધકાર ઘૂઘવી રહ્યો હતો. પવને વરસાદની આગાહી કરી.

ઉદયને અનિકેતના હાથમાંથી હલેસાં લઈ લીધાં છે. એના ઉત્સાહનો પાર ન હતો. પવન પહેલાં અંજલિ છાંટે તેમ નૌકા પર બે વાર જલધારા છંટાઈ. ઉદયને બુલંદ અવાજથી ગર્જના કરી અને હલેસાં ઝડપથી ખેંચવા લાગ્યો. ઉદયનની ગર્જના અમૃતાને નિષ્ઠુર લાગી. એ આક્રાન્ત થઈ ઊઠી.

‘તું કઈ તરફ હંકારી રહ્યો છે ?’

‘ભરદરિયે.’

‘તો પહેલાં અનિકેતને કાંઠે મૂકી આવ. પછી હું તારી શક્તિ જોવા માટે આ આંધળા સાહસમાં સાથે રહીશ. આ કાળા તોફાનમાં ઝંપલાવવામાં તું સાહસ માનતો હોય તો બલિહારી છે.’

‘આમ ભયભીત શું થઈ જાય છે? આવી નાની નાવને તો ખભે મૂકીને તરતો તરતો તમને બંનેને હું બહાર મૂકી આવી શકું તેમ છું.’

‘તું વ્યાયામવીર છે તેની ખબર છે પણ કહે જો વારુ, આપણો કિનારો કઈ તરફ છે?’ – અનિકેતે પૂછયું.

‘પૃથ્વી ગોળ છે. એને કિનારો ન હોય. દરેકે પોતાનો કિનારો સાથે લઈને ફરવાનું હોય છે.’

‘ફરવા માટે પણ દિશા તો નક્કી કરવી જ રહી ને?’

ઉદયને આ વખતે કશો જવાબ ન આપ્યો. કિનારો નજીક હોય ત્યારે ખબર પડે કે મોજાં એ તરફ ધસી રહ્યાં છે. પણ ભરદરિયે? પવનના તીવ્રતાથી ફૂંકાવાને કારણે અને ઘનઘોર આકાશના વરસવાને કારણે મોજાંની મદદથી કિનારો જડી આવે તેમ ન હતો.

અનિકેત વિચારી રહ્યો હતો: ઉદયનની વાત સાચી છે. નાવ અહીં ઊંધી વળે તો અહીં જ કિનારો! એ આમ વર્તી રહ્યો છે તો શું સાચે જ એનામાં અત્યારે નિર્ભયતા ઊછળી રહી છે? કે ભયનો વિરોધ કરવાનો એ આમ પ્રયત્ન કરે છે? મેઘગર્જના સાંભળીને સિંહ પણ સામે ગર્જના કરે છે. આખું જંગલ, ગુફાઓ પર્વત- બધું એ ઘોષ-પ્રતિઘોષની સૃષ્ટિથી કેવો આહ્લાદ અનુભવતું હશે? ઉદયને પણ આ તોફાનને પોતાના બુલંદ અવાજથી જવાબ આપ્યો.

અમૃતા આ માણસના ઓજસને નથી ઓળખતી?

વીજળીના ચમકારામાં ત્રણેયે એકબીજાના ચહેરા જોયા.

‘અમૃતા, તું ડરી તો નથી ગઈ ને?’

‘ના.’

‘તું અનિકેત?’

‘અરે, લઈ જા દોસ્ત! આજે તો બસ તારો કિનારો એ જ મારો કિનારો. કોઈ પણ દિશામાં લઈ જા, આ સમુદ્રને કિનારો તો હશે જ. આપણી મુશ્કેલી એ છે કે જે આપણી નજીક છે તેને જ કિનારો કહેવા ટેવાયેલા છીએ. જે દૂર છે તેને જુદી સંજ્ઞાઓથી ઓળખીએ છીએ…’

અનિકેત આગળ પણ કંઈક બોલ્યો. પરંતુ મેઘગર્જનામાં એનો ધ્વનિ ભળી ગયો.

વીજળીના ચમકારા પછી તરત જોવા જતાં સમુદ્ર ને આકાશ એકસરખાં કાળાંભમ્મર લાગતાં હતાં. તફાવત બીજા પ્રકારનો હતો. ઉપરનો અંધકાર વેગ- ભર્યો હતો. નીચેનો અંધકાર ઊછળતો હતો. નીચેના અંધકારમાં અમૃતાને નિર્દય પ્રાણમયતાનો સંચાર અનુભવવા મળ્યો. એણે જોયું કે અનિકેત ખોબા વડે નાવનું પાણી બહાર કાઢવાને બદલે પોતાનું બુશશર્ટ અને પેન્ટ કાઢીને એમની મદદથી એ પાણીનો નિકાલ કરતો હતો.

ભયજન્ય સૃષ્ટિમાં જીવતી અમૃતાએ વીજળીના ચમકારા દરમિયાન ગંજી અને જાંઘિયામાં અનિકેતના શરીરને શોભતું જોયું હતું. એટલુ જ નહીં, કંઈક એવું અનુભવ્યું હતું જે તરત ભયમાં ભળી ગયું, નહીં તો તેને નામ આપી શકાત.

‘અરે ઉદયન! તું કિનારે તો નથી લઈ જતો ને?’

‘મને ખબર નથી.’

‘તો જરા ગતિ ઓછી કરીને દિશા નક્કી કરી લેવામાં શો વાંધો છે ?’

‘નાવને દિશાશૂન્ય કરી દેવામાં તારો કંઈ ઓછો દોષ નથી. વાદળ છવાઈ ગયાં ત્યાં સુધી તું શા માટે ગોળ ગોળ ફેરવતો રહ્યો?’

‘એમ! તો તારી સાહસવૃત્તિમાં ચિંતા જન્મી આવી ખરી!’

‘હા, હું મૂંઝાયો છું. હાથમાં થાક પણ વરતાય છે અમૃતા!’

‘લાવ હલેસાં મારી પાસે. હું કિનારા અંગે જ ધ્યાન રાખીને બેઠી હતી. હવે બાહ્યા નિશાની અને આંતર-પ્રતીતિ બંનેના આધારે ચાલી શકીશ.’ એને થયું કે નાવમાં બે જોડ હલેસાં હોત તો કેવું સારું! આંકડા તો ત્રણ જોડ હલેસાં માટેના છે. આ એક નાવમાં અત્યારે ન હોઈએ તો અને ત્રણે જણ થોડાંક દૂર હોઈએ તો એકબીજાને જોઈ પણ ન શકીએ. કેવો ઘોર અંધકાર છે! અમૃતાના હાથ કોઈ કોઈ વાર ભોંઠા પડી જતા હતા. મોજાં પર નાવ ઊછળે તે સમયે હલેસું ખેંચાતાં એ પાણીની બહાર રહી જતું હતું. એના હાથની બંગડીઓ રણકી ઊઠતી હતી. એનું ચિત્ત ક્ષણ માટે નિષ્ફળતાના અનુભવથી વ્યગ્ર થઈ ઊઠતું હતું.

અનિકેતે હલેસાં લઈ લીધાં. ઓછા સમયમાં ઘણું અંતર કપાયું. પાણી બહાર કાઢવાનું મને ફાવતું નથી એમ કહીને ઉદયને હલેસાં માગી લીધાં. થોડોક આરામ મળવાથી એકઠી થયેલી શક્તિને સંકલ્પપૂર્વક બેવડી કરીને એણે નાવની ગતિ વધારી અને મોજાં પર નિયંત્રણ મેળવીને એમનો મનોમન ઉપહાસ કર્યો.

વરસાદ એવો તૂટી પડ્યો કે કોઈ સલામત માણસને ભવ્ય ઉપમાઓ સૂઝી આવે – મેઘ સમુદ્રને શત્રુ માનીને એનું મર્દન કરવા માગે છે, જ્યાંથી અમૃતકુંભ નીકળ્યો હતો, સમુદ્રના તે પેટાળમાં અમૃતાને પહોંચાડી દેવા માગે છે વગેરે.

અનરાધાર વરસાદના એકાએક વધી ગયેલા આક્રોશને જોઈને અનિકેતને કોણ જાણે કેમ પણ એવું પ્રતીત થયું કે હવે વરસાદ બંધ પડી જશે. એણે અમૃતાને કહ્યું પણ ખરું. એને આનંદ થયો.

અમૃતાએ નક્કી કરી આપેલી દિશામાં – મોજાં અને પવનની ગતિની દિશાથી વક્ર ગતિએ ઉદયન આગળ વધી રહ્યો હતો. મોજાંની એક થાપટથી નાવનો આગળનો ભાગ વારંવાર વંકાઈ જતો હતો. આખા શરીરનું જોમ એણે કાંડાંમાં એકઠું કર્યું હતું.

માની લો કે તમે કિનારે ઊભા છો.પેલાં પામ વૃક્ષોની પાસે. સર્વવ્યાપી અંધકારમાં પણ તમે ઊછળતાં મોજાં પર ઝૂલતી વિવશ નાવને જોઈ શકો છો. નાવને પાછળ મૂકી ધસી આવતું મોજું તમારી દષ્ટિ વચ્ચે દીવાલ બને છે. નાવ તમને દેખાતી નથી. તમે ભ્રમને વશ થઈને માની બેસો કે નાવ ગઈ. પણ ત્યાં તો પાછળથી વિના વિલંબે ઊછળતું મોજું નાવને ઊંચકે છે. એ ઊંચકાઈને પટકાઈ, એ ડૂબી…તમે માત્ર દર્શક છો છતાં વિહ્વળ બની જાઓ છો…વીજળીનો મર્મવિદારક ચમકારો તમારી આંખો બીડી દે છે. તોપણ તમે જોઈ લો છો કે ભયથી કંપી ઊઠેલી અમૃતા ‘ઓહ’ કરતી અનિકેતની પીઠને બાઝી પડે છે. નાવ ડોલી ઊઠે છે. એની અસ્થિરતામાં બેહદ વધારો થઈ જાય છે. એમ થવાના કાર્યકારણના સબંધને વીસરવા મથતો ઉદયન ફક્ત હલેસાં તરફ જ ધ્યાન આપે છે. તમે આ પ્રમાણે ધારી શકો કે ન ધારી શકો. પેલાં ત્રણ અત્યારે ચોથા કોઈની હયાતીથી વાકેફ નથી.

વરસાદ બંધ પડ્યો. એ જોઈને ઉદયનનો ઉત્સાહ વધ્યો. એણે જે જોયું અને જે જોઈને એણે કંઈક માની લીધું તે કારણે વીજળીના થોડા સમય પહેલાંના ચમકારા એને પોતાના અંતર્નાદની જ્વાળારૂપે યાદ આવે છે. ઉદયનને હજુ પણ પોતાના નિયંત્રણમાં ન રહેતી નાવ પર ક્રોધ ચડે છે. સમુદ્રમાં કૂદીને પોતાના ખભાના એક ધક્કે નાવને કાંઠે ફેંકી દેવાનું બળ પૂરું પાડે એટલો બધો ક્રોધ એ અનુભવે છે. ક્રોધ બળ નથી એવું એણે કદી સ્વીકાર્યું નથી. હાથના સ્નાયુમાં વરતાતા થાકને એ વીસરી જાય છે અને હલેસાંને વધુ ઊંડાં લેવા લાગે છે.

એક અવાજ થાય છે. એ અવાજ નાવના તૂટવાનો અવાજ છે. જમણા હાથમાંનું હલેસું તૂટી જવાથી એનો હાથ ઉદયનની છાતીમાં વાગે છે. એ હલેસું ખેંચવા જતાં જે બળ અજમાવ્યું હતું એ બળ નાવને એક તરફ નમાવી દે છે. પાણીની સપાટી સુધી ઊંચી એક ખરબચડી શીલા સાથે એનું માથું અફળાય છે. ત્રણે જણ પાણીમાં ફેંકાઈ જતાં હોય તેમ કૂદી પડે છે. અનિકેતના પગે પથ્થર અડે છે પણ એ પથ્થરનો પાણીમાં ચારેક ફૂટ નીચે રહેલો ભાગ હતો.

ત્રણે જણ એકબીજાની ખાતરી કરી લઈને નિરાંત અનુભવે છે. ‘આપણે છેક આવી ગયાં, ઉદયન! આ પથ્થર સુધી તો તું ઘણીવાર તરતો તરતો આવી ગયો છે.’

‘અનિકેત, તું અમૃતાને મદદ કરજે. આ મોજાંઓની ગતિ અસહ્યા છે.’ ઉદયને અમૃતાને જવાબ ન આપ્યો અને અનિકેતને આમ મદદ કરવા કહ્યું તેનું કોઈ ખાસ કારણ નહિ હોય.

અનિકેતે નજીક જઈને અમૃતાને ખભો ધર્યો. એણે આનાકાની કર્યા વિના આધાર ગ્રહણ કર્યો. આ કપડાંમાં પણ એ તરી શકે એમ હતી. ફક્ત એને આ રીતે તરવાની આદત ન હતી.

‘ઉદયન!’

એનો કશો અવાજ સંભળાયો નહીં.

‘ઉદયન, કેમ પાછળ પડી ગયો?’

‘હવે ઉતાવળ નથી.’

અમૃતાનો હાથ ઉદયનના ખભેથી સરકી જતાં જતાં રહી ગયો. તેથી એણે જમણો હાથ અનિકેતના ગળા નજીક મૂક્યો અને ડાબી તરફ ખસી. વારંવાર થઈ જતા અનિકેતના સ્પર્શથી અને સ્પર્શના પરિણામે એનાં અંગોમાં જાગતાં આંદોલનોથી એને લાગ્યું કે પોતે ગૌરવહીન પરિસ્થિતિમાં મુકાઈ છે. તો પછી અનિકેતનો આધાર છોડી દઈને અલગપણે તરતી કેમ નથી? શું એ સ્પર્શ સાથે અસંપ્રજ્ઞાત મનની કોઈ સમજૂતી થઈ ગઈ છે ? અથવા અનિકેતનો આધાર છોડવા જતાં એને ખોટું લાગે તો?

‘ઉદયન, તું કેટલે રહી ગયો? કેમ કંઈ બોલતો નથી?’

ઉદયનને પ્રશ્ન પૂછીને અનિકેત પોતાના મનને એક તરફ વાળવા મથતો હતો? કે પછી એને ઉદયનની ચિંતા હતી?

‘ઉદયન!’

‘કિનારે પહોંચ્યા પછી કહીશ.’

‘તારા અવાજમાં થાક વરતાય છે. તને કંઈ વાગ્યું તો નથી ને?’

‘પછી કહીશ.’

અનિકેત ખમચાયો. અમૃતા પણ સમજી ગઈ હતી કે ઉદયન સરળતાથી તરી શકતો નહીં હોય.

‘એને પેલો પથ્થર તો નહીં વાગ્યો હોય?’ તમે એને સાથ આપો. હું સરળતાથી બહાર નીકળી જઈશ. એક મિનિટ જરા થોભજો. હું સાડીને બરાબર બાંધી લઉં.’

અમૃતાને સાચવીને નીકળી જવાનું કહીને અનિકેત પાછો વળ્યો. એણે ઉદયનને બાવડેથી પકડ્યો કે તરત એનું શરીર શિથિલ થઈ ગયું. એમની વચ્ચે બહુ વાત ન થઈ. બહાર નીકળવાનો પ્રયત્ન કરવાની સાથે સાથે ઉદયનના શરીરને સાચવવાનું હતું. તે દરમિયાન અનિકેતે જાણી લીધું કે ઉદયનના કપાળમાંથી લોહી વહી રહ્યું છે. કપાળના જમણા ખૂણે વાગ્યું હતું. ખૂબ ઉતાવળ કરવાની જરૂર લાગી.

પગ નીચે ધરતી આવી ગઈ ! પાછાં વળતાં મોજાંમાં હવે તો બની શકે એટલું ટકી રહેવાનું હતું. બહાર ધસી આવતાં ત્રણ મોજાંના ધક્કાએ એમને કિનારા પાસે લાવી મૂક્યાં.

વાદળનું આવરણ પાતળું થવા લાગ્યું હતું.

ઉદયન રેતીમાં પગ રોપીને ઊભો રહ્યો. એ શરીરને ઊભું રાખવા માગતો હતો. પણ એક ક્ષણે એની સાવધાની શિથિલ થઈ ગઈ અને એ બેસી પડ્યો.

ચંદ્ર દેખાયો. અમૃતા કપડાં નિચોવતી થોડીક દૂર ઊભી હતી.

ઉદયનનો ચહેરો લાલ લાલ થઈ ગયો છે. અલબત્ત, ચાંદનીમાં લાલ રંગ લાલ ન લાગે; પણ વહીને કાળું પડવા લાગેલું લોહી પણ લાલ રંગનો જ વિભાવ જન્માવે. તેથી અનિકેતને ઉદયનનો ચહેરો લાલ લાગ્યો. એ પાસે બેસીને ઘા કેટલો ઊંડો છે તે જોવા લાગ્યો. ચિંતા કરવાને કોઈ કારણ નથી. એણે કહ્યું સહેજ જુદી રીતે—

‘સહેજે ચિંતા કરવા જેવું નથી. બાકી એક વાત તો કહેવી પડશે દોસ્ત! તેં નાવ પર અદ્ભુત નિયંત્રણ રાખ્યું. આ પ્રસંગ તો યાદ રહી જશે. માણસમાં આવું અસાધારણ શરીરબળ જોઈને પણ મને એના માટે આદર જાગે.’

‘હું આગળ જઈને મારા ફૅમિલીડૉકટરને બોલાવું. તમે શાંતિથી આવો, પણ…’ ગંજી અને જાંઘિયામાં ઊભેલા અનિકેતને જોતાં અમૃતાના ચહેરા પર હાસ્ય છુપાયું નહીં.

‘તું કશી ધમાલ ન કરતી. અનિકેતના એક મિત્ર ડૉકટર છે. એમને અમે બોલાવીશું.’

‘તો તમે કૉર્નર પર આવો. હું ત્યાં સુધી કાર લઈ આવું છું.’

એક ફર્લાંગ જેટલું અંતર હતું. ઉદયન ઊભો થઈને ચાલવા લાગ્યો. વીસેક ડગલાં ચાલીને થંભી ગયો.

‘તને વાંધો ન હોય તો હું તને ઉપાડી લઉં.’

‘હજુ મને થોડો પ્રયત્ન કરી જોવા દે. ચાલતાં ચાલતાં પડી જાઉં તો ઊંચકી લેજે.’

‘પોતાની સાથે આમ ક્રૂરતાથી કેમ વર્તે છે?’

‘ભાનમાં હોઉં ત્યાં સુધી મારે ઓછામાં ઓછું મારું વજન તો ઉપાડવું જોઈએ ને!’

‘એ અંગે વધારે પડતું ભાન રાખવાની જરૂર નથી. હું સહેલાઈથી તને ઉપાડી લઈશ. એક વાર પિકનિકમાં ગયેલા અને એક વિદ્યાર્થી ઝાડની ડાળ તૂટતાં પડ્યો. બીજું કશું સાધન હાજર ન હતું. હું એને લગભગ અડધા માઈલ સુધી ઉપાડીને દોડવાની ગતિએ ચાલ્યો હતો.’

ઉદયન કશુંય બોલ્યા વિના ઊભો રહ્યો. અનિકેતે એને ઉપાડી લીધો.

‘અલ્યા! તારું વજન દેખાય છે તેથી ઓછું લાગે છે.’

‘ગઈ સાલ એકસો પાંત્રીસ રતલ હતું. તે પછી વધવાને કશું કારણ નથી. તારું હમણાં હમણાં વધ્યું હશે! ભલે વધો.’

‘તારી શુભેચ્છાનું રહસ્ય સમજી શકું છું. એકસો પચાસની આસપાસ રહે છે. હું તારાથી શરીરની સંભાળ વધુ લઉં છું એ તું જાણે છે. તેથી મારા માટે એ ગૌરવપ્રદ તો ન જ કહેવાય.’

‘આ તેં બાંધેલો હાથરૂમાલ ઢીલો થઈ ગયેલો લાગે છે. માથામાં સણકા આવે છે. જરા ખેંચીને બાંધ ને.’

અનિકેતે ઉદયનને નીચે ઊતાર્યો. બંને સામસામા ઊભા હતા. રૂમાલ ટૂંકો પડતો હતો. ગાંઠ બરોબર વળી શકતી ન હતી તેથી થોડી વાર થઈ. ઉદયને જોયું કે પોતાની ઊંચાઈ અનિકેત કરતાં લગભગ એક ઈંચ ઓછી હશે. એણે અનિકેતનો ચહેરો આજે રસપૂર્વક જોયો. અર્જુનના એક ચિત્રમાં ચિત્રકારે આવો જ ચહેરો રચ્યો હતો. કશું કહ્યા વિના જ અનિકેત એને ઉપાડીને ચાલ્યો. અમૃતાએ કારનું હૉર્ન વગાડ્યું. હજુ સો ડગલાંનું છેટું હતું.

‘ભાઈ જરા ધ્યાન રાખ ને! આ રૂમાલમાં થઈને મારા બરડા પર તારું લોહી ટપક્યું. તું ત્યાં હાથ રાખે તો શું ખોટું?’

‘હું એવો કાયર નથી’

‘તો આ રીતે તારી નિર્ભીકતાની મારા પર કોઈ છાપ નહીં પડે. સલામતીની કાળજી લેવામાં કાયરતા ક્યાંથી આવી ગઈ ?’

ઉદયને માથે હાથ મૂક્યો. એ પછી બંને કશું બોલ્યા નહીં. અમૃતા આટલી વારમાં કપડાં બદલીને કાર લઈને આવી ગઈ! દોડતી ગઈ હશે.

બંને પાછળની સીટ પર બેઠા. અમૃતા કાર ચાલુ કરે તે પહેલાં અનિકેત બોલ્યો.

‘તમને વાંધો ન હોય તો હું ડ્રાઈવિંગ કરું. તમે ઉદયનની સાથે બેસો.’

‘હા, મને એ ગમશે.’ અમૃતા તુરત બહાર આવી ગઈ. ઉદયનને અડીને બેઠી. એના માથે હાથ મૂકીને જોવા ગઈ. ‘ઓહ્ હજુ લોહી વહે છે!’

આંચકા સાથે કાર ઊપડી. પાછળ બેઠેલાંએ અંદાજથી માન્યું કે ઝડપ સાઠ અને સિત્તેરની વચ્ચે હશે.

તમે બંને ધીમે ધીમે દાદર ચડો હું ડૉકટરને ફોન કરી લઉં. ત્રણ ત્રણ પગથિયાં કૂદતો અનિકેત ઉપર ચડી ગયો. બારણું ઉતાવળથી ખોલવાને કારણે ખખડ્યું. એ દાદર ચડી રહેલાં બંનેએ સાંભળ્યું.

ડૉકટરને જાગીને ફોન પર આવતાં વાર થઈ. ‘જલદી આવો, હું અનિકેત. ઉદયનને માથામાં વાગ્યું છે.’ એટલું કહીને એણે ફોન મૂકી દીધો. ઉદયન સોફા પર જઈને બેઠો ત્યાં સુધી અમૃતા ઉદયનની ભુજા પકડી રહી હતી.

‘હવે તો મૂક! આને એમ છે કે આના ટેકાથી હું આટલે સુધી પહોંચ્યો છું. આને મારા દસમા ભાગનું વાગ્યું હોત તોપણ હજુ સુધી મૂર્છા વળી ન હોત!’

‘કેમ મારો ટેકો તને સદી ન શક્યો?’

‘અરે હું તો એવું ઇચ્છું કે આવું મને રોજ વાગ્યા કરો. તમારું બંનેનું અને ખાસ તો તારું ધ્યાન અત્યારે મારા તરફ કેટલું બધું છે! તને મારી આમ ચિંતા કરતી જોઈને હું હસું છું.’

‘ચાલ, અંદર આવ. કપડાં બદલીને સૂઈ જા.’

પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. ડૉકટર આવ્યા ત્યાં સુધીમાં માથું ધોઈને અનિકેતે ઉદયનને પલંગ પર સુવાડી દીધો હતો. ડૉકટરે બે ઈંજેકશન આપ્યાં. પાટો બાંધ્યો. કેટલું લોહી વહી ગયું હશે તે પ્રશ્નના ઉત્તરમાં ડૉકટરે કહ્યું કે ચિંતા કરવાને કોઈ કારણ નથી. આરામની જરૂર રહેશે. બનતાં સુધી તો ઘા પાકશે નહીં. બીજે ક્યાંય બેઠો માર? ખાસ વાગ્યું નથી ને?

‘આ જે વાગ્યું છે તે પણ ક્યાં ખાસ છે ? તમને મધરાતે જગાડ્યા તે માટે અફસોસ પ્રગટ કરવો કે તમારો ખૂબ આભાર માનવો?’

‘કાલે બપોરે હૉસ્પિટલ પર આવો. સ્ક્રીનિંગ કરી લઉં. પછી આભાર માનજો.’

‘મારે આમ સૂઈ રહેવું જરૂરી છે?’

‘ખાસ જરૂરી.’

ડૉકટરના ગયા પછી ઉદયને પાનાં રમવાની દરખાસ્ત મૂકી પણ બહુમતીથી ઊડી ગઈ. અનિકેતે કહ્યું કે અમૃતાએ હવે જવું જોઈએ. બહુ મોડું થયું છે.

અમૃતા ઘેર પહોંચી ત્યારે દીવાનખાનામાં બ્રીજ રમતાં એનાં ભાઈ-ભાભી અને મહેમાનો બેઠાં હતાં. એમની સાથે થોડું બેસવાની ઇચ્છા થઈ. દ્વાર સુધી પહોંચતાં એણે પોતાનો સંદર્ભ સાંભળ્યો. એ અટકી ગઈ. દાદર તરફ વળી અને પોતાના શયનગૃહમાં પહોંચી ગઈ.

આ સ્થિતિમાં ઉદયન અનિકેતને ઘેર જ રોકાયો. અલબત્ત, અનિકેત એને રોકી રાખે માટે. બાકી ઉદયનનું તો ભલું પૂછવું.

License

અમૃતા Copyright © by @રઘુવીર ચૌધરી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.